Friday, July 27, 2012

મોદીની ઉર્દૂ સાપ્તાહિક ‘નઈ દુનિયા’ને મુલાકાતના ગૂઢાર્થો


-આનંદ શુક્લ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉર્દૂ અખબાર ‘નઈ દુનિયા’ને આપવામાં આવેલી મુલાકાત બાદ રાજકારણ ગરમ થયું છે. નરેન્દ્ર મોદી દ્વારા 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો પછી દશ વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ઉર્દૂ અખબારને મુલાકાત આપવામાં આવી છે. આ મુલાકાતમાં મોદીએ એવા સવાલોનો જવાબ પણ આપ્યો છે કે ભૂતકાળમાં જેને સાંભળીને તેઓ બોલવાનું બંધ કરી દેતા હતા અથવા મુલાકાત અધુરી મૂકીને નારાજગી સાથે સ્ટુડિયોમાંથી ચાલ્યા જતા હતા.

ઉલ્લેખનીય છે કે એનડીટીવીના વિજય ત્રિવેદી દ્વારા 2007ની ચૂંટણી વખતે લેવામાં આવેલા ઈન્ટરવ્યૂ વખતે હુલ્લડ સંદર્ભેના સવાલ પર મોદી ચોપરની બારીની બહાર જોતા રહ્યા અને બોલવાનું બંધ કરી દીધું હતું. આ સિવાય સીએનએન-આઈબીએન ચેનલ પર કરણ થાપરના કાર્યક્રમમાં મોદીને ગુજરાત રમખાણો સંદર્ભે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓ મુલાકાત છોડીને જતા રહ્યા હતા. જો કે કરણ થાપરના કાર્યક્રમમાં બનેલી ઘટનાના અઠવાડિયામાં જ હુલ્લડો સંદર્ભેના સ્ટિંગ ઓપરેશન તહેલકાએ જુદીજુદી ચેનલો પર પ્રસારીત કર્યા હતા.

પરંતુ દશ વર્ષ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવા તમામ સવાલોનો જવાબ નઈ દુનિયાના સંપાદક અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શાહીદ સિદ્દીકીને આપ્યા છે કે જેનાથી મોદી ભૂતકાળમાં આભડછેટ રાખતા હતા. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી 2002 અથવા 2007 જેટલી સરળ દેખાઈ રહી નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મોદી સામે વિરોધનું બ્યૂગલ બજાવ્યું છે. છ સ્થાનો પર પરિવર્તન મહાસંમલનોમાં 20 હજારથી માંડીને 60 હજાર સુધીની ભીડ કોઈપણ જાતની વાહન વ્યવસ્થા વગર એકઠી કરીને કેશુભાઈ પટેલે મોદી સરકારની ખુરશીના પાયા તો હચમચાવ્યા છે. આવા ટાણે ઉર્દૂ અખબારને ગુજરાત રમખાણો સંદર્ભે ઈન્ટરવ્યૂ આપીને મોદી કોઈ નવી રાજકીય શતરંજ માંડી રહ્યા હોવાની વાત પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

રાજકીય નિરીક્ષકોના મતે હાલ ગુજરાતમાં મોદી સરકાર 2012ના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટીઈન્કમબન્સી અને કેશુભાઈ પટેલના વિરોધને કારણે બિનઆરામદાયક પરિસ્થિતિનો અનુભવ કરશે. તેવા વખતે કોઈને કોઈ લાગણીશીલ મુદ્દાની તલાશ મોદીને રહેશે. મોદીને પોતાના તરફ જુવાળ ઉભો કરવા માટે હજી પણ ગુજરાત રમખાણોના મુદ્દા મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે મોદીએ ઈન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ ખૂબ સ્પષ્ટ રીતે મૂક્યો છે અને કોઈ હિંદુહ્રદય સમ્રાટની અદાથી એવી કોઈ છબી બનાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો નથી. તેમ છતાં તેમની સાથે જોડાયેલી રમખાણો સંદર્ભેની બાબતો પ્રજામાં ફરી એક વખત જુવાળ પેદા કરી શકે છે. ગુજરાત રમખાણોની ચર્ચા માત્રથી મોદીનું સ્થાન પ્રજામાં મજબૂત થાય છે.

જો કે ઈન્ટરવ્યૂમાં મોદીએ રમખાણોમાં પોતાની ભૂમિકાનો બચાવ કરતા કહ્યુ છે કે જો તેઓ દોષિત હોય તો તેમને ફાંસી પર ચઢાવી દેવામાં આવે. એવી રીતે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે આવું કૃત્ય કરવાની કોઈ રાજનેતા 100 વર્ષ સુધી હિંમત કરી શકે નહીં. આ સિવાય તેમણે કહ્યુ છે કે કોંગ્રેસમાં જવાથી કોઈ નેતા સેક્યુલર થઈ શકતો નથી. બાબરી ધ્વંસ વખતે શંકરસિંહ વાઘેલા ક્યાં મંચ પર હતા, તે તેમને પુછવું જોઈએ. મોદીએ ઈન્ટરવ્યૂમાં ગુજરાતમાં મુસ્લિમો ખુશ હોવાની, મુસ્લિમ અનામત સંદર્ભે આગવી અસહમતિ દર્શાવી અને ગુજરાતમાં રમખાણો રોકવા તેમની સરકારે શું કાર્યવાહી કરી ત્યાં સુધીની તમામ વાતો કરી છે. આ ઈન્ટરવ્યૂમાં મોદીમાં રમખાણો સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પામેલી એસઆઈટીના રિપોર્ટમાં મળેલી ક્લિનચિટનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો.

રમખાણોના દશ વર્ષ બાદ મોદી જ્યારે હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી બન્યા છે, ત્યારે ઉર્દૂ અખબારને આપવામાં આવેલો ઈન્ટરવ્યૂ મુસ્લિમ સમુદાયમાં પીઆર વધારવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કઠલાલની પેટાચૂંટણીથી ખુદ મોદી પણ એવું કહેતા થયા કે ભાજપને મુસ્લિમના અમુક ટકા વોટ મળ્યા એટલે જીત થઈ. આ ઘણું મોટું પરિવર્તન છે. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. પરંતુ 2007ની વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમોને ઉમેદવારીની તક આપી છે. જેમાં મોદીને લાગે છે કે સારા પરિણામ આવ્યા છે અને તેથી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાંક મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં મોદીએ સદભાવના મિશન અંતર્ગત અમદવાદ ખાતે ત્રણ ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં કુલ 33 ઉપવાસ કરીને પોતે મુસ્લિમ વિરોધી નહીં હોવાનો સંદેશ આપતો સદભાવનાવાદી ચહેરો બનાવવાનો પ્રયત્ન મોદીએ કર્યો. જો કે મોદીને તેમા કેટલી સફળતા મળી તેના પરિણામો તો તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા અને ગુજરાતમાં મુસ્લિમો તરફથી ભાજપને મળનાર મતોથી જ સાબિત થશે. પરંતુ ઉર્દૂ અખબારને મુલાકાત પાછળનું ઈમેજ મેકઓવરનું ગણિત પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ઉર્દૂ અખબાર નઈ દુનિયા ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમુદાયમાં ઘણી મોટી પહોંચ ધરાવે છે. દેશના સૌથી વધારે મુસ્લિમો યૂપીમાં રહે છે અને મુસ્લિમ રાજનીતિ અહીંથી જ નિયંત્રિત થાય છે. જેના કારણે યૂપીમાં મોદીનું ઈમેજ મેકઓવર થાય, તો તેનો ફાયદો રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા વધારવા માટે થઈ શકે છે. શાહીદ સિદ્દીકી સમાજવાદી પાર્ટીના સાંસદ છે, તેથી ઉર્દૂ અખબારમાં ઈન્ટરવ્યૂથી મુસ્લિમ મતોથી યૂપીની સત્તા હસ્તગત કરનારી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ મોદી માટે થોડી નરમાશ દાખવે તેવું પણ શક્ય છે. જેનો ફાયદો મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મળી શકે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત વખતે બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમારે 2014ની ચૂંટણીમાં એનડીએ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એનડીએ તરફથી વડાપ્રધાનપદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. જેના જવાબમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવેત નિવેદન આપ્યું કે હિંદુત્વવાદી નેતા દેશના વડાપ્રધાન શા માટે બની શકે નહીં? આ નિવેદનને મોદીને સંઘ તરફથી મળેલા ટેકા તરીકે જોવામાં આવે છે. પરંતુ તેમ છતાં 2014 દરમિયાન દેશમાં પ્રાદેશિક પક્ષોની શક્તિને નજરઅંદાજ કરવી મોદી માટે શક્ય નથી. પ્રાદેશિક પક્ષો સેક્યુલારિઝમના મુદ્દે મોદીને રાજકીય રીતે અસ્પૃશ્ય ગણે તો તેમની રાજકીય મહત્વકાંક્ષાઓને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. જેના કારણે મોદીનું હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી ઈમેજ મેકઓવર તેમની પહેલી જરૂરત છે.

રાષ્ટ્રીય સ્તરે મુલાયમ સિંહ અને સમાજવાદી પાર્ટી નરેન્દ્ર મોદી તરફ નરમ વલણ અખત્યાર કરે, તો દેશના મુસ્લિમોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય તેવી પણ શક્યતા છે. જો કે પોતાના સાંસદ શાહીદ સિદ્દીકીના ઈન્ટરવ્યૂના ટાઈમિંગથી નારાજ થઈને મુલાયમ સિંહ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 182 બેઠકો પર ઉતારે, તો પણ મોદીને ફાયદો જ થવાનો છે. રાજ્યમાં મુસ્લિમ મતદારોનો જોક સ્વાભાવિકપણે કોંગ્રેસ અને બિનભાજપી ઉમેદવારો તરફ રહેલો છે. તેથી મુસ્લિમોના થોકબંધ વોટ મોદીને બદલે કોંગ્રેસને મળતા રહ્યા છે. સમાજવાદી પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઉભા રાખે, તો તેઓ મુસ્લિમ વોટબેંકમાં ભાગ પડાવે અને તેને કારણે કોંગ્રેસને વોટમાં નુકસાન જાય. જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે બે અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખીને મુસ્લિમ વોટ તોડવાની રણનીતિ ભાજપે ભૂતકાળમાં અપનાવી છે.

રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ વધવા માટે હિંદુત્વવાદી મોદીને સદભાવનાવાદી બનવું જરૂરી છે. સદભાવનાવાદી બનવા માટે મુસ્લિમો સાથે ઘણી પીઆરની કવાયત કરવી પડશે. આમા મુસ્લિમ મતોથી યૂપીમાં સત્તાસ્થાને પહોંચનારી સમાજવાદી પાર્ટીના નેતા શાહીદ સિદ્દીકીના મુસ્લિમોમાં પહોંચ ધરાવતા અખબાર નઈ દુનિયાનો સહારો મળે, તો તે મોદી માટે સૌથી વધારે ઉત્તમ છે. આ સિવાય મોદીને ગઠબંધન અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના યુગમાં વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માટે જેડીયૂના નીતિશ કુમારનો વિકલ્પ પણ ઉભો કરવો પડે તેમ છે. જો કે આ વિકલ્પ તરીકે મુલાયમ સિંહ યાદવ સામે આવે નહીં, તો પણ તેમનું મોદી પ્રત્યેનું નરમ વલણ આવા વિકલ્પથી કમ નહીં હોય. 

No comments:

Post a Comment