Thursday, May 31, 2012

અડવાણીની હૈયાવરાળ: જનતા ભાજપથી નિરાશ!


-આનંદ શુક્લ
ભયાનક ભ્રષ્ટાચાર, વિદેશમાં અઢળક કાળું નાણું, આસમાને આંબતી મોંઘવારી, પેટ્રોલમાં જંગી ભાવવધારો, ડોલરની સામે રસાતળે જઈ રહેલો રૂપિયો- આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે લોકો સત્તારુઢ યુપીએ સરકાર પર રોષે ભરાયેલા હોય. પરંતુ તેની સાથે સાથે એક વાત સ્પષ્ટ છે કે તેઓ વિરોધ પક્ષના મોરચા એનડીએથી પણ નિરાશ છે. હાથમાંથી લપસી રહેલી પરિસ્થિતિઓ સામે વિરોધ કરવાના મામલામાં ભાજપ સહીતનું એનડીએ સરેઆમ નિષ્ફળ ગયું છે. તેનું કારણ મુખ્ય વિપક્ષ ભાજપની આંતરીક ભાંજગડ છે.
મુંબઈ ખાતે તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં તેની આંતરીક ભાંજગડ સંજય જોશીના રાજીનામાથી બહાર આવી. સંજય જોશીએ બેઠકના થોડા કલાક પહેલા રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું રાજીનામું પાર્ટીના લાંબાગાળાના હિતને કારણ બનાવીને આપી દીધું. સંજય જોશીના રાજીનામા બાદ ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતીના કાર્યક્રમમાંથી બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે આવ્યા. જો કે મોદીના આવ્યાના અડધો કલાકની અંદર પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કારોબારી બેઠક છોડી ગયા હતા.
ભાજપની કારોબારી બેઠક બાદ યોજાયેલી સભામાં પણ અડવાણી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ગેરહાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે અડવાણી ગડકરીની ભાજપના અધ્યક્ષ તરીકેની બીજી ટર્મથી નારાજ છે. તેમણે આ નારાજગીને એનડીએ દ્વારા ભારત બંધના એલાનના દિવસે જ બ્લોગ લખીને જાહેર કરી દીધી. અડવાણીએ સ્વીકાર્યું છે કે લોકો યુપીએ પર રોષે ભરાયેલા છે, તો એનડીએથી નિરાશ થયા છે. તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિને આત્મનિરીક્ષણ યોગ્ય ગણાવી છે. મુંબઈની ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ પાર્ટી સંગઠન સંદર્ભે વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો બ્લોગ પર આ પહેલો પ્રતિભાવ છે. આ પ્રતિભાવ ત્યારે આવ્યો છે કે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પેટ્રોલના જંગી ભાવવધારા સામે ભારત બંધ કરાવી રહ્યા હતા.
બ્લોગમાં અડવાણીએ ગડકરી દ્વારા લેવામાં આવેલા ત્રણ નિર્ણયો પર તેમનું નામ લીધા વગર આંગળી ચિંધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો, યૂપીના તત્કાલિન  મુખ્યપ્રધાન  માયાવતી દ્વારા હાંકી કઢાયેલા મંત્રી (બાબુસિંહ કુશવાહ)ને ભાજપમાં આવકારવાનો નિર્ણય, ઝારખંડ અને કર્ણાટકના મામલાને જે રીતે સંભાળવામાં  આવ્યા છે, તેના તરફ અડવાણીએ બ્લોગમાં આંગળી ચિંધી છે. તેમણે નિરીક્ષણ કર્યુ છે કે ભાજપમાં હાલના દિવસોમાં આંતરીક મૂડ ઉત્સાહજનક નથી.
તેમણે જાણીતા કટાર લેખક સ્વપન દાસગુપ્તાના લેખને ટાંકીને કહ્યુ છે કે જ્યારે હાલના દિવસોમાં મીડિયા યુપીએ સરકારને ગોટાળા માટે ઝાટકી રહ્યું છે, પરંતુ આ પ્રસંગે મીડિયા ભાજપની આગેવાની હેઠળના એનડીએના મુદ્દાઓ પર ઉભાં થઈ જવાના મામલે દિલગીરી વ્યક્ત કરી રહ્યું છે. અડવાણીએ ભૂતપૂર્વ પત્રકાર હોવાના નાતે મીડિયાના આ વલણને જનતાના અભિપ્રાયને પ્રતિબિંબિત કરનારું ગણાવ્યું. ભ્રષ્ટાચાર અને વિદેશમાં કાળા નાણાંના મામલે અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનોને પરિણામે દેશ આંદોલિત થયો હતો. પરંતુ મુખ્ય વિપક્ષ ભાજપની આગેવાની હેઠળનું એનડીએ યુપીએ સરકારના આટલા ગોટાળા  અને ભ્રષ્ટાચાર છતાં જનતાને પોતાના નેતૃત્વમાં આંદોલન માટે પ્રેરીત કરી શકી નથી. તેની પાછળનું કારણ રાજકીય વિશ્લેષકો પ્રમાણે, દેશમાં મુખ્ય વિપક્ષ અત્યારે કેગ છે અને કેગ જ સરકારને ભારે પડી રહ્યું છે, જ્યારે ભાજપ મુખ્ય વિપક્ષ બનીને મિત્ર વિપક્ષ બની ગયો હોવાથી જનતાના મુદ્દાઓ પ્રત્યે રાજકીય સંવેદનશીલતા ઘટી છે.
ભાજપમાં આંતરીક વર્તુળોમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પ્રવર્તમાન સમયમાં મધ્યસત્ર ચૂંટણી આવી પડે, તો ભાજપને યુપીએ સામેના જનાક્રોશનો લાભ મળે. તેને કારણે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની દોડ પણ તેજ બની છે. રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન પદના ભાજપના ચાર-પાંચ ઉમેદવારોમાંના એક ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને મ્હાત આપીને પોતાની પહેલી જીત નોંધાવી દીધી છે. જો કે મોદી સામે ભાજપમાં અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓનો અણગમો વધ્યો હોવાની વાત હવે કોઈનાથી છુપાયેલી રહી નથી.
બીજી તરફ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અપનાવામાં આવેલા આક્રમક વલણથી મોદી માટે પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નથી. આમ પણ છેલ્લા એક દશકાથી ગુજરાતમાં સત્તા પર રહેલા મોદી અપાર લોકપ્રિયતા છતાં એન્ટિ-ઈન્કમ્બન્સીનો સામનો આ વિધાનસભા ચૂંટણીમાં કરશે તે નક્કી છે. જો કે જોવાનું એ રહે છે કે તેમાં વધારો કરવામાં કેશુભાઈ પટેલ સહીતના મોદી વિરોધીઓ કેટલા સફળ થશે?
તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ગુલાબચંદ કટારિયાની મેવાડ પ્રદેશમાં યોજાનારી યાત્રાનો પુરજોર વિરોધ કર્યો. તેમણે ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ધમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ખંડૂરી-નિશંક, હિમાચલ પ્રદેશમાં પ્રેમકુમાર ધૂમલ-શાંતા કુમાર, કર્ણાટકમાં સદાનંદ ગૌડા-યેદિયુરપ્પા, ઝારખંડમાં અર્જૂન મુંડા-યશવંત સિંહા વચ્ચેના ખટરાગ દેશની સામે છે. જ્યારે છત્તીસગઢમાં રમણ સિંહ સામે પણ દબાતા સૂરે તકલીફો સામે આવી રહી છે.
આ સિવાય એનડીએ સાચવવાની  જવાબદારી પણ ગઠબંધનના મોટા પક્ષ હોવાના નાતે ભાજપની બની જાય છે. ત્યારે એનડીએના બીજા સૌથી મોટા રાજકીય પક્ષ જનતાદળ-યૂનાઈટેડના વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારે ધમકી આપી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે, તો જેડીયૂ એનડીએમાંથી અલગ થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે દેશની લોકસભાની 543 બેઠકોમાંથી દેશની મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ  કોંગ્રેસ અને ભાજપ પાસે કુલ 322 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 206 બેઠકો મળી છે અને ભાજપને 116 બેઠકો  મળી છે. એટલે કે ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોને 221 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી મોહભંગ થયેલી જનતા ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ હશે ત્યાં તેને  પસંદગી આપે તેવી સંભાવના રહેલી છે. તેવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની દેખાયેલી નિક્રિયતાને કારણે પ્રાદેશિક પક્ષોને વધારે ફાયદો થવાની ભીતિ પણ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં 2014ની ચૂંટણીમાં એનડીએના સત્તા પર પહોંચવાના સપનાં પર ગ્રહણ પણ લાગી શકે છે! આ પરિસ્થિતિને જોતા અડવાણીની એનડીએના ભારત બંધના એલાનના દિવસે બ્લોગ પર ઠાલવવામાં આવેલી હૈયાવરાળમાં ખરેખર વજૂદ છે.
અડવાણીએ  બ્લોગમાં કહ્યુ છે કે 1984માં ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ અત્યારે  લોકસભામાં ભાજપની સારી બેઠકો છે તથા નવ રાજ્યોમાં સરકાર છે અને સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નેતૃત્વમાં બંને ગૃહોમાં ભાજપનો દેખાવ સારો છે. જો કે તેમણે એમ પણ ઉમેર્યુ છે કે આ કરવામાં આવેલી ભૂલોના નુકસાનની ભરપાઈ નથી.

No comments:

Post a Comment