શુક્રવાર, 7 ઑગસ્ટ, 2026

RSS ચીફ મોહન ભાગવત માટે અનામત "સબ્સિડીવાળો LPG ગેસ સિલિન્ડર" છે!

- આનંદ શુક્લ

27 માર્ચ, 2015ના રોજ નવી દિલ્હી ખાતેના ઊર્જા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સક્ષમ નાગરિકોને એલપીજી ગેસ સબ્સિડી છોડવાની હાકલ કરી હતી. તેને લઈને ગિવ ઈંટ અપ અભિયાન શરૂ થયું હતું. તેનો ઉદેશ્ય બહુ સારો હતો કે અમીર અને સક્ષમ લોકો દ્વારા છોડવામાં આવેલી સબ્સિડીના નાણાં ગરીબ અને ગ્રામીણ પરિવારોને મફત રાંધણગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવી શકાય. આ અપીલ બાદ કેટલાક લોકોએ સબ્સિડીવાળા રાંધણ ગેસના સિલિન્ડર છોડી દીધા કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ કેટલા વધ્યા. ઈરાન યુદ્ધ વખતે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત કેટલી થઈ કે વધી.. આ બધી ચર્ચા અહીં કરવી નથી. 

પણ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બે હજાર જેટલા જેન-ઝી અને જેન-આલ્ફા યુવાઓની હાજરીમાં IIMUN ના ફાઉન્ડર ઋષભ શાહ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જે વાત કરી તેના પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ અનામતને સબ્સિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરની જેમ સમજી રહ્યા છે.

તેમને આશ્ચર્ય થશે, પણ તેમણે કહેલી વાત યાદ કરાવીએ તો એવું લાગશે કે જાણે ખરેખર અનામતને સબ્સિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડર જ સમજે છે. 

તેમણે અનામતના મામલે વાત કરતા કહ્યુ કે જેમને અનામત મળી ગયું છે અને જેમની સ્થિતિ ઠીક થઈ ગઈ, તેઓ કોટાનો લાભ છોડી દે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે જે લોકોને અનામત મળી ચુક્યં છે, જેમાંથી ઘણાં એવા છે, જો કે તેમની સંખ્યા ઓછી.. તે કહે છ કે અમે લઈ લીધું છે.. અમારી સ્થિતિ ઠીક થઈ ગઈ છે હવે બીજાને આપી દો.

તેમણે કરેલી આ વાત તમને પીએમ મોદી દ્વારા સબ્સિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડર છોડવાની અપીલ જેવી નથી લાગતી. વળી તેમણે જે દાવો કર્યો છે કે અનામત મળી ચુક્યું હોય અને સ્વેચ્છાથી તેને છોડીને અન્યને આનો લાભ આપવા માટે તૈયાર હોય તેવા કેટલા વ્યક્તિઓને તમે ઓળખો છો. 

જેવી રીતે સબ્સિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડર છોડનારા વધેલા ભાવ સાથે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદી રહ્યા છે.. તેમની ભાવનાઓની તો કોઈ વાત કરતું નથી. તેવી સ્થિતિ સ્વૈચ્છિક અનામત છોડનારની થવાની શક્યતાઓને પણ જોવાઈ રહી છે. 

અનામત માટે સબકેટેગરી બનાવવાનું સમર્થન કરતા ભાગવતે કહ્યુ છે કે કેટેગરી બનાવવાની માગણી કેટલાક પ્રાંતોમાં થઈ છે. હજી સુપ્રીમ કોર્ટે પણ કહી દીધુ છે. આવું એટલા માટે થયું છે.. કારણ કે સૌને મળવું જોઈએ. તો અનામત મેળવી ચુકેલા લોકોમાં એક અવી જમાત છે, જે કહે છે કે આ અમારા ઉત્થાન માટે છે, આ કાયમી ઉકેલ નથી. તેનો અમારે ફાયદો લેવો છે. પોતાની સ્થિતિ ઠીક કરવી છે અને તેને અન્યો માટે લાભકારી બનાવવાનું છે. જેમને અત્યાર સુધી આનો લાભ મળ્યો નથી. આવું લોકો વિચારે છે, તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમાં રાજનીતિ થવી જોઈએ નહીં. 

જો કે શિક્ષણ અને રોજગારમાં અનામત ઘટાડવા બાબતે પુછાયેલા સવાલના જવાબમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે આ મુદ્દો બી. આર. આંબેડકરના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યુ કે જ્યાં સુધી સામાજિક ભેદભાવ રહશે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે. 

ભાગવતે એમ પણ ઉમેર્યું હતું કે અનામત લાગુ કરવાનું કામ રાજકીય માનસિકતાથી અલગ હોવું જોઈએ. તેમણે ક્હયુ હતુ કે જો કલ્યાણકારી ઉપાય પ્રામાણિકતા અને સચ્ચાઈથી લાગુ કરવામાં આવે, તો અનામતની જરૂરત જલદી જ સમાપ્ત થઈ જશે અને તેના પછી જ તેના ભવિષ્ય પર ચર્ચા થવી જોઈએ. 

ભાગવતના નિવેદનથી બે વાત સ્પષ્ટ છે કે સામાજીક ભેદભાવો હજી અસ્તિત્વમાં છે અને કલ્યાણકારી ઉપાયોને લાગુ કરવામાં પુરતી પ્રામાણિકતા અને સચ્ચાઈ લાવી શકાય નથી. વળી અનામતને લાગુ કરવામાં પણ રાજનીતિ સ્વતંત્રતા સાથે જ શરૂ થઈ હતી. 

ભારતીય બંધારણમાં મૂળભૂત રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાજીક સ્તરને ઉપર લાવીને સામાજીક ન્યાય અપાવવા માટે લાગુ કરવામાં આવ્યું હતું. આભડટછેટ અને ઉંચ-નીચ જેવા સામાજીક ભેદભાવો આની પાછળ કારણ હતા. 

અનામત બાદ સારું ભણવું અને સારી નોકરી મેળવી પૈસાપાત્ર થવાથી આવા સામાજીક ભેદભાવો જતાં નથી, તે અનામત લાગુ થવાના આટલા દાયકાઓના અનુભવે સાબિત કર્યું છે. સામાજીક ભેદભાવો વચ્ચે પણ એસસી-એસટી વર્ગના લોકોને સ્વીકારવા માટે સમાજને બાધ્ય કરવા માટે અનામતની વ્યવસ્થા લાવવામાં આવી હતી. પણ અનામત પર આંટાપાટાનું રાજકારણ રમતા છેક વાત હવે આર્થિક રીતે પછાતને અનામત આપવી અને અન્ય પછાત વર્ગોમાં જાતિઓને સામેલ કરવી કે કાઢવી સુધીની રાજરમતો થઈ રહી છે. 

કોકરોચ જનતા પાર્ટીના દિલ્હી જંતર-મંતર ખાતેના નીટ-યુજી પેપર લીક કાંડ મામલે થયેલા આંદોલન અને ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્ર પદેથી રાજીનામા બાદ હવે અનામત હટાવો-અનામત બચાવોની ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. તાજેતરના સપ્તાહોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં અનામત વિરોધી દેખાવોના પણ અહેવાલ છે. ઘણાં જૂથો જાતિ આધારીત કોટા અને યુજીસીના ઈક્વિટી નિયમો કે જેના પર હાલ રોક છે, તેની સમીક્ષા કે તેની વાપસીની માગણી કરી રહ્યા છે. રિઝર્વવેશન હટાવવાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતરમાં આંદોલનની વાતો સોશયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલોઅર્સની સંખ્યા વધારીને કરાઈ રહી છે. તો સામે રિઝર્વેશન બચાવોની વાતો પણ સમાન ઉગ્રતાથી મૂકાઈ રહી છે. 

આવા સંજોગોમાં તમને શું લાગે છે કે અનામત કંઈ સબ્સિડીવાળો એલપીજી ગેસ સિલિન્ડર છે કે તેને કોઈ છોડી દેશે? સૌથી પહેલા તમે જ વિચારો કે શું તમે સબ્સિડીવાળો એલપીજી ગેસ સિલિન્ડર છોડી દીધો છે? શું તમને અનામત મળતું હોય તો તમે સંઘ પ્રમુખની વાત સાથે સંમત થઈને તમને અનામતનો ફાયદો મળ્યા પછી તેને છોડવા માટે તૈયાર છો? જો કે 2014માં ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી અપનારી લોકપ્રિયતા સાથે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની વાત માનીને સબ્સિડીવાળો એલપીજી ગેસ સિલિન્ડર છોડનારાઓની સંખ્યા એટલી વધારે નથી અને તમને લાગે છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાલની લોકપ્રિયતા તે સમયની પીએમ મોદીની લોકપ્રિયતાનો મુકાબલો કરી શકે તેમ છે...?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો