Sunday, November 15, 2015

સીરિયાના ગૃહયુદ્ધની સાઈડ ઈફેક્ટ યુરોપ પર ત્રાટકેલું શરણાર્થીઓનું સંકટ

સીરિયાને વિદેશી શક્તિઓએ ભેગા મળીને પોતાની સરસાઈ સાબિત કરવાનો અખાડો બનાવી દીધું છે. તો સુપરપાવરોના ટકરાવ વચ્ચે ઈરાન અને સાઉદી અરેબિયાની પ્રાદેશિક સ્તરે પ્રભાવ વધરવાની લડાઈ પણ તીવ્ર બની છે. જેના કારણે સીરિયા હવે શિયા-સુન્નીપંથીઓની સૌથી મોટી યુદ્ધભૂમિમાં તબ્દીલ થઈ ચુક્યું છે. પરંતુ અહીં લાગેલી આતંકની આગ દુનિયાને દઝાડી રહી હોવાથી હવે તે વૈશ્વિક પડકાર છે.

સીરિયાના ગૃહયુદ્ધને બીજા વિશ્વયુદ્ધના સૌથી મોટા માનવીય સંકટ ગણવામાં આવે છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેટલા જ લોકો ગુમ થયા છે અથવા ઈજાગ્રસ્ત બન્યા છે. તો બે કરોડ વીસ લાખ જેટલા લોકો નિરાશ્રિત બનીને દુનિયામાં ભટકીને દોઝખનો જીવતેજીવત અનુભવ કરી રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે સીરિયા ઈસ્લામિક જગતના સૌથી તીવ્ર ધાર્મિક મતભિન્નતાના શિયા-સુન્ની પંથી વર્ગવિગ્રહની સૌથી મોટી યુદ્ધભૂમિ પણ બની ચુક્યું છે. તેના પરિણામે મધ્ય-પૂર્વ એશિયાની સરહદો પર તેની ગંભીર અસર થઈ રહી છે અને વિશ્વમાં પણ આતંકવાદની આગ સીરિયાની સમસ્યા સાથે વધુ ભભૂકી ઉઠી છે. 

સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદે દેશમાં વિરોધને દબાવી દેવા માટે કરેલી કોશિશોએ પ્રાદેશિક ગૃહયુદ્ધને ભડકાવ્યું છે. સીરિયામાં હાલ ત્રણ અલગ-અલગ શક્તિઓનું વર્ચસ્વ છે. સીરિયાના પશ્ચિમ ભાગમાં અલાવાઈટ અને લઘુમતીના પ્રભાવવાળી અસદની સરકારની સત્તા છે. તેને ઈરાનિયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા તાલીમ પામેલા શિયા જૂથોનો ટેકો છે. સીરિયાના મધ્યભાગમાં સુન્ની મોડરેટ.. ઈસ્લામિક અને જેહાદી જૂથોનું વર્ચસ્વ છે. જેમાં આઈએસઆઈએસ અને અલકાયદા સાથે જોડાયેલા જમાત-અલ-નુસરાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં કુર્દીશ લોકોના પીપલ્સ પ્રોટેક્શન યુનિટ્સ એટલે કે વાયપીજી પશ્ચિમ કુર્દીસ્તાનના રોજાવા સુધીના ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું છે. 

ઘરવિહોણા થયેલા લોકો નજીકના દેશોમાં શરણ શોધતા હોય છે. તેનો ફાયદો પાડોશી દેશો પોતાના વંશીય એજન્ડાને આગળ વધારવા માટે કરતા હોય છે. તેના કારણે સીરિયાના સામાજિક તાણાવાણાંને તોડી રહ્યા છે. ઈરાન અને રશિયાના ટેકાથી અસદ હજી સુધી સત્તામાં ટકી રહ્યા છે. તો તુર્કી.. જોર્ડન.. સાઉદી અરેબિયા.. કતર અને યુએઈ સુન્નીપંથી બળવાખારો જૂથોને ટેકો આપી રહ્યા છે. જ્યારે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી વાયપીજીને સમર્થન આપી રહી છે. 

No comments:

Post a Comment