બુધવાર, 24 ફેબ્રુઆરી, 2010
બજેટસત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ:એક પ્રતિકાત્મક અનુષ્ઠાન
છેલ્લા કેટલાંક સમયથી બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ એક પ્રતિકાત્મક અનુષ્ઠાન બનીને રહી ગયું છે. સરકારના કાર્યક્રમો સંદર્ભે રાષ્ટ્રપતિ અભિભાષણમાં બૈદ્ધિક ઉત્તેજના અને ભાવનાત્મક વિશ્વાસ પેદા થવો જોઈએ. જો કે આ વખતે પણ દર વખતની જેમ રાષ્ટ્રપતિ અભિભાષણ પ્રતિકાત્મક અનુષ્ઠાન બનીને રહી ગયું. દેશ અત્યારે નક્સલવાદ, મોંઘવારી અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ રૂપી મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ અભિભાષણમાં તેનો બેશક ઉલ્લેખ છે. પણ આ સમસ્યાઓનો ઉકેલ ક્યારે અને કેવી રીતે મેળવવામાં આવશે, તેનો વિશ્વાસ અપાવવામાં અભિભાષણ કામિયાબ નીવડયું નથી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કડક શબ્દોમાં નકસલવાદીઓની આલોચના અવશ્ય કરી છે, પણ એવું લાગે છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીના દબાણને કારણે સરકાર નકસલવાદીઓ વિરુદ્ધ પોતાની નીતિઓને ફરી એક વાર નિર્ણાયક રૂપથી પરિભાષિત કરવામાં સંકોચમાં પડી છે. તેવી જ રીતે અભિભાષણમાં કહેવામાં આવ્યું છે કે તેમની સરકાર ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને નિયંત્રણમાં લાવવા માટે વચનબદ્ધ છે અને આમ આદમીને રાહત પહોંચાડવાના ઉપાયોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવમાં આવી રહી છે. પણ બજારમાં ખાદ્યાન્નોની વધી રહેલી અનિયંત્રિત કિંમતો કંઈક બીજી જ બાબત તરફ અંગુલિનિર્દેશ કરી રહી છે. ખાદ્યાન્નોની કિંમતોની મોંઘવારીનો દર 19 ટકાની આસપાસ પહોંચ્યો છે. ત્યારે ફક્ત 20 રૂપિયા રોજ પર જીવન ગુજારનારા 77 ટકા લોકોનું જીવન બેહદ કઠિન થઈ ગયું છે. એ સાચું છે કે મંદીની અસર છતાં આપણો આર્થિક વિકાસ દર 7.5 ટકા પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે મોંઘવારીને કારણે દુષ્કર બનેલા આમ આદમીના જીવનને કારણે સમાજના નીચલા સ્તરને દેખાતી આર્થિક સમૃદ્ધિનો લાભ મળ્યો નથી. પાકિસ્તાન સરકાર સાથે વાતચીતના મામલે પણ સરકાર પોતાની ઘોષિત નીતિઓ પર કાયમ રહેવામાં વિફળ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાંક વખતથી ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ભારત વિરોધી સંમેલનો કરી રહ્યાં છે અને ભારત વિરુદ્ધ ધમકીભરી ભાષામાં ઝેર ઓકી રહ્યાં છે. તેમ છતાં સરકારને સાર્થક સંવાદની આશા છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમના અભિભાષણમાં પાકિસ્તાન આતંકવાદને રોકે તો સાર્થક સંવાદની આશા વ્યક્ત કરી છે. ભારત પાકિસ્તાનના વિદેશ સચિવોની વાતચીતના બરોબર પહેલા તથાકથિત તાલિબાનોએ 34 દિવસ પહેલા અપહ્રત કરાયેલા બે શીખોની નૃસંશ હત્યા કરી છે. જેની જવાબદારીમાંથી પાકિસ્તાન સરકાર બચી શકે તેમ નથી. આ તમામ બાબતોને જોતા રાષ્ટ્રપતિના અભિભાષણમાં જે ધાર અને ત્વરા હોવી જોઈએ તેનો સર્વથા અભાવ જોવા મળ્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો