લેબલ ક્રાંતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ક્રાંતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

ક્રાંતિના કિનારે વ્યવસ્થાની અવ્યવસ્થાઓ સામે ઉભેલું ભારત

-          આનંદ શુક્લ
દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. અવ્યવસ્થા પણ વ્યવસ્થાની એક અવસ્થા છે. વ્યવસ્થા વ્યક્તિ માટે છે, વ્યક્તિ વ્યવસ્થા માટે નથી. જ્યારે વ્યક્તિને વ્યવસ્થા માટે ગણવાની શરૂઆત થાય છે, ત્યારે તે વ્યવસ્થામાં અવ્યવસ્થાનો પ્રવેશ થાય છે. આવી પરિસ્થિતિ રુઢિવાદી માનસ(કન્ફર્મિસ્ટ માઈન્ડ)ની નીપજ છે. જો વ્યક્તિ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાને ટકાવવાનો વિચાર જ વ્યવસ્થા ચલાવનારા લોકો કરશે, તો આ પ્રકારનું માનસ રુઢિવાદી માનસ ગણાશે. વ્યવસ્થા વ્યક્તિનો વિચાર કરવા માટે છે. જો વ્યવસ્થા વ્યક્તિનો વિચાર બંધ કરી દે અને ખુદનો વિચાર ચાલુ કરે, તો આવી વ્યવસ્થાનું પરિવર્તન અતિઆવશ્યક છે. આવી વ્યવસ્થાને દૂર કરવી, આવી વ્યવસ્થાને નેસ્તોનાબૂદ કરવી જરૂરી છે. આવી વ્યવસ્થા, વ્યવસ્થાના નામે અવ્યવસ્થા હોય છે.
ભારતમાં પણ આઝાદી સાથે જ વ્યવસ્થાના નામે અવ્યવસ્થાની શરૂઆત થઈ ચુકી છે. ભારતની પ્રવર્તમાન વ્યવસ્થાએ હાલ વ્યક્તિનો વિચાર કરવાનું બિલકુલ બંધ કરી દીધું છે. વ્યવસ્થામાં અવ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે વ્યાપ્ત છે. લોકો આ વ્યવસ્થામાં ગુંગળાય રહ્યા છે. પોતાના જીવન અને ઓળખનું અસ્તિત્વ બચાવવા માટે અલગ-અલગ મોરચે ક્યારેક વિદ્રોહ કરી રહ્યા છે. પરંતુ આ વિદ્રોહ ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરતો નથી, કારણ કે આ વિદ્રોહ માત્ર વ્યવસ્થા સામેની પ્રતિક્રિયા છે. ભારતની પ્રવર્તમાન વ્યવસ્થા એવી છે કે તેણે લોકોના માનસ રુઢિવાદી બનાવ્યા છે અને ક્રાંતિકારી માનસનો ખાત્મો કરી દીધો છે. આ વ્યવસ્થાના દુષ્પરિણામો છે કે વ્યક્તિ પ્રતિક્રિયા આપે છે, પણ ક્રાંતિ કરી શકતો નથી. ક્રાંતિ માટે હાલ વ્યક્તિ પાસે ધૈર્ય નથી.
હાથમાં માત્ર હથિયારના આવી જવાથી ક્રાંતિ થતી નથી. ક્રાંતિની હવા હોય છે, આ ક્રાંતિની હવામાં ચિંતન હોય છે, મનન હોય છે, એક નવી દિશા હોય છે. ક્રાંતિ લોહી વહેવડાવામાં ઘણી કંજૂસ હોવી જોઈએ. વ્યવસ્થાને ક્રાંતિ તરફ જતી રોકવામાં જે બાબતો અડચણરૂપ હોય તેનો જ ક્રાંતિ ભોગ લે છે. જો કે આજ સુધી જેને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, તે તમામ વ્યવસ્થા સામેની પ્રતિક્રિયા સ્વરૂપે જન્મેલા અને સફળ થયેલા લોહિયાળ વિદ્રોહ છે. જે ક્રાંતિ માણસના ચિત્તને ઝંઝોડીને ચિંતન-મનના રસ્તે વ્યક્તિ પરિવર્તન કરી શકતી નથી, તે ક્રાંતિ નથી. આવી ક્રાંતિ બે-પાંચ વર્ષોમાં થઈ શકતી નથી. તેને આવતા પચ્ચીસ-પચાસ વર્ષનો સમય લાગે છે, કારણ કે ક્રાંતિ તાત્કાલિક સમસ્યાનો વિચાર કરવાને બદલે મૂલ્યોનો વિચાર કરે છે. પ્રવર્તમાન વ્યવસ્થાની કથિત નીતિ અને મૂલ્યો કે જેનાથી અવ્યવસ્થા ઉભી થઈ રહી છે અને આગળ વધી રહી છે, તેને રોકવા માટે વાતાવરણમાં ક્રાંતિની હવા પેદા થવી જોઈએ અને તેના થકી આવી વ્યવસ્થામાં રહેલા લોકોમાં ડાયલોગ ઉભો થાય. આનાથી લોકો ચિંતન અને મનનથી પરિસ્થિતિ બદલવા માટે સામૂહિક અને સ્વયંભૂ તૈયાર થાય છે.
ક્રાંતિને હિંસાનો અને હથિયારોનો છોછ હોતો નથી. પરંતુ આ બંને ક્રાંતિના છેલ્લા તબક્કાની પરિપકવ પ્રક્રિયાનો ભાગ હોય તો જ આવકાર્ય છે. જ્યારે પ્રવર્તમાન વ્યવસ્થાના માળખાને બદલવાની, તોડવાની અને તેને નેસ્તોનાબૂદ કરવાની ચેષ્ટા થશે, તો વ્યવસ્થાનું માળખું પણ પ્રતિક્રિયા આપશે. આ પ્રતિક્રિયા વૈચારીક હશે, રાજકીય હશે અને હિંસાત્મક પણ હોઈ શકે છે. ત્યારે વિચારો સામે વિચારથી, રાજકારણ સામે રાજકારણથી, હિંસા સામે પણ મર્યાદિત હિંસાથી લડવું ક્રાંતિની પરમ આવશ્યકતા છે.
કોઈપણ વ્યવસ્થાને હટાવવી અથવા બદલવી ઘણું સરળ કામ હોય છે. પરંતુ જ્યારે આ વ્યવસ્થાને હટાવવા માટે જે અવ્યવસ્થા ઉભી થાય છે, તેનો સામનો કરવો ઘણો કઠિન હોય છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યવસ્થા નિયમો થકી રહેલી હોય છે. તેની મર્યાદા હોય છે. જ્યારે અવ્યવસ્થાના નિયમો હોતા નથી અને તેની કોઈ મર્યાદા પણ હોતી નથી. તેથી જ જ્યારે વ્યવસ્થાના પરિવર્તનમાં લાગેલા લોકો વ્યવસ્થિત નહીં, હોય તો અવ્યવસ્થા ઘણી ભયાનક હશે. આવી અવ્યવસ્થાને હટાવવી અથવા વ્યવસ્થામાં પરિવર્તિત કરવી ઘણું કઠિન કામ હશે, આ વ્યવસ્થા પરિવર્તનમાં લાગેલા લોકો સામેનો મોટો પડકાર હશે. તેથી જ ક્રાંતિના મિશનમાં લાગેલા વ્યક્તિઓએ પોતાની સજ્જતા કેળવવી પડશે, આવી સજ્જતાઓ વ્યવસ્થા પરિવર્તન થકી સર્જાતી ક્રાંતિમાં ઓછામાં ઓછું લોહી વહેવડાવશે.
આવા લક્ષ્યોને હાંસલ કરવા માટે સમાજનું ક્રાંતિકારી માનસ જાગૃત કરવું જરૂરી છે. સમાજનું ક્રાંતિકારી માનસ જાગૃત કરવા માટે વ્યવસ્થાની અવસ્થાને અવ્યવસ્થામાં બદલી રહેલા મૂલ્યો અને બાબતો સામે નિષેધ ઉભો કરવો ક્રાંતિની પ્રારંભિક જરૂરિયાત છે. નકારાત્મક બાબતો સામે નિષેધ ઉભો કરતા નેગેટિવ માઈન્ડ પેદા કરવા બિલકુલ નકારાત્મકતા નથી. આવા નેગેટિવ માઈન્ડ, ઈન્કારની સક્ષમતા સમાજના રિવોલ્યૂશનરી માનસને ઉત્તેજિત કરશે. વ્યક્તિ માટે જોખમરૂપ બની ગયેલી વ્યવસ્થાને બદલવા માટે રિવોલ્યૂશનરી માનસ વધારે કારગર સાબિત થશે.
લોકોમાં, સમાજમાં અને સમાજજીવનમાં ચિંતન-મનન અને ડાયલોગથી રિવોલ્યૂશનરી માઈન્ડ પેદા કરીને ક્રાંતિના લક્ષ્યો હાંસલ કરવા આગળ વધવું ક્રાંતિ માટે ઘણો મહત્વનો તબક્કો છે. તેના માટે 20થી 25 વર્ષ તાત્કાલિક સમસ્યાઓ તરફ ધ્યાન આપવાનું બંધ કરીને વ્યવસ્થામાં ઉભી થયેલી તમામ અવ્યવસ્થાઓને તેની નીતિઓ સહીત ઉજાગર કરી દેવી જોઈએ. આમ થયા પછી વ્યવસ્થા પરિવર્તન માટે સમાજની તૈયારી જોવી જોઈએ. ભારત કદાચ આ તબક્કામાં આવી ચુક્યું છે. પરંતુ હાલ ભારતની સમસ્યા છે કે લોકોના માનસ સંપૂર્ણપણે ક્રાંતિકારી બનાવવાનું કોઈ મિકેનિઝમ વ્યવસ્થાની અવ્યવસ્થાઓ ઉજાગર થયા છતાં ઉપલબ્ધ નથી.
જે લોકો પાસે આની આશા કરવામાં આવી હતી, તેઓ જ હવે અવ્યવસ્થા સાબિત થઈ ચુકેલી વ્યવસ્થાના ભાગ બની રહ્યા છે અથવા બની ચુક્યા છે. આવી સ્થિતિમાં ભારતે મજબૂત અને ઉંડું મંથન કરવું પડશે, ભારતે નક્કી કરવું પડશે કે તેણે ક્યાં જવું છે અને કેવી રીતે જવું છે? ભારતની રાજકીય વ્યવસ્થા અવ્યવસ્થા સાબિત થઈને સંપૂર્ણ નિષ્ફળતા તરફ આગળ વધી રહી છે. ભારતમાં ચાલી રહેલા ભયંકર ભ્રષ્ટાચારના વાતાવરણે, નીતિ-મૂલ્યોના હ્રાસે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી છે. રાજકીય વ્યવસ્થાની નિષ્ફળતાની અસર ભારતના સમાજજીવન પર પણ પડી રહી છે. સમાજજીવન પ્રભાવિત થવાથી આર્થિક ચિંતન અને સાંસ્કૃતિક વારસા પર પણ ખરાબ દુષ્પ્રભાવો ઉભા થઈ રહ્યા છે. જેના પરિણામે દેશ પોતાની ઓળખને ગુમાવે તેવું પણ સંકટ ઉભું થઈ રહ્યું છે.
ક્રાંતિનો અર્થ એવો ક્યારેય થતો નથી કે દેશ અને સમાજ, તેમા પોતાની ઓળખના મૂળતત્વોનો નાશ કરીને તદ્દન નવી ઓળખ પ્રાપ્ત કરે છે. ક્રાંતિને કારણે આવનારા પરિણામો જે-તે સમાજ અને દેશના મૂળ અને સનાતન તત્વોને આધારીત હોય છે. આ મર્યાદાની બહાર થનારી કથિત ક્રાંતિઓ ક્રાંતિના બદલે દેશના લોકો દ્વારા જ દેશ પર બહારી મૂલ્યો-નીતિઓ થકી થતું આક્રમણ વધારે હોય છે. ક્રાંતિનો પણ ચહેરો હોય છે. ચહેરા વગરની ક્રાંતિ શક્ય નથી. વ્યક્તિએ અને સમાજે કોઈપણ ક્રાંતિનો ભાગ બનતા પહેલા તેના ચહેરાને ઓળખવો જોઈએ. આ ચહેરો તેને અજાણ્યો લાગે અથવા ચહેરો દેખાય નહીં તો તેવી ક્રાંતિનો ક્યારેય ભાગ બનવું જોઈએ નહીં, કારણ કે આવી ક્રાંતિ બાદ આવનારી શાંતિ વ્યક્તિ અને સમાજને ખૂંચશે પરેશાન કરશે. ભારતના હાલની સમસ્યાનું મૂળ પણ એ છે કે જાણીતા ચહેરાઓથી અજાણ્યા ચહેરાવાળી ક્રાંતિ તરીકે ઓળખાતી પરિવર્તનોની હારમાળાનું ભાગ બન્યું.
ક્રાંતિનો ચહેરો ઓળખ્યા પછી પણ તેનો ભાગ બનનારાઓએ પોતાની ધીરજ ગુમાવવી જોઈએ નહીં. ક્રાંતિ ખૂબ લાંબી ચાલનારી પ્રક્રિયા છે. ક્રાંતિપથ પર ક્રાંતિકારીએ હિંસા સહીતના દરેક વિકલ્પ ખુલ્લા રાખવા જોઈએ, પરંતુ હિંસાને આખરી વિકલ્પ તરીકે જ સ્વીકારવો જોઈએ. ક્રાંતિ થકી વ્યવસ્થા પરિવર્તન સિવાય ઘણી અન્ય બાબતોમાં પરિવર્તનો આવવાના છે. પરિવર્તનો ઢાંચા વિરુદ્ધના હશે, જેને ઢાંચાની જાળવણી કરનારા લોકો સહન કરશે નહીં. આવા સંજોગોમાં ઢાંચો અને તેમા રહેલા વ્યક્તિઓ પ્રતિક્રિયા આપશે, તે હિંસક પણ હોઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં ક્રાંતિકારીઓએ પરિવર્તનો પ્રત્યે અડગતા દાખવીને હિંસક પ્રતિક્રિયાને પણ આખરી વિકલ્પ તરીકે ઓછામાં ઓછી હિંસાથી રોકવી જોઈએ.
સાચા અર્થમાં હાલ દુનિયામાં કોઈ જગ્યાએ ક્રાંતિની શક્યતા છે, તો તે ભારતમાં જ છે. ભારત અત્યારે એક એવું સ્થાન છે કે જ્યાં સિસ્ટમમાં અવ્યવસ્થા નથી, પરંતુ અવ્યવસ્થા સિસ્ટમને નામે ચાલી રહી છે. આ સિસ્ટમ તેને ચલાવી રહી છે. આ સિસ્ટમ હવે માનવા લાગી છે કે લોકો તેના માટે છે, તે લોકોથી પર અને તેમના માટે નથી. વ્યવસ્થાનો આ વિચાર તાત્કાલિક બદલાય તેવી કોઈ પરિસ્થિતિ વ્યવસ્થામાં રહેલા લોકો ઉભી થવા દે તેવી કોઈ શક્યતા નથી. જો વ્યવસ્થા પોતે લોકો માટે હોવાનું વિચારતી હોત, તો પોતાની ખામીઓ સંદર્ભે પણ સજાગ અને માનવીય અભિગમવાળી હોત. પરંતુ એવું કંઈ થઈ રહ્યું નથી. ત્યારે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ ક્રાંતિના મુહાયુદ્ધમાં પરિણામે તેવી પુરી શક્યતા છે. પરંતુ ક્રાંતિ ખૂબ જવાબદારીવાળી પ્રક્રિયા છે, તેમા બેજવાબદારો અને ડરપોકોનું કોઈ સ્થાન નથી. ક્રાંતિ તાત્કાલિક થતી નથી, પરંતુ તેના પરિણામો તાત્કાલિક છે. તેથી લોકો અને સમાજ જાગરૂકતાના માધ્યમથી તેમા જોડાય તેવી પુરી શક્યતા છે. પરંતુ આના માટે નવું મિકેનિઝમ ઉભું કરવાની જરૂરત છે કે જે લોકોમાં ચિંતન-મનન અને ડાયલોગનું વાતાવરણ ઉભું કરે. લોકો સામૂહિક રીતે કોઈ નિર્ણય પર આવે અને ત્યાર બાદ તેના પર અમલ કરવા માટે સામૂહિક રીતે જ તૈયાર થાય. 

મંગળવાર, 31 જુલાઈ, 2012

ભારતમાં ક્રાંતિજ્વાળાઓ ભડકાવા જરૂર એક ચિનગારીની છે


-આનંદ શુક્લ
આપણું ભારત, હિંદુસ્તાનમાંથી ઈન્ડિયા બનેલું ભારત. સનાતનકાળથી સર્વોચ્ચ મૂલ્યોનું વાહક બનેલું ભારત. ઋષિ-મુનિઓના દર્શન અને ચિંતનથી ઉત્કૃષ્ટ જીવનશૈલીનું ધ્વજારોહક બનેલું ભારત. ઈશ્વરની ચેતના અને તેમના અંશના પ્રાગટ્યનું વિશ્વનું એકમાત્ર સ્થાન ભારત. ક્રાંતિની જ્વાળાઓના શિખર પર રહીને પણ ક્રાંતિથી વંચિત રહી જતું ભારત ! ભારત આશરે પાંચ હજાર વર્ષથી ક્રાંતિની પ્રતીક્ષામાં છે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ દ્વારા થયેલી ક્રાંતિ બાદ ભારતમાં સાચા અર્થમાં ક્રાંતિ થઈ શકી નથી. જે ક્રાંતિના નામે પ્રચલિત ઘટનાઓ છે, તે માત્ર પ્રતિક્રિયામાંથી જન્મેલા ત્વરીત પરિવર્તનો કે વધુમાં વધુ અધુરી ક્રાંતિઓ છે. ભારતે અને ભારતના લોકોએ ક્યારેય આ પરિવર્તનોને સ્થાયી કરીને પૂર્ણ ક્રાંતિને પામવા માટે પ્રયત્ન કર્યો નથી.
કદાચ ભારતના લોકોનું વર્તન એવું છે કે ક્રાંતિથી અને ક્રાંતિના લોહિયાળ પરિણામોથી તેઓ ડરી રહ્યા છે. ક્રાંતિ એક મોટું વાવાઝોડું છે, જેમાં જેના મૂળ ઉંડા નહીં હોય તેવી બધી વસ્તુઓ ઉડીને દરિયામાં જઈને પડશે. કુદરતે એટલે જ તો ભારતની ત્રણ બાજુ સમુદ્ર આપ્યો છે કે જે વસ્તુઓના દેશમાં ઉંડે સુધી મૂળિયા ન હોય તેને દરિયામાં ડૂબાડી શકાય. ક્રાંતિના લાલવર્ણી લાગવાનું કારણ તેનામાં રહેલી લોહીની લાલાશ છે. ક્રાંતિમાં લોહીની લાલાશ તેને પામવાની જે લોકોને અદમ્ય ઈચ્છા હોય છે, તેના જ રક્તની હોય છે. ત્યાર પછી ક્રાંતિ તેને રોકનારાઓનું પણ લોહી વહેવડાવે છે. ક્રાંતિ કદી અધુરા હ્રદયે અને ડરતા ડરતા પામી શકાતી નથી. તેના માટે અખંડ શ્રદ્ધા, અડગ વિશ્વાસ અને અવિરત નિર્ભયતા બિલકુલ આવશ્યક બાબતો છે.
ક્રાંતિ તેના નેતા વગર અશક્ય છે. ક્રાંતિનો જે નેતા બને છે, તે ભગવાન બની જાય છે. કૃષ્ણ ભગવાન છે કે નહીં તેની ચર્ચા આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે સતત થતી રહેશે. પરંતુ મહાભારતના યુદ્ધમાં થયેલી રક્તક્રાંતિએ કૃષ્ણને લોકહ્રદયમાં ભગવાન જરૂરથી બનાવી દીધા છે, તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. મહાભારતની રક્તક્રાંતિને અધર્મ વિરુદ્ધ ધર્મના જય સાથે તેના આખરી અંજામ સુધી કોઈએ પહોંચાડી હોય, તો કૃષ્ણના સબળ અને સક્ષમ નેતૃત્વએ. ક્રાંતિ હવામાં હોય છે. ક્રાંતિની હવા ધીરેધીરે ફેલાય છે અને અચાનક વાવાઝોડું બનીને અનિષ્ટો અને અધર્મીઓ પર ત્રાટકે છે. ક્રાંતિની હવા પોતાનો નાયક અને સંગઠન ખુદ બનાવી લેશે. ક્રાંતિ નિશ્ચિત નાયક અને નિશ્ચિત સંગઠનો દ્વારા ક્યારેય થઈ નથી અને થવાની નથી. ક્રાંતિના વાવાઝોડાંમાં નાયક ઉભરી આવે છે અને નાયકની આસપાસનું વર્તુળ સંગઠનનું સ્વરૂપ લઈ લે છે. આ સંગઠન ક્રાંતિને સ્થાયી કરવા માટે સંસ્થાનું સ્વરૂપ ધારણ કરી નાખે છે. પરંતુ સંસ્થા સ્થાયી થવાથી સ્થાપિત હિતોના આગળ વધવાનું જોખમ રહેલુ હોય છે. તેથી ક્રાંતિના ઉન્નત શિખરોને સર કર્યા બાદ તેની સંસ્થા, સંગઠનો અને નાયકોનું વિસર્જન અતિઆવશ્યક છે.
મહાભારતની રક્તક્રાંતિ જોવો. માત્ર પાંચ પાડવોને કૃષ્ણનું નેતૃત્વ મળતા કૌરવોની અઠાર અક્ષૌણી સેના સામે તેમણે બાથ ભીડી. સંખ્યાની દ્રષ્ટિએ પાંડવો પહેલેથી નબળા હતા. કૌરવ સેનાના મહારથીઓ એકએકથી ચડિયાતા હતા. પરંતુ કૌરવો પાસે એક વાતની કમી હતી અને તે ધર્મ હતો. અધર્મના માર્ગ પર ચાલનારા કૌરવોને દુર્યોધનનું નેતૃત્વ હતું અને દુર્યોધન પર અંધ ધૃતરાષ્ટ્રનો અતિમોહ હતો. અધર્મના માર્ગે કૌરવ સેનાને કૃષ્ણના સબળ નેતૃત્વવાળા પાંડવો સામે નિર્બળ બનાવી દીધી. પાંડવો ધર્મયુદ્ધ જીત્યા. ધર્મનો જય થયો. રક્તક્રાંતિના પરિણામો પ્રાપ્ત થયા. પરંતુ ત્યાર પછી શું થયું? પાંડવો હિમાલય ગાળવા નીકળી ગયા. રાજ્ય પોતાના વંશજોને સોંપી દીધું. કૃષ્ણ ભાલકાતીર્થમાં શિકારીના તીરથી વિંધાયને પાછા પોતાની લીલા સમાપ્ત કરીને વૈકુંઠ આવ્યા. મહાભારતની રક્તક્રાંતિ બાદ તમામ વસ્તુઓ અને નાયકો જેઓ તેના માટે જવાબદાર હતા, તેમણે પોતાને વિસર્જિત કરી દીધા. આ ક્રાંતિની અસરો ઘણાં લાંબા સમય સુધી દેશમાં રહી.
ક્રાંતિ થયા પછી પણ ક્રાંતિની અસરો નિરંતર ચાલુ રહે તેના માટે તેને રિચાર્જ કરતા રહેવી પડે છે. ભારતમાં ક્રાંતિના રિચાર્જની પ્રક્રિયામાં કંઈક ખલેલ પડી. તેના કારણો ઘણાં હોઈ શકે, નેતૃત્વની અક્ષમતા, સમાજની શિથિલતા, રાજકીય બેજવાબદારી, સાંસ્કૃતિક ઉદાસિનતા અથવા આર્થિક મહત્વકાંક્ષાઓ. ભારતમાં મહાભારત પછી ક્રાંતિ ક્યારેય રિચાર્જ થઈ નથી. હા, આપણે ક્રાંતિ તરીકે જેને ઓળખીએ છીએ, તેવી કેટલીક ઘટનાઓ જરૂરથી બની. પરંતુ આ ઘટનાઓ ક્રાંતિ જેવી જરૂર હતી, પરંતુ ક્રાંતિ ન હતી. આ ઘટનાઓ અન્ય ઘટનાઓની પ્રતિક્રિયામાંથી જન્મી હતી. ક્રાંતિ ક્યારેય પ્રતિક્રિયા હોતી નથી. ક્રાંતિ પ્રતિક્રિયા વગર એમને એમ જ વ્યવસ્થામાં રહેલી અવ્યવસ્થાઓમાંથી પેદા થાય છે.
મહાભારતની ક્રાંતિ થવાને કારણે ભારત સુગઠિત, સુવ્યવસ્થિત અને શક્તિશાળી બન્યું. સંસ્કાર, મૂલ્યો, નૌતિકતા, સામાજિક વ્યવસ્થા, રાજકીય મોડલ, સાંસ્કૃતિક ઉન્નતિ, આર્થિક વિકાસ બધી વસ્તુઓ ભારતે પ્રાપ્ત કરી. પરંતુ ભારતમાં ક્રાંતિના રિચાર્જ નહીં થવાથી વ્યવસ્થામાં ખુદ અવ્યવસ્થા ઉભી થઈ. આ વ્યવસ્થાની અવ્યસ્થાને કારણે ભારતના વ્યવસ્થિત સમાજ પર બહારની દુનિયાના અવ્યવસ્થિત સમાજો અને સમૂહોએ આક્રમણોનો દોર શરૂ કર્યો. ભારતના સુવ્યવસ્થિત સમાજ પર અવ્યવસ્થામાં ઝઝુમી રહેલા જૂથ-સમૂહો અને સમાજોએ તલવારના જોરે પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું. તેનું કારણ હતું કે ભારતનો સમાજ અતિસંસ્કારીત થવાને કારણે શક્તિની સતત ઉપેક્ષા કરનારો બન્યો હતો. શસ્ત્રો તેમણે પોતાના હાથમાંથી દેવોની પથ્થરની મૂર્તિના હાથમાં મુકી દીધા. પોતાની સુરક્ષા માટે પોતે લડવાને બદલે ચમત્કારોનો આધાર લેવાની મૂર્ખામી પણ આ સમાજે શરૂ કરી. જેનું પરિણામ લગભગ હજાર વર્ષની પરધર્મીઓની ગુલામીમાં આવ્યું.
ક્રાંતિ રિચાર્જ થતી રહેતી હોત, તો ભારતીય સમાજને ગુલામીના હજાર વર્ષ સહન કરવું પડયું ન હોત. એલેક્ઝાંડર સામે ચંદ્રગુપ્ત-ચાણક્યે પ્રતિકાર કર્યો, મહંમદ ગઝનવી સામે રાજા-મહારાજાઓ અલગ-અલગ લડયા, પૃથ્વીરાજ ચૌહાણે હાથમાં આવેલા મંહમદ ઘૌરીને છોડયો, બાબરને રાણા સાંગાની તલવારનો સામનો કરવો પડયો, અકબરને રાણા પ્રતાપની ટેક સામે જીતવા છતાં સતત નમતા રહેવું પડયું, ઔરંગઝેબ સામે છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ અને છત્રસાલની તલવારોએ બરાબરની ઝીંક જીલી, અંગ્રેજો સામે 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, ક્રાંતિકારીઓએ સતત અંગ્રેજી સલ્તનતના પાયા પોતાના બલિદાનો થકી હલબલાવ્યા, આઝાદ હિંદ ફોજ થકી સુભાષ બાબુએ અંગ્રેજોને હિંદુસ્તાનીઓની જાગી રહેલી શક્તિ દેખાડી, 1946માં નૌસેનાએ મુંબઈમાં બળવો કર્યો. આ તમામ ઘટનાઓ પ્રતિક્રિયાઓ હતી, ગુલામી સામેની પ્રતિક્રિયાઓ હતી. તે ક્રાંતિ ન હતી. ક્રાંતિ ગુલામીમાંથી પેદા થતી નથી, તે ગુલામીને ફગાવી દેનારી સમાજની સ્વયંભૂ ઘટના હોય છે. ભારતમાં કહેવાય છે કે દેશની આઝાદીને 65 વર્ષ થયા. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિની સ્વયંભૂ ઘટના નહીં થવાને કારણે પ્રતિક્રિયાવાદી ઘટનાઓથી અંગ્રેજો અને અંગ્રેજી સલ્તનતે જરૂરથી દેશ છોડયો છે. પરંતુ અંગ્રેજીયત, તેમના કાયદા અને તેમની નીતિઓ હજી પણ આ દેશમાં ચાલુ છે. જો આમ હોય તો આ દેશ આઝાદ કેવી રીતે કહી શકાય? ક્રાંતિ આ દેશને સંપૂર્ણ સ્વતંત્ર કરવાની સ્વરાજને સંપૂર્ણ સાર્વભૌમત્વ અપાવવાની અને તેના થકી સુરાજ નિર્માણ કરવાની અતિ જવાબદારીપૂર્ણ પ્રક્રિયા છે.
આ દેશ ક્રાંતિ ઈચ્છી રહ્યો છે. દુનિયામાં અત્યારે ક્યાંય કોઈ ક્રાંતિની શક્યતા છે, તો તે ભારતમાં છે. ભારતમાં ક્રાંતિ ઘટવા માટેના તમામ કારણો મોજૂદ છે અને લોકો પણ ક્રાંતિ ઈચ્છી રહ્યા છે. પરંતુ ભારતમાં ગુલામીના હજાર વર્ષમાં એક ક્રાંતિ વિરોધી માળખું અસ્તિત્વમાં આવ્યું છે, આ માળખું ભારતમાં ક્રાંતિ સર્જવા દેતું નથી. હજાર વર્ષના ગુલામી કાળમાં કેટલીક ક્રાંતિ વિરોધી બાબતો સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે રુઢિચુસ્ત બની ગઈ છે. જ્યારે આ બાબતોને બદલવાની કોઈ ચેષ્ટા કરે છે, તો માળખું પ્રતિક્રિયા આપે છે. આ માળખું પોતે ક્રાંતિની વાતો શરૂ કરી દે છે. આ માળખું પોતે બદલાઈ રહ્યું હોવાની અને પરિવર્તન કરવાની વાતો કરે છે. પરંતુ આ બધું માળખામાં રહેલા માણસો તેને બચાવવા માટે કરી રહ્યા છે. જ્યાં સુધી માળખા અને તેમા રહેલા લોકો સામે મુખર અને પ્રખર લોકજુવાળ નહીં જાગે, ત્યાં સુધી ક્રાંતિ શક્ય નથી. જો કે ક્રાંતિ માટેની તમામ પૂર્વશરતો ભારતમાં હાલ વિદ્યમાન છે. છેલ્લા હજાર વર્ષથી તે અસ્તિત્વમાં છે. પરંતુ તેમાં કોઈએ હજી સુધી ચિનગારી ચાંપી નથી. એક વખત ચિનગારી ચંપાઈ જશે, પછી ભારતમાં ક્રાંતિની જ્વાળાઓ તમામ અનિષ્ટોને ભસ્મીભૂત કર્યા વગર રોકાવાની નથી. ક્રાંતિજ્વાળાઓ ભારતને નવું પ્રભાત આપે તેવો વિશ્વાસ આ દેશના દર્શન અને ચિંતનને છે. જો કે તે પહેલા માળખામાં રહેલા લોકો પ્રેરીત કેટલાંક લોકો પોતે ક્રાંતિ કરી રહ્યા હોવાનો દેખાવ કરશે. પરંતુ ક્રાંતિ તેમના વશની વાત નથી. યાદ રાખો ક્રાંતિ જીવનમાં સાધુતા રાખનારા લોકો કરી શકશે. જેઓ મોતના મરજીવા બનીને મમત્વને છોડીને મેદાનમાં આવશે, જેઓ લોકોની આકાંક્ષાઓને પામવા માટે પોતાના લીલુડા માથા વધેરાવા તૈયાર થશે, જે લોકો સ્વને છોડીને ભારતમાં વિલીન થવા માટેની તૈયારી દર્શાવશે, ક્રાંતિ તો આવા લોકો માટે ચપટીની વાત છે. આવા લોકો ભારતની બહુરત્ના વસુંધરા જ આપશે. 

શુક્રવાર, 29 જુલાઈ, 2011

વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ અને ક્રાંતિકારીઓ


-આનંદ શુક્લ

“મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે તે આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જીવન-દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તો તેને મૃત્યુનું નામ આપી દેવાય છે.” જીવન-મરણ અંગે આટલું ઉંડું ચિંતન ધરાવનાર કોઈ સમાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે. આ મહાપુરુષ અન્ય કોઈ નહીં પણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી ભારતમાતાની સાધના જીવનપર્યંત કરનાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હતા. તેમને વીર સાવરકરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 28 મે, 1883ના દિવેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. તેઓનું શરીર કૃશ લાગતું હતું, છતાં તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેટલો અડગ હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિપુંજ સમાન હતા. તેઓ સંપૂર્ણ ક્રાંતિના આગ્રહી હતા. તેમના મતે ક્રાંતિ એટલે છલાંગ લગાવવાવાળો વિકાસવાદ હતો.

તેમનું ક્રાંતિના સંદર્ભે એક આગવું ચિંતન હતું. તેમનું ચિંતન ઘણાંને અણગમો ઉપજવાનાર પણ હતું. છતાં પણ તેઓ તેને દ્રઢતાપૂર્વક વળગી રહ્યાં હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટેની તમામ પ્રકારની કોશિશો કરી અને ઘણાં બધાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી બન્યા.

ક્રાંતિ ક્યારે અને ક્યાં સુધી આવશ્યક છે? તે બાબતે સાવરકર અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આ સંદર્ભે પોતાના નિર્ભિક વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમના માનવા પ્રમાણે, “જે સમયે સંપૂર્ણ માનવજાતિ શ્રેષ્ઠતમ ન્યાય અને પરમાનંદના પુનિત આદર્શને પ્રાપ્ત કરી લેશે. જ્યારે ઈશ્વરીય વિભૂતિઓ, દેવદૂતો અને ધર્મગુરુઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ધર્મરાજ્યની કલ્પના આ ધરાતલ પર સાકાર થઈ જાય. જ્યારે ઈશા મશીહની દેવવાણીથી નિસ્ત્રત તે પાવન ઉપદેશ કે, ‘જો કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો’, પર આચરણ કરવાની જરૂર નહીં રહે. કારણ કે કોઈ કોઈના ગાલ પર લાફો મારવાનો પ્રયત્ન જ નહીં કરે. સત્યયુગની આ પાવન સ્થિતિ જ્યારે સંસારને પ્રાપ્ત થશે, ત્યારે કોઈ વિદ્રોહની કલ્પના માત્ર કરશે, રક્તનું એક ટીપું પણ વહેવડાવશે, એટલું જ નહીં, પણ જો તેના મોઢામાંથી પ્રતિશોધ શબ્દ પણ ઉચ્ચારીત થશે તો તેના આ પાપને તેની ક્રૂરતા માટે અનંત અવધિ માટે રૌરવ નામના નરકમાં ફેંકી દાવા માટે ઉપયુક્ત ગણાશે.”

પણ સાવરકર એમ પણ માનતા હતા કે, “જ્યાં સુધી દૈવી યુગનો આવિર્ભાવ નથી થઈ જતો, પરમાનંદનો આ પાવન આદર્શ સાકાર નથી થઈ જતો, તે શુભ ઘડીનો ઉદય નથી થઈ જતો, જ્યાં સુધી સંતો, દેવદૂતો અને પ્રભુના પ્રિય પુત્રોના ભવિષ્ય કથન સાકાર નથી થઈ જતાં, જ્યાં સુધી ન્યાયપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેની વિરોધી અન્યાયમૂલક પ્રવૃતિને નિર્મૂલન કરવા માટે માનવ મન પ્રવૃત નથી થઈ જતું, ત્યાં સુધી વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોઘની ગણના અધર્મ તત્વોમાં કરવી ઉચિત નથી. જ્યાં સુધી રાજ્ય શબ્દનો ઉપયોગ અન્યાયમૂલક અને ન્યાયમૂલક એણ બે પ્રકારના તત્વો માટે કરવામાં આવે છે, ત્યાં સુધી તેમના પ્રતિયોગી શબ્દ ન્યાય અને અન્યાય બંનેના અર્થોમાં ઉપયુક્ત બની શકશે.”

સાવરકરના મતે, ક્રાંતિનું સંચાલન અંકગણિતના નિયમ પ્રમાણે નથી થતું. ખરેખર તો ઈતિહાસના ઘટનાક્રમ પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે નિશ્ચિત નિયમો પ્રમાણે તો આજ સુધી કોઈપણ ક્રાંતિનું સંચાલન નથી થઈ શક્યું. ક્રાંતિ કોઈ ઘડિયાળની જેમ એક સુનિર્ધારીત નિયમ પ્રમાણે ચાલવાવાળું યંત્ર તો નથી જ. ક્રાંતિનું સંચાલન હંમેશા એક વિશાળ સિદ્ધાંતથી થાય છે. નાના-નાના નિયમો-ઉપનિયમો તો ક્રાંતિના એક વિસ્ફોટ માત્રથી વેર-વિખેર થઈ જાય છે. ક્રાંતિ કેવળ એક જ સિદ્ધાંત છે, “થોભો નહીં, આગળ વધો.” ક્રાંતિ તો એક વિચિત્ર પક્ષી છે, જે સ્થળે તે દીર્ઘકાળ સુધી બંદી હોય છે, ત્યાંથી મુક્ત થતાં જ તે બીજા સ્થાન પર પુન: પહોંચતા પહેલા આકાશના બીજા છેડાથી પોતાની પાંખોના બળે ઊડે છે, ચક્કર લગાવે છે. ક્રાંતિ માટે આ પ્રકારનું ઉડ્ડયન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

ક્રાંતિના માર્ગને અનિશ્ચિતતા, સંશય, મહત્તા વગેરે રોકે છે. અનિશ્ચય અને અસ્થિરતા સિવાયનું અન્ય કોઈપણ વિષ ક્રાંતિનું પ્રાણહરણ કરવામાં સફળ થતું નથી. ક્રાંતિનો વિસ્તાર જેટલો ત્વરીત અને આકસ્મિક હોય છે, તેટલી જ તેના વિજયની સંભાવના વધી જાય છે. ક્રાંતિના વિસ્તારની ગતિ મંદ પડતાની સાથે જ શત્રુને સચેત થવાનો મોકો મળી જાય છે. આ જોઈને ક્રાંતિકારીઓનો ઉત્સાહ મંદ પડી જયા છે કે તેમની સાથે આવીને કોઈ ઉભું રહેતું નથી. તેમની સાહસવૃતિ તૂટવા લાગે છે અને શત્રુ સક્રીય બની નવા ક્રાંતિકારીઓના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં સફળ બને છે. પ્રથમ આક્રમણ અને ક્રાંતિના પ્રસાર વચ્ચે શત્રુને સમય આપી દેવો હંમેશા માટે કોઈપણ ક્રાંતિની યોજના માટે હાનિકારક સાબિત થાય છે. તેવી જ રીતે પૂર્વનિર્ધારીત કાર્યક્રમથી વિપરીત અચાનક થયેલા વિસ્ફોટ અન્ય સ્થળોએ ક્રાંતિ યોજનાની પૂર્તિ માટે કાર્યરત નેતાગણ માટે આશ્ચર્યકારક હોય છે. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારીઓ “શું કરવું, શું ન કરવું?”ની અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ જાય છે.

માટે જ અકર્મણ્યતા અને મંદતા ક્રાંતિની ભભૂકતી જ્વાળાઓને ઠંડી પાડી દે છે. જ્યારે કર્મઠતાની તીવ્રતા જ ક્રાંતિને જાગૃત રાખી શકે છે. ક્રાંતિનું બ્યુગલ વાગ્યા પછી ઊભો થતો સંશય પરાજયનું કારણ બની જાય છે. ક્રાંતિનું આયોજન ગાલીચાની સિલાઈની જેમ સાવધાનીથી ધીરે ધીરે કરવું જ અપેક્ષિત છે. પરંતુ જ્યારે એક વખત ક્રાતંની શરૂઆત થઈ જાય ત્યારે ક્ષણમાત્ર દ્વિધાગ્રસ્ત થયા વગર તીરની જેમ તેમાં પ્રવેશી જવું જોઈએ. પછી યશ મળે કે અપયશ, જીવન મળે કે મૃત્યુ, બધી જ બાજુથી નિશ્ચિંત બનીને સમરાંગણમાં ઝઝુમવું જ શ્રેષ્ઠ છે.

ક્રાંતિકારી વીર સાવરકર અન્યાયનો સમૂળગો નાશ કરીને સત્યધર્મની સ્થાપના કરવા માગતા હતા. સાવરકરના માનવા પ્રમાણે, સત્યધર્મની સ્થાપના માટે ક્રાંતિ, રક્તપાત અને પ્રતિશોધ પ્રકૃતિ પ્રદત સાધનો છે. તેમણે આ સંદર્ભે અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “જો વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોધનો ભય ન હોત તો લૂંટ અને અત્યાચારોનાં પાશવિક ધૂમાડામાં સમગ્ર પૃથ્વી કણસતી હોત. જો અત્યાચારીઓ અને અન્યાયીઓને આજે અથવા આવતીકાલે, તરત અથવા વિલંબથી, પ્રકૃતિ દ્વારા પ્રતિશોધ લેવાવાનો ભય ન હોત તો આ ભૂમંડળ પર ઝાર જેવા તાનાશાહોનો જ પ્રભાવ રહેત. પરંતુ પ્રત્યેક હિરણ્યકશ્યપને નરસિંહ, પ્રત્યેક દુશાસનને ભીમ, અત્યાચારી પર નિયંત્રણ મેળવવા શાસક અને શેરને માથે સવાશેર મળે છે. તેથી જ વિશ્વમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે અત્યાચાર અને અનાચાર હંમેશા ચાલુ રહેતા નથી.”

સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.”

સાવરકરે સહિષ્ણુતાને આ ધરતીનો સ્વાભાવિક ગુણ માન્યો છે, પણ માતૃભૂમિની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવવો ઘાતક ગણાવ્યો હતો. તેઓએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, હિંદુસ્થાનના હ્રદય સ્થળમાં બધાં જ એકસાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવાની પરંપરા ધરાવે છે. પણ તેમાં પ્રલયકારી અગ્નિ પણ સુરક્ષિત છે. જ્યાં સુધી ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે, ત્યાં સુધી તે હેતુલ્ય શાંત, શીતળ અને ગંભીર છે. પણ જ્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મીભૂત કરવાવાળી જ્વાળા પ્રજ્વલિત થઈ જાય છે.

સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)

આજે નિરપેક્ષ અહિંસાની પૃષ્ઠભૂમિને કારણે અનેક ભ્રાંતિઓનો જન્મ થયો છે. અનેક લોકો અન્યાયના પ્રતિકારને જ અત્યાચાર માનવા લાગ્યા છે. બીજાને અન્યાયપૂર્ણ રીતે પીડા પહોંચાડવી અવશ્ય અત્યાચાર છે, પણ અત્યાચારીનો પ્રતિકાર કરવો તેને અત્યાચાર કદાપિ ગણી શકાય નહીં.

ભારતની સ્વતંત્રતા માટે લડતાં દેશભક્ત ક્રાંતિકારીઓ પર ભટકેલા યુવાનો, આતંકવાદીઓ અને ભાવાવેશમાં વહેતા હોવાનો આરોપ વિદેશીઓએ અને કેટલાંક ભારતીયોએ પણ લગાવ્યો છે! ખુદીરામ બોઝ જેવાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વિકૃત મનોવૃતિવાળા ગણાવ્યા હતા. ત્યારે સાવરકરે તેમને જવાબ આપ્યો હતો કે ચાફેકર, ઢીંગરા કે ઉધમસિંહ કે સળગતા વિમાનમાં ભસ્મ થયેલા સુભાષચંદ્ર બોઝનો નામ ઉલ્લેખ કરતાં તેમને (નેહરુને) તેમનો ત્યાગ ગૌણ અને બેકાર લાગશે. માટે જ તેમના નામને ગૌરવ આપવા બાબતે તમે ખચકાટ અનુભવો છો. તમારી આ દ્વેષપૂર્ણ અને અભાગી મહત્વાકાંક્ષા જ વિકૃત મનોવૃતિનું પ્રતિક છે.

ભારતમાતાની સેવા કરવા માટે સાવરકરે અપાર કષ્ટો સહન કર્યા હતા. છતાં તેઓ જરાપણ વિચલિત થયા ન હતા. તેમના મતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ સંઘર્ષ કરી કંઈક મેળવી શકાય છે. કંઈક નિર્માણ કરી શકાય છે. પ્રતિકૂળને સંઘર્ષના માધ્યમથી અનુકૂળ બનાવવાનો આનંદ દ્વિગુણિત હોય છે.

20મી મે, 1952ના દિવસે પુણેમાં અભિનવ ભારતના સમાપન સમારંભમાં સાવરકરે ક્રાંતિકારીઓના સ્વતંત્રતા પ્રયાસોને ઓછો આંકવાનો પ્રયત્ન કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “સ્વતંત્રતા પ્રાપ્ત નથી થઈ, સ્વતંત્રતા ક્રાંતિકારીઓના મોટા-મોટા બલિદાનો દ્વારા પ્રાપ્ત કરાઈ છે. એવો પ્રચાર કરવો કે સ્વતંત્રતા પૂર્ણ અહિંસાથી પ્રાપ્ત થઈ છે. તે સર્વથા અવાંછનીય, ખોટું, પક્ષપાતપૂર્ણ અને સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનો પર પાણી ફેરવવાવાળું કામ છે.” સાવરકરે આવો પ્રયત્ન કરનારાઓને કહ્યું છે કે જેમને પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લેવો છે, તે લઈ રહ્યાં છે. પણ જો ક્રાંતિકારીઓ દેશભક્તિની હુંડીઓનો લાભ લેવા માંગતા હોત તો વીર હુતાત્મા મદનલાલ ઢીંગરા, કન્હૈયા કાન્દરે અને ભગતસિંહે ફાંસી પર લટકી ફરીથી પાછા ન ફરી શકાય તેવી સ્વર્ગની ભૂમિમાં પ્રવેશ કરવાનું સાહસ ન કર્યું હોત. જ્યારે એ-ક્લાસની જેલોમાં માખણ, ડબલરોટી અને મોસંબીઓના રસ પીનારા પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લઈ રહેલા દેખાય છે.

આમ ક્રાંતિ એ એવા સત્ય માટેની લડાઈ છે કે જે સત્યને બીજા બધાં અસત્ય મનાતા હોય કે તેને સત્ય કહેવાની હિંમત ધરાવતા ન હોય. પણ તે સત્ય હોવાથી તેને માટે લડતાં રહેવું અને સત્ય સર્વસ્વીકૃત બને તેના માટે પ્રયત્ન કરતાં રહેવું જરૂરી બને છે. ક્રાંતિ માત્ર પરિવર્તનની પ્રક્રીયા નથી. તે પરિવર્તનથી વધારે મોટી પ્રક્રીયા છે. ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓનો ફાળો અવગણી શકાય તેમ નથી. ક્રાંતિએ રાષ્ટ્રને જીવંત રાખવા માટે આવશ્યક અને અનિવાર્ય કાર્યો કરતાં રહેવાની પ્રક્રીયા માત્ર છે. આ પ્રક્રીયા અનેક પ્રકારના બલિદાનો દ્વારા જ પૂર્ણ થઈ શકે તેમ છે.

શુક્રવાર, 27 મે, 2011

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

શહીદ-એ-આઝમ ભગતસિંહનો અંતિમ પત્ર

ભારતના ક્રાંતિકારીઓના ઈતિહાસમાં શહીદ-એ-આઝમ ભગતસિંહે નવું સીમાચિન્હ, નવી ઊંચાઈ સ્થાપી છે. ભગતસિંહે ભારતના યુવાનોને આઝાદીની લડાઈ વખતે નવો રાહ બતાવ્યો હતો. તેમની સાથે કેટલાંક અસંમત હતા, પણ ઘણાં બધાં તેમની સાથે ચાલવા તૈયાર હતા. પણ તેમનું કમનસીબ હતું કે ભગતસિંહ જેલમાં હતા અને તેમને નેતૃત્વ આપનારા અન્ય કોઈ ભગતસિંહ આવા યુવાનો વચ્ચે ન હતા. 23 માર્ચ, 1931ના દિવસે સરદાર ભગતસિંહ સાથે તેમના નજીકના સાથી સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીના માંચડે ચઢાવી દઈને અંગ્રેજોએ ભારતની ક્રાંતિકારી વિચારધારાને ફાંસી આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમાં તત્કાલિન ટોચના નેતાઓએ પણ અંગ્રેજોના હિતો પાર પડે, તેવા વલણો અજાણતા જ અખત્યાર કર્યા હતા.

અહીં સવાલ એ છે કે ભગતસિંહ કેટલાં બહાદૂર હતા. હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બન્યા બાદ તેઓ ક્રાંતિકારી આદર્શો અને કુરબાનીઓથી એટલા ઊંચે ઉઠી ચુક્યા હતા કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચે હરગીજ જઈ શકે તેમ ન હતા. તેમણે તેમના ક્રાંતિકારી સાથીદારોને લખેલા પ્રત્રમાં ક્યાંય છુપાવ્યું નથી કે તેવોને જીવિત રહેવાની ઈચ્છા નથી. પરંતુ તેઓ કેદ થઈને કે પાબંધીઓ વચ્ચે જીવિત રહેવા ઈચ્છતા ન હતા. તેમને ચિંતા હતી કે જો તેઓ ફાંસીથી બચી જશે, તો તેમની કમજોરીઓ જનતા સામે નથી, તે સામે આવશે અને ક્રાંતિના પ્રતીકો ઝાંખા પડી જશે અને કદાચ ભૂંસાઈ જશે.

તેમની ઈચ્છા જિંદાદિલીથી હસતાં-હસતાં ફાંસી પર ચઢવાની હતી કે જેથી હિંદુસ્તાનની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ રાખે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ તેઓ પૂરો કરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે જો તેઓ સ્વતંત્ર, જીવિત રહી શકત તો કદાચ આવી હસરતો પૂરી શકવાની તેમને તક મળી શકત

શહીદે આઝમ સરદાર ભગતસિંહનો 22 માર્ચ, 1931ના રોજ જેલમાંથી તેમના સાથીદારોને સંબોધીને લખાયેલો અંતિમ પત્ર નીચે દર્શાવ્યો છે.

--------------------------------

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો સાથીદારોને અંતિમ પત્ર-

22 માર્ચ, 1931 સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને છુપાવવા ઈચ્છતો નથી. પરંતુ હું એક શરતે જીવિત રહી શકુ છું કે હું કેદ થઈને કે પાબંદ થઈને જીવવા માંગતો નથી.

મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને એટલો ઉંચો ઉઠાવી દીધો છે- એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચો હરગીજ થઈ શકતો નથી.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની શક્તિઓની તાકાતની વાત રહેશે નહીં.

હા, એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો મારા દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. જો સ્વતંત્ર, જીવિત રહી શકત ત્યારે કદાચ તેને પૂરો કરવાનો અવસર મળત અને હું મારી હસરતોં પૂરી કરી શકત.

તમારો સાથી,

ભગતસિંહ


------------------------------------

તમારો અભિપ્રાય

તમને આ પત્ર વાંચ્યા પછી ક્રાંતિકારીઓ અને શહીદે આઝમ ભગતસિંહ વિશે કેવી લાગણી થાય છે, તે અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે તમારી લાગણીઓથી સંવાદ કાયમ કરો.

ભારતની આશા પરિવર્તનની પરાકાષ્ઠાથી ક્રાંતિનો લક્ષ્યવેધ

ભારતને પરિવર્તનની ખ્વાહીશ છે. પરિવર્તનના પથ પર ભારત આગળ વધી રહ્યું છે. આ પરિવર્તન પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ક્રાંતિ સર્જાશે. આ ક્રાંતિની ભારતને અને ભારતના તમામ લોકોને ઈચ્છા છે. રસ્તો સૌના સામૂહિક ભગીરથ પ્રયાસ થકી જ મળવાનો છે.

જો પરિવર્તનની ખ્વાહીશ છે. તો પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું પડે. પરિવર્તનની પ્રક્રિયામાં સપાટી પર અશાંતિ વર્તાય છે. પરંતુ પરિવર્તનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ શાંતિ સર્જાય છે. પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન સપાટી પરની અશાંતિથી ગભરાયને શાંતિ સર્જવાનો પ્રયાસ ખતરનાક હોઈ શકે છે. આવો પ્રયાસ ક્રાંતિને રોકનારો બને છે. ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર છે. કોઈ ક્રાંતિ વિશ્વમાં એકદમ નથી સર્જાય, તેના કેટલાંક કારણો હતા, તે કારણોએ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી કે ધીમી બનાવી. પરંતુ તે પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવનારા કારણોને જોયા વગર જ ક્રાંતિને ઝડપી અને ધીમી ગણાવાની અને તે રીતે મુલવવાની વાત કરવામાં આવે છે.

ક્રાંતિ ક્યારેય કોઈની મંજૂરી લઈને થતી નથી. ક્રાંતિ સમૂળગું પરિવર્તન છે, સંપૂર્ણ પરિવર્તન છે. પરિવર્તનની પ્રક્રિયા વખતે જૂની વસ્તુ ક્યારેક સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતી હોય છે, તો ક્યારેક તેનું સ્વરૂપ બદલાય જતું હોય છે. પણ તે પરિવર્તનની પ્રક્રિયા અથવા ક્રાંતિ તેને કરનારા લોકોના સ્વભાવ, સંસ્કૃતિ, સમાજ અને ઈતિહાસને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કોઈક હિંસક ક્રાંતિ હોય છે, તો કોઈક અહિંસક ક્રાંતિ. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિ કોઈપણ પ્રકારની હોય તે વાસ્તવિક રીતે પરિવર્તનનું પ્રભાત છે. એવું પ્રભાત કે જે પ્રભાત નવી આશા, નવા સંચાર, નવા સ્વરૂપ, નવી ઈચ્છા નવી બાબતોને લઈને આવે છે. પરિવર્તનની પ્રક્રિયા ક્રાંતિ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તે સકારત્મકતા માટે હોય, સારી બાબતો માટે હોય, સૌના કલ્યાણ માટે હોય, જેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતો અને આશાઓનું સંરક્ષણ થતું હોય.

પરિવર્તનથી ક્રાંતિ એક અકબંધ પ્રક્રિયા છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રાંતિ તે પરિવર્તનને અચાનક લાવનાર, સામે દેખાડનારી પરિવર્તનની ચરમસીમા છે. આવી ક્રાંતિને તેની પ્રક્રિયાઓને રોકવી એટલે કે લોકોની, સમાજની અને દેશની અભિવ્યક્તિને રોકવાનું મહાપાપ છે. જો સારા માટે થતું હોય તો તે ઈષ્ટ છે અને તેને રોકવું અસ્થાને છે. આવા ક્રાંતિ વિરોધી લોકો ખરેખર પરિવર્તનના દુશ્મન છે. નામંજૂર કરી દો, નિષ્ફળતાઓને..નામંજૂર કરી દો પ્રગતિ વિરોધી સૂરોને અને પરિવર્તન માટે દિલથી પ્રયત્ન આરંભી દો, પરિવર્તન માટે તીવ્રતાથી કોશિશ કરો. બસ ક્રાતિ મળી જશે.

પણ ક્રાંતિ માટે જૂની ઈમારતને તોડવી પડશે. તેને તહેસનહેસ કરવી પડશે. પણ તે તોડતી વખતે સંકલ્પ કરવો પડશે કે નવી ઈમારત બનશે, તે સૌથી શ્રેષ્ઠ બનશે અને જે ઈમારત તોડીએ છીએ તે ઈમારત હાલના સમયને અને પરિસ્થિતિને અનુકૂળ નથી, તેની ખાતરી પણ કરવી જોઈશે. પણ જો જૂની ઈમારતના પાયા પર નવી ઈમારત બનશે, તો કદાચ તેના પર જૂની ઈમારતની કંઈક છાપ તો રહેશે. પણ પાયા પણ નવા ખોદવા જોઈએ કે જેથી નવી બનનારી ઈમારત પર જૂની ઈમારતની કોઈ જ છાપ ન રહે. આ પરિવર્તનની પરાકાષ્ઠાની ક્રાંતિ કોઈપણ સંજોગોમાં કોઈનાથી રોકાવાની નથી.

ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવા માટે આવી કોઈ ક્રાંતિની જરૂર છે. એક અમેરીકી રિપોર્ટ પ્રમાણે, ભારત ગ્લોબલ ગવર્નન્સના મામલામાં વિશ્વનો ત્રીજો સૌથી વધારે શક્તિશાળી દેશ છે. આ રિપોર્ટને અમેરીકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ અને યુરોપિયન યુનિયનના ઈન્સ્ટિટયુટ ફોર સિક્યુરીટી સ્ટડીજ દ્વારા સાથે મળીને જારી કરવામાં આવ્યો છે. આ યાદીમાં જાપાન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો ભારતથી નીચે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2025 સુધીમાં ગ્લોબલ ગવર્નન્સના મામલામમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે.

ત્યારે વાચક મિત્રો ભારતને પ્રગતિ અને વિકાસના પથમાંથી હટાવનારી કોઈ પણ હરકત કરવાની કોઈપણ ‘અનિષ્ટ’ને મંજૂરી આપી શકાય? ભારત પ્રગતિના પંથે આગળ ધપીને એક પરિવર્તનની પ્રક્રિયાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડીને ક્રાંતિ કરી રહ્યું છે? આ ક્રાંતિને તેના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ભારતીય તરીકે તમે શું વિચારો છો?

તમારા અભિપ્રાયો નીચે દર્શાવેલા ફીડબેક ફોર્માં અમને મોકલી શકો છો. આપના અભિપ્રાયો આવકાર્ય છે.......

સ્વાતંત્ર્યવીર સાવરકરની અવગણના રાષ્ટ્રઘાતક

ક્રાંતિનો જન્મ હંમેશા મનુષ્યના મસ્તિષ્કમાં થાય છે. માનવ મસ્તિષ્કમાં આવેલો વિચાર ક્રાંતિબીજ હોય છે. ક્રાંતિ માત્ર પરિવર્તનનું નામ નથી. ક્રાંતિ માત્ર નીચેના સ્તરના લોકો ઉપર અને ઉપરના સ્તરના લોકોના નીચે આવવાની પ્રક્રિયા માત્ર નથી. ક્રાંતિ એ સંપૂર્ણ પરિવર્તનનું નામ છે- સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક એમ તમામ ક્ષેત્રે સમૂળગુ અને સમાજ ઉપયોગી પરિવર્તન! આવું સમૂળગુ પરિવર્તન અચાનક ક્યારેય આવતું નથી. કહેવાય છે કે ચીન, રશિયા, ફ્રાંસ વગેરે દેશોમાં ક્રાંતિ થઈ છે. પણ આ ક્રાંતિઓનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો, ત્યાંની ક્રાંતિઓથી માત્ર સત્તામાં બેઠેલા માણસો બદલાયા હતા, માત્ર શાસનપદ્ધતિ બદલાઈ હતી. અત્યારે તેઓ દેખીતી રીતે વિશ્વમાં અગ્રતાક્રમે છે, પણ તેઓને તેમના શાસકોએ શિસ્તમાં રાખ્યા છે અથવા એમ કહો કે તેમના શાસકો આ સમાજોને શિસ્તબદ્ધ રાખવામાં સફળ થયા છે. શિસ્ત જાળવવા શક્તિની જરૂર પડે છે. (જો કે અનુશાસન વ્યક્તિની આંતરીક દ્રઢતા અને શક્તિથી શક્ય બને છે) પરંતુ સમાજ બળપૂર્વક ભયથી શિસ્તબદ્ધ બને તેની જગ્યાએ અનુશાસિત બને તે વધારે મહત્વનું છે. સમાજ નિર્માણની પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે છે કે જ્યારે સમાજની માનસિકતા સામૂહિક રીતે બદલાય અને સમગ્ર સમાજ સંપૂર્ણ પરિવર્તન દ્વારા ક્રાંતિ તરફ દોરવાય.

ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.

આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)

વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.

“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.

તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.

ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!