Wednesday, March 25, 2015

સાવધાન ભારત :જમ્મુ-કાશ્મીરના CM મુફ્તિ મોહમ્મદ સઈદ ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તોના ગોડફાધર !!


- પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે 28 બેઠકો સાથે પીડીપી કાશ્મીર ખીણ અને રાજ્યના અન્ય મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. તો ભાજપ જમ્મુ ક્ષેત્રમાંથી 25 બેઠકો મેળવીને હિંદુ બહુમતી ધરાવતી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ અને પીડીપીની જોડાણ સરકાર જમ્મુ-કાશ્મીરમાં બની છે. જો કે મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન જેવા મહત્વના ખાતા પીડીપીએ પોતાની પાસે રાખ્યા છે. ગણતરીના દિવસોમાં પીડીપીએ કોમન મિનિમમ પ્રોગ્રામને અભરાઈએ ચઢાવીને પોતાની પાકિસ્તાની ભાગલાવાદી પરસ્તીનું પોત પ્રકાશ્યું છે. પીડીપીના મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ એક પછી એક વિવાદીત નિર્ણયો દ્વારા સોફ્ટ સેપરેટિસ્ટ-મિલિટન્ટ એજન્ડાને આગળ વધારી રહ્યા છે. ત્યારે કાશ્મીરના મુખ્યપ્રવાહમાં સામેલ રાજકારણીઓ, ભાગલાવાદીઓ, આતંકવાદીઓ અને પાકિસ્તાનની જુગલબંધી આકાર લઈ રહી હોવાનું લાગી રહ્યું છે.

દેશભક્તોએ નાની-નાની ગફલતો ટાળવી હિતાવહ- 

એક તરફ પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને શસ્ત્રવિરામ ભંગની તીવ્રતા વધી રહી છે. પાકિસ્તાનના નિશાને કાશ્મીર ખીણની અંકુશ રેખાના સ્થાને હવે જમ્મુ ખાતેની હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સરહદ છે. તો યુનોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે જમ્મુ-કાશ્મીરમાં જનમત કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેનાથી પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવાની અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના મિત્રદળોની સેનાની વાપસી બાદ નવરા પડેલા આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરની દિશા દેખાડવાની કોઈ વ્યૂહરચનાના સંકેત સાંપડી રહ્યા છે. તેથી ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ખૂબ જ નિર્ણાયક સમય છે અને નાની સરખી ગફલતના ભીષણ પરિણામો ભોગવવા પડે તેવી શક્યતાઓ પણ આંતરરાષ્ટ્રીય મામલાના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભૂલ કરવાની કોઈપણ દેશભક્તને મંજૂરી હોઈ શકે નહીં.

કાશ્મીરમાં પાકિસ્તાનની મજહબી નીતિનો દોરીસંચાર-

પાકિસ્તાન નાપાક કોમવાદી વિચારધારાથી અસ્તિત્વમાં આવેલો દેશ છે. મજહબી કોમવાદના પરિપાક સ્વરૂપ પાકિસ્તાન તેની ભૌગોલિક સરહદો પુરતું મર્યાદીત નથી. ભારતીય ગણતંત્રનું જમ્મુ-કાશ્મીર રાજ્ય તેનો અતૂટ હિસ્સો છે. પરંતુ પાકિસ્તાનની નાપાક વિચારધારાત્મક ષડયંત્રો દ્વારા પોતાની પહેલા આઈડિયોલોજિકલ બાઉન્ડ્રી વધારીને ભૌગોલિક સરહદો વધારવાની હરકતો જમ્મુ-કાશ્મીરમાં આઝાદી સાથે જ શરૂ થઈ છે.

1971માં પાકિસ્તાનને તેની હરકતોનું પરિણામ પૂર્વ પાકિસ્તાનના ભાગને પોતાના સીધા નિયંત્રણમાંથી ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં ભારત સાથે ચાર-ચાર યુદ્ધો હરવા છતાં પાકિસ્તાન પોતાના ધાર્મિક ઉન્માદી વિચારોનું અમલીકરણ કરવાનું કામ છોડતું નથી. દ્વિરાષ્ટ્રવાદની વિચારધારાએ ભારતના ભાગલા કર્યા અને હવે પાકિસ્તાન આ જ નીતિને આગળ વધારીને ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કથિત આઝાદીની ચળવળને ટેકો આપવાની નીતિ જારી રાખી રહ્યું છે. પાકિસ્તાનની નીતિનું પરિણામ છે, જમ્મુ-કાશ્મીરમાં મજહબી ભાગલાવાદ અને જેહાદી આતંકવાદ.

કાશ્મીરમાં ભાગલાવાદના મૂળિયા- 

જમ્મુ-કાશ્મીરમાં શેર-એ-કશ્મીર તરીકે ઓળખવામાં આવતા મરહુમ શેખ અબ્દુલ્લા હોય કે ફારુક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા તમામ ક્યાંકને ક્યાંક ભારત સાથેના જોડાણ સંદર્ભે વિશેષ રાજ્યના કલમ-370ની જોગવાઈ પ્રમાણેના દરજ્જાને લઈને ભાગલાવાદી તત્વો અને પાકિસ્તાન પરસ્તોને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તો સામે છેડે મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિ પણ ભાગલાવાદી અને આતંકવાદીની પાકિસ્તાન પરસ્તીને પ્રોત્સાહક નીતિઓ પર જ આગળ વધી રહ્યા છે. કાશ્મીર ખીણના રાજકારણમાં ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી શાહ ગિલાની અને તથાકથિત ઉદારવાદી મીરવાઈઝ ઉમર ફારુકના જૂથોનું વર્ચસ્વ છે. આ હુર્રિયત કોન્ફરન્સ કાશ્મીરના નાના-મોટા ઘણાં ભાગલાવાદી જૂથો અને આતંકવાદીમાંથી રાજકારણમાં દખલગીરી કરનારા પાકિસ્તાન પરસ્તોનો શંભુમેળો છે.

મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીપી આવા ભાગલાવાદીઓ અને પાકિસ્તાન પરસ્તો માટે ખૂબ જ પ્રોત્સાહક વલણ અપનાવતા રહ્યા છે. 79 વર્ષના મુફ્તિ મોહમ્મદ સઈદ 1950થી સક્રિય રાજકારણમાં છે. તેઓ 1 માર્ચ-2015ના રોજ ફરીથી ભાજપ સાથેની જોડાણ સરકારમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યા છે.

મુફ્તિ મોહમ્મદ સઈદ ભાગલાવાદીઓના એજન્ટ- 

ઉમળકાનો અભાવ- 
જમ્મુ-કાશ્મીરમાં પોતાના વિરોધી ધ્રુવ સાથે સરકાર બનાવવાની મુફ્તિ મોહમ્મદ સઈદની મનસા શંકાથી પર રહી શકે તેમ નથી. તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરતી વખતે ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાની સમકક્ષ જમ્મુ-કાશ્મીરના રાજ્ય ધ્વજને સામે પડેલા મેજ પર રાખ્યો હતો. ધ્યાનથી જોવામાં આવે તો મુફ્તિની શપથવિધિમાં હાજરી આપવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલા ઉમળકાથી સઈદને ગળે લગાવી રહ્યા હતા..તેટલો જ ઉમળકો જમ્મુ-કાશ્મીરના બીજી વખત મુખ્યપ્રધાન બનનાર વ્યક્તિમાં ગાયબ હતો.

ચૂંટણીનો જશ પાકિસ્તાન-આતંકીઓ-હુર્રિયતને !-  

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે મુફ્તિ મોહમ્મદ સઈદે શપથવિધિ બાદ કરેલા પ્રેસ બ્રિફિંગમાં પોતાના ભાગલાવાદી પાકિસ્તાન પરસ્ત તરફના ઝુકાવને ખુલ્લેઆમ વિશ્વની સામે રજૂ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી સફળ વિધાનસભા ચૂંટણી માટે પાકિસ્તાન, આતંકવાદીઓ અને ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સને જશ આપ્યો.

મસરત આલમની મુક્તિની હરકત- 

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન પદે આસિન થયા બાદ પહેલું કામ તેમણે સોફ્ટ સેપરેટિસ્ટ એન્ડ મિલિટન્ટ એજન્ડાના કોમન મિનિમમ પ્રોગ્રામને બાજુ પર મૂકીને લાગુ કરવાનું શરૂ કર્યું. કુલ 17 વખત ભાગલાવાદી પ્રવૃત્તિ કરનારા શ્રીનગરની ગલીઓના ગુંડા અને હુર્રિયતના ગુર્ગા મસરત આલામને ગઠબંધનમાં ચર્ચા કર્યા વગર મુક્ત કરવાનું કામ કર્યુ. આ મસરત આલમ જમ્મુ-કાશ્મીર મુસ્લિમ લીગનો આકા છે અને તેને 2010માં કાશ્મીર ખીણમાં થયેલા ભાગલાવાદી તોફાનો અને પથ્થરબાજીમાં 120 જેટલા લોકોના મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

મસરત આલમ બાદ અન્ય 800 ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની મુક્તિ માટેની યાદી પણ મુફ્તિએ તૈયાર કરી હતી. પરંતુ મસરત આલમની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ભાગલાવાદી તત્વોના સક્રિય થવા અને આતંકવાદના માથું ઉંચકવાની સંભાવના વચ્ચે દેશભરમાં જનાક્રોશે આકાર લીધો. તેના પડઘા સંસદમાં પણ પડયા અને કેન્દ્ર સરકારે પણ મુફ્તિ સરકાર સામે લાલઆંખ કરીને હવે કોઈપણ ભાગલાવાદી કે આતંકવાદીને મુક્તિ નહીં કરવો તેવા નિર્દેશ આપવા પડયા છે.

આતંકી અફઝલ ગુરુનો મકબરો બનાવવાની મનસા- 

મુફ્તિ મોહમ્મદ સઈદની પાર્ટી પીડીપીના ધારાસભ્યોએ સંસદ પરના હુમલા માટે જવાબદાર આતંકવાદી અફઝલ ગુરુની લાશના અવશેષોની ભારત સરકાર પાસે માગણી કરી છે. આતંકવાદી અફઝલ ગુરુને 2013માં તિહાડ જેલમાં ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યો હતો. અફઝલ ગુરુની ફાંસી અયોગ્ય હોવાનું મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમની પુત્રી મેહબૂબા મુફ્તિ એક કરતા વધારે વખત કહી ચુક્યા છે. અફઝલ ગુરુને પીડીપી દ્વારા શહીદ ગણાવાયો છે. પીડીપીના ધારાસભ્યો અફઝલ ગુરુની લાશના અવશેષોને જમ્મુ-કાશ્મીરમાં શહીદ સ્મારક તરીકે મકબરાનું સ્વરૂપ આપવા ઈચ્છે છે.

ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ દિવંગત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષ દરજ્જાને નાબૂદ કરવા માટે એક મોટી લડત ચલાવી હતી. તેમણે બે પ્રધાન, બે વિધાન, બે નિશાન સામે લડતા-લડતા પોતાના જીવનું બલિદાન જમ્મુ-કાશ્મીરની ધરતી પર જ આપ્યું છે. સરદાર પટેલના તપ, કર્મઠતા અને મુત્સદીના પરિણામે ભારતની હાલની એકતા અને અખંડિતા આપણી સામે ઉભી છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતની આ એકતા અને અખંડતાની જાળવણી માટે શેખ અબ્દુલ્લાની જેલમાં રહસ્યમય રીતે શહીદી વ્હોરવી પડી છે. ડૉ. મુખર્જીનું સ્મારક બનાવવાના સ્થાને આતંકવાદી અફઝલ ગુરુનો મકબરો બનાવવાની મનસા કાશ્મીર ખીણની પરિસ્થિતિની વાસ્તવિકતાની અભિવ્યક્તિ છે. કેન્દ્ર સરકારે અફઝલ ગુરુની લાશના અવશેષો આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પરંતુ જેએનયુ કેમ્પસ ખાતે નવી દિલ્હીમાં અફઝલ ગુરુને ફાંસીએ ચઢાવાયો હતો..તે દિવસને શહીદ દિવસ તરીકે ઉજવતો રોકી શકવામાં દિલ્હીનું વહીવટીતંત્ર કે જે રાષ્ટ્રપતિ શાસન હેઠળ સીધું કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતું હતું, તે નિષ્ફળ ગયું હતું.

બે ધ્વજ લગાવવાનો વિવાદીત સર્ક્યુલર-

મુફ્તિ સરકારમાં જોડાયેલા ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોને નીચું દેખાડવા અને અપમાનિત કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક વિવાદીત સર્ક્યુલર બહાર પડાયો હતો. જેમાં સરકારી ઈમારતો, સરકારી વાહનો અને સરકારી કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રધ્વજ સમકક્ષ જમ્મુ-કાશ્મીરનો રાજ્યધ્વજ લગાવવાનો આદેશ કરાયો હતો. જો કે આ સર્ક્યુલરને 24 કલાકમાં વિરોધ ઉભો થતા મુફ્તિ સરકારે પાછો ખેંચી લીધો અને સંબંધિત સર્ક્યુલર મામલે સંબંધિત ઓથોરિટી દ્વારા ધ્યાન નહીં દોરાયું હોવાની બાલિશ દલીલ આપીને ભારતના લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી.

માથું ઉચકતો આતંકવાદ અને એએફએસપીએ-

મુફ્તિ સરકારના સત્તામાં આવ્યાના 20 દિવસ બાદ જમ્મુ ક્ષેત્રના કઠુઆના રાજબાગ પોલીસ સ્ટેશન પર પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ભીષણ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. તો તેના બીજા દિવસે સામ્બા ખાતે ફરીથી આતંકવાદી હુમલો થયો. પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ કહી રહ્યા હતા કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ- એએફએસપીએ સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતો મામલો હોવા છતાં તેને તબક્કાવાર દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. ત્રણ દાયકાથી આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં આતંક હવે મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાંથી હિંદુ બહુમતીવાળા જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના નિર્દેશ પ્રમાણે ચોક્કસ રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. તેવા સંજોગોમાં પણ એએફએસપીએને દૂર કરવાની વાત મુફ્તિ મોહમ્મદ સઈદની પાકિસ્તાન પરસ્તીથી બીજું કંઈ જ ગણી શકાય તેમ નથી. જો કે છેલ્લે રાજ્યની વિધાનસભામાં પાકિસ્તાન આતંકવાદને કાબુમાં રાખે તેવું નિવેદન કરીને મુફ્તિ મોહમ્મદ સઈદની સરકારે આતંકવાદ વિરોધી પ્રસ્તાવ  પારીત કર્યો છે. હવે તેઓ કહી રહ્યા છે કે એએફએસપીએને સેનાની સંમતિ વગર હટાવાશે નહીં.

હિલિંગ ટચના હકદાર કોણ આતંકીઓ કે આતંક પીડિતો?- 

જમ્મુ-કાશ્મીરમાં આતંકની ખેતી કરનારા આતંકવાદીઓના પુનર્વસન માટે હિલિંગ ટચ પોલિસીના સતત ટેકેદાર રહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ હાલ પણ આવી જ નીતિઓને આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓનું તો પુનર્વસન કરવાની ભારતની ત્રણ દાયકાથી સત્તામાં આવતી રહેલી કેન્દ્ર સરકારો કરતી રહી છે. મુફ્તિ મોહમ્મદ સઈદ હોય કે ફારુક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા તમામ આતંકવાદીઓના પુનર્વસન માટે તત્પર રહે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં મજહબી ભાગલાવાદ અને જેહાદી આતંકવાદીઓનો ભોગ બનીને પોતાના જ દેશમાં શરણાર્થી બનેલા પાંચ લાખ જેટલા કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે હજી સુધી કોઈ નક્કર નીતિગત બાબતો હાથ પર ધરાઈ નથી. વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને ભાગલાવાદીઓના તુષ્ટિકરણ માટે શરણાર્થી નહીં.. પણ પ્રવાસી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. જમ્મુ ખાતેની તેમની શિબિરોને રેફ્યુજી કેમ્પ નહીં, પણ પ્રવાસી શિબિરો તરીકે ઓળખવામાં આવતી હોવાની બાબત સામે અવાર-નવાર કાશ્મીરી હિંદુઓના જૂથોએ આકરો વાંધો ઉઠાવ્યો છે. પણ નિમ્ભરતાની હદ છે કે તેમનો અવાજ કોઈ સાંભળતું નથી.

મેહબૂબા મુફ્તિની સૂફિયાણી વાતોનો ભાગલાવાદી સૂર- 

1989-90માં વી. પી. સિંહની સરકારમાં ભારતના પ્રથમ ગૃહ પ્રધાન બનનારા મુસ્લિમ નેતા મુફ્તિ મોહમ્મદ સઈદ આંચકાજનક નિવેદનો આપવા માટે કુખ્યાતી ધરાવે છે. થોડા સમય પહેલા તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોના ચલણમાં વેપાર કરવાનો અધિકાર આપવાની માગણી કરી હતી. એક તરફ ભારત પાકિસ્તાન દ્વારા નકલી ભારતીય ચલણની સમસ્યાથી પીડિત છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન બંનેની કરન્સીમાં વેપારની છૂટનો અર્થ ઊંડાણપૂર્વક વિચારવો જરૂરી છે.
સાઉથ એશિયન ફ્રી મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુફ્તિ મોહમ્મદ સઈદના પુત્રી અને પીડીપીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તિએ ભારતીય કાશ્મીર અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વિધાનસભાના સભ્યોની એક સંયુક્ત પરિષદનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતીય લોકસભાના સાંસદ મેહબૂબા મુફ્તિએ કહ્યું કે તેઓ કાશ્મીરીઓને પાડોશી દેશો સાથે વેપાર-ધંધા માટે મુક્તપણે સંબંધો બનાવતા જોવા ઈચ્છે છે.

મુફ્તિ પિતા-પુત્રી દ્વારા બોલાતી ભાષા દર્શાવી રહી છે કે તેઓ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બોલી બોલી રહ્યા છે અને જાણે કે પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન રહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિના ભાષા અને ભાગલાવાદી જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનોની વાણીમાં કોઈ જ અંતર દેખાતું નથી.

રુબિયા સઈદ અપહરણકાંડ નાટક- 

1989માં વી. પી. સિંહની સરકાર બન્યા બાદ ગૃહ પ્રધાન બનેલા મુફ્તિ મોહમ્મદ સઈદની ત્રીજી પુત્રી રુબિયા સઈદનું જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-જેકેએલએફના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. 122 કલાક સુધી ચાલેલા અપહરણ કાંડમાં પાંચ ખૂંખાર આતંકવાદીઓને ભારત સરકારે મુક્ત કર્યા હતા. જેકેએલએફનો કમાન્ડર શેખ અબ્દુલ હમીદ, ફાંસી અપાયેલા આતંકી મકબૂલ બટ્ટનો નાનો ભાઈ ગુલામ નબી બટ્ટ, નૂર મુહમ્મદ કલવલ, મોહમ્મદ અલ્તાફ અને જાવેદ અહમદ ઝરગરનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં મજહબી ધોરણે જેહાદી આતંકવાદને ફેલાવવામાં અને મજબૂત કરવામાં મોટી ભૂમિકા પાકિસ્તાનના ટેકાથી ભજવી હતી. ધ ગ્રેટ ડિસ્ક્લોઝર્સ: સિક્રેટ્સ અનમાસ્ક્ડ નામના પુસ્તકમાં ભૂતપૂર્વ આતંકવાદી અને પીપલ્સ પોલિટિકલ પાર્ટી નામના ભાગલાવાદી સંગઠનના પ્રમુખ એન્જિનિયર હિલાલ અહમદ વારે રુબિયા અપહરણ કાંડ પર સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેણે જમ્મુ-કાશ્મીરના તત્કાલિન પોલીસ મહાનિદેશકને ત્યાં કેટલાંક લોકોની બેઠકને ટાંકીને સમગ્ર મામલો એક ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે અને તેમાં ભારતના તત્કાલિન ગૃહ પ્રધાન અને રુબિયા સઈદના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા હેઠળ રચાયેલું નાટક હોવાનો આરોપ પણ મૂક્યો છે.

તો નેશનલ સિક્યુરિટી ગાર્ડના ભૂતપૂર્વ અધિકારી સેવાનિવૃત્ત મેજર જનરલ ઓ. પી. કૌશિકે પમ દાવો કર્યો છે કે રુબિયા સઈદના હાઈપ્રોફાઈલ કિડનેપિંગના સમાચાર મળ્યાની પાંચ મિનિટમાં જ તેના રાખવામાં આવેલા સ્થાનની જાણકારી મેળવી લેવાઈ હતી. તેમણે જાતે મુફ્તિ મોહમ્મદ સઈદને કહ્યું હતું કે એનએસજી રુબિયાને ઝડપથી મુક્ત કરાવશે. તો તત્કાલિન ગૃહ પ્રધાને એનએસજીને કાર્યવાહી કરતું રોકીને તાત્કાલિક કમાન્ડોને પાછા ખેંચી લેવાના આદેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં રમાયેલી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયો હતો. તે વખતે રુબિયા સઈદે ભારત વિરોધી સૂત્રોચ્ચારમાં ભાગ લીધો હોવાનો અને પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હોવાના આક્ષેપો પણ કરતા રહ્યા છે.

કાશ્મીરી પંડિતોની ગરિમાપૂર્ણ ઘરવાપસી ક્યારે?- 

ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તીના મૂળિયા ધરાવતા બાપ-દિકરીની ભારત વિરોધી હરકતો યથાવત છે. મહેબૂબા મુફ્તિએ તાજેતરની એક કોન્ફરન્સમાં ધર્મના આધારે બીજા વિભાજનનો વિરોધ કરવાની વાત કહીને સરહદોને અપ્રાસંગિક બનાવી દેવાની દલીલ કરી હતી. પરંતુ મેહબૂબા મુફ્તિએ યાદ રાખવું જોઈએ કે 1947માં ધર્મના આધારે ભારતના ભાગલા પડયા બાદ 1989-90માં જમ્મુ-કાશ્મીરમાં પણ મજહબી ધોરણે ભાગલાવાદી વિભાજન થયું છે. સાડા ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને 48 કલાકના અલ્ટિમેટમ સાથે આતંકના ઓથાર હેઠળ કાશ્મીર ખીણ તાબડતોબ ખાલી કરવી પડી હતી. આજે પણ હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી શાહ ગિલાની અને યાસિન મલિક સહીતના પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ભાગલાવાદીઓ કાશ્મીરી પંડિતોની ઘરવાપસીનો સીધો કે આડકતરો વિરોધ ટેકનીકલ કારણો આગળ ધરીને કરી રહ્યા છે.

અનંતનાગ હુલ્લ્ડોમાં મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા- 

મેહબૂબા મુફ્તિના પિતા મુફ્તિ સઈદ પર અનંતનાગ ખાતે 1985-86માં થયેલા ભીષણ રમખાણોને પ્રાયોજિત કરીને લઘુમતી કાશ્મીરી હિંદુઓ નિશાન બનાવવાનો આરોપ લાગેલો છે. અનંતનાગના હિંદુ વિરોધી હુલ્લડોને કાશ્મીર ખીણમાં લઘુમતીઓના એથનિક ક્લિન્સિંગની શરૂઆત ગણવામાં આવે છે. એક તરફ મેહબૂબા મુફ્તિ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનના 25 વર્ષ બાદ મજહબી આધારે ભાગલા થવા જોઈએ તેવું કહી રહ્યા છે.. તો તેમના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદ પર જમાત-એ-ઈસ્લામી પ્રેરીત નિઝામ-એ-મુસ્તફાના લક્ષ્યને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. જમ્મુ એન્ડ કશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સના મહામંત્રી મોહમ્મદ શફીએ મુફ્તિ મોહમ્મદ સઈદ પર અનંતનાગ હુલ્લડોમાં કેન્દ્રીય કોંગ્રેસી નેતાઓ સાથે મિલિભગત બાદ મંદિરો અને મકાનો સળગાવામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગુલામ નબી લોનની હત્યામાં ભૂમિકાનો આરોપ- 

2002-2005 દરમિયાન પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં આતંકવાદીઓએ મુફ્તિના પ્રધાનમંડળના શિક્ષણ રાજ્ય પ્રધાન ગુલામ નબી લોનની હત્યા કરી હતી. તેના બીજા દિવસે બેશરમીથી તેમમે આતંકવાદીઓના તુષ્ટિકરણ માટેની તેમના પુનર્વસનની હિંલિગ ટચ પોલિસીની ગુલબાંગો પોકારી હતી. ગુલામ નબી લોનની બેઠક પરથી ચૂંટાયેલા તેમના પુત્ર શોએબ લોને બાદમાં તેમના પિતાની હત્યામાં મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા સંદર્ભે ગંભીર આરોપો લગાવ્યા હતા.

ભાગલાવાદીઓનો રાજકીય મંચ એટલે પીડીપી - 

કેન્દ્રીય રાજકારણમાંથી પરવાર્યા બાદ મુફ્તિ મોહમ્મદ સઈદે 1999માં કાશ્મીર ખીણમાં અલગતાવાદી તત્વોના ટેકાથી મુખ્યપ્રધાન પદની ગાદી કબજે કરવા રણનીતિ અપનાવી હતી. તેમણે નેશનલ કોન્ફરન્સનો વિકલ્પ બનવા માટે કાશ્મીર ખીણના લોકોની દ્રઢ થયેલી ભાગલાવાદી માનસિકતાનો ફાયોદ ઉઠાવીને કાશ્મીરી લોકોની ગરિમા અને અસ્મિતાની સ્થાપનાની વાર્તાઓ કરી હતી. તેમણે આતંકવાદમાં સામેલ કાશ્મીરી યુવાનો ગેરમાર્ગે દોરાયેલા ગણાવવાના સ્થાને “અવર બોય્ઝ ઈન જંગલ્સ” કહ્યા હતા. નેશનલ કોન્ફરન્સે સ્વાયત્તતાની માગણી કરી.. તો પીડીપી તરફથી મુફ્તિએ સેલ્ફ-રુલનો નારો બુલંદ કરીને ભાગલાવાદી તત્વોનો ટેકો મેળવવા માટેનો દાવ ખેલ્યો. પીડીપી પર આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીન અને ભાગલાવાદી જમાત-એ-ઈસ્લામી સાથે વ્યૂહાત્મક સમજણ હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે.
ભૂતપૂર્વ ભાગલાવાદી-આતંકવાદીઓ, સેવાનિવૃત નોકરશાહો અને વાપારીઓ મુફ્તિ મોહમ્મદ સઈદને ટેકો આપી રહ્યા છે. માત્ર 15 વર્ષમાં પીડીપીએ જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને સર્વોચ્ચ સ્થાનેથી હટાવવામાં કામિયાબી મેળવી છે. 2002માં પીડીપીને 16 બેઠકો, 2008માં 21 બેઠકો અને હવે 2015માં 28 બેઠકો મળી છે. તો નેશનલ કોન્ફરન્સને 1996માં બે-તૃતિયાંશ બહુમતી સાથે 57 બેઠકોથી ઘટીને 2002માં 28, 2008માં ફરીથી 28 અને 2015માં માત્ર 15 બેઠકો સુધી મર્યાદીત રહેવાનો વારો આવ્યો છે.

2002માં પીડીપી-કોંગ્રેસની સંયુક્ત સરકાર વખતે અમરનાથ લેન્ડ ટ્રાન્સફર વિવાદ ઉભો થયો હતો. જેની સામે જમ્મુ વિસ્તાર સતત આંદોલનો વચ્ચે બે માસ જેટલા લાંબાગાળા સુધી બંધ રહ્યો હતો. તો કાશ્મીર ખીણમાં મજહબી ઉન્માદમાં વિરોધ પ્રદર્શનો અને પથ્થરબાજીનો માહોલ ચાલ્યો હતો. જેમાં પીડીપીની મુખ્ય ભૂમિકા હતી. પીડીપીએ ભાગલાવાદી માનસિકતા અને તત્વોને રાજકીય મંચ પુરો પાડીને રાજકીય સંરક્ષણ પણ આપ્યું હતું. જેના પરિણામે પીડીપીએ ગઠબંધન છોડયું ત્યારે તેને કાશ્મીર ખીણ અને જમ્મુના મુસ્લિમ વિસ્તારોમાં ઘણી મોટી સરસાઈ મળી હતી. ત્યારે મજહબી રાજકારણ ખેલનાર મેહબૂબા મુફ્તિએ ધાર્મિક આધારે વધુ વિભાજન થવું જોઈએ નહીં, તેવી વાત કરતી વખતે પોતાની, પોતાના પિતાની અને પોતાની પાર્ટીની કરતૂતો તપાસી લેવી જોઈએ.

બંધારણીય વફાદારી અને ભાગલાવાદી વલણ એકસાથે!! - 

પીડીપીના સંરક્ષક મુફ્તિ મોહમ્મદ સઈદે 27 જૂન-2013ના રોજ અનંતનાગના શંગુસ ખાતે કહ્યુ હતુ કે કાશ્મીરમાં એવા લોકો છે કે જે ભારતથી અલગ થઈને આઝાદી ઈછ્છી રહ્યા છે. તે તેમનો લોકતાંત્રિક અધિકાર છે અને લોકશાહીમાં વિચારોની લડાઈમાં તેઓ પોતાની વિચારધારાને ફેલાવવા માટે મુક્ત છે. પરંતુ તેઓ (મુફ્તિ મોહમ્મદ સઈદ) ભારતીય બંદારણમાં વિશ્વાસ ધરાવે છે અને કાશ્મીર મામલાનો ઉકેલ ભારતીય બંધારણીય મર્યાદાઓ હેઠળ ઈચ્છે છે. પીડીપી ભારતીય બંધારણીય માળખામાં જમ્મુ-કાશ્મીર (માત્ર કાશ્મીર વાંચો) માટે આદર, ગરિમા, આત્મસમ્માન અને ગર્વની પુનર્સ્થાપના માટે લડત આપશે.
મુફ્તિ મોહમ્મદ સઈદ આટલેથી જ અટક્યા નહીં અને તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરના લોકો શાંતિ અને તેમના આત્મસમ્માનની પુનર્સ્થાપના ઈચ્છી રહ્યા છે. પીડીપી કાશ્મીરને ઈકોનોમિક ફ્રી ઝોન બનાવવા ઈચ્છે છે અને બંને તરફના કાશ્મીરના મહત્વના પ્રોજેક્ટ્સનું સંયુક્ત પ્રબંધન થાય તેમ પણ ચાહે છે. તેઓ કાશ્મીરના લોકોને વચન આપે છે કે જો સત્તા માટે મત મળશે તો તેઓ કાશ્મીરના રાજકીય પરિમાણને બદલી નાખશે. નવી દિલ્હી પાકિસ્તાન સાથે નિશ્ચિતપણે દોસ્તીનો હાથ લંબાવે અને કાશ્મીરીને તેનો સૌથી વધુ ફાયદો થશે.
જમ્મુ-કાશ્મીર ભારતીય બંધારણની કલમ-370ની જોગવાઈ પ્રમાણે અલગ બંધારણ અને અલગ ધ્વજનો અધિકાર ભોગવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેને તમામ પ્રકારના અધિકારો મળે છે, પરંતુ તેના કેન્દ્ર સાથેના સંબંધોનું બંધારણની કલમ-370 હેઠળ નિયમન થાય છે. કેન્દ્રના કોઈપણ કાયદા જમ્મુ-કાશ્મીર સરકારની માગણી અને મંજૂરી વગર લાગુ થઈ શકતા નથી.પરંતુ કલમ-370નો ફાયદો ઉઠાવીને કાશ્મીરી નેતાગીરી જમ્મુ અને લડાખને નબળા બનાવીને સતત ધાર્મિક અને વંશીય લઘુમતીઓને ધરતીના સ્વર્ગમાં દોઝખનું દુખ આપી રહી છે. મુફ્તિ મોહમ્મદ સઈદ ભારત સરકાર પાસે કંઈક વધુની માગણી કરી હતી. આ કંઈક વધુ એટલે બીજું કંઈ નહીં પણ ભારતથી સંપૂર્ણ આઝાદી તેવો અર્થ પણ જમ્મુ-કાશ્મીરના રાજકારણના જાણકારો કાઢતા રહ્યા છે. આમ જોવો તો બંધારણીય વફાદારીના આંચળા હેઠળ ભાગલાવાદી એજન્ડાને પ્રોત્સાહન ખુદ ભારત સરકાર અને ભારતના લોકોને મૂર્ખ બનાવવાની મુફ્તિ મોહમ્મદ સઈદની રાજરમત છે.

કાશ્મીરના ભાગલાવાદી હમામમાં નગ્નતાનો નાચ- 

ભાગલાવાદી આતંકી એજન્ડાને આગળ વધારવામાં કાશ્મીરમાં માત્ર પીડીપી જ નથી. પણ નેશનલ કોન્ફરન્સ પણ છે. ઓમર અબ્દુલ્લાએ 1953 પહેલાના દરજ્જાની માગણી કરીને જમ્મુ-કાશ્મીર પરથી સંરક્ષણ, નાણાં અને સંચાર સિવાયના તમામ ક્ષેત્રોમાં કેન્દ્રનું વર્ચસ્વ ખતમ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસના પણ સૈફુદ્દીન સોજ જેવા નેતાઓની માનસિકતા આડકતરી રીતે ભાગલાવાદીઓ તરફ ઝોક ધરાવતી છે. એટલે કે કાશ્મીરમાં ગમે તેટલું વોટિંગ થાય પણ જ્વલંત જીત ભાગલાવાદના રાજકારણની થાય છે. આ કાશ્મીરમાં ફાલેલા ભાગલાવાદનો આધારે મજહબ છે અને તેમનું અંતિમ લક્ષ્ય ભારતથી આઝાદ થવાનું જણાવાય છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રત્યક્ષ રાજકારણમાં રહેલા પક્ષોનું એકંદરે આવું વલણ છે. પીડીપીની કાશ્મીર ખીણમાં જીત થોડા વધુ તીવ્ર મજહબી આધારના ભાગલાવાદી તત્વોની જ્વલંત જીત તરીકે જોઈ શકાય છે.

પિતાનો પુત્રી દ્વારા નિષ્ફળ બચાવ- 

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે પાકિસ્તાનને જશ આપતા મુફ્તિ મોહમ્મદ સઈદના નિવેનને મેહબૂબા મુફ્તિએ ટેકો આપતા કહ્યું હતું કે એપ્રિલ-મે, 2014માં લોકસભાની ચૂંટણીમાં ડિસેમ્બર-2014ની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ તીવ્ર હિંસાચાર થયો હતો. પરંતુ હકીકત એ છે કે લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણીનો સમય વધુ લોહિયાળ રહ્યો છે.

એક અંદાજ પ્રમાણે, લોકસભા ચૂંટણી વખતે 7 એપ્રિલથી 12 મે-2014ના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં 22 આતંકવાદી ઘટના થઈ જેમાં 15 હુમલા અને સાત એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી વખતના 36 દિવસની હિંસામાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીવખતે 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2014ના સમયગાળામાં 21 હિંસક ઘટનાઓ થઈ હતી. જેમાં 18 હુમલા અને ત્રણ એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. 26 દિવસના વિધાનસભા ચૂંટણી વખતના સમયગાળામાં 26 લોકો માર્યા ગયા અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મુફ્તિ મોહમ્મદ સઈદની રાજકીય કારકિર્દી-

ભાગલાવાદી પ્રોત્સાહક નીતિઓના ટેકેદાર મુફ્તિ મોહમ્મદ સઈદે 1950ના આખરી તબક્કામાં નેશનલ કોન્ફરન્સના વિભાજન બાદ રચાયેલી ડેમોક્રેટિક નેશનલ કોન્ફરન્સથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ડીએનસી બાદમાં કોંગ્રેસમાં વિલિન થઈ હતી. 1967માં મુફ્તિ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ચૂંટાયા અને નાયાબ પ્રધાન બન્યા હતા. તો 1972માં કોંગ્રેસની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. 1975માં મુફ્તિ મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યાહતા. 1984માં નેશનલ કોન્ફરન્સને વિભાજિત કરીને કોંગ્રેસની સરકાર બનાવાવમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 1986માં કોંગ્રેસે રાજીવ ગાંધીની આગેવાનીમાં નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કર્યું હતું. નારાજ મુફ્તિને રાજ્યસભામાં લઈ જઈને રાજીવ ગાંધીના કેબિનેટમાં પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન બનાવાયા હતા. જુલાઈ-1987માં મુફ્તિએ કેબિનેટ અને કોંગ્રેસ મેરઠ હુલ્લડોના નામે છોડ્યા. ઓક્ટોબર-1987માં વી.પી. સિંહે જનતા મોરચાની સ્થાપના કરી હતી. મફ્તિ મોહમ્મદ સઈદ 1989માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ચૂંટાઈને ભારતના પહેલા મુસ્લિમ ગૃહ પ્રધાન બન્યા. પી. વી. નરસિંહરાવના સમયમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને અનંતનાગથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મુફ્તિ મોહમ્મદ સઈદે ફરીથી કોંગ્રેસ છોડી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી. પીડીપી શરૂઆતથી જ સોફ્ટ સેપરેટિસ્ટ એજન્ડા પ્રમાણે કામ કરી રહી છે.

મુફ્તિ મોહમ્મદ સઈદનો પરિવાર-

મુફ્તિ મોહમ્મદ સઈદ પોતાના પૈતૃક મકાન સાથે કુલ બે મકાનોની માલિકી ધરાવે છે. તેમના ચાર સંતાનોમાંથી માત્ર મેહબૂબા મુફ્તિ તલ્લાક બાદ સિંગલ પેરેન્ટ તરીકે બે પુત્રીઓ સાથે પિતા મુફ્તિ મોહમ્મદ સઈદની સાથે રહે છે અને પિતાના રાજકીય વારસાને આગળ વધારતા પીડીપીના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. મુફ્તિની બીજી પુત્રી માસુદા તબીબ છે અને અમેરિકામાં લગ્ન કરીને વસવાટ કરે છે. જ્યારે ડૉ. રુબિયા સઈદે તમિલ મુસ્લિમ વેપારી પરિવારમાં લગ્ન કર્યા છે અને તે ચેન્નઈમાં વસવાટ કરે છે. મુફ્તિ મોહમ્મદ સઈદનો પુત્ર તાસાદુક બેંગાલુરુ ખાતે સિનેમેટોગ્રાફર તરીકે કાર્યરત છે.

મુફ્તિ બાપ-બેટી ભરોસાપાત્ર નથી-

મુફ્તિ બાપ-બેટીની ટીમ એક વાત દિલ્હીમાં કરે છે, બીજી વાત અનંતનાગમાં કરે છે અને શ્રીનગરમાં સંપૂર્ણપણે કંઈક જુદું જ કરે છે. જમ્મુ-કાશ્મીરમાં વંશવાદી રાજકારણમાં બાપ-બેટા અને બાપ-બેટીની પાર્ટીઓ લડી રહી છે અને ખુડદો ભારતના રાષ્ટ્રીય હિતોનો નીકળી રહ્યો છે. એક સાપનાથ છે.. તો બીજી જોડી નાગનાથ છે. આવા સંજોગોમાં ભાગલાવાદી પાકિસ્તાન પરસ્ત આતંકી તત્વોને પ્રોત્સાહક નીતિથી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. કલમ-370 દ્વારા જ જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘમાં સામેલ હોવાના નિવેદનો પીડીપી, એનસીના નેતાઓ અવારનવાર કરતા રહ્યા છે. મેહબૂબા મુફ્તિએ કલમ-370 હટાવવાની કોઈની તાકાત નહીં હોવાનું ઘણીવાર જણાવ્યું છે.

આવા સંજોગોમાં જમ્મુ ક્ષેત્રમાં હિંદુ બહુમતી ધરાવતા દેશોમાં વધી રહેલી ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા શસ્ત્રવિરામ ભંગના બનાવો કાશ્મીર ખીણના રાજકીય, ભાગલાવાદી અને આતંકી તત્વોની પાકિસ્તાન સાથેની કોઈ મિલીભગતની ચાડી ખાઈ રહી છે. 1989-90માં ગૃહ પ્રધાન તરીકે મુફ્તિ મોહમ્મદ સઈદે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી વિસ્થાપનને મુંગા મોઢે જોયું અને આતંકવાદને મજબૂત થવામાં ભૂમિકા ભજવી છે. તો હવે 2015માં જમ્મુ ક્ષેત્રમાં હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોની ડેમોગ્રાફીના સંરક્ષણ માટે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફરીથી માથું ઉંચકે નહીં તેવી કારગર વ્યૂહરચના ભારતના રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ખૂબ જરૂરી છે.



No comments:

Post a Comment