Friday, July 15, 2011

આતંકવાદનો સામનો નાલાયકોની ‘રાજનીતિ’થી અશક્ય


મુંબઈમાં બુધવારે ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયા. બોમ્બ બ્લાસ્ટમાં 21 નિર્દોષ લોકોના મોત નીપજ્યા, જ્યારે 131 લોકો ઘાયલ થયા છે. પરંતુ રાજકારણીઓને નિવેદનબાજી કરવા સિવાય અન્ય કોઈ વાતની દરકાર નથી. સૌથી આઘાતજનક નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રીનું લાગ્યું, તેમણે કહ્યું કે ભારતનું કોઈપણ શહેર સુરક્ષિત નથી. ભાઈ, તમે સરકાર છો, તમારા હાથમાં પાવર છે અને તમે મુંબઈ પર હુમલાના 31 માસ બાદ કહો છો કે ભારતના બધાં શહેરો પર ખતરો છે. ગૃહ મંત્રી તરીકે શિવરાજ પાટિલની વિદાય બાદ પી. ચિદમ્બરમ પર દેશને સૌથી વધારે આશા હતી, પરંતુ આ આશા ઠગારી ત્યારે નીવડી કે જ્યારે તેમણે કહ્યું કે મુંબઈમાં 31 માસ બાદ આતંકી હુમલો થયો છે. આ હુમલાની આગોતરી જાણકારી કેન્દ્ર કે રાજ્યની એજન્સીઓને ન હતી. છતાં પી. ચિદમ્બરમ આ બાબતને ઈન્ટેલિજન્સની નિષ્ફળતા માનવા તૈયાર નથી. અત્રે સવાલ એ ઉભો થાય છે કે ઈન્ટેલિજન્સ પાસે આતંકી હુમલાની કોઈ માહિતી ન હોવી તેની નિષ્ફળતા નથી? જો કે હવે થનારા આતંકી હુમલામાં જરૂરથી ઈન્ટેલિજન્સની નિષ્ક્રિયતા કે નિષ્ફળતાની ચર્ચા નહીં થાય, કારણ કે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે કહી દીધું છે કે ભારતના દરેક શહેર પર જોખમ છે.

તો ભાવિ વડાપ્રધાન તરીકે કોંગ્રેસ દ્વારા પ્રોજેક્ટ થનારા યુવરાજ રાહુલ ગાંધીના નિવેદન વધારે આઘાતજનક છે. તેમણે કહ્યું છે કે દેશમાં 100 ટકા આતંકવાદી હુમલા રોકવા શક્ય નથી. 99 ટકા આતંકવાદી હુમલા રોકી લેવાયા છે. આનો અર્થ ઘણો સ્પષ્ટ છે કે સરકાર અને તેની આગેવાન કોંગ્રેસ પાર્ટી આતંકવાદી હુમલાને પોતાની વોટબેંકની રાજનીતિમાં ઘણાં હળવાશથી લઈ રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ વધારે આશ્ચર્ય ત્યારે સર્જ્યું કે જ્યારે તેમણે ભારતની સરખામણી અફઘાનિસ્તાન અને ઈરાક સાથે કરી. તેમણે કહ્યું કે અમેરિકા પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાં આતંકવાદી હુમલા રોકી શક્યું નથી. આટલી બેજવાબદારીભર્યા નિવેદનો જણાવે છે કે ભાવિ વડાપ્રધાન ગણાવાતા રાહુલ ગાંધીમાં દેશના લોકોની ભાવના પ્રમાણે વર્તવાની કોઈ પરિપકવતા નથી.

ભારત વિશ્વના સૌથી અશાંત ગણાતાં દેશોનું પડોશી છે. છતાં ભારત આટ-આટલા આતંકવાદી હુમલા બાદ પણ કોઈ સ્પષ્ટ રણનીતિ તૈયાર કરી શક્યુ નથી. સાચું પુછો તો દેશની સામેના આ દેખીતા સૌથી મોટા પડકાર સામે રાજકીય સ્તરે કોઈ સામુહિક ચિંતન અને સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ ઉપલબ્ધ નથી. વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના કારણે આતંકવાદ સામે ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવી છે.

તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું છે કે બ્લાસ્ટ રોકવા હોય તો યુપી-બિહારના લોકોને મુંબઈમાંથી ભગાડો. રાજ ઠાકરે મહારાષ્ટ્રના નામે પ્રાદેશિક રાજનીતિ કરવા માટે કુખ્યાત છે. તેમણે યુપી-બિહારના લોકો સામે જે પ્રકારે ગુંડાગીરી કરી છે, તે કોઈનાથી છુપી નથી. ત્યારે હાલ જ્યારે બોમ્બ બ્લાસ્ટની તપાસનું કોઈ પરિણામ આવ્યું નથી, ત્યારે યુપી-બિહારના લોકો પર બ્લાસ્ટના દોષનો ટોપલો ઢોળીને પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓને છટકી જવા દેવાની વાત કરવી ઘણી આશ્ચર્યજનક અને આઘાતજનક છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દહેશત ફેલાવીને આતંકવાદીઓ ભારતને આર્થિક રીતે કમજોર કરવા માંગે છે. કારણ કે ભારતમાં આર્થિક વ્યવહાર મોટાભાગે મુંબઈથી ચાલે છે. ભારતમાં રોકાણકારો આવે નહીં અને પ્રવાસીઓ પોતાની મુસાફરી સ્થગિત કરી દે, તેવો કારસો આતંકવાદીઓ ઘડવા માંગે છે. લોક લાગણીને ડામી દેવા માટે બ્લાસ્ટના દોષનો ટોપલો ઈન્ડિયન મુજાહિદ્દીન અને અંડરવર્લ્ડના માથે ઢોળી દેવામાં આવે છે. પરંતુ આ બંને પાકિસ્તાનમાંના તેમના આકાઓની મરજી સિવાય કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને અંજામ આપે તેમ નથી.

અલ કાયદા જેવા સંગઠનના નિશાના પર હોવા છતાં અમેરિકામાં 10 વર્ષથી આતંકવાદી હુમલો થઈ શક્યો નથી. બ્રિટનમાં 7/11ની ઘટનાના છ વર્ષ બાદ આતંકવાદીઓ પોતાના નાપાક મનસૂબા પાર પાડી શક્યા નથી. હમાસ અને હિજબુલ્લાના નિશાના પર હોવા છતાં 1972 બાદ ઈઝરાયેલનું કોઈ વિમાન હાઈઝેક થયું નથી. પરંતુ આતંકવાદીઓ ભારતને ગમે ત્યારે નિશાન બનાવવામાં સફળ થઈ રહ્યાં છે. તેના મુખ્યત્વે ત્રણ કારણો છે- રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, ઘણાં બધાં બુદ્ધિજીવીઓમાં આતંકવાદીઓ પ્રત્યે હમદર્દી અને અમેરિકાથી વિપરીત ભારતના પડોશી દેશોની દુશ્મનાવટ. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ દેશમાં રાજકીય ઈચ્છાશક્તિના બળે આતંકવાદને ખાળવામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યાંના ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષે સાથે મળીને આતંકવાદ સામે રાષ્ટ્રીય નીતિ બનાવી. એકમતથી પેટ્રિયટ લો બનાવીને કાયદામાં ફેરફાર કર્યો, ઈમિગ્રેશન લો બદલ્યા, હોમલેન્ડ સિક્યુરિટીને મજબૂત કરી અને પોલીસને વધારે શક્તિ આપી છે. અમેરિકાએ પોતાના સૌથી મોટા દુશ્મન ઓસામા બિન લાદેનના ખાતમા માટે રાષ્ટ્રપતિ બુશ વખતે શરૂ કરેલી નીતિને ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આગળ વધારી અને આજે તેના પરિણામો દુનિયાની સામે છે.

બીજી તરફ ભારતમાં એવા લોકો કમભાગ્યે હાજર છે કે જેઓ કહે છે કે સંસદ પર હુમલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા અફઝલ ગુરુને સજા ન કરવી જોઈએ. આ સિવાય આપણે ત્યાં રાજકીય ઈચ્છાશક્તિ વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણમાં હંમેશા ગેરહાજર રહે છે. કંધાર હાઈજેકિંગમાં ત્રણ આતંકવાદીઓની મુક્તિ અને વી. પી. સિંહ સરકાર વખતે તત્કાલિન ગૃહ મંત્રી મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયા સઈદની મુક્તિ માટે પાંચ આતંકવાદીઓને છોડી મુકવાની ભારત સરકારની નીતિથી એવો સંદેશ ગયો છે કે ભારત એક નબળું અને ઝુકવાવાળું રાષ્ટ્ર છે.
આ સિવાય ભારતના પડોશી દેશો ભારત માટે દરેક વખતે મુસીબત ઉભી કરતાં રહે છે. પાકિસ્તાન ખુદ દુનિયાનો સૌથી વધારે આતંક પ્રભાવિત દેશ છે, પરંતુ તે ભારતમાં આતંકની સતત નિકાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશને ભારતે આઝાદી અપાવી, પણ તેમ છતાં તે ભારત વિરોધી પ્રવૃતિથી ધમધમી રહ્યું છે.

આમ જોવો તો ભારતમાં આતંકવાદી હુમલા બાદ રાજકારણીઓએ નવા નિવેદન આપવાની જરૂર પડે તેમ જ નથી. કારણ કે તેઓ બીબાઢાળ નિવેદનો આપીને જનતાનું માથું ફેરવે છે. માત્ર ઘટના અને ભોગ બનનારના નામ બદલાય છે, પણ સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓના નિવેદનોમાં કોઈ ફેર પડતો નથી. વળી અત્યાર સુધીની મોટાભાગની આતંકવાદી ઘટનાઓમાં કોઈ પરિણામ આવ્યું નથી. આમ જોવો તો હુમલા પછી થનારી તપાસમાં પણ કોઈ સક્કરવાર હોતો નથી. ત્યારે લાગતું નથી કે લોક લાગણીને સમજીને સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓ હવે હરકતમાં આવે અને નિર્દોષ ભારતીયોના આમ વહેતા લોહીને અટકાવે?

No comments:

Post a Comment