Tuesday, March 12, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

No comments:

Post a Comment