બુધવાર, 24 ફેબ્રુઆરી, 2010
તાલિબાનોની બર્બરતા
પાકિસ્તાનમાં બે શીખોના તાલિબાનો દ્વારા સર કલમ કરવામાં આવ્યા તે બર્બરતાની પરાકાષ્ઠા છે. મધ્યયુગીન આ પાશિવક કૃત્યથી માત્ર એટલું સ્પષ્ટ થાય છે કે તાલિબાન જેટલા ક્રૂર છે, તેટલા જ ધર્માંધ છે. સંભવત્ તેવો બેલગામ પણ છે. કારણ કે તેઓ જ્યારે ચાહે છે, ત્યારે શીખોનું અપહરણ કરીને તેમની હત્યા કરી રહ્યાં છે. તાલિબાનોએ બે શીખોને મોતને ઘાટ ઉતારી દીધા કારણ કે તેમને મંજૂર નથી કે તેમના પ્રભાવી ક્ષેત્રોમાં અન્ય ધર્મના લોકો રહે. જો કે તાલિબાનો ઘણાં વખતથી અન્ય ધર્મના લોકો પાસેથી જજિયા વેરો વસૂલી રહ્યાં છે અને તેમા નાકામિયાબી મળવાને કારણે તેમની હત્યામાં લાગેલા છે. આવી ભયાવહ પરિસ્થિતિ છતાં કોઈ તેમનો ત્યાં વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેનાથી વિરુદ્ધ કેટલાંક પાકિસ્તાની રાજકીય પક્ષો તાલિબાનોની આવી પ્રવૃતિઓનું સમર્થન કરી રહ્યાં છે. શીખોની નૃશંસ હત્યાનો મામલો સંસદમાં ઉઠયો અને વિદેશ સચિવ તથા વિદેશ મંત્રીએ તેના પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારત તેનાથી વધારે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેવી જ રીતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શીખોના સિર કલમ કરવાની નિંદા કરી છે અને પોતાના અધિકારીઓને હત્યારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. જો કે આ માત્ર કાગળ પરનો જ નિર્દેશ છે. કારણ કે જો તેમને શીખોના જીવની આટલી જ ચિંતા હોત, તો તેમણે તેમની હત્યા સુધી રાહ જોઈ ન હોત. પેશાવરના કબાયલી ઈલાકાઓમાંથી 34 દિવસ પહેલા ચાર શીખોને તાલિબાનો ઉઠાવી ગયા હતા. જેમાના બે શીખો હજી પણ તાલિબાનો પાસે છે. વળી પાકિસ્તાનમાં વધુ એક શીખનું અપહરણ થયું છે. ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાન સરકાર શીખોના અપહરણની સૂચના મળી ત્યારે કેમ ન જાગી? સવાલ એ પણ છે કે શું તાલિબાનો પર અંકુશ લગાવવા માટે પાકિસ્તાન સરકાર સક્ષમ છે? વિડંબણા એ છે કે પાકિસ્તાનના શાસકો ક્યારેય એ બાબત પર વિચાર કરવાની જહેમત ઉઠાવતા નથી કે તેમના દેશમાં લઘુમતીઓનું નિકંદન કેમ નીકળી રહ્યું છે? પ્રવર્તમાન સમયમાં તેવી આશા ઠગારી નીવડવાની છે. પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખોની જાનમાલની રક્ષા માટે જજિયા વેરો ઉઘરાવવાના તાલિબાનોના ફરમાન સામે પાકિસ્તાનના નીતિ-નિયંતાઓ કોઈ ધ્યાન આપશે તેવી શક્યતાઓ પણ નહીવત્ છે. પાકિસ્તાનના આતંકવાદ સંદર્ભેના વલણ અને લઘુમતીઓ પ્રત્યેના વહેવાર બાદ ભારત સરકારની આંખ ઉઘડવી જોઈએ કે વાતચીત કરવી અને વાતચીત ન કરવી જેવા માત્ર બે વિકલ્પ સિવાય અન્ય ત્રીજા કોઈપણ વિકલ્પ સંદર્ભે દ્રઢતા અને સ્પષ્ટતાપૂર્વક વિચારવું પડશે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો