
-ક્રાંતિવિચાર
ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા હતી, પરંતુ હવે તે મોદીત્વની લેબોરેટરી બની ગયું છે. અહીં મોદીત્વ હેઠળ મિશન સદભાવનાના પ્રયોગો થઈ રહ્યા છે. જે હાલ તેના અંતિમ ચરણમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદરેલા સદભાવનાના પ્રયોગો સંદર્ભે ઘણી શંકા-કુશંકાઓ સાથે સંભાવનાઓ પણ છે. રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય છે કે સદભાવના મિશનને ગુજરાતની જનતા કેવી રીતે જોઈ રહી છે, તેના માટે આગામી ચૂંટણીમાં કેવું વલણ અપનાવશે, લઘુમતી સમાજનો દ્રષ્ટિકોણ શું રહ્યો છે અને તે ક્યું રુખ અપનાવશે, મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા માટે સદભાવના ઉભી કરવાનો મોકો મળશે કે કેમ, મોદીની હિંદુત્વના પોસ્ટરબોયની ઈમેજ બદલાશે કે કેમ?
2001ના ઓક્ટોબર માસમાં નરેન્દ્ર મોદીને કેશુભાઈ પટેલને હટાવીને સંઘના દોરીસંચારથી ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા હતા. સંઘ અને ભાજપના ઉપરના નેતાઓ આમ કરી શક્યા કારણ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા બની ચુક્યું હતું. ગુજરાતમાં કોઈ નેતા નહીં, પણ વિચારધારાને પ્રજામત મળી રહ્યો હતો. પરંતુ 27 ફેબ્રુઆરી, 2002ની ગોઝારી ગોધરાકાંડની ઘટના બાદ રાજ્ય મોદીત્વની પ્રયોગશાળામાં ફેરવાયું. સાબરમતી ટ્રેનના ત્રણ કોચને લગાડવામાં આવેલી આગ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આખા ગુજરાતને દઝાડનારી કમનસીબ ઘટનાઓમાં અંદાજે 1200 લોકોના મોત થયા. ત્યાર પછી હિંદુત્વની વિચારધારા, સંઘ-ભાજપ-વીએચપી અને મોદીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીભર્યા કલંકિત કરનારા આક્ષેપો સામે ઝઝુમવું પડયું. કેટલેક ઠેકાણે દેશી-વિદેશી મીડિયાએ ભાન ભૂલીને ગુજરાત અને ગુજરાતની જનતાને પણ નિશાન બનાવીને કેટલીક બદનામ વાતો ફેલવવાનો પ્રયત્ન કર્યો.
આ બધી ઉથલ-પાથલ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે તક હતી, હિંદુત્વની વિચારધારાના સંરક્ષક તરીકે જનતા અને હિંદુવાદી સંગઠનોમાં પોતાનો સિક્કો જમાવવાની, હિંદુત્વના પોસ્ટરબોય બનવાની. પોતાના પર ઉછળી રહેલા કીચડની પરવાહ કર્યા વગર મોદીએ ગુજરાતના ગૌરવને મુદ્દો બનાવીને ગૌરવ યાત્રા કાઢી. ગૌરવયાત્રાની સભામાં એક સાથે લાખ-લાખ ઉંચા થતા હાથ આજે પણ ભૂલાય તેમ નથી. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મીડિયાના પક્ષપાતી વલણ છતાં નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ભવ્ય વિજય અપાવ્યો. 1989 પછી રામજન્મભૂમિ આંદોલનની તીવ્રતાને કારણે બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતમાં સત્તા પર આવવા માટે હિંદુત્વ જ એકમાત્ર રસ્તો હતો. સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી માટે આ રસ્તો સરળ હતો અને તેઓ તેના દ્વારા સત્તા પર પણ પહોંચી ગયા, એટલું જ નહીં પોતાની સત્તાને પક્ષમાંના વિરોધોને ડામીને સુદ્રઢ પણ બનાવી શક્યા.
આજે એક દશકાથી વધારે સમયથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન છે. આ એક દશકામાં ગુજરાતે ઘણાં ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ પણ ભરી છે. પરંતુ મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની એક સંભાવના રહેલી છે. આ વાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટાથી માંડી ઘણાંએ કરી છે. ચીન-જાપાન જેવા દેશો પણ નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના જોઈ રહ્યા છે. અમેરિકામાં કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં 2014નો ચૂંટણી જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવા સંદર્ભની વાતો પણ આવી હતી.
પરંતુ સવાલ એ હતો કે 2002ની કમનસીબ હુલ્લડોની ઘટનાનું કલંક લઈને શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન પદે આસિન થઈ શકે છે? જો મોદીનું નામ આટલું કલંકિત થયું ન હોત, તો કદાચ 2009ની સામાન્ય ચૂંટણીમાં અડવાણીને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જગ્યાએ મોદીનું નામ આગળ કરાયું હોત. પરંતુ એક તરફ કટ્ટર હિંદુત્વવાદી હોવાની છબીથી મોદીને ગુજરાતમાં સત્તા મળી હતી, તો બીજી તરફ કેન્દ્રમાં તેમને દેશના સર્વોચ્ચ પદે પહોંચવાની રાજનીતિ કરવામાં આ છબી જ અડચણરૂપ લાગી રહી હતી. તેનો સૌથી કડવો અનુભવ તેમને બિહારની ચૂંટણીમાં થયો. જેડીયૂના નીતિશ કુમારના દબાણના કારણે જ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. તેની સાથે હકીકત એ હતી કે હિંદુત્વની ગાડીમાં ચઢીને મોદીએ વિકાસના પાટા પર ગુજરાતને ઘણું આગળ દોડાવ્યું હતું. તેમની સરકારનો પર્ફોર્મન્સ રિપોર્ટ ઘણો સારો હોવાનું ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ માન્યું છે. ભાજપની દેશમાં જ્યાં પણ સત્તા આવતી તે તમામ જગ્યાએ ગુજરાતના વિકાસ મોડેલને અપનાવવાની વાત પણ થતી.
પરંતુ મોદીને તેમના રાષ્ટ્રીય રાજકારણના પ્રતિસ્પર્ધીઓ મહત્વની અથવા તો મુખ્ય ભૂમિકામાં આવવા ન દેવા માટે તેમની કટ્ટર હિંદુત્વવાદી છબીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આની ખાતરી થતાં જ મોદી પોતાની ઈમેજ મેકઓવર માટેની તકની રાહ જોઈ રહ્યા હતા. આમ તો તેમણે પોતાની કટ્ટર રાજનીતિને સારા એવા સમય પહેલા જ બદલી નાખી છે. તેવામાં ગુલમર્ગ કાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સીટના અહેવાલના આધારે સ્થાનિક કોર્ટમાં કેસની ચલાવવા સંદર્ભે ચુકાદો આપ્યો. તેનું મોદીના ખેમા તરફથી અર્થઘટન કરવામાં આવ્યું કે તેમને ગુજરાત રમખાણોના આરોપો સંદર્ભે ક્લિનચીટ મળી ગઈ છે. આ ચુકાદાને અવસર બનાવીને તેમણે 17 સપ્ટેમ્બરે, 2011ના રોજ 55 કલાકના ઉપવાસ કર્યા અને તેને સદભાવના નામ આપ્યું. આ ઉપવાસ બાદ તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસના મિશનની જાહેરાત કરી. મોદીની સભામાં જય શ્રી રામના નારાની જગ્યાએ અલ્લાહ હો અકબરના નારા બોલાયા.
નરેન્દ્ર મોદીએ 20 જાન્યુઆરીએ 2002ની કમનસીબ ઘટનાઓના એપી સેન્ટર ગોધરા ખાતે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા. આ પ્રસંગે તેઓ ગ્રીન સેડના વસ્ત્રપરિધાન અને સ્ટેજ પરના પોસ્ટરથી સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે તેઓ હવે કેસરી રંગની જગ્યાએ લીલા રંગને પણ મહત્વ આપી રહ્યા છે. તેમણે ગોધરા ખાતેના સદભાવના મિશનમાં કેસરી પાઘડીના સ્થાને તિરંગા પાઘડી પહેરી હતી. આની સાથે તેમમે ગોધરા ખાતે આપેલા પોતાના ઉદબોધનમાં એકપણ વાર ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો નથી, અહીં તેમણે એકપણ વાર ગોધરાકાંડમાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી નથી, તેમણે ગોધરાકાંડ પછીના તોફાનોમાં માર્યા ગયેલાઓ માટે પણ ગોધરાની સદભાવનામાં કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. તેમણે ગોધરા ખાતેના ઉપવાસમાં એવી કોઈ ખાતરી પણ આપી નથી કે ગુજરાતમાં આવી ગોધરાકાંડ કે તેના બાદના તોફાનો જેવી કોઈ ઘટના તેમના શાસનમાં ક્યારેય બનશે નહીં.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર વિકાસની વાત કરી, પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી, જેમકે પહેલા વણઝારા માટી નાખવા ગધેડા રાખતા અને હવે જેસીબી મશીન રાખે છે, પાણીની અછતને કારણે પહેલા ટેન્કરો દોડતા અને તેમણે પાઈપલાઈનોથી પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે જિલ્લે જિલ્લે ઉદ્યોગોની જાળ બિછાવીને ગુજરાતનું ઔદ્યોગિકકરણ કર્યું છે. અહીં સારા રસ્તા બનાવ્યા છે, 15 વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન લાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કોમી હુલ્લડ થયું નથી, બાળકોને કર્ફ્યુ શબ્દની ખબર નથી. કોંગ્રેસના નેતાઓ પણ વોટ માંગવા માટે ગુજરાતના વિકાસની વાત કરે છે. અન્ય પ્રદેશને ગુજરાત બનાવી દેવાના નામે વોટ માંગવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસ છે અને વિકાસ એટલે ગુજરાત છે, બંને એક સિક્કાની બે બાજુ છે.
ઉપરોક્ત તમામ વાતો નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2011થી પોતાના દરેક સદભાવના ઉપવાસમાં રટી રહ્યા છે. પણ આનો અર્થ શું કરવો? શું મોદી હવે વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ કરવાની કોશિશ કરી રહ્યા છે?
શું ગુજરાતમાં ખરેખર સદભાવના પ્રવર્તી રહી છે? સદભાવના પ્રવર્તી રહી છે, તો કોના માટે પ્રવર્તી રહી છે? કેટલાંક ઉદ્યોગપતિઓ માટેની સદભાવના, ગોહત્યા કરનારા કસાઈ પ્રત્યેની સદભાવના, ભૂમાફિયાઓ પ્રત્યેની સદભાવના, કેટલાંક નામચીન શખ્સો માટેની સદભાવના, ગુજરાતમાં છાશવારે લૂંટ કરનારા લૂંટારાઓ પ્રત્યેની સદભાવના? આનો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી પાસે જરૂરથી હશે અને તેમણે તેનો પણ જવાબ ગુજરાતની છ કરોડની જનતાને આપવો જોઈએ.
આની સાથે સવાલ એ છે કે શું સદભાવનાથી મોદીની ઈમેજ મેકઓવરની કોશિશ કામિયાબ થશે? શું મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા મળે તેવી સદભાવના ઉભી થશે? શું લઘુમતી સમુદાય તેમના પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલશે? શું હિંદુ મતદારો તેમના સદભાવના પુરુષના સ્વરૂપને સ્વીકારશે? કટ્ટર હિંદુત્વવાદી નેતામાંથી વિકાસ પુરુષ અને વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ બનવાનો પ્રયત્ન કરી રહેલા મોદીને ગુજરાતની જનતા ભૂતકાળની ચૂંટણીઓની જેમ જ સ્વીકારશે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો