Saturday, October 29, 2011

રાજનીતિ નહીં, રાજકારણીઓ ગંદા!


-આનંદ શુક્લ

ભારતમાં રાજ્યને સમાજ અને સમાજને ધર્મ સંચાલિત કરતો આવ્યો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. આઝાદી પછી રાજ્ય સમાજને અને સમાજ ધર્મને સંચાલિત કરી રહ્યો છે. ભારતમાં રાજ્ય સમાજની બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે. સમાજ તેને કારણે પોતાની ધાર્મિક પરંપરાઓ અને આધુનિકતાને કારણે શ્રદ્ધા-આસ્થાની બાબતો સાથે બાંધછોડ કરી રહ્યો છે. ભારતમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે રાજ્ય મોટાભાગે હિંદુ સમાજની સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હિંદુ કોડ બિલ, મંદિર-હિંદુ ધાર્મિક ટ્રસ્ટોને સરકારની જદ્દમાં લેવા વગેરે પ્રવૃતિઓ પૂરજોરમાં ચાલી રહી છે. ભારતમાં ગોહત્યા હંમેશાથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે, ગોહત્યા સૌથી મોટું પાપ છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પાપનું પ્રાયશ્ચિત છે. પરંતુ ગોહત્યાના પાપનું પ્રાયશ્ચિત ઘણું અઘરું છે. પરંતુ આઝાદી બાદ કથિત વિકાસના માર્ગે પ્રગતિની હોડમાં ભારતમાં ગોહત્યા પ્રત્યેની હિંદુઓની ધાર્મિક સંવેદનશીલતાને ખતમ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્રકારી વલણ અખત્યાર કર્યું છે. આજે ભારતમાં ગોહત્યા અઢી લાખ કરોડ રૂપિયાનું સ્થાપિત હિત બની રહ્યું છે. વિકાસના નામે રસ્તા પરની કબરો-ચર્ચો એમના એમ રહે છે, પરંતુ હિંદુ આસ્થા કેન્દ્રોને તોડી નાખવા ભારતના રાજકારણીઓની નવી ફેશન છે. હિંદુ આસ્થા સંદર્ભે કોઈ વાત કહેવી કોમવાદી ગણાય છે. હિંદુઓને હવે તો દરેક હુલ્લડો માટે દોષિત ઠેરવવા માટેનો કાયદો પણ કેન્દ્ર સરકાર લાવવા માંગે છે.

ધર્મને કારણે સમાજની એક ખાસ બાંધણી હતી. પરંતુ રાજ્યના સક્ષમ અને સબળ થવાને કારણે સમાજની બાંધણી વિખાઈ છે. તેમાં રાજ્યનો સૌથી મોટો ફાળો છે. આ રાજ્ય નામની સંસ્થા પર સમાજની પકડ ફરીથી સ્થાપિત થાય અને સમાજ પર ધર્મની પકડ પુનર્પ્રસ્થાપિત થાય તેના માટે રાજનીતિ જ સૌથી વધારે યોગ્ય રસ્તો છે. પરંતુ ભારતમાં રાજનીતિ પ્રત્યે ઉપેક્ષા, દુર્લક્ષ અને અનાદરની ભાવના છે. રાજનીતિને નીચા દરજ્જાની ગણવામાં આવે છે. તેના કારણે રાજનીતિમાં સારાં માણસોનું જવું ઘણું ઓછું થઈ ગયું છે. રાજનીતિમાં રહેનારા રાજકારણીઓને ભારતમાં ખૂબ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. ભારતના રાજનીતિ પ્રત્યેના દ્રષ્ટિકોણને કારણે અહીંની રાજનીતિ તેના ભ્રષ્ટ આચારના સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. ભારતની રાજનીતિ આજે અપરાધ, ભ્રષ્ટાચાર અને દેશહિત વિરોધી બાબતોથી સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. ભારતનો રાજનીતિ પ્રત્યેનો આ દ્રષ્ટિકોણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધારે વિકટ બનશે. રાજનીતિને ગંદી ગણવાને કારણે કોઈ સારો અને સજ્જન વ્યક્તિ તેમાં ગંદો થવા માટે તૈયાર નથી. તેના કારણે રાજનીતિમાં ગંદગી વધી રહી છે. ભારતે રાજનીતિને સ્વચ્છ બનાવવા માટે પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. ભારતે રાજનીતિને ચોખ્ખી બનાવવા માટે તેમા રહેલી ગંદગીને સાફ કરવા માટે ગંદા થવાની હિંમત ધરાવતા વ્યક્તિઓને કીચડમાં ઉતારવા પડશે. આ ઘણું હિંમતનું કામ છે કે ગંદગીમાં ઉતરીને તેને ઉલેચીને સ્વચ્છતા ઉભી કરવી. આમ કરનાર વ્યક્તિને સમાજ કદાચ હાલ પૂરતો સારી નજરથી જોશે નહીં. પરંતુ આગળ જતાં આવા વ્યક્તિની કિંમત સમાજને જરૂરથી માલૂમ પડશે.

હકીકતમાં રાજનીતિ હાલના સંજોગોમાં જનકલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. રાજ્ય અત્યારે સૌથી પ્રભાવી સંસ્થા થઈ ગઈ છે. ત્યારે રાજ્ય પર સમાજનો અને સમાજ પર ધર્મનો પ્રભાવ રહે તેના માટે વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે રાજનીતિ દ્વારા રાજ્ય પર વર્ચસ્વ મેળવવું પણ આવશ્યક છે. લોકોને સમજાવવાની જરૂર છે કે રાજનીતિ સ્વત્ ખરાબ નથી. રાજનીતિ તેમા આવેલા સ્વાર્થી અને ટૂંકી દ્રષ્ટિના ગંદા માણસોને કારણે ગંદી બની છે. રાજનીતિ ફરીથી સ્વચ્છ અને જનકલ્યાણનું સૌથી સશક્ત માધ્યમ બની શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે રાજનીતિમાં ગંદા માણસોનો પ્રભાવ દૂર કરીને સારાં માણસોનો પ્રભાવ વધારવામાં આવે. આમ કરવાથી રાજનીતિ સ્વચ્છ બનશે અને તેના મૂળ ઉદેશ્યને પાર પાડવા માટે કામ કરી શકશે.

દંભી લોકો અને દંભી સંગઠનો પોતે રાજકીય ન હોવાની વાત કરે છે. પરંતુ તેમણે અખત્યાર કરેલા રસ્તા અને વિકલ્પોનો પ્રભાવ એટલો નથી કે જેનાથી રાજનીતિ પર વર્ચસ્વ જમાવીને તેને જનકલ્યાણ અને સત્યના માર્ગે પાછી લાવી શકાય. રાજનીતિ દંભી લોકો અને સંગઠનોના વિકલ્પોને પણ વટલાવી નાખે છે. તેના કારણે રાજનીતિનું સમાજકરણ અને સમાજનું ધાર્મિકીકરણ કરવું આવશ્યક છે. ધર્મનો અર્થ કર્મકાંડ, વિધિ-વિધાન અને પરંપરાઓ સુધી સીમિત નથી. ધર્મ આ બધી બાબતો સાથે નૈતિકતા, મૂલ્ય અને સિદ્ધાંતને પણ આવરી લે છે. તે જીવન શૈલી અને જીવન પદ્ધતિના દરેક આયામને પોતાનામાં સમાવિષ્ટ કરે છે.

ભારતમાં રાજનીતિને નીચી ગણવાની શરૂઆત લગભગ બારસો વર્ષ જૂની હશે. બાકી ભારતમાં રાજનીતિને કલ્યાણનીતિ તરીકે વેદ, રામાયણ અને મહાભારતમાં જોવામાં આવી છે. ભારતની રાજનીતિના સિદ્ધાંતો મનુ, શુક્રનીતિ, વિદૂરનીતિ અને ચાણક્ય નીતિથી દ્રષ્ટિમાન થાય છે. રાજનીતિ કેટલી ઉદ્દાત છે અને તેની શું શક્તિ છે તથા આ શક્તિનો આવિર્ભાવ કરીને તેને લોકકલ્યાણ માટે કેવી રીતે વાપરી શકાય તે ભારતના મહાન ઋષિ-મુનિઓ અને રાજકીય વિચારકોએ જણાવ્યું છે. ચાણક્યના રાજનીતિ સૂત્રો આધુનિક રાજનીતિ સૂત્રો કરતાં પણ વધારે ગહન છે. ભારતમાં મુસ્લિમ આક્રમણો વખતે ભારે રક્તપાતને કારણે લોકોનો રાજ્ય, રાજા અને રાજનીતિ પરથી મોહભંગ થયો હતો. રાજ્ય, રાજા લોકોની રક્ષા કરવામાં સક્ષમ રહ્યાં નહીં અને સત્તા વિધર્મીઓના હાથમાં જવાથી રાજ્ય અને રાજનીતિ નીચતા અને અધમતાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી. જેના કારણે રાજનીતિ પ્રત્યે અલિપ્તતાએ રાજનીતિ માટે ઉપેક્ષા, અણગમો, દ્વેષ અને દુર્લક્ષ સહીતના અનાદરની શરૂઆત કરી હતી. આ વૃતિ આઝાદી પછી પણ આજે ચાલુ છે. મહાત્મા ગાંધી ચૂંટણીના રાજકારણથી અલિપ્ત રહ્યાં અને મહાત્મા તરીકે પંકાયા. મહાત્મા ગાંધીએ આઝાદ ભારતમાં કોઈપણ સરકારી પદ ગ્રહણ કરવાની વાતને સ્વીકારી નહીં. તેમની આવી વૃતિને કારણે તેઓ બિનરાજકીય ગણાયા અને રાષ્ટ્રપિતાના સર્વોચ્ચ સમ્માનને પામ્યા. પદ લાલસા વગર કામ કરવાની પરંપરામાં જયપ્રકાશ નારાયણને લોકનાયકની ઉપાધિ આપવામાં આવી. લોકનાયકે કટોકટીની લોખંડી સાંકળોને તોડીને ઈન્દિરા ગાંધીની તાનાશાહીથી દેશને આઝાદ કરાવ્યો હતો. હકીકતમાં ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલી આંતરીક કટોકટીને લોકનાયકની આગેવાની દ્વારા થયેલા આંદોલનમાં ઉઠાવી લેવી પડી તે દેશની બીજી આઝાદી છે. અણ્ણા હજારે અત્યારે જનલોકપાલ બિલની તરફેણમાં અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે. પરંતુ તેઓ કહે છે કે તેમનું આંદોલન અરાજનીતિક છે. તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષની તરફેણમાં નથી. તેમણે પોતાના અનશનના મંચ પર કોઈ રાજકારણીને આવવા દીધા ન હતા. અણ્ણાના અનશન આંદોલનમાં રાજકારણીઓને ભરપૂર ટીકાને પાત્ર બનાવવામાં આવ્યા. પરંતુ અહીં પણ દ્રષ્ટિકોણ ખોટો છે કે રાજનીતિ અણગમાને પાત્ર છે. રાજનીતિમાં ગયા વગર જ બધું વ્યવસ્થિત, યોગ્ય કરીને પાટા પર લાવી દેવામાં આવશે, તેવો તર્ક બિલકુલ અયોગ્ય છે. રાજનીતિને બદલવા માટે રાજનીતિના ખેલમાં સામેલ થવું જ પડશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે સાંસ્કૃતિક સંગઠન હોવાની વાત કરે છે. પરંતુ એ હકીકત છે કે ભારતીય રાજનીતિના બીજા ધ્રુવ ભાજપની કમાન અને કંટ્રોલ આરએસએસના હાથમાં વિવિધ પદ્ધતિઓ હેઠળ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થાય છે. સાંસ્કૃતિક અને સામાજીક આકાંક્ષાઓની પૂર્તિ માટે રાજનીતિ માધ્યમ બની શકે છે અને હાલના સંજોગામાં તેને માધ્યમ બનાવવું પડશે. પરંતુ તેમ છતાં તેનાથી દૂર રહેવાની વૃતિ સમજથી પર છે. પરંતુ એક હકીકત એ છે કે સંઘની આવી વૃતિને કારણે રાષ્ટ્રહિત અને સમાજહિતને ઘેરું નુકસાન પહોંચી રહ્યું છે. આજે ભાજપ કોંગ્રેસના રસ્તા પર ચાલી નીકળ્યું છે અને કોંગ્રેસ મુસ્લિમ લીગ બનવા તરફ અગ્રેસર છે. તેવા સંજોગોમાં ભારતીય હિંદુ સમાજની રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ સશક્ત વિકલ્પ રહેતો નથી. ત્યારે ભારતના વિરાટ હિંદુ સમાજને રાજકીય અભિવ્યક્તિ માટે જો કોઈ પ્લેટફોર્મ નહીં મળે, તો તેવા સંજોગોમાં તે વિકલ્પહીન પરિસ્થિતમાં મૂકાશે. હિંદુ સમાજ રાજકીય વિકલ્પહીનતાનો શિકાર બનશે, તો તેની અસર અત્યાર સુધી કરેલા તેની એકતાના પ્રયાસો પર પડશે. હિંદુ એકતા પર થયેલી ખરાબ અસરનું પરિણામ રાષ્ટ્રહિત અને સમાજહિતના નુકસાનથી ચુકવવાનો વારો આવશે.

રાજનીતિ કરવા માટે મહાભારતના શાંતિપર્વમાં ખૂબ સૂચનો આપવામાં આવ્યા છે. લંકાપતિ દશાનન રાવણ જ્યારે મૃત્યુશૈય્યા પર હતા, ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને તેમની પાસે મોકલીને રાજનીતિના સૂત્રો શીખવાની આજ્ઞા કરી હતી. ભારતની રાજનીતિમાં શુક્ર, વિદૂર અને ચાણક્યએ ગંભીર ચિંતનના પરિપાકરૂપ રાજકીય સૂત્રો આપ્યા છે. તેનો ગહન અભ્યાસ કરીને અત્યારે રાજનીતિને સમાજનીતિ બનાવવા અને સમાજનીતિને રાષ્ટ્રનીતિ બનાવવાના મિશન સાથે કેટલાંક મરજીવાઓને રાજનીતિમાં ઉતારવાની સૌથી મોટી આવશ્યકતા છે. આવા એક હજાર મરજીવાઓએ રાજનીતિને આગામી એક દશકામાં સાફસૂફ કરીને સ્વચ્છ બનાવી શકે તેમ છે. પરંતુ આવા જીવનવ્રતી મરજીવાઓને રાજનીતિના કીચડમાં ઉતારવા માટે હાલ કોઈ તૈયાર થઈ રહ્યું નથી. વળી જે મરજીવાની જેમ કામ કરી રહ્યાં છે, તેમના કપડાં રાજનીતિના કીચડમાં ગંદા થયેલા જોઈને ગભરાટ અને કકળાટ ઉભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે જરૂર છે કે તન-મનથી ગંદા થયેલા લોકોની શુદ્ધિ થાય અને જેમના આત્મા મરી પરવાર્યા છે, તેમની સાથે સંબંધ વિચ્છેદ કરવામાં આવે. પરંતુ આટલી મોટી હિંમત ક્યારે બતાવવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. વિક્રમ સંવત 2068ના પ્રારંભે રાજનીતિના શુદ્ધિકરણના સંકલ્પ સાથે મરજીવાઓ તૈયાર કરવાના મિશન પર સમાજ અને દેશ-રાષ્ટ્રની ચિંતા કરનારા વિચારકો-ચિંતકોએ વિચાર કરવો જોઈએ.

No comments:

Post a Comment