બુધવાર, 24 ફેબ્રુઆરી, 2010

નક્સલીઓની સંઘર્ષવિરામની પેશકશ!!!

માઓવાદી કમાન્ડર કિશનજીએ કેન્દ્ર સરકાર સામે ઓપરેશન ગ્રીન હન્ટ રોકવામાં આવે તો 72 દિવસના સંઘર્ષ વિરામની પેશકશ કરી છે. જો કે આ પેશકશના 12 કલાકમાં જ નક્સલીઓએ પશ્ચિમ બંગાળમાં પોલીસ પર શક્તિશાળી હુમલો કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે નક્સલીઓની શરતોના આધારે વાતચીત કરવાની માગણી ફગાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્સલીઓને સંઘર્ષ વિરામ સંદર્ભે ફેક્સ દ્વારા લેખિતમાં જાણ કરવા માટે જણાવ્યું છે. જેના કારણે એક તો નક્સલીઓના 25 કરતાં વધારે શીર્ષસ્થ નેતાઓ કે કમાન્ડરો છે. આ નેતાઓમાં એકમત હોવાની કોઈ સંભાવના દેખાતી નથી. કારણ કે કિશનજીના નિવેદન બાદ 12 કલાકમાં જ નક્સલીઓએ પશ્ચિમ બંગાળમાં પોલીસ પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે સવાલ ઉભો થાય છે કે સંઘર્ષ વિરામના પ્રસ્તાવમાં સફેદ ઝંડો લહેરાવાનો હોય કે બંદૂક અથવા બોમ્બના ધડાકા કરીને નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવાના હોય. અત્રે ઉલ્લેખનીય છે કે હથિયાર હેઠાં મૂકયાના 72 કલાકમાં વાતચીતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પેશકશનો જવાબ આપતા માઓવાદીઓ ઓપરેશન ગ્રીન હન્ટ રોકવાની શરતે 72 દિવસના યુદ્ધ વિરામની પેશકશ બંદૂકો અને બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે કરી રહ્યાં છે. તેમનો હેતુ સ્પષ્ટ છે કે તેઓ ઓપરેશન ગ્રીન હન્ટથી બચવા માગે છે અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાંથી કેન્દ્રીય સુરક્ષાદળોને બહાર મોકલીને પોતાનો પ્રભાવ જાળવી રાખવા માગે છે. છેલ્લા કેટલાંક સમયથી છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં નક્સલાવાદીઓનો કાળોકેર ચાલુ જ છે. વળી કેટલાક બુદ્ધિજીવીઓનો તર્ક છે કે અલ્પ વિકાસના કારણે નકસલવાદી પ્રવૃતિ વધી રહી છે. જેના કારણે આવા બુદ્ધિજીવીઓ નક્સલીઓ સાથે સોફ્ટ કોર્નર રાખીને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. નક્સલવાદીઓએ આ વખતે નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરતાં બુદ્ધિજીવીઓને મધ્યસ્થી બનાવવાની માગણી કરી છે. પણ બંદૂકો અને ગોળા-બારુદના ધડાકાઓના ચાલુ રહેતા સંવાદ અને વિકાસ કેવી રીતે સંભવ છે? એક આશંકા એવી પણ છે કે સંઘર્ષ વિરામના નામે નક્સલી સંગઠન વધારે એકજૂટ બનીને પોતાના અડ્ડાઓને સુરક્ષિત બનાવીને મોટી હિંસક વારદાતોની તૈયારી કરશે. સંઘર્ષ વિરામના ઝાંસામાં આવ્યા વગર દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ તથા સુરક્ષાદળોની કડક કાર્યવાહી દ્વારા પ્રભાવિત ક્ષેત્રોની સામાન્ય જનતાને રાહત અપાવવાની આવશ્યકતા છે. સાથે જો નક્સલીઓ રાજી થાય તો હિંસા રોકવા માટે બિનશરતી વાતચીત કરવામાં હાલ તુરંત કોઈ વાંધો દેખાતો નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે નક્સલીઓએ હિંસક માર્ગ છોડવો પડશે. તેના માટે સરકાર બંદૂકનો માર્ગ અપનાવે કે વાતચીતનો તે નક્સલીઓના આગળના વલણ પર નિર્ભર કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો