લેબલ આતંકવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આતંકવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

આતંકના ખાત્મા માટે પ્રચંડ જનઆંદોલન જરૂરી


-આનંદ શુક્લ

આ દેશની પોલીસથી શરીફ અને ભીરુ લોકો જ ડરે છે. આ દેશની પોલીસથી માફિયા, ગુંડા અને આતંકીઓ ક્યારેય ડર્યા નથી અને ડરવાના નથી. કારણ કે આ દેશના રાજનેતાઓમાં આતંક અને આતંકવાદીઓ વિરુદ્ધ લોખંડી ઈચ્છાશક્તિનો સદંતર અભાવ છે. પંજાબના આતંકવાદ અને તેની સમાપ્તિ બાદ 1989થી પહેલા કાશ્મીર બાદમાં સમગ્ર દેશ આતંકની ઝપટમાં આવી ગયો. આ દેશમાં પોલીસ, તંત્ર અને સરકાર કરતા વધારે શક્તિશાળી પાકિસ્તાનના નોન સ્ટેટ એક્ટર હોય તેમ લાગે છે. કારણ કે પાકિસ્તાન પ્રેરીત, પોષિત અને પ્રાયોજીત આતંકવાદી સંગઠનો ભારતમાં જ્યારે ઈચ્છે ત્યારે, જ્યાં ઈચ્છે ત્યાં તેમને મન પડે તેવો વિસ્ફોટ અથવા વિસ્ફોટો કરે છે. પાકિસ્તાનના કરાચીમાંથી છોટા શકીલનો ફોન ભારતમાં રહેલા બિલ્ડરને આવે છે અને તેની હાલત પાતળી થઈ જાય છે. ભારતમાં દરેક જગ્યાએ પાકિસ્તાની તત્વો પોતાની શક્તિઓ તેમને જરૂર પડે ત્યારે નોંધાવતા રહે છે. ભારતીય તંત્ર, સુરક્ષા એજન્સીઓ અને સરકારનો ખોફ દેશમાં આતંકીઓ અને માફિયાઓને હવે રહ્યો નથી. કદાચ ભૂતકાળમાં ક્યારેક આતંકીઓને આવો ખોફ હતો.

દિલ્હીના હાઈકોર્ટ સંકુલમાં વિસ્ફોટ, વિસ્ફોટમાં 13 લોહીથી લથબથ લાશો. આ બધું જાણે કે લોકોને કોઠે પડી ગયું છે. વિસ્ફોટો પછી વિસ્ફોટો થવા છતાં રાજનેતાઓની અસંવેદનશીલતાએ પ્રજામાં મૂઢતા ફેલાવી દીધી છે. રાજકારણીઓની ઉપેક્ષાએ જનતાને એટલી અસંવેદનશીલ બનાવી દીધી છે કે દિલ્હીમાં વિસ્ફોટ બાદ લોકોએ ટ્રાફિક જામને સમસ્યા ગણી. લોકોએ ટીવી-રેડિયો ટ્યૂન કરીને ડાઈવર્ઝન ક્યાં છે, તેની જાણકારી પહેલા મેળવી. બે દશકામાં ભારતમાં સેંકડો આતંકવાદી ઘટનાઓ બની છે. પરંતુ વિસ્ફોટો બાદ વિસ્ફોટો છતાં હજી સુધી ભારતના લોકોએ ક્યારેય આતંકવાદ સામે આંદોલન કર્યું નથી, ક્યારેય માગણી કરી નથી કે આતંકી હુમલા કરનારા ગુનેગારોને તાત્કાલિક ઝડપવામાં આવે અને તેમને તેમના ગુના પ્રમાણે કડકમાં કડક સજા કરવામાં આવે. ક્યારેય કોઈ સામાજીક કાર્યકર્તાને પણ આવો વિચાર સ્ફૂર્યો નથી કે આતંકવાદને દેશમાંથી તડીપાર કરવા માટે અનશન, આંદોલન, જનજાગરણ કરવામાં આવે.

અત્યાર સુધી ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને વિસ્ફોટોમાં મકબૂલ બટ્ટ સિવાયના અન્ય કોઈ આતંકવાદીને ફાંસીને માંચડે ચઢાવવામાં આવ્યો નથી. અત્યારના લોકોને કદાચ મકબૂલ બટ્ટ વિશે જાણકારી પણ નહીં હોય. તેવા લોકોને જણાવી દઈએ કે મકબૂલ બટ્ટ જમ્મુ-કાશ્મીરનો પાકિસ્તાન પરસ્ત અલગતાવાદી અને આતંકવાદી હતો. તેને વિમાન અપહરણ કેસ અને અન્ય મામલામાં ફાંસીની સજા આપવામાં આવી હતી. તેની ફાંસી બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસાચાર તીવ્રતાથી ચાલુ થયો. કાશ્મીર ખીણમાંથી આતંકવાદીઓએ 3 લાખ કાશ્મીરી પંડિતોને આઝાદ ભારતમાં જ નિરાશ્રિત બનાવ્યા પણ તંત્ર, સરકાર ખામોશ રહ્યાં. મુંબઈમાં 1993માં વિસ્ફોટો થયા અને તેનો કેસ 14 વર્ષ જેટલો લાંબો ચાલ્યો. આ કેસમાં દાઉદ ઈબ્રાહીમ અને ટાઈગર મેમણ સહીતના મુખ્ય આરોપીઓ તો પોલીસની પકડની બહાર છે. જે લોકોને ફાંસીની સજા થઈ છે, તેમને ભારતના કાયદાઓના પેચમાં તાત્કાલિક ફાંસી મળે તેવી શક્યતા નથી. સંસદ પર હુમલાના કેસમાં ઝડપાયેલા અફઝલ ગૂરુને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે આપી છે. રાષ્ટ્રપતિએ અફઝલની દયા અરજી ફગાવી દીધી છે. પરંતુ હજી સુધી તેની ફાંસીની તારીખ નક્કી થઈ શકી નથી. દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટો પાછળ અફઝલ ગૂરુની ફાંસી રોકવાનો ઉદેશ્ય હોવાનો દાવો તથાકથિત હૂજી અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ઈમેઈલમાં કરાયો છે. જો કે અફઝલે પોતાને વિસ્ફોટ સાથે જોડવા સાથે વાંધો વ્યક્ત કર્યો છે. મુંબઈ પરના આતંકી હુમલા બાદ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ત્યાંના નોન સ્ટેટ એક્ટર્સે આ હુમલો કર્યો છે. જો કે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ મુંબઈ પરના આતંકવાદી હુમલા માટે જવાબદાર છે, તે સાબિત કરવા અને તેની પાકિસ્તાન પાસે કબૂલાત કરાવવા માટે હજીપણ ભારતે ઘણી મહેનત કરવાની જરૂર છે. પાકિસ્તાને હાફિઝ સઈદ સહીતના મુંબઈ હુમલાના મુખ્ય આરોપીઓને ક્લિનચીટ આપીને અદાલતોમાંથી બરી કરવા માંડયા છે.

ભારત સરકાર પાસે દેશની જનતાએ જવાબ માગવો જોઈએ કે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા અને વિસ્ફોટોમાં કેટલી ઘટનાઓમાં ક્યાં મુખ્ય આરોપીઓ પોલીસ અને કાયદાની જદ્દની બહાર છે? અત્યાર સુધી આવી ઘટનાઓમાં કેટલા લોકોને ફાંસીની સજા થઈ અને તેમાથી કેટલાને ફાંસી આપવામાં આવી છે? જેમની ફાંસી બાકી છે, તેની પાછળ ક્યાં કારણો જવાબદાર છે? હવે પછી આતંકવાદી હુમલા અને વિસ્ફોટો ન થાય તેના માટે ભારત સરકારનો એક્શન પ્લાન શું છે? જો તેમ છતાં આવા હુમલા થાય, તો આતંકના સ્ત્રોતને સમાપ્ત કરવા માટે કોઈ વ્યૂહરચના તૈયાર છે?
માત્ર કેન્ડલિયા ક્રાઉડ દ્વારા મીણબત્તીઓ સળગાવાથી આતંકવાદીઓ આતંક ફેલાવવાનું કામ છોડવાના નથી કે તેનાથી ગભરાવાના નથી. વિસ્ફોટો બાદ ભારતમાં ભેગા થતાં કેન્ડલિયા ક્રાઉડને ટેલિવિઝનમાં જોઈને આતંકવાદીઓ તેમના કેમ્પોમાં જરૂરથી ભારતના લોકોની મૂર્ખતા પર હસતા હશે. ભારતના લોકોએ આંદોલન દ્વારા સરકાર પાસે આતંકને રોકવા માટે સખત પગલાં લેવા માટે હવે રસ્તા પર ઉતરવું પડશે. સમય પાકી ગયો છે કે જનતા પ્રત્યાઘાત આપે. જે કોમ અને સમાજ મરેલો છે, તે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપતો નથી. પરંતુ જો આપણા ભારતીયોની કોમમાં દમ હોય અને આપણે જીવતા-જાગતા હોઈએ તો હવે શેરીઓ, ગલીઓ અને રસ્તાઓ પર ઉતરવાનો સમય આવી ગયો છે. હાલ આતંકવાદના ખાત્મા માટે ભારતમાં પ્રચંડ જનઆંદોલનની તાત્કાલિક જરૂરત છે.

આતંકવાદી હુમલા અથવા વિસ્ફોટોમાં આપણે બચી ગયા, એટલે આપણે અસંવેદનશીલતાથી વર્તન કરીએ, આપણે મૂઢ બનીને તેના આદિ બની ગયા હોઈએ તેમ વર્તીએ? આ કેટલું વ્યાજબી છે. અમેરિકા અને આપણી વચ્ચે પાયાનો ફરક છે કે ત્યાં 9/11 બાદ તદ્દન શાંતિ છે અને આપણે ત્યાં આતંકનો, વિસ્ફોટનો ઘટનાક્રમ હજી યથાવત છે. શું આપણું સુરક્ષા તંત્ર કમજોર છે? ક્યાંક વોટબેંકની નિર્લજ્જ રાજનીતિએ આતંક સામે લડવાની આપણી ઈચ્છાશક્તિને કરડી ખાધી છે. એક નેતા આદરની સાથે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનના મોત બાદ તેને યાદ કરતાં ઓસામાજી કહે છે અને હિંદુ સંગઠનોનો દોષ કાઢે છે. એક રાજ્યની વિધાનસભા ભૂતપૂર્વ વડાપ્રધાનના હત્યારાઓને ફાંસી ન આપવા માટે પ્રસ્તાવ પારિત કરે છે, તો બીજું રાજ્ય સંસદ પર હુમલો કરનારને રહેમ નજરે જોવાની વાત કરે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આવતીકાલે મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકી કસાબ માટે પણ કોઈનું દિલ દ્રવી ઉઠશે. એક ઉદાર સજ્જનો વિચાર છે કે ફાંસીની સજા જ ખોટી છે.

દરેક આતંકવાદી હુમલા બાદ સરકાર પોતાનો દ્રઢ નિશ્ચય દોહરાવે છે કે આગળથી આપણે આવું થવા દઈશું નહીં. બધાં વર્દી અને વર્દી વગરના હરકતમાં આવે છે. કોઈ કેન્દ્રીય મંત્રી લોકોની આવી વૃતિ-પ્રવૃતિ જોઈને જ તો બોલવાની હિંમત કરે છે કે લોકો વિસ્ફોટોના આદિ બની ગયા છે. ક્યારેક આપણને એવું પણ લાગે કે આતંકવાદીઓને પણ સરકારની લુખ્ખી ધમકીઓની આદત પડી ગઈ છે અને તેનાથી તેમને બીજી આતંકવાદી ઘટનાઓ કરવાની પ્રેરણા અને હિંમત મળે છે. સંભવ છે કે સરકારને આતંકી હિંસાનો મુકાબલો હિંસાથી કરવામાં કોઈ વિશ્વાસ નહીં હોય. એટલે જ તો સરકાર આતંકવાદીઓ અને આતંકી ઘટનાઓમાં આવી ઢીલી નીતિઓ રાખીને વર્તે છે. તેવામાં એક વિચાર એવો આવે છે કે ભારતમાં ભ્રષ્ટાચાર સામે તાજેતરમાં અન્નાના અનશનમાં લોકોએ ખૂબ આંદોલન કર્યું. તો હવે સરકાર જ અન્નાને અનુરોધ કરીને આતંક વિરુદ્ધ અનશન કેમ કરાવતી નથી!

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

વિકૃત સેક્યુલારિઝ્મથી ભારત સત્યાનાશના માર્ગે!


- આનંદ શુક્લ

વિવાદના વંટોળમાં ભારતના રાષ્ટ્રહિતો મરી રહ્યાં છે. દેશના રાજકીય પક્ષોને પોતપોતાની વોટબેંક સાચવવા સિવાય અન્ય કોઈ વાતની પરવાહ નથી. રાજનીતિનું લક્ષ્ય માત્ર અને માત્ર સત્તાપ્રાપ્તિ રહ્યું છે. રાજનીતિમાં રાષ્ટ્રસેવા, સમાજસેવા અને જનસેવા ગેરહાજર છે. રાજકીય પક્ષો અને નેતાઓની સ્વહિત સાધના રાષ્ટ્રને બેહદ નુકસાન પહોંચાડી રહી છે. દેશની સંસદમાં દેશહિત અને રાષ્ટ્રહિતની મોટાભાગે વિવાદો કરીને અવહેલના કરવામાં આવી છે. આતંકવાદ, કોમવાદ, નક્સલવાદ, પાકિસ્તાન, કાશ્મીર, ચીન, અમેરિકા સાથેના સંબંધો, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેકારી જેવાં ઘણાં બધાં મુદ્દાઓ પર કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય નીતિનો અભાવ છે. આ તમામ મુદ્દા રાષ્ટ્રનીતિના નહીં, રાજનીતિના ભાગ બની ગયા છે. લોકોની ઝંખના છે કે તેમને સારું, સ્વસ્થ અને સુરક્ષિત જીવન મળે. પણ સ્વહિત સાધનાથી સત્તાપ્રાપ્તિ માટેના લક્ષ્યમાં લાગેલા રાજકીય પક્ષો અને નેતાઓ લોકોની આવી કોઈ લાગણીને માન આપી રહ્યાં નથી.

દિલ્હીમાં 7મી સપ્ટેમ્બર, 2011ના રોજ હાઈકોર્ટના ગેટ નંબર-5 પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિસ્ફોટ ભારતનું ભાગ્ય બની ગયું છે. એથી વધારે દુર્ભાગ્ય છે કે બે દશકાથી આતંકવાદથી પીડિતા ભારત પાસે તેનો સામનો કરવાની કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, કોઈ કડક કાયદો નથી અને રાજકીય પક્ષો પોતપોતાની ટ્યૂન વગાડીને રાજનીતિ કરી રહ્યાં છે. શું 26/11 બાદ આતંકના ભયાવહ ચહેરાને જોયા પછી ભારતીય સંસદ એક વિશેષ સત્ર આતંકવાદ સામેની રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે કોઈ વિશેષ સત્ર બોલાવીને ચર્ચા ન કરી શકે? પણ દેશનું દુર્ભાગ્ય છે કે વિવિધ રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતપોતાની જવાબદારીઓ ભૂલી જાય છે.

યુપીએ-1ના સમયગાળામાં સૌથી પહેલું કામ આતંકવાદ વિરોધી કાયદો પોટાને હટાવવાનું થયું હતું. આ કામ તેમણે કોઈ રાષ્ટ્રહિતમાં કર્યું ન હતું, પરંતુ મુસ્લિમોને હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે પોટાને હટાવ્યો હતો. વિચાર કરો કે જ્યારે આતંકવાદથી દુનિયા ત્રસ્ત હોય, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વસ્ત થયા હોય અને ભારતની સંસદ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન થયો હોય, ત્યારે પોટા જેવા કડક આતંકવાદ વિરોધી કાયદાને હટાવી દેવો કેટલું તર્કસંગત લાગ છે? આતંકવાદની રાજનીતિ તો પાકિસ્તાન ભારતમાં કરી રહ્યું છે, પરંતુ ભારતના રાજકારણીઓ આતંકવાદ પર રાજનીતિ કરી રહ્યાં છે. મુસ્લિમ વોટબેંકને છાવરવાની રાજનીતિ આતંકવાદના મુદ્દે મહત્વની બની છે. આતંકવાદ સામે કડક કાયદાનો વિરોધ કરનારાઓનો તર્ક હતો કે કાયદો ઘડવાથી કંઈ આતંકવાદ રોકાવાનો નથી અને ભારત પાસે પુરતા કાયદા છે કે તેના દ્વારા આતંકવાદનો સામનો થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે દેશમાં બે દાયકાથી આતંકવાદ શા માટે કાબૂમાં આવતો નથી? દેશમાં 26/11ની ઘટના પછી પણ કોઈ બોધપાઠ શા માટે લેવામાં આવ્યો નથી? શું જેલમાં બેસીને મટન-બિરયાની ખાઈ રહેલા અફઝલ ગૂરુ અને કસાબને જોઈને કોઈ આતંકવાદ વિરોધી કડક કાયદાની અને ન્યાયપ્રણાલીને વધારે ઝડપી બનાવવાની જરૂરત દેખાતી નથી?

ખરેખર આતંકવાદના મુદ્દે વિવિધ તર્કોથી લોકો તંગ આવી ગયા છે. કોઈ કહે છે કે આતંકવાદને ધર્મ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદનો કોઈ રંગ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદ સામે કોઈ કડક કાયદાની જરૂરત નથી, કોઈ કહે છે કે આતંકવાદનું કારણ ગરીબી, બેકારી અને શિક્ષણનો અભાવ છે, કોઈ કહે છે કે આતંકવાદ ગેરમાર્ગે દોરાયેલાઓનું કૃત્ય છે. ત્યારે જનતા જાણવા કંઈક જાણવા ઈચ્છે છે. ભારતમાં કેટલા પ્રકારના આતંકવાદ અસ્તિત્વમાં છે? તેમનું હાલનું સ્ટેટસ શું છે? આ તમામ આતંકવાદનું કારણ શું છે? દેશમાં આઝાદી બાદ કેટલાં આતંકવાદી હુમલા થયા? આ આતંકવાદી હુમલા ક્યારે અને ક્યાં ઠેકાણે થયા? આ હુમલા પાછળનો ઉદેશ્યોની સરકારને તપાસ બાદ જાણ થઈ છે? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા શું હતી? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના નામ જાહેર કરો? આ દરેક આતંકવાદી હુમલા બાદ સહાયતા રાશિ કેટલી અને કેવી રીતે ચુકવવામાં આવી? આ આતંકવાદી હુમલા બાદ સરકારે ક્યાં પગલાં લીધા? આ આતંકવાદી હુમલાની તપાસનું સ્ટેટસ શું છે? આ આતંકવાદી હુમલાની ઘટનામાંથી કેટલાંમાં ગુનેગારોને સજા થઈ? આતંકવાદીઓને સજા થયા પછી તેનો અમલ કેટલા કિસ્સામાં થયો? આતંકવાદ સામે લડવામાં દેશની રાષ્ટ્રીય નીતિ શું છે?

આતંકવાદી હુમલાઓ બાદનું રાજકીય વાતાવરણ હંમેશા જણાવે છે કે આવા કોઈપણ સવાલોના જવાબ દેશના નેતાઓ પાસે નથી અને જનતાની સંવેદનાઓને એટલી મૂઢ બનાવી દેવામાં આવી છે કે તેઓ આવા કોઈ પ્રશ્નોનો જવાબ પુછી શકે તેવી સ્થિતિમાં નથી.

આ સિવાય દેશમાં કોમવાદી રાજકારણ ચાલી રહ્યું છે. કોમવાદનો એવો અર્થ નથી કે બહુમતીને છાવરવા જ કોમવાદ ગણાય. કોમવાદ તો લઘુમતી-મુસ્લિમ અને ખ્રિસ્તીઓને છાવરવા પણ છે. પરંતુ દેશના કર્મશીલો અને રાજકારણીઓ આ વાતને ભૂલી જાય છે. જેના કારણે દેશના બહુમતી સમાજમાં પણ પ્રતિક્રિયાઓ, આશંકાઓ અને તણાવ ઉભો થાય છે. ભારતના બંધારણે કાયદાને તમામ માટે સમાન અને કાયદા સામે તમામ સમાન હોવાની વાત ભારપૂર્વક કરી છે. દેશના દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો આપ્યા છે. પરંતુ સાથે સાથે વિશેષ અનુચ્છેદ દ્વારા લઘુમતીઓને સંરક્ષણ પણ આપ્યું છે. જો કે આ સંરક્ષણને સંરક્ષણ ન રહેવા દઈને દેશના રાજકીય નેતાઓએ લઘુમતી તુષ્ટિકરણનો હાઈવે બનાવી દીધો છે. દેશને આઝાદી મળી, તેની સાથે જ વિભાજનનું દુ:ખ પણ મળ્યું. આ દુ:ખ ક્યાં કારણોથી મળ્યું, તેની કોઈ ચર્ચા વ્યવસ્થિત રીતે જનતા સમક્ષ કરવામાં આવી નથી. દેશમાં મુસ્લિમ લીગના કોમવાદી રાજકારણે પાકિસ્તાનની પેદાશ કરી છે. આ વાતને ગમે તેવા રૂપાળા તર્કો અને તથ્યોને વિક્ષેપિત કરીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ તે વધારે સમય સુધી છુપાય શકે તેમ નથી.

દેશનું સુપર કેબિનેટ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ દેશના કોમવાદથી ઘણી બધી રીતે પરેશાન છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે પ્રિવેન્સન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્ટ-2011 બનાવ્યો છે. પરંતુ તે બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધનો કાયદો છે. વળી તે કાયદા સામે તમામને સમાન અને તમામ માટે કાયદાને સમાન ગણવાની મૂળ ભાવનાનો છેદ ઉડાડી રહ્યો છે. આ કાયદા પ્રમાણે કોમવાદી અને લક્ષિત હિંસા માટે માત્ર અને માત્ર બહુમતી સમાજ એટલે કે આ દેશનો હિંદુ જ જવાબદાર છે. નેશનલ એડવાઈઝરી કાઉન્સિલનું આ ફેક્ટ ફાઈન્ડિંગ કેટલું ભયંકર છે, તેનો અંદાજો લગાવતા વિશેષજ્ઞોને કંપકપી છૂટી જાય છે. આ કાયદો સમાજનું કેટલી હદે વિઘટન કરશે, તેની તેના બનાવનારને ખબર નથી.

ત્યારે સવાલ એ છે કે દેશમાંથી કોમવાદનું નિર્મૂલન કરવું છે કે તેના પર રાજકારણને છૂટોદોર આપવો છે? જો દેશમાં કોમવાદના નિર્મૂલનની દિશામાં કંઈક વિચાર કરવો હોય, તો દેશની સરકારે થોડા સવાલોના જવાબ સાર્વજનિક કરવા જોઈએ. ભારતના વિભાજન માટે ક્યાં પરિબળો અને કોની રાજનીતિ જવાબદાર હતી? આઝાદ ભારતમાં કોમી અને લક્ષિત હિંસાના કેટલાં બનાવો બન્યા? આ બનાવો ક્યારે અને કઈ જગ્યાએ બન્યા? તેની પાછળના સંભવિત કારણો ક્યાં હતા? કોમી અને લક્ષિત હિંસાની ઘટનામાં માર્યા ગયેલાઓ અને ઘાયલોના નામ ઘટનાવાર જાહેર કરવામાં આવે? આવી ઘટનાઓમાં મૃતકો અને ઘાયલોને ચુકવવામાં આવેલી સહાયતા રાશિઓને ઘટનાવાર નામ સાથે જાહેર કરવામાં આવે? કોમી અને લક્ષિત હિંસાની ઘટનાઓ સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વલણોને જાહેર કરવામાં આવે? આવી કેટલી ઘટનાઓની તપાસ તેના અંજામ સુધી પહોંચી? આવી ઘટનાઓ બાદ કેટલાં લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમાથી કેટલાં લોકોને સજા થઈ તે ઘટનાવાર દર્શાવવામાં આવે. શું ભારતમાં આતંકવાદ અને કોમવાદી ઘટનાઓ વચ્ચે કોઈ આંતરસંબંધ છે?

આ સવાલોના જવાબ મળે તો જાણી શકાય કે દેશમાં કોમવાદ કેમ છે? તેના માટે કોણ મોટાભાગે જવાબદાર છે? આવી ઘટનાઓ કેવી રીતે થાય છે અને તેમાં સજા અને સહાયતા કેવી રીતે થાય છે? ત્યાર બાદ જો તો કોઈ કાયદો બનાવી શકાય. પણ આ બાબતોની ચર્ચા કર્યા વગર તેને ધ્યાન પર કાયદો બનાવીને હિંદુઓને કોર્ટની કાર્યવાહી વગર દોષિત ઠેરવી દેવા કેટલી હદે વ્યાજબી છે? ભારતમાં આતંકવાદ અને કોમવાદ વચ્ચે સંબંધ હોવાની વાત ઘણાં કિસ્સાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામે આવી છે. ત્યારે શું કોમવાદ અને લક્ષિત હિંસા સંદર્ભે મુસ્લિમોને તોફાન કરવાનો પરવાનો આપતા કાયદાથી આતંકવાદને રોકવા માટેનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકાશે?

આના સિવાય પણ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ દરકાર કરવામાં આવતી નથી. હિંદુઓ ગાયને માતા ગણે છે અને હિંદુઓમાં ગોમાંસ વર્જ્ય છે. ત્યારે ગોહત્યાને રોકવા માટે દેશવ્યાપી કડક કાયદા બનાવવાની કોઈ હિલચાલ કરવામાં આવતી નથી.બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદા છે, ત્યાં કાયદાનો કડકાઈથી અમલ થઈ રહ્યો નથી.

હિંદુ ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પર સરકારની ગીધદ્રષ્ટિ છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનો અને ટ્રસ્ટોને વિશેષાધિકાર આપી દેવાયા છે. કર્ણાટક જેવાં રાજ્યમાં ભાજપની સરકારે જ મંદિરોનો વહીવટ પોતાના હસ્તગત લઈ લીધો છે. વળી મંદિરોની દાનની આવક હિંદુ ધાર્મિક કાર્યો માટે જ વપરાય તેવી કોઈ ચોકસાઈ રાખવામાં આવતી નથી. મંદિરોની આવકને હજની સબસિડી, મદરેસાઓ અને અન્ય ધર્મના કામમાં પણ વાપરવામાં આવે છે. ત્યારે હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનો, મંદિરો અને ટ્રસ્ટોમાં દાન કરીને ધાર્મિક પ્રવૃતિઓ કેવી રીતે ચલાવી શકશે? તેનો કોઈ અર્થ કેવી રીતે રહેશે?

આ દેશનો આત્મા હિંદુત્વ છે. પરંતુ દેશનું શાસન સેક્યુલર માળખાં નીચે ચાલી રહ્યું છે.આમા દેશમાં તમામ ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો સરકારની ફરજ છે. પરંતુ સરકાર તેમ કરી રહી નથી. તેની વધુ સાબિતીઓ ઉપરોક્ત સવાલોના જવાબો જાહેર થયા બાદ આપોઆપ લોકો સામે સ્પષ્ટ બનશે.સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા કરવી આ દેશની મુસ્લિમ વોટબેંક માટે લાળ ટપકાવતા નેતાઓ માટે સામાન્ય વાત છે. દેશમાં હિંદુઓને જ પીડિત બનાવીને અન્ય પંથ-સંપ્રદાય-મજહબોને વિશેષ લાભો આપીને તુષ્ટિકરણ કરીને દેશના સોશ્યલ એન્જિનિયરિંગ સાથે ભયાનક અને ભાગલાવાદી પ્રયોગ થઈ રહ્યો હોય તેમ લાગતું નથી? દેશ માટે સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા, વિકૃત વ્યવહાર તમામ પ્રકારે અને સ્તરે ખતરનાક પુરવાર થયો છે અને થતો રહેશે.ત્યારે જરૂરી છે કે દેશની જનતા સ્વયંભૂ જાગૃત બનીને દેશના નેતાઓ અને રાજકારણીઓને વિકૃત સેક્યુલારિઝ્મનો માર્ગ છોડાવા માટે અભૂતપૂર્વ દબાણ ઉભું કરે, રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રીય નીતિઓ બનાવવા માટે દબાણ કરે.જો દેશની તમામ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે,તો તેમાંથી મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વિકૃત સેક્યુલરોની સેક્યુલારિઝ્મના નામે આચરવામાં આવેલી વિકૃતિઓ છે.

શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011

આતંકવાદના મુદ્દે બશર્મોની બેશરમી


- આનંદ શુક્લ

એક વખતની આતંકવાદી ઘટના બાદ બીજી આતંકવાદી ઘટનાની રાહ જોવાની ભારત સરકારને ટેવ પડી ગઈ છે. આતંકવાદથી દેશ છેલ્લા બે દશકાથી લહુલુહાણ છે અને યુપીએ સરકાર પાસે આતંક સામે લડવાની કોઈ સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ અને રણનીતિ નથી. વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાની ઘસાયેલી રેકોર્ડ વગાડતા રહે છે. તો સુબોધકાંત સહાય જેવા બેજવાબદાર કેન્દ્રીય મંત્રીઓ પીડિતોના લોહી અને સ્વજનોના આંસુ પર પોતાની ઓકાત બતાવી રહ્યાં છે. આતંકવાદના મુદ્દા પર રાજનીતિની નીચ કોશિશ ભારતીય રાજકારણનું કલંક છે. પરંતુ ભારતના રાજકારણમાં આતંકવાદના મુદ્દે રાજનીતિને રાષ્ટ્રનીતિમાં ફેરવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ ભેગા મળીને કોઈ પ્રયત્ન કરતાં નથી.

યુપીએ-1 સરકાર જ્યારે સત્તામાં આવી તો તેમણે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પોટા નામનો આતંકવાદ વિરોધી કાયદો સંસદમાં રદ્દ કરાવ્યો હતો. તે વખતે તર્ક હતો કે આતંકવાદ કંઈ કાયદાથી રોકાવાનો નથી અને ભારતના પ્રવર્તમાન કાયદા આતંકવાદ સામે લડવા માટે સક્ષમ છે. મુસ્લિમ વોટબેંકની રાજનીતિ સાથે પોટાને હટાવવાના મુદ્દાને કોંગ્રેસ અને તેના મળતિયાં રાજકીય પક્ષોએ ભેળવી દીધો હતો. પણ અત્યારે સવાલ એ છે કે સંસદ પર હુમલાના ષડયંત્રકારી આતંકી અફઝલ ગૂરુને ઘટનાના 10 વર્ષ બાદ પણ ફાંસીની સજા આપી શકાય નથી. સુપ્રીમ કોર્ટે અફઝલની ફાંસી પર મંજૂરીની મ્હોર મારી છે, પણ રાજકારણે અફઝલને ફાંસી પર લટકવા દીધો નથી. મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ આમિર કસાબને પણ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. પરંતુ તેને આજે પણ જેલમાં બેસાડીને બિરયાની ખવડાવામાં આવે છે. ત્યારે ભારતના કાયદામાં એવી કોઈ ખામી છે, ભારતના ન્યાયતંત્રની પ્રણાલીમાં એવા કોઈ છીંડા છે કે અફઝલ, કસાબ જેવા નરરાક્ષસોને જેલમાં બેસાડીને મટન-બિરયાની ખવડાવામાં આવે છે.

મુંબઈમાં ત્રણ વિસ્ફોટો થયા, બાદમાં અન્નાના કથિત ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં લોકો આતંકવાદનો મુદ્દો ભૂલી ગયા. અન્નાના અનશન સમાપ્ત થયાના અઠવાડિયા બાદ 7મી સપ્ટેમ્બરે દિલ્હીની હાઈકોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 11 લોકોના જીવ ગયા. પણ કોઈ રાજકારણીઓના પેટનું પાણી હલ્યું નથી. કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે તો સંવેદનહીનતાની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે દિલ્હી વિસ્ફોટો સંદર્ભે આંચકાજનક નિવેદન આપતા કહ્યુ છે કે આ કોઈ નવી ઘટના નથી. આખા દેશમાં આતંકી હુમલા થાય છે. લોકો આવા ઘડાકાઓના આદિ થઈ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં મુંબઈમાં થયેલા ટ્રિપલ બ્લાસ્ટ વખતે સુબોધકાંત સહાય મુંબઈમાં જ કોઈ ફેશન શોમાં મોડલ્સની લચકતી કમર જોઈને પોતાની આંખો ઠંડી કરી રહ્યા હતા.

દિલ્હી વિસ્ફોટના બે દિવસ બાદ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પોતાની વકીલ તરીકેની દલીલો સાથે જનતા સામે પ્રગટ થયા હતા. તેમણે કહ્યું હતું કે આખું ભારત આતંકવાદીઓના નિશાના પર છે અને હવેનો આતંકી હુમલો અમદાવાદમાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશમાં આતંકવાદી હુમલો ન થવાની ગેરેન્ટી આપી શકે નહીં. તેમણે ભારતની ભૂગોળને ઘણી વિકટ ગણાવી. પ્રખ્યાત વકીલમાંથી નાણામંત્રી બાદમાં ગૃહમંત્રી બનેલા પી. ચિદમ્બરમે કહ્યું છે કે દરેક ગુપ્ત માહિતી પર ત્યાં સુધી કાર્યવાહી કરી શકાય છે, જ્યાં સુધી તે ખોટી સાબિત ન થઈ જાય. આપણે આપણી ક્ષમતાઓને વિકસિત કરવાની કોશિશ કરી રહ્યાં છીએ. દરેક એજન્સીઓએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે.

ત્યારે સવાલ એ છે કે આપણે આપણી ક્ષમતાઓને ક્યાં સુધી વિકસિત કરતાં રહીશું, ક્ષમતાઓ વિકસિત થવા છતાં પણ આતંકવાદી હુમલાઓ તો રોકાતા નથી. તેનો અર્થ એ થયો કે ભારતની સુરક્ષા એજન્સીઓ અને સરકાર કરતાં આતંકવાદીઓ વધારે તૈયારી કરી રહ્યાં છે. દરેક એજન્સીઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવતી ન હોવાથી જ તો આતંકી હુમલો થાય છે. તો આવી કઈ એજન્સી કે એજન્સીઓ છે અને તેમાં ક્યાં લોકો જવાબદાર છે, તે પણ ચિદમ્બરમ સાહેબે શોધવું ન જોઈએ. ચિદમ્બરમ સાહેબ ગૃહમંત્રી થઈને દેશમાં બોમ્બ ધડાકા નહીં થાય, તેવી કોઈ ખાતરી આપવા માટે તૈયાર નથી. પણ તેઓ કહી રહ્યાં છે કે દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. એટલે કે અત્યારે લોકો પોતાની ભૂમિકા નિભાવતા નથી? શું લોકોએ પોતાની સુરક્ષા રામભરોસો રાખવી પડશે કે પોતાની મેળે પોતાની સુરક્ષા કરવી પડશે?

ચિદમ્બરમે પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે 9/11ના હુમલા બાદ અમેરિકાને પોતાની ક્ષમતાઓ વિકસિત કરવામાં સમય લાગ્યો હતો. આપણે તો 26/11ની ઘટના બાદ આપણા સુરક્ષા તંત્રને મજબૂત કર્યું છે. પરંતુ ચિદમ્બરમ સાહેબ, કેમ ભૂલી જાય છે કે પૂણેમાં જર્મન બેકરીનો બ્લાસ્ટ, મુંબઈમાં ટ્રિપલ બ્લાસ્ટ, દિલ્હી બ્લાસ્ટ સહીતના આતંકવાદી હુમલા 26/11 બાદ જ થયા છે. હા, 26/11 બાદ કંઈક ત્રીસ માસ સુધી આતંકવાદી હુમલા થયા ન હતા. તો શું અમારે જનતાએ એમ માનવું કે તે પાકિસ્તાન અને તેના દ્વારા પ્રેરીત તથા પોષિત આતંકવાદી સંગઠનોની ઈચ્છા ન હોવાથી થયા ન હતા? કારણ કે અમેરિકા ઈચ્છતું ન હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉભો ન થાય અને પોતાના સામરીક હિતોને નુકસાન ન પહોંચે. તો શું અમેરિકાએ પાકિસ્તાનની સરકાર અને સેનાને અને પાકિસ્તાની સરકાર-સેનાએ આતંકવાદીઓને ભારતમાં થોડો સમય આતંકી હુમલા ન કરવાનું ફરમાન કર્યું હશે અને ચિદમ્બરમ સાહેબ આને આતંકી હુમલાઓ રોકવામાં સફળતા માનીને છાતી ફૂલવી રહ્યાં છે?

દિલ્હી બ્લાસ્ટ બાદ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન હતું કે આતંકવાદ સામેનું યુદ્ધ લાંબુ છે અને તેમાં આપણે જીતીશું. ત્યારે સવાલ એ છે કે આતંકવાદ સામે આપણે ક્યું યુદ્ધ કેવી રીતે લડી રહ્યાં છીએ? શું આપણે આતંકવાદ સામે યુદ્ધના નામે નક્કર પરિણામદાયક પગલાં લેવાની જગ્યાએ હવામાં હવાતિયાં મારીને ખુશ થઈ રહ્યાં છીએ? શું આતંકવાદ જ્યાંથી પેદા થઈ રહ્યો છે, તે પાપી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે લશ્કરી નહીં, તો કૂટનીતિક, રાજનયિક, રાજકીય, વ્યાપારીક અને સામરીક પગલાં લઈ રહ્યાં છીએ? આતંકવાદ સામેના યુદ્ધની આવી પોકળ નીતિ અને રણનીતિથી મનમોહનજી આપણે કેવી રીતે જીતીશું તેનો તો જવાબ આપો?

આતંકવાદી હુમલા બાદ સરસ અંગ્રેજી ભાષામાં પઢાયેલા પોપટની જેમ નિવેદન આપનારા કોંગ્રેસી નેતાઓની કોઈ અછત નથી. કોંગ્રેસના એક મહાસચિવ દિગ્વિજય સિંહને દરેક આતંકવાદી હુમલામાં આરએસએસનો હાથ દેખાતો રહ્યો છે. તેમણે જુલાઈ માસમાં થયેલા મુંબઈ વિસ્ફોટોમાં આરએસએસનો હાથ હોવાની વાતને નકારી ન હતી. તો તે વખતે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં દરેક આતંકવાદી હુમલા રોકવા બેહદ મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું હતું કે ચોકસાઈ અને જાસૂસી દ્વારા દેશમાં 99 ટકા આતંકવાદી હુમલા રોકવામાં આવ્યા છે, પરંતુ દરેક હુમલો રોકવો કઠિન છે. તેમણે કહ્યું હતું કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલા અવારનવાર થાય અને અમેરિકા તેને ક્યાં રોકી શકે છે.

તો દિલ્હીમાં ભૂતકાળમાં દિવાળી પહેલા થયેલા આતંકવાદી હુમલામાં ઘણાં લોકોના જાન ગયા અને બીજા દિવસે જેટલી બેઠક થઈ, તે બધાંમાં ગૃહમંત્રી શિવરાજ પાટિલે જાતભાતના પરિધાનોમાં ભાગ લીધો હતો. શું એ શરમજનક વાત નથી કે લોકોના માર્યા જવાની ઘટના દરમિયાન ગૃહમંત્રી શિવરાજ પાટિલે કપડા અને જોડાંની પસંદગીમાં ગુંચવાયા હતા? મુંબઈ પરના આતંકવાદી હુમલાની ઘટના વખતે તાજ અને ટ્રાઈડેન્ટ હોટલમાં થયેલા આતંકી હુમલા બાદ પત્રકારોના એક સવાલના જવાબમાં પાટિલે આ હુમલાઓને નાની-મોટી ઘટના ગણાવીને પત્રકારોના સવાલોથી પીછો છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મુંબઈ પરના આતંકવાદી હુમલામાં 186 લોકોના જાન ગયા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. આટલી મોટી ઘટનાને નાની ઘટના કહેનારો વ્યક્તિ દેશનો ગૃહમંત્રી હતો, તે દેશનું દુર્ભાગ્ય નથી?

તો મુંબઈ હુમલા દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહમંત્રી આર. આર. પાટિલ ઘરેથી નીકળવા માટે તૈયાર ન હતા. નાયબ મુખ્યમંત્રી છગન ભૂજબળે કહ્યું હતું કે 26/11ની રાત્રે જ્યારે તેમણે પાટિલને હુમલાવાળા સ્થાનો પર જવાનું કહ્યું તો તેમણે કહ્યું કે પોલીસે મનાઈ કરી છે. ત્યારે ભૂજબળે કહ્યું હતું કે ઠીક છે, તમે ઘટનાસ્થળ પર ન ચાલો, પણ ઓછામાં ઓછું ડીજીપી ઓફિસ સુધી તો આવી જ શકો છો, પણ તેઓ તૈયાર થયા ન હતા.

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, તેના માટે આંદોલન થાય. આ બધી વાતો ઘણી સારી છે. ત્યારે દેશને આતંકવાદ મુક્ત કરાવવા માટે અને આતંકવાદના ખાત્મા સુધીની લડાઈ અન્ના હજારે જાહેર કરે, તે ઘણું સારું છે. આતંકવાદ પર રાજનીતિથી દેશને મુક્ત કરવા અને રાષ્ટ્રનીતિ ઘડવા માટે શું અન્ના હજારે નવું આંદોલન કરવા માટે તૈયાર છે? દેશના લોકોએ અન્નાના આંદોલનમાં ભાગ લીધો, ખૂબ સારું કામ કર્યું. પણ હવે આતંકવાદ સામે લડવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે તમે તૈયાર છો? અન્નાના આંદોલનને મીડિયા ઈવેન્ટ બનાવનારા કેન્ડલિયા પત્રકારો પણ આતંકવાદના મુદ્દા પર જનમત તૈયાર કરવા માટે કોઈ મહત્વની ભૂમિકા નિભાવશે કે ચિલાચાલુ સ્ટોરીઓ તથા આતંકી ઘટનાઓના ગાણાં ગાઈને કેટલાંક ચોખલિયાઓને બોલાવીને સ્ટુડિયોમાં ચર્ચા જ કર્યે રાખશે?

રવિવાર, 17 જુલાઈ, 2011

આતંકી હુમલામાં દિગ્વિજયનું હલકટ રાજકારણ


ભારતીય રાજકારણમાં હાલ વોટબેંકની રાજનીતિમાં નીચતાની પરાકાષ્ઠાને પામનારા એક જ નેતા છે, દિગ્વિજય સિંહ. દિગ્વિજય સિંહની રાજનીતિ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોને બદનામ કરીને, પાયાવિહોણા આક્ષેપો મૂકીને દેશની સૌથી મોટી લઘુમતી ગણાતા મુસ્લિમોને ખુશ કરીને વોટબેંક અંકે કરવી. મધ્ય પ્રદેશમાં હિંદુત્વના મોજા નીચે ઉમા ભારતીના નેતૃત્વમાં દિગ્વિજય સિંહને 10 વર્ષના શાસન બાદ વનવાસ મળ્યો છે. આ વનવાસને તેઓ પચાવી શક્યા નથી, તેના કારણે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામથી લવારી ઉપડે છે. આ લવારી પહેલા તો કોઈના ધ્યાનમાં આવતી ન હતી. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસ હાઈકમાન્ડ અને સોનિયા ગાંધીની મૂક સંમતિથી દિગ્વિજય સિંહે હિંદુ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ જે નિવેદનબાજી કરી છે, તેનાથી હકીકતે દેશને નુકસાન પહોંચી રહ્યું છે.

તાજેતરમાં મુંબઈમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે આ બોમ્બ વિસ્ફોટોની તપાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા હિંદુ સંગઠનોને આવરી લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે આરએસએસની વિરુદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાના પુરાવા છે. તેઓ પુરાવા એનઆઈએને આપવા માટે તૈયાર છે. જો કે તેમણે કહ્યું કે તાજેતરના મુંબઈ વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંડોવણી હોવાના તેમની પાસે કોઈ પુરાવા નથી.

દિગ્વિજય સિંહ આટલેથી અટકે તો તેમનું નામ બોળાય, તેમણે ઉજ્જૈનમાં એક સભા દરમિયાન કહ્યું કે તેઓ પહેલેથી જ કહેતા રહ્યાં છે કે દેશમાં આરએસએસ આતંક ફેલાવવાના કામમાં સક્રિય છે અને તેમની પાસે બોમ્બ બનાવવાના કારખાના છે. સાથે જ તેમમે ફરી એકવાર એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે મુંબઈમાં થયેલા તાજા આતંકવાદી હુમલાની તપાસમાં હિંદુ સંગઠનોને પણ લાવવામાં આવે. દિગ્વિજય સિંહ મુંબઈ હુમલા બાદ હવે મુંબઈ વિસ્ફોટો પર નીચ રાજકારણ ખેલી રહ્યાં છે. આતંકવાદી ઘટનાઓમાં આરએસએસની સંડોવણી હોવાની વાત કરીને દિગ્વિજય સિંહ એક કાંકરે ઘણાં પંખીડાઓને ભોય ભેગા કરવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં 2012માં ચૂંટણીઓ આવી રહી છે. યુપીના 18 ટકા મુસ્લિમ મતો પર દિગ્વિજયની ગીધ દ્રષ્ટિ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ડર બતાવીને, તેમના પર આક્ષેપ કરીને યુપી વિધાનસભામાં કોંગ્રેસના ભાગે મુસ્લિમ વોટબેંક થકી વધુમાં વધુ બેઠકો કબજે કરવાની દિગ્વિજયની મનસા છે.

આ સિવાય આરએસએસ ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની સામેના ધ્રુવનો ઉદગમ સ્ત્રોત છે. ભારતીય રાજનીતિમાં આરએસએસ દ્વારા ઉભા થયેલા રાજકીય પડકારને સમાપ્ત કરવા માટે દિગ્વિજય સિંહ સતત પ્રયત્નશીલ છે. તેના કારણે તેઓ કોઈ નક્કર પુરાવા વગર આરએસએસ પર આક્રમક આક્ષેપો કરીને તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. આરએસએસને પોતાના આક્ષેપોથી તેઓ સંરક્ષણાત્મક અવસ્થામાં લાવીને 2014માં પોતાના યુવરાજ રાહુલ ગાંધીનો રસ્તો વિઘ્ન વગરનો કરવા માંગે છે. આ સિવાય ભગવો આતંકવાદ દેશ માટે પડકાર હોવાની વાત કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ ઓન રેકોર્ડ બોલ્યા છે. તેના કારણે તપાસ એજન્સીઓ અને સુરક્ષાદળો પર પરોક્ષ રીતે તે દિશામાં નિશાન ફેરવવાનું દબાણ પણ છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના કોંગ્રેસ હાઈકમાન્ડની મૂક સંમતિથી બોલાયેલા નિવેદનથી તપાસની દિશા બદલાય કે તેમાં ગુંચવાડો ઉભો થાય તેવી પ્રબળ સંભાવના છે.

વળી 15 ઓગસ્ટથી અણ્ણા હજારેએ લોકપાલ બિલ માટે અનશનની જાહેરાત પણ કરી છે. લોકોના ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે મતને પારખતા દિગ્વિજય સિંહ હાલ જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માગતા હોવાનું સ્પષ્ટપણે લાગે છે. કારણ કે મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં આરએસએસની સંડોવણીની તપાસ કરવા સંદર્ભેનું સ્ફોટક નિવેદન આપીને તેઓ ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે લડવા માટે તૈયાર થયેલી જનતાને વિખેરવા રાજકીય ગરમાવો ઉભો કરવા માંગે છે. દિગ્વિજય, સિંહની નહીં પણ લુચ્ચા શિયાળવાની નીતિ અખત્યાર કરીને દેશમાં સંકુચિત અને સમાજના તાણા-વાણાને નુકસાન કરનારી રાજનીતિ ખેલી રહ્યાં છે.

તેમની આ ટેવ ઘણી જૂની છે. 2007માં દિગ્વિજય સિંહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌથી પહેલા હિંદુ આતંકવાદની તદ્દન પાયાવિહોણી વાતનો લવારો મતદારો સામે કર્યો હતો. દિગ્વિજય આટલેથી અટક્યા નથી. તેમણે દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનો આતંક ફેલાવી રહ્યાં હોવાની વાત અનેક વખત કહી છે. માલેગાંવ, મોડાસા, અજમેર, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ જેવાં કેસોમાં કેટલાંક હિંદુઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સામે કેસ ચાલી રહ્યાં છે. કોર્ટ તેની સામેના પુરાવા થકી અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ થકી હજું કોઈ ચોક્કસ નિષ્કર્ષ તરફ પહોંચી નથી. ત્યારે દિગ્વિજય સિંહ કોર્ટ બહાર ટ્રાયલ ચલાવી રહ્યાં છે અને હિંદુ આતંકવાદનો લવારો કરી રહ્યાં છે. તેમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને એક કરતાં વધારે વખત માટે નાઝીવાદી અને હીટલર ગણાવ્યું છે. તેમણે દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ પોલીસ અધિકારી મોહન શર્માનું અપમાન કરવાની હિંમત કરીને ઘણાં સવાલો ઉભા કર્યા છે. જો કે દિલ્હી સરકારે આ એન્કાઉન્ટર અસલી હોવાની વાત કરી છે. જ્યારે બટલા એન્કાઉન્ટરને નકલી ગણાવીને દિગ્વિજય સિંહ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના શહેર ઉત્તર પ્રદેશના આઝમ ગઢની ઘણી વખત મુલાકાત લીધી છે. તેમણે આજમગઢની મુલાકાતે રાહુલ ગાંધીને પણ તૈયાર કરીને મોકલ્યા હતા.

આ સિવાય હદ તો ત્યારે થાય છે કે જ્યારે 26/11ના મુંબઈ હુમલામાં માર્યા ગયેલા તત્કાલિન એટીએસ ચીફ હેમંત કરકરેના મૃત્યુ સંદર્ભે વિવાદ ઉભો કરીને દિગ્વિજય ખાસા સમાચારમાં રહ્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે હેમંત કરકરેએ મુંબઈ હુમલાના દિવસે તેમને ફોન પર જણાવ્યું હતું કે પોતાના જીવને હિંદુવાદી સંગઠનોથી જોખમ છે. દિગ્વિજય સિંહે માલેગાંવ વિસ્ફોટોમાં સાધ્વી પ્રજ્ઞા સિંહની અને અન્ય હિંદુઓની ધરપકડ કરવા બદલ હેમંત કરકરેને મુસ્લિમો માટે ખુદા સમાન ગણાવ્યા હતા.

આટલી હલકટ અને ગંદી રાજનીતિ રમનારા દિગ્વિજય સિંહે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના મૃત્યુ વખતે સંબોધનમાં ઓસામાજી કહીને બોલાવ્યો હતો. જ્યારે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરીને વિદેશમાં રહેલા અઢળક કાળા ધનને દેશમાં પાછું લાવવાની મુહિમ ચલાવનારા હિંદુ સન્યાસી બાબા રામદેવને મહાઠગ ગણાવ્યા હતા. ત્યારે સવાલ એ છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પાસે બોમ્બ બનાવવાની ફેકટરીઓ હોવાની વાતના આધાર માટે દિગ્વિજય સિંહ દેશહિતમાં શા માટે પુરાવા રજૂ કરતાં નથી? એનઆઈએ દિગ્વિજય સિંહ પાસે આરએસએસ વિરુદ્ધના પુરાવા શા માટે માગતું નથી? બીજું દેશની દરેક વિપત્તિ વખતે દેશવાસીઓ સાથે સેવાના કાર્યોમાં ખભેખભો મિલાવીને કામ કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે અલગ વિચારધારા માત્રથી ધૃણા શા માટે કરવામાં આવે છે? આ દેશના સૌથી સેક્યુલર વડાપ્રધાન ગણાયેલા જવાહરલાલ નેહરુએ 1962ના ચીન સામેના યુદ્ધમાં આરએસએસે કરેલી દેશસેવા બદલ 26 જાન્યુઆરી, 1963ના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીની પરેડમાં સંઘને આમંત્રણ આપ્યું હતું. ત્યારે દિગ્વિજય સિંહે જવાબ આપવો જોઈએ કે સૌથી સેક્યુલર ગણાતા જવાહરલાલ નેહરુને દેશભક્ત લાગેલું આરએસએસ તેમને કેવી રીતે આતંકવાદી લાગે છે?

શુક્રવાર, 15 જુલાઈ, 2011

આતંકવાદનો સામનો નાલાયકોની ‘રાજનીતિ’થી અશક્ય


મુંબઈમાં બુધવારે ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયા. બોમ્બ બ્લાસ્ટમાં 21 નિર્દોષ લોકોના મોત નીપજ્યા, જ્યારે 131 લોકો ઘાયલ થયા છે. પરંતુ રાજકારણીઓને નિવેદનબાજી કરવા સિવાય અન્ય કોઈ વાતની દરકાર નથી. સૌથી આઘાતજનક નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રીનું લાગ્યું, તેમણે કહ્યું કે ભારતનું કોઈપણ શહેર સુરક્ષિત નથી. ભાઈ, તમે સરકાર છો, તમારા હાથમાં પાવર છે અને તમે મુંબઈ પર હુમલાના 31 માસ બાદ કહો છો કે ભારતના બધાં શહેરો પર ખતરો છે. ગૃહ મંત્રી તરીકે શિવરાજ પાટિલની વિદાય બાદ પી. ચિદમ્બરમ પર દેશને સૌથી વધારે આશા હતી, પરંતુ આ આશા ઠગારી ત્યારે નીવડી કે જ્યારે તેમણે કહ્યું કે મુંબઈમાં 31 માસ બાદ આતંકી હુમલો થયો છે. આ હુમલાની આગોતરી જાણકારી કેન્દ્ર કે રાજ્યની એજન્સીઓને ન હતી. છતાં પી. ચિદમ્બરમ આ બાબતને ઈન્ટેલિજન્સની નિષ્ફળતા માનવા તૈયાર નથી. અત્રે સવાલ એ ઉભો થાય છે કે ઈન્ટેલિજન્સ પાસે આતંકી હુમલાની કોઈ માહિતી ન હોવી તેની નિષ્ફળતા નથી? જો કે હવે થનારા આતંકી હુમલામાં જરૂરથી ઈન્ટેલિજન્સની નિષ્ક્રિયતા કે નિષ્ફળતાની ચર્ચા નહીં થાય, કારણ કે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે કહી દીધું છે કે ભારતના દરેક શહેર પર જોખમ છે.

તો ભાવિ વડાપ્રધાન તરીકે કોંગ્રેસ દ્વારા પ્રોજેક્ટ થનારા યુવરાજ રાહુલ ગાંધીના નિવેદન વધારે આઘાતજનક છે. તેમણે કહ્યું છે કે દેશમાં 100 ટકા આતંકવાદી હુમલા રોકવા શક્ય નથી. 99 ટકા આતંકવાદી હુમલા રોકી લેવાયા છે. આનો અર્થ ઘણો સ્પષ્ટ છે કે સરકાર અને તેની આગેવાન કોંગ્રેસ પાર્ટી આતંકવાદી હુમલાને પોતાની વોટબેંકની રાજનીતિમાં ઘણાં હળવાશથી લઈ રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ વધારે આશ્ચર્ય ત્યારે સર્જ્યું કે જ્યારે તેમણે ભારતની સરખામણી અફઘાનિસ્તાન અને ઈરાક સાથે કરી. તેમણે કહ્યું કે અમેરિકા પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાં આતંકવાદી હુમલા રોકી શક્યું નથી. આટલી બેજવાબદારીભર્યા નિવેદનો જણાવે છે કે ભાવિ વડાપ્રધાન ગણાવાતા રાહુલ ગાંધીમાં દેશના લોકોની ભાવના પ્રમાણે વર્તવાની કોઈ પરિપકવતા નથી.

ભારત વિશ્વના સૌથી અશાંત ગણાતાં દેશોનું પડોશી છે. છતાં ભારત આટ-આટલા આતંકવાદી હુમલા બાદ પણ કોઈ સ્પષ્ટ રણનીતિ તૈયાર કરી શક્યુ નથી. સાચું પુછો તો દેશની સામેના આ દેખીતા સૌથી મોટા પડકાર સામે રાજકીય સ્તરે કોઈ સામુહિક ચિંતન અને સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ ઉપલબ્ધ નથી. વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના કારણે આતંકવાદ સામે ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવી છે.

તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું છે કે બ્લાસ્ટ રોકવા હોય તો યુપી-બિહારના લોકોને મુંબઈમાંથી ભગાડો. રાજ ઠાકરે મહારાષ્ટ્રના નામે પ્રાદેશિક રાજનીતિ કરવા માટે કુખ્યાત છે. તેમણે યુપી-બિહારના લોકો સામે જે પ્રકારે ગુંડાગીરી કરી છે, તે કોઈનાથી છુપી નથી. ત્યારે હાલ જ્યારે બોમ્બ બ્લાસ્ટની તપાસનું કોઈ પરિણામ આવ્યું નથી, ત્યારે યુપી-બિહારના લોકો પર બ્લાસ્ટના દોષનો ટોપલો ઢોળીને પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓને છટકી જવા દેવાની વાત કરવી ઘણી આશ્ચર્યજનક અને આઘાતજનક છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દહેશત ફેલાવીને આતંકવાદીઓ ભારતને આર્થિક રીતે કમજોર કરવા માંગે છે. કારણ કે ભારતમાં આર્થિક વ્યવહાર મોટાભાગે મુંબઈથી ચાલે છે. ભારતમાં રોકાણકારો આવે નહીં અને પ્રવાસીઓ પોતાની મુસાફરી સ્થગિત કરી દે, તેવો કારસો આતંકવાદીઓ ઘડવા માંગે છે. લોક લાગણીને ડામી દેવા માટે બ્લાસ્ટના દોષનો ટોપલો ઈન્ડિયન મુજાહિદ્દીન અને અંડરવર્લ્ડના માથે ઢોળી દેવામાં આવે છે. પરંતુ આ બંને પાકિસ્તાનમાંના તેમના આકાઓની મરજી સિવાય કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને અંજામ આપે તેમ નથી.

અલ કાયદા જેવા સંગઠનના નિશાના પર હોવા છતાં અમેરિકામાં 10 વર્ષથી આતંકવાદી હુમલો થઈ શક્યો નથી. બ્રિટનમાં 7/11ની ઘટનાના છ વર્ષ બાદ આતંકવાદીઓ પોતાના નાપાક મનસૂબા પાર પાડી શક્યા નથી. હમાસ અને હિજબુલ્લાના નિશાના પર હોવા છતાં 1972 બાદ ઈઝરાયેલનું કોઈ વિમાન હાઈઝેક થયું નથી. પરંતુ આતંકવાદીઓ ભારતને ગમે ત્યારે નિશાન બનાવવામાં સફળ થઈ રહ્યાં છે. તેના મુખ્યત્વે ત્રણ કારણો છે- રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, ઘણાં બધાં બુદ્ધિજીવીઓમાં આતંકવાદીઓ પ્રત્યે હમદર્દી અને અમેરિકાથી વિપરીત ભારતના પડોશી દેશોની દુશ્મનાવટ. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ દેશમાં રાજકીય ઈચ્છાશક્તિના બળે આતંકવાદને ખાળવામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યાંના ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષે સાથે મળીને આતંકવાદ સામે રાષ્ટ્રીય નીતિ બનાવી. એકમતથી પેટ્રિયટ લો બનાવીને કાયદામાં ફેરફાર કર્યો, ઈમિગ્રેશન લો બદલ્યા, હોમલેન્ડ સિક્યુરિટીને મજબૂત કરી અને પોલીસને વધારે શક્તિ આપી છે. અમેરિકાએ પોતાના સૌથી મોટા દુશ્મન ઓસામા બિન લાદેનના ખાતમા માટે રાષ્ટ્રપતિ બુશ વખતે શરૂ કરેલી નીતિને ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આગળ વધારી અને આજે તેના પરિણામો દુનિયાની સામે છે.

બીજી તરફ ભારતમાં એવા લોકો કમભાગ્યે હાજર છે કે જેઓ કહે છે કે સંસદ પર હુમલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા અફઝલ ગુરુને સજા ન કરવી જોઈએ. આ સિવાય આપણે ત્યાં રાજકીય ઈચ્છાશક્તિ વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણમાં હંમેશા ગેરહાજર રહે છે. કંધાર હાઈજેકિંગમાં ત્રણ આતંકવાદીઓની મુક્તિ અને વી. પી. સિંહ સરકાર વખતે તત્કાલિન ગૃહ મંત્રી મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયા સઈદની મુક્તિ માટે પાંચ આતંકવાદીઓને છોડી મુકવાની ભારત સરકારની નીતિથી એવો સંદેશ ગયો છે કે ભારત એક નબળું અને ઝુકવાવાળું રાષ્ટ્ર છે.
આ સિવાય ભારતના પડોશી દેશો ભારત માટે દરેક વખતે મુસીબત ઉભી કરતાં રહે છે. પાકિસ્તાન ખુદ દુનિયાનો સૌથી વધારે આતંક પ્રભાવિત દેશ છે, પરંતુ તે ભારતમાં આતંકની સતત નિકાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશને ભારતે આઝાદી અપાવી, પણ તેમ છતાં તે ભારત વિરોધી પ્રવૃતિથી ધમધમી રહ્યું છે.

આમ જોવો તો ભારતમાં આતંકવાદી હુમલા બાદ રાજકારણીઓએ નવા નિવેદન આપવાની જરૂર પડે તેમ જ નથી. કારણ કે તેઓ બીબાઢાળ નિવેદનો આપીને જનતાનું માથું ફેરવે છે. માત્ર ઘટના અને ભોગ બનનારના નામ બદલાય છે, પણ સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓના નિવેદનોમાં કોઈ ફેર પડતો નથી. વળી અત્યાર સુધીની મોટાભાગની આતંકવાદી ઘટનાઓમાં કોઈ પરિણામ આવ્યું નથી. આમ જોવો તો હુમલા પછી થનારી તપાસમાં પણ કોઈ સક્કરવાર હોતો નથી. ત્યારે લાગતું નથી કે લોક લાગણીને સમજીને સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓ હવે હરકતમાં આવે અને નિર્દોષ ભારતીયોના આમ વહેતા લોહીને અટકાવે?

શનિવાર, 28 મે, 2011

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)

શુક્રવાર, 27 મે, 2011

ભારતમાં વિકાસ હશે, પણ શાંતિ-સુરક્ષા ક્યાં?


જેને વિકાસની દોડ ગણવામાં આવે છે, તે હકીકતમાં વિનાશની દોડ સાબિત થઈ રહી છે. વિશ્વ આખામાં વિકાસની વાત થઈ રહી છે. પણ જેને અત્યારે વિકાસ ગણવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં એ વિકાસ છે કે જેને વિકાસ ગણવામાં આવે છે, તે વિકાસના માપદંડો પર પુનર્વિચારની આવશ્યકતા છે કે કેમ તે વિચારવાનો સમય આવી ગયો છે? વર્ષો પહેલા રશિયાના થયેલી પરમાણુ દુર્ઘટના, ભારતમાં ભોપાલનો ગેસ કાંડ અને હાલમાં મેક્સિકોની ખાડીમાં થઈ રહેલો ક્રૂડ ઓઈલનો રિસાવ તેના ઉદાહરણો છે. આગની સાથે રમવા માટે આગની જેટલી નજીક જવામાં આવશે તેટલું આગ દઝાડશે.

હાલના વિકાસના માપદંડોનો વિચાર કરીએ વિશ્વના તમામ દેશો ધન-દોલત પાછળ દોડી રહ્યાં છે. તેમની દોડ અમીર બનવાની છે. વૈશ્વિક સલાહકાર ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના 10મા વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2009થી 2014ના અંત સુધી સંપત્તિ બનાવવાના મામલામાં ભારત અને ચીનનો વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ ત્રણ ગણી રહેશે. 2009માં વૈશ્વિક સંપત્તિઓ ઉલ્લેખનીય 11.5 ટકાના વધારા સાથે 1,11,500 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આટલી બધી અધધ સંપત્તિ છતાં વિશ્વમાં ગરીબી, ભૂખમરી, આતંકવાદ, અશાંતિ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમ કેમ થઈ રહ્યું છે? તેના કારણો ઘણાં છે. પરંતુ સૌથી મોટું કારણ છે કે આ સંપત્તિનો મોટો ભાગ અમેરીકા સહીતના વિકસિત દેશો પાસે છે. આ વિકસિત દેશો પોતાના દેશના પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખે છે. પોતાના દેશનું પર્યાવરણ કોઈપણ રીતે બાધિત ન બને તેના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંમેલનોમાં ભારત અને ચીન જેવા દેશો પર કાર્બન એમિશન મુદ્દે દબાણ પણ લાવે છે. પોતાના દેશમાં પ્રતિબંધિત હોય તેવા ઉત્પાદનો તેઓ અન્ય વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કંપની નાખીને કરે છે.

વિશ્વમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 149 દેશોમાં ભારતનો ક્રમ 128મો આવે છે. ગત વર્ષે તેનો ક્રમ 122મા ક્રમે હતું અને 2007માં ભારત શાંતિની બાબતમાં 109મા ક્રમે હતું. આમ ભારત આતંકવાદ, નક્સલવાદ અને અન્ય જીવન સામેના જોખમોને કારણે શાંતિથી અશાંતિ તરફ ગતિ કરી રહ્યું હોવાની વાત આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ અને પીસ (આઇઇપી) દ્વારા વિશ્વના ૧૪૯ દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, ત્રાસવાદ અને માનવ અધિકારોનો ભંગ આઇઇપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના મુખ્ય પરબિળો હોવાનું જણાવવામાં આવ્યું છે. જીપીઆઇના ચોથા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સતત બીજા વર્ષે વિશ્વમાં શાંતિ ઘટી ગઇ છે. આપણા પડોશી દેશ પાકિસ્તાન શાંતિની બાબતમાં સૌથી અશાંત રહ્યો છે. તેનો ક્રમ 145મો છે.

ત્યારે સવાલ એ છે કે 8થી 9 ટકાના વૃદ્ધિદરથી વિકાસ કરી રહેલા ભારતમાં વિકાસ એટલે કે દેશની સંપત્તિ વધી રહી છે. પરંતુ અશાંતિ વધી રહી છે. ત્યારે દેશમાં આવા વિકાસની બાબતમાં વિચારવું ન જોઈએ કે જેમાં દેશના નાગરીકોને શાંતિ ન મળતી હોય, તેમના જીવનની કોઈ સુરક્ષા ન થઈ હોય ભોપાલ ગેસ કાંડ જેવી ઘટનાઓના ચુકાદા પણ આવી સ્થિતિમાં પીડિતોને દાઝયા પર ડામ દેવાનું કામ કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની શરૂઆતના વર્ષોમાં જ ભારતમાં અમેરીકી કંપની યૂનિયન કાર્બાઈડ આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ પાંચ-સાત વર્ષ બાદ રાજકીય કટોકટી અને આર્થિક કટોકટી જોઈ હતી. આર્થિક કટોકટી સામે ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી.

નરસિંહરાવના શાસનકાળ દરમિયાન તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહની ગ્રાન્ડ ડિઝાઈન હેઠળ જ ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતમાં અમેરીકા સહીતના દેશોનું વિદેશી રોકાણ વધવા લાગ્યું હતું. ભારતમાં ઔદ્યોગિકરણે પણ વેગ પકડયો હતો. પાણીથી પરમાણુ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરવાની શરૂ કરી દીધી છે. તેવામાં ભોપાલ ગેસ દુર્ઘટનાને કોલ્ડ બોક્સમાં નાખી દેવાય હોય તેવી સંભાવના વધારે છે. કારણ કે જે પ્રકારે ચુકાદાને આવતા 25 વર્ષ લાગ્યા અને જે પ્રકારે અત્યારે એન્ડરસનને ભગાડવામાં અમેરીકી દબાણ અને એન્ડરસનના પ્રત્યાર્પણ મામલે સીબીઆઈની ઢીલી નીતિઓની વાત સામે આવે છે, તે તમામ બાબતો કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

જો ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ સ્વીકાર્યું તેના થોડા સમયમાં જ ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે ભારત સરકારે કોઈ કડક વલણ અપનાવ્યું હોત તો જે આઠથી નવ ટકાના વિકાસદરની ગણતરી સરકાર કરી રહી છે. તે થવી કેટલી સંભવ હતી તે તો આકલનનો જ વિષય છે! ત્યારે વિકાસની પરિભાષા અને વિકાસ તરફના દ્રષ્ટિકોણને પણ પુનર્વિચાર કરવાની જરૂર ઉભી થઈ છે. આ સંદર્ભે વિચાર કરવાની અત્યારે આવશ્યકતા છે. કારણ કે ભારતે સમૃદ્ધિ તરફ, વિકાસ તરફ જરૂરથી આગળ વધવું પડશે. ત્યારે સવાલ એ છે કે દેશના નાગરીકોના જીવનના ભોગે તો ભારતને ધન-દોલતના રાહ પર લઈ જવા માટે એટલે કે વિકાસના રસ્તે લઈ જવા માટે દેશના કર્ણધારોએ કોઈ સમજૂતી પરિસ્થિતિ સાથે કે અન્ય દેશ સાથે તો નથી કરી લીધી ને? વળી તેવો હજી પણ આ નીતિને વળગી તો નથી રહ્યાં ને? તે તમામ બાબતોના ખુલાસા દેશની જનતા સામે થવા જરૂરી છે.

પણ તે પણ આપણે યાદ રાખવું પડશે કે માત્ર વૃદ્ધિદરના ગણિતમાં સમાયેલા વિકાસની કોખમાં વિનાશને પણ ગળે લાગાડીને ચાલી રહ્યાં છીએ. જ્યારે અમેરીકા સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પરમાણુ ઊર્જા મેળવવા માટે આપણે ડગ ભરતા હોઈએ ત્યારે ભારતમાં નાગરીકોના જીવનની સુરક્ષા માટે પણ સરકાર સતર્ક બને અને કોઈ જવાબદાર પગલા ભરે તે જરૂરી છે. નાગરીકોના જીવન સામે આતંકવાદ, નક્સલવાદ, બોમ્બ વિસ્ફોટો અને આવી દુર્ઘટનાઓનું જોખમ ઓછું થાય તેવા એક્શન પ્લાન સાથે સરકારે હવે સામે આવવાનો વખત આવી ગયો છે.

આતંકવાદ સામેના મહાભારતમાં શ્રીકૃષ્ણ હવે સારથિ બનો!

દુરાચાર, અત્યાચાર, અધર્મ, અન્યાય, મૂલ્યહીનતા વગેરે અનિષ્ટોના આતંકવાદ સામે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણે જીવનભર યુદ્ધ કર્યું છે અથવા તો કરાવ્યું છે. અધર્મ અને અન્યાયના આતંકવાદને મહાભારતના નિર્ણાયક યુદ્ધમાં કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં મોતને ઘાટ ઉતારવા પાછળ કૃષ્ણની જ પ્રેરણા હતી. કૃષ્ણ જ એ એકમાત્ર વ્યક્તિ હતા કે તેમણે મહાભીષણ યુદ્ધને ટાળવા માટે પૂર્ણ પ્રમાણિક પ્રયાસ કર્યો હતો. યુદ્ધભૂમિમાં જતાં પહેલા અધર્મ, અન્યાય અને આતંકના વાહક દુર્યોધનને કૃષ્ણે ઘણો સમજાવ્યો.

પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે સમજાવટથી ધર્મની સ્થાપના નહીં થાય, સમજાવટથી ન્યાય નહીં મળે, સમજાવટથી આતંકનો અંત નહીં થાય. ત્યારે તેમણે અઢાર અક્ષણિ સેનાઓ સામે બાણવાળી અર્જૂનને યુદ્ધ કરવાની પ્રેરણા આપી હતી. યુદ્ધ ભૂમિમાં અર્જૂનના મનમાં વિષાદ પેદા થયો. અર્જૂન યુદ્ધથી હટવા માગતો હતો. અર્જૂન મારાકાટ કરવા માગતો ન હતો. અર્જૂન પોતાના ગણતો હતો તેવા યુદ્ધભૂમિમાં તેની સામે લડવા માટે ઉભેલા લોકોને મારવા ઈચ્છતો ન હતો. અર્જૂન પોતાના આપદ ધર્મ-ક્ષાત્ર ધર્મથી ભાગી જવા માગતો હતો. પરંતુ તે જ ક્ષણે કૃષ્ણે કુરુક્ષેત્રમાં પાંડવ-કૌરવ સેનાની બરાબર મધ્યમાં ઉભા રહીને અર્જૂનને ગીતા સંદેશ સંભળાવ્યો. આ સંદેશ માત્ર અર્જૂનને જ ન હતો સંભળાવ્યો. આ સંદેશ તમામ લોકોને છે કે જેઓ અર્જૂન બનવા માગે છે.

આ સંદેશ તમામ અર્જૂનોને છે કે જેઓ અધર્મ, અત્યાચાર, દુરાચાર, અન્યાય જેવા અનિષ્ટોના આતંકવાદ સામે લડવા માટે તૈયાર થાય છે અને રણભૂમિમાં હથિયાર છોડી દે છે. આ ગીતા સંદેશ ભારતને આતંકના મહાયુદ્ધ વખતે હથિયાર હેઠાં મૂકનારા ભારતના રાજકારણીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે ન્યાય માટે તે આતંકીઓની કૌરવ સેના સામે યુદ્ધ કરે.

પણ આ ગીતા સંદેશ આતંકવાદ સામેના મહાભારતની પૂર્વવેળાએ ભારતના હાલના ‘અર્જૂનો’ને સંભળાવે તેવા કૃષ્ણની જન્માષ્ટમીનો ભારતના લોકોને ઈન્તજાર છે. જો કે કૃષ્ણ તો લાગે છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય’ કહીને ચાલ્યા ગયા, હવે કૃષ્ણ બનવાની કે બનાવાની જવાબદારી ભારતની પ્રજાની છે. પ્રજાએ જ ‘પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ્’ માટે કૃષ્ણ બનીને અત્યાચાર રૂપી કંસને, દુરાચાર રૂપી જરાસંઘને, અન્યાય રૂપી શિશુપાલને અને અધર્મથી આતંકની પરાકાષ્ઠાએ પહોંચેલા દુર્યોધનોના વધ કરવા પડશે. ક્યાં સુધી નિર્દોષ લોકોની વહેતી રક્તધારાઓમાં આ દેશની પ્રજાના હ્રદય-મન આતંકનું સ્નાન કરશે? હવે આતંકીઓને રક્તપિપાસુ બનીને તેમના રક્તથી રક્તસ્નાન કરાવાનો વખત આવી ગયો છે.

કૃષ્ણને સમજવા બહુ જરૂરી છે. કૃષ્ણ શાંતિવાદી નથી, કૃષ્ણ યુદ્ધવાદી પણ નથી. વાસ્તવમાં વાદનો અર્થ થાય છે કે બેમાંથી આપણે એકને પસંદ કરીએ છીએ. કૃષ્ણ અ-વાદી છે. કૃષ્ણ કહે છે કે શાંતિથી શુભ ફલિત થતું હોય તો સ્વાગત છે. યુદ્ધથી શુભ ફલિત થતું હોય તો તેનું પણ સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે જેનાથી મંગલયાત્રા ગતિમાન થતી હોય, જેનાથી ધર્મ વિકસિત બનતો હોય. જેનાથી જીવનમાં આનંદની સંભાવનાઓ વધતી હોય, તેનું સ્વાગત છે. શું આવું સ્વાગત ભારતની પ્રજા કૃષ્ણરૂપનો આવિર્ભાવ કરીને ન મેળવી શકે?

અહિંસાની વાત પાછળ જ્યારે કાયરતા છુપાઈને બેસી જાય છે, ત્યારે વાત બગડી જાય છે. આપણે અશાંત અનાચારી આતંકીઓ સાથે વાતચીત કરવાની વાત કરીએ છીએ. આપણા યુદ્ધ વિરોધ પાછળ આપણો મૃત્યુનો ડર છુપાઈને બેસી ગયો છે. પરંતુ આપણે યુદ્ધ નથી કરતાં તેથી કંઈ યુદ્ધ થોડું બંધ થાય છે. આપણે યુદ્ધ નથી કરતાં તો કોઈ બીજું આપણાં પર યુદ્ધ ઠોકી બેસાડે છે. આપણે લડવા ન જઈએ, તેથી લડાઈ બંધ થતી નથી. આ માનસિકતા કેવળ આપણને ગુલામ બનાવે છે. ત્યારે આતંકના ઠોકી બેસાડાયેલા યુદ્ધ સામે મહાભારત ન કરી શકવાની બહુ મોટી કિંમત આપણે ચુકાવી પડશે અને ઉલ્લેખનીય છે કે તે આપણે નિર્દોષ લોકોના મોત તથા સુરક્ષાકર્મીઓની શહીદી થકી ચુકાવી રહ્યાં છીએ. આપણને દુ:ખદ પરિણામ મળે છે, તે કોઈ મહાભારતના કારણે નથી મળી રહ્યું, પરંતુ આપણી મહાભારત કરવાની હિંમત નથી તેના કારણે આપણે આ પરિણામ મળી રહ્યાં છે.

બરાબર સમજવું પડશે કે દુર્યોધન શા માટે લડતો હતો? માણસો એની પાસે સારા હતા કે નરસા, એ એટલું જરૂરી નથી. એ લડી શા માટે રહ્યો હતો? એ લડવા પાછળના મૂલ્યો ક્યાં હતા? કૃષ્ણ અર્જૂનને લડવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા, તો તેની પાછળ ‘વેલ્યુઝ’ કઈ હતી? અર્જૂનની લડાઈમાં એક તો બહુ મોટું નિર્ણાયક મૂલ્ય હતું, ન્યાય? આજે ફરીથી નિર્ણય કરવો પડશે કે ન્યાય શું છે? ન્યાયયુક્ત શું છે?

આતંકવાદને જન્મ આપનારાઓને તેને આગળ વધારનારાઓને આતંકિત કરવા પડશે. તેના માટે એક કુરુક્ષેત્ર લડવું પડશે, એક મહાભારત કરવું પડશે. આતંકને ખતમ કરવા માટે વાતચીત હવે બહુ નાની પડી રહી છે. આતંકને રણભૂમિમાં પરાસ્ત કરવું પડશે. જો કે હજી કોઈ કૃષ્ણને વાતચીત કરવી હોય તો આતંકવાદના દુર્યોધનો સાથે વાતચીત કરી શકે છે. પરંતુ તેણે પણ હવે ધ્યાન રાખવું પડશે કે જો તે કૃષ્ણ હશે તો શુભ માટે તેણે વાતચીતના અંતે નિર્ણય કરવો પડશે કે નિર્ણાયક મહાભારત કરવું કે ન કરવું? નિર્ણાયક મહાભારત ક્યાં કુરુક્ષેત્રમાં લડવું? જો આવો કૃષ્ણ આ જન્માષ્ટમીએ ન આવે, તો તે આવે એટલી જન્માષ્ટમીનો ઈન્તજાર રહેશે.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
પરિત્રાણાય સાધૂનાં વિનાસાય ચ દૃષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

પાકિસ્તાનમાં સત્તાની સાઠમારી: ઝરદારી ઝુક્યા

પાકિસ્તાનમાં ઉઠેલું રાજકીય તોફાન તત્પૂરતું શાંત થઈ ગયું હતું. પણ આ શાંતિની અશાંતિ સુધીની સફર ક્યાં સુધી સ્થગિત રહેશે, તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફ વચ્ચે ચાલી રહેલી રાજકીય શતરંજમાં શહ અને માતનો ખેલ ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. જેના કારણે પાકિસ્તાનમાં ખતરનાક રાજકીય અરાજકતા સર્જાઈ શકે છે.
આમ તો અત્યારે આ રાજરમતમાં નવાઝ શરીફ વિજેતા બનીને ઉભરી આવ્યા છે. તેમને મળેલા મોટા જનસમર્થનને કારણે ગભરાઈને કે આંતરરાષ્ટ્રીય પરિબળો અને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીના દબાણ હેઠળ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પોતાનું અક્કડ વલણ છોડીને નવાઝ શરીફની તમામ માગણીઓને 16 માર્ચની લોંગ માર્ચ પહેલા માની લેવાની ફરજ પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સુપ્રિમ કોર્ટના બરતરફ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર મોહમ્મદ ચૌધરીની બહાલીની ઘોષણા કરી છે. તેઓ 21મી માર્ચના દિવસે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો પદભાર ફરીથી સંભાળશે. ગિલાનીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ શરીફને ચૂંટણી લડવા અને કોઈપણ સાર્વજનિક પદ ગ્રહણ કરવાની રોક સામે સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરશે. જેના કારણે પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા નવાઝ શરીફે લોંગ માર્ચનો કોલ પાછો ખેંચ્યો છે.
જો કે પાકિસ્તાનમાં ઉભી થયેલી રાજકીય અરાજકતાભરી પરિસ્થિતિને કારણે વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યાં હતા કે પાકિસ્તાનમાં સ્થિરતા લાવવાના નામે સેના ફરીથી બેરેકમાંથી બહાર આવીને સત્તાના સૂત્રો હસ્તગત કરશે. તખ્તાપલટની પ્રબળ આશંકાઓ વચ્ચે અમેરિકાના પ્રવાસથી પાછા ફરેલા પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને 16 માર્ચ,2009 સુધીમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના પરથી ક્યાસ લગાવાઈ રહ્યો હતો કે સેના ફરીથી સત્તા હસ્તગત કરીને પાકિસ્તાનમાં મહાપરાણે શ્ર્વાસ લઈ રહેલી લોકશાહીનું ગળું ઘોટી દેશે. નિષ્ણાતોનું અનુમાન હતું કે પાકિસ્તાનની ઘેરી બનેલી રાજકીય અસ્થિરતાને કારણે અમેરિકાને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા વોર ઓન ટેરર પર જોખમ હોવાનું જણાયું હતું. જેથી અમેરિકાએ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કિયાનીને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટેના નિર્દેશો આપ્યા હોવા જોઈએ. જેના કારણે જ પાકિસ્તાનમાં અમેરિકી પ્રવાસેથી પાછા ફરેલા જનરલ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને અલ્ટીમેટમ આપ્યું હોવું જોઈએ, તેવી સંભાવનાઓ દર્શાવાઈ હતી. જનરલ કિયાનીએ સમગ્ર રાજકીય નાટકમાં નિર્દેશકની ભૂમિકા અદા કરી હતી. તેમણે આ હાઈપ્રોફાઈલ ડ્રામામાં પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનો નાયકના રૂપમાં ઉપયોગ કરીને ઝરદારીને કદ પ્રમાણે વેતર્યા છે. તેમણે અમેરિકાના દબાણ હેઠળ ઝરદારીને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફની માગણીઓ માનવા મજબૂર કર્યા છે.
જેના પરથી એ વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાની સેના પર અમેરિકાનો પ્રભાવ હજી પણ કાયમ છે. તો પાકિસ્તાનની નાગરિક સરકાર સેના સામે કમજોર પૂરવાર થઈ છે, એટલે કે પાકિસ્તાનમાં હજી પણ લોકશાહી નામ માત્રની જ છે. બીજી તરફ નવાઝ શરીફે ભારે જનસમર્થન મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. તેઓ સમગ્ર ડ્રામામાં હીરો તરીકે ઉભરી આવ્યા છે. પાકિસ્તાનની જનતાએ સાબિત કર્યુ છે કે તેઓ લશ્કરી તાનાશાહને રાજીનામું આપવા માટે મજબૂર બનાવી શકે છે, તેમ નાગરિક સરકારના વડા તરીકે ગલતફેમીનો શિકાર બનનાર રાષ્ટ્રપતિ ઝરદારીને તેમની ઔકાત પણ બતાવી દઈ શકે છે. અત્રે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ એડમિરલ મુલૈનની ટિપ્પણી ઘણાં સૂચક પ્રભાવીપણાને સ્પષ્ટ કરે છે. એડમિરલ મુલૈને કહ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કિયાનીએ રાષ્ટ્રને બચાવવા માટે સત્તા હડપવાની વૃતિથી દૂર રહેવું જોઈએ.
જો કે એડમિરલ મુલૈનની ખાતરી પર વિશ્વાસ કરવો હજી પણ મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાનના જન્મથી જ ત્યાં લોકશાહીનું હંમેશા ધોવાણ થયું છે. જ્યારે સેના હંમેશા સત્તાના કેન્દ્ર સ્થાને રહી છે. વળી જ્યારે સેના સત્તામાંથી પ્રત્યક્ષપણે બહાર હોય છે, ત્યારે હંમેશા નાગરિક સરકાર મુશ્કેલીમાં મુકાય તેવા ઉંબાડિયાઓ કરીને સત્તા હસ્તાંતરિત કરવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યારે એડમિરલ મુલૈનના નિવેદનની કે ખાતરીની તત્તસમય પૂરતી અસર દેખાઈ હતી, પણ ભવિષ્યમાં શું થાય તે કહવું કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે!
નિષ્ણાતોના મતે હાલના પાકિસ્તાની રાજકારણના ઘટનાક્રમ પરથી ઝરદારીએ બોધપાઠ લેવો પડશે. કારણ કે વડાપ્રધાન ગિલાની દ્વારા અપનાવાયેલા વલણને કારણે ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં અલગ-થલગ પડી રહ્યાં હોવાનું પ્રતીત થતું હતું. સંરક્ષણ નિષ્ણાત સેવાનિવૃત લેફટન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે તત્કાલીન ઘટનાક્રમને કારણે રાષ્ટ્રપતિ ઝરદારીની સ્થિતિ ઘણી નબળી પડી છે. આ નિર્ણયો અવ્યવહારુ અને જનતાને અમાન્ય રહ્યાં હતા. તેમના પક્ષે પણ તેમના નિર્ણયોને સ્વીકાર્યા ન હતા. જ્યારે આઈએસઆઈના ભૂતપૂર્વ પ્રમુખ લેફટનન્ટ જનરલ હામિદ ગુલે કહ્યું હતું કે જો સમસ્યાઓ તરફના ઝરદારીના વલણમાં પરિવર્તન નહી આવે, તો તેમણે રાષ્ટ્રપતિ ભવનને ખૂબ જલ્દી આવજો કહેવાનો વખત આવશે. તેમણે ઝરદારીને લોકલાગણી ન સમજી શકનારા નબળાં રાજકારણી ગણાવ્યા છે. લેફટનન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે વડાપ્રધાન ગિલાની પ્રમાણિક અને વિશ્વાસપાત્ર રાજકારણી તરીકે લોકાની નજરમાં ઊભરી આવ્યા છે. તેમણે વડાપ્રધાન ગિલાનીને વધુ સ્વાગ્રહી બનેલા ગણાવ્યા છે. તેમનું માનવું હતું કે વડાપ્રધાન ગિલાનીના સ્વાગ્રહીપણાંને કારણે પાકિસ્તાનની કેન્દ્રીય એસમ્બલી પણ ફરીથી સ્વાગ્રહી બનશે.
જો કે આ બધી ઘટનાઓ અને તેના આકલનો જાણતા પહેલા પાકિસ્તાનના રાજકીય ઈતિહાસની કેટલીક ઘટનાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કારણ કે તેના કારણે જ પાકિસ્તાનમાં લોકશાહી કરતાં લશ્કરી તાનાશાહી હંમેશા પ્રભાવી રહી છે. 1947માં કાયદે આઝમ જિન્નાહ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. તેમના મૃત્યુ બાદ 1948માં ખ્વાજા નિઝામુદ્દીન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકતઅલી ખાનની હત્યા બાદ નિઝામુદ્દીન વડાપ્રધાન બન્યા હતા. જ્યારે ગુલામ મહોમ્મદ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. 1956માં પાકિસ્તાને બંધારણને સ્વીકારીને પોતાને ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. 1958માં પાકિસ્તાનમાં પહેલો માર્શલ લો જાહેર કરાયો અને જનરલ અયુબ ખાને સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. 1960માં જનરલ અયુબખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુધ્ધ થયા બાદ 1969માં જનરલ અયુબ ખાને રાજીનામું આપ્યું હતું. જનરલ યાહ્યાં ખાન ત્યાર બાદ સત્તા પર કાબિજ થયા હતા. 1970માં પૂર્વ પાકિસ્તાનમાં આવામી લીગના શાનદાર વિજયને કારણે પશ્ચિમ પાકિસ્તાન સાથે તણાવ ઉભો થયો હતો. જેના પરિણામે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનો પ્રારંભ થયો હતો.પાકિસ્તાનને 1971માં ભારત સાથે યુધ્ધ કરતાં બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ તરીકે જન્મ થયો હતો. 1972માં સિમલા કરાર થયો અને 1973માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠો વડાપ્રધાન બન્યા હતા. 1977માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે અસંતોષ ઉભર્યો હતો. જેના કારણે જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કર્યો હતો. 1978માં જનરલ ઝિયા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1979માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા. 1985માં માર્શલ લો અને રાજકીય પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો હતો. 1986માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના દીકરી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રચાર માટે વિદેશથી પાકિસ્તાન પાછા ફર્યા હતા. 1988ની ચૂંટણીઓમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બેનઝીર ભુટ્ટોની આગેવાનીમાં જ્વલંત સફળતા મેળવી હતી. 1990માં બેનઝીર ભુટ્ટો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. 1991માં નવાઝ શરીફે આર્થિક ઉદારીકરણ અને ઈસ્લામિક લો શરિયતનો કાયદાકીય જોગવાઈમાં સમાવેશ કર્યો હતો. 1993માં પાકિસ્તાની સેનાના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ ખાન અને વડાપ્રધાન નવાઝ શરીફે રાજીનામું આપતા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બેનઝીર સત્તામાં ફરીથી પાછા ફર્યા હતા. જો કે 1996માં રાષ્ટ્રપતિ લેઘારીએ ભુટ્ટો સરકારને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ બરતરફ કરી હતી અને 1997ની સામાન્ય ચૂંટણીમાં નવાઝ શરીફની પીએમએલ(એન) સત્તામાં પાછી ફરી હતી. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની લાહોર શાંતિયાત્રાનો જવાબ પાકિસ્તાની સેનાએ કારગીલ યુધ્ધથી આપ્યો હતો. 1999માં ઓકટોબર માસમાં જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પદભ્રષ્ટ કર્યા હતા. મુશર્રફે 2008 સુધી સત્તાના સૂત્રો પોતાની પાસે રાખ્યા હતા. પાકિસ્તાનમાં 2008માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં બેનઝીર ભુટ્ટોની હત્યા થવાને કારણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને મળેલા સિમ્પથી વેવને કારણે તે મોટા પક્ષ તરીકે વિજય બની છે. પીપીપી અને પીએમએલ(એન)એ ભેગા મળીને સત્તા હસ્તગત કરી છે. જો કે પીએમએલ-એનએ મુશર્રફ દ્વારા હટાવાયેલા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈફિતખાર ચૌધરી અને અન્ય ન્યાયાધીશોની પુનર્બહાલીની માગણી ચાલુ રાખી હતી. આ માગણીનો અસ્વીકાર થતાં પીપીપી અને પીએમએલ-એન વચ્ચે ફાટફૂટ પડી હતી.જેના કારણે પીએમએલ-એનએ ટેકો પાછો ખેંચી લીધો હતો.
પાકિસ્તાનના રાજકીય ઈતિહાસ પરથી એક વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાન મોટાભાગે લશ્કરી શાસનની એડીઓ નીચે કચડાતું આવ્યું છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસન દરમિયાન કટ્ટરવાદ અને ઈસ્લામીકરણને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે પાકિસ્તાની સેના સત્તાની બહાર રહી છે, ત્યારે સેનાએ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને છૂટોદોર આપીને ભારતમાં આતંકવાદ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનીકરણને પ્રોત્સાહન પૂરું પાડયું છે. તેની પાછળ એકમાત્ર હેતુ પાકિસ્તાનમાં મુખ્ય સત્તા કેન્દ્ર તરીકે ટકી રહેવાની પાકિસ્તાની સેનાની ન્યુસન્સ વેલ્યુ જ કામ કરે છે.
જો કે ઝરદારી શરીફના ટકરાવથી ઉભા થયેલા રાજકીય સંકટ અને તેની સાથે જોડાયેલી ઘટના વિચલિત કરનારી હતી, કારણ કે તે ભારત પર પ્રભાવ પાડનારી હતી. જેમા સ્વાતઘાટીમાં તાલિબાની આતંકવાદીઓનો કબ્જો, લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર હુમલો, પેશાવરમાં સુન્ની કટ્ટરપંથીઓ દ્વારા સૂફી સંત રહેમાન બાબાની મસ્જિદ તોડી પાડવાની ઘટનાઓ સામેલ છે. જો કે નવાઝ શરીફને જનરલ કિયાની અને અમેરિકાના દબાણના કારણે મળેલી સફળતાને પાકિસ્તાની જનતાની જીત થઈ કહેવું ઘણું વહેલું ગણાશે. કારણ કે જે મૂળ કારણ છે, તે તાલિબાની આતંકવાદને કાબૂમાં લેવાની કાર્યવાહી તરફથી પાકિસ્તાની સેના અને રાજકારણીઓનું ધ્યાનભંગ થયેલું છે. જેના કારણે જ સમજૂતીના ગણતરીના કલાકોમાં રાવલપિંડીમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે ઈસ્લામાબાદમાં અને અન્ય સ્થળોએ વિસ્ફોટની સંભાવનાઓ વ્યક્ત થઈ છે.
તો હવે પાકિસ્તાનનું રાજકારણ મહ્દઅંશે જસ્ટિસ ચૌધરીના વલણ પર નિર્ભર રહેશે. તેઓ જો પદભાર સંભાળતાની સાથે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિર્ણયોને ઉલટાવવાની શરૂઆત કરત તો, ઝરદારી માટે ભારે મુસીબતોના પહાડ ઉભા થવાના છે. શક્ય છે કે તેઓ મુશર્રફ શાસન હેઠળ થયેલી ચૂંટણીઓને પણ ગેરબંધારણીય જાહેર કરે. આવી પરિસ્થિતિમાં ઝરદારી સત્તા પરથી બરતરફ થઈ શકે છે અને નવાઝ શરીફ માટે સત્તાસન સુધી પહોંચવાનો માર્ગ મોકળો બને તેમ હતો. બીજી તરફ 2007માં મુશર્રફ સાથે થયેલી સંઘિ પ્રમાણે, એક અધ્યાદેશ દ્વારા ઝરદારી પરના તમામ કેસો પાછા ખેંચી લેવાયા હતા. જસ્ટિસ ચૌધરી આ અધ્યાદેશને પલટી દેશે તો, રાષ્ટ્રપતિ ઝરદારી સામે જૂનાં ભ્રષ્ટાચારના મામલાઓ ફરીથી ખુલી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિના મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે વગોવાયેલા મામલાઓ જનતા સામે આવી શકે છે. તો બીજી તરફ જસ્ટિસ ચૌધરી માનવાધિકારોના ઉલ્લંઘનના મામલાને ફેર તપાસનો આદેશ આપી શકે છે. આ બંને બાબતો પાકિસ્તાની સેના અને અમેરિકાને કઠે તેમ છે, કારણ કે ગુમ થયેલા મોટાભાગના મામલાઓમાં અલકાયદા સાથે સંબંધિત ગણાતાં લોકોને પાકિસ્તાની સેનાએ અમેરિકાને સોંપી દીધા છે.
આ તમામ અસમંજસભરી પરિસ્થિતિમાં બે વર્ષ સુધી રાજકીય પ્રવૃતિઓથી દૂર રહેવા બાધ્ય બનેલા ભૂતપૂર્વ તાનાશાહ મુશર્રફની મહત્વાંકક્ષાની દાઢ સળકે છે. તેમણે ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં અનર્ગલ પ્રલાપ કરીને પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા. તેમણે પોતાને શાંતિનો માણસ નહી, પણ શાંતિ માટેનો માણસ ગણાવીને કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુશર્રફે આતંકવાદની સમસ્યા માટે કાશ્મીર મુદ્દો અને ભારતમાં મુસ્લિમો સાથે કરાતાં વ્યવહારને કારણભૂત ગણાવ્યો હતો.તેમણે પૂર્ણ સત્તા સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદે બેસવાની ઈચ્છા પણ પરોક્ષપણે દર્શાવી હતી. તેમને લાગે છે કે તેમના વફાદાર જનરલ કિયાની તેમની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. જોકે તેમની આ ઈચ્છા કેટલા હદે અને ક્યારે પૂર્ણ થાય છે? તેનો જવાબ તો સમય જ આપશે. વળી ક્યાંક જનરલ કિયાનીની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ જાગી ઉઠે તો ભારતની સાથેના પાકિસ્તાનના સંબંધો, અમેરિકાની પાકિસ્તાન નીતિ અને પાકિસ્તાન રાજકારણ સાથે તાલિબાન તથા અલકાયદા સમર્થિત આતંકવાદના પ્રકરણમાં નવા રક્તરંજિત પૃષ્ઠો ઉમેરાશે. તેથી જ તો અમેરિકા અને વિશ્ર્વ પાકિસ્તાનમાં સબળ લોકશાહીના અસ્તિત્વમાં આવે તે માટે ચિંતિત છે.
(Published on 21st march,2009 in sankalan sreni)