લેબલ Ghazni History સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Ghazni History સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

સોમનાથ મંદિર તોડનારા મહમૂદ ગઝનવીના તિલક અને સુંદર નામના હિંદુ સેનાપતિઓ હતા!

 

આનંદ શુક્લ: હિંદુ કે બૌદ્ધ પૂર્વજો ધરાવતા સબક્તગીનના પુત્ર મહમૂદ ગઝનવીએ ખલીફાને આપેલા વાયદા મુજબ, બિનમુસ્લિમ એવા હિંદુઓના પ્રદેશ ભારત પર 17 આક્રમણો કર્યા હતા અને લૂંટફાટ કરી હતી.

 

પણ આશ્ચર્ય એ વાતનું છે કે મહમૂદ ગઝનવીના સમયમાં ગજનીમાં હિંદુઓની મોટી વસ્તી હતી અને તે વેપાર તથા સૈન્યમાં અગ્રસ્થાને હતા.

 

તારીખે સબક્તગીન, બઈહાકીને ટાંકીને 'પ્રભાસ અને સોમનાથ' (લે. શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન-1965) પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક-156 મુજબ, વિદેશોમાં વિજય પતાકા ફરકાવનાર મહમૂદ તેમને (હિંદુઓને) કાંઈ કરી શક્યો નહીં, ઉલ્ટાના તેણે તેના આગેવાનોને મોટા મોટા હોદ્દાઓ આપેલા અને તેમના દ્વારા તેમના પાડોશી અમીરોના પ્રદેશો પ્રાપ્ત કરેલા, બલ્ખના અમીર ઈલાકખાન ઉપર મહમૂદે મોકલેલા સૈન્યમાં હિંદુઓ જ હતા.

 

મહમૂદ ગઝનવીની સેનામાં સમાઓ અને ભટ્ટીઓનું પ્રાબલ્ય પણ વિશેષ પ્રમાણમાં હતું અને મહમૂદે તેમનો સહકાર અને સેવાઓ પણ મેળવેલા. મહમૂદના હસ્તિદળનો સેનાપતિ હિંદુ હતો અને દરેક હસ્તિપાલ પણ હિંદુ હતા.

 

મહમૂદના સેનાપતિ તિલક-સુંદર

 

કાબુલના ભૂતપૂર્વ કાટોર રાજવંશનો અંત આવ્યો હતો, છતાં તેના સૈન્ય અને સરદારોનો પ્રભાવ હતો. તેઓનો મુખ્ય સરદાર તિલક નામનો હિંદુ હતો. તિલક આમ તો હજામનો પુત્ર હતો, પરંતુ રૂપાળો, બહાદૂર અને વાચાળ હતો. તે હિંદી અને ફારસી સરળતાથી બોલી શકતો હતો. તેણે કાશ્મીરમાં રહી મેલી વિદ્યા-તંત્ર-મંત્ર વગેરેનો અભ્યાસ કર્યાનો પણ પ્રભાસ અને સોમનાથ પુસ્તકમાં ઉલ્લેખ છે.

 

કાઝી શિરાઝ અબુ અલ હસને તેનાથી ખુશ થઈને તેને પોતાની પાસે રાખ્યો હતો. તિલક એકવાર ગજનીના મુખ્યમંત્રી ખ્વાજા અહમદ હસન પાસે પહોંચી ગયો અને તેનો પ્રિય પણ બની ગયો.  તે ખ્વાજા અહમદ હસનનો રહસ્ય સચિવ પણ બન્યો અને ભારતીય રાજાઓ તથા પ્રજાજનોનો દુભાષિયો પણ બન્યો. તિલકે જ કાટોર રાજાના સૈનિકોને મહમૂદના સૈન્યમાં દાખલ કરાવ્યા હતા.

 

તિલકનો જોડીદાર સુંદર નામનો હિંદુ સરદાર હતો અને તેને તથા તિલકને મહમૂદે પોતાના સૈન્યમાં ઉંચા હોદ્દા આપ્યા હતા. તિલકને તેના મહાલય પર ચોઘડિયાં વગાડવાની રજા આપીને તેનું બહુમાન પણ કરાયું હતું.

 

અહમદ ન્યાલતીગીન નામના બળવાખોર સામે તિલક તેના હિંદુ સૈનિકોની સેના લઈને લડયો હતો. અહમદ ભાગી ગયો અને જાટોએ તેનું માથું કાપીને તિલકને એક લાખ દીરમમાં વેચ્યું હતું. તિલકે અહમદના મુસ્લિમ સાથીદારોના હાથ કાપી નાખવાની સજા પણ આપી હતી.

 

'પ્રભાસ અને સોમનાથ' (લે. શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન-1965) પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક 157ના ઉલ્લેખ મુજબ, "એ રીતે મહમૂદે હિંદુઓની સંસ્કૃતિ, ધર્મ, સભ્યતા અને સત્તાને નાશ કરવા પરિશ્રમ કર્યા છતાં તેના સૈન્યમાં હિંદુ સરદારો તથા સૈનિકોને રાખવા પડયા અને તેઓ પેટ ખાતર મુસ્લિમોના જૂલ્મોમાંથી બચવા ખાતર કે પ્રભુ જાણે શા માટે તેના દાસ થઈને રહ્યા. મહમૂદે તેનો ઉપયોગ તેના સહધર્મીઓ સામેના યુદ્ધોમાં કરવા માટે અથવા તેમના તરફથી વિદ્રોહનો ભય ન રહે તે માટે તેમને ઉંચા સ્થાન આપી નિભાવ્યા અને તેઓ મહમૂદના નિર્દય અને ઘાતકી કૃત્યો, તેમના ધર્મ બાંધવોની હત્યા અને તેમના ધર્મસ્થાનોના નાશ મૂંગા મૂંગા જોયા કર્યા."

સોમનાથ મંદિર તોડનાર મહમૂદ ગઝનવીના શહેર ગજનીને યદુવંશી ગજપતે વસાવ્યું હતું!

 

આનંદ શુક્લ : અફઘાનિસ્તાનમાં આવેલા ગજની શહેરમાંથી ભારતમાં બે તબક્કામાં મોટા આક્રમણો થયા હતા. પહેલા તબક્કામાં ગુલામમાંથી શાસક બનેલા ગજનીના શાસક સુબક્તગીનના પુત્ર મહમૂદ ગજની દ્વારા ભારત પર 1000થી 1026 વચ્ચે કુલ 17 આક્રમણો થયા હતા. તેમાં અતિ-પવિત્ર સોમનાથ મંદિરને સૌથી પહેલી વખત કોઈ આક્રમણખોરે તોડયું હોય, તો તે મહમૂદ ગઝનવીએ તોડયું હતું. બીજા તબક્કામાં અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના શાસક અને ગજની જીતી લેનારા ઘોરી વંશના શાસક મુહમ્મદ ઘોરીએ પણ ભારત પર આક્રમણો કર્યા. દિલ્હીના શાસક પૃથ્વીરાજ ચૌહાનની તરાઈના બીજા યુદ્ધમાં હાર થઈ અને દિલ્હીમાં મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકે મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગજનીમાંથી આક્રમણો કરીને ભારતમાં મંદિરો તોડનારા અને મુસ્લિમ સલ્તનત સ્થાપવામાં આવી, પણ આ શહેરની સ્થાપના શ્રીકૃષ્ણના વંશજ યદુવંશી ગજપતે સ્થાપના કરી હતી. આના કેટલાક ઉલ્લેખો જોઈએ.

 

1965માં પ્રકાશિત પુસ્તક પ્રભાસ અને સોમનાથ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ)ના  પૃષ્ઠ ક્રમાંક - 141માં ભારતીય ઈતિહાસના પેટા-શીર્ષક હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "જાડેજાઓનો ઈતિહાસ જોતા જણાય છે કે શ્રીકૃષ્ણના મહારાણી રૂકિમણીના કુંવર પ્રધુમ્નના પુત્ર અનિરુદ્ધે શોણિતપુરના (બેબીલોન) બાણાસુરીપુત્રી ઉષા અથવા ઓખા સાથે લગ્ન કર્યા હતા. તેનો પુત્ર વજ્રાનાભ થયો. બાણાસુર અપુત્ર ગુજરી જતાં તેની ગાદી વજ્રાનાભને મળી અને તેનાથી 57મી પેઢીએ ગર્વગૌડ નામનો રાજા થયો."

 

આ ગર્વગૌડના સમયમાં રોમનોએ તેના રાજ્ય પર હુમલો કર્યો અને તેનું રાજ્ય છીનવી લેતા તેને કાબુલ પ્રદેશમાં આવીને સ્થિર થવું પડયું. 1965માં પ્રકાશિત પુસ્તક પ્રભાસ અને સોમનાથ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ)ના  પૃષ્ઠ ક્રમાંક 141 પર લખવામાં આવ્યું છે કે "ગર્વગૌડના અનુગામી ભાણજી વિક્રમ સંવત 111(ઈ.સ.55)માં થયા, તેની 21મી પેઢીએ દેવવૃત યાદવ થયા તેમણે વિક્રમ સંવત 628માં ઈસ્લામનો પ્રચાર કરતા સૈન્ય સામે લડીને પ્રાણ અને રાજ્ય બંને ખોયા, તેના પુત્રો અસપત-અશ્વપતિ, નરપત-નરપતિ, ગજપત-ગજપતિ અને ભૂપત-ભૂપતિ થયા. અસપતે મીસર (ઈજીપ્ત)નું રાજ્ય પ્રાપ્ત કર્યું અને બીજા ત્રણ ભાઈઓ શામ (સીરિયા), ઈરાક, ઈરાન આદિ પ્રદેશોમાં રાજ્યો સ્થાપતા અને ગુમવાતા અંતે કાબુલ અને ખુરાસાન આવ્યા. ગજપતે અહીં સંવત 708(ઈ.સ.652)ના વૈશાખ સુદ ત્રીજના દિવસે શનિવારે રોહિણી નક્ષત્રમાં ગજના-ગીઝની-વસાવ્યું અને નરપતને ગાદી આપીને પોતાના પંદર પુત્રો સાથે હિંદમાં આવ્યા. નરપત જામ નરપત કહેવાયા. ભૂપતે ખુરાસાનમાં ગાદી સ્થાપી અને તેમના વંશજો ભાટી અથવા ભટ્ટી કહેવાયા અને તેમના વંશના શાસકે જેસલમેરમાં ગાદી સ્થાપી."

 

1965માં પ્રકાશિત પુસ્તક પ્રભાસ અને સોમનાથ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ)ના  પૃષ્ઠ ક્રમાંક 142 પર એવું પણ કહેવામાં આવ્યું છે કે "ઈસ્લામનો પ્રાદુર્ભાવ ઈ.સ. 610માં થયો અને તે સમયમાં શોણિતપુરમાં દેવવૃત-દેવેન્દ્ર કે દેવ યાદવનું રાજ્ય હતું ને તે ગુમાવ્યા પછી તેના પરાક્રમી પુત્રોએ મધ્ય એશિયામાં ખુરાસાન અને કાબુલમાં નાના રાજ્યો સ્થાપ્યાં. જમીયુત તવારીખ મર્વના રાજ્યનો ઉલ્લેખ કરે છે તે આ પૈકીનું રાજ્ય હોઈ શકે."

 

શ્રીમદ ભાગવત દશમ સ્કંધના ઉતરાર્ધમાં શ્રીકૃષ્ણના અન્ય એક પટરાણી જાબુંવતીના પુત્ર સાંબ હોવાની પણ માન્યતા છે. આને લઈને પુસ્તક સૌરાષ્ટ્રનો ઈતિહાસ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ-1957, પ્રકાશક - શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ)ના પૃષ્ઠ ક્રમાંક - 89માં ઉલ્લેખ કરાયો છે કે "કૃષ્ણચંદ્રની રણી જાંબુવંતીનો પુત્ર સાંબ થયો. તે શોણિતપુર (ઈજીપ્તનું કહેવાય છે, પણ અરબસ્તાનનું વર્તમાન સેના હોવાનો વિશેષ સંભવ છે)ના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડનીપુત્રી રામા સાથે પરણ્યો. તેનો પુત્ર ઉષ્ણિક થયો. યાદવાસ્થળી સમયે તે શોણિતપુર હતો. એટલે બચી ગયો. કૌભાંડ અપુત્ર ગુજરી જતા તે તેની ગાદીએ બેઠો. તેના વંશમાં તેનાથી 79મી પેઢીએ દેવેન્દ્ર નામે રાજા થયો. તે શોણિતપુરમાં ઈ.સ.ના છઠ્ઠા સૈકાામાં હયાત હતો. તેને ચાર કુંવરો થયા. 1. અસપત-અશ્વપતિ 2. ગજપત-ગજપત 3. નરપત- નરપતિ 4. ભૂપત-ભૂપતિ. હજરત અલીએ ઈસ્લામ પ્રચારના કારણે તેના પર ચડાઈ કરી. રાજા દેવેન્દ્ર સમરાંગણમાં સૂતો અને કુંવરો ભાગી છૂટયા. તેઓ શાખ અર્થાત વર્તમાન સીરિયામાં ગયા. અસપત (અશ્વપતિ વા ઉગ્રસેન) ત્યાં હાર્યો. તેણે ઈસ્લામ અંગીકાર કર્યો અને અન્ય ત્રણ ભાઈઓ દક્ષિણ તરફ ભાગ્યા. તેમણે આવીને અફઘાનિસ્તાન જીતી લીધું. ત્યાં ગજપતે સં. 708ની અક્ષય તૃતિયા, શનિવાર, રોહિણી નક્ષત્રમાં ગીઝની વસાવ્યું. પણ ગીઝનીપર ભાગ્યદેવી વિપરીત હતી. ખોરાસાનના સુલ્તાને તેના પર ચડાઈ કરી. ગજપત અમરક્ષેત્રમાં સૂતો. નરપતે તથા ભૂપતે સર્વે આશાઓ છોડીને ભારતમાં પ્રવેશ કર્યો."

 

પુસ્તક સૌરાષ્ટ્રનો ઈતિહાસ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ-1957, પ્રકાશક - શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ)ના પૃષ્ઠ ક્રમાંક - 89ના ઉલ્લેખ મુજબ, "ભૂપતે પંજાબમાં આવીને સીલીંદ્રપુરનો પ્રદેશ જીતીને ત્યાં રાજધાની સ્થાપી, પણ ત્યાં પણ યોગ્ય ન જણાતા સતલજ ઉતરીને જેસલસર નામે શહેર, તનાટ અને દરવાલ ગામો વસાવીને રાજ્ય સ્થાપ્યું. તેમના વંશજો ભટ્ટી કહેવાયા."

 

પુસ્તક સૌરાષ્ટ્રનો ઈતિહાસ (લે. - શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ-1957, પ્રકાશક - શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ)ના પૃષ્ઠ ક્રમાંક - 89ના ઉલ્લેખ મુજબ, "નરપતે સિંધમાં આવી કેટલોક પ્રદેશ જીતીને ત્યાં નગરસમોઈ (સમાનું નગર) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી અને તેના વંશજો સમા કહેવાયા. જાડેજાઓ પણ આ વંશના છે."