Wednesday, July 6, 2011

ભારત ‘અગ્નિપથ’ પરથી ‘વિજયપથ’ પર આવશે?


ભારતની રાજકીય વ્યવસ્થા સંસદીય લોકશાહી પ્રકારની છે. આ રાજકીય વ્યવસ્થા અંતર્ગત ભારતમાં થોકબંધ રાજકીય પક્ષો દેશભરમાં ઉપલબ્ધ છે. પક્ષીય લોકશાહીમાં હંમેશા રાજકીય પક્ષો સત્તા પ્રાપ્ત કરવાનું, તેના પર નિયંત્રણ મેળવવાનું સાધન માત્ર છે. ભારતે પોતાની આઝાદીના 64 વર્ષોમાં સંસદીય લોકશાહી અંતર્ગત લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોનો વત્તા-ઓછા પ્રમાણમાં અનુભવ કરી લીધો છે. જો કે આ તમામ મુખ્ય રાજકીય પક્ષોની સત્તાનો અનુભવ ભારતની જનતા માટે એકંદરે એક જેવો જ રહ્યો છે. ભારતમાં ગાંધીજીનો ઈન્કાર હોવા છતાં કોંગ્રેસને આઝાદી બાદ રાજકીય પાર્ટી તરીકે ચાલુ રાખવામાં આવી. કોંગ્રેસે દેશ પર લગભગ ત્રણ દશકથી વધારે સમય સુધી સત્તાનું સુખ ભોગવ્યું.

ભારતમાં પક્ષીય રાજકારણના આટાપાટા અને પ્રજાને કોંગ્રેસ કરતાં વધારે સારું શાસન મળશેની આશા હોવાથી સત્તા અન્ય પક્ષોના ભાગે પણ આવી. 1977માં સંપૂર્ણ ક્રાંતિના નારા સાથે જનતા પાર્ટીના નેજા નીચે બિનકોંગ્રેસી નેતાઓ અને પક્ષોએ એકઠા થઈને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી. પરંતુ આ સત્તાસુખ ઘણું ઓછું રહ્યું હતું. 1989માં પણ જનતા દળ અને વી.પી.સિંહના નેતૃત્વમાં જનતાએ કેન્દ્રમાં બિનકોંગ્રેસી પાર્ટીઓને સત્તાની સોંપણી કરી. ત્યાર બાદ 1998માં ભાજપના નેતૃત્વવાળા એનડીએને જનતાએ સત્તાની સોંપણી કરી. પરંતુ જનતાને તમામ પક્ષો તરફથી મોહભંગ થવું પડયું છે. 2004થી જનતાએ કોંગ્રેસ કરતાં ખરાબ પુરવાર થનારા રાજકીય પક્ષો પાસેથી સત્તા આંચકીને કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને સત્તા આપી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-1 અને યુપીએ-2 સરકાર ભ્રષ્ટાચારના ખદબદતા કીચડમાં ગળાડૂબ છે. ત્યારે અત્યારે જનતા સામે સૌથી મોટો પ્રશ્ન છે, જાયે તો જાયે કહાં? કારણ કે રાજકારણના હમામમાં બધાં પક્ષોની નગ્નતાનો અનુભવ જનતા કરી ચુકી છે.

લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. પરંતુ ભારતની સંસદીય લોકશાહી જે કાયદાને આધારે ચાલી રહી છે, તે 1935ના ભારતીય અધિનિયમને અંગ્રેજોએ પોતાના શાસન માટે બનાવેલો હતો. તેમા કહેવા માટે તો જનતાના પ્રતિનિધિઓ જનતાની પસંદ દ્વારા ચૂંટાય છે. પરંતુ અત્રે સવાલ એ છે કે આ ચૂંટાતા જનપ્રતિનિધિઓ ખરેખર જનતાના પ્રતિનિધિ છે? શું આ જનપ્રતિનિધિઓ માટે જનતાની આંકાક્ષાઓ અને દેશહિત, પાર્ટી અને સ્વહીતથી ઉપર હોય છે? હકીકતમાં અંગ્રેજોના કાયદા પ્રમાણેની અંગ્રેજોની શાસન પદ્ધતિની નકલમાં સૌથી મોટી ખામી છે કે કોઈપણ પક્ષના જનપ્રતિનિધિઓ જનતાના પ્રતિનિધિઓ ન રહેતા, માત્ર પક્ષના પ્રતિનિધિઓ બની જાય છે. જેના કારણે દેશમાં છેલ્લા 64 વર્ષથી દેશહિતની રાષ્ટ્રીય નીતિ હેઠળ શાસન થયું નથી. બસ આ દેશમાં પાર્ટીના એજન્ડા અને હિત સાધવા માટેના કાયદા બનાવીને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર આવનારા પક્ષે શાસન ચલાવ્યું છે.

ભારતમાં ભ્રષ્ટાચાર અત્યારે તેના ચરમ પર છે, કારણ કે દેશની કહેવાતી લોકશાહીમાં વિકૃતિ તેના સર્વોચ્ચ શિખરે છે. કારણ કે જનપ્રતિનિધિઓ સંસદની અંદર જનતાનો અવાજ બનીને અભિવ્યક્ત થવાને બદલે પાર્ટીના પિઠ્ઠુઓ બનીને વર્તે છે. દેશની જરૂરતોને નજરઅંદાજ કરીને પોતાની પાર્ટીઓની હિતસાધનામાં તેના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ લાગેલા છે. બહુપક્ષીય સંસદીય લોકશાહી પદ્ધતિની તમામ વિકૃતિ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં હાલ ઉપલબ્ધ છે. આ વિકૃતિને દૂર કરવાની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવતી નથી. માત્ર સુધારાની વાત કરવામાં આવે છે. સુધારા હંમેશા થિંગડા જેવા હોય છે. કોઈ જીર્ણ વસ્ત્રને થિંગડા મારીએ તો પણ તે અન્ય જગ્યાએથી તો ફાટવાનું છે. તેના કરતા તો જીર્ણ વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર પહેરવું વધારે સારું છે. આટલો સામાન્ય તર્ક પણ ભારતની રાજકીય વ્યવસ્થામાં લાગુ કરીને સુધારો નહીં પણ પરિવર્તનનો પ્રયાસ આદરવા માટે કોઈની તૈયારી નથી. કારણ કે જનતા મોંઘવારીથી મરે તો મરે, જનતાનું લોહી આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ભાગલાવાદીઓ અને કટ્ટરતાવાદી વહેવડાવે તો વહેવડાવે, પરંતુ રાજકીય વ્યવસ્થામાં રહેલા દરેક રાજકીય પક્ષોની દુકાન પૂરજોરમાં ચાલે છે. તેઓ તેમની રાજકીય દુકાન હેઠળ ભારે નફો કરી રહ્યાં છે, તેનું સ્વરૂપ સત્તા, ભ્રષ્ટાચારના નાણાં અને અન્ય પ્રભાવો સ્વરૂપે સામે આવી રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં ભારતે વૈકલ્પિક રાજકીય વ્યવસ્થા સંદર્ભે પણ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર સામે આંદોલન કરતાં પહેલા તેના પ્રકારો, તેના કારણો અને તેમા સામેલ લોકો સંદર્ભે જનતાએ અને તેના નેતાઓએ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચારનું એક વ્યવસ્થિત તંત્ર ક્યાંથી અને કેવી રીતે વિકસિત થયું, તેની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને તેના પર વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર હકીકતમાં 64 વર્ષથી દેશમાં ચાલતી વિકૃત લોકશાહી દ્વારા નિર્માણ પામેલા શોષણ અને દોહનના તંત્રનું પરિણામ છે. આ વિકૃત લોકશાહીથી સ્થાપિત શોષણ અને દોહનનું તંત્ર સમાપ્ત કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર અતિઆવશ્યક છે. રોગની તાત્કાલિક સારવાર સાથે તેના મૂળમાંથી ઉપચાર માટેની સારવાર પદ્ધતિ અખત્યાર કરવી પડશે.

ત્યારે હાલ બે પ્રકારની પદ્ધતિ સામે આવી શકે છે, જેમાં એક-બે પાર્ટીની લોકતાંત્રિક વ્યવસ્થા અથવા તો પક્ષવિહીન લોકતંત્રની વ્યવસ્થામાંથી એકનો વિચાર કરી શકાય તેમ છે. જો કે એક-બે પક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર અન્ય મતોને કોઈ સ્થાન ન હોવાથી અને તેમાં શોષણના ભ્રષ્ટ તંત્રની સંભાવનાઓ પ્રબળ હોવાના કારણે પક્ષવિહીન લોકતંત્ર જેવી વૈકલ્પિક વ્યવસ્થા સંદર્ભે વિચારવાની સંપૂર્ણ આવશ્યકતા છે.

લોકતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોણ હોય? લોકો જ ને? લોકશાહીમાં તમામ શક્તિઓ શેને આધિન રહેવી જોઈએ? જનતાને જ ને? પરંતુ શું આપણી લોકતાંત્રિક વ્યવસ્થામાં સંસદીય પદ્ધતિને કારણે આવેલી વિકૃતિને કારણે શાસનની તમામ શક્તિઓ લોકોને આધિન છે? શું પ્રવર્તમાન લોકતંત્રમાં જનતા સર્વોચ્ચ સત્તા છે? તો તેનો જવાબ હશે, ના. કારણ કે જનપ્રતિનિધિ તરીકે ઓળખતા વ્યવસ્થા અને લોકો વચ્ચેના વચેટીયાઓ સર્વોચ્ચ સત્તાને પોતાની કરીને રાખી રહ્યાં છે. તેનો જનતાના હિતમાં જનતા માટે ઉપયોગ થઈ રહ્યો નથી, પરંતુ પાર્ટીના હિતમાં પાર્ટી માટે ઉપયોગ થઈ રહ્યો છે.

સંસદીય લોકશાહીના રાજપથથી રાજકારણીઓ સત્તાના શિખરો સુધી પહોંચી જાય છે. અહીં પહોંચીને તેઓ સત્તાનું દોહન કરીને રાષ્ટ્રમાં શોષણનું તંત્ર પ્રસ્થાપિત કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર દ્વારા પોતાના હિતો સિદ્ધ કરે છે. આ ભ્રષ્ટાચાર માત્ર નાણાંના સ્વરૂપે જ હોય તે જરૂરી નથી. આવા રાજકારણીઓએ ભારતને અગનજ્વાળાઓથી છવાયેલા અગનપથ પર એકલું છોડી દીધું છે. આ અગ્નિપથને વિજયપથ બનાવવાનો રસ્તો માત્ર ભારતની જનતા પાસે છે. તેના માટે ભારતની રાજકીય વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ પરિવર્તન થવું જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે કાળાં ધન, લોકપાલ બિલ, ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર આંદોલન ચલાવી રહેલા નેતાઓની આ દ્રષ્ટિ છે? જો આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે, તો તેની રીત શું હોઈ શકે? શું પ્રવર્તમાન રાજકીય વ્યવસ્થા અંતર્ગત તેમાં પરિવર્તન માટેનો કોઈ અવકાશ છે?

No comments:

Post a Comment