Thursday, October 22, 2009

ગૌ ગ્રામ યાત્રાથી વિશ્ર્વ મંગળના નૂતન અભિગમનો પ્રારંભ

માણસની વિકાસ પાછળની દોડે વિશ્ર્વનો વિનાશ ઢુંકડો કર્યો છે. વિકાસના નામે માણસે પ્રકૃતિનું દોહન કર્યું છે, પોતાના શીધ્રગામી લાભો માટે સૃષ્ટિનું શોષણ કર્યું છે. વિકાસના નામે સૃષ્ટાના સૃષ્ટિચક્રને ખોરવી નાખવાનું મહાપાપ માનવે કર્યું છે. જ્યારે માણસને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારે હવે તેણે વિકાસની ખોટી પરિભાષા તરફ દોડવાનો પસ્તાવો વ્યક્ત કર્યો છે. ટકાઉ વિકાસ, ઈકો-ફ્રેન્ડલી વિકાસ કે ઈકો –બ્રધરલી વિકાસના જાપ જપવાના શરૂ કર્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઘણાં દેશો ધ્રુવીય બરફ પીગળવાને કારણે મોટા પ્રમાણમાં પોતાના ભૂભાગો ગુમાવે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. માણસના વિકાસના નામે અમર્યાદિત અને પ્રકૃતિ વિરુધ્ધના જીવનને કારણે પ્રકૃતિએ તાંડવ નૃત્ય શરૂ કર્યું છે. અનિશ્ચિત ઋતુચક્રો વચ્ચે ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી, ક્યાંક પૂર તો ક્યાક દુકાળ, ક્યાંક વાવાઝોડું તો ક્યાંક ભૂકંપ કે સુનામીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. પ્રકૃતિના રૌદ્રરૂપ માટે જવાબદાર માત્ર અને માત્ર માણસ છે. વૈજ્ઞાનિકો આ વાતને પોતાના સંશોધનો દ્વારા અલગ પરિભાષાઓમાં રજૂ કરી રહ્યાં છે. પણ તેનો અર્ક એક જ છે કે આ તમામ બાબતો માટે માત્ર અને માત્ર માણસ જવાબદાર છે અને હવે માણસે પોતાની વિકાસની દ્રષ્ટિ પર્યાવરણ અને પ્રકૃતિ તરફે બનાવવી પડશે. આ તમામ બાબતોના ઉકેલ સ્વરૂપે કેટલાંક લોકો ભારતીય એટલે કે હિંદુ જીવનપધ્ધતિને જોઈ રહ્યાં છે. હિંદુ જીવનપધ્ધતિ ખરા અર્થમાં ઈકો બ્રધરલી છે. તે ટકાઉ વિકાસ આપવા માટે સક્ષમ પણ છે. ગાય અને ગ્રામ તેના બે મહત્વના અંગો છે.
જો કે હિંદુ જીવનપધ્ધતિને છેલ્લી કેટલીક સદીઓથી ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામ અને ગાય ભારતની જીવનપધ્ધતિના આધારબિંદુઓ ભુંસાયા છે. બર્બર મુસ્લિમ શાસકોના જુલમો વચ્ચે પણ ભારતના હિંદુઓએ સંસ્કૃતિને ગાય અને ગ્રામ સાથે જોડી રાખી હતી. ચુસ્તપણે ગાયને પોતાના શ્રધ્ધાબિંદુ તરીકે જાળવી રાખી હતી. પણ મુસ્લિમોના જુલ્મી શાસન બાદ આવેલા અંગ્રેજોના કુટિલ શાસનમાં આ તમામ બાબતોનો છેહ ઉડવા લાગ્યો હતો. લોકો પર અંગ્રેજો નહીં, પણ અંગ્રેજીયત શાસન કરી રહી હતી. લોકો અંગ્રેજીકરણના રંગે રંગાવા લાગ્યા હતા. આ સિલસિલો આજે પણ ચાલુ છે. દેશમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત અને અંગ્રેજીકરણ હજી પણ યથાવત છે. આજે તેના સ્વરૂપો બદલાયા છે. જેને આપણે આધુનિકીકરણ કહીએ છીએ, તે હકીકતમાં પશ્ચિમીકરણ છે. જેને આપણે ગ્લોબલાઈઝેશન કહીને વધાવીએ છીએ, તે વાસ્તવમાં વિશ્ર્વના અમેરિકીકરણ માટેની કુટિલ યોજના છે. જ્યારે સ્વાભાવિક પણે ગ્રામ ભુલાશે અને શહેરીકરણ થશે, ત્યારે સ્વાભાવિકપણે ગાય ભુલાશે અને તેની જગ્યાએ આપણી જીવનપધ્ધતિ સાથે અનુકૂળ ન હોય તેવી બાબતો જોડાશે. ભારતે જો પોતાની જીવન પધ્ધતિને અનુકૂળ આધુનિકીકરણ કર્યું હોત, તો ભારતની કોઈપણ રીતે અધોગતિ શક્ય ન હતી. ગાય ભારતીય જીવનમાં એવી રીતે વણાયેલી છે કે જેના માટે પવિત્ર શબ્દ પણ નાનો પડે તેમ છે. જ્યારે વેદો અને પુરાણોમાં ગાયને પવિત્ર ગણવામાં આવી હતી, ત્યારે તેના માનવજીવની ઉપયોગી થવાની તેના જીવનનો આધાર બનવાની લાક્ષણિકતા કારણભૂત હશે. વેદો પુરાણોએ આ લાક્ષણિકતાને માત્ર એક શબ્દમાં વર્ણવી અને તે શબ્દ છે, પવિત્ર. પણ આજે આપણે આપણી જીવનપધ્ધતિના મૂળ આધારને ભૂલી ગયા છીએ અને ભ્રમિત થઈ ગયા છીએ. જેના કારણે પશ્ચિમ અને અમેરિકી વિચારકો, ચિંતકો અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી વિકાસની ખોટી પરિભાષાઓની ભ્રમણામાં ભ્રમિત બન્યા છીએ. આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ પણ આપણો નથી, તે પણ પશ્ચિમ કે અમેરિકી છે. કારણ કે મોટાભાગનું આધુનિક વિજ્ઞાન ત્યાં જ તો વિકસિત બન્યું છે. જો આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ આપણો હોત, તો આપણે પ્રકૃતિભંજક વિકાસની પરિભાષાને શરૂઆતથી જ નકારી હોત. આપણે કોઈ જ આધુનિકતાનો કે ખરા અર્થમાં વિકાસનો વિરોધ કરવાનો નથી. પણ જ્યાં સુધી આપણા અભિગમનો સવાલ છે, ત્યાં સુધી આપણે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં વિકાસ અને વિજ્ઞાન-ટેકનોલોજીને ઢાળી શક્યા છીએ? જો આમ ન થયું હોય અને હવે જેમણે પ્રકૃતિની પ્રણાલીને ધ્વસ્ત કરી છે, તેઓ કહેતા હોય કે આ વિકાસ પર્યાવરણમિત્ર તરીકે કરવો જોઈએ. તો તેઓ કેટલા ખોટા હતા, તે સમજીને આપણા સાંસ્કૃતિક મૂલ્યો તરફ આપણે પાછા ફરવું જોઈએ. તેનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે પાછા અઢારમી સદીમાં જઈશુ કે વિકાસ વિરોધી થઈ જઈશું.
હાલમાં વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા થકી સાંસ્કૃતિક મૂલ્યોના આધારસ્તંભ સમા ગાય અને ગૌની પુર્સ્થાપના માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ એવી યાત્રા છે કે જે 108 દિવસ પછી નાગપુરમાં સ્થૂળ સ્વરૂપે પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહેશે. જો આમ નહીં થાય તો આ યાત્રા કાઢવાના ઉદેશ્યોની પૂર્તિ નહીં થઈ શકે. વૈશ્વિકરણના દોરમાં દુનિયાને ગ્લોબલ વિલેજ એટલે કે વિશ્ર્વ ગ્રામ તરીકે જોવામાં આવે છે. પણ તેમાથી ગામડાઓને બાકાત રાખવામાં આવ્યા છે. ગામડા આજે ભાંગીને ભુક્કો થઈ રહ્યાં છે. સિમેન્ટ કોંક્રીટના જંગલની જેમ શહેરો વિકસી અને વિસ્તરી રહ્યાં છે. ભારતમાં આઝાદી સમયે 90 ટકા વિસ્તારો ગ્રામ્ય હતા. આજે ભારતમાં ગ્રામ્ય વિસ્તાર 65થી 70 ટકા વચ્ચે સમેટાઈને રહ્યો છે. વળી આ વિસ્તાર દર વર્ષે ઘટી રહ્યો છે. આઝાદી કાળે ભારત સરકારની દ્રષ્ટિ ગ્રામોન્મુખ હતી. પણ હવે તેની દ્રષ્ટિ ગ્રામોન્મુખ કે કૃષિ તરફી રહી નથી. જેના પરિણામે હજારો ખેડૂતોની આત્મહત્યાના બનાવો બન્યા છે અને આ બનાવો કરોડો રૂપિયાના રાહત પેકેજ બાદ પણ બની રહ્યાં છે. ત્યારે અત્રે એ સમજવું જરૂરી છે કે આ તમામ દુષ્પરિણામો ભારતના રાષ્ટ્રીય એકમ સમા ગામડાંઓ ભાગવાના કારણે આવ્યા છે. ગામ ભાંગવાની સાથે ગૌ આધારિત જીવનપધ્ધતિને અલવિદા કહેવાઈ છે. બળદને સ્થાને ટ્રેકટર, ગાયના દૂધને સ્થાને મિલ્ક પાવડરનું દૂધ, અને અન્ય ગૌપેદાશોના સ્થાને આધુનિક ગણાતી વસ્તુઓએ પોતાની જગ્યા કરી લીધી છે.
ત્યારે જરૂરી છે કે લોકોના બદલાયેલા માનસને સાચી દિશા સાંપડે, એવી દિશા કે જે ગ્રામોન્મુખી હોય, દેશના આત્માને પુલકિત કરનારી હોય. આ માટેનો પ્રયત્ન છે વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા. પણ આ યાત્રાને માત્ર એક યાત્રા તરીકે લેવાશે, તો તેમાથી તેના કોઈ હેતુ પાર પડવાના નથી. યાત્રા એક સ્થૂળ પ્રવૃતિ છે, તેની પાછળ સુક્ષ્મ પ્રવૃતિ એ છે કે જેનાથી લોકોના દિલ-દિમાગમાં ગ્રામ અને ગાય ફરીથી એ જ સ્થાન પામે કે જે સ્થાન આઝાદી સમય સુધી રહ્યું હતું. અંગ્રેજીયતથી પ્રેરાયેલા નેતાઓ અને નીતિ-નિર્ધારકોએ દેશના વિકાસનું અંગ્રેજીકરણ કર્યુ છે. અને આ પ્રવૃતિ હજીપણ ચાલુ છે. દેશના જીડીપીમાં એક સમયે કૃષિ અને કૃષિઉદ્યોગોનો બહુ મોટો ફાળો હતો. આજે આ ફાળો સંકોચાઈ રહ્યો છે. તેના માટેની અનામત રકમ ઘટાડી દેવામાં આવી છે. તેના સ્થાને ઔદ્યોગિકરણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે ઔદ્યોગિકકરણના અભિગમમાં પાયાનો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં કૃષિ અને પશુપાલન આધારિત ઔદ્યોગિક પ્રગતિ કેમ થઈ નથી? આપણે ત્યાં હાલમાં આવેલા ઉદ્યોગોએ કૃષિ અને પશુપાલનનું તો નિકંદન કાઢયું છે. સાથે સાથે આપણી પર્યાવરણ મિત્ર જીવનપધ્ધતિનું પણ નિકંદન કાઢયું છે. જરૂર જણાય તેટલા ઉદ્યોગો બિનખેતી કે બિનપશુપાલન આધારિત હોય શકે છે. પણ માણસની નાની નાની જરૂરિયાતો માટે અલગ-અલગ કોસ્મેટિક ચીજ-વસ્તુઓના સ્થાને ગોઆધારિત અને કૃષિઆધારિત બાબતોને આધાર બનાવી શકાયો હોત. પણ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી વિકાસ માટેની ઉધારની દ્રષ્ટિએ આપણને આમ કરતા રોક્યા છે. પણ વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા એક એવો અવસર છે કે જેના થકી આપણે આપણી જીવનની જરૂરિયાતો માટે ગૌ ગ્રામને આધાર બનાવી શકીએ તેમ છીએ.
ભારતે મિલ્ક ફેડરેશન થકી શ્ર્વેત ક્રાંતિ જોઈ છે. જેમા ગાય અને ભેંસ બંનેના દૂધનો સમાવેશ થઈ જાય છે. ગાયનું દૂધ કેટલું પવિત્ર છે અને ગાયના બીજા કેટલા ધાર્મિક ઉપકર્મો છે, તે ચર્ચાથી દૂર જઈને વાત કરીએ તો, આપણે ગૌ આધારિત એક પણ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા નથી. આના માટે કોઈ ખાનગી ઉદ્યોગગૃહ તો સામે આવ્યું નથી. પણ સરકાર પણ સામે આવી નથી. સ્વતંત્રતા આંદોલન વખતે અને તે પહેલા આપણા જનનાયકો ગાયને માટે કેવી લાગણી ધરાવતા હતા, તે આપણે સૌ જાણીએ છીએ. પણ આ લાગણીને જાળવી રાખીને તેના જતન માટે તેમના તરફ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આઝાદીના આટલા સમયગાળામાં આપણે એક પણ ગૌ આધારિત ઉદ્યોગને વિકસાવી શક્યા છીએ?! હા, સરકાર એક ઉદ્યોગ અવશ્ય વિકસાવી શકી છે અને તે છે ગૌ વંશની કતલ માટે 38,000 કતલખાનાઓને માન્યતા આપવી!!! આ એ જ ભારત છે કે જ્યાં ગોપાલે ગાયો અને ગોભક્તોના જતન માટે ગોવર્ધનનું સંધાન પોતાની કનિષ્ઠિકા પર કર્યું હતું. ગાંધીજીએ પણ ગોહત્યાને પોતાની હત્યા સમાન ગણાવી હતી. તેવા ભારતમાં અનેક ગ્રામ્ય યોજનાઓ ચાલી પણ ગોઆધારિત ઉદ્યોગોની યોજના કેટલી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ આગળ વધારી? તેનું પ્રમાણ શું હતું ? તેની પાછળ કેટલાં નાણાંની ફાળવણી કરવામાં આવી?, તે પ્રશ્નો હજી પણ અનુત્તર રહ્યાં છે.
ગાયનું દૂધ જેટલુ ઉપયોગી છે, તેટલું જ ગાયનું ગોબર અને મૂત્ર પણ ઉપયોગી છે. તેના ભારતીય જીવનમાં આધુનિકતાના આધારે ઉપયોગ માટેની કોઈ વ્યવસ્થા આપણે હજી સુધી કરી શક્યા નથી. ગાયના મૂત્રમાંથી આયુર્વેદિક દવાઓ અને કીટનિયંત્રકો બનાવી શકવાની ક્ષમતા હોવા છતાં કેટલાંક નાના પ્રયત્નોને બાદ કરતાં તેના માટે કરવાનું ઘણું બાકી રહ્યું છે. આજકાલ કેટલાક આશ્રમો અને દવા કંપનીઓ ગાયના મૂત્ર અને બીજી ગૌપેદાશોને માનવીના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવી શકાય તેવી દવાઓનું નિર્માણ કરી રહી છે. પણ હજી પણ તેના પર વૈજ્ઞાનિક સંસોધનનો કરીને નવી બાબતો બહાર લાવી શકાય તેમ છે. પણ તેના સંસોધન માટેના ખર્ચ અને તેના સંસોધન માટેની વૃતિ પેદા કરવા માટેનું કોઈ મિકેનિઝમ આપણે ઉભું કરી શક્યા નથી.
ગાયનું છાણ કાચું સોનું છે. મિલ્ક ફેડરેશનનો થકી શ્ર્વેત ક્રાંતિ થઈ શકી છે. ત્યારે ગાયના છાણના ગુણ પણ ક્રાંતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ગાયના છાણમાંથી જૈવિક ખેતી માટેનું ખાતર, ગોબર ગેસ, વાહન ચલાવવા માટેનો ગેસ, વીજ જરૂરિયાતો માટેની વીજળી પેદા કરવી વગેરે બનાવી શકાય છે. ગાયના છાણમાં રેડિયો એક્ટિવિટી કે અણુરજ સામે રક્ષણ પૂરુ પાડવાની ક્ષમતા છે. ત્યારે આવા સંદર્ભોથી ભારતમાં કેટલા સંશોધનો ચાલી રહ્યાં છે? તેમાથી કેટલા સંશોધનોને ઉદ્યોગોના સ્વરૂપમાં બદલી શકાય છે? તે સંદર્ભે સરકારની અને લોકોની આજ દિન સુધી ઉદાસિનતા રહી છે. જો કે નાના સ્તરે ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાના, વીજળી પેદા કરવાના અને અન્ય પ્રયોગો થઈ રહ્યાં છે. તે સફળ પણ રહ્યાં છે. પણ આ પ્રયોગો વ્યાપક પ્રમાણમાં થાય અને વ્યાપક પ્રમાણમાં સફળ બને તે માટે કોઈ પ્રયત્નો થયા નથી કે તે ઓછા થયા છે. ગાયના ગોબરમાંથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરી શકવાની ક્ષમતા કે તેવી શક્યતા હોય તો તેને સંશોધિત કરીને દેશની સામે એક મોડલ મૂકવુ જોઈએ. જેના માટે સરકારી કે ખાનગી રાહે પ્રયત્નો કરવા જોઈએ. આ માટેના મોડલ બનાવવાનો ખર્ચો અને તેની અસરકર્તાથી લોકો માહિતગાર હોવા જોઈએ. આવા પ્રયત્નો માટે કોઈ ઉદ્યોગગૃહો સામે આવે તો આ મોહિમ લોકભોગ્ય બનાવવા માટે સફળતા મળે.
ઉદાહરણ તરીકે ગાયના ગોબરમાંથી અલગ અલગ પ્રકારે ઉર્જા જરૂરતો પૂરી કરી શકાય તેમ છે, તે સામુદાયિક રીતે અને વ્યક્તિગત રીતે તે પૂરી કરવા માટેના સંશોધિત મોડલો લોકો સામે મૂકાય તે માટે કોઈ મિકેનિઝમ ઉદ્યોગગૃહો અને સરકારની મદદથી ઉભા કરી શકાય છે. આવા મોડલ જો સફળ થાય તો તેના આધારે મિલ્ક ફેડરેશનની તર્જ પર ગોબર ફેડરેશન બનાવી શકાય છે. તેના દ્વારા લોકોની ઉર્જા જરૂરિયાતો પ્રદૂષણ વગર, ઓછા ખર્ચે પૂરી કરી શકાય તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ગોબરમાંથી જૈવિક ખેતી માટે અને જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા માટે જૈવિક ખાતર પણ બનાવી શકાય છે. તો જૈવિક ખેતીના પ્રોત્સાહન માટે ગોબર ફેડરેશનોને કાર્યરત કરી શકાય છે. આજે લોકોની જીવનશૈલી એવા પ્રકારની બની છે કે શહેરોમાં લોકોના ઘરમાં શ્ર્વાન પોષાય શકે છે, પણ ગાયને ઘરમાંથી રૂખસદ મળી છે! ત્યારે લોકોના જીવનમાં ગાય સ્થાન પામે તે માટે ગોઆધારિત ઉદ્યોગો અને પેદાશોને લોકોના જીવનમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા પડશે. ત્યાર બાદ લોકો ગાયને પણ પોતાના જીવનમાં ફરીથી સ્થાન આપશે.
સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે, તેનાથી રુડું કંઈજ નથી. પણ તે સાચા અર્થમાં રાષ્ટ્રીય પશુ બને તેવા પ્રયત્નો તેના રાષ્ટ્રીય પશુ બનતા પહેલા અને ત્યાર બાદ પણ જારી રાખવા પડશે. વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાના 108 દિવસે યાત્રાની સમાપ્તિ ખરી પણ તે તેના સ્થૂળ સ્વરૂપે સમાપ્તિ હશે. આ યાત્રા બાદ ગૌ આધારિત ઉદ્યોગોના મોડલ અને ગોપેદાશોના વ્યક્તિગતજીવનમાં ઉપયોગ માટેના કોઈ મોડલની પ્રદર્શની ગોઠવીને લોકોને ગાય તરફ આકર્ષી શકાય તેવી મોહિમ આગળ ચાલુ રાખી શકાય તો તે ગૌ ગ્રામને ભારતીય જીવન સાથે જોડવાના નૂતન અભિગમનો પ્રારંભ હશે. ગોઆધારિત ગ્રામ્ય સ્વરાજની કલ્પનાને ગ્લોબલાઈઝેશનના કાળમાં સાકાર કરવા માટે કોઈ એકશન પ્લાન તૈયાર કરી શકાય કે કેમ? આ એક એવી લડાઈના મંડાણ છે કે જે માત્ર હિંદુ સભ્યતાના અસ્તિત્વ માટે જ નહીં પણ વિશ્ર્વ અને માનવ સભ્યતાના અસ્તિત્વ માટેનું કેન્દ્રબિંદુ અને મૂલ્યબિંદુ છે. ગૌ ગ્રામ આધારિત ભારત અને વિશ્ર્વ સંપૂર્ણપણે પર્યાવરણ મિત્ર હશે, પ્રકૃતિ સાથે તેમને કોઈ સંઘર્ષ નહીં હોય. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ સ્વકેન્દ્રી ન રહેતા સહઅસ્તિત્વકેન્દ્રી અને પર્યાવરણકેન્દ્રી બની જશે. જેના કારણે જીડીપી આધારિત વિકાસ માનાંકો બદલાશે અને વ્યક્તિ માનવ કેન્દ્રી વિકાસ માનાંકો સ્થાન ગ્રહણ કરશે. યાત્રાના 108 દિવસ દેશની મૂલ્ય પ્રાપ્તિ માટેની આગામી યાત્રાની જમીન તૈયાર કરશે. વિશ્ર્વ મંગળ યાત્રા ગૌ અને ગ્રામના ભારતીય જીવનમાં પુનર્પ્રસ્થાપન સુધી ચાલુ રહેશે. આ જ તો વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાનો તાર્કિક અંત હોઈ શકે છે. તેના માટે જનજાગૃતિની સાથે ઉધાડી આંખે ઉંઘતી સરકાર અને નાણાં રળવામાં પડેલા ઉદ્યોગગૃહો પોતાની દ્રષ્ટિ બદલે તે અત્યંત આવશ્યક છે.

No comments:

Post a Comment