Wednesday, May 30, 2012

PMને ‘શિખંડી’ કહેનાર ટીમ અણ્ણા ભ્રષ્ટાચારના મહા’ભારત’ના અર્જૂનની ચર્ચા ક્યારે કરશે?

-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારે ભારતને ભરડામાં લીધું છે. લાખો-કરોડના ભ્રષ્ટાચાર અને ગોટાળાથી દેશનો આમ આદમી ત્રસ્ત બન્યો છે. દેશના આમ આદમીના અધિકારની સંપત્તિ ગોટાળામાં ગરક થઈ રહી છે. ત્યારે એપ્રિલ-2010માં અણ્ણા હજારેની ભ્રષ્ટાચાર સામેની રણભેરીએ લોકોને આશાનું કિરણ દેખાડયું હતું. પરંતુ ટીમ અણ્ણાની અણઘડ રણનીતિએ આખા આંદોલનના પ્રજામાં ઉભા થયેલા જોશને સોડા વોટરની જેમ બેસાડી દીધું. જો કે દેશનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત આમ આદમી હજી પણ ભ્રષ્ટાચારના ખાતમા માટે લડવા તૈયાર છે અને પ્રબળ નેતૃત્વની તલાશમાં હોય તેવું લાગી રહ્યું છે.

પરંતુ મુંબઈ ખાતેના અણ્ણાના અનશનમાં થયેલા ફિયાસ્કો બાદ પણ આંદોલનની તૈયારી કરી રહેલી ટીમ અણ્ણાએ હવે વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના 14 પ્રધાનો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ તમામ પર ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અત્યાર સુધી વડાપ્રધાન મનમોહન સિંહ માટે એમ કહેવાતુ કે આઝાદી પછીની સૌથી બેઈમાન કેન્દ્ર સરકારમાં મનમોહન સૌથી વધારે ઈમાનદાર વડાપ્રધાન છે. પરંતુ ટીમ અણ્ણાએ વડાપ્રધાનની ઈમાનદારીને નિશાન બનાવી છે. કાશ્મીર મુદ્દે જનમતની વાત કરીને લાત-ઘૂંસા ખાનારા ટીમ અણ્ણાના મહત્વના સભ્ય પ્રશાંત ભૂષણે તો વડાપ્રધાનને શિખંડી કહી દીધા છે!

પ્રશાંત ભૂષણે મહાભારતના અર્ધનારી પાત્ર એવા શિખંડીનું ઉદાહરણ આપીને કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાનનો ઉપયોગ શિખંડી તરીકે કરી રહી છે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનની આસપાસ રહેનારા લોકો અને તેમની નીચે કામ કરનારા પ્રધાનો તેમને આગળ કરીને ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહની ઈમાનદારીને નિશાન બનાવી છે. જો કે ખુદ અણ્ણા હજારે ટીમ અણ્ણાના અભિપ્રાય સાથે સહમત નથી. અણ્ણા મનમોહન સિંહને સ્વચ્છ છબીવાળા નેતા ગણાવે છે.

પોતાના પર ભ્રષ્ટાચારના આરોપોથી વ્યથિત બનેલા વડાપ્રધાન મનમોહન સિંહે મ્યાંમારના પ્રવાસથી પાછા ફરતા કહ્યુ છે કે તેમના પર લગાવવામાં આવેલો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશે. વડાપ્રધાને પોતાના પરના ભ્રષ્ટાચારના ટીમ અણ્ણા દ્વારા લગાવાયેલા આરોપોને તથ્યહીન અને બિનજવાબદાર ઠેરવ્યા છે.

વડાપ્રધાનને શિખંડી કહેવા બદલ ટીમ અણ્ણાને આકરી પ્રતિક્રિયાઓને સામનો કરવો પડયો છે. શિખંડી આમ તો સ્ત્રી કે પુરુષમાં ન હોય તેવું મહાભારતનું પાત્ર છે. આ પ્રકારના પાત્ર સાથેની વડાપ્રધાનની સરખામણી ખરેખર રાજનીતિમાં શબ્દપ્રયોગના રસાતળે ઉતરી ગયેલા સ્તરની સાબિતી છે. જો કે વારંવાર ભાષા સંયમ નહીં દાખવનારા લાલુપ્રસાદ યાદવે પ્રશાંત ભૂષણને માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવીને કહ્યુ છે કે તેઓ આવા પગ-માથા વગરના નિવેદનો આપે છે, તો તેમની પિટાઈ થાય છે. લાલુએ કહ્યુ કે વડાપ્રધાન દેશના નેતા છે અને તેમની ઈમાનદારીને બધા માને છે.

વડાપ્રધાન સામેના અમર્યાદિત શબ્દપ્રયોગ પર ભાજપે સત્તાવારપણે ટીમ અણ્ણાની ટીપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો છે. જો કે તેમના વાંધામાં ક્યાંક એવી ભીતિ ધબરાયેલી હોઈ શકે કે કદાચ આગામી લોકસભાની ચૂંટણી પછી એનડીએના વડાપ્રધાન હોય અને આવી ઘટનાઓ માટે ક્યાંક કોઈ તેમના માટે આવો શબ્દપ્રયોગ કરે નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કહ્યું છે કે વડાપ્રધાન સામે કોઈપણ ટીપ્પણી મર્યાદા ઓળંગીને કરવી જોઈએ નહીં, કારણ કે તેઓ  દેશના ઉચ્ચ બંધારણીય પદ પર આસનસ્થ છે.

બંધારણીય પદો પર આસનસ્થ કોઈપણ વ્યક્તિ સામે મર્યાદા ભંગ કરતાં શબ્દપ્રયોગ સાથેની ટીપ્પણી સર્વથા નકારવી જોઈએ. રાજકારણમાં ‘શબ્દસંયમ’ ગુમાવવો ખરેખર તેના સ્તરને વધારે નીચે લઈ જનારી બાબત છે. પરંતુ અત્રે થોડા મુદ્દાઓનો વિચાર કરવો પડશે.

-વડાપ્રધાન મનમોહન સિંહ વ્યક્તિગત રીતે ઈમાનદાર હોવાની છાપ ધરાવે છે. તેમ છતાં તેમના પ્રધાનમંત્રીકાળ દરમિયાન મસમોટા ગોટાળા સામે આવ્યા છે. જેમાં  2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ 1.76 કરોડ રૂપિયા અને કોલસા કૌભાંડ 10.76 લાખ કરોડ રૂપિયાનું હોવાનું કેગના રિપોર્ટમાં અંદાજવામાં આવ્યું છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંગળી ચિંધી છે, તો તેની પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે જે સમયે કોલસા કૌભાંડ આચરાયાની વાત કરવામાં આવે છે, તે વખતે કોલસા મંત્રાલય વડાપ્રધાન મનમોહન સિંહને આધિન હતું. તો સવાલ એ છે કે વડાપ્રધાનના આધિન રહેલા મંત્રાલયમાં કોઈ ગોટાળો થાય તો તેની નૈતિક જવાબદારી તેમની બને કે નહીં? વળી વડાપ્રધાનના મંત્રીમંડળમાં કોઈ મંત્રી ભ્રષ્ટાચાર કરે તો તેની નૈતિક જવાબદારી વડાપ્રધાનની બને કે નહીં?

-રાજકારણમાં નૈતિકતાના ઉદાહરણ હવે ઘણાં ઓછા જોવા મળે છે. લાલબહાદૂર શાસ્ત્રી રેલવે મંત્રી હતા, ત્યારે એક ટ્રેન અકસ્માતને પોતાની નૈતિક જવાબદારી ગણીને તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય જ્યારે શાસ્ત્રીજી વડાપ્રધાન હતા, ત્યારે દેશમાં અનાજની તંગી હતી, તો તેમણે દેશમાં એક દિવસ લોકોને એક ટંક ખાવાની અપીલ કરી હતી અને શરૂઆત પોતાનાથી કરી હતી! આટલા ઉચ્ચ આદર્શ અત્યારના નેતાઓમાં કેમ દેખાતા નથી?

-ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહ સામે એવા સમયે આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ આપણા પડોશી દેશ મ્યાંમાર સાથે સંબંધો સુધારવા ત્યાંના શાસકો અને વિરોધ પક્ષના નેતાની સાથે મુલાકાત કરી રહ્યા હતા. શું આવા સમયે દેશના વડાપ્રધાનની ઈજ્જતને કોઈપણ પ્રકારના સીધા પુરાવા વગર દેખીતી રીતે રાજકીય કારણોથી ઉછાળવી યોગ્ય છે?

-ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈને ભારતરત્ન અને ‘નિશાને પાકિસ્તાન’  બંને મળ્યા છે. તેમને ‘નિશાને પાકિસ્તાન’ લેવા માટે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકે આમંત્ર્યા હતા, તો મોરારજીએ તેમનું પાકિસ્તાન જવાનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. મોરારજી દેસાઈએ તેના માટે અંગત લોકો સાથેની વ્યક્તિગત ચર્ચામાં કહ્યુ હતુ કે તેઓ પાકિસ્તાન જઈને ખોટું બોલશે નહીં અને દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાકિસ્તાની ધરતી પર વખોડશે નહીં. એટલે કે મોરારજી દેસાઈ જેવા ઈન્દિરા ગાંધીના ઘોર વિરોધી પણ તેઓ વડાપ્રધાન પદે હોવાને કારણે તેમને વિદેશમાં વખોડવા માટે તૈયાર ન હતા. વડાપ્રધાન દેશના નેતા હોય છે, તેઓ કોઈ પાર્ટીના નેતા હોતા નથી. ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહને તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જ શિખંડી કહેવા કેટલું યોગ્ય છે?

-જો કે લગભગ 80 વર્ષના મનમોહન સિંહ કહે કે તેમના પરનો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનને તિલાંજલિ આપશે. (ઉલ્લેખનીય છે કે 80 વર્ષથી વધારે ઉંમરે આમેય જાહેરજીવનમાંથી નિવૃતિ  લેવાની હોય છે.) પરંતુ આ દેશમાં ભ્રષ્ટાચારના આરોપ સાબિત થવા ઘણાં અઘરા છે. તાજેતરમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના મુખ્ય આરોપી એ. રાજાને જામીન મળી તો રાજા અમર રહોના સૂત્રોચ્ચાર પણ થયા અને ફટાકડાં પણ ફૂટયા! વળી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની હોસ્પિટલના બે કર્મચારીઓને 100 રૂપિયાની લાંચના પ્રકરણમાં કેદની સજા કરી છે. આ કેસ 1994માં બન્યો હતો, તે કેસ 18 વર્ષે તેના અંજામ પર પહોંચ્યો. જો 100 રૂપિયાના કેસમાં સજા મળતા 18 વર્ષ લાગે, તો લાખો કરોડના ગોટાળાના આરોપીઓના પેટનું પાણી કેવી રીતે હલશે? વડાપ્રધાનને પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોની ખરેખર તપાસ થવા દેવાની ઈચ્છા હોય, તો તેમણે પહેલા તો પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડે. કારણ કે વડાપ્રધાન પદે મનમોહન સિંહ આસનસ્થ રહે ત્યાં સુધી કોઈ નક્કર પુરાવા એજન્સીઓને હાથ લાગે તેવી કોઈ સંભાવના પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે દેખાતી નથી.

ભ્રષ્ટાચાર મહારોગ છે અને તેનો ઈલાજ ભ્રષ્ટાચારીને કડક સજા થાય તે છે. તેના માટે એવી કોઈ વ્યવસ્થાની જરૂર છે કે ભ્રષ્ટાચારી ખુલ્લા પડે અને તેના માટે તેઓને આકરી સજા થાય. પરંતુ અત્યારની વ્યવસ્થામાં આરટીઆઈ અને અન્ય કેટલીક ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વ્યવસ્થાઓ હોવા છતાં પણ હજી એવી પારદર્શકતા નથી કે જેનાથી ભ્રષ્ટાચાર પર રોક લાગે. વળી આરટીઆઈ એક્ટિવિસ્ટો પર થઈ રહેલા હુમલા અને તેમની હત્યાથી સાબિત થાય છે કે વ્યવસ્થાને પારદર્શક બનવા દેવી, વ્યવસ્થામાં રહેલા લોકો પોતાના હિતમાં જોતા નથી.

જનલોકપાલ બિલની અણ્ણાની માગણી ‘ભયંકર’ ભ્રષ્ટાચારને જોતા તેના પર લગામ લગાવવાની આશામાં વ્યાજબી લાગે છે. પરંતુ તેના પણ હાલ દાંત વગરના સિંહ જેવા થાય તેવી શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં આમ આદમીને  ભ્રષ્ટાચાર સામે વધારે સમજદાર બનાવવો અને નાના-નાના ભ્રષ્ટાચારને પ્રવર્તમાન વ્યવસ્થામાં જ કેવી રીતે અટકાવી શકાય, તેની એક ચળવળ ચલાવવી જોઈએ. પ્રવર્તમાન ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ ખૂબ અસરકારક રીતે અમલી બને તેના માટે વ્યવસ્થા તંત્ર પર દબાણ લાવી શકાય. આ તમામ કવાયતો પછી આવનારા જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર ઘણા મોટા પ્રમાણમાં ચોક્કસપણે રોકી શકાશે. બાકી અત્યારની પરિસ્થિતિમાં લાવવામાં આવેલા લોકપાલના કાયદાની સ્થિતિ અન્ય દંતહીન કાયદાઓ જેવી થઈ જવાની મોટી શક્યતા રહેલી છે.



No comments:

Post a Comment