Wednesday, March 25, 2015

ના-પાકિસ્તાનની જમ્મુ-કાશ્મીરમાં નફ્ફટ નાલાયકીની રણનીતિક ગણતરીઓ ઘણી ખતરનાક

પ્રસન્ન શાસ્ત્રી
પાકિસ્તાન છેલ્લા પાંચ માસથી ખૂબ જ બેફામ બન્યું છે. જમ્મુ-કાશ્મીર ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદ અને વાસ્તવિક અંકુશ રેખા પર પાકિસ્તાનની નાપાક હરકતો વધુ ઉગ્ર બની છે. જમ્મુ ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદે સતત ફાયરિંગ કરતા પાકિસ્તાન રેન્જર્સની હરકતોથી અહીં ભારતીય નાગરિકો દહેશતના માહોલમાં જીવી રહ્યા છે. પાકિસ્તાન રેન્જર્સના એક વરિષ્ઠ અધિકારીએ લાહોર ખાતે કહ્યુ છે કે સિયાલકોટ પાસે ભારત મિનિયુદ્ધ લડી રહ્યું છે. જો કે ચોર કોટવાલને દંડે તેવી રીતે પાકિસ્તાન ચોક્કસ હેતુઓ પાર પાડવા માટે હાલ ભારત વિરુદ્ધ પોતાની નફ્ફટાઈ ભરેલી નાલાયકી વધારી ચુક્યું છે.
પાકિસ્તાન સાથે સદભાવના અને ભાઈચારાની વાતો 67 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં 1948 , 1965, 1971 અને છેલ્લે 1999માં ભારત પર પાકિસ્તાને યુદ્ધો થોપી દીધા હતા. છેલ્લા અઢી દાયકાથી પાકિસ્તાન તેના ઈસ્લામિક આતંકી જૂથોના સહારે પોતાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના સીધા નિયંત્રણ હેઠળ ભારત સામે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે. શરૂઆતના ગાળામાં પાકિસ્તાનનું પ્રોક્સી વોર જમ્મુ-કાશ્મીરના ચોક્કસ વિસ્તારો સુધી મર્યાદીત રહ્યું હતું. પરંતુ ધીમે-ધીમે પાકિસ્તાને ભારતના પાંચમી કતારીયા જૂથો અને લોકોનો સહારો લઈને પોતાના પ્રોકસી વોરનો વિસ્તાર જમ્મુ-કાશ્મીરથી બહાર લઈ જવામાં સફળતા મેળવી છે.ભારતમાં મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ, અમદાવાદ, વારાણસી, પશ્ચિમ બંગાળ, હૈદરાબાદ,કેરળ, તમિલનાડુ સહીતના ઘણાં વિસ્તારો પાકિસ્તાનના પ્રોક્સી વોર અને તેની નાપાક ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની જાળમાં આવી ચુક્યા છે.
પાકિસ્તાન 1971ના યુદ્ધમાં ભારતના હાથે કારમી હાર અને ભાગલા થવાથી ખૂબ જ છંછેડાયું હતું. પરંતુ તેને ખબર હતી કે ભારત સામે સીધા યુદ્ધમાં તે જીતી શકે તેમ નથી તેથી તેણે બ્લીડ ઈન્ડિયા પોલિસી અખત્યાર કરી છે. પહેલા ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ પંજાબમાં શીખ ઉગ્રવાદને ખાતર-પાણી પુરા પાડયા અને ભારતમાં દહેશતનો માહોલ ઉભો કર્યો. શીખો ભારતના સપૂતો છે અને દેશની આન-બાન-શાન માટે તેમના બલિદાનોના પુરાવાથી ભારતનો ઈતિહાસ ભરેલો છે. તેથી પંજાબમાં ઉગ્રવાદી પ્રવૃતિઓનો ઉકેલ નીકળી શક્યો છે. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પ્રવૃતિને ઈસ્લામિક આતંકવાદમાં ફેરવવામાં સફળતા મેળવી છે. કાશ્મીર ખીણમાંથી સાડા ત્રણ લાખથી વધારે કાશ્મીરી પંડિતોને તેમના હિંદુ હોવાને કારણે પોતાના આઝાદ મુલ્કમાં બેવતન બનીને વિસ્થાપિત થવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતો પોતાના ઘરોમાં પાછા ફરી શકતા નથી.
ભારતમાં 1992-93થી કોઈપણ ઠેકાણે બોમ્બ વિસ્ફોટો કે આતંકી હુમલો થઈ શકે છે. પાકિસ્તાને ભારતમાં રહેતા પાંચમી કતારિયાના દેશદ્રોહી લોકોનો સાથ લઈને આ પ્રવૃતિ છેલ્લા અઢી દાયકાથી કરી છે. પરંતુ તેમ છતાં સેક્યુલારિઝમના આંચળા નીચે વોટબેંકની રાજનીતિ ખેલનારા લોકો આતંકના ખૂની ખેલની સચ્ચાઈ સ્વીકારવા માટે તૈયાર નથી.
ભારતમાં અમન કી આશાના નામે પાકિસ્તાન સાથે દોસ્તાના તાલ્લુકાત માટે કેન્ડલિયું ક્રાઉડ અવાર-નવાર બહાર આવતું રહે છે. પરંતુ તાજેતરમાં જમ્મુની આંતરરાષ્ટ્રી સરહદે પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ થઈ રહ્યું છે. ત્યારે આ કેન્ડલિયું ક્રાઉડ સેક્યુલારિઝમના બુરખામાં છુપાઈને બેસી ગયું છે. હકીકત એ છે કે પાકિસ્તાન દ્વારા થઈ રહેલા ફાયરિંગનો ભોગ જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા હિંદુ-શીખ બહુમતી ધરાવતા ગામો બની રહ્યા છે. તેથી આ વિકૃત સેક્યુલારિઝમના વાહકોને આવી કોઈ અમન કી આશાની જાહેરાતો અખબારો અને ટેલિવિઝન પર આપવાની ચાનક ચઢે તેમ નથી.
છેલ્લા પાંચ માસથી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદે અને વાસ્તવિક અંકુશ રેખા પર અતિશય આક્રમક વલણ સાથે તથાકથિત યુદ્ધવિરામનો ભંગ કરે છે. 2010માં 44 , 2011માં 62, 2012માં 114, 2013માં 347 અને 2014મનાં ઓક્ટોબર માસ સુધીમાં કુલ 334 વખત પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખાઓ પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બાદ સત્તામાં આવેલી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકારના સમયગાળામાં પાકિસ્તાને લગભગ 150થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. તો એકલા ઓક્ટોબર માસમાં પાકિસ્તાને 65 વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.
ત્યારે વિચારવાની બાબત એ છે કે પાકિસ્તાનનું આટલું બધું આક્રમક વલણ પાછળ તેની કઈ વ્યૂહાત્મક રણનીતિ કામ કરી રહી છે અને આગળ તે ક્યાં ઉદેશ્યોને પાર પાડવા ઈચ્છે છે. હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે કે 2001 અને 2014 વચ્ચે પાકિસ્તાનની માનસિકતા અને ભારત પ્રત્યેના વલણમાં કોઈ જ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે આ સમયગાળાને તથાકથિત શાંતિપ્રક્રિયાનો સમયગાળો માનવામાં આવે છે. આમ તો પાકિસ્તાન સાથે 67 વર્ષથી વાટાઘાટો થતી રહી છે. પરંતુ તેમ છતાં હજી સુધી તેની સાથેની કોઈ સમસ્યાનો સાર્થક ઉકેલ મેળવી શકાયો નથી. પાકિસ્તાન દ્વારા છેલ્લા બે વર્ષથી અને નવી સરકારના દિલ્હીની ગાદી સંભાળ્યા પછી થઈ રહેલી નાપાક નાલાયકીની ઘણી મોટી ગણતરી છે...
સરહદના હિંદુ બહુલ વિસ્તારોને નિશાન
જમ્મુ ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદ કે જેને પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડ્રી ગણાવે છે. અહીં છેલ્લા ચાર માસથી ફાયરિંગની તીવ્રતા વધારી દીધી છે. જેમાં તેઓ મોર્ટાર સહીતના ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તેમની માનસિકતા ખૂબ જ સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરના હિંદુ બહુલ વિસ્તારોમાં દહેશતનો માહોલ પેદા કરીને તેમને વિસ્થાપિત થવા માટે મજબૂર બનાવવા. જેથી સરહદી વિસ્તારોમાં વસ્તી સંતુલનોમાં પરિવર્તનો કરીને પોતાની આતંકી પ્રવૃતિના ખૂની ખેલને વધુ વ્યાપક બનાવી શકાય. કાશ્મીર ખીણની જેમ જ જમ્મુ વિસ્તારમાંથી પણ હિંદુઓને ઉચાળા ભરવા માટે મજબૂર બનાવી શકાય. સાથે સરકાર સરહદી વિસ્તારોમાં લોકોની સાથે વિશેષ કોશિશો કરી રહી છે. તેથી પાકિસ્તાન સરહદે ભારત સરકારની આવી કોશિશોને નાકામિયાબ બનાવવા માટે અતિવાદી વલણ અપનાવી રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની છ વર્ષની ટર્મ આવતા વર્ષે પૂર્ણ થઈ રહી છે. તેથી પાકિસ્તાન અહીં લોકશાહીને ખોરવી નાખવા માટે ફરીથી આતંકવાદી પ્રવૃતિઓને ઉગ્ર બનાવીને વિધાનસભા ચૂંટણીમાં અડચણો ઉભી કરવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના ભારત સાથે જોડાણ સાથે જ અહીં લોકશાહી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી વિપરીત જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક સરકારો ઘણો લાંબો સમયગાળો શાસનમાં રહી છે. તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયોને અહીં લોકશાહી ચાલી રહી હોવાનો સંદેશ ગયો છે. પરંતુ પાકિસ્તાનની જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ટાણે ડખા ઉભા કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચીને ભારતના સંદેશને ખોરવવાની કોશિશ કરી રહ્યું છે.
આતંકી પ્રવૃત્તિઓમાં ઘટાડો
પાકિસ્તાન પ્રેરીત અને પ્રાયોજિત આતંકવાદીઓ છેલ્લા ઘણાં સમયથી કાશ્મીરમાં સુષુપ્ત અવસ્થામાં છે. ત્યારે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ અને ઝુલ્મોસિતમ થઈ રહ્યા હોવાનું વિશ્વમાં પ્રસ્થાપિત કરવું જરૂરી છે. તેના માટે તેના આતંકવાદી જૂથોની અહીં સક્રિયતા જરૂરી છે. પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી અને ભારતીય લશ્કરી દળોની વ્યૂહરચનાએ આતંકીઓની પ્રવૃતિઓ પર લગામ લગાવી છે. જેને કારણે ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે અને આતંકવાદીઓના ઠાર થવાની કે પકડવાની ઘટનાઓમાં વધારો થયો છે.
શિયાળા પહેલા ઘૂસણખોરી કરાવવી
શિયાળાના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરની સરહદે મોટાભાગના વિસ્તારોમાં અવર-જવર શક્ય નથી તેથી ચૂંટણી પહેલા ભાંગફોડ માટે પાકિસ્તાનના આતંકીઓને રાજ્યમાં ઉતારવા માટે જરૂરી છે કે ભારતીય સૈન્ય દળોનું ધ્યાન આવા સ્થાનોથી હટે અને જમ્મુ જેવી આંતરરાષ્ટ્રીય સરહદે કેન્દ્રિત થાય. તો અહીં ફાયરિંગ કરીને ભારતીય દળોની કેટલાક ઠેકાણે કમજોરી શોધીને ઘૂસણખોરી માટેના નવા રુટ પણ શોધી શકાય કે જેથી ભારતમાં શિયાળા દરમિયાન પણ ઘૂસણખોરી થઈ શકે.
જમ્મુ-કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવો
પાકિસ્તાને આઠ વર્ષના સમયગાળા બાદ પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાના ઉકેલ માટે જનમત સંગ્રહની માગણી કરી છે. ત્યારે આવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાનું ફરીથી આંતરરાષ્ટ્રીયકરણ થાય અને ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતિ ટાળવા માટે પણ આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીર મુદ્દે કોઈ દખલગિરી કરે. તેના માટે હવે પાકિસ્તાન અહીં લશ્કરી તણાવ વધારવા ઈચ્છે છે.
અમેરિકાને બ્લેકમેલિંગ
અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હટવાની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં ફરીથી આતંકી પ્રવૃતિઓ વધવાનો ડર બતાવીને પાકિસ્તાન કાશ્મીર મુદ્દે અમેરિકાના વલણને ભારત વિરોધી બનાવવાની ઈચ્છા ધરાવે છે. ભારત અને અમેરિકા છેલ્લા દોઢ દાયકાથી નજીક આવી રહ્યા છે. ત્યારે ઓબામા-મોદી મુલાકાતમાં અફઘાનિસ્તાનના મુદ્દે ખાસ ચર્ચા થઈ છે. જેના કારણે પોતાના સામરિક હિતોની પૂર્તિ માટે પાકિસ્તાન અમેરિકાને બ્લેકમેલિંગ કરવાના સ્તરે જવાય તેટલો તણાવ વધારવા ઈચ્છે છે.
આતંકી ભસ્માસૂરને દિશા આપવી
અફઘાનિસ્તાનમાં અમેરિકાના ગયા બાદ તાલિબાની આતંકીઓ બેફામ બનશે. પાકિસ્તાનની સરકાર માટે પણ તે એક મોટો પડકાર સાબિત થવાના છે. તેવા સંજોગોમાં કાશ્મીર મુદ્દો સળગાવીને તેમને 2001ના પહેલાની સ્થિતિમાં કાશ્મીરમાં ભારત સામે લડવા માટે મોકલીને પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટ એક જોખમને પોતાનાથી દૂર કરવા ઈચ્છે છે.
ભારત વિરોધ એટલે પાકિસ્તાનની એકતા
પાકિસ્તાનની રચના ભારત અને હિંદુ વિરોધી માનસિકતા સાથે થઈ છે. પાકિસ્તાન કોઈ બિનસાંપ્રદાયિક દેશ નથી. ભારત અને હિંદુઓના વિરોધની લાગણી પર તેમના દેશની એકતાનો આધાર છે. સિંધ, બલુચિસ્તાન, સરહદી પ્રાંતમાં પંજાબી મુસ્લિમો સામે વિરોધની લાગણી છે. ત્યારે જ્યારે પાકિસતાનમાં કોઈ આંતરીક ડખ્ખા થતા હોય છે. ત્યારે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર ભારત વિરોધ અને હિંદુ વિરોધી ગતિવિધિઓની તીવ્રતા વધારી દે છે. જેના કારણે જમ્મુમાં હિંદુ બહુલ વિસ્તારોને પાકિસ્તાની સેના અને રેન્જર્સે નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનમાં નવાઝ શરીફ સરકાર સામે તાહીરુલ કાદરી અને ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. ત્યારે શરીફ પણ પોતાના બચવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે.
પાકિસ્તાનની સેનાની સાર્થકતાની શોધ
ભારતનો ડર દેખાડીને પાકિસ્તાની સેના પાકિસ્તાનના વહીવટી તંત્ર અને લોકોમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવાની રણનીતિ પર આગળ વધી રહી છે. પાકિસ્તાનમાં ગત સરકારને બાદ કરતા કોઈપણ નાગરિક સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકી નથી. મોટાભાગે પાકિસ્તાનનું શાસન સેનાના હાથમાં જ રહ્યું છે. એવું કહેવાય છે કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જ્યાં સેના પાસે નાગરિક સરકાર છે અને નાગરિક સરકાર સેનાને નિર્દેશો આપતી નથી, પણ સેના નાગરિક સરકારોને આદેશો આપતી રહે છે. મુશર્રફના સત્તા પરથી હટયા બાદ પાકિસ્તાની સેના પોતાનો પ્રભાવ પાછો મેળવવા માંગે છે.
આઈએસનો વધી રહેલો પ્રભાવ
પાકિસ્તાન સહીતના ઈસ્લામિક વિશ્વમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના લોકો પણ વધારે કોમવાદી બનીને ભારત વિરોધી થઈ રહ્યા છે. પાકિસ્તાનની સેના અને અર્ધલશ્કરી દળો તેમના ભારત વિરોધી વિકૃત માનસિકતાઓ માટે કુખ્યાત છે. તેવા સંજોગોમાં પાકિસ્તાનના સૈન્ય દળોમાં આઈએસ અને અલકાયદા જેવા ઈસ્લામિક આતંકી સંગઠનો સાથે કૂણી લાગણી ધરાવતા કટ્ટરપંથીઓની સંખ્યા વધી રહી છે. જેને કારણે છેલ્લા પાંચ વર્ષથી તેમની જમ્મુ-કાશ્મીરમાં નાપાક હરકતો વધુ ઉગ્ર બની છે.
પરમાણુ હથિયારોનો દમ
પાકિસ્તાને 1971થી 1999 સુધીના સમયગાળામાં ભારત સામે બ્લીડ ઈન્ડિયા પોલિસી હેઠળ સીધું યુદ્ધ ટાળીને વાતચીતનો ઢોંગ કરીને પોતાની પાસે પરમાણુ હથિયારો વિકસિત કરી લીધા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પરમાણુ બોમ્બની યોજનાને ઈસ્લામિક બોમ્બ ગણાવતા હતા. હવે ન્યૂક્લિયર કેપેબિલીટીના આધારે પાકિસ્તાન ભારતને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેની પાસે પરમાણુ હથિયાર હોવાથી યુદ્ધ નહીં જ થાય તેવી ખુશફેમી તેઓ ધરાવે છે.
મોદી સરકારની કસોટી
છેલ્લા દશ વર્ષ અને તે પહેલાની વાજપેયી સરકારના કાર્યકાળમાં પણ પાકિસ્તાનની સંસદ પરના હુમલાથી માંડીને મુંબઈ પરના ભીષણ આતંકી હુમલાઓ દરમિયાન ભારતની તત્કાલિન સરકારોએ ખૂબ જ ઢીલી નીતિઓ અપનાવી હતી.જેના કારણે ભારતની સામાન્ય જનતામાં ભારે અસંતોષની લાગણી છે. ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતામાં એક નવી આશા અને નવો ઉત્સાહ જગાવ્યો છે. તેમણે પાકિસ્તાન સામે કડક વલણ અખત્યાર કરવાના સંકેતો આપ્યા છે. ત્યારે પાકિસ્તાન સરહદો સળગાવીને મોદી સરકારનું વલણ કેટલી હદે આકરું થઈ શકે છે તેની ચકાસણી પણ કરવા ઈચ્છે છે. મોદી સરકારે હુર્રિયત નેતાઓ સાથેની પાકિસ્તાનના રાજદૂતની વાતચીત બાદ વિદેશ સચિવ સ્તરની વાતચીતને રદ્દ કરી અને કાશ્મીરમાં યૂએન મિશનને પણ સરકારી રાહતો પાછી ખેંચી છે. તેવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત સરકારની 20-25 વર્ષની નીતિઓમાં ફેરફારના સંકેતોથી પાકિસ્તાન પણ છંછેડાયું છે. તેથી તેઓ મોદી સરકારની સહનશક્તિ અને તેમના દ્વારા આકરી કાર્યવાહીનું સ્તર કેટલું ઉંચુ જઈ શકે છે.. તેની પણ ચકાસણી કરવા ઈચ્છે છે.
પાકિસ્તાન માટે સરદાર પટેલે લોહી દૂઝતા ગુમડા સાથે સરખામણી કરી હતી. ન્યૂક્લિયર પાકિસ્તાન હવે ભારત માટે એવી સમસ્યા બની ગઈ છે કે જેની દવા દરરોજ કરવી પડશે. સેક્યુલારિઝમના બુરખા નીચે પોતાની નબળાઈઓ છુપાવનારા હંમેશા કહે છે કે શક્તિશાળી અને સ્થિર પાકિસ્તાન ભારતના હિતમાં છે. પરંતુ સ્થિર અને અસ્થિર બંને પ્રકારના પાકિસ્તાનનો ભારતની સરકારો અને લોકોને અનુભવ છે.રણનીતિક બાબતોના ઘણાં જાણકારો સીધી કે આડકતરી રીતે કહે છે કે કોઈપણ પ્રકારના પાકિસ્તાનનું અસ્તિત્વ ભારત માટે તો ખતરનાક જ રહેશે. પાકિસ્તાન સ્થિર હોય કે અસ્થિર હોય તેનાથી તેની સરકારો અને લોકોને ફરક પડી શકે છે.. પરંતુ ભારત સામેની તેમની આતંકની નીતિમાં ક્યારેય ફરક પડવાનો નથી. તેથી પાકિસ્તાનનું વિખેરણ કરીને આતંકી માનસિકતાને કાબુમાં લેવો જ તેનો ઉકેલ છે. આ સિવાય ભારતના ઘણાં જાણકારોએ સરકારી નીતિને ઉધે રવાડે ચઢાવી છે. તેના માટે તેમના સ્થાપિત હિતો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. પણ એટલું ચોક્કસ છેકે 67 વર્ષની વાટાઘાટો છતાં પાકિસ્તાન સાથે યુદ્ધ અને લોહિયાણ આતંક સિવાય કંઈ જ મેળવી શકાયું નથી. પાકિસ્તાન સાથેની કોઈપણ સમસ્યા વાટાઘાટોથી ઉકેલી શકાઈ નથી. ત્યારે ભારત પાસે હવે લશ્કરી કાર્યવાહી અને યુદ્ધ જેવા અંતિમ વિકલ્પો સહીત ખૂબ જ ઓછી તકો રહેલી છે.


No comments:

Post a Comment