Thursday, May 31, 2012

હવે આમ આદમીના ખિસ્સાની આગ પર ‘પેટ્રોલ’ જ છંટાશે કે પાણી?


 -આનંદ શુક્લ
પેટ્રોલના ભાવમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા 10 ટકા જેટલો જંગી વધારો કરવામાં આવતા આમ આદમી વધારે બિચારો બની ગયો છે. આમ આદમીના ખિસ્સામાં લાગેલી આગે દેશમાં આક્રોશનો માહોલ પેદા કરી દીધો છે, પરંતુ હવે જોવાનું  એ રહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ આગ પર રોલબેકનું પાણી છાંટે છે કે પેટ્રોલને પડવા દેશે? 31 મે,ના રોજ એનડીએ અને ડાબેરી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ભારત બંધ સંદર્ભેના પ્રારંભિક અહેવાલો પ્રમાણે, દેશભરમાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કેટલાંક ઠેકાણે હિંસક ઘટનાઓ પણ બની રહી છે.
લોકો આક્રોશિત છે અને તેમના આક્રોશનો લાભ એક રાજકીય મોરચા પાસેથી બીજા રાજકીય મોરચા તરફ જતો દેખાઈ રહ્યો છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મામલે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર વિરુદ્ધનું વાતાવરણ પેદા થઈ ગયું છે. તેમાં 2012ના અંત સુધીમાં ગુજરાત સહીત પાંચ રાજ્યોની ચૂંટણી આવતી હોવા છતા પેટ્રોલના ભાવમાં કરવામાં આવેલી 7.50 રૂપિયાની પ્રતિ લિટરે વૃદ્ધિએ માહોલ વધારે પ્રમાણમાં સરકાર વિરોધી બનાવી દીધો છે.
22મી મેએ બજેટ સત્રની સમાપ્તિ બાદ તાત્કાલિક 23મી મેના રોજ ઓઈલ કંપનીઓ સામે ઝૂકીને સરકારે એકસાથે 7.50 રૂપિયા પ્રતિ લિટરે ભાવવધારાને મંજૂરી આપી દીધી. પેટ્રોલની કિંમતો સંદર્ભે એકસામટો કરવામાં આવેલો આ સૌથી મોટો ભાવવધારો છે! યુપીએ સરકારે અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતોમાં 28 વખત ભાવવધારો કર્યો છે. 25 જૂન, 2010થી 23 મે, 2012ના બે વર્ષના સમયગાળામાં પેટ્રોલની કિંમતોમાં 15 વખત વધારો કરવામાં આવ્યો છે. 47.93 રૂપિયા પ્રતિ લિટરથી ભાવ વધીને 77.92 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
પેટ્રોલના જંગી ભાવવધારાને મંજૂરી આપનારી યુપીએ સરકાર કહી રહી છે કે પેટ્રોલિયમ કંપનીઓને જીવિત રાખવા માટે કિંમતોમાં વધારો જરૂરી હતો. પરંતુ સચ્ચાઈ સરકારી તર્ક-દલીલથી બિલકુલ વિપરીત છે. દેશની ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓ  ઈન્ડિયન ઓઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ સતત નફો રળી રહી છે. આ ત્રણેય કંપનીઓએ ટેક્સની કપાત બાદ પણ 2009-10માં 13,050 કરોડ રૂપિયા, 2010-11માં 10,531 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો રળ્યો છે. સતત તગડો નફો કરતી પેટ્રોલિયમ કંપનીઓ આ વર્ષે પણ તે રસ્તે જ આગળ વધી રહી છે.
સરકારના આમ આદમીને પીડનારા નિર્ણય સામે યુપીએ સરકારના ઘટક દળોમાં પણ ઘણાં મોટા પ્રમાણમાં નારાજગી  પ્રવર્તી રહી છે. 26મી મેના રોજ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાંચ કિલોમીટર લાંબા વિશાળ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. રીટેલમાં એફડીઆઈ મુદ્દે મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા યુપીએ સરકારને  પારોઠના પગલાં ભરવા પડયા હતા. તો પેટ્રોલના જંગી ભાવવધારા સામે પણ મુખ્યમંત્રી તરીકે પહેલી વખત મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કોઈ પ્રદર્શનની આગેવાની કરી છે.
એનસીપી પણ આ નિર્ણયથી નારાજ છે. ડીએમકેએ પણ તમિલનાડુમાં 30મી મેના રોજ પેટ્રોલની  કિંમતોમાં ભાવવધારાના વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા. ચેન્નઈમાં ડીએમકે સુપ્રીમો એમ. કરુણાનિધિએ કહ્યુ હતુ કે ગઠબંધન અલગ વાત છે, પરંતુ તેમનું કર્તવ્ય લોકોને અસર કરનારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવો પણ છે. એનડીએ હોય અથવા વી. પી. સિંહની કેબિનેટ હોય, તેમણે ગઠબંધનોથી સંબંધો તોડયા છે. જો કે બીજા દિવસે જ ડીએમકેએ યુપીએ ગઠબંધન તોડવાની ધમકી આપ્યાની વાતને નકારી હતી.
કોંગ્રેસમાં પણ પેટ્રોલના જંગી  ભાવવધારા સામે અસંતોષ ભડકી રહ્યો છે. સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ 29મી મેએ કહ્યુ કે પેટ્રોલનો ભાવવધારો યોગ્ય નથી. પેટ્રોલિયમ કંપનીઓએ કંઈક ઉદારતા દેખાડવી જોઈતી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનિલ શાસ્ત્રીએ લોકો રોલબેકની પ્રતિક્ષા કરી રહ્યા હોવાનું અને લોકામાં ભારે આક્રોશ હોવાની વાતને સ્વીકારી છે. પરંતુ સવાલ એ છે કે યુપીએ સરકાર અંદર-બહારથી આટલા વિરોધ છતાં પણ પેટ્રોલની કિંમતોમાં ભાવવધારો પાછો ખેંચશે કે નફ્ફટ તર્કોનો મારો ચાલુ રાખશે?

પેટ્રોલના ભાવવધારા  સામે ભારત બંધ કરી રહેલા એનડીએના કાર્યકાળના 6 વર્ષના ગાળામાં 35 વખત કિંમતો વધી હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો છે. આમ તો દાવા-પ્રતિદાવાના માહોલમાં લાગી રહ્યું છે કે યુપીએ અને એનડીએ મોરચાઓ પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા સંદર્ભે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે.
પેટ્રોલના ભાવવધારા પર તમામ પ્રકારના હોબાળા વચ્ચે ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે કહ્યુ છે કે ડીઝલ, કેરોસિન અને રાંધણ ગેસ પર 1 લાખ 90 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે અને સંરક્ષણ બજેટ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનું છે અને ગ્રામીણ વિકાસ મંત્રાલયનું બજેટ 99 હજાર કરોડ રૂપિયા છે. આ ક્યાં પ્રકારનો  દેશ છે?

ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ધનિકોના પ્રમાણમાં આમ આદમી માટે વધારે થાય છે. ડીઝલનો સૌથી વધારે ઉપયોગ રેલવે અને ટ્રાન્સપોર્ટમાં થાય છે. જ્યારે પેટ્રોલનો ઉપયોગ દેશના નાના-મોટા શહેરો અને 6 લાખ ગામડાઓ સુધી નહીં પહોંચેલી જાહેર ટ્રાન્સપોર્ટ સેવાને કારણે લોકોને મજબૂરીથી કરવો પડે છે. ત્યારે સવાલ એ છે કે આમ આદમીના ઉપયોગમાં આવતી પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી ચાલુ રહે અને ધનિકો દ્વારા થતા બેફામ ઉપયોગ પર નિયંત્રણ રહે તેવી વ્યવસ્થાનો વિચાર સરકારો કેમ કરતી નથી?

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પેટ્રોલના ભાવમાં વધારો ધીરે-ધીરે કરવો જોઈતો હતો. જો કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ નિયોજન અને  વિશ્લેષણ વિભાગ પ્રમાણે, ઓઈલ કંપનીઓને પેટ્રોલની પડતર કિંમત 44 રૂપિયા પ્રતિ લિટર પડે છે. તેના સિવાય સરકાર પેટ્રોલ પર 14.35 રૂપિયા કર લગાવે છે, જેમાંથી 6.35 રૂપિયા એક્સાઈઝ, 6 રૂપિયા વિશેષ ઉત્પાદન કર અને 2 રૂપિયા વધારાની એક્સાઈઝ લગાવે છે.
ત્યારે નાણાં મંત્રાલય પ્રતિ લિટર પર ઉત્પાદન કરમાં 5 રૂપિયા કપાત કરી દેત, તો તેનાથી આમ આદમીને રાહત પણ મળત અને ભાવવધારાની નોબત જ આવત નહીં. 2005માં વેટ લાગુ  કરવા માટેના દાશમુન્શી કમિશને દેશભરમાં એક સમાન 20 ટકા વેટ લગાવવાની ભલામણ કરી હતી, પરંતુ તેને રાજ્યોએ સ્વીકારી નહીં અને પોતાપોતાના હિસાબથી વેટના દરો નિર્ધારીત કરી લીધા છે.
તેને પરિણામે દેશભરમાં વેટના દરોમાં વધઘટને કારણે પેટ્રોલના ભાવમાં પણ ચઢ-ઉતર રહેલી છે. પરંતુ આવી સ્થિતિમાં રાજ્યો પોતાના વેટ દરો ઘટાડવા માટે તૈયાર નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ગોવાએ વેટ દરોમાં 11 રૂપિયાનો ઘટાડો કરીને રાજ્યના લોકોને રાહત આપી હતી, તો બીજા રાજ્યો પોતાના વેટના દરમાં ઘટાડો કરવાનો ઈન્કાર કેમ કરી રહ્યા છે?

આમ આદમીને રાહત પહોંચાડવાની જવાબદારી ભારતના સમવાયી તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી જવાબદારી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમાં પચાસ-પચાસ ટકાના દરે વધારો ભોગવીને પ્રજાને રાહત કેમ આપી શકે નહીં?

પેટ્રોલના ભાવમાં જંગી વધારાથી ફૂગાવો પણ વધે તેવી શક્યતા દર્શાવાય રહી છે. તેનો અર્થ એ છે કે રૂપિયાની ખરીદ  શક્તિમાં વધારે ઘટાડો થશે અને ભારતીય રિજર્વ બેંકના હસ્તક્ષેપ છતાં વ્યાજ દરોને વધારવા પડશે. તેના કારણે વૃદ્ધિદર ઘટશે અને લોકોની ખરીદ શક્તિ ઘટવાને કારણે ફેકટરીના માલની ખપતમાં ઘટાડો નોંધાશે.
યુપીએ-2 તેના કાર્યકાળમાં ખોટી આર્થિક નીતિઓને કારણે ફૂગાવાના દરમાં વૃદ્ધિ, કૃષિ સંકટ, વધતી બેરોજગારી જેવી મુખ્ય સમસ્યાઓનું નિવારણ કરવામાં નિષ્ફળ રહી છે. લોકોમાં હતાશા અને આક્રોશ વધી રહ્યો  છે. ખેડૂતો આત્મહત્યા માટે પ્રેરાય રહ્યા છે અને આમ આદમી ચક્કાજામ તથા બંધ કરતો નજરે પડે છે. સમય આવી ગયો છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર આમ આદમીની સાથે મજાક બંધ કરે, પેટ્રોલનો જંગી ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચે અને વધતા ફૂગાવા તથા મોંઘવારી પર કાબુ મેળવવા કડક પગલાં ઉઠાવે. 

No comments:

Post a Comment