બુધવાર, 26 ઑગસ્ટ, 2026

રિઝર્વેશન હટાવો આંદોલન મતલબ મોદી સરકાર હટાવો આંદોલન!

- આનંદ શુક્લ 

ભારતમાં અનામત એક રાજકીય ચક્રવ્યૂહ છે. કોઈ રાજનેતા ઘણો મોટો બને તો તેને અનામતના ચક્રવ્યૂહમાં ફસાવીને પછાડવો. આ રાજકીય પ્રયોગો ભારતમાં સ્વતંત્રતા પ્રાપ્તિ પછી મોટાભાગના રાજનેતાઓ સાથે થયા છે. ગુજરાતમાં ખામ થિયરી થકી સત્તામાં આવેલા માધવસિંહ સોલંકીએ 148 બેઠકો સાથે કૉંગ્રેસને જીત અપાવી હતી. પણ તેમને સત્તામાંથી હટાવવા માટે અનામત આંદોલનની મોટી ભૂમિકા હતી. અરે માધવસિંહ સોલંકીની વાત થોડી જૂની છે. પણ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં રાજકીય કુનેહ ધરાવતા આનંદીબહેન પટેલને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પણ આનંદીબહેન પટેલ જે સમુદાયમાંથી આવે છે અને ભાજપના ગુજરાતમાં જે સૌથી મોટા વોટર્સ સમુદાય છે- તે પાટીદાર સમુદાયે અનામતની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ એક આંદોલન કર્યું હતું. આ આંદોલન 2015માં જીએમડીસી ખાતે એક મહાવિશાળ રેલી દ્વારા આનંદીબહેન પટેલની સરકાર સામે એક મોટો પડકાર ઉભો કરી ચુક્યું હતું. આંદોલન દરમિયાન થયેલા ગોળીબારમાં 14 જેટલા પાટીદાર યુવાઓના બલિદાન થયા. તેના પછી આર્થિક રીતે પછતાં સવર્ણ સમુદાયોને 10 ટકા અનામત આપવામાં આવ્યું. 


આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ચુનૌતિયાં મુઝે પસંદ હૈ- માં પાટીદાર અનામત આંદોલનને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માગણી બંધારણીય રીતે પૂર્ણ થઈ શકે તેમ ન હતી. આને લઈને વાતચીત ચાલી રહી હતી. તેની સાથે પાટીદાર અનામત આંદોલન પાછળ ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓની ભૂમિકાને લઈને પણ વાત કરવામાં આવી છે. ટૂંકમાં પાટીદાર અનામત આંદોલનના એક વર્ષ બાદ આનંદીબહેન પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીના દોઢ-સવા વર્ષના સમય પહેલા રાજીનામું આપ્યું હતું. એટલે કે પાટીદાર અનામત આંદોલન કે જેમાં પાટીદારોને ઓબીસી અનામત આપવાની માગણી કરવામાં આવી હતી, જે બંધારણીય રીતે શક્ય ન હતી- તેના કારણે આનંદીબહેનને રાજીનામું આપવું પડયું. એટલે કે આ આંદોલનની ડિઝાઈન ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને હટાવવાની હતી. 


હવે ગુજરાતવાળો અનામતના સફળ ચક્રવ્યૂહનો પ્રયોગ કેન્દ્રમાં મોદી સરકાર સામે થઈ રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી દ્વારા નીટ-યુજી પેપર લીક કાંડમાં શિક્ષણ પ્રધાન પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પેપર લીક મામલે કડક કાયદાના અમલ પછી હવે આંદોલન-આંદોલનની રમત-ગમત સ્પર્ધા જાણે કે દિલ્હીના જંતર-મંતર પર ચાલુ થઈ છે. કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી પહેલા ડિજિટલ પ્લેટફોર્મ પર આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અભિજીત દીપકેએ કરી હતી અને તેમણે તેને સફળતા સુધી પહોંચાડીને દર્શાવી દીધું કે મોદી સરકાર પણ ઝુકે છે, ઝુકાવનારો જોઈએ. 


હવે જંતર-મંતર પર રિઝર્વેશન હટાવો આંદોલનના નેજા હેઠળ અનામત વ્યવસ્થા પર વિમર્શ હેઠળ એક આંદોલન ઉભું કરવાની કોશિશ થઈ રહી છે. આ આંદોલનના ચહેરા ક્યારેક દક્ષિણપંથી વિચારધારા ધરાવતી થિંક ટેન્કો અથવા વૈચારીક આંદોલનમાં જોવા મળતા હતા. આવા ચહેરા સીધા પોતાને આંદોલન સાથે જોડાયેલા હોવાનો ઈન્કાર પણ કરી રહ્યા છે. જેવી રીતે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિનો ચહેરો હાર્દિક પટેલ હતા., તેવી રીતે આ આંદોલનનો ચહેરો હર્ષ દુબે છે. આમ તો અનામત ભારતીય રાજકારણના એવા સાત કોઠા છે કે જેમાં ફસાયેલા નેતા મોટાભાગે અભિમન્યુ જ સાબિત થયા છે અને આ સાત કોઠાને વિંધનારા અર્જૂનની રાહ જોવાઈ રહી છે. પરંતુ હાલ જે રિઝર્વેશન હટાવો આંદોલન ચાલી રહ્યું છે, તેમાં મોદી સરકારને અભિમન્યુ બનાવવાની કોશિશ થઈ રહી છે. ભલે 2029ની લોકસભાની ચૂંટણીને હજી અઢી વર્ષ જેટલો સમય બાકી હોય. પણ તેના પહેલા 2027માં આવનારી યુપી અને ગુજરાત સહીતના મહત્ત્વના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આ રાજકીય પ્રયોગના પારખા કરવાની આંદોલનકારીઓ અને તેમની પાછળ રહેલા લોકોને હશે.


ભારતમાં જાતિગત વસ્તીગણતરી એટલે કે કાસ્ટ બેસ્ડ સેન્સસ ચાલી રહ્યો છે. તેના પછી ભારતમાં વસ્તીના પ્રમાણમાં એસસી-એસટી-ઓબીસી અનામત વધારવાની માગણીઓ સાથે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ડાબેરીઓ સહીતના વિપક્ષી દળોના નેતાઓ નિવેદનબાજી કરી ચુક્યા છે. કોંગ્રેસે તો જાતિગત વસ્તીગણતરીમાં ઓબીસી કૉલમ ઉમેરવાની માગણી કરતો પત્ર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે. 2014થી ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જ્ઞાતિમાંથી આવતા હોવાનું ઘણીવાર કહી ચુક્યા છે. 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, તે અરસામાં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એક દક્ષિણપંથી મેગેઝીનના ઈન્ટરવ્યૂના લીક થયેલા હિસ્સાને ટાંકીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને ટાંકીને મીડિયા અહેવાલ હતા કે અનામતની વ્યવસ્થા પર પુનર્વિચારણા થવી જોઈએ. આને લઈને સંઘ તરફથી સ્પષ્ટીકરણ પણ બહાર પાડવામાં આવ્યું હતું. પણ 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી ન હતી. 


તેવી જ રીતે 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અબ કી બાર 400 કે પાર, સૂત્ર ચલાવવામાં આવ્યું. ભારતના બંધારણમાં ઘણી મહત્ત્વની જોગવાઈઓ બે તૃતિયાંશ બહુમતી અને 50 ટકા રાજ્યોના સમર્થનથી બદલી શકાય છે. તેથી બંધારણ બદલવાની ગર્ભિત યોજના હોવાનો ભાજપ-સંઘ પર આરોપ લગાવવામાં આવ્યો. તેનું પરિણામ હતું કે ભાજપને મળનારા દલિત વોટમાં ઘટાડો થયો અને ઓબીસી વોટર્સ પર પણ આની અસર થઈ હતી. જો કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીતના નેતાઓએ ખાત્રીપૂર્વક કહ્યું હતુ કે અનામત કોઈ હટાવી નહીં શકે. તાજેતરમાં રાજનાથસિંહે પણ કહ્યુ છે કે અનામત કોઈ માઈનો લાલ હટાવી શકશે નહીં. 


તેમ છતાં રિઝર્વેશન હટાવો આંદોલન જે રીતે આગળ વધી રહ્યું છે, તેની ડિઝાઈન મોદી સરકાર હટાવોની વધારે હોય તેમ લાગે છે. ભારતીય જનતા પાર્ટીની કોર સ્ટ્રેન્થ હિંદુ પોલિટિકલ યૂનિટી છે. 2014, 2019 અને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં વિપક્ષને આનો તોડ મળ્યો ન હતો. પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમને સંકેત મળી ગયા હતા કે આ હિંદુ પોલિટિકલ યૂનિટીને તોડવી હોય તો કાસ્ટ બેસ્ડ પોલિટિક્સને પુનર્જીવિત કરવું પડે. તેના માટે કાસ્ટ સેન્સસ કરાવવાની માગણી પાસેરામાં પહેલી પુણી હતી અને તેના પછી અનામતની સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી 50 ટકાથી વધારે અનામત આપવાની એટલે કે અનામતને વસ્તીના પ્રમાણમાં વધારવાની માગણી તેનો બીજો તબક્કો હતો. 


આને લઈને બિનઅનામત વર્ગના હિંદુ સમુદાયોનમાં પણ આશંકાઓ તેજ બની. જેનો લાભ લઈને વિપક્ષ હોય કે ભાજપ-સંઘ જે વૈચારીક દક્ષિણપંથી હિંદુત્વવાદી કુળ ધરાવે છે, તેમા રહેલા મોદી સરકારને નાપંસદ કરનારા વર્ગ-જૂથ હોય તેમના દ્વારા રિઝર્વેશન હટાવો આંદોલન શરૂ કરવાની કોશિશો થઈ છે. 


2014, 2019 અને 2024માં ભાજપને હિંદુ અપર કાસ્ટ્સના 50 ટકાથી વધુ વોટ મળ્યા છે. મતલબ કે તે ભાજપની વફાદાર વોટબેંક છે. 2024માં ભાજપની વફાદાર વોટબેંક ઓબીસી અને એસસી વોટમાં ગાબડું પાડવામાં વિપક્ષને સફળતા મળી હતી. 2024માં ભાજપને મળેલા ઓબીસી વોટ 52 ટકાથી ઘટીને 48 ટકા થયા હતા. જ્યારે એસસી કે દલિત વોટ 41 ટકાથી ઘટીને 36 ટકાએ પહોંચ્યા હતા. આની અસર ઉત્તરપ્રદેશમાં ભાજપની બેઠકોમાં ધરખમ ઘટાડાથી થઈ હતી. જેના પરિણામે ભાજપ-એનડીએ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યું. જો કે રાહતની વાત એટલી છે કે ભાજપને મળેલા એસટી વોટ એટલે કે આદિવાસી વોટ 45 ટકાથી વધીને 51 ટકા થયા હતા. 



પણ હવે 2029ની લોકસભા ચૂંટણી અને તેના પહેલાની વિધાનસભાની ચૂંટણીઓમાં રિઝર્વેશન હટાવો આંદોલન સામે રિઝર્વેશન બચાવો આંદોલન શરૂ થાય અને તેના દ્વારા બિનઅનામત-ઓપન, ઓબીસી, એસસી અને એસટી વર્ગોમાં વહેંચાઈ જાય તેવી એક વોટિંગ પેટર્નને ઉપસાવવાની રાજકીય ડિઝાઈન થકી મોદી સરકાર-ભાજપ-આરએસએસ અને હિંદુવાદી સંગઠનોને પડકારીને હિંદુ પોલિટિકલ યૂનિટીને ખતમ કરવાનો એક મોટો રાજકીય પ્રયોગ હાથ ધરાયો છે. આ પ્રયોગ કેન્દ્રની મોદી સરકારને અનામતના રાજકીય ચક્રવ્યૂહમાં અભિમન્યુ બનાવવાની એક કોશિશ છે. પણ હંમેશા અર્જૂન સાબિત થનારી મોદી સરકાર નિશ્ચિતપણે આમા અર્જૂન તરીકે અકબંધ રહેવાની કોશિશ કરશે. પણ તે કેટલી અને કેવી રીતે સફળ રહેશે તે આંદોલનોની દશા અને દિશા જ નક્કી કરશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો