Thursday, August 9, 2012

કેશુભાઈની પાર્ટી દ્વારા સંઘ પરિવારની રાજકીય દિશા બદલાઈ શકે



- આનંદ શુક્લ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતના રાજકારણમાં હિંદુત્વના પોતાના એજન્ડાને આગળ વધારવા માટે બે રાજકીય વિકલ્પો અત્યાર સુધીમાં આપ્યા છે. 1952માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં ભારતીય જનસંઘની સ્થાપના આરએસએસના તત્કાલિન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી. પરંતુ કટોકટી બાદની રાજકીય પરિસ્થિતિમાં જનસંઘ સામુહિક રીતે જનતા પાર્ટીમાં વિલિન થઈ ગયું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓના બેવડા સભ્યપદના મામલે ઉઠેલા વિવાદમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1979-80માં ભાજપની સ્થાપના થઈ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત વિભાજન બાદ દેશની સેક્યુલર રાજનીતિને હિંદુત્વના રસ્તે ચઢાવવાના એજન્ડાને આગળ વધારવા માટે ઉભા કરવામાં આવેલા રાજકીય વિકલ્પો એક યા બીજા કારણોસર નકામા સાબિત થયા. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વર્ષોમાં પોતાની વિચારધારાનો આધાર ગાંધિયન સોશ્યાલિઝમને રાખ્યો. જો કે તેના આધારે તેમને 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાને કારણે સિમ્પથી વેવનો ભરપૂર લાભ મળ્યો હતો.

પરંતુ રામજન્મભૂમિ આંદોલનને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિંદુ પરિષદના હાથમાંથી રાજકીય એજન્ડા સાથે લઈને ભારતીય રાજનીતિમાં સત્તાસ્થાને પહોંચવામાં કામિયાબી મેળવી. 1996, 1998, 1999માં અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં અનુક્રમે 13 દિવસ, 13 માસ અને એક ટર્મ માટે સત્તામાં રહેવાનો એનડીએના નેજા નીચે ભાજપને મોકો મળ્યો. રામજન્મભૂમિના રથ પર સવાર થનારા ભાજપે રામરથની સવારી સત્તા માટે છોડી દીધી. તેની સાથે 2004 સુધીમાં હિંદુત્વની વિચારધારાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળ હિંદુત્વવાદી એજન્ડાને પુરા કરવાની તાકાત પણ ગુમાવતી નજરે પડી. ભાજપને સુધારવાની અથવા કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ઉભો કરવા માટે સંઘ પરિવારમાં ગણગણાટ શરૂ થઈ ગયો. 2009ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપના નેતૃત્વવાળું એનડીએ હાર્યું. ત્યારે સંઘના નવનિર્વાચિત સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી અથવા સર્જરીની જરૂર હશે, તો તેને કરવાની વાત સાર્વજનિક રીતે કરી.

હિંદુત્વવાદી એજન્ડાને આગળ વધારનારા રાજકીય વિકલ્પના તૂટવાનો અફસોસ ઉંડે ઉંડે સંઘ પરિવારના નેતાઓમાં નવું ચિંતન, મનન અને મંથન પેદા કરનારો સાબિત થયો. જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટપણે ભાજપના રાજકીય વિકલ્પ તરીકે નવો રાજકીય પક્ષ સ્થાપવાની વાતને દ્રઢતાથી નકારી નાખી હતી. પરંતુ તેમ છતાં સંઘ પરિવારમાં રાજકીય વિકલ્પ તરીકે અપ્રાસંગિક બનતા જતા ભાજપ અને તેના નેતાઓ પ્રત્યે અસંતોષનું પ્રમાણ કાયમ રહ્યું છે. સંઘના રોજિંદા કામમાંથી દૂર થયેલા નેતાઓએ ભાજપનો રાજકીય વિકલ્પ શોધવાની કવાયત ક્યારની શરૂ કરી દીધી છે. ક્યારેક બાબા રામદેવને રાજકીય એજન્ડા માટે તૈયાર કરવાની કોશિશ થઈ, તો ક્યારેક અણ્ણા હજારેના મુસ્લિમ તરફી ધર્મનિરપેક્ષતાવાદી આંદોલનને હાઈજેક કરવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો.

જો કે અણ્ણા હજારે કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને આંદોલન બંને ઉભું કરવામાં નિષ્ફળ ગયા. અણ્ણા ખુદ રાજકીય વિકલ્પ આપવાની વાત કરી ચુક્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ આણિ મંડળીના રાજકીય વિકલ્પમાં સંઘ પરિવારના એજન્ડાને જરાપણ સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. તેને કારણે સંઘ પરિવાર હવે આ સંદર્ભે કોઈ મહેનત કે કડાકૂટમાં પડવા માંગતો નથી. અણ્ણાના અનુભવ પછી બાબા રામદેવને વિકલ્પ તરીકે જોવામાં ખૂબ સાવચેતીઓ દાખવવામાં આવી રહી છે.

જો કે અત્યાર સુધી હિંદુત્વવાદી રાજનીતિનું પ્રબળ કેન્દ્ર રહેલા ગુજરાતમાં પ્રાંતિય સ્તરે ભાજપનો રાજકીય વિકલ્પ ઉભો થયો છે. 4 ઓગસ્ટે ભાજપમાં 60 વર્ષ કામ કરનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપીને 6 ઓગસ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. આ પાર્ટીમાં કેશુભાઈ ઉપરાંત કાશીરામ રાણા, સુરેશ મહેતા, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહીતના ઘણાં નેતાઓ છે. હજી ઘણાં નેતાઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને સંઘના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલે અને નેતા પ્રવિણ મણિયારના આશિર્વાદ પણ પ્રાપ્ત છે.

કેશુભાઈ પટેલનુ કહેવુ છે કે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શો પર ટકેલી હશે અને અસલી ભાજપની ભૂમિકા નિભાવશે. તેઓ આ વાત જ્યારે કહી રહ્યા હતા, ત્યારે સંઘના દિગ્ગજ નેતા પ્રવિણ મણિયાર અને ભાસ્કરરાવ દામલે હાજર હતા. એક સચ્ચાઈ એ પણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાનો સિક્કો ચલાવ્યો છે, ત્યારથી બાકીના તમામ સિક્કાઓનું ચલણ બંધ થઈ ગયું છે, પછી તે સિક્કો સંઘ પરિવારના સંગઠનોનો કેમ ન હોય.

નરેન્દ્ર મોદી અત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી વધારે આગળ છે. ભાજપના ઘણાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા ઈચ્છી રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી સામે બે મુશ્કેલી છે, પહેલી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજું ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાથે અહમનો ટકરાવ. 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો બાદ મોદીને કોમવાદી ગણવાની ભારતીય રાજનીતિમાં ફેશન ચાલી છે, આને હિંદુત્વ ગણવાની ફેશન ચાલી છે. મોદીના વધેલા રાજકીય કદનો સામનો કરવા અને તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવા માટે ખુબ વ્યૂહાત્મક રીતે ભાજપના જ કેટલાંક કેન્દ્રીય નેતાઓની મિલીભગતથી મોદી કોમવાદી હોવાની વાત વારંવાર ગણતરીપૂર્વક ઉછાળવામાં આવી. ઘણાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2004 સુધીમાં મોદીની દેશમાં લોકપ્રિયતાથી ગભરાઈને જ ભાજપે હિંદુત્વના એજન્ડાને છોડીને વિકાસ અને અટલજીના નામે વોટ માંગ્યા હતા, કારણ કે જો ભાજપ હિંદુત્વના એજન્ડા પર આગળ વધત તો અટલજીના રાજનીતિમાંથી નિવૃત થયા બાદ નરેન્દ્ર મોદીને જ તેમના વધેલા રાજકીય કદને કારણે કેન્દ્રમાં મોટી ભૂમિકા આપવી પડે.

બીજી તરફ સેક્યુલરવાદના નામે મુસ્લિમ તરફી રાજનીતિમાં ગળાડૂબ નીતિશ કુમારે એક અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે એનડીએનો વડાપ્રધાન પદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. તાજેતરમાં અખબારી અહેવાલ પ્રમાણે નીતિશ કુમારે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પાસે ખાતરી માંગી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નહીં કરે. જો કે ગડકરીએ કહ્યુ છે કે એનડીએના તમામ પક્ષો સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ તમામ કવાયતમાં એક વાત સ્પષ્ટ છેકે નરેન્દ્ર મોદી પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા માટે જોર લગાવશે અને નીતિશ કુમાર તેના કારણે જેડીયૂ સાથે એનડીએમાંથી બહાર નીકળી જશે.

બીજી તરફ ગુજરાતમાં મોદી અને ભાજપની મુશ્કેલી એ છે કે કેશુભાઈની નવી પાર્ટી તમામ મોદી વિરોધીઓનું કેન્દ્ર તો બનશે જ, સાથે સંઘની વિચારધારાત્મક શક્તિઓ પણ સાથે આવી જશે. મોદી માટે સૌથી વધારે ચિંતાજનક કોઈ બાબત હશે, તો તે હશે કે ગત બે દશકમાં પહેલીવાર શક્તિશાળી 1 કરોડ 68 લાખની વસ્તી ધરાવતા પટેલ સમુદાયને ભાજપનો એક સ્પષ્ટ રાજકીય વિકલ્પ મળશે. મહત્વપૂર્ણ છે કે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમુદાયના ભાજપ તરફ ઝુકવાના પહેલા 80ના દાયકામાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી દ્વારા પ્રચલિત ખામ (ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ અને હરિજન) થિયરીની ગુજરાતની રાજનીતિમાં બોલબાલા હતી.

રાજ્યના પટેલ સમુદાયને કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવીને ખામ થિયરીને અપ્રસ્તુત બનાવીને ભાજપને સત્તામાં આગળ વધારવાનું શ્રેય જાય છે. પરંતુ પાર્ટીની અંદરની રાજનીતિમાં કેશુભાઈ જેવું સશક્ત પટેલ નેતૃત્વ મોદી હાથે પરાસ્ત થયું તે પણ એક હકીકત છે. પરંતુ હવે કેશુભાઈ પટેલ પોતાના તમામ દમખમથી પાર્ટી બહાર ખુલ્લા રાજકીય મેદાનમાં ચૂંટણી જંગ ખેલવાના છે.  જો કે આ પરિસ્થિતિ છતાં નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા પર પકડ જમાવી રાખશે, તો ભાજપના હાઈકમાન્ડ માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રોકવાનું કોઈ કારણ બાકી રહેશે નહીં.

આવી પુરી શક્યતા છે, કારણ કે મોદી  સામે ભાજપના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વધારે કંઈ થઈ રહ્યું નથી. રાજકીય વર્તુળોની ચર્ચા પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસ જેમના હાથમાં છે, તેમણે પીઠ પાછળ મોદી સાથે હાથ મિલાવી રાખ્યા છે. સંઘ પરિવારની શક્તિઓના નારાજ થવાનું એક કારણ એ પણ છે કે તેમના દ્વારા સૂચવવામાં આવેલા કામ મોદી કરતા નથી, પરંતુ કોંગ્રેસીઓના કામ ફટાફટ કરી નાખે છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે શું કેશુભાઈની નવી પાર્ટી આટલી જલ્દી પોતાનું સંગઠન ઉભું કરીને મોદીના નેતૃત્વમાં ચાલનારી સક્ષમ ચૂંટણી મશનરીને ટક્કર આપી શકશે કે જે ગત બે ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખી ચુકી છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપને સત્તાની બહાર કરવામાં કેશુભાઈ પટેલ સફળ થશે, તો નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પદ માટેનો રથ ગુજરાતમાં જ થંભી જશે.

પટેલ, મોદી અને નીતિશનો ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને કચ્ચરઘાણ ભાજપના ખુદના હિતોનો નીકળી રહ્યો છે. આ જંગમાં જીતનાર પોતપોતાના હિત સાધી શકશે, પરંતુ ભાજપના હિત કોરાણે મૂકાશે. આ દુવિધાના પરિણામો દૂરગામી હોઈ શકે . જો ગુજરાતમાં ભાજપને કેશુભાઈ પટેલની નવી પાર્ટી ટક્કર આપી શકશે, તો સંઘ પરિવારના રાજકીય વિકલ્પ શોધનારા જૂથ માટે નવી દિશા ખુલશે. કેશુભાઈ પટેલની પાર્ટીને સંઘ પરિવારની વિચારધારાની વધારે નજીક માનવામાં આવી રહી છે, ત્યારે તેની કોઈપણ પ્રકારની સફળતા સંઘ માટે એકદમ નવો અનુભવ હશે. આ અનુભવ પછી કદાચ સંઘ રાષ્ટ્રીય સ્તરે પણ વિચારધારાત્મક રીતે વધારે કટિબદ્ધ એક રાજકીય વિકલ્પ સંદર્ભે પણ વિચાર કરી શકશે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનું સારું પ્રદર્શન સંઘ પરિવારની રાજનીતિની દશા અને દિશા સ્થાયીપણે બદલી શકે છે.

No comments:

Post a Comment