Friday, July 27, 2012

પાકિસ્તાનમાં હિંદુ યુવકના ધર્માંતરણનું લાઈવ પ્રસારણ!


-આનંદ શુક્લ
ઈસ્લામના નામે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં ધર્મઝનૂની કટ્ટરપંથીઓ પાકિસ્તાની સેના, વહીવટી તંત્રથી માંડીને મીડિયા સુધીમાં છે. પાકિસ્તાનની એક ટેલિવિઝન ચેનલે એક હિંદુ યુવકના ઈસ્લામમાં ધર્માંતરીત થવાની ઘટનાને લાઈવ પ્રસારીત કરી. એટલું જ નહીં લાઈવ કવરેજ દરમિયાન ઉપસ્થિત ઓડિયન્સ પાસેથી પાકિસ્તાની ટેલિવિઝન ચેનલે ધર્માંતરીત થયેલા હિંદુ યુવક માટે મુસ્લિમ નામના સૂચનો પણ માંગ્યા. ઈસ્લામ સિવાયના લઘુમતીમાં રહેલા અન્ય તમામ ધર્મો સાથે પાકિસ્તાનમાં હીણપતભર્યું વર્તન આમ વાત છે. પરંતુ હવે ટેલિવિઝન ચેનલો પર ધર્માંતરણના લાઈવ પ્રસારણ કરીને હિંદુ સહીતના અન્ય લઘુમતી ધર્મો પ્રત્યે પાકિસ્તાની મીડિયાની અસંવેદનશીલતા છતી થાય છે.

આઝાદી વખતે ભારતમાંથી છૂટા પડેલા પશ્ચિમ પાકિસ્તાનમાં 14 ટકા હિંદુઓ હતા. જે આજે માત્ર 2 ટકાની અંદર સમેટાઈ ગયા છે. સિંધના નગરપારકર અને થરપારકર સહીતના કેટલાંક વિસ્તારોમાં તથા કરાચી અને હૈદરાબાદ જેવા શહેરોમાં હિંદુઓની વસ્તી સારાએવા પ્રમાણમાં છે. સિંઘ સિવાય બલુચિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં પણ પાંખી હિંદુ વસ્તી વસવાટ કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવમાં તેમની હાલત અન્ય લઘુમતી સમુદાયોમાં સૌથી વધારે કફોડી છે. સિંધમાં હિંદુ તબીબ ભાઈઓને એકસાથે ગોળીઓ ધરબી દેવાની ઘટના હજી તાજી છે. હિંદુ યુવતીઓના બળજબરીથી અપહરણ કરીને તેમને ધર્માંતરીત કરવાની ઘટનાઓ અવારનવાર બને છે. હિંદુ દલિત યુવક દ્વારા પરબ પર પાણી પીવાના પ્રશ્ને આખા સમુદાયની કત્લેઆમ કરવા માટે સ્થાનિક મુસ્લિમ કટ્ટરપંથીઓ તૈયાર થઈ જાય છે.

પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખો મોટી સંખ્યામાં ભારતમાં આવવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેઓને તેમના હિંદુ અને શીખ હોવા માટે હીણપતનો સામનો કરવો પડે છે. બળજબરી, લાલચ, ભય, કપટ અથવા તેવા અન્ય કોઈ રસ્તે કરવામાં આવતું ધર્માંતરણ કોઈપણ જગ્યાએ અનૈતિક છે. ધર્મ વ્યક્તિના આત્મા કે રુહ સાથે જોડાયેલી અત્યંત વ્યક્તિગત બાબત છે. આવી બાબતોમાં વ્યક્તિ સ્વેચ્છાએ પૂર્ણ વિચાર કરીને કોઈ ધર્મ અંગીકાર કરે અથવા તેનો અનુયાયી બને, તો તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ માત્ર પાકિસ્તાનના સ્થાનિક હિંદુઓને ડરાવવા અને તેમના ઉત્સાહને ઘટાડવા માટે મીડિયામાં રહેલા તાલિબાની તત્વો દ્વારા ધર્માંતરણનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તો તેની ખરેખર ટીકા થવી જોઈએ.

પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચાર બાબતે ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કરીને કૂટનીતિક પગલા લેવા જોઈએ. ભારત સરકારે પણ હિંદુ યુવકના ઈસ્લામ અંગીકાર કરવાની ઘટનાના લાઈવ પ્રસારણ બાબતે વાંધો ઉઠાવવો જોઈએ. હિંદુ યુવકના ધર્માંતરણના લાઈવ કવરેજથી પાકિસ્તાનમાં હિંદુઓ સાથે તાલિબાની તત્વો કેવો વ્યવહાર કરતા હશે તેની વાત ખુલી ચુકી છે. અત્યાર સુધીના ધર્માંતરણોની માત્ર ચર્ચા અને અખબારી અહેવાલો જ આવતા હતા અને હવે તેના ટેલિવિઝન પર લાઈવ પ્રસારણથી તાલિબાની તત્વોના પાકિસ્તાનમાં હોંસલા બુલંદ થઈ જશે. તેમને હિંદુઓના વધુ મોટા પ્રમાણમાં સામુહિક જાહેર ધર્માંતરણો કરવા માટે પ્રોત્સાહન મળશે. પાકિસ્તાનમાં તાલિબાનીઓના કટ્ટરપંથી ખેલમાં ત્યાંનું મીડિયા પણ સામેલ થઈને આવા શોના પ્રસારણો કરવા માટે સ્પર્ધા કરશે.

પાકિસ્તાનના ઈસ્લામિક સમાજની માનસિકતા અને તેમની ગંદી સોચ હિંદુ યુવકના ધર્માંતરણના લાઈવ પ્રસારણમાં પ્રતિબિંબિત થઈ રહી છે. પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર ડૉને આ ઘટનાના વિરોધમાં તંત્રીલેખ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આધુનિક, ઉદારવાદી અને સહિષ્ણુતાની ભાવના ધરાવતા લોકોની ઘણી અછત છે. તેઓ અહીં લઘુમતીમાં છે અને તાલિબાની વિચારધારામાં માનનારા તથા તેના પ્રત્યે ઝુકાવ રાખનારાઓની સંખ્યા ઘણી વધારે છે. પાકિસ્તાનની આવી ઘટનાના પડઘા ભારતમાં પણ પડી શકે છે, કારણ કે એક તરફના કટ્ટરપંથને જોઈને ભારતમાં પણ પ્રતિકાર સ્વરૂપે કટ્ટરપંથ પેદા થઈ રહ્યો છે. આજે કટ્ટરપંથના દેશની રાજનીતિમાં પ્રભાવી બન્યાના બે દાયકા બાદ પાકિસ્તાની તાલિબાની માનસિકતાના કટ્ટરપંથની ભારતમાં પણ પ્રતિક્રિયા ઉભી થઈ શકે છે. આમ ન બને તેના માટે ભારત સરકારે પાકિસ્તાન પર આવી ઘટનાઓ રોકવા માટે દબાણ બનાવવું પડશે. 

No comments:

Post a Comment