યુવાન ઊર્જાપુંજ, શક્તિપુંજ અને યુવાનો એટલે શક્તિ, ઊર્જાનો ધગધગતો-ધસમસતો લાવા. વિશ્વમાં કોઈપણ પરિવર્તન કે ક્રાંતિ યુવાનોની મદદ વગર શક્ય બની નથી અને બનવાની નથી. જગતની કોઈપણ ક્રાંતિકારી ઘટના લઈ લો કે પુરાતન કાળથી અત્યાર સુધીના કોઈપણ યુદ્ધોને જોઈ લો. યુવાન વગર તે ક્રાંતિકારી ઘટના ક્યારેય ઘટી નથી કે પુરાતન કાળના કોઈપણ યુદ્ધો યુવાનો વગર તેમના જોમ અને જુસ્સા વગર ક્યારેય જીતાયા નથી. વૃદ્ધો વિચાર આપી શકે છે, જ્યારે યુવાનો વિચારને અમલમાં મૂકીને આમૂલ પરિવર્તન આણી શકે છે. જો કે યુવાનોમાં જેટલો જોશ હોય છે, તેટલો તેમનામાં હોશ હોવાની ઘટનાઓ બહુ ઓછી છે. જેના કારણે વિશ્વમાં દરેક ઠેકાણે યુવાનોને હાથો બનાવીને તેમના ભવિષ્ય સાથે ચેડાં કરીને જે-તે દેશના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ કામ આગળ પણ થતાં રહેવાના છે.
ભારતના યુગપુરુષ ગણાતાં રાજકારણીઓથી માંડીને દેશના ટાંચા રાજકારણીઓ સુધીના કોઈ આમાંથી બાકાત રહ્યાં નથી. દેશની આઝાદીની ચળવળમાં ગાંધીજી જેવા દેશહિતચિંતક રાજકારણીએ વિદ્યાર્થીઓ અને યુવાનોનો આંદોલનોમાં ઉપયોગ કર્યો હતો. ત્યારે મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ચેતવ્યા હતા કે યુવાનોને તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન કોલેજોમાંથી બહાર કાઢશો, શાળાઓમાંથી બહાર કાઢશો, તો શાળા-કોલેજોમાં ભણશે કોણ? જો કોઈ ભણશે નહીં તો તેમની અને દેશી યુગાનુકૂળ પ્રગતિ કેમ કરીને થશે? વિદ્યાર્થીકાળમાં યુવાનો એક વખત શાળા-કોલેજની બહાર નીકળી જશે, તેઓ કેમે કરીને પાછા પોતાના શૈક્ષણિક સંસ્થાનોમાં જશે નહીં. આવી પરિસ્થિતિમાં દેશના શિક્ષણ અને તેની અછતમાં વિકાસની દુર્દશા જ થશે. આઝાદી પ્રાપ્ત કર્યા બાદ એટલે કે કોંગ્રેસ સંસ્થાનો રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો હેતુ સર્યા પછી તેના નેતાઓએ યુવાનોને ફરીથી શાળા-કોલેજોમાં જતાં રહેવા કહ્યું હતું. પણ યુવાનોને પોતાના તરફે ઉપયોગ કરનારા રાજકારણીઓએ તેમ થતું અટકાવ્યું.
દેશની તમામ રાજકીય સંસ્થાઓ અને પક્ષોએ વિદ્યાર્થી સંગઠનો એટલે કે સ્ટુડન્ટ યુનિયન બનાવીને પોતાના રાજકીય એજન્ડાને જોશભેર આગળ વધારીને પૂરજોર રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન વ્યવસ્થિત રીતે આદર્યો છે. જેના કારણે રાજકીય ચક્રવ્યૂહમાં વિદ્યાર્થીકાળમાં ભણતરના બોજ તળે દબાઈ રહેલો કિશોર-યુવાન રૂપી અભિમન્યુ રાજકીય મહાભારતના મહારથીઓના હાથે અનીતિથી હણાય છે. પણ કોને ચિંતા છે? સૌને પોતપાતાના રાજકીય એજન્ડા આગળ વધારવાનો રસ છે, પોતપોતાના રાજકીય હિસાબોના તાળા મેળવવામાં રસ છે. અરે! પોતાના યુવાન પુત્ર કે પુત્રીને રાજકીય વારસાની સોંપણી માટે યુવાનો રૂપી ચમચાંઓની ફોજ વારસામાં આપવા માટે રાજકારણીઓ તૈયાર છે. તો કેટલાંક યુવાન રાજકારણીઓ પોતાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવા માટે યુવાનોને રાજકારણમાં આવવાનું આહ્વાન કરી રહ્યાં છે, તેમને રાજકીય કમાન સોંપવાની પેરવી કરી રહ્યાં છે. જેના કારણે તેમને વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે પ્રધાન બનવાના રસ્તાઓ ખુલી જાય.
કોંગ્રેસના મહાસચિવ યુવાન છે. હજી માંડ પાંત્રીસીએ પહોંચ્યા છે. ગાંધી નહેરુ પરિવારના સીધા રાજકીય વારસ છે. જેના કારણે કોંગ્રેસમાં પરિવારવાદી માનસિકતા ધરાવનારા લોકો કે જેઓ સોનિયા ગાંધીને વડાપ્રધાન પદે બેસાડવામાં નિષ્ફળ ગયા છે, તેઓ હવે રાહુલ ગાંધીના નામે રાજકીય સોગઠાં રમી રહ્યાં છે. રાજકીય ચોપાટ પર આવા ખેલ ખેલનારાઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂનસિંહ કે દિગ્વિજય સિંહને રાહુલ ગાંધી કોંગ્રેસના કોઈપણ નેતા કરતા વડાપ્રધાન પદ માટેના સૌથી યોગ્ય ઉમેદવાર લાગ્યા હતા. તેમને અને આવા અન્ય કોંગ્રેસી નેતાઓને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીમાં પીએમ મટિરીયલ દેખાયું હતું. જો કે પરિવારવાદના વિવાદ અને વમળના કળણમાંથી બચવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ વિવાદ પર પડદો પાડીને અમેઠીના યુવા સાંસદ રાહુલ ગાંધીને જમીની સ્તરે કામ કરવા માટેનો આદેશ કર્યો છે. જો કે દલિતો અને શોષિતો વચ્ચે કામ કરી રહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ માટે યુવા બ્રિગેડ તૈયાર કરી રહ્યાં છે. કોંગ્રેસમાં વધારેમાં વધારે યુવાનો સામેલ થાય તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે અવારનવાર કહ્યું છે કે યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. આ સંદર્ભે થતાં તેમના નિવેદનો સ્પષ્ટ કરે છે કે તેઓ તેમની ગાંધી-નહેરુ પરિવારના વારિસથી અન્ય એક યુવા નેતા હોવાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવાની તમામ કવાયત કરી રહ્યાં છે. કોંગ્રેસના ક્ષત્રપો તેના માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યાં છે. રાહુલ ગાંધી માટે યુનિવર્સિટીઝમાં યુવાનો સાથેની બેઠકો યોજી રહ્યાં છે. તો તેની સામેના ભાજપ જેવા રાજકીય સંગઠનો પોતાની યુવાપાંખ એબીવીપીનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારે જે-તે જગ્યાના પ્રભાવી રાજકીય પક્ષો જવાબ આપે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.
આ સમગ્ર ઘટના ક્રમ દર્શાવે છે કે દેશના રાજકારણીઓ યુવાનો પર, યુવાનોના નામે રાજકારણ રમી રહ્યાં છે. પરંતુ આ રાજકારણ યુવાનો માટેનું નથી, તે પણ દિવા જેવું સ્પષ્ટ છે. કોલેજમાંથી ઉત્તીર્ણ થયેલો યુવાન રાજકારણમાં કઈ ભૂમિકાને માટે ઉપલબ્ધ બની શકે તેમ છે? માંડ ગધ્ધાંપચ્ચીસીમાં દાખલ થયેલા યુવાન માટે રાજકારણીઓ વેઠિયાગીરીથી વધારે મોટી કોઈ ભૂમિકા આપી શકે તેમ છે? કારણ કે યુવાનોની વાત કરતી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાને સામાન્ય ઘરના યુવાનોને મોટા પદો કે સાંસદ તરીકેની ટિકીટોની વહેંચણી કરવામાં આવી નથી. જો કે કેટલાંક પીઢ કોંગ્રેસી રાજકારણીઓ અને વરિષ્ઠ દિવંગત કોંગ્રેસી નેતાઓના પુત્રોને સાંસદ તરીકેની ટિકીટો આપીને ચૂંટણી લડાવવામાં આવી છે. તેઓમાંથી મોટાભાગના યુવા સાંસદો ચૂંટણી જીતી ગયા છે. તેમને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ પદો પણ મળ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કે સચીન પાયલોટ જેવા સાંસદો કોંગ્રેસના આવા પોસ્ટર બોય છે. રાહુલ ગાંધી તો કોંગ્રેસના આવા યુવા સાંસદોના રોલ મોડલ છે. ત્યારે સામાન્ય ઘરના યુવાનો માટે આવા રાજકારણીઓ કોઈ મોટી ભૂમિકા રાખી શકશે, તે બાબતે શંકા યથાયોગ્ય છે. સામે પક્ષે ભાજપ જેવા પક્ષો પણ યુવાનોને પોતાના રાજકીય એજન્ડા અને સત્તાસુખ મેળવવાના પેંતરામાં પ્યાદાં બનાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં છે. તેમની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાસે બાંગ્લાદેશી ઘૂસણખોર વિરોધી આંદોલનો સહિતના મોટા આંદોલનો માટે અને રાજકીય ગરમાવા માટે ઉપયોગ કર્યો છે. હજી પણ તેમનો ઉપયોગ થવાનો છે. માર્કસવાદી પક્ષો પણ આવી પ્રવૃતિઓમાંથી બાકાત નથી. જેનએનયુ અને દિલ્હી યુનિવર્સિટી સહિતની દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ યુવાનોના નામે પોતાના રાજકીય આટાંપાટા રમનારા પક્ષોની રાજકીય રમતોના સંકુલ સમાન દેખાઈ રહી છે.
ત્યારે યુવાનોએ સ્પષ્ટ નિર્દેશ રેખા દોરવી પડશે કે તેમના નામે રમાતા રાજકારણમાં તેઓ રાજકીય વેઠિયા બનતા કઈ રીતે બચે? આમ તો આઝાદી કાળથી આંદોલનમાં વ્યસ્ત ભારતીય યુવાનની બુદ્ધિનો સમગ્રતાથી વિકાસ કર્યા વગર જ તેને 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તેના પર બહુ મોટી જવાબદારી નાખી દીધી છે. ત્યારે યુવાનો પર રાજકારણ રમનારા તમામ રાજકીય પક્ષોએ યુવાનો માટે તેમના ઉત્કર્ષ માટે રાજકારણ કરવુ જોઈતું હતું. તેમણે યુવાનોને રાજકીય રીતે શિક્ષિત કરવા જોઈતા હતા કે જેથી તે તેની ત્રીસી કે ચાલીસીમાં રાજકારણમાં દેશહિત, જનહિતના મુદ્દાઓ સાથે પ્રવેશી શકે. આજે ભણતરના ભાર તળે દબાઈ રહેલા કિશારો અને બેકારીના દાવાનળમાં બળતા યુવાનો આપઘાતના રવાડે ચઢી ગયા છે. દેશના યુવાવર્ગનું આ વલણ સંકેત આપે છે કે ઓલ ઈઝ નોટ વેલ. પણ રાજકારણીઓને માટે તો યુવાનો એક પ્યાદાં છે. દેશમાં છેલ્લા કેટલાંક સમયથી દેશમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ કથળેલી છે. યોગ્ય યુવાનો પોતાના સારા ભવિષ્ય માટે દેશ બહાર યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઈ રહ્યાં છે. જેના કારણે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આપણા દેશના યોગ્ય યુવાનોને વંશવાદી હુમલાનો ભોગ બનીને પણ ત્યાં રહેવું પડે છે. તો તેની સામે ઉજ્જવળ ભવિષ્ય ન ભાસતા કિશોરો માતાપિતા અને પોતાની મહત્વકાંક્ષાના ભાર તળે આવી જઈને આત્મહત્યાનો માર્ગ પકડે છે.
ત્યારે દેશના રાજકારણીએ જવાબ આપવો પડશે કે દેશમાં આઈઆઈએમ અને આઈઆઈટીની સંખ્યા બમણી કેમ નથી થતી? જો દેશના યોગ્ય યુવાનો પરદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવામાં સફળ થતાં હોય તો તેઓ ઘરઆંગણે સુવિધાઓ આપવાથી સફળ થઈ શકે છે. દેશમાં તબીબી ક્ષેત્રે પણ વિપુલ તકો રહેલી છે. દેશમાં ઔદ્યોગિક વિકાસ અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક વિકાસ માટે પણ વિપુલ તકો થઈ પડેલી છે. પણ આ તકો અવસરમાં બદલાતા બદલાતા રહી જાય છે. કારણ શું હોઈ શકે? કારણ માત્ર એટલું જ હોઈ શકે કે આઝાદી અને કટોકટીકાળના આંદોલનો કે આસુ જેવા વિદ્યાર્થી સંગઠનો બનાવીને આ દેશના યુવાનને તેની અંદર ઉલજાવી રાખવામાં આવ્યો છે. સૌથી મોટા, સૌથી વધારે સભ્યો ધરાવતા આંદોલનોના દાવાઓ કરીને યુવાનોને રાજકીય રીતે ભરમાવવામાં આવી રહ્યાં છે. તેમને અભ્યાસથી વંચિત રાખવાનું કૃત્ય જોરશોરથી કરાઈ રહ્યું છે. ત્યારે જે દેશમાં વિદ્યાર્થીઓ યુવા અવસ્થા સુધીમાં સફળતાપૂર્વક અભ્યાસ કરીને દેશની ઉન્નતિમાં સક્ષમ બનવામાં ઉણાં ઉતરતા હોય અને આ કામ દેશના યુગપુરુષ ગણાતા રાજકારણીઓથી માંડીને ટાંચા અને ટૂંકા રાજકારણીઓ દ્વારા થતું હોય, તો તે દેશની ઉન્નતિમાં અડચણો આવવાની જ છે. આપણી સાથે આઝાદ થયેલા દેશોના દાખલા લઈએ તો સિંગાપુર, મલેશિયા કે ચીનના યુવાનો એટલી બધી ઉલઝનભરી સ્થિતિમાં બહુ ઓછી વખત આવ્યા છે. જેના કારણે આ દેશો વિકાસના મામલે આપણા કરતા કોસો આગળ છે. જ્યારે આપણે હજી પણ વિકાસના મામલે દ્રઢતાથી આગળ વધી શકયા નથી. આપણે આ માટે ક્યારેય આત્મનિરીક્ષણ કર્યું નથી. આપણે પરદેશ જતા યુવાધનને દેશમાં સહુલિયત આપવાનું ક્યારેય પ્રામાણિકતાથી વિચાર્યું નથી. જેના કારણે દેશની પ્રગતિની ગાડી પાટાં પર ચઢી નથી, એક સાંધો ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ છે.
રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીના કરિશ્માથી અંજાઈને પોતાનો અભ્યાસ કરવાની જગ્યાએ તેમની રાહ જોતા યુવાન છોકરાં-છોકરીઓને જોતા લાગે છે કે દેશનું ઉજળું ભાવિ ઉજળું રહ્યું નથી. યુવાનોનો વ્યથામાં છે, ત્યારે તેમને જરૂર છે. તેમના હિતનું વિચારનાર તેમને માર્ગદર્શન આપનારા નેતાની. એવા નેતાની કે જે તેમને શિખવાડે કે રાજકારણમાં હાથા બનતા કઈ રીતે અટકી શકે છે ? રાજકારણમાં દાખલ થવાની તૈયારી કેવી રીતે કરાય? રાજકારણમાં દેશહિત અને જનહિત કઈ રીતે સધાય? ભારતના યુવાનો ઈચ્છે છે, યુવાનોના નેતા નહીં કે યુવાનેતા? કોઈ પાર્ટીના નેતાઓની સરેરાશ ઉંમર પરથી તે પાર્ટી યુવા હોવાની સાબિતી મળશે નહીં. કોઈ પાર્ટીની કમાન યુવા નેતૃ્ત્વના હાથમાં સોંપી દેવાથી તે પાર્ટી યુવાન ગણાશે નહીં. કે કોઈ પાર્ટીના પીઢ દિવંગત નેતાઓના યુવાન પુત્ર-પુત્રીઓને સત્તા સોંપવા માત્રથી જે-તે પક્ષ યુવાન થવાનો નથી. યુવાનોનો પક્ષ તો એ હશે કે જે યુવાનોને દેશહિંત અને જનહિંતનું માર્ગદર્શન આપે. યુવાનોને દેશનું નેતૃત્વ લેવા માટે સક્ષમ બનાવે. જે પક્ષના આચાર,વિચાર, નીતિ-નિર્દેશો અને માનસિકતા યુવાનો માટેની હોય તે પક્ષ અને તેવા નેતા જ યુવાનોના નેતા બની શકે. બાકી તો બધા યુવાનોના નામે રાજકારણ રમનારા યુવા નેતા જ રહી જવાના!!!
બુધવાર, 3 ફેબ્રુઆરી, 2010
જરૂર છે, યુવાનોના નેતાની...નહીં કે યુવાનેતાની!!!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો