લેબલ જનલોકપાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જનલોકપાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 30 મે, 2012

PMને ‘શિખંડી’ કહેનાર ટીમ અણ્ણા ભ્રષ્ટાચારના મહા’ભારત’ના અર્જૂનની ચર્ચા ક્યારે કરશે?

-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારે ભારતને ભરડામાં લીધું છે. લાખો-કરોડના ભ્રષ્ટાચાર અને ગોટાળાથી દેશનો આમ આદમી ત્રસ્ત બન્યો છે. દેશના આમ આદમીના અધિકારની સંપત્તિ ગોટાળામાં ગરક થઈ રહી છે. ત્યારે એપ્રિલ-2010માં અણ્ણા હજારેની ભ્રષ્ટાચાર સામેની રણભેરીએ લોકોને આશાનું કિરણ દેખાડયું હતું. પરંતુ ટીમ અણ્ણાની અણઘડ રણનીતિએ આખા આંદોલનના પ્રજામાં ઉભા થયેલા જોશને સોડા વોટરની જેમ બેસાડી દીધું. જો કે દેશનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત આમ આદમી હજી પણ ભ્રષ્ટાચારના ખાતમા માટે લડવા તૈયાર છે અને પ્રબળ નેતૃત્વની તલાશમાં હોય તેવું લાગી રહ્યું છે.

પરંતુ મુંબઈ ખાતેના અણ્ણાના અનશનમાં થયેલા ફિયાસ્કો બાદ પણ આંદોલનની તૈયારી કરી રહેલી ટીમ અણ્ણાએ હવે વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના 14 પ્રધાનો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ તમામ પર ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અત્યાર સુધી વડાપ્રધાન મનમોહન સિંહ માટે એમ કહેવાતુ કે આઝાદી પછીની સૌથી બેઈમાન કેન્દ્ર સરકારમાં મનમોહન સૌથી વધારે ઈમાનદાર વડાપ્રધાન છે. પરંતુ ટીમ અણ્ણાએ વડાપ્રધાનની ઈમાનદારીને નિશાન બનાવી છે. કાશ્મીર મુદ્દે જનમતની વાત કરીને લાત-ઘૂંસા ખાનારા ટીમ અણ્ણાના મહત્વના સભ્ય પ્રશાંત ભૂષણે તો વડાપ્રધાનને શિખંડી કહી દીધા છે!

પ્રશાંત ભૂષણે મહાભારતના અર્ધનારી પાત્ર એવા શિખંડીનું ઉદાહરણ આપીને કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાનનો ઉપયોગ શિખંડી તરીકે કરી રહી છે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનની આસપાસ રહેનારા લોકો અને તેમની નીચે કામ કરનારા પ્રધાનો તેમને આગળ કરીને ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહની ઈમાનદારીને નિશાન બનાવી છે. જો કે ખુદ અણ્ણા હજારે ટીમ અણ્ણાના અભિપ્રાય સાથે સહમત નથી. અણ્ણા મનમોહન સિંહને સ્વચ્છ છબીવાળા નેતા ગણાવે છે.

પોતાના પર ભ્રષ્ટાચારના આરોપોથી વ્યથિત બનેલા વડાપ્રધાન મનમોહન સિંહે મ્યાંમારના પ્રવાસથી પાછા ફરતા કહ્યુ છે કે તેમના પર લગાવવામાં આવેલો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશે. વડાપ્રધાને પોતાના પરના ભ્રષ્ટાચારના ટીમ અણ્ણા દ્વારા લગાવાયેલા આરોપોને તથ્યહીન અને બિનજવાબદાર ઠેરવ્યા છે.

વડાપ્રધાનને શિખંડી કહેવા બદલ ટીમ અણ્ણાને આકરી પ્રતિક્રિયાઓને સામનો કરવો પડયો છે. શિખંડી આમ તો સ્ત્રી કે પુરુષમાં ન હોય તેવું મહાભારતનું પાત્ર છે. આ પ્રકારના પાત્ર સાથેની વડાપ્રધાનની સરખામણી ખરેખર રાજનીતિમાં શબ્દપ્રયોગના રસાતળે ઉતરી ગયેલા સ્તરની સાબિતી છે. જો કે વારંવાર ભાષા સંયમ નહીં દાખવનારા લાલુપ્રસાદ યાદવે પ્રશાંત ભૂષણને માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવીને કહ્યુ છે કે તેઓ આવા પગ-માથા વગરના નિવેદનો આપે છે, તો તેમની પિટાઈ થાય છે. લાલુએ કહ્યુ કે વડાપ્રધાન દેશના નેતા છે અને તેમની ઈમાનદારીને બધા માને છે.

વડાપ્રધાન સામેના અમર્યાદિત શબ્દપ્રયોગ પર ભાજપે સત્તાવારપણે ટીમ અણ્ણાની ટીપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો છે. જો કે તેમના વાંધામાં ક્યાંક એવી ભીતિ ધબરાયેલી હોઈ શકે કે કદાચ આગામી લોકસભાની ચૂંટણી પછી એનડીએના વડાપ્રધાન હોય અને આવી ઘટનાઓ માટે ક્યાંક કોઈ તેમના માટે આવો શબ્દપ્રયોગ કરે નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કહ્યું છે કે વડાપ્રધાન સામે કોઈપણ ટીપ્પણી મર્યાદા ઓળંગીને કરવી જોઈએ નહીં, કારણ કે તેઓ  દેશના ઉચ્ચ બંધારણીય પદ પર આસનસ્થ છે.

બંધારણીય પદો પર આસનસ્થ કોઈપણ વ્યક્તિ સામે મર્યાદા ભંગ કરતાં શબ્દપ્રયોગ સાથેની ટીપ્પણી સર્વથા નકારવી જોઈએ. રાજકારણમાં ‘શબ્દસંયમ’ ગુમાવવો ખરેખર તેના સ્તરને વધારે નીચે લઈ જનારી બાબત છે. પરંતુ અત્રે થોડા મુદ્દાઓનો વિચાર કરવો પડશે.

-વડાપ્રધાન મનમોહન સિંહ વ્યક્તિગત રીતે ઈમાનદાર હોવાની છાપ ધરાવે છે. તેમ છતાં તેમના પ્રધાનમંત્રીકાળ દરમિયાન મસમોટા ગોટાળા સામે આવ્યા છે. જેમાં  2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ 1.76 કરોડ રૂપિયા અને કોલસા કૌભાંડ 10.76 લાખ કરોડ રૂપિયાનું હોવાનું કેગના રિપોર્ટમાં અંદાજવામાં આવ્યું છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંગળી ચિંધી છે, તો તેની પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે જે સમયે કોલસા કૌભાંડ આચરાયાની વાત કરવામાં આવે છે, તે વખતે કોલસા મંત્રાલય વડાપ્રધાન મનમોહન સિંહને આધિન હતું. તો સવાલ એ છે કે વડાપ્રધાનના આધિન રહેલા મંત્રાલયમાં કોઈ ગોટાળો થાય તો તેની નૈતિક જવાબદારી તેમની બને કે નહીં? વળી વડાપ્રધાનના મંત્રીમંડળમાં કોઈ મંત્રી ભ્રષ્ટાચાર કરે તો તેની નૈતિક જવાબદારી વડાપ્રધાનની બને કે નહીં?

-રાજકારણમાં નૈતિકતાના ઉદાહરણ હવે ઘણાં ઓછા જોવા મળે છે. લાલબહાદૂર શાસ્ત્રી રેલવે મંત્રી હતા, ત્યારે એક ટ્રેન અકસ્માતને પોતાની નૈતિક જવાબદારી ગણીને તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય જ્યારે શાસ્ત્રીજી વડાપ્રધાન હતા, ત્યારે દેશમાં અનાજની તંગી હતી, તો તેમણે દેશમાં એક દિવસ લોકોને એક ટંક ખાવાની અપીલ કરી હતી અને શરૂઆત પોતાનાથી કરી હતી! આટલા ઉચ્ચ આદર્શ અત્યારના નેતાઓમાં કેમ દેખાતા નથી?

-ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહ સામે એવા સમયે આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ આપણા પડોશી દેશ મ્યાંમાર સાથે સંબંધો સુધારવા ત્યાંના શાસકો અને વિરોધ પક્ષના નેતાની સાથે મુલાકાત કરી રહ્યા હતા. શું આવા સમયે દેશના વડાપ્રધાનની ઈજ્જતને કોઈપણ પ્રકારના સીધા પુરાવા વગર દેખીતી રીતે રાજકીય કારણોથી ઉછાળવી યોગ્ય છે?

-ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈને ભારતરત્ન અને ‘નિશાને પાકિસ્તાન’  બંને મળ્યા છે. તેમને ‘નિશાને પાકિસ્તાન’ લેવા માટે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકે આમંત્ર્યા હતા, તો મોરારજીએ તેમનું પાકિસ્તાન જવાનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. મોરારજી દેસાઈએ તેના માટે અંગત લોકો સાથેની વ્યક્તિગત ચર્ચામાં કહ્યુ હતુ કે તેઓ પાકિસ્તાન જઈને ખોટું બોલશે નહીં અને દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાકિસ્તાની ધરતી પર વખોડશે નહીં. એટલે કે મોરારજી દેસાઈ જેવા ઈન્દિરા ગાંધીના ઘોર વિરોધી પણ તેઓ વડાપ્રધાન પદે હોવાને કારણે તેમને વિદેશમાં વખોડવા માટે તૈયાર ન હતા. વડાપ્રધાન દેશના નેતા હોય છે, તેઓ કોઈ પાર્ટીના નેતા હોતા નથી. ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહને તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જ શિખંડી કહેવા કેટલું યોગ્ય છે?

-જો કે લગભગ 80 વર્ષના મનમોહન સિંહ કહે કે તેમના પરનો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનને તિલાંજલિ આપશે. (ઉલ્લેખનીય છે કે 80 વર્ષથી વધારે ઉંમરે આમેય જાહેરજીવનમાંથી નિવૃતિ  લેવાની હોય છે.) પરંતુ આ દેશમાં ભ્રષ્ટાચારના આરોપ સાબિત થવા ઘણાં અઘરા છે. તાજેતરમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના મુખ્ય આરોપી એ. રાજાને જામીન મળી તો રાજા અમર રહોના સૂત્રોચ્ચાર પણ થયા અને ફટાકડાં પણ ફૂટયા! વળી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની હોસ્પિટલના બે કર્મચારીઓને 100 રૂપિયાની લાંચના પ્રકરણમાં કેદની સજા કરી છે. આ કેસ 1994માં બન્યો હતો, તે કેસ 18 વર્ષે તેના અંજામ પર પહોંચ્યો. જો 100 રૂપિયાના કેસમાં સજા મળતા 18 વર્ષ લાગે, તો લાખો કરોડના ગોટાળાના આરોપીઓના પેટનું પાણી કેવી રીતે હલશે? વડાપ્રધાનને પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોની ખરેખર તપાસ થવા દેવાની ઈચ્છા હોય, તો તેમણે પહેલા તો પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડે. કારણ કે વડાપ્રધાન પદે મનમોહન સિંહ આસનસ્થ રહે ત્યાં સુધી કોઈ નક્કર પુરાવા એજન્સીઓને હાથ લાગે તેવી કોઈ સંભાવના પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે દેખાતી નથી.

ભ્રષ્ટાચાર મહારોગ છે અને તેનો ઈલાજ ભ્રષ્ટાચારીને કડક સજા થાય તે છે. તેના માટે એવી કોઈ વ્યવસ્થાની જરૂર છે કે ભ્રષ્ટાચારી ખુલ્લા પડે અને તેના માટે તેઓને આકરી સજા થાય. પરંતુ અત્યારની વ્યવસ્થામાં આરટીઆઈ અને અન્ય કેટલીક ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વ્યવસ્થાઓ હોવા છતાં પણ હજી એવી પારદર્શકતા નથી કે જેનાથી ભ્રષ્ટાચાર પર રોક લાગે. વળી આરટીઆઈ એક્ટિવિસ્ટો પર થઈ રહેલા હુમલા અને તેમની હત્યાથી સાબિત થાય છે કે વ્યવસ્થાને પારદર્શક બનવા દેવી, વ્યવસ્થામાં રહેલા લોકો પોતાના હિતમાં જોતા નથી.

જનલોકપાલ બિલની અણ્ણાની માગણી ‘ભયંકર’ ભ્રષ્ટાચારને જોતા તેના પર લગામ લગાવવાની આશામાં વ્યાજબી લાગે છે. પરંતુ તેના પણ હાલ દાંત વગરના સિંહ જેવા થાય તેવી શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં આમ આદમીને  ભ્રષ્ટાચાર સામે વધારે સમજદાર બનાવવો અને નાના-નાના ભ્રષ્ટાચારને પ્રવર્તમાન વ્યવસ્થામાં જ કેવી રીતે અટકાવી શકાય, તેની એક ચળવળ ચલાવવી જોઈએ. પ્રવર્તમાન ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ ખૂબ અસરકારક રીતે અમલી બને તેના માટે વ્યવસ્થા તંત્ર પર દબાણ લાવી શકાય. આ તમામ કવાયતો પછી આવનારા જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર ઘણા મોટા પ્રમાણમાં ચોક્કસપણે રોકી શકાશે. બાકી અત્યારની પરિસ્થિતિમાં લાવવામાં આવેલા લોકપાલના કાયદાની સ્થિતિ અન્ય દંતહીન કાયદાઓ જેવી થઈ જવાની મોટી શક્યતા રહેલી છે.



રવિવાર, 22 એપ્રિલ, 2012

ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવનો કાજમીનો આક્ષેપ ગંભીર


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચારથી આજે દેશ ત્રસ્ત છે. વિદેશમાં અઢળક કાળું ધન ભારતમાં પાછું લાવવાના દિવાસ્વપ્નો બાબા રામદેવ થકી દેખાડવામાં આવી રહ્યા છે. જનલોકપાલ બિલ હર દર્દ કી દવા અદરકની જેમ ટીમ અણ્ણા દ્વારા માર્કેટિંગ થઈ રહ્યું છે. લોકો ગત વર્ષ અણ્ણા હજારેના આંદોલનમાં એકઠા થયા હતા. તેમને અણ્ણામાં એક આશાનું કિરણ દેખાયું હતું. અણ્ણામાં ભારતના લોકોને યુગપુરુષના દર્શન થયા હતા. કદાચ લોકોને આશા જાગી હતી કે નાથુરામ ગોડસેની ગોળીથી વિંધાયેલો આપણો રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ફરીથી પાછો ફર્યો છે. પરંતુ જે રીતે હિસ્સારની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારને ભૂલીને કોંગ્રેસને હરાવવાની વાતો થવા માંડી ત્યારથી ટીમ અણ્ણાના પાપે અણ્ણા હજારેની ગાંધીબાપુની છબી લોકોના દિલોદિમાગમાં કંપવા લાગી. લોકોને લાગ્યું કે ફરીથી મહાત્મા આવશે અને કલ્યાણના માર્ગે આપણને દોરી જશે. પરંતુ તેમની આજુબાજુના તકલાદી અને તકવાદી લોકોએ આખા આંદોલનને રાજકીય બનાવી દીધું હોવાની પ્રતીતિ પણ લોકોને થઈ.

ભ્રષ્ટાચાર સામેનું જનલોકપાલ માટેનું આંદોલન કોઈ ચોક્કસ પાર્ટી તરફી આંદોલન થઈ ગયું હોય તેવું પણ લાગવા લાગ્યું. લોકોને ફરીથી ઠગાવાનો અહેસાસ થયો અને તેનો પડઘો મુંબઈમાં અણ્ણાના અધવચ્ચેથી છોડાયેલા અનશનમાં જોવામાં મળ્યો. મુંબઈમાં 15 હજારની ક્ષમતાવાળા મેદાનમાં પહેલા દિવસે પુરાં પાંચસો લોકો પણ એકઠા થયા ન હતા. જ્યારે પોતાને મહાન બુદ્ધિપ્રધાન માનતા અને નેતાના વહેમમાં આવી ગયેલા પ્રશાંત ભૂષણ અને તેમની સાથે ભારતના સૌથી પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીને અનશનમાં સાથ આપવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પુરાં પચ્ચાસ લોકો પણ ન હતા.

બાબા રામદેવ પર ગત વર્ષ 4 જૂને થયેલા પોલીસના બર્બર અત્યાચારની યાદ હજી તાજી છે. પરંતુ ભ્રષ્ટાચાર સામેના લોકોના આક્રોશને જોતા ફરીથી અણ્ણા હજારે અને બાબા રામદેવે ફરીથી સાથે મળીને ધારદાર આંદોલન માટે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોમાં આશા જગાવી. પરંતુ ટીમ અણ્ણાની નોઈડામાં મળેલી બેઠકમાં થયેલી તોડફોડે ફરીથી ભ્રષ્ટાચાર સામેના આંદોલનને જનલોકપાલ માટેના આંદોલનને ફરીથી શરૂ થતા પહેલા કમજોર થતું અને વિવાદોમાં ઘેરાતુ જોઈ રહ્યા છે. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંસ્થાપક મુસ્લિમ સભ્ય મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણાને ભારે ખટાશભર્યા હ્રદયે રૂખસદ આપી છે. મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણા છોડતા પહેલા તેના પર ગંભીર આક્ષેપ કર્યો છે. કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણા કોમવાદી છે. અહીં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણાને મુસ્લિમ બરદાશ્ત થતા નથી. અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરે છે. તેમણે કહ્યુ કે જ્યારે પણ તેઓ કંઈ બોલે છે, તો યા તો તેમને બોલવા દેવામાં આવતા નથી અથવા તેમની વાતની અણદેખી કરી દેવામાં આવે છે. તેમણે કહ્યુ કે ટીમ અણ્ણામાં કોર કમિટી નામની રહી ગઈ છે, નિર્ણયો કેટલાંક લોકો જ લે છે અને તેને કોર કમિટી પર લાદી દેવામાં આવે છે.

ટીમ અણ્ણા પર પહેલી વખત મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ તેના સંસ્થાપક મુસ્લિમ સભ્યે કર્યો છે. કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના કોર કમિટીની સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરતા હોવાની વાત પણ કાજમીએ ભારપૂર્વક કહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ અને મનીષ સિસોદિયા પોતાની હિત સાધના માટે આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે અણ્ણાના આંદોલનનું રાજનીતિકરણ થઈ ગયું છે.

ત્યારે ટીમ અણ્ણાએ ખરેખર લોકોને આ દેશના 121 કરોડ લોકોને કે જેમના તેઓ પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે તેમને જણાવવું જોઈએ કે શું તેઓને મુસ્લિમ બરદાશ્ત થતા નથી? શું ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવે છે? શું અણ્ણાનું જનલોકપાલ બિલ માટેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજકીય થઈ ગયું છે? ટીમ અણ્ણાના કાજમીના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સાથે ભેદભાવ કરતા વલણથી ચિંતાની લહેરખી છે. ભારતમાં 121 કરોડની વસ્તીમાંથી 18 કરોડ મુસ્લિમો છે. મુસ્લિમો દેશની સૌથી મોટી લઘુમતી છે. 18 કરોડ મુસ્લિમોને બાદ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી શકાય તેમ નથી. તેમ છતાં ગત વર્ષથી ચાલુ થયેલા અણ્ણાના આંદોલનમાં મુસ્લિમો ગેરહાજર હોવાની એક માન્યતા બની છે. આ માન્યતાને કારણે આક્ષેપો પણ થયા છે કે અણ્ણા અને રામદેવના આંદોલનની પાછળ ભગવા સંગઠનોની શક્તિ છે અને દોરીસંચાર પણ છે. પરંતુ અણ્ણાએ પોતાના આંદોલનને 100 ટકા સેક્યુલર ગણાવ્યું છે.

જો કે મુસ્લિમો તેમની સાથે જોડાયેલા નહીં હોવાનો મુદ્દો વધારે પ્રમાણમાં ઉછળતા અણ્ણાના ત્રીજા તબક્કાના આંદોલનમાં મુસ્લિમોને સાથે લેવા માટે ટીમ અણ્ણાએ ઘણાં હવાતિયાં માર્યા છે. મુસ્લિમ ચહેરાઓને આગળ કરવા. અણ્ણાની પાછળથી પહેલા ભારતમાતાના ચિત્રને ગાંધીજીની તસવીરથી રિપ્લેસ કર્યું અને બાદમાં મૌલાના અબ્દુલ કલામ દેખાય તે રીતે ક્રાંતિકારીઓના ચિત્રો ગોઠવી જોયા. ટીમ અણ્ણાની સૌથી ઘૃણાસ્પદ હરકત હતી, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી પાસે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ટેકો માંગવા જવો. કેજરીવાલ અને કિરણ બેદી બંને ઈમામ બુખારી પાસે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભગાડવા માટે મુસ્લિમ સમુદાયની સાથે તેમના સામેલ થવાની વિનંતી કરવા ગયા હતા.

પરંતુ ત્યારે કેજરીવાલ અને કિરણ બેદી ભૂલી ગયા કે ભારતીય રાજકારણમાં સૌથી કટ્ટરવાદી મુસ્લિમ ચહેરો કોઈ હોય તો તે ઈમામ બુખારીનો છે. ઈમામ બુખારી એ પંગતમાં બેસનાર વ્યક્તિ છે કે જેમની માનસિકતાથી પાકિસ્તાન પેદા થયું છે. પાકિસ્તાન પેદા કરનારાઓએ ભારતની આઝાદીની લડાઈમાં તે સમયમાં વાતાવરણમાં પણ કોઈ યોગદાન આપ્યું ન હતું. ઈતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ લીગના નેજા નીચે પાકિસ્તાન પરસ્ત તત્વોએ ભારતની આઝાદીની લડાઈ માટે અંગ્રેજો સામે કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો નથી. આવા પાકિસ્તાન પરસ્ત તત્વોની પંગતમાં બેસવા જેટલી કાબેલિયત ધરાવતા ઈમામ બુખારી જેવા નખશીખ કોમવાદી અને કટ્ટરવાદી શખ્સ પાસે ભ્રષ્ટાચારના આંદોલનમાં સામેલ થવા માટે યોગદાન માગવું નરી બાલિશતા હતી.પરંતુ આ ઘટના પછી ભારતમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ તરફથી અણ્ણાના આંદોલનમાં મુસ્લિમોની ગેરહાજરીને પુરવાની જગ્યાએ તેને ચર્ચાનો વિષય બનાવાયો.

ભ્રષ્ટાચાર ભાગશે તો કંઈ આ દેશનો એકલો હિંદુ જ થોડો સુખી થવાનો છે, આ દેશનો મુસલમાન અને અન્ય તમામ ધર્મ-પંથ-સંપ્રદાયના લોકોના જીવન બદલાઈ જવાના છે. પરંતુ તેમ છતાં મુસ્લિમો એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ દૂર રહે તેના માટે પ્રચારીત કરવામાં આવ્યું કે અણ્ણા આરએસએસ સાથે ગાઢપણે જોડાયેલા છે. પરંતુ અણ્ણાના વ્યવહાર પરથી હજી સુધી કોઈપણ ઠેકાણે તેઓ મુસ્લિમ વિરોધી હોવાનું નજરે પડયું નથી. કાજમીએ પણ જે આક્ષેપ કર્યો છે તે અણ્ણા સામે નહીં, ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ અને અન્ય સામે કર્યો છે. ત્યારે ખરેખર દેશની જનતા સામે આવવું જોઈએ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ આઈઆઈટી પાસઆઉટ અને ભૂતપૂર્વ આઈએએસ કેજરીવાલ મુસ્લિમ વિરોધી છે કે આ વાત ખોટી છે?

આ સિવાય ટીમ અણ્ણાની બેઠકમાં કાજમી ઓડિયો રેકોર્ડિંગ કરીને તેની માહિતી બેઠકની બહાર પહોંચાડતા હોવાથી તેમને કોર કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાની વાત પણ ટીમ અણ્ણાએ કરી છે. તેમણે કહ્યુ છે કે કાજમીના મોબાઈલમાં આવી ત્રણ રેકોર્ડિંગ ક્લિપ હતી. પરંતુ હંમેશા પારદર્શકતાની વાતો કરનારી ટીમ અણ્ણા કાજમીની માત્ર ત્રણ ઓડિયો ક્લિપથી હલી ગઈ,તે જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. જનતાને હજીપણ યાદ છે કે ટીમ અણ્ણાએ જનલોકપાલ સંદર્ભેની ચર્ચા કરવા માટે સરકારને મીડિયા સામે આવવા માટે આહ્વવાન કર્યું હતું. તેમણે સૌથી પહેલા લોકપાલ બિલનો મુસદ્દો ઘડવા માટે બનેલી ટીમ અણ્ણા અને સરકારના સભ્યોની કમિટીમાં વીડિયો રેકોર્ડિંગ કરીને ચર્ચાને જાહેર કરવાની વાત પણ કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે કાજમીએ કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં એવી તે શું વાત હતી કે ગાંધીવાદી અણ્ણા હજારેની ગાંધીવાદી ટીમ અણ્ણાએ કાજમીને હાંકી કાઢવા પડયા? મીડિયામાં સરકાર સાથે પારદર્શક ચર્ચા કરતા પહેલા ટીમ અણ્ણાએ અહીં પારદર્શક થવાની જરૂરત છે.

જનલોકપાલ આંદોલનની શરૂઆતથી ટીમ અણ્ણા કહી રહી છે કે આ આંદોલન અરાજનીતિક સ્વભાવનું છે. તેનો હેતુ સરકાર બદલવાનો નહીં, પરંતુ ભ્રષ્ટાચાર ભગાડવા માટે જનલોકપાલ બિલ લાવવાનો છે. પરંતુ સૌથી પહેલા ટીમ અણ્ણાએ કાજમી દ્વારા કરાયેલા આક્ષેપ કે આંદોલન હવે રાજકીય બની ગયું છે, તેનો જવાબ આપવો જોઈએ. ટીમ અણ્ણાએ જવાબ આપવો જોઈએ કે હિસ્સારમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા બાદ જનલોકપાલ બિલ માટેનું અણ્ણાનું આંદોલન કઈ રીતે અરાજનીતિક બની ગયું? પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અણ્ણા નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર અભિયાન કરી શક્યા નહીં. પરંતુ તેમના સહીત ટીમ અણ્ણાએ કોંગ્રેસને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે સંસદમાં લોકપાલ બિલ પસાર નહીં થવા પાછળ માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે? શું તેમને ખાતરી છે કે ભાજપ અને અન્ય પક્ષો કડક લોકપાલ બિલ માટે ઝુરી રહ્યા છે? 2014માં લોકસભા ચૂંટણી સુધી લોકોને જાગરૂક કરી રહી છે, ટીમ અણ્ણા, પરંતુ આ જાગરૂકતા કોંગ્રેસ વિરુદ્ધની હોવા પાછળની કોઈને શંકા નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેટલેક ઠેકાણે પ્રશાંત ભૂષણ,કેજરીવાલે કોંગ્રેસ વિરોધી નિવેદનો અને પ્રચારનો પ્રયત્ન કરી જોયો છે. હિમાચલ પ્રદેશમાં વારંવાર જઈ રહેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયા ત્યાં કોઈ રાજકીય જમીન શોધતા ન હોય તો તેઓ આની સ્પષ્ટતા કેમ કરતા નથી. પ્રશાંત ભૂષણને ચૂંટણી લડવી હોવાની વાત પણ ચર્ચામાં છે, ત્યારે અઢળક પીઆઈએલ કરનારા વકીલ પોતાના તરફથી કોઈ સફાઈ કેમ આપતા નથી?

અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરશે તો તેની અસર ઘણી પ્રભાવી હોવાનો અંદાજ લેવાય રહ્યો છે. જો કે ટીમ અણ્ણાએ નિર્ણય કર્યો છેકે બાબા રામદેવ સાથે આંદોલન કરશે નહીં, પરંતુ તેને ટેકો આપશે. ત્યારે તેનાથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને અસર પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જો ટીમ અણ્ણા મુસ્લિમો સાથે ભેદભાવભર્યું કોમવાદી વલણ રાખતી હોય, વીડિયો રેકોર્ડિંગનો ચર્ચામાં આગ્રહ કરનારી ટીમ અણ્ણા ઓડિયો ક્લિપથી ધ્રૂજી ઉઠતી હોય અને આંદોલન અરાજનીતિક સ્વભાવનું ન રહેવાનું હોય, તો તે શું લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકશે? ટીમ અણ્ણાની મહત્વકાંક્ષાઓથી માત્ર આંદોલન જ ખોરંભે પડવાનું નથી, પરંતુ રાષ્ટ્રના હિતને બહુ મોટું નુકસાન થવાનું છે.

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

અન્ના ઈવેન્ટથી આંદોલનમાં મીડિયાની ભૂમિકા


-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારના શિષ્ટાચાર વિરુદ્ધ ઉઠેલા આક્રોશને અન્ના હજારેએ અભિવ્યક્તિ આપી છે. ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, તેવી અન્નાની માગણી પૂરી થવી જોઈએ. તેના માટે સરકારે, સમાજે અને તંત્રે તમામ સ્તરે કામ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકોને હતાશામાંથી બહાર આવવા માટે અન્ના રૂપી આશાનું કિરણ દેખાયું છે. પરંતુ અન્નાના આંદોલનમાં શરૂઆતથી જ મીડિયાની ભૂમિકા ઘણી મોટી રહી છે. મહારાષ્ટ્રના રાલેગાંવ સિદ્ધિ ગામમાં સુધારાના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક ચલાવનારા સામાજીક કાર્યકર્તાને મીડિયાએ મહાત્મા ગાંધી અને લોકનાયક જયપ્રકાશ નારાયણ બનાવવા માટેના પ્રયત્ન સાથેની ઘણી મોટી ભૂમિકા અદા કરી છે. એમા કોઈ શંકા નથી કે સામાજીક કાર્યકર્તા તરીકે અન્ના હજારેનું યોગદાન ઘણું મોટું છે. તેઓની સ્વચ્છ છબી દરેક પ્રકારે બિરદાવા યોગ્ય છે. પરંતુ અન્ના હજારેને મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણની ઊંચાઈએ હોવાનો ભ્રમ પેદા કરવાની મીડિયાની ભૂમિકા ઘણી બધી રીતે નુકસાનકારક પણ છે. માત્ર અન્ના માટે જ નહીં, દેશ માટે પણ તે નુકસાનકારક છે.

દેશની સંસદમાં સરકાર અને વિપક્ષ સહીતના બધાં નેતાઓએ અન્નાના જનલોકપાલ બિલના બધાં મુદ્દાઓ સાથે સંમત ન થવાની વાત એકસૂરમાં કહી છે. તેમણે કહ્યું છે કે લોકપાલ બિલ સંદર્ભે સંસદ કાયદો બનાવશે. પરંતુ જનતા લોકપાલ મુદ્દે આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો કરી રહ્યો છે. તેની સાથે એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કરીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

અન્નાના લોકો ખુલ્લેઆમ જેટલું બોલી રહ્યાં છે અને પોતાની અસંમતિઓનો ઈજહાર કરી રહ્યાં છે તેવું અન્ય પક્ષો કરી શકતા નથી કારણ કે મીડિયાએ આખા મામલાને અન્ના વિરુદ્ધ સરકારનો મુદ્દો બનાવી દીધો છે.

અન્ના અને સરકાર સિવાય અનેક રાજકીય પક્ષો છે અને જુદાંજુદાં પ્રકારના સેંકડો સંગઠન છે. તેમની લાખો-કરોડોની મેમ્બરશિપ છે. મીડિયાની ચર્ચામાં આ સંગઠન એક તરફથી ગાયબ છે. તેનાથી એક વાતની ખબર પડે છે કે અન્નાને લઈને મીડિયા ઓબ્સેશનનો શિકાર છે. ઉદાહરણ તરીકે વિભિન્ન વિચારધારાના મહિલા, ખેડૂત, મજૂર, યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો છે, તેના સિવાય એવા પણ સ્વયંસેવી સંગઠનો છે કે જેમના સેંકડો એકમો છે. તેમનો મત એક તરફથી ગાયબ છે.

કોર્પોરેટ મીડિયા અન્ના પ્રત્યે ઓબ્શેસન એ વાતનો પુરાવો છે કે તે ભારતના બૃહત્તર ઓપિનિયનની ઉપેક્ષા કરી રહ્યું છે. વિગત દિવસોમાં ટીવી સ્ટુડિયોમાં ચર્ચાના નામે અન્ના ભક્તોની જે ભીડ ભેગી કરવામાં આવી હતી તે પણ કોર્પોરેટ મીડિયાના અન્ના ઓબ્શેસનને જ સામે લાવે છે. અન્નાભક્ત સ્ટુડિયોમાં અન્ના ટીમથી જુદો મત વ્યક્ત કરનારાઓને હૂટ કરી રહ્યાં હતા.

અન્ના ટીમનું પ્રચાર અભિયાન મીડિયા ઓબ્શેસન પર ટકેલું છે. તમામ ચર્ચાઓમાં અન્ના ટીમને સેલીબ્રિટી તરીકે મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટુડિયોમાં એવા લોકો બોલાવવામાં આવે છે જે અન્નાના ફેન છે અથવા અનુયાયી છે. અન્ના ટીમને મીડિયાએ સામાજીક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે કલ્ટીવેટ કરી છે.

અન્નાએ 15 ઓગસ્ટની સાંજે મીડિયાને પોતાના પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંને સાથે મળીને લડાઈ લડશે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્ના હજારેને મીડિયાની ચરિત્રની બિલકુલ જાણ નથી અને તેમને જે ક્ષણિક પ્રસિદ્ધિ મળી રહી છે, તેનાથી તેઓ આત્મમુગ્ધ થતાં જઈ રહ્યાં છે. વળી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ભ્રષ્ટ હોવાનું અને તે ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાની વાત કોઈનાથી અજાણી નથી. ત્યારે ભ્રષ્ટાચારને રોકવા માટે બીજા ભ્રષ્ટાચારીનો સાથ કેવી રીતે લેવાય? ખુદ અન્નાએ એપ્રિલ માસના અનશન વખતે મીડિયા રિપોર્ટોને આધારે ગુજરાત અને બિહારમાં વિકાસ સંદર્ભે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ અનુક્રમે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. પરંતુ તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે પોતાના નિવેદનને ફેરવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પહેલાનું તેમનું નિવેદન મીડિયાની માહિતીના આધારે હતું. આમ મીડિયા સંદર્ભે અન્ના હજારેને જાત અનુભવ છે.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે.

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

મીડિયા અન્નાના આંદોલનમાં એક ઈવેન્ટ મેનેજર તરીકે વર્તયું હોય તેવું સ્પષ્ટ લાગે છે. મીડિયાએ અન્ના ઈવેન્ટને આંદોલનમાં ફેરવી નાખી છે. સતત ત્રણ-ચાર દિવસથી અન્ના સિવાય અન્ય કોઈ સમાચાર ટેલિવિઝન પર આવતા નથી. ઈલેક્ટ્રોનિક મીડિયાએ હદ કરી નાખી છે કે અન્નાના આંદોલનના હિસાબે જાણે કે દુનિયા થંભી ગઈ હોય અને અન્ય કોઈ ઘટનાઓ બનતી જ ન હોય! અન્ના હજારે તિહાડ જેલમાંથી બહાર આવ્યા, રેલીમાં ચાલ્યા અને દોડયા, રામલીલા મેદાનમાં સંબોધન કર્યું-જેવા સમાચારો ખૂબ બહોળા કવરેજથી બતાવ્યા કર્યા છે. આગળ જતાં મીડિયા અન્નાની તબિયત, સરકાર તરફથી કરવામાં આવતા નિવેદનો, વિપક્ષનું સ્ટેન્ડ, આંદોલનના ટેકેદારો વગેરે બાબતોમાં ઈવેન્ટને જલદ બનાવી આંદોલને ઉગ્ર બનાવવાની ફિરાકમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. બાબા રામદેવનું આંદોલન પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હતું અને તેમાં વિદેશથી કાળું ધન પાછું લાવવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ બાબા રામદેવ અન્ના હજારેના આંદોલન જેટલું બહોળું અને હકારાત્મક કવરેજ મેળવવા માટે ભાગ્યશાળી બન્યા ન હતા. બાબા રામદેવ મહિલાઓના કપડાંમાં ભાગ્યા, બાબા રામદેવ ફરી ગયા, બાબા રામદેવની કંપનીઓ અને ટ્રસ્ટોની સંપત્તિનો વિવાદ, તેમના સહયોગી બાલકૃષ્ણ સામેના આરોપોની ચર્ચા-વગેરે ઘણી નેગેટીવ સ્ટોરી મીડિયા દ્વારા ચલાવવામાં આવી હતી.

આના પરથી એક વાત સ્પષ્ટ છે કે મીડિયાને પોતાના એજન્ડા માટે બાબા રામદેવ કરતાં અન્ના હજારે વધારે અનુકૂળ આવે તેમ છે. આગળ વાત કરી તેમ મીડિયા હવે પત્રકારો નહીં, કોર્પોરેટ હાઉસના હાથમાં છે. એટલે કે મીડિયા કોર્પોરેટ હાઉસના એજન્ડાઓ પ્રમાણે કામ કરે છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે જે કોર્પોરેટોના આંતરરાષ્ટ્રીય હિતો છે, તે રાષ્ટ્રહિતના મુદ્દાઓને પોતાના એજન્ડા પ્રમાણે ગેરમાર્ગે દોરવા તે દિશામાં જનમત ઘડવાનો પ્રયાસ પણ કરે. તમને નથી લાગતું કે મીડિયાનો એજન્ડા રાષ્ટ્ર હિત વિરુદ્ધ કોર્પોરેટના આંતરરાષ્ટ્રીય હિતના દિશા-નિર્દેશથી બનતો હશે?

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

અણ્ણા હજારેને 21 સવાલ


આનંદ શુક્લ

(1) માનનીય અન્ના હજારે લોકપાલ નિયુક્ત કરવા માટે તમે આંદોલનની શરૂઆત કરી હતી, હવે તમે ભ્રષ્ટાચાર અને વ્યવસ્થા પરિવર્તન તથા બીજી આઝાદીની લડાઈનું આહ્વવાન કરવા લાગ્યા છો. ત્યારે તમે ભારતની લોકતાંત્રિક પદ્ધતિઓ પ્રમાણે આ વાત કરવા માંગતા હોય તેમ લાગતું નથી. તમારો ઈરાદો બીજા ગાંધી કે જેપી બનાવાની મહત્વકાંક્ષામાં દેશને અરાજકતા તરફ ઘસડી જવાનો તો નથી ને?

(2)તમારી વાતોને સાંભળીને લાગે છે કે કાં તો તમે સંભ્રમમાં છો અથવા લોકોને ભ્રમમાં નાખી રહ્યાં છો. તમે કોઈ અન્ય શક્તિઓના હાથમાં મ્હોરું બની ગયા હોય તેવી સંભાવના ઈન્કારી શકાય તેમ નથી. તો તેની તમે અથવા તમારી ટોળકી સ્પષ્ટતા શા માટે કરતાં નથી?

(3) અન્ના તમે તમારા ગામ રાલેગાંવ સિદ્ધિમાં ગ્રામ સુધારાના ઘણાં કાર્યક્રમો સફળતાપૂર્વક લાગુ કર્યા અને તમને ખ્યાતિ મળી. આવા કાર્યક્રમો અન્ય ગામડાંઓમાં લાગુ કરવાના પ્રયત્નો કેમ કર્યા નહીં? તમે અન્ય કેટલાં ગામોમાં આવા સફળ કાર્યક્રમો કર્યા છે? શું રાલેગાંવ સિદ્ધિની તમારી સફળતા તમારે રાજકીય આંદોલનો થકી અંકે કરવી હતી? તેના માટે જ તમે તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે મહારાષ્ટ્રની રાજકીય લડાઈઓ અને જનલોકપાલ બિલમાં કેટલાંક રાજકીય અને કદાચ અન્ય તત્વોનો હાથો બની ગયા છો?

(4) તાજેતરના વર્ષોમાં જોઈએ તો એક હકીકત સામે આવી છે કે કોઈ એક ક્ષેત્રમાં અનુકરણીય કામ કરનારા લોકોને નાયક બનાવીને તેમની છબીનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ આવા લોકો અન્ય ક્ષેત્રો માટે તૈયાર ન હોવાથી ટાંચા પુરવાર થયા છે. ત્યારે ટી. એન. શેષન, જી. કે. ખૈરનારની જેમ અન્ના હજારે તમારી પણ દશા થઈ રહી છે, તેવું તમને કેમ લાગતું નથી?

(5) અન્ના તમે જનલોકપાલ બિલના મસીહા તરીકે આજે અમારી સામે છો, પરંતુ શું આવા બિલની જરૂરિયાત, પ્રાસંગિકતા, ઉપયોગિતા, ઔચિત્ય વગેરે સંદર્ભે તમે કોઈ વિચાર કર્યો હતો અને કર્યો હતો તે શું છે? તમે તમારા રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આંદોલન કર્યા અને તેમા લોકપાલ વગર જ સફળ થયા છો. આ સિવાય ગત વર્ષે લોકપાલ વગર જ ભ્રષ્ટાચારના 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકનું માઈન્સ અને યેદિયુરપ્પાનું કૌભાંડ અને આદર્શ સોસાયટી જેવાં ઘણાં મોટામોટા ગોટાળા ખુલ્લા પડયા છે. ઘણાં પ્રભાવશાળી લોકોને જેલની હવા ખાવી પડી છે. ઘણાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ અને સીવીસી, સીબીઆઈ, એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ, લોકાયુક્ત, વગેરે હાલની લોકતાંત્રિક વ્યવસ્થામાં અસ્તિત્વમાં છે. શું તેનાથી એ નિષ્કર્ષ નીકળતો નથી કે વર્તમાન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરતો અવકાશ છે? તમે લોકપાલની જીદ્દ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મેળવવા માટે તો નથી કરતાં ને?

(6) લોકપાલ લાવવા માટે તૈયાર હતા તો તમારે પહેલેથી જ લોકપાલનો મુસદ્દો તૈયાર કર્યા પછી જનતાની વચ્ચે જવું હતું, કોઈ ડાયલોગ કરવા હતા, જનજાગૃતિ કરવી હતી. પણ તેની જગ્યાએ એપ્રિલમાં અનશન અને અત્યારે અનશનના તાયફા શા માટે કરો છો? હું, બાવોને મંગળિયો બનીને ભારતના 121 કરોડ લોકોના પ્રતિનિધિત્વનો દાવો કરતી સિવિલ સોસાયટી થકી તમે સરકાર સાથે સંયુક્ત મુસદ્દા સમિતિમાં આટલી બેઠકોમાં શા માટે સામેલ થયા? તમે એક જ બેઠકમાં તમારી વાતો અને સૂચનો કહીને બહાર આવી શકતા હતા?

(7) તમે લોકતંત્રમાં લોકોને સર્વોપરી માનો છો. તો પછી સરકાર સાથે જનલોકપાલ મુદ્દે વાટાઘાટો અને વાતચીતનું નાટક શું કામ કર્યું? તમે સીધા જનમત એકઠો કરવાના કાર્યક્રમો સાથે જનતા વચ્ચે કેમ ન ગયા?

(8) અન્ના હજારે તમે સંસદની પ્રામાણિકતા પર સવાલો ઉભા કર્યા છે અને ચૂંટણી પ્રણાલી પર, તેમ છતાં તમે લોકતાંત્રિક પ્રક્રિયામાં અને દેશના બંધારણમાં કેવી રીતે વિશ્વાસ રાખો છો, તે સ્પષ્ટ કરો?

(9) તમે દેશની જનતાનું એમ કહીને અપમાન કર્યું છે કે પૈસા અને દારૂથી વોટરોની ખરીદી થાય છે. બીજા શબ્દોમાં કહું તો તમે મીડિયામાં આવતા થોડા કિસ્સાઓને આધારે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર પ્રશ્ન ચિન્હ કેવી રીતે લગાવી શકો? આવું કરતી વખતે તમે એ ઐતિહાસિક તથ્યો કેમ ભૂલી જાવ છો કે આ દેશની જનતાએ 1977, 1989, 1996, 1998માં સત્તા પરિવર્તનો કર્યા છે. શું આ બધાં સત્તા પરિવર્તનો પણ પૈસા અને દારૂથી વોટરોની ખરીદી કરીને કરવામાં આવ્યા છે? આવી વાહિયાત વાતો તમે કેમ કરો છો? લોકતંત્રમાં લોકોને સર્વોપરી માનો છો, પણ તમારી લોકો માટેની ધારણા સારી હોય તેમ લાગતું નથી?

(10) તમે ખુદને ગાંધીવાદી ગણાવો છો. માટે તમારો સવિનય કાનૂન ભંગ, અહિંસા, સત્યાગ્રહ, અનશન વગેરેમાં વિશ્વાસ હશે. પરંતુ બીજી તરફ તમે ગાંધીનો રસ્તો છોડીને શિવાજીનો માર્ગ અપનાવવાની ઘોષણા પણ કરી છે. એટલે કે તેનો અર્થ એ છે કે તમને ગાંધીના ચિંધ્યા માર્ગ પર પૂર્ણ વિશ્વાસ નથી અને શિવાજીના માર્ગે ચાલવાની ઘોષણાથી સ્પષ્ટ થાય છે કે તમને હિંસાથી કોઈ પરહેજ નથી. ત્યારે તમે તમારી જાતને ગાંધીવાદી કહેવાને કેવી રીતે લાયક છો?

(11) ગાંધીજી આત્મશુદ્ધિ માટે તેઓ જ્યાં હોય ત્યાં ઉપવાસ કરતાં હતા.તમે દિલ્હીમાં જ અનશન કરવાનો આગ્રહ શા માટે રાખો છો? (તમારામાં જો ગાંધી જેટલી નૈતિકતા હોત તો તમે રાલેગાંવ સિદ્ધિમાં કરોડ લોકોને ભેગા કરીને અનશન કરી શક્યા હોત અને સરકારને તમારા ઘૂંટણિયે પડવું પડત.)

(12) અન્ના હજારે 15 ઓગસ્ટનું મહત્વ તમને ખબર છે. સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને અંધારું કરવાની જે અપીલ કરી, તે એક સ્વાધીન દેશની અસ્મિતાથી બિલકુલ વિપરીત તમને કેમ ન લાગી? તમે લોકોને ઓફિસમાંથી રજા લઈને આંદોલનમાં જોડાવાની દરખાસ્ત કરી. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે નૈતિક બળના આધારે ગાંધીજીના આંદોલનમાં લોકોએ નોકરીઓમાંથી રાજીનામું આપીને ભાગ લીધો હતો. શું તમારામાં આવા નૈતિક બળનો અભાવ નથી કે જેથી તમારે લોકોને નોકરીઓમાંથી રજા લેવાની દરખાસ્ત કરવી પડે છે?

(13) અન્ના તમે 15 ઓગસ્ટની સાંજે મીડિયાને તમારા પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે તમે બંને સાથે મળીને લડાઈ લડશો. પરંતુ તમે મીડિયાની પ્રસિદ્ધિથી આત્મમુગ્ધ હો તેમ નથી લાગતું? વળી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ભ્રષ્ટ હોવાનું અને ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાની વાત કોઈનાથી અજાણી નથી. ત્યારે તમે ભ્રષ્ટાચારને રોકવા માટે બીજા ભ્રષ્ટાચારીનો સાથ કેવી રીતે લીધો? તમારું આંદોલન મીડિયા સાથેની કોઈ ગોઠવણથી જ તો નથી ચાલતું ને? કારણ કે તમારું આંદોલન મીડિયામાં વધારે દેખાય છે. બાકી દેશ આખો અત્યારે સામાન્ય છે.

(14) એક તરફ તમે રાજકારણીઓનો સાથ લેવાની ના પાડો છો અને બીજી તરફ તમે અને તમારી ટોળકી લાલકૃષ્ણ અડવાણી સહીતના રાજકારણીઓના ઘરના ઉંબરા ઘસો છો. ત્યારે તમને લાગે છે કે આવા બેવડાં વલણોથી તમે કંઈપણ હાસિલ કરી શકશો? કારણ કે તંત્રમાં સુધારો કરવા કે તેને બદલવા માટે તમારે રાજકારણીઓની મદદ તો લેવી જ પડશે. પણ આ વાત તમને આંદોલનમાં જાહેરાતો કરતી વખતે ખબર પડતી ન હતી?

(15) તમે, અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનિષ સિસોદિયા જેવાં ચાર-પાંચ માણસોની ટોળકી ભેગી થઈને 121 કરોડ લોકોના પ્રતિનિધિત્વનો દાવો કેવી રીતે કરી શકો? ચૂંટણી પ્રક્રીયાથી ચૂંટાઈને દેશની સંસદ અને વિધાનસભાઓમાં બેઠેલા લોકો તમારા મતે દેશના 121 કરોડ લોકોના પ્રતિનિધિઓ નથી? તમે સંસદ અને વિધાનસભાઓની પ્રતિષ્ઠાને ઓછી કરવાના નિવેદનો કેવી રીતે આપી શકો? આ લોકોનું, લોકોના તંત્રનું અપમાન નથી?

(16) તમારી સાથેના અગ્નિવેશ માઓવાદીઓની તરફદારી કરે છે, કાશ્મીરના અલગતાવાદીઓને પંપાળે છે અને અમરનાથના શિવલિંગનું અપમાન કરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. પરંતુ તેઓ તમારી સાથે હંમેશા હોય છે, પરંતુ રાષ્ટ્રવાદની વાતો કરનાર અને રાષ્ટ્રવાદી લોકોને આવકારનાર બાબા રામદેવ નામના ભગવાધારી સાધુને તમે મંચ પર આવવા દેવાની ના પાડતા રહ્યાં છો. આ પ્રકારનો અભિગમ હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ સાથે શા માટે?

(17) તમારી સાથે ગુજરાતના વિકાસની વિરોધી મેધા પાટકર છે. તેઓએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિરોધ ઘણાં લાંબા સમયથી કર્યો હતો. પણ તેઓ તમારી સાથે છે. તો બીજી તરફ હર્ષ મંડર નામના મહાનુભાવ પણ ગુજરાત અને તેના લોકો માટે સારી ભાવના ધરાવતા નથી. તેમની સાથે નજીકનો ધરોબો રાખનારા લોકો પણ તમારી ટોળકીમાં છે. ત્યારે તમને તેનાથી કોઈ વાંધો કેમ ઉઠતો નથી?


(18)
મીડિયામાં આવેલા સમાચારોને આધારે તમે ગુજરાતના વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરો છો. પરંતુ અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં પક્ષપાતપૂર્ણ અભિગમવાળા લોકોની વાત માનીને ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા હોવાની જાહેરાત કરો છો. જો આના માટે તમારી પાસે પુરાવા હોય તો તે પુરાવા તમે કેમ જાહેર કરતા નથી? હવે તો ગુજરાત સરકારે પંચની પણ રચના કરી છે.

(19) તમે ભ્રષ્ટાચાર સામે જ લડવા માંગતા હોય, તો તમારા મહારાષ્ટ્રમાં ઘણાં બધાં કૌભાંડો હજીપણ છે, પરંતુ તમે ત્યાં અનશન અને આંદોલનો કરવાના શા માટે બંધ કરી દીધા? તમારી ઈચ્છા રાષ્ટ્રીય સ્તરે ઝળકવાની તો ન હતી ને?

(20) મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઉત્તર ભારતીયો પર મરાઠીવાદથી પ્રેરીત થઈને રાજ ઠાકરેના ગુંડાઓએ ઉત્તર ભારતીયો પર હુમલા કર્યા હતા. પરંતુ તમે તેની સામે કોઈ અનશન કે આંદોલન કર્યા નહીં, પરંતુ તેનાથી વિપરીત તમે રાજ ઠાકરેની પ્રશંસા કરી. તમારી આવી સંકુચિત પ્રાદેશિક દ્રષ્ટિ શા માટે છે?

(21) ગાંધીવાદી અન્ના હજારે ગાંધીજીએ પોતાની વાણીસંયમ અને મર્યાદાનો ક્યારેય ભંગ કર્યો નથી. તમે વડાપ્રધાનને લખેલા પત્રમાં ઘણો મર્યાદા ભંગ કર્યો છે. ત્યાર બાદ મનીષ તિવારીએ તમારી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમને વડાપ્રધાનને લખેલા પત્રમાં વાણીસંયમ અને મર્યાદાનો ભંગ થયો હોવાનું લાગે છે? તમારે આના માટે માફી શા માટે ન માગવી જોઈએ?

મિત્રો ઉપરોક્ત સવાલમાં કોઈ અન્ય સવાલ ઉમેરવો હોય તો તમારું સ્વાગત છે. તમારો સવાલ લખીને મને પોસ્ટ કરી દો.