Saturday, July 28, 2012

ટીમ અણ્ણાનો અનશનનો તાયફો સુપર ફ્લોપ


-આનંદ શુક્લ
ભ્રષ્ટાચાર માત્ર ભારતની જ નહીં, પણ આખી દુનિયાની સમસ્યા છે. માનવીના જન્મની સાથે જ ભ્રષ્ટતાઓ અને ભ્રષ્ટતાઓના વ્યવહારથી ભ્રષ્ટાચાર પણ પેદા થયો છે. ભ્રષ્ટાચાર મૂલ્યહીનતા અને અનૈતિકતાથી જન્મે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે તમામ મૂલ્યો અને નૈતિકતાઓ કાયદા તરીકે તેની વ્યાખ્યામાં  સામેલ નથી. જ્યારે આવા મૂલ્યો અને નૈતિકતા માટે કોઈ આગ્રહ કે હઠાગ્રહ કરે, તો તેને તાલિબાની પ્રવૃતિ ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં દેશ-દુનિયામાં ભ્રષ્ટાચારના અનાચારથી સમાજ સાથે અત્યાચારનું કામ ચાલુ છે. ભ્રષ્ટાચારનો અત્યાચાર કરનાર દરેક વ્યક્તિ પોતે આ નહીં કરતો હોવાનું દ્રઢપણે માનતો હોય છે, તેને માત્ર વાંધો બીજા આમ કરે તેનાથી છે!

ભ્રષ્ટાચારને રોકવા માટે દેશ અને દુનિયામાં અનેક આંદોલનો થયા છે, પરંતુ તેનાથી ભ્રષ્ટાચાર ખતમ થવાને બદલે વધતો રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો છતાં તેમાં વધારો શા માટે થયો તેના સંદર્ભે કોઈ નેતા વિચાર કરવા માટે તૈયાર નથી. બસ ભ્રષ્ટાચારના વિરોધમાં સવા વર્ષથી ચાલતો અનશનના નામનો તાયફો વધુ એક વખત અણ્ણા હજારે અને ટીમ અણ્ણા આગળ વધારી રહ્યા છે. મુંબઈમાં એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના ફ્લોપ શો બાદ દિલ્હીમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ટીમ અણ્ણાના અનશનમાંથી લોકો ગાયબ છે. અણ્ણા હજારેનુ કહેવુ છે કે પાંચ લોકોની હાજરીથી પણ આંદોલન ચલાવી શકાય છે. ભીડની કોઈ આંદોલનના પ્રભાવ સાથે કોઈ લેવાદેવા નથી.

પરંતુ આમ કહેતી વખતે અણ્ણા ભૂલી જાય છે કે દુનિયાનું કોઈપણ આંદોલન લઈ લો, તે જનતા વગર હંમેશા અધુરું રહ્યું છે. જનતાના સાથ વગરની કહેવાતી ક્રાંતિઓ ભારત અને ભારત બહાર હંમેશા અધુરી અને નિષ્ફળ રહી છે. જનજનના જોડાવાથી જનઆંદોલન બને છે અને જનઆંદોલનની આગ ક્રાંતિ પેદા કરે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તા પરિવર્તનથી માંડીને વ્યવસ્થા પરિવર્તનની વાત કરનારા અણ્ણા હજારે પોતાના આંદોલનમાં જનતાને નહીં જોડી શકવાની વાતને સ્વીકારતા નથી. ગત વર્ષ પહેલા બે અનશન દરમિયાન અણ્ણા હજારે સાથે લોકો દેખાયા, ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકોએ અણ્ણાના આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. પરંતુ અણ્ણા હજી સુધી લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કંઈપણ નક્કર કરી શક્યા નથી. જેના કારણે આજની વ્યસ્ત જિંદગીમાં લોકોને અણ્ણાના અનશનથી કોઈ પરિણામ નીકળતુ દેખાયું નથી. જેના કારણે લોકો પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત છે. કાળઝાળ મોંઘવારી અને જીવન ટકાવી રાખવાની જદ્દોજેહાદમાંથી વ્યક્તિને સમય વેડફવો પોસાય તેમ નથી. જેના કારણે અણ્ણા હજારેના અનશનના નામે ચાલતા તાયફામાં તેઓ જવા માટે તૈયાર નથી.
ટીમ અણ્ણા પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે પણ લોકોમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા ઘટી હોવાની વાતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. આ સિવાય અણ્ણા હજારે અને ટીમ અણ્ણાને સંઘ પરિવારનો સાથે લેવાથી પરહેજ છે, પરંતુ તેઓ દિલ્હીની જુમ્મા મસ્જિદના ઈમામ બુખારીનો સાથ લેવા માટે વિનવણીઓ કરવા પહોંચી જાય છે. જેના કારણે અણ્ણાના આંદોલન પાછળથી સંઘ પરિવારે પણ પોતાના હાથ ખેંચી લીધા છે. દિલ્હીમાં ગત વર્ષ ઓગસ્ટના અનશન દરમિયાન રામલીલા મેદાન ખાતે કથિતપણે વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓ દ્વારા લંગર ચલાવવામાં આવ્યા હતા. જો કે વિશ્વ હિંદુ પરિષદે આની કોઈ આધિકારીક પુષ્ટિ કરી નથી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ચલાવાયેલા રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી સંત સાધ્વી ઋતંભરાને રામલીલા મેદાન ખાતેના અનશનમાં મંચ પર આવવા દેવામાં આવ્યા ન હતા અને તેમને નીચે બેસીને જ પાછા વળવું પડયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોને પ્રતીકરૂપે મંચ પર રાખવા અને તેમને અનશન સ્થાન પર નમાજ પઢવા દેવાની વ્યવસ્થા કરવા સુધીની કાર્યવાહી ટીમ અણ્ણા અને અણ્ણા હજારે દ્વારા કરવામાં આવી હતી.

અણ્ણા હજારે અને ટીમ અણ્ણા દ્વારા હિંદુ સંગઠનો સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો કે જાણે કે તેઓ આ દેશના નાગરીક જ ન હોય અને તેમનો આ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સાથ લેવો પાપ હોય. અણ્ણા હજારેને આંદોલનમાંથી લોકો ગુમ થવાનું આ કારણ પણ તેમણે વિચારવું જોઈએ. બાબા રામદેવ ટીમ અણ્ણાના અનશન દરમિયાન શુક્રવારે મંચ પર આવ્યા. બાબા રામદેવ સાથે ભીડ આવી અને તેમના જવાની સાથે જ ભીડ ગાયબ થઈ ગઈ. બાબા રામદેવે પણ ટીમ અણ્ણાના મંચ પર આવતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે જનઆંદોલનોમાં દેશના 125 કરોડ લોકોનો સાથ હોવો જોઈએ. તો જ ક્રાંતિ શક્ય બનશે. તેમણે પરિવર્તન લાવનારા કોઈપણ આંદોલન સાથે દેશની વસ્તીના એક ટકા લોકોના સ્થાયીપણે જોડાયેલા હોવા જોઈએ તેવી વાત પણ કરી છે.

આનો સ્પષ્ટ અર્થ છે કે અણ્ણાનું જનલોકપાલ આંદોલન જનશક્તિ વગર સુરસુરિયું થઈ ગયું છે. હાલ ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ અણ્ણાના સમર્થકોની પાંખી હાજરી નજરે પડે છે. જો કે અણ્ણા હજારેએ અનશનથી આગળ વધીને લોકોને રાજકીય વિકલ્પ આપવાની વાત કરી છે. તેઓ પોતે ચૂંટણીમાં ઉભા નહીં રહે, પરંતુ સારા લોકોને ચૂંટણીમાં ટેકો આપશે. પરંતુ જ્યારે ભારતની લોકશાહી નંબર ગેમ છે, ત્યારે જનતાના ટેકા વગર ઉભો થનારો વિકલ્પ કેટલો ટકશે, તે પણ અંદાજવું ઘણું સરળ છે.

લોકશાહીમાં સત્તા અને શક્તિ જનતામાં કેન્દ્રીત છે. જનતા જેને ચાહે તેને સત્તા અને તેના માટેની શક્તિ આપી શકે છે. જનતાને પોતાની પાસે રહેલી સત્તા અને શક્તિના અધિકારો યોગ્ય વ્યક્તિને આપવા માટે રાજકીય રીતે સાક્ષર બનાવવાની જરૂરત છે. પરંતુ ભારતના લોકોનું અત્યાર સુધીનું રાજકીય કલ્ચર જ એ પ્રકારનું રહ્યું છે કે રાજકારણ અને રાજકારણીઓને હંમેશા ધિક્કારવા, રાજકારણને ઉપેક્ષાથી જોવું. જેના કારણે આજે રાજકારણ પર ખોટા અને ભ્રષ્ટાચારી લોકોનો દબદબો છે. આને ખતમ કરવા માટે જનતાને રાજકીય રીતે સાક્ષર બનાવવી પડશે અને સાથે સાથ તેમની સામે અન્ય યોગ્ય રાજકીય વિકલ્પ મૂકવો પડશે. પરંતુ આ તમામ કવાયત માટે જનતાને સાથે જોડવી જનઆંદોલન ઉભું કરવું તેની પ્રાથમિકતા બનેલી રહેશે. જો કે આંદોલનથી લોકોના ગાયબ થવા પર અણ્ણા હજારેનું નિવેદન દર્શાવે છે કે તેમને લોકો વગર પણ આંદોલન ચલાવવાના મુંગેરીલાલના હસીન સપના આવે છે. 

No comments:

Post a Comment