બુધવાર, 7 ઑક્ટોબર, 2026

પં. દીનદયાલ દિગ્વિજય દિગ્દર્શન-4: જાતિવાદ એક રોગ છે, હિંદુસ્થાનને હિંદુસ્થાન રહેવા દો

- આનંદ શુક્લ

ભારતમાં જ્ઞાતિ-જાતિવાદ સમાજની રગ-રગમાં ફેલાયેલો છે. તેનો ફાયદો ભૂતકાળમાં આક્રમણખોરોએ ઉઠાવ્યો હતો અને હવે સ્વતંત્રતા બાદ રાજકારણમાં સત્તા સાધકો વારંવાર ઉઠાવી રહ્યા છે. ભારતની લોકશાહીને ટોળાશાહીમાં બદલી નાખવામાં આવ્યું છે. મત સમીકરણોના આધારે મોટું ટોળું ઉભું કરીને જીતી જવું પછી ફલે તે વોટ 50 ટકાથી પણ ઓછા હોય. આ ભારતીય રાજકારણની સ્વતંત્રતા પછીની તાસિર રહી છે. આવી રીતે 50 ટકાથી ઓછા વોટથી થતી ઉમેદવારોની જીત કે કોઈ પક્ષની જીત હંમેશા ભારતમાં અલ્પમત કે લઘુમતની સરકારને જ સત્તા સોંપતી રહી છે. હા, જીતનાર સૌથી વધુ વોટ મેળવે છે. પરંતુ તેને મળેલા કુલ વોટ કુલ મતદારો કે થયેલા વોટિંગના 50 ટકાથી મોટાભાગે ઓછા જ હોય છે. આ લોકશાહીને વધુ મજબૂત અને તાર્કિક બનાવનારી સ્થિતિ નથી. વોટ જોડવા જેવી રીતે જાતિવાદ ચલાવાય છે, તેવી રીતે વોટ તોડવા માટે મત સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પણ ઉભા રાખવામાં આવે છે. 


ભારતમાં જાતિગત વસ્તીગણતરી એટલે કે કાસ્ટ સેન્સસ ચાલી રહ્યો છે અને તેના આંકડા સંભવત 2027ના મધ્ય સુધીમાં દેશ-દુનિયાની સામે હશે. 1931 બાદ બીજીવાર કાસ્ટ સેન્સસ થઈ રહ્યો છે. 1931માં આઝાદી પહેલા અને હવે આઝાદી બાદ જાતિગત વસ્તીગણતરી થઈ રહી છે. આ દરમિયાન ઘણાં ઉત્તરપ્રદેશ, ગુજરાતથી માંડીને મોટાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં જાતિવાદી રાજકારણનો લિટમસ ટેસ્ટ પણ થવાનો છે અને આ ચૂંટણીઓ હિંદુત્વવાદી રાજનીતિ માટે એક અગ્નિપરીક્ષા હશે. આની ફાઈનલ 2029ની લોકસભાની ચૂંટણીમાં યોજાશે. 


વસ્તી આધારે અનામત આપવાની માગણી કરીને 50 ટકા મહત્તમ અનામતની સુપ્રીમ કોર્ટે બાંધેલી મર્યાદાથી વધુ અનામત આપવાની માગણી પણ વિવિધ રાજકીય પક્ષો કરી રહ્યા છે. 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જાતિવાદને રોગ ગણાવ્યો હતો અને તેમણે આના સંદર્ભે સ્પષ્ટ મત કર્યો હતો કે જાતિના આધારે રાજનીતિ યોગ્ય નથી. દુર્ભાગ્યે સ્વતંત્રતા પછી રાજનીતિમાં જાતિવાદનો ઉપયોગ બેફામપણે શરૂ થઈ ચુક્યો હતો. રાજકીય પક્ષોએ જાતિઆધારે વોટ માંગવાનું શરૂ કર્યું હતું અને આવી રાજકીય વૃત્તિ-પ્રવૃત્તિ, રાજકીય કુરીતિ સુધી વિસ્તરી છે. 


એક તરફ 1980ના દાયકામાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજનના કાર્યક્રમો સરકારોએ ચલાવ્યા. જેમાં ખાસ કરીને હિંદુ સમુદાય અને તેમાં પણ હિંદુઓની જનરલ કેટેગરીમાં આવતી જાતિઓમાં તેનો સૌથી વધુ પ્રસાર થયો. તેની અસર 1981થી માંડીને 2011 સુધીના સેન્સસમાં જોવા મળી છે. કોરોનાના કારણે 2021નો સેન્સસ થઈ શક્યો નહીં અને હવે હા-ના કરતાં કરતાં વિપક્ષના દબાણ હેઠળ 1931 બાદ આપણા દેશમાં પહેલીવાર જાતિગત વસ્તીગણતરી થઈ રહી છે. 


પં. દીનદયાલ ઉપાધ્યાયે વર્ષો પહેલા દેશના લોકો અને રાજકીય પક્ષોના નીતિ-નિર્ધારકોને સાવધ કર્યા હતા કે જાતિ અને સંપ્રદાયના વિચાર પણ ઉમેદાવારોની પસંદગીને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. કોંગ્રેસ તો આ કીચડમાં સંપૂર્ણપણે ફસાયેલી છે, પરંતુ વિરોધી દળોના પાલવ પણ સંપૂર્ણપણે સાફ નથી. (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


આનું કારણ સમજાવતા એકાત્મ માનવવાદના પ્રણેતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે પક્ષોનું વ્યાપક ન હોવું અને સુદ્રઢ સંગઠનાત્મક માળખાનો અભાવ પણ આનું કારણ છે. પરંતુ જાતિવાદની માત્ર ટીકા કરતાથી કામ નહીં ચાલે, જે માત્ર આમ કરે છે, તેઓ ખરેખર તેને વધારવામાં જ વધારે મદદગાર થયા છે.  (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


જાતિવાદ ભારતીય સમાજની હકીકત છે અને તેને કોઈ અવગણી શકે તેમ નથી. આને લઈને પં. દીનદયાલે કહ્યુ હતુ કે ભારતમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ જાતિનું અંગ છે. માટે બીજા પક્ષો પર જાતિવાદ અને સંકુચિતતાના આરોપ લગાવવાથી અજાણતા જ દેશમાં આ ભાવનને પરોક્ષપણે વધુ બળ મળે છે. (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


જાતિવાદનો સહારો લઈને મત માગનારાઓની ચૂંટણીમાં હારની ઘટનાને ટાંકીને તેમણે કહ્યુ હતુ કે અનુભવ પણ એ જણાવે છે કે જે ઉમેદાવરોએ જાતિવાદનો સહારો લઈને મતોની ભીખ માંગી, તે ખરાબ રીતે પરાજિત થયા, કારણ કે બીજી જાતિના મતદાતાઓમાં આની વિરુદ્ધ વ્યાપક પ્રતિક્રિયા થઈ અને તે તેમની વિરુદ્ધ થઈ ગયા. (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ઉમેદવારોની પસંદગીને લઈને પોતાનો સ્પષ્ટ મત રજૂ કરતા કહ્યુ હતુ કે ઉમેદવાર નક્કી કરતી વખતે જાતિવાદનું આ ભૂત રાજકીય પક્ષોને ઘણું અસર કરે છે. પરંતુ જો ઉમેદવારમાં અન્ય તમામ યોગ્યતા વિદ્યમાન છે, તો હું એ વાતની ચિંતા કરવાને જરૂરી સમજતો નથી કે ઉમેદવાર કઈ જાતિ વિશેષનો છે. (પૃષ્ઠ ક્રમાંક 59-60, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


ડૉ. રામમનોહર લોહિયા એક દિગ્ગજ સમાજવાદી નેતા હતા અને તેમને એક ચૂંટણીમાં પોતાનો મતવિસ્તાર એટલા માટે બદલવો પડયો હતો, કારણ કે ત્યાં તેમની જ્ઞાતિના મતદાતાઓની સંખ્યા ઓછી હતી. ડૉ. લોહિયા ખુદ જાતિવાદમાં માનતા ન હતા. તેની સાથે તેઓ પછાત વર્ગ અને જાતિઓના લોકો માટે 60 ટકા બેઠકો સુરક્ષિત કરવાની માગણી પણ કરતા હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આને ટાંકતા કહ્યુ હતુ કે ભારતમાં તે (ઉમેદવાર) જાતિ વગરનો વ્યક્તિ હોઈ શકે નહીં. પરંતુ જો પરિસ્થિતિ ત્યાં સુધી વણસે છે કે ડૉ. રામમનોહર લોહિયા જેવા વ્યક્તિને ચૂંટણીના મેદાનમાંથી એટલા માટે હટવું પડે કે તે સંબંધિત મતવિસ્તારમાં રહેતા મતદાતાઓની બહુમતી જેટલા નથી, તો આ ગંભીર વાત હશે. (પૃષ્ઠ-60, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આનું નિરાકરણ કરવાનો ઉપાય આપતા એમ પણ કહ્યુ કે પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં આવે, ન કે જાતિના આધારે મતદાતાઓને અપીલ કરવામાં આવે, જેવું કે સોશયલિસ્ટ નેતા ડૉ. લોહિયા પછાત વર્ગ અને જાતિઓના લોકો માટે 60 ટકા બેઠકો સુરક્ષિત કરવાની માગણી કરતા કરી રહ્યા છે. (પૃષ્ઠ ક્રમાંક-60, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


આ સિવાય ઉમેદવારોની પસંદગીમાં આર્થિક સ્થિતિ અને ચૂંટણીમાં ખર્ચ કરવાની ક્ષમતા બીજો મુખ્ય આધાર રહ્યો છે અને તે આને પ્રભાવિત કરે છે. આવા લોકોની વાત કરતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે ખરેખરમાં તેઓ (ધનબળ ધરાવનારા) જનતા અને રાજકીય પક્ષો પાસેથી તેમના મત અને ટિકિટ મેળવવા માટે આવતા નથી, પરંતુ તે ખરીદવા આવે છે. તેથી તેમના માટે કોઈપણ કિંમત ચુકવવી તેમના માટે વધારે નથી હોતી. સંસદની સદસ્યતા તેમના માટે પોતાની ચરબી વધારવા અને વધુ જાડા થવાનું સાધન હોવાને કારણ એક વેપાર છે. (પૃષ્ઠ ક્રમાંક - 60,દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016) )


ચૂંટણીમાં વિદ્વાન અને પ્રામાણિક લોકો ચૂંટણી હારી જવાને પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાય યોગ્ય માનતા ન હતા. મતદાતાઓને તેમનો આગ્રહ હતો કે ઉમેદવારોને ચૂંટતી વખતે પહેલા સિદ્ધાંત, પછી પાર્ટી, પછી વ્યક્તિનો ક્રમ રહે. આચાર્ય કૃપલાની અને આચાર્ય નરેન્દ્ર દેવ તથા ડૉ. બી. આર. આંબેડકર જેવા દિગ્ગજ અને વિદ્વાનોને પણ ચૂંટણી હારવાનો વારો આવ્યો હતો. 

આ તમામ નેતાઓ અન્ય પક્ષોના હોવા છતાં દીનદયાલજી ઈચ્છતા હતા કે સારા દેશભક્ત કાર્યકર્તાઓ ચાહે તે કોઈપણ પક્ષના કેમ ન હોય, વિજયી થઈને આગળ આવવા જોઈએ. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જનસંઘના સંસ્થાપક સદસ્ય હોવા છતાં પણ ફૂલપુરની લોકસભા બેઠક પરથી ડૉ. રામમનોહર લોહિયા અને ઉત્તર મુંબઈથી આચાર્ય કૃપલાનીને જીતાડવા માટે જનસંઘના કાર્યકર્તાઓને તેમની ચૂંટણીમાં કામે લગાડયા હતા. 


ધનિક વર્ગના વધતાં પ્રભાવથી પણ પંડિત દીનદયાલજીએ જનતાને સાવધ કરતા કહ્યુ હતુ કે જો સમયસર આ તરફ ધ્યાન આપવામાં નહીં આવે, તો દેશની ધારાસભાઓમાં આ ધનિક વર્ગ પોતાનો પ્રભાવ વધારી લેશે અને આ સ્થિતિમાં હવે કોઈપણ સમસ્યા પર નિર્ણય રાષ્ટ્રીય હિતો અથવા લોકકલ્યાણના આધાર પર ભાગ્યે જ ક્યારેક થઈ શકશે. (પૃષ્ઠ ક્રમાંક - 60,61, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


પંડિત દીનદયાલ ઉપાધ્યાયની આ ચેતવણી 2026ના વર્ષમાં આપણે સાચી લાગે તેના પણ કારણો છે. દેશની ધારાસભાઓમાં જનપ્રતિનિધિઓમાં મોટાભાગના ધનાઢય છે અને પોતપોતાના વ્યાપારિક હિતો પણ ધરાવનારા છે. આ સાથે ઉત્તરોત્તર વધી રહેલા ચૂંટણી ખર્ચ જેમાં સત્તાવાર અને બિનસત્તાવાર ખર્ચ સામેલ છે, તે પણ દર્શાવે છે કે મની પાવર લોકશાહીનું ચીરહરણ કરી રહ્યો છે. 


પંડિત દીનદયાલજીએ હાકલ કરી હતી કે માટે એ રાજકીય પક્ષોએ જે દેશની રાજનીતિમાં મુખ્ય પક્ષ તરીકે વિકસિત થવા માંગે છે, આ ખતરાથી સચેત રહીને પોતાના સિદ્ધાંતોની હત્યા કરવી ન જોઈએ. (પૃષ્ઠ ક્રમાંક-61, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


જનતા કે જે લોકશાહીની માલિક છે, તેમને હાકલ કરતા પં. દીનદયાલે દિગ્વિજય દિગ્દર્શન કરતા કહ્યુ કે જનતાની પણ ફરજ છે કે તે જાગૃત રહીને બુદ્ધિમતા સાથે હંસની જેમ નીર-ક્ષીર વિવેકો પરિચય આપે, જેનાથી દેશના રાજકીય પક્ષોના ખોટા દ્રષ્ટિકોણને સુધારી શકાય. જો સમાજ ચાહે છે કે તેને કોઈ ઝુકાવી શકે નહીં, તો તે પોતાની શક્તિનો પરિચય આપે. (પૃષ્ઠ ક્રમાંક-61, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


આપણે નાના હતા ત્યારે બધાંએ એક વાર્તા વાંચી હશે કે સાંભળી હશે. એક વૃદ્ધ પોતાની મરણ પથારીએ હતો. ત્યારે તેના ચાર પુત્રો કે જેમની વચ્ચે હંમેશા વિવાદ રહેતો હતો, તેમને પોતાની પાસે બોલાવીને દરેકને એક-એક લાકડી તોડવા માટે આપી. ચારેય પુત્રોએ તેને આસાનીથી તોડી આપી. પછી વૃદ્ધે આ લાકડીની સંખ્યા તબક્કાવાર વધારી, તો લાકડીઓ તૂટવી અઘરી બની અને પછી તેને તોડી શકાય નહીં. આ વૃદ્ધનો સંદેશ સ્પષ્ટ હતો કે એકતામાં જ શક્તિ છે. વિભાજિત થશો તો તૂટી જશો. ભારત કોઈ જનરલ, ઓબીસી, એસસી-એસટી સમુદાયોનો આગવો દેશ નથી. પણ આ જનરલ, ઓબીસી, એસસી-એસટી જેઓ હિંદુ તરીકે ઓળખાય છે અને જે હિંદુ છે, તેમનું સ્થાન છે- આ હિંદુસ્થાન છે. 

આમ તો હિંદુ રાષ્ટ્રવાચક શબ્દ છે અને તેને સંપ્રદાયવાચક તરીકે વાપરવામાં આવે છે. પણ ભારતનો રાષ્ટ્ર તરીકે, તેની પરંપરાઓ અને સંસ્કૃતિના પ્રવાહનો આદર કરનારા તમામ હિંદુઓ છે. સર્વે હિંદુ સહોદરા (સૌ હિંદુઓ એકબીજાના ભાઈ છે) અને હિંદુ ન પતિતો ભવેત (કોઈપણ હિંદુ પતિત નથી), એ સૂત્રો ભારતના રાષ્ટ્રીય જીવનના યથાર્થ છે. તેને વ્યવહારમાં લાવીને રાજકારણના આંટાપાટામાં જાતિવાદી રાજનીતિમાં એક-એક લાકડી બનવાને સ્થાને, જો હિંદુ તરીકે આપણે એક થઈશું તો આપણને કોઈ તોડી નહીં શકે. માટે જ હિંદુસ્થાનને હિંદુસ્થાન રહેવા દઈને તેને વિકાસપથના સર્વોચ્ચ શિખર પર લઈ જવા માટેના વાહક બનવા તરફ ધ્યાન કેન્દ્રીત કરીને આપણને, આપણા દેશને તોડવા મથતા દેશની અંદર અને બહારના, રાજકીય કે સામાજિક કીડાઓનો સંપૂર્ણ પરાભવ કરીએ, તેમને હરાવી દઈએ. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો