Sunday, July 15, 2012

નરેન્દ્ર મોદી: નેતા કે અભિનેતા?



- આનંદ શુક્લ

ભારતીય રાજકારણમાં ગાંધીજી સાદગી અને સરળતાનું પ્રતીક છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભવ્યતા અને પરમ વૈભવના સિમ્બોલ બની ગયા છે. કેટલાક ટીકાકારો મોદીની તેમની વૈભવી જીવનશૈલી અને જાતભાતના ડ્રેસ પહેરવાની બાબતની ખૂબ ટીકા કરે છે. તેમના માનવા પ્રમાણે, ભારતીય રાજકારણમાં અભિનેતામાંથી નેતા બનનારાની સંખ્યા ઘણી છે, પરંતુ નેતામાંથી અભિનેતા બનનારા પહેલા રાજકારણી નરેન્દ્ર મોદી છે.

જો કે મીડિયામાં નરેન્દ્ર મોદીની કપડાની પસંદગી સંદર્ભે જાતજાતની ન્યૂઝ સ્ટોરી આવતી રહે છે. ક્યારેક તેમના ઝભ્ભાના કલર પર, ક્યારેક અડધી બાંયના ઝભ્ભાની સ્ટાઈલ પર તો ક્યારેક કોઈક ખાસ પ્રસંગે તેમના દ્વારા પહેરાયેલા ડ્રેસની ચર્ચા થતી રહે છે. આ ચર્ચાનો હેતુ શું હશે, તેની હજી સુધી આધિકારીક ખબર પડી નથી. પરંતુ એક મત એવો છે કે નરેન્દ્ર મોદી દેશ-દુનિયાના બહુચર્ચિત અને વિવાદીત વ્યક્તિઓમાંના એક છે. જેને કારણે તેમના વિશેની કોઈપણ માહિતીને વધારે રીડરશીપ કે વ્યૂઅરશીપ મળે છે. જેને કારણે તેમના વિશેની નાનામાં નાની માહિતી મીડિયામાં ખૂબ મહત્વ સાથે બતાવવામાં આવે છે.

આપણું ગુજરાત, આગવું ગુજરાતના સૂત્ર સાથે સત્તાના સૂત્રો હસ્તગત કરનારા નરેન્દ્ર મોદીએ પોતાની તમામ સ્ટાઈલ આગવી બનાવી છે. મોદી પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યોથી તો ચર્ચામાં છે જ, પરંતુ તેની સાથે તેઓ જુદાજુદા પ્રસંગે જુદાજુદા ડ્રેસ પહેરીને પણ સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ સ્ટોરીઓની શોધમાં ભટકતું મીડિયા પણ મોદીના ધ્યાન આકર્ષણનો ભોગ બનતું હોય તેવું લાગે છે.

2002માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશની કાળી ટોપી પહેરીને આવ્યા હતા. તે વખતે તેમણે સંઘટોપી સાથે જ તિરંગાને સલામી પણ આપી હતી. 2002ની ઘટનાઓ બાદ પોતે સંઘના સ્વયંસેવક અને પ્રચારક હોવાના સ્પષ્ટ સંકેત તેમણે સંઘટોપી પહેરીને ધ્વજવંદન કરીને આપ્યા હતા.

આ સિવાય નવરાત્રિના ઉત્સવ પ્રસંગે તેમણે ધોતી પહેરીને માતાજીની પૂજા કરી હતી. તો રિવરફ્રન્ટ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ટ્રેકશૂટ, વાઈબ્રન્ટ ગુજરાતમાં ત્રણ દિવસ અલગ-અલગ શૂટ પહેર્યા, ઉત્તરાયણમાં ટીશર્ટ પહેરીને પોતાના અલગ મૂડ દર્શાવ્યા હતા.

કિસાનમેળામાં કિસાન ડ્રેસ પહેરીને ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે આઝાદ હિંદ ફોજની સ્થાપના વખતે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જેમ નરેન્દ્ર મોદીએ ટોપી પણ પહેરી હતી. સ્વામી વિવેકાનંદ જન્મજયંતી વખતના કાર્યક્રમમાં મોદીએ કેસરી ઝભ્ભો પહેરીને પોતે જ હિંદુત્વના ધ્વજારોહક હોવાના સંકેત આપ્યા હતા.

મોદી દ્વારા જુદાંજુદાં પ્રસંગે વસ્ત્ર પરિધાનો દ્વારા ચોક્કસ બાબતો પ્રત્યાપિત કરવાની વાતને ઘણાં નાટક અને ભવાઈ ગણાવીને ટીકા કરે છે. જો કે આ ટીકા સાથે સહમત ન થઈએ તો એટલું ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીની જીવનશૈલી અને વસ્ત્રપરિધાનની આદતો ખૂબ જ વૈભવી છે. જેને કોઈપણ સંજોગોમાં સાદી ગણી શકાય તેમ નથી.

ભારતમાં આઝાદીની લડાઈ વખતે અને ત્યાર પછી ઘણાં સમય સુધી નેતાઓની જીવનશૈલી ઘણી સાદી અને વસ્ત્રપરિધાન પણ સાદા જ રહ્યા છે. આઝાદીની લડાઈ સમયના સર્વોચ્ચ નેતાઓમાંના એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરીએ તો તેઓ ચરખા પર જાતે વણેલી એકમાત્ર પોતડી પહેરતા. તેમણે ભારતના દરિદ્રનારાયણોને જોઈને પોતાના વધારાના વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. ગાંધીજીની પોતડી તેમની સાદગીનું સૌથી મોટું પ્રતીક હતી. મહાત્મા ગાંધી ભારતના અંગ્રેજ વાઈસરોય અને ઈગ્લેન્ડના રાણીને મળતી વખતે પણ પોતડીમાં જ પહોંચ્યા હતા. છતાં મહાત્માની મહાનતાનો તેમના વિરોધીઓ પણ ઈન્કાર કરી શક્યા ન હતા.

આઝાદીની લડાઈ વખતે ગાંધીજીની સાદગીથી પ્રેરીત થઈને અનેક નેતાઓએ જાતે વણેલી ખાદીના કપડા પહેરવાના શરૂ કર્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગર્ભશ્રીમંત પરિવારનું સંતાન હતા. પરંતુ તેમના વસ્ત્રો પણ મોટાભાગે સફેદ રંગના રહેતા અને તેમાં ગુલાબનું ફૂલ નાખેલું જોવા મળતું હતું. હાલના વડાપ્રધાન મનમોહન સિંહ પણ વાદળી રંગની પાઘડી શીખ હોવાને કારણે પહેરે છે. મોટેભાગે સાદા લેંઘાઝભ્ભામાં જોવા મળે છે. વિદેશયાત્રાઓ અને અન્ય પ્રસંગો પાત ઈન્ડિયન શૂટ પહેરે છે. પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

ભારતમાં જ્યારે 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે, ત્યારે તેમની ચિંતા કરવાને સ્થાને નીતનવા વસ્ત્રપરિધાનો કરવા અને વૈભવી જીવનશૈલી પ્રમાણે જીવન જીવવું ગરીબો પ્રત્યે ક્રૂરતા છે. પરંતુ ગાંધીજી તો હવે દુનિયામાં રહ્યા નથી અને ગાંધી વિચાર પુસ્તકોમાં બંધ પડેલા છે. ગુજરાતમાં પણ ગરીબ મેળા કરવા પડે તેટલા ગરીબો છે.

ટીકાકારો પ્રમાણે, નેતામાંથી અભિનેતા બનેલા નરેન્દ્ર મોદીના અભિનય અને બેવડા ચાલચરિત્રનું એક ઉદાહરણ ટાંકવુ ચુકાય તેમ નથી. એક બાજુ ચીન સાથે વેપાર વધારવામાં પડેલા નરેન્દ્ર મોદી કહે છે કે ચીનને ગુજરાતી શીખવું પડશે અને બીજી બાજુ સ્કોપની જાહેરાતમાં પોતાના ફોટોગ્રાફ સાથે ગુજરાતના યુવાનોને સંદેશ આપી રહ્યા છે કે અંગ્રેજી શીખો નહીં તો પછાત રહેશો.

ગાંધીજીના હિંદ સ્વરાજ પુસ્તકના સંસ્કરણના ભારતીય વિચારમંચના કાર્યક્રમમાં મોદી દાવો કરે છે કે તેમણે ગુજરાતમાં ગાંધીજીના સ્વપ્નને સાકાર કર્યું છે અને બીજી તરફ ગરીબ આમ આદમીને રાહત આપવાની જગ્યાએ ટાટા-અદાણી જેવા ઉદ્યોગપતિઓને રાહત આપે છે.

એટલે કે નરેન્દ્ર મોદી વિવિધ પ્રસંગે સુંદર વેશભૂષા સાથે સરસ અભિનય કરી શકતા હોવાની છાપ પણ લોકોમાં ઉપસી રહી છે. ગુજરાતમાં ગાંધીજી અને રવિશંકર મહારાજની સાદગી અને ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી ખૂબ મશહૂર છે. પરંતુ વિધિની વક્રતા એ છે કે ફેશન ડિઝાઈનરે તૈયાર કરેલા રંગબેરંગી અતિકિંમતી વસ્ત્રો પહેરીને નરેન્દ્ર મોદી રાજ્યનું ખાતમૂહર્ત કરનારા રવિશંકર મહારાજની સાદાઈ પર બોલે છે.

મોદી વિશાળ સરકારી કાફલા સાથે આવીને મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી પર પણ બોલે છે. તો પરમ વૈભવી જીવનશૈલી જીવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગરીબોના દુ:ખે દુ:ખી થનારા ગાંધીજી વિશે પણ ભાષણ કરે છે!

બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને થોડા સમયથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી તો 2002થી જ ગુજરાતમાં અપાર લોકપ્રિયતા થકી બ્રાન્ડ બન્યા છે. હવે ચર્ચા છે કે ભાજપ પણ તેમને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ત્યારે જીવનમાં સાદગીના સ્થાને પરમ વૈભવ અને સરળતાની સામે ભવ્યતાને મહત્વ આપનારા નરેન્દ્ર મોદી દેશના ઉદ્યોગપતિઓનું દર્દ તો સમજે છે, પરંતુ કરોડો ગરીબોનું દર્દ સમજશે?

No comments:

Post a Comment