Thursday, August 2, 2012

ક્રાંતિના કિનારે વ્યવસ્થાની અવ્યવસ્થાઓ સામે ઉભેલું ભારત

-          આનંદ શુક્લ
દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. અવ્યવસ્થા પણ વ્યવસ્થાની એક અવસ્થા છે. વ્યવસ્થા વ્યક્તિ માટે છે, વ્યક્તિ વ્યવસ્થા માટે નથી. જ્યારે વ્યક્તિને વ્યવસ્થા માટે ગણવાની શરૂઆત થાય છે, ત્યારે તે વ્યવસ્થામાં અવ્યવસ્થાનો પ્રવેશ થાય છે. આવી પરિસ્થિતિ રુઢિવાદી માનસ(કન્ફર્મિસ્ટ માઈન્ડ)ની નીપજ છે. જો વ્યક્તિ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાને ટકાવવાનો વિચાર જ વ્યવસ્થા ચલાવનારા લોકો કરશે, તો આ પ્રકારનું માનસ રુઢિવાદી માનસ ગણાશે. વ્યવસ્થા વ્યક્તિનો વિચાર કરવા માટે છે. જો વ્યવસ્થા વ્યક્તિનો વિચાર બંધ કરી દે અને ખુદનો વિચાર ચાલુ કરે, તો આવી વ્યવસ્થાનું પરિવર્તન અતિઆવશ્યક છે. આવી વ્યવસ્થાને દૂર કરવી, આવી વ્યવસ્થાને નેસ્તોનાબૂદ કરવી જરૂરી છે. આવી વ્યવસ્થા, વ્યવસ્થાના નામે અવ્યવસ્થા હોય છે.
ભારતમાં પણ આઝાદી સાથે જ વ્યવસ્થાના નામે અવ્યવસ્થાની શરૂઆત થઈ ચુકી છે. ભારતની પ્રવર્તમાન વ્યવસ્થાએ હાલ વ્યક્તિનો વિચાર કરવાનું બિલકુલ બંધ કરી દીધું છે. વ્યવસ્થામાં અવ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે વ્યાપ્ત છે. લોકો આ વ્યવસ્થામાં ગુંગળાય રહ્યા છે. પોતાના જીવન અને ઓળખનું અસ્તિત્વ બચાવવા માટે અલગ-અલગ મોરચે ક્યારેક વિદ્રોહ કરી રહ્યા છે. પરંતુ આ વિદ્રોહ ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરતો નથી, કારણ કે આ વિદ્રોહ માત્ર વ્યવસ્થા સામેની પ્રતિક્રિયા છે. ભારતની પ્રવર્તમાન વ્યવસ્થા એવી છે કે તેણે લોકોના માનસ રુઢિવાદી બનાવ્યા છે અને ક્રાંતિકારી માનસનો ખાત્મો કરી દીધો છે. આ વ્યવસ્થાના દુષ્પરિણામો છે કે વ્યક્તિ પ્રતિક્રિયા આપે છે, પણ ક્રાંતિ કરી શકતો નથી. ક્રાંતિ માટે હાલ વ્યક્તિ પાસે ધૈર્ય નથી.
હાથમાં માત્ર હથિયારના આવી જવાથી ક્રાંતિ થતી નથી. ક્રાંતિની હવા હોય છે, આ ક્રાંતિની હવામાં ચિંતન હોય છે, મનન હોય છે, એક નવી દિશા હોય છે. ક્રાંતિ લોહી વહેવડાવામાં ઘણી કંજૂસ હોવી જોઈએ. વ્યવસ્થાને ક્રાંતિ તરફ જતી રોકવામાં જે બાબતો અડચણરૂપ હોય તેનો જ ક્રાંતિ ભોગ લે છે. જો કે આજ સુધી જેને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, તે તમામ વ્યવસ્થા સામેની પ્રતિક્રિયા સ્વરૂપે જન્મેલા અને સફળ થયેલા લોહિયાળ વિદ્રોહ છે. જે ક્રાંતિ માણસના ચિત્તને ઝંઝોડીને ચિંતન-મનના રસ્તે વ્યક્તિ પરિવર્તન કરી શકતી નથી, તે ક્રાંતિ નથી. આવી ક્રાંતિ બે-પાંચ વર્ષોમાં થઈ શકતી નથી. તેને આવતા પચ્ચીસ-પચાસ વર્ષનો સમય લાગે છે, કારણ કે ક્રાંતિ તાત્કાલિક સમસ્યાનો વિચાર કરવાને બદલે મૂલ્યોનો વિચાર કરે છે. પ્રવર્તમાન વ્યવસ્થાની કથિત નીતિ અને મૂલ્યો કે જેનાથી અવ્યવસ્થા ઉભી થઈ રહી છે અને આગળ વધી રહી છે, તેને રોકવા માટે વાતાવરણમાં ક્રાંતિની હવા પેદા થવી જોઈએ અને તેના થકી આવી વ્યવસ્થામાં રહેલા લોકોમાં ડાયલોગ ઉભો થાય. આનાથી લોકો ચિંતન અને મનનથી પરિસ્થિતિ બદલવા માટે સામૂહિક અને સ્વયંભૂ તૈયાર થાય છે.
ક્રાંતિને હિંસાનો અને હથિયારોનો છોછ હોતો નથી. પરંતુ આ બંને ક્રાંતિના છેલ્લા તબક્કાની પરિપકવ પ્રક્રિયાનો ભાગ હોય તો જ આવકાર્ય છે. જ્યારે પ્રવર્તમાન વ્યવસ્થાના માળખાને બદલવાની, તોડવાની અને તેને નેસ્તોનાબૂદ કરવાની ચેષ્ટા થશે, તો વ્યવસ્થાનું માળખું પણ પ્રતિક્રિયા આપશે. આ પ્રતિક્રિયા વૈચારીક હશે, રાજકીય હશે અને હિંસાત્મક પણ હોઈ શકે છે. ત્યારે વિચારો સામે વિચારથી, રાજકારણ સામે રાજકારણથી, હિંસા સામે પણ મર્યાદિત હિંસાથી લડવું ક્રાંતિની પરમ આવશ્યકતા છે.
કોઈપણ વ્યવસ્થાને હટાવવી અથવા બદલવી ઘણું સરળ કામ હોય છે. પરંતુ જ્યારે આ વ્યવસ્થાને હટાવવા માટે જે અવ્યવસ્થા ઉભી થાય છે, તેનો સામનો કરવો ઘણો કઠિન હોય છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યવસ્થા નિયમો થકી રહેલી હોય છે. તેની મર્યાદા હોય છે. જ્યારે અવ્યવસ્થાના નિયમો હોતા નથી અને તેની કોઈ મર્યાદા પણ હોતી નથી. તેથી જ જ્યારે વ્યવસ્થાના પરિવર્તનમાં લાગેલા લોકો વ્યવસ્થિત નહીં, હોય તો અવ્યવસ્થા ઘણી ભયાનક હશે. આવી અવ્યવસ્થાને હટાવવી અથવા વ્યવસ્થામાં પરિવર્તિત કરવી ઘણું કઠિન કામ હશે, આ વ્યવસ્થા પરિવર્તનમાં લાગેલા લોકો સામેનો મોટો પડકાર હશે. તેથી જ ક્રાંતિના મિશનમાં લાગેલા વ્યક્તિઓએ પોતાની સજ્જતા કેળવવી પડશે, આવી સજ્જતાઓ વ્યવસ્થા પરિવર્તન થકી સર્જાતી ક્રાંતિમાં ઓછામાં ઓછું લોહી વહેવડાવશે.
આવા લક્ષ્યોને હાંસલ કરવા માટે સમાજનું ક્રાંતિકારી માનસ જાગૃત કરવું જરૂરી છે. સમાજનું ક્રાંતિકારી માનસ જાગૃત કરવા માટે વ્યવસ્થાની અવસ્થાને અવ્યવસ્થામાં બદલી રહેલા મૂલ્યો અને બાબતો સામે નિષેધ ઉભો કરવો ક્રાંતિની પ્રારંભિક જરૂરિયાત છે. નકારાત્મક બાબતો સામે નિષેધ ઉભો કરતા નેગેટિવ માઈન્ડ પેદા કરવા બિલકુલ નકારાત્મકતા નથી. આવા નેગેટિવ માઈન્ડ, ઈન્કારની સક્ષમતા સમાજના રિવોલ્યૂશનરી માનસને ઉત્તેજિત કરશે. વ્યક્તિ માટે જોખમરૂપ બની ગયેલી વ્યવસ્થાને બદલવા માટે રિવોલ્યૂશનરી માનસ વધારે કારગર સાબિત થશે.
લોકોમાં, સમાજમાં અને સમાજજીવનમાં ચિંતન-મનન અને ડાયલોગથી રિવોલ્યૂશનરી માઈન્ડ પેદા કરીને ક્રાંતિના લક્ષ્યો હાંસલ કરવા આગળ વધવું ક્રાંતિ માટે ઘણો મહત્વનો તબક્કો છે. તેના માટે 20થી 25 વર્ષ તાત્કાલિક સમસ્યાઓ તરફ ધ્યાન આપવાનું બંધ કરીને વ્યવસ્થામાં ઉભી થયેલી તમામ અવ્યવસ્થાઓને તેની નીતિઓ સહીત ઉજાગર કરી દેવી જોઈએ. આમ થયા પછી વ્યવસ્થા પરિવર્તન માટે સમાજની તૈયારી જોવી જોઈએ. ભારત કદાચ આ તબક્કામાં આવી ચુક્યું છે. પરંતુ હાલ ભારતની સમસ્યા છે કે લોકોના માનસ સંપૂર્ણપણે ક્રાંતિકારી બનાવવાનું કોઈ મિકેનિઝમ વ્યવસ્થાની અવ્યવસ્થાઓ ઉજાગર થયા છતાં ઉપલબ્ધ નથી.
જે લોકો પાસે આની આશા કરવામાં આવી હતી, તેઓ જ હવે અવ્યવસ્થા સાબિત થઈ ચુકેલી વ્યવસ્થાના ભાગ બની રહ્યા છે અથવા બની ચુક્યા છે. આવી સ્થિતિમાં ભારતે મજબૂત અને ઉંડું મંથન કરવું પડશે, ભારતે નક્કી કરવું પડશે કે તેણે ક્યાં જવું છે અને કેવી રીતે જવું છે? ભારતની રાજકીય વ્યવસ્થા અવ્યવસ્થા સાબિત થઈને સંપૂર્ણ નિષ્ફળતા તરફ આગળ વધી રહી છે. ભારતમાં ચાલી રહેલા ભયંકર ભ્રષ્ટાચારના વાતાવરણે, નીતિ-મૂલ્યોના હ્રાસે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી છે. રાજકીય વ્યવસ્થાની નિષ્ફળતાની અસર ભારતના સમાજજીવન પર પણ પડી રહી છે. સમાજજીવન પ્રભાવિત થવાથી આર્થિક ચિંતન અને સાંસ્કૃતિક વારસા પર પણ ખરાબ દુષ્પ્રભાવો ઉભા થઈ રહ્યા છે. જેના પરિણામે દેશ પોતાની ઓળખને ગુમાવે તેવું પણ સંકટ ઉભું થઈ રહ્યું છે.
ક્રાંતિનો અર્થ એવો ક્યારેય થતો નથી કે દેશ અને સમાજ, તેમા પોતાની ઓળખના મૂળતત્વોનો નાશ કરીને તદ્દન નવી ઓળખ પ્રાપ્ત કરે છે. ક્રાંતિને કારણે આવનારા પરિણામો જે-તે સમાજ અને દેશના મૂળ અને સનાતન તત્વોને આધારીત હોય છે. આ મર્યાદાની બહાર થનારી કથિત ક્રાંતિઓ ક્રાંતિના બદલે દેશના લોકો દ્વારા જ દેશ પર બહારી મૂલ્યો-નીતિઓ થકી થતું આક્રમણ વધારે હોય છે. ક્રાંતિનો પણ ચહેરો હોય છે. ચહેરા વગરની ક્રાંતિ શક્ય નથી. વ્યક્તિએ અને સમાજે કોઈપણ ક્રાંતિનો ભાગ બનતા પહેલા તેના ચહેરાને ઓળખવો જોઈએ. આ ચહેરો તેને અજાણ્યો લાગે અથવા ચહેરો દેખાય નહીં તો તેવી ક્રાંતિનો ક્યારેય ભાગ બનવું જોઈએ નહીં, કારણ કે આવી ક્રાંતિ બાદ આવનારી શાંતિ વ્યક્તિ અને સમાજને ખૂંચશે પરેશાન કરશે. ભારતના હાલની સમસ્યાનું મૂળ પણ એ છે કે જાણીતા ચહેરાઓથી અજાણ્યા ચહેરાવાળી ક્રાંતિ તરીકે ઓળખાતી પરિવર્તનોની હારમાળાનું ભાગ બન્યું.
ક્રાંતિનો ચહેરો ઓળખ્યા પછી પણ તેનો ભાગ બનનારાઓએ પોતાની ધીરજ ગુમાવવી જોઈએ નહીં. ક્રાંતિ ખૂબ લાંબી ચાલનારી પ્રક્રિયા છે. ક્રાંતિપથ પર ક્રાંતિકારીએ હિંસા સહીતના દરેક વિકલ્પ ખુલ્લા રાખવા જોઈએ, પરંતુ હિંસાને આખરી વિકલ્પ તરીકે જ સ્વીકારવો જોઈએ. ક્રાંતિ થકી વ્યવસ્થા પરિવર્તન સિવાય ઘણી અન્ય બાબતોમાં પરિવર્તનો આવવાના છે. પરિવર્તનો ઢાંચા વિરુદ્ધના હશે, જેને ઢાંચાની જાળવણી કરનારા લોકો સહન કરશે નહીં. આવા સંજોગોમાં ઢાંચો અને તેમા રહેલા વ્યક્તિઓ પ્રતિક્રિયા આપશે, તે હિંસક પણ હોઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં ક્રાંતિકારીઓએ પરિવર્તનો પ્રત્યે અડગતા દાખવીને હિંસક પ્રતિક્રિયાને પણ આખરી વિકલ્પ તરીકે ઓછામાં ઓછી હિંસાથી રોકવી જોઈએ.
સાચા અર્થમાં હાલ દુનિયામાં કોઈ જગ્યાએ ક્રાંતિની શક્યતા છે, તો તે ભારતમાં જ છે. ભારત અત્યારે એક એવું સ્થાન છે કે જ્યાં સિસ્ટમમાં અવ્યવસ્થા નથી, પરંતુ અવ્યવસ્થા સિસ્ટમને નામે ચાલી રહી છે. આ સિસ્ટમ તેને ચલાવી રહી છે. આ સિસ્ટમ હવે માનવા લાગી છે કે લોકો તેના માટે છે, તે લોકોથી પર અને તેમના માટે નથી. વ્યવસ્થાનો આ વિચાર તાત્કાલિક બદલાય તેવી કોઈ પરિસ્થિતિ વ્યવસ્થામાં રહેલા લોકો ઉભી થવા દે તેવી કોઈ શક્યતા નથી. જો વ્યવસ્થા પોતે લોકો માટે હોવાનું વિચારતી હોત, તો પોતાની ખામીઓ સંદર્ભે પણ સજાગ અને માનવીય અભિગમવાળી હોત. પરંતુ એવું કંઈ થઈ રહ્યું નથી. ત્યારે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ ક્રાંતિના મુહાયુદ્ધમાં પરિણામે તેવી પુરી શક્યતા છે. પરંતુ ક્રાંતિ ખૂબ જવાબદારીવાળી પ્રક્રિયા છે, તેમા બેજવાબદારો અને ડરપોકોનું કોઈ સ્થાન નથી. ક્રાંતિ તાત્કાલિક થતી નથી, પરંતુ તેના પરિણામો તાત્કાલિક છે. તેથી લોકો અને સમાજ જાગરૂકતાના માધ્યમથી તેમા જોડાય તેવી પુરી શક્યતા છે. પરંતુ આના માટે નવું મિકેનિઝમ ઉભું કરવાની જરૂરત છે કે જે લોકોમાં ચિંતન-મનન અને ડાયલોગનું વાતાવરણ ઉભું કરે. લોકો સામૂહિક રીતે કોઈ નિર્ણય પર આવે અને ત્યાર બાદ તેના પર અમલ કરવા માટે સામૂહિક રીતે જ તૈયાર થાય. 

1 comment: