Wednesday, March 25, 2015

ઈસ્લામની લેબોરેટરી તરીકે રચાયેલા પાકિસ્તાનનો ખતરનાક પ્રયોગ એટલે જેહાદી આતંકવાદ


-     પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ માત્ર આઝાદ દેશ નહીં પણ ઈસ્લામિક સમાજવાદના નામે ઈસ્લામના વિચારો-પદ્ધતિઓની લેબોરેટરી તરીકે મુસ્લિમ જગતમાં રજૂ કર્યો હતો. ચોક્કસ તેમનું પાકિસ્તાનની બંધારણીય સભાનું પ્રથમ ભાષણ ધર્મનિરપેક્ષ પાકિસ્તાનની તેમની કલ્પાના હોવાનો આભાસ ઉભો કરે છે. પરંતુ તેની સાથે પાકિસ્તાનને ઈસ્લામની લેબોરેટરી બનાવવાની તેમની ઈચ્છાને પણ અવગણી શકાય નહીં. આજે પાકિસ્તાનમાં ઈસ્લામના નામે ખતરનાક પ્રયોગો થઈ રહ્યા છે અને તેના કારણે વિશ્વની સામે મોટું જોખમ ઉભું થયું છે.ઘણાં સંરક્ષણ નિષ્ણાતો સ્થિર અને વિકસિત પાકિસ્તાનને ભારતના હિતમાં ગણાવે છે. પરંતુ હકીકત રહી છે કે પાકિસ્તાની સેનાના કબજામાં રહેલા સ્થિર પાકિસ્તાને અમેરિકન અને સાઉદી અરેબિયન મદદથી ભારતને હંમેશા રક્તરંજિત કર્યું છે. આજે પણ ભારત વિરોધ પાકિસ્તાનમાં સેનાના વર્ચસ્વ અને તેના અસ્તિત્વ માટેનું મુખ્ય કારણ છે. ત્યારે પાકિસ્તાન સાથે કોઈ નિર્ણાયક વ્યૂહરચના સાથે તેમા ચાર સ્વતંત્ર એકમો ઉભા કરવા ભારત સહીત આખી દુનિયા માટે હિતકારક છે.1940થી 1947 સુધીનો સમયગાળો શરૂઆતમાં દક્ષિણ એશિયા અને આધુનિક સમયમાં આખી દુનિયા માટે ઘણાં મોટા પડકારો ઉભો કરનારો સાબિત થઈ રહ્યો છે. 1940માં મુસ્લિમ લીગે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આધારે એક દેશ પાકિસ્તાનની માગણી કરી અને 1940થી 1947 સુધીમાં અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા લોહી વહેવડાવ્યા વગર 14 ઓગસ્ટ..29147ના રોજ પાકિસ્તાન મેળવી લીધું.મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ પાકિસ્તાનની પોતાની માગણી પુરી કરાવવા માટે 1946માં ડાયરેક્ટ એક્શન ડે જાહેર કરીને બંગાળ અને પંજાબ સહીતના કેટલાંક સ્થાનો પર હુલ્લડો કરાવ્યા હતા. પરંતુ આ હિંસાની તીવ્રતા ઓછી ત્યારે લાગી કે જ્યારે 1947માં નૈસર્ગિક રીતે એક જ ભૂભાગ રહેલા ભારતના ભાગલા કરવામાં આવ્યા અને પાકિસ્તાનના નામે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અકુદરતી સરહદો સાથે એક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. આ દેશ એટલે પાકિસ્તાન કે જેનો આધાર પોતાના પૈતૃક વારસાને નકારીને ધર્મના આધારે નવો દેશ મેળવવાના આંદોલન પર હતો.પાકિસ્તાનના સર્જનની સાથે જ દક્ષિણ એશિયામાં આધુનિક સમયની સૌથી મોટી હિંસા સર્જાઈ અને ભારત અને પાકિસ્તાનમાં એકબીજાના ક્ષેત્રોમાંથી થયેલી હિજરતો અને વિસ્થાપનો દુનિયામાં સૌથી મોટા ગણાય છે.હિંસાથી બચવા માટે પાકિસ્તાનની માગણી અહિંસાવાદી વિચારવાળા નેતાઓએ માની લીધી હતી. પરંતુ જ્યારે ધર્મને હિંસાનો આધાર બનાવીને સામ્રાજ્યવાદી માનસિકતાવાળા લોકો સામે આત્મસમર્પણ કરવામાં આવે છે... ત્યારે તે હંમેશા ખતરનાક હોય છે. ભારતના ભાગલા સાથે 10 લાખથી વધારે લોકોને હત્યાકાંડોમાં જીવ ગુમાવવા પડયા છે. તો બંને તરફથી લગભગ ત્રણથી ચાર કરોડ લોકોએ હિજરતો અને વિસ્થાપનો કર્યા છે. શાંતિ ખરીદવા માટે માતૃભૂમિના ભાગલા કરીને જમીનના ટુકડા કાપીને આપી દેવાથી શાંતિ આવતી નથી.. તે વાત સાબિત થઈ હતી.જો કે આઝાદીથી અત્યાર સુધી પાકિસ્તાન પાસે અમનની આશા રાખનારાઓની ભારતમાં કોઈ અછત નથી. પરંતુ પાકિસ્તાન તરફથી હંમેશા શાંતિનું ખૂન કરનારા લોકો સતત ભારત સામે યુદ્ધો લડી રહ્યા છે. જેમાં ચાર યુદ્ધો ઘોષિત હતા. તો બાકીના યુદ્ધો ભારતમાં જેને આતંકવાદ ગણવામાં આવે છે.. તે પ્રોક્સીવોર છે. હકીકતમાં જેને ભારતમાં પાકિસ્તાનનું પ્રોક્સીવોર કહેવામાં આવે છે.. તે પ્રોક્સીવોર હકીકતમાં પાકિસ્તાન સમર્થિત અને પ્રેરીત તત્વો દ્વારા જેહાદના નામે ઘોષિત યુદ્ધ છે. મામલો છે.. મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનનો દાવો. જમ્મુ-કાશ્મીરના વિવાદને પાકિસ્તાન ભારત સાથેના સંબંધોમાં કેન્દ્રીય મુદ્દો ગણાવે છે અને દક્ષિણ એશિયામાં શાંતિ માટે જમ્મુ-કાશ્મીરનો વિવાદ ઉકેલવો અત્યંત જરૂરી હોવાનું પણ વારંવાર કહ્યા કરે છે.પરંતુ અમેરિકાના વિદ્વાન લેખિકા સી. ક્રિસ્ટીન ફેરે પાકિસ્તાન સંદર્ભે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું- ફાઈટિંગ ટુ ધ એન્ડ. આ પુસ્તકમાં ક્રિસ્ટીને કહ્યુ છે કે પાકિસ્તાની સેનાના ગત છ દશકોના પ્રકાશનોના ઉંડા અભ્યાસ બાદ તૈયાર કરેલા નિષ્કર્ષના આધારે જો જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો ઉકેલ થઈ જાય.. તો પણ પાકિસ્તાની સેનાનો ભારત વિરોધ ઓછો થવાનો નથી. બંને દેશોના સંબંધો સામાન્ય થઈ શકવાના નથી. અમેરિકાના લેખિકાનું માનવું છે કે દુનિયાના અન્ય દેશો પાસે સેના હોય છે. પરંતુ પાકિસ્તાની સેના પાસે દેશ છે. પાકિસ્તાનની સેના દેશની ભૌગોલિક સીમાઓની જ નહીં.. પણ તેની વિચારધારાત્મક સરહદોની પણ સુરક્ષા કરે છે. પાકિસ્તાની સેનાએ કાશ્મીરને બળપૂર્વક કબજે કરવા માટે ભારત વિરુદ્ધ ચાર વખત યુદ્ધ છેડયા હતા અને ચારે વખત તેને હાર ખાવી પડી છે. પૂર્વ પાકિસ્તાન અલગ થઈને બાંગ્લાદેશ બન્યું. પરંતુ પાકિસ્તાની સેનાને તેનાથી કોઈ ફરક પડયો નથી. તેઓ ભવિષ્યમાં પણ યુદ્ધ હારતા રહેવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાની સેના ભારત સામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ યુદ્ધ કરવાનું બિલકુલ બંધ નહીં કરે.હકીકતમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારત સામે એક મોટી સમસ્યા છે. પાનઈસ્લામિક મૂવમેન્ટના સમયગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતના મુસ્લિમ સમુદાયને વહાબીકરણ બાદ સાઉદી અરેબિયાથી થયેલા સીધા દોરીસંચાર હેઠળ ઈસ્લામની લેબોરેટરી બનાવવામાં આવ્યા હતા. તેના માટે તત્કાલિન મુસ્લિમ પાર્ટી મુસ્લિમ લીગને સાધન બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ દેશમાં ઈસ્લામિક સમાજવાદની વાત કરી અને તેને ઈસ્લામની લેબોરેટરી બનાવી દીધી. પાકિસ્તાનમાં ઈસ્લામના વિચારો અને પદ્ધતિઓના નવા-નવા પ્રયોગો કરવામાં આવે છે. જેની બાયપ્રોડક્ટ તરીકે પેદા થયેલો ઈસ્લામિક કટ્ટરપંથ હવે ઈસ્લામિક આતંકવાદમાં બદલાઈ ગયો છે. ભારત સામે સામરિક હથિયાર તરીકે વપરાયેલું સાડા ત્રણ દશક જૂનું ઈસ્લામિક આતંકવાદનું હથિયાર હવે માત્ર ભારત માટે જ જોખમ નથી.. પણ આખા વિશ્વ માટે એક ખતરનાક પડકાર છે. પાકિસ્તાન ધર્મના નામે આતંકવાદની ફેક્ટરી બની ચુક્યું છે અને અહીંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થઈ રહી છે. પાકિસ્તાનમાં કટ્ટર સુન્નીપંથી આતંકવાદીઓના ઉંબાડિયા પાછળ સાઉદી અરેબિયાથી આવતા નાણાં અને વૈચારીક દોરીસંચારોની મુખ્ય ભૂમિકા છે.આયેશા જલાલે પોતાના પુસ્તક ધ સ્ટ્રગલ ફોર પાકિસ્તાન- અ- મુસ્લિમ હોમલેન્ડ એન્ડ ગ્લોબલ પોલિસિક્સમાં દેશના ભવિષ્ય સંદર્ભે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આયેશા જલાલે સ્પષ્ટપણે કહ્યુ છે કે 68 વર્ષોના સમયગાળામાં સેનાએ પાકિસ્તાનમાં સીધું 33 વર્ષ રાજ્ય કર્યું છે અને બાકીનો સમય તેમણે પડદા પાછળ રહીને રાજકાજનું સંચાલન પોતાના કબજામાં રાખ્યું છે.અમેરિકાના લેખક સ્ટીફેન ફિલિપ કોહેને પોતાના પુસ્તક- ધ આઈડિયા ઓફ પાકિસ્તાનમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જેની સેનાનો તેના પર સંપૂર્ણ કબજો છે. આ સંદર્ભે મિલિટ્રી ઈનકોર્પોરેટેડ: ઈન સાઈડ પાકિસ્તાન મિલિટ્રી ઈકોનોમીમાં ડૉ. આયેશા સિદ્દિકાએ મિલિટ્રી કેપિટલનું તબક્કાવાર વૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કર્યું છે. ડૉ. આયેશા સિદ્દિકાની વાત એટલા માટે વધારે વજનદાર છે.. કારણ કે તેઓ પાકિસ્તાની નૌસેના સાથે જોડાયેલી રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 11 વર્ષ પ્રમુખ રહી ચુક્યા છે.તેમનો દાવો છે કે ધર્મના આધારે કોઈપણ રાષ્ટ્ર રાજ્ય બની શકે નહીં. 1971માં પૂર્વ પાકિસ્તાનના બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ ધર્મ-આધારીત રાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ચુકી છે. પાકિસ્તાનમાં અયૂબ ખાન.. યાહ્યા ખાન અને ઝિયા-ઉલ-હક જેવા લશ્કરી તાનાશાહોએ લોકશાહીને વિકસવા દીધી નહીં. ઝિયા-ઉલ-હકનું માનવું હતું કે પાકિસ્તાનનો જન્મ માત્ર ઈસ્લામના આધારે થયો છે. તેમના આ વિચાર બાદ અહમદીયા.. ખ્રિસ્તી. હિંદુ વગરે બિનમુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક તરીકે જ સત્તાવાર રીતે જોવામાં આવ્યા. ઈન્ડોનેશિયા બાદ પાકિસ્તાન દુનિયોનો બીજો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ તે લોકશાહી તરીકે પોતાની ધાક જમાવી શક્યો નથી.જો કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારે ટર્મ પુરી કરીને પાકિસ્તાનમાં પોતાનો કાર્યકાળ પુરો કરનારી પહેલી સરકાર તરીકે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન.. સીમાપ્રાંતના ડૉ. ખાનસાહેબ અને છેલ્લે બલુચિસ્તાનના અકબર બુગ્તીની હત્યા કરવામાં આવી છે. લોકપ્રિય નેતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા અને તેમની પુત્રી બેનઝીર ભુટ્ટોની પણ ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા કરવામાં આવી છે. તો ઝીયા-ઉલ-હક પણ કોઈ ષડયંત્રનો ભોગ બનીને રહસ્યમય મોતને ભેંટયા હોવાનું માનવામાં આવે છે. મોહમ્મદ હનીફે પોતાના પુસ્તક કેસ ઓફ એક્સપ્લોડિંગ મેન્ગોજમાં કહ્યુ છે કે પાકિસ્તાનમાં પ્રારંભથી અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિરતાને કારણે દેશમાં વિકાસ અશક્ય બન્યો છે.ઝિયાના કાર્યકાળથી લશ્કરે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તે સમયે મિલિટ્રી બિઝનેસ ઘણો પ્રચલિત શબ્દ હતો. 1991માં પાકિસ્તાની સેના દ્વારા કરાતો કારોબાર એક અબજ ડોલર પર પહોંચી ગયો હતો. નાના હથિયારોથી માંડીને બેકિંગ.. ઓટોમોબાઈલ્સ.. ટેલિકોમ્યુનિકેશન્સ, બેરેકફાસ્ટથી માંડીને બેકરી સુધીના કારોબાર પર કબજો જમાવી લીધો છે. લશ્કરી સંસ્થાઓ દ્વારા સેવાનિવૃત્ત અધિકારીઓ અનેક વ્યવસાયો ચલાવી રહ્યા છે.ત્યારે ભારત માટે એ સમજવું જરૂરી છે કે પાકિસ્તાન માત્ર એક ધર્મવિશેષ માટે માંગવામાં આવેલું હોમલેન્ડ નથી. સાઉદી અરેબિયાના સુન્ની વર્ચસ્વવાદી ઈસ્લામિક રાજનીતિનો એક ભાગ એટલે પાકિસ્તાનનો વિચાર છે. પાકિસ્તાનની વિચારધારાત્મક સીમાઓ તેની ભૌગોલિક સરહદોથી ઘણી બહાર સુધી વિસ્તરી છે. જેના કારણે ભારત અને બાંગ્લાદેશ સહીતના નોન-સેમેટિક પૂર્વ એશિયાઈ દેશોમાં સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.1979માં ઈરાનમાં શિયા ક્રાંતિ થઈ અને ઈરાનના ખૌમેનીને મુસ્લિમ વિશ્વમાં એક ક્રાંતિકારી આદર્શ તરીકે જોવામાં આવ્યા.. ત્યારે સાઉદી અરેબિયાએ સુન્ની જગતની અંદર પોતાનો દબદબો કાયમ રાખવા માટે વહાબી આંદોલનની તર્જ પર કેટલાંક આદર્શોની સ્થાપનાના નામે કેટલાંક આંદોલનો ચલાવ્યા હતા. પાકિસ્તાનની આવા આંદોલનમાં ઘણી મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાનમાં લગભગ 85 ટકા સુન્ની મુસ્લિમો છે. જેના કારણે સાઉદી અરેબિયાને અહીં પોતાનું ઈસ્લામિક જગત પર વર્ચસ્વ કાયમ રાખવા માટે બેહદ ફળદ્રુપ જમીન મળી છે.આ સમયગાળામાં અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. દુનિયા બે ધ્રુવો વચ્ચે મોટાભાગે વહેંચાયેલી હતી. ત્યારે ઈસ્લામિક વર્લ્ડમાં પેટ્રોલિયમ  પેદાશો પર વર્ચસ્વ જમાવવા માટે બંને મહાસત્તાઓએ પોતાપોતાની અનુકૂળતા પ્રમાણે શિયા અને સુન્ની મુસ્લિમ દેશોને આમને-સામને કરવાનું શરૂ કર્યુ હતું. સામ્યવાદી વિચારધારાવાળા રશિયાએ મધ્ય એશિયા અને યૂરોપ સુધી પોતાના સીમાડા વધારી દીધા હતા અને તેની જમીનની ભૂખ ખતમ થઈ હતી. અમેરિકાએ સાઉદી અરેબિયા.. પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોના સુન્ની શાસકો અને વસ્તીને સોવિયત રશિયા સમર્થિત ઈરાન.. અફઘાનિસ્તાન અને સીરિયાની સામે લાવીને મૂકી દીધા.દુનિયામાં માનવામાં આવે છે કે બે વિશ્વ યુદ્ધ થયા છે. પરંતુ હકીકતમાં 1979માં અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયા સમર્થિત સરકારને હટાવી દેવામાં આવી અને રશિયન લશ્કર કાબુલ પહોંચ્યું ત્યારથી દશ વર્ષના ગાળામાં હકીકતમાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓ સામે લડવા માટે અમેરિકાએ એક નવા પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ધાર્મિક વિચારોને આધાર બનાવીને નોન-સ્ટેટ એકટર્સની એક આર્મી બનાવી હતી. ઈસ્લામમાં પૂર્વ ઈરાન અને અફઘાનિસ્તાનના પ્રદેશોને સ્ટેટ ઓફ ખોરાસાન નામે ઘણું મહત્વનું માનવામાં આવે છે.રશિયાને અફઘાનિસ્તાનમાંથી હટાવવા માટે અમેરિકાએ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના વૈચારિક આધારથી એક આઈડિયોલોજિકલ વેપન બનાવ્યું. આ આઈડિયોલોજિકલ વેપન એટલે જેહાદના નામે આતંકવાદ. 1989-90માં સોવિયત રશિયાને અફઘાનિસ્તાન નામોશીભરી હાલતમાં છોડવું પડયું હતું. તો 1991માં ખુદ સોવિયત સંઘનું વિઘટન થયું અને અફઘાનિસ્તાનનો પ્રદેશ જેહાદી આતંકવાદીઓને કબજા હેઠળ આવી ગયો. 1996માં અહીં તાલિબાનોની સરકાર પણ આવી હતી. મહત્વપૂર્ણ છે કે બીજા વિશ્વયુદ્ધને જીતવા માટે અમેરિકાએ જાપાનના બે શહેરો પર પરમાણુ બોમ્બ જેવા નવા પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં તેણે જેહાદીઓનો આઈડિયોલોજિકલ વેપન તરીકે ઉપયોગ કર્યો હતો.અમેરિકાએ પોતાના હિતો માટે વાપરેલું આ હથિયાર એટલું ખતરનાક છે કે પહેલા તેની અસર ભારતને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ઉદભવ સાથે થઈ અને ત્યાર બાદ કાશ્મીરમાં જેહાદના નામે આતંકવાદના જખમ હજી પણ મળી રહ્યા છે. આ આતંકે ભારતમાં કોઈપણ ઠેકાણે પોતાના ઓપરેશન્સ પાર પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. તેનું કારણ પણ ભારતની વોટબેંકો પર નભતી સરકારો છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ જોખમ હવે વૈશ્વિક બન્યું છે. આખા વિશ્વમાં સેમેટિક અને નોન-સેમેટિક મુસ્લિમ વર્લ્ડ સાથે સંકળાયેલા દેશોમાં એક યા બીજા સ્વરૂપે આતંકવાદ અસ્તિત્વમાં છે.1997માં પાકિસ્તાનથી ભારતમાં હિજરત કરીને આવેલા આઈ. કે. ગુજરાલ વડાપ્રધાન બન્યા હતા. તેમમે ગુજરાલ ડોક્ટ્રિન નામે ગુપ્તચર સંસ્થા રૉની પાકિસ્તાન ડેસ્કને હટાવી લીધી હતી. ત્યાર બાદ કોઈ વડાપ્રધાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સીઆઈએ અથવા મોસાદની ભાષામાં જવાબ આપવા માટે પાકિસ્તાનમાં ઈન્ટેલિજન્સ નેટવર્કમાં રોકાણ કરવા રાજી થઈ નહીં. જેના કારણે ભારતે કંદહારકાંડ અને સંસદ પર હુમલા જેવી ઘટનાઓ સહન કરવી પડી. 2008માં મુંબઈ પરના પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓના હુમલા બાદ લશ્કરે તોઈબાને કરાચીમાં તેની ભાષામાં જવાબ આપવાની શક્યતાઓ તપાસવામાં આવી હતી. પરંતુ ત્યારે ગુજરાલ ડોક્ટ્રિનના પાલનને કારણે ભારતીય એજન્સીઓ આવી ક્ષમતા ધરાવતી નહીં હોવાનો નિષ્કર્ષ પણ નીકળ્યો હોવાનું ચર્ચાયું હતું.પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કાશ્મીર માટે એક હજાર વર્ષ સુધી ઘાસ ખાઈને લડવાની વાત કરી હતી અને ભારત સામે ન્યૂક્લિયર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાકિસ્તાનના પ્રસ્તાવિત પરમાણુ બોમ્બને તેમણે ઈસ્લામિક બોમ્બ ગણાવ્યો હતો. 1980થી 1990 વચ્ચે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે ભારતે ઈઝરાયેલની તર્જ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી કોઈ કારગર રણનીતિ બનાવી નહીં.તો કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓના દાવાઓ પ્રમાણે.. પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે ન્યૂક્લિયર વોરહેડ હોવાની ચિંતાજનક ચર્ચાઓ છે. આવા સંજોગોમાં માત્ર કૂટનીતિક અથવા રાજકીય ઉકેલ જ ભારત સરકાર સામે વિકલ્પ હોવો જોઈએ નહીં. પાકિસ્તાનનો વિચાર ભારત માટે ખતરનાક છે અને મજબૂત લશ્કર સાથેનું સ્થિર પાકિસ્તાન ભારતના સામરિક હિતોમાં નથી. ત્યારે ભારતે પણ પાકિસ્તાનના આંતરીક સંઘર્ષોને સમજીને આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાને તેની ભાષામાં જવાબ આપવાની શરૂ કરવું જોઈએ.સાથે પાકિસ્તાન અસ્થિર બને તેવી સ્થિતિમાં તેના પરમાણુ હથિયારો સુરક્ષિત રીતે નષ્ટ કરાય તેના માટે અમેરિકા-ચીન-રશિયા સહીતના દેશો સાથે ચર્ચા કરીને એક વૈશ્વિક રણનીતિ હેઠળ કેટલીક થયેલી તૈયારીઓ વચ્ચે નક્કર બ્લૂ-પ્રિન્ટ હેઠળ કાર્યયોજના કોઈપણ ક્ષણે અમલ કરવાની તૈયારી રાખવી પડશે. 

No comments:

Post a Comment