Wednesday, March 25, 2015

વિદેશ નીતિનો પડકાર: આતંકના ખેલ હેઠળ પાકિસ્તાનનું ભારત સામેનું ખુલ્લું “યુદ્ધ”


-          પ્રસન્ન શાસ્ત્રી

ભારતીય વિદેશ નીતિમાં સૌથી વધારે જટિલતા પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને છે. 1947માં દ્વિરાષ્ટ્રવાદના નામે મહંમદઅલી જિન્નાની જીદ્દ અને મુસ્લિમ કટ્ટરવાદીઓની ધાર્મિક મહત્વકાંક્ષાઓએ પાકિસ્તાન નામનો એક દેશ ભારતના બંને પડખામાં પેદા કર્યો. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. છેલ્લા ત્રણ દશકાથી પાકિસ્તાન જે પ્રકારે ભારત સામેની વિદેશ નીતિમાં આતંકવાદીઓને પોતાના સામરિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેના આધારે લાગી રહ્યું છે કે હવે આ ગુમડાની 1971માં અધૂરી રહી ગયેલી સર્જરી પુરી કરવી પડશે.

છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન દ્વારા ચલાવાઈ રહેલા જેહાદી આતંકવાદને પરિણામે ભારતે અત્યાર સુધીમાં 80 હજાર જેટલા નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓને ખોવાનો વારો આવ્યો છે. ભારત અને હિંદુઓના વિરોધમાં ઉભા થયેલા પાકિસ્તાને આઝાદી સાથે જ પોતાનું પોત પ્રકાશ્યું.

જમ્મુ-કાશ્મીરનું મહારાજા હરિસિંહ દ્વારા ભારત સાથે કાયદેસરનું જોડાણ કરાયું હોવા છતાં પાકિસ્તાન તેના પર ધર્મના આધારે દાવો કરતું રહ્યું છે. 1948માં કબાઈલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો અને મુસ્લિમ બહુમતીવાળા રાજ્યના તત્કાલિન મહારાજા હરિસિંહે ભારત સાથેના જોડાણપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય સેનાઓએ પાકિસ્તાનીઓને મારી હટાવવામાં મોટી સફળતા મેળવી હતી. પણ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના યુનોમાં જવાની ભૂલનો ભોગવટો આજે પણ ભારતે કરવો પડે છે. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાંથી હટીને જનમત કરવાના યુનોએ ત્યારે જનમત કરાવવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન ઠરાવના 66 વર્ષ બાદ પણ ભારતના અવિભાજ્ય અંગ જમ્મુ-કાશ્મીરના ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠું છે.

પાકિસ્તાને 1965, 1971 અને 1999માં ત્રણ વખત કાશ્મીર પર હુમલો કરીને લશ્કરી રાહે પોતાની મનમાની કરવાનું ઉબાડિયું વારંવાર કર્યું. પરંતુ 1971માં પાકિસ્તાની સેનાના ત્રાસને કારણે બાંગ્લાદેશીઓની ઈચ્છા પ્રમાણે ભારતે તેમને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી.

તો 1999માં જનરલ મુશર્રફે અટલજીની અમનની આશાની બસને કારગીલમાં યુદ્ધ કરીને ઠગારી બનાવી દીધી. ભારતીય સેનાએ કારગીલનું યુદ્ધ લગભગ 450 જવાનો અને અધિકારીઓના બલિદાનોથી જીત્યું. મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને ઈસ્લામાબાદની ગાદી કબજે કરી હતી. પાકિસ્તાનમાં મહંમદ અલી જિન્નાથી માંડીને હાલ નવાઝ શરીફ સુધીના આવેલા તમામ શાસકોની ભારત સામેની નફરતની નીતિમાં કોઈ ફેર પડયો નથી.

1971માં પૂર્વ પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશ બન્યા બાદ તેના માટે ભારતને જવાબદાર ગણીને પાકિસ્તાને પોતાની ભારત નીતિમાં બ્લિડ ઈન્ડિયા વિથ થાઉસન્ડ ક્ટ્સની નીતિ અપનાવી છે. જેના પરિણામે ભારતમાં ધાર્મિક આધારે પાકિસ્તાનની પાંચમી કતારિયા તરીકે કામ કરનારા તત્વોને તેમને ખુલ્લેઆમ ભાગલાવાદી માનસિકતા સાથે તૈયાર કર્યા અને બાદમાં ભારત સામે યુદ્ધ કરવા માટે તૈયાર કર્યા કે જેને આપણે ત્યાં આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે.

પાકિસ્તાને પંજાબમાં ખાલિસ્તાનવાદીઓને ઉશ્કેરી હથિયાર અને શરણસ્થાન આપીને ભારતમાં ભાગલાવાદી મનસૂબાઓ કામિયાબ કરવાની કોશિશ કરી. પંજાબમાં લાંબો સમય ખાલિસ્તાનવાદી આતંકવાદ ચાલ્યો. પણ શીખ અને હિંદુઓ વચ્ચેના સંબંધો અને ભારત માટેની શીખ સમુદાયના લોકોની અડગ નિષ્ઠાના પરિણામે પાકિસ્તાનનો પેંતરો કામિયાબ થઈ શક્યો નહીં.

પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામને આધાર બનાવીને યુવકોને ગેરમાર્ગે દોરીને ભાગલાવાદી માનસિકતાને આતંકવાદી સ્વરૂપ આપીને ભારત સામે હથિયાર ઉઠાવવા દુષ્પ્રેરણા આપી હતી. જમ્મુ-કાશ્મીર માટે લાળ ટપકાવતા પાકિસ્તાનના તમામ શાસકોએ અહીં ચાલતા આતંકવાદને આંચકાજનક રીતે આઝાદીની લડાઈ ગણાવીને તેને નૈતિક ટેકો આપવાની વાત વારંવાર કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નફ્ફટ ધાર્મિક આતંકવાદની નીતિને કારણે 1990માં ત્રણ લાખ જેટલા કાશ્મીર પંડિતોએ ખીણમાંથી પોતાના ઘરબાર છોડીને પોતાના આઝાદ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે અને આજે પણ તેમની પોતાના મૂળ સ્થાનો પર વાપસી થઈ શકી નથી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ સાથે પાકિસ્તાને ભારતમાં રહેલી પોતાની પાંચમી કતારને પણ સક્રિય બનાવી હતી. ભારતમાં રાજકીય પરિવર્તનોના તબક્કામાં ધર્મના નામે લઘુમતી સમુદાયના ચોક્કસ વર્ગને પાકિસ્તાન પ્રેરીત પાંચમી કતારિયા તત્વોએ ઉશ્કેરીને ઘણો મોટો બેઝ બનાવવામાં સફળતા મેળવી છે.
તો માફિયા નેટવર્કમાં લઘુમતી સમુદાયના લોકોના પ્રભાવનો ઉપયોગ કરીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરીને સેંકડો લોકોના જીવ લીધા હતા. આ સિલસિલો વત્તા ઓછા પ્રમાણમાં 21 વર્ષથી સતત ચાલતો રહ્યો છે. તેની પાકિસ્તાને ધાર્મિક આધારે કેટલાંક લોકોને ગેરમાર્ગે દોરીને જમ્મુ-કાશ્મીર સુધી સીમિત આતંકવાદને ભારતના મોટાભાગના મહત્વના શહેરો સુધી વિસ્તારી દીધો છે. છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા આતંકવાદમાં ભારતે 80 હજાર જેટલો નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓના જીવ ગુમાવ્યા છે.

પોરબંદર ખાતે પાકિસ્તાનના સંપર્કમાં રહેલી નૌકાનો ભારતીય કોસ્ટગાર્ડે પીછો કરતા પોતાની જાતે જ તેમાં રહેલા લોકોએ તેમાં વિસ્ફોટ કરતા ફરી એક વાર 2008ના મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટનાની કોશિશોની આશંકાઓ ચર્ચાઈ રહી છે. આવા સંજોગોમાં 2014માં 555થી વધારે વખત જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર શસ્ત્રવિરામ ભંગ કરી ચુકેલું પાકિસ્તાન કેટલી હદે નીચતા દેખાડી શકે છે, તે સ્પષ્ટ બની રહ્યું છે. આગામી સમયમાં પાકિસ્તાન ભારતની વિકાસયાત્રા રોકવા માટે ક્યાં પ્રકારના ઉબાડિયા કરી શકે છે, તેના પણ સ્પષ્ટ સંકેત મળે છે.

ત્યારે પાકિસ્તાનની આતંકવાદ સંદર્ભેની નીતિ સ્પષ્ટ છે. આતંકવાદ પાકિસ્તાનની ભારત સામેની વિદેશ નીતિનું સામરિક હથિયાર છે. બાંગ્લાદેશનો બદલો લેવાની રણનીતિના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના મામલાને હાથો બનાવીને ભારતમાં ભાંગફોડ કરવાની પાકિસ્તાનની નીતિને આપણે આતંકવાદ ગણીએ છીએ. તો કેટલાંક રાજનેતાઓ અને જાણકારો તેને પ્રોક્સી વોર ગણાવે છે.

પરંતુ પાકિસ્તાને પોતાના સામરિક હથિયારની ધાર એટલી તેજ કરી છે કે હવે તે આતંકવાદ અને પ્રોક્સી વોર ગણી શકાય તેવી સ્થિતિ રહી નથી. પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લા પ્રોત્સાહનને કોઈ સ્વીકારે કે નહીં, પણ તે ભારતના લોકો પર થોપી બેસાડવામાં આવેલું યુદ્ધ છે. પાકિસ્તાન એક એવું યુદ્ધ લડી રહ્યું છે કે તે ચાહે ત્યારે શરૂ કરે છે અને ચાહે તેટલો સમય ચલાવીને નિર્દોષોનું રક્તસ્નાન કરીને તેને બંધ કરી દે છે. આતંકનો લોહિયાળ ખેલ ખેલીને ભારતને ડરાવવાની કોશિશને પાકિસ્તાને પોતાની નીતિનો ભાગ બનાવી દીધો છે.

ત્રણ દાયકાથી આ યુદ્ધને ઓળખવામાં ભારતના પક્ષે મોટી ગફલત થઈ હોવાનો અનુભવ સામે આવી રહ્યો છે. પહેલા આતંકવાદને કાયદો-વ્યવસ્થાની સમસ્યા ગણવામાં આવી, પછી તેને રાજકીય-સામાજિક સમસ્યા ગણવામાં આવી, તો બાદમાં તેને પ્રોક્સી વોર ગણવામાં આવ્યું. પરંતુ પાણી હવે માથા પરથી પસાર થઈ રહ્યું છે. જેના પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ કહી છે તે જેહાદના નામે ભારત સામેને ઘોષિત યુદ્ધમાં પરિવર્તિત થઈ ચુક્યું છે. આતંકવાદી ઘટનાઓ બાદ કેટલાંક અણસમજ લોકો પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરીને શાંતિપાઠ કરવા લાગે છે. પરંતુ આવા સંજોગોમાં બીજી વખત પાકિસ્તાની વધુ બેફામ બનીને ભારતને રક્તરંજિત કરે છે. આવા સંજોગોમાં પાકિસ્તાન સામે જંગથી ડરનારા લોકોએ જાણી લેવું જોઈએ કે યુદ્ધ તો ચાલી રહ્યું છે અને તેને પાકિસ્તાન પોતાની મરજી પ્રમાણે લડી રહ્યું છે.

હવે ભારતે આ યુદ્ધને પોતાની મરજીથી ખતમ કરવું પડશે. તેના માટે પાકિસ્તાન દ્વારા ભારતમાં તૈયાર થયેલા આતંકના નેટવર્કને કચડી નાખવાની જરૂર છે. સાથે શાંતિ કે અમન કેટલું જરૂરી છે, તેનો પાકિસ્તાનને બોધપાઠ આપવા માટે વાતચીત સિવાયના વિકલ્પો પર અસરકારક રણનીતિક વ્યૂહરચના સાથે અમલ કરવો જરૂરી છે. યાદ રહે ભારત એવો દેશ છે કે જેની પાસે સેના છે. જ્યારે પાડોશી દેશની સ્થિતિ આનાથી બિલકુલ વિપરીત છે. સેના પાસે કોઈ દેશ હોય તો તે પાકિસ્તાન છે. “કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોર” પાકિસ્તાની મિલિટ્રી એકેડેમીના અભ્યાસક્રમમાં સામેલ છે. ઝીયા-ઉલ-હકના યુગથી શરૂ થયેલી કટ્ટરતા હવે પાકિસ્તાની સેનાનું જેહાદીકરણ કરી ચુકી છે.

આવા સંજોગોમાં પાકિસ્તાની સેનાના લોકલ કમાન્ડરો પણ તેમના કેન્દ્રીય કમાન્ડની નિર્દેશની જાણબહાર ઘણાં કાંડ કરી શકે તેવી શક્યતાઓની અણદેખી કરી શકાય તેમ નથી તો પાકિસ્તાની સેનાનું કેન્દ્રીય કમાન્ડ પણ ભારત વિરુદ્ધ ઝેરીલી નીતિઓ બનાવવામાં હંમેશા પોતાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે મળીને લાગેલું જ રહે છે. પાકિસ્તાની સબમરીન પર કબજો કરવાની કોશિશ બાદ ભારતે વધુ સાવધાન થવાની જરૂરિયાત છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારો તેના દાવા પ્રમાણે તેની સ્પેશ્યલ ફોર્સના હાથમાં સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર ભારત અને દુનિયા માટે ઘણું મોટું જોખમ છે. આવા સંજોગોમાં ભારતે પોતાની પરમાણુ નીતિની વસ્તુનિષ્ઠ સમીક્ષા કરવાની જરૂર છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોને ભારત સામે જોખમી બનતા અટકાવવા માટે વૈશ્વિક સહયોગથી કોઈ રણનીતિક વ્યૂહરચના દેશ સામેના સુરક્ષા પડકારોની સૌથી મોટી જરૂરિયાત છે.

પાકિસ્તાન તાલિબાની નેટવર્ક સામે પેશાવર હુમલા બાદ સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે. પરંતુ હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ જેવા ધર્મઝનૂનીઓને ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાનું ચાલુ રાખી રહ્યું છે. પાકિસ્તાન માટે તેના માટે જોખમી આતંકવાદીઓ બેડ ટેરેરિસ્ટ છે.. તો ભારતને રક્તરંજિત કરનારા આતંકવાદીઓ પાકિસ્તાન માટે ગુડ ટેરેરિસ્ટ છે. હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ સહીતના ભારત વિરોધી આતંકી જૂથોને પાકિસ્તાની સરકારનું સમર્થન છે.

આવા સંજોગોમાં એક એલર્ટથી બીજા એલર્ટની રાહ જોવાનું હવે ભારતના લોકોને ફાવે તેમ નથી. પાકિસ્તાનની સમસ્યાનો કાયમી ઉકેલ ભારતની વિદેશ નીતિની પ્રથમ જરૂરિયાત છે. ઈન્દિરા ગાંધીએ 1971માં એક હજાર વર્ષની સૌથી મોટી જીત ભારતને ભેંટ કરી. પરંતુ તેમણે પાકિસ્તાનની સમસ્યાને થોડા વર્ષો સુધી દબાવવામાં જરૂરથી સફળતા મેળવી પણ તેને સંપૂર્ણપણે ઉકેલી શકાઈ નથી. ભારતના લોકો પાસે તેમના પર પાકિસ્તાન દ્વારા થોપી બેસાડેલા યુદ્ધને જીતવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. આ યુદ્ધને જીતવા માટે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો યુદ્ધ લડો છો, તો જખમ પણ મળશે અને દર્દ પણ થશે. પરંતુ બલિદાન આપવાની તૈયારી યુદ્ધમાં દુશ્મન સામેની મારક ક્ષમતા વધારે છે. આવા સંજોગોમાં ભારતીય સૈન્ય દળોના નૈતિકબળને ઉચ્ચ કોટિ સુધી પહોંચાડવું અને તેને આધુનિક શસ્ત્રસરંજામથી સજ્જ કરવું પણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા હોવી જોઈએ. આતંકનો ખેલ ત્રણ દાયકાથી એક તરફી ચાલી રહ્યો છે. હવે વખત છે કે આતંકના આકાઓને પણ દહેશતના ખેલની અસર થવી જોઈએ. “ઝીરો ટેરર ટોલરન્સને ટેરેરાઈઝ્ડ ધ ટેરેરિસ્ટ્સ” સુધી લંબાવવાની જરૂર છે. તો ભારતના લોકોને પાકિસ્તાન પ્રેરીત પાંચમી કતારિયાને ઓળખવા અને તેનાથી સાવધ રહેવાની પરિપકવતા આપીને મિલિટન્સી સામે મિલિટ્રી એટીટ્યૂટ વિકસિત કરીને સૈનિક જેવી સજ્જતા પેદા કરવી જોઈએ.

1991 સુધી કોલ્ડવોરના સમયમાં અમેરિકા પાકિસ્તાન સાથે જેટલી મજબૂતાઈથી હતું તેટલી ગાઢ રીતે હવે તેની સાથે નથી. 2001ની વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાની ઘટના બાદ અમેરિકાને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પેદા થયેલા આતંકના નેટવર્કની પુરેપુરી જાણ છે. 2006માં પાકિસ્તાનના એબટાબાદમાં રહેતા આતંકના આકા શેતાન ઓસામા બિન લાદેનને અમેરિકી સીલ કમાન્ડોએ ઠાર કર્યો. ત્યાર બાદ અમેરિકા પાકિસ્તાનને પુરેપુરું ઓળખી ચુક્યું છે. રણનીતિક-કૂટનીતિક કારણોથી સ્પષ્ટતા સાથે હજી અમેરિકાએ કંઈ કહ્યું નથી. પરંતુ અમેરિકા ભારતની નજીક આવી રહ્યું છે.

સોવિયત સંઘના તૂટયા બાદ 1991થી ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં હકારાત્મકતા વધવા લાગી હતી. વાજપેયીની સરકારના કાર્યકાળથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ આગળ વધવા લાગ્યા હતા. 1998માં પરમાણુ પરીક્ષણો બાદ લગાવાયેલા પ્રતિબંધો 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના પખવાડિયામાં અમેરિકાએ ભારત પરથી હટાવી લીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોની ભારત મુલાકાતોની સંખ્યામાં છેલ્લા દોઢ દાયકામાં વધારો થયો છે. તો પ્રજાસત્તાક દિવસે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દિલ્હી ખાતેના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે.

દુનિયા પણ ઈસ્લામિક જગતમાંથી જેહાદના નામે પેદા થઈ રહેલા માનવતાના દુશ્મનોને હવે ઓળખવા લાગી છે. ત્યારે માનવતાની સુરક્ષા માટે વિશ્વ એકજૂટ બનવાની શરૂઆત થઈ ચુકી છે. આવા સંજોગોમાં ભારતની નવી સરકારે દેશની વિદેશ નીતિમાં ઘણું મોટું પરિવર્તન કર્યું છે. ભૂટાનથી શરૂ કરીને છેલ્લે નેપાળની સાર્ક સમિટ સુધીની વિદેશી નેતાઓની સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદના જોખમથી વિશ્વના નેતાઓને સાવધ કર્યા છે.

ભારત પોતાના પાડોશી દેશોને પોતાની સાથે લેવા માટેની રણનીતિ પર કામ કરી રહ્યું છે. તો મ્યાંમારથી માંડીને વિયતનામ અને જાપાન સુધીના દેશોમાં મિત્રતા વધારવા માટે હવે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવાની શરૂઆત કરી છે. ચીન સાથે પણ સાવધાનીપૂર્વક સંબંધો સીમા વિવાદના ઉકેલ સહીતની દિશામાં આગળ વધારવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાની કોશિશ થઈ રહી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો સહીત બ્રાઝિલ જેવા લેટિન અમેરિકન દેશ સાથે પણ ભારત પોતાના વિકાસ માટેની શક્યતાઓ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિનજોડાણવાદી નીતિથી સોવિયત સંઘ તરફ સરકવાની નીતિના યુગથી આગળ વધીને ભારત હવે એક ધ્રુવીય વિશ્વમાં અમેરિકા સાથે આંખથી આંખ મિલાવીને વૈશ્વિક મંચ પર કામ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. ચીન દ્વારા 1962માં મળેલા વિશ્વાસઘાત અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા થઈ રહેલી હરકતો મુદ્દે પણ સાવધાની સાથેની વિદેશ નીતિની આંતરરાષ્ટ્રીય મંચોમાં ઘણી મોટી ભૂમિકા રહેલી છે. જાણકારો પ્રમાણે, આમ તો કમજોરો કૂટનીતિ પર આધાર રાખતા હોય છે. પરંતુ જ્યાં સુધી વૈશ્વિક શક્તિ બનીએ નહીં ત્યાં સુધી ભારતે જમીન પર લશ્કરી શક્તિ વધારવાની સાથે કૂટનીતિ માટે વ્યૂહાત્મક વૈશ્વિક રણનીતિ પર પણ ઘણું કામ કરવું પડશે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વિદેશ નીતિ ખાડે ગયેલી હતી. ભારતના શ્રીલંકા, નેપાળ સહીતના નાનકડા પાડોશી દેશો પણ આંખો દેખાડતા હતા. તો પાકિસ્તાન, ચીન સહીતના દુનિયાના ખેલાડી દેશો પોતાના પ્રભાવને વધારવા આવા દેશોનો ઉપયોગ કરતા હતા. ત્રીસ વર્ષમાં દેશની વિદેશ નીતિના અધપતનનું કારણ ભારતમાં આવેલી ખિચડી સરકારો હોવાનું સ્પષ્ટ તારણ નીકળી રહ્યું છે.
નહેરુયુગમાં ચીન નીતિ પંડિતજીની લશ્કરી શક્તિની અવગણના કરીને કલ્પનાવિશ્વમાં રાચવાનું પરિણામ હતું. પરંતુ બિનજોડાણવાદી નીતિથી આગળ વધીને ભારતે અમેરિકા અને સોવિયત રશિયાની આજુબાજુ રચાયેલા દેશોના જમાવડાથી અલગ પોતાની ઓળખ ઉભી કરી હતી. 1971માં અમેરિકાની દાદાગીરી વચ્ચે પણ ભારતની વિદેશ નીતિની કમાલ હતી કે પાકિસ્તાનને ધોબીપછાડ આપવામાં કામિયાબી મળી હતી. તો સિયાચીનને પાકિસ્તાનના પ્રભાવમાંથી મુક્ત કરવું, મોલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકા સુધી પ્રભાવ વધારવા માટે સંસદમાં સ્પષ્ટ બહુમતી ધરાવતી મજબૂત નેતૃત્વ ધરાવતી સ્થિર સરકારો હતી. ત્રીસ વર્ષ બાદ ફરીથી દેશને સક્ષમ નેતૃત્વવાળી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર પ્રાપ્ત થઈ છે. ત્યારે ભારત વિદેશ નીતિના મોરચે આંતરીક રાજકીય દબાણોની પાર જઈને ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક અગ્રણી દેશની ભૂમિકામાં પહોંચાડી શકે છે.

ભારતને આર્થિક રીતે મજબૂત વિકસિત રાષ્ટ્ર બનવામાં યોગ્ય અને અસરકારક વિદેશ નીતિની મોટી ભૂમિકા રહેલી છે. પરંતુ ભારતની વિદેશ નીતિમાં પાકિસ્તાનની આતંકવાદી નીતિ એક મોટી અડચણ છે. પાકિસ્તાનથી શરૂ થયેલી આતંકવાદની વિદેશ નીતિ હવે ઈરાક-સીરિયા-અફઘાનિસ્તાન સહીતના ઈસ્લામિક જગતના આતંકી સંગઠનો સુધી વિસ્તારવામાં આવી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનની સેના, સરકાર સમર્થિત આતંકવાદને ખતમ કરીને તેના કાયમી ઉકેલની દિશામાં અસરકારક પગલા ઉઠાવવાની જરૂર છે. હવે ભારત પાકિસ્તાન પ્રેરીત દહેશતનો ખેલ બંધ થવો જોઈએ, તેના માટે બેખોફ બનેલા આતંકના સોદાગરોમાં ડર પેદા કરવો જરૂરી છે.

No comments:

Post a Comment