શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2010

મઝહબી અનામતનું ખતરનાક રાજકારણ

આ દેશના વિકાસમાં જો કોઈ રાજકીય બાબત અડચણરૂપ બની હોય, તો તે છે વોટબેંકનું રાજકારણ. આઝાદી બાદ સદીઓથી શોષિત દલિત વર્ગોને અને વંચિત જનજાતિય સમાજને સામાજિક-રાજકીય અધિકાર સ્વરૂપે બંધારણના ઘડવૈયાઓએ અનામતની વ્યવસ્થા કરી આપી હતી. જો કે અસ્તિત્વનું રાજકારણ ખેલતા રાજકારણીઓએ અનામતના મુદ્દાને જાતિવાદી રાજકારણનું મ્હોરું બનાવીને પોતાના રાજકીય રોટલા શેકવાનું સાધન બનાવ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ બદલાઈ છે અને જાતિવાદી રાજકારણમાં ઘણાં પ્રતિસ્પર્ધીઓ ઉભા થઈ ચૂક્યા છે, ત્યારે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓની થોક વોટબેંકને પોતાના તરફે કરવા ધર્મ આધારિત અનામતના મંડાણ થઈ ચૂક્યા છે. સચ્ચર સમિતિના અહેવાલ અને ત્યાર બાદ રંગનાથ મિશ્રના અનામત સંબંધી અહેવાલ બાદ મુસ્લિમ અને લઘુમતી અનામતનો ખેલ કોંગ્રેસ તથા ડાબેરીઓ જોરશોરથી એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા ખેલી રહ્યાં છે. જે દિવસે આંધ્રપ્રદેશની હાઈકોર્ટે આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકારનો મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ચાર ટકા અનામત આપતો અધિનિયમ ગેરમાન્ય ઠેરવ્યો હતો, તે જ દિવસે ડાબેરીઓના ગઢ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રાજ્યમાં મુસ્લિમોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.
જે રંગનાથ મિશ્ર અહેવાલને આધાર બનાવીને પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારે મુસ્લિમોને દસ ટકા અનામતની જાહેરાત કરી છે, તે સંસદમાં માત્ર રજૂ થયો છે. રંગનાથ મિશ્ર અહેવાલ પર સંસદમાં ચર્ચા થઈ નથી કે આમ રાય બંધાઈ નથી. આ અહેવાલ પર "એકશન ટેકન રિપોર્ટ" રજૂ થયો નથી કે તેની જોગાવાઈઓએ કાયદાનું સ્વરૂપ લીધું નથી. ત્યારે પશ્ચિમ બંગાળમાં રંગનાથ મિશ્ર અહેવાલને અમલી બનાવવાની કવાયત દાળમાં કંઈક કાળું હોવાનું સૂચવી રહી છે. પશ્ચિમ બંગાળની કુલ વસ્તીમાં 25 ટકા મુસ્લિમો છે. સચ્ચર સમિતિના અહેવાલ પ્રમાણે, તેમની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં વધારે પ્રમાણમાં ખરાબ છે. આમ તો પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારોને મુસ્લિમ તરફી ગણાવવામાં આવતી હતી. જો કે સચ્ચર સમિતિના તારણોએ આ માન્યતાને ખોટી ઠેરવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રીસ વર્ષથી ડાબેરીઓ સત્તા પર છે. જેના કારણે પશ્ચિમ બંગાળના મુસ્લિમોની બદહાલી માટે રાજ્યની ડાબેરી સરકાર વધારે પ્રમાણમાં જવાબદાર છે. કોંગ્રેસે ડાબેરી સરકારને ખુલ્લી પાડીને રાજકીય બઢત હાસિલ કરી છે. ત્યારે ડાબેરીઓએ પણ રંગનાથ મિશ્ર અહેવાલ પર મુસ્લિમ અનામતના રાજકારણના મંડાણ કર્યા છે. પશ્ચિમ બંગાળમાં મે-જૂન માસમાં કોલકત્તા અને અન્ય 82 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓને 2011ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા લિટમસ ટેસ્ટની જેમ જોવાઈ રહી છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ડાબેરીઓને મુસ્લિમ અનામતની જાહેરાતથી લાભ થયેલો દેખાશે, તો તેઓ વિધાનસભા ચૂંટણીઓ પહેલા કોઈ નવું તિકડમ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અનામત જેવા મુદ્દા પર ચૂંટણી સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં કોઈપણ નિર્ણય કરવો ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલા દેશમાં તિરાડો ઉભી કરવા જેવો છે. અનામત સાથે જોડાયેલી સંવેદનશીલતાને અને પોતાના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રંગનાથ મિશ્ર અહેવાલની ભલામણોનો અમલ કરવાની દિશામાં ઢીલ કરી રહી છે. પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રંગનાથ મિશ્ર અહેવાલની ભલામણોની આડ લઈને મુસ્લિમો વચ્ચે પાર્ટીની ઘટતી શાખને બચાવવા માટે અનામતનો રાજકીય દાવ ખેલ્યો છે. તેઓ એ વાત સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની સંમતિ વગર આ પહેલ આગળ વધી શકે તેમ નથી અને તે અદાલતમાં કાયદાની કસોટીઓ પણ પાર કરી શકે તેમ નથી.
મુસ્લિમોને અનામત આપવાની જે તત્પરતા અને રીત-ભાત અપનાવવામાં આવી છે તેને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ઉજાગર કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં હાઈકોર્ટે ત્રણ વાર કોંગ્રેસની સરકારોની ટીકા કરી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના મુસ્લિમ અનામત સંબંધિત અધિનિયમને રદ્દબાતલ કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય ત્રણ કારણોથી મહત્વપૂર્ણ છે. પહેલું, તેણે અનામતની મર્યાદામાં પછાત મુસ્લિમોને લાવવાની જોગવાઈને મતાંતરણને પ્રોત્સાહિત કરનારો વિચાર ગણાવ્યો છે. તેને બંધારણનું ઉલ્લંઘન ઘોષિત કર્યો છે. બીજું, કોર્ટે મુસલમાન અને અન્ય વર્ગોને પરિભાષિત કરવામાં અધિનિયમને નબળો ગણાવ્યો છે. હાઈકોર્ટ પ્રમાણે અન્ય મુસ્લિમ વર્ગોનું નિર્ધારણ જે પ્રકારે થયું છે, તેના માટે કોઈ ઠોસ સામાજિક-આર્થિક માપદંડો નથી. અને ત્રીજુ, ન્યાયમૂર્તિ ટી. મીનાકુમારીએ સ્પષ્ટપણે માન્યું છે કે જે પછાત પંચે કથિત પછાત મુસ્લિમ જાતિઓને અનામત આપવાની વાત કરી છે, તે વાસ્તવિક તથ્યો અને આંકડાઓ પર આધારિત નથી. વળી ભારતનું બંધારણ ધાર્મિક આધારે અનામતનો નિષેધ કરે છે. સુપ્રિમ કોર્ટે વારંવાર કહ્યું છે કે અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારી શકાય નહીં. ત્યારે રંગનાથ મિશ્ર અહેવાલનું આટલું મહત્વ શા માટે દર્શાવાય રહ્યું છે? શું આ પંચને આધાર બનાવીને દેશના રાજકારણીઓને બંધારણની વ્યવસ્થાની વિપરીત જવાની છૂટ પ્રાપ્ત છે?
આ સંદર્ભે કોઈ ઠોસ નિર્ણય દેશની સુપ્રિમ કોર્ટે અને જનતાજનાર્દને ટૂંક સમયમાં કરવો જ પડશે. નહીંતર રાજકારણીઓની બંદરબાટમાંથી દેશને બચાવી શકાશે નહીં. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને કહ્યું છે કે "સચ્ચર સમિતિએ જાણ્યું છે કે મુસ્લિમ વસ્તીની સામાજિક-આર્થિક સ્થિતિ ભારતની અનુસૂચિત જનજાતિઓ સમાન છે. તેને જોતાં સુપ્રિમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી પચાસ ટકાની મર્યાદાને વધારવી યોગ્ય ગણાશે. કારણ કે મંડળ પંચે પછાત જાતિઓ માટે 52 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે તેમને આપવામાં આવે છે, 27.5 ટકા અનામત. જેના કારણે 50 ટકા અનામતની મર્યાદા વ્યવહારિક નથી." રામ વિલાસ પાસવાન જેવા નેતાઓ મુસ્લિમ અનામતની તરફેણ તો કરે છે, પણ તેમના પછાત જાતિઓ અંતર્ગત અનામતની તરફેણ કરતા નથી. આવા રાજકારણીઓએ મુસ્લિમોને અનામત આપવા માટે 50 ટકાના મહત્તમ અનામતની મર્યાદામાં વધારો કરવાની માગણી કરીને પોતાના રાજકીય અસ્તિત્વને વિસ્તારવા નવી રાજરમતના મંડાણ કરી દીધા છે. મુસ્લિમ દ્રવિડ મુનેત્ર કઝગમના ઈબ્રૈસ મુહમ્મદે કહ્યું છે કે "આપણે દેશને એક કોર્પોરેટ કંપનીની જેમ જોવો જોઈએ. આ ગણતરી પ્રમાણે મુસ્લિમોના પંદર ટકા શેર આ કંપનીમાં થાય છે." ભારતને એક રાષ્ટ્રની જગ્યાએ જમીનના ટુકડા તરીકે જોનારા મુસ્લિમોની આવી જ માનસિકતા રહી છે. જેના કારણે ભારતના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે ટુકડા થયા છે. દેશને કોર્પોરેટ કંપની તરીકે જોવાની વાત કરનારા આવા મુસ્લિમ નેતાઓ એ પણ બતાવી દે કે આ દેશના ટુકડા કરવામાં અને આ દેશને બરબાદ કરવામાં મુસ્લિમોનો શેર કેટલો છે? સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશનના સચિવ શાહનવાઝ અનામતને મુસ્લિમોનો હક ગણાવી રહ્યાં છે. તેઓ કહે છે કે "મુસલમાનોને અનામત ભીખમાં નથી જોતું. તે મુસ્લિમોનો હક છે. અમારા માટે અનામત કોઈ ખેરાત નથી. મુસ્લિમ આ દેશના 23 ટકા છે. (સેન્સસ રિપોર્ટ પ્રમાણે મુસ્લિમો દેશના 13.26 ટકા) જેમાંથી 10 ટકાને અનામતની જરૂરત નથી. પણ બાકીના 12 ટકા મુસ્લિમોને નોકરીમાં અનામતની જરૂર છે. દસ ટકા અનામત ઓછું છે અને 15 ટકા અનામત વધારે લાગે છે. માટે 12 ટકા અનામતની માગણી કરીએ છીએ." આ મુસ્લિમ નેતાઓની માનસિકતા છે. તેમને ધર્મ આધારિત અનામત જોઈએ છે અને રંગનાથ મિશ્ર અહેવાલમાં અપાયેલા અનામતની જોગાવાઈઓથી ખુશ પણ નથી.
દેશમાં "મુસ્લિમ અનામત માટે રાષ્ટ્રીય આંદોલન" નામની સંસ્થાનો જન્મ થઈ ચૂક્યો છે. સૈયદ શાહબુદ્દીન તેના સંયોજક છે. જ્યારે સચ્ચર સમિતિના સભ્યો સૈયદ હામિદ અને સભ્ય સચિવ અબુદસલેહ શરીફ પણ સંયોજન સમિતિમાં છે. સચ્ચર સમિતિના ચરિત્રને સમજવા માટે આનાથી વધારે સારું ઉદાહરણ ઓર શું હોઈ શકે? હાલમાં ચાલી રહેલા મુસ્લિમ અનામતના રાજકારણ પાછળ વોટબેંક સબળ કારણ છે. આઝાદી પછી દેશમાં કોંગ્રેસે દલિત-જનજાતિય અને પછાત વર્ગીય અનામતનું રાજકારણ ચલાવ્યું હતું. જો કે રામજન્મભૂમિ આંદોલન બાદ દલિતો મોટી સંખ્યામાં ભાજપ તરફ વળ્યા હતા. જેના કારણે આજે પણ એસસી અને એસટી બેઠકો પરથી સૌથી વધારે ભાજપના સાંસદો ચૂંટાયેલા છે. તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના ઉદય પછી ઉત્તરપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં દલિત વોટ કોંગ્રેસથી દૂર થયા છે. બહુજન સમાજ પાર્ટીએ દેશના દલિતોના સારા એવા પ્રમાણમાં મતો મેળવ્યા છે. કોંગ્રેસને તેના કુલ મતોમાંથી 67માં 41.4 ટકા દલિત મતો, 71માં 41.2 ટકા દલિત મતો, 80માં 50.5 ટકા દલિત મતો, 96માં 31.6 ટકા દલિત મતો, 98માં 29.6 ટકા દલિત મતો, જ્યારે 2009માં 27.1 ટકા દલિત મતો મળ્યા છે. આમ કોંગ્રેસની રાજકીય જમીન ધોવાઈ રહી છે. આ જ પરિસ્થિતિ એસટી અને ઓબીસી મતોમાં પણ સર્જાઈ રહી છે. જેના કારણે કોંગ્રેસને દલિત, જનજતિય અને ઓબીસી રાજકારણમાં ઓછો રસ રહ્યો છે. જો કે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી દલિતોને આકર્ષવા માટે દલિતોના ઘરે ભોજન કરવાની પદ્ધતિ અપનાવી છે. જો કે તેઓ વોટબેંકના રાજકારણથી પર રહીને આમ કરતાં હોય, તો તે આવકાર્ય છે.
બાબરી ધ્વંસ પછી દૂર થયેલા મુસ્લિમ વોટોને નજીક લાવવા માટે કોંગ્રેસ સચ્ચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચ જેવા તિકડમો કરી રહી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓના આંકડા જોઈએ, તો કોંગ્રેસનો મુસ્લિમ પ્રેમ સમજાય તેવી બાબત છે. કોંગ્રેસને તેના કુલ મતોમાંથી 96માં 32 ટકા મુસ્લિમ મતો મળ્યા, 98માં 32 ટકા મુસ્લિમ મતો મળ્યા, 99માં 40 ટકા મુસ્લિમ મતો મળ્યા, 2004માં 36 ટકા મુસ્લિમ મતો મળ્યા અને 2009ની ચૂંટણીમાં 38 ટકા મુસ્લિમ મતો મળ્યા છે. જ્યારે ડાબેરીઓને તેમના કુલ મતોના 96માં 13 ટકા મુસ્લિમ મતો મળ્યા, 98માં 8 ટકા મુસ્લિમ મતો મળ્યા, 99માં 10 ટકા મુસ્લિમ મતો મળ્યા, 2004માં 9 ટકા મુસ્લિમ મતો મળ્યા અને 2009માં 12 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. જ્યારે પોતાના કુલ મતોમાંથી 96માં 25 ટકા મુસ્લિમ મતો મેળવનારી સમાજવાદી પાર્ટીને 2009માં 10 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. જો કે એસપી અને બહુજન સમાજ પાર્ટીના ઉદયે ઉત્તરપ્રદેશમાંથી કોંગ્રેસને દલિત-મુસ્લિમ અને યાદવ મતોથી વંચિત રાખીને લાંબા સમય સુધી દેશવટો આપ્યો હતો. પણ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ મુસ્લિમ વોટના મોટા ફાયદા થકી સુધરી છે. બાબરી ધ્વંસ પછી મુસ્લિમોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસને મુસ્લિમ અનામતના રાજકારણથી મોટી સફળતાઓ મળી રહી છે. મુસ્લિમ સંગઠનોએ 99ની ચૂંટણીઓથી મુસ્લિમ અનામતની માગણી કરી હતી. થોકબંધ વોટબેંકને જોઈને કોંગ્રેસે આ સંદર્ભે મુસ્લિમ નેતાગીરી સાથે ખાનગી વાતચીત કરી હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. 2004માં સત્તા પર આવેલી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સચ્ચર સમિતિ બનાવી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચ બનાવીને મુસ્લિમ અનામતનું કાર્ડ રમવામાં આવ્યું છે. સચ્ચરની ભલામણો રાજકીય હતી, તો પણ તેના પર અમલીકરણ ચાલી રહ્યું છે. રંગનાથ પંચનો રિપોર્ટ અલગતાવાદી હોવા છતાં તેના અમલની દિશામાં કેન્દ્ર અને ડાબેરીઓ આગળ વધી રહ્યાં છે. જો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશ્ર્વ સામાજિક સ્થિતિ રિપોર્ટ-2010 પ્રમાણે ભારતમાં દલિતોની સ્થિતિ ખરાબ છે. ત્યારે દલિતો, ઓબીસી અને જનજાતિયોના હકોમાં ભાગ પડાવતી રંગનાથ મિશ્ર પંચની ભલામણોના આધારે મુસ્લિમ અનામત શા માટે? પચાસ ટકાની સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલી અનામતના વધારાની માગણી શા માટે? દેશના વિભાજન માટે કારણભૂત ધાર્મિક આધારે અનામતની વ્યવસ્થાના જીનને બોટલમાંથી બહાર કાઢવાનું કારણ શું છે? માત્ર મુસ્લિમોના થોકબંધ વોટ માટે કે અન્ય કોઈ કારણ છે.
અત્રે પ્રશ્ન એ છે કે જે સેક્યુલર હોવાનો દાવો કરી રહી છે, દેશના બંધારણને માનવાનો અને અનુસરવાનો દાવો કરી રહી છે , તેવી કોંગ્રેસ પાર્ટી ધર્મના આધારે અનામતની વાત કરી રહી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે ધર્મના આધારે કોઈપણ રીતભાતથી દાખલ કરાયેલું અનામત બંધારણીય ભાવનાથી વિરુદ્ધ છે. ત્યારે તેઓ બંધારણીય ભાવનાઓ વિરુદ્ધ અને સેક્યુલારિઝમના સિદ્ધાંતો વિરુદ્ધ ધર્મ આધારિત અનામત માત્ર વોટબેંકની લાલચમાં દાખલ કરીને દેશને ફરીથી 1947 પહેલાના રસ્તે શા માટે લઈ જઈ રહ્યાં છે? સેક્યુલારિઝમના ગાણાં ગાનાર અને દેશના બંધારણની ભાવના વિરુદ્ધ વર્તનારાઓએ યાદ રાખવું જોઈએ કે દેશ છે, તો તેમનું અસ્તિત્વ છે. દેશ છે, તો બધું જ છે. માટે દેશમાં વૈમનસ્ય અને અલગાવ ઉભો કરનારી પ્રવૃતિથી આવા તત્વો દૂર રહે , તે જરૂરી છે.
ધર્મને અફીણ ગણાવતા ડાબેરીઓ પોતાની વિચારધારાને અવગણીને ધર્મના નામે અનામત દાખલ કરી રહ્યાં છે. તેમણે કેરળમાં મુસ્લિમોને શિક્ષણમાં 10 ટકા અનામત અને નોકરીઓમાં 12 ટકા અનામત અને ખ્રિસ્તીઓને શિક્ષણમાં 2 ટકા અનામત અને નોકરીઓમાં 4 ટકા અનામત આપેલું છે. તેઓ જ પશ્ચિમ બંગાળમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા દસ ટકા અનામતની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે દુનિયાને "હેવ્ઝ" અને "હેવ્ઝ નોટ"માં વિભાજીત કરનારા અને આર્થિક બાબતોને જરૂર કરતાં વધારે પ્રાધાન્ય આપનારા ડાબેરીઓને ખબર હોવી જોઈએ કે પશ્ચિમ બંગાળમાં 23 ટકા દલિતો મુસ્લિમો કરતાં ખરાબ સ્થિતિમાં જીવી રહ્યાં છે. મુસ્લિમો કરતાં વધારે દબાયેલા, કચડાયેલા, શોષિત અને વંચિતો હિંદુ સમાજમાં છે. તો શું તેમના તરફ તેઓ હિંદુ હોવાના કારણે પૂરતુ ધ્યાન અપાતું નથી? શું સામાજિક, આર્થિક સ્તર ઊંચુ આવે તે માટે મુસ્લિમ હોવું જ પ્રાથમિક યોગ્યતા છે? ડાબેરીઓ આવા હિંદુ સમાજના વર્ગો માટે કઈ યોજનાઓ અને જોગવાઈઓ કરી રહ્યાં છે? તે પણ જણાવે. જેથી દેશને ખબર પડે કે હિંદુસ્થાનમાં હિંદુ હોવાનું કેટલું કપરું બનાવી દીધું છે , આ વોટબેંકના ઠેકેદારોએ.
વળી અનામતની વ્યવસ્થા ઈસ્લામની મૂળ વિચારધારાથી પણ વિરુદ્ધ છે. કુરાને શરીફ મુસ્લિમો વચ્ચે કોઈપણ પ્રકારના ફરકને અનુમોદન આપતું નથી. કુરાને શરીફના જાણકારો પ્રમાણે, તમામ મુસલમાન સમાન છે. કુરાને દુનિયાને મુસ્લિમો અને ગેરમુસ્લિમો વચ્ચે વહેંચી છે. એટલે જે ફરક છે, તે મુસ્લિમો અને ગેર મુસ્લિમો વચ્ચે છે. મુસ્લિમો વચ્ચે કોઈ ભેદભાવ નથી. વળી તેઓના ઉલેમાઓ ગાઈવગાડીને કહે છે કે મુસ્લિમોમાં જાતિપ્રથા બિલકુલ નથી. ત્યારે મુસ્લિમોને જાતિ આધારિત વર્ગોમાં વહેંચીને અનામત કઈ રીતે આપી શકાય? જે મુસ્લિમો કુરાને શરીફ અને મુસ્લિમ કાયદાની દુહાઈ દઈને વંદેમાતરમ જેવા નિર્દોષ ગીતને ઈસ્લામ વિરોધી ગણાવતા હોય. તેઓ અનામતની માગણી કરે અને તે સ્વીકારે તેને શું કહેવાય? આનો જવાબ વાચકો જ વિચારે કે આ મુસ્લિમોનું તકવાદીપણું છે કે બીજું કંઈ?
વળી ભારતમાં મુસ્લિમ અનામતની વાત કરનારા બતાવે કે ક્યાં દેશો હિંદુઓને ધર્મના આધારે અનામત આપે છે અને કેટલું આપે છે? પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ અને બૌદ્ધોને કેટલું અનામત આપવામાં આવે છે? તેમની પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ છે?
દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે ભારત વિભાજન કરાવીને 24 ટકા મુસ્લિમો માટે 25 ટકા ભૂભાગ "હોમલેન્ડ" તરીકે "રિઝર્વેશન"માં મેળવનારા મુસ્લિમો સ્વતંત્ર ભારતમાં ધર્મના આધારે અનામત મેળવવા માટે કેટલા યોગ્ય છે? સ્વતંત્ર ભારતમાં આવું ઘર્મને નામે અનામત આપવાનું કોઈપણ પગલું દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત અને મુસ્લિમ ઉપરાષ્ટ્રવાદી પ્રવૃતિને સજીવ કરવા સમાન હશે. થોડા ફ્લેશબેકમાં જઈએ તો ખબર પડશે કે અત્યારનું રાજકારણ કેટલું ખતરનાક છે? 1909માં બ્રિટિશરોએ મુસ્લિમોને ધારાસભાઓમાં અનામત બેઠકો આપી હતી. 1926માં મુસ્લિમો માટે "સેપરેટ ઈલેકટોરેટ" અને 24 ટકા મુસ્લિમો માટે સનદી સેવાઓમાં 25 ટકા અનામત આપ્યું હતું. જેનાથી મુસ્લિમોની વધેલી તાકાતના પરિણામે મુસ્લિમ લીગે 1940માં પાકિસ્તાન પ્રસ્તાવ પારિત કર્યો હતો. 1946માં પાકિસ્તાનની માગણી મનાવડાવવા માટે "સીધી કાર્યવાહી"ના નામે હિંદુઓની દેશભરમાં પોતાના પ્રભાવી ક્ષેત્રોમાં કત્લેઆમ કરાવી હતી. જેના કારણે 1947માં ગાંધી, કોંગ્રેસ અને અન્ય રાષ્ટ્રવાદી નેતાઓએ મન મારીને પાકિસ્તાનની માગણી સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા. આજે પણ ઈતિહાસમાંથી કંઈ ન શીખેલા ભારતીય રાજકારણીઓ ફરીથી ઈતિહાસની ભૂલોને પુનરાવર્તિત કરીને એ જ મુસ્લિમ જોહુકમીનો ઈતિહાસ ફરી લખી અને લખાવી રહ્યાં છે.
ત્યારે હિંદુ સમાજે એક થવાની અને ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપતી કોઈપણ જોગવાઈનો ન્યાયિક, રાજકીય તેમ જ તમામ સ્તરે વિરોધ કરવો પડશે. હિંદુઓનો પ્રચંડ વિરોધ અને પ્રબળ હિંદુ નેતાગીરી રાજકીય ક્ષેત્રમાં હિંદુ હિતની વાત કરતાં કતરાતા રાજકીય નેતાઓની શાન ઠેકાણે લાવે તે જરૂરી છે. હિંદુ દલિતો અને મુસ્લિમ તથા અન્ય લઘુમતીઓ પાછળ છેલ્લા દસ વર્ષમાં ફાળવાયેલા નાણાંની ગણતરી હિંદુ સમાજ અને આ દેશના લોકો સામે મૂકવામાં આવે. જેનાથી લોકો તેમની અવગણનાને જોઈ શકે અને આવી અવગણનારા કરનારાઓ પાસે તેનો જવાબ માગી શકે. માત્ર મુસ્લિમોના "ફીફટીન પોઈન્ટ પ્રોગ્રામ"ની વાત કરીએ તો તેની પાછળ સરકાર હજારો કરોડ રૂપિયા ખરચી રહી છે. ત્યારે આ દેશમાં સૌથી વધારે "ટેક્સ પે" કરનારા સમાજને જાણવાનો અધિકાર છે કે જ્યારે ધર્મ આધારિત પરિભાષામાં વાત થતી હોય, ત્યારે તેમના ધર્મના શોષિત અને વંચિતોના ઉત્થાન માટે સરકાર કેટલા નાણાં ખરચી રહી છે? તેમના માટે કઈ વ્યવસ્થા કરી રહી છે? જે વ્યવસ્થા થઈ રહી છે, તે તેના સમાજના ભોગે તો નથી થઈ રહીને? ? ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો