Saturday, July 7, 2012

ભાજપે ગુજરાતમાં ક્યારેય વિકાસના મુદ્દાઓ પર સરકાર બનાવી નથી

-          આનંદ શુક્લ
ગુજરાતમાં ભાજપે 1995થી દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. ભાજપને 1990થી દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દાથી કોંગ્રેસ પર સરસાઈ મેળવવાની તક મળતી રહી છે. 2012ના અંત ભાગમાં ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ પ્રેરીત ત્રીજો મોરચો પણ ભાગ લે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પરિદ્રશ્યમાં કેવા ફેરફાર થઈ શકે તેની ચર્ચા ઘેરી બની છે. પરંતુ મામલો કેશુભાઈ પટેલ જેવા ભાજપના વરિષ્ઠ નેતાનો હોવાથી મોદી માટે 2002 અને 2007 જેવી સરળ પરિસ્થિતિ નહીં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

જો કે 1995થી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા વોટિંગની ટકાવારી 55 ટકાથી ઉપર રહી છે. 1995માં 64.39 ટકા અને 2002માં 61.54 ટકા મતદાન થયું છે. વોટિંગની ટકાવારી ઉંચી રહેવાનો ફાયદો હંમેશા ભાજપને મળ્યો છે. પરંતુ 1990થી લઈને 2007ની ચૂંટણીમાં જનમતને અસર કરતા મુદ્દા પર નજર કરવી જરૂરી છે. કારણ કે આ મુદ્દા કોઈને કોઈ રીતે હિંદુત્વના મુદ્દાઓની આસપાસના મુદ્દાઓ હતા. ગુજરાત હિંદુત્વનો ગઢ મનાય છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીના સંભવિત મુદ્દાઓ સામે ભૂતકાળની ચૂંટણીમાં ભાજપને જીત અપાવનારા મુદ્દાઓ પર એક નજર કરવી જરૂરી બને છે.

(1)    1990ની વિધાનસભા ચૂંટણીમાં વી.પી.ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને રામલહેરે કોંગ્રેસની નાવ ડૂબાડી:

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળની યુતિએ કોંગ્રેસના બારે વહાણ ડૂબાડયા હતા. આખા દેશમાં કોંગ્રેસમાંથી અલગ થયેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. બોફોર્સ ડીલમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજીવ ગાંધીની સરકારમાં સંરક્ષણ મંત્રી પદેથી વી. પી. સિંહે રાજીનામું આપીને આખા દેશમાં કોંગ્રેસને કેન્દ્રની સત્તામાંથી મુક્ત કરાવવા માટે આંદોલન ચલાવ્યું. તેમણે જનતાદળ અને ભાજપ સહીતના અન્ય બિનકોંગ્રેસી પક્ષોનો મોરચો બનાવ્યો. જેના પરિણામે ગુજરાતમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ પરિવર્તનનો પવન ફૂંકાયો. જેમાં ભાજપે કેશુભાઈ પટેલ અને જનતાદળે ચિમનભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડયો હતો. તે વખતે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો.

1990માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતના માત્ર 30.74 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ભાગે 182માંથી માત્ર 33 વિધાનસભાની બેઠકો ભાગે આવી હતી. જ્યારે જનતાદળને ચિમનભાઈ પટેલની આગેવાનીમાં સૌથી વધારે 70 બેઠકો અને 29.36 ટકા મત મળ્યા હતા. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 26.69 ટકા મતો મેળવીને ત્રીજા સ્થાને 67 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં જનતાદળ અને ભાજપના સંયુક્ત મતની ટકાવારી 56.05 ટકા હતી, તે કોંગ્રેસના મતો કરતા 25.31 ટકા વધારે હતી.

ઉલ્લેખનીય વાત એ પણ છે કે 1990ના ગાળામાં અયોધ્યા આંદોલન ગતિ પકડી રહ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનના કારણે દેશભરમાં રામલહેર પણ પકડ જમાવી રહી હતી. જેના કારણે ભાજપને સારો એવો ફાયદો બેઠકોની જીતમાં મળ્યો હતો.

(2)    1995માં હિંદુત્વની લહેર પર સવાર થઈને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા:

1990માં ગુજરાતમાં સત્તા પર આવેલી ચિમનભાઈ પટેલના વડપણ હેઠળની જનતાદળ અને ભાજપની સરકાર રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે કાઢવામાં આવેલી અડવાણીની રામરથયાત્રાના વિવાદમાં તૂટી પડી. બિહારના સમસ્તીપુર ખાતે અડવાણીની રામરથયાત્રાને બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે અટકાવી હતી. જેના કારણે કેન્દ્રમાં વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચ્યો હતો. તેના પરિણામ ગુજરાતની ગઠબંધન સરકાર પર પણ પડયા હતા. જો કે ભાજપનો ટેકો પાછો ખેંચાયા બાદ ચિમનભાઈ પટેલની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો. ત્યાર બાદ ચિમનભાઈ પટેલે જનતાદળમાંથી અલગ થઈને જનતાદળ-ગુજરાત નામનો પ્રાદેશિક પક્ષ પણ સ્થાપ્યો. જો કે ચિમનભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેજ અવસાન થયું અને ગુજરાતમાં જનતાદળ-ગુજરાતે વિધિવત કોંગ્રેસમાં સામેલ થવાનું નક્કી કર્યું. એટલે ગુજરાતની રાજનીતિ દ્વિધ્રુવીય બની.

દેશમાં બાબરી ધ્વંસની 6 ડિસેમ્બર, 1992ની ઘટના પછી ચાર રાજ્યોમાં ભાજપની સરકારને બરતરફ કરવાના કેન્દ્રના નિર્ણય સામે જનાક્રોશ ચરમ પર હતો. તેવામાં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ જમ્મુ-કાશ્મીરની શીતકાલિન રાજધાની શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસે લાલચોકમાં તિરંગો ફરકાવાના આતંકવાદીઓના પડકારને જીલ્યો. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરના શ્રીનગરના લાલચોક સુધીની એકતાયાત્રા કાઢી. તે સમયે કોંગ્રેસ વિરોધી વાતાવરણ દેશભરની તાસિર બની ચુકી હતી. ગુજરાત પણ તેમાથી બાકાત ન હતું. રામજન્મભૂમિ, કાશ્મીર સહીતના હિંદુત્વવાદી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર ગુજરાતની જનતા ભાજપની પડખે હતી. જનતાદળ-ગુજરાતનું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. તેથી હિંદુત્વની ગુજરાતમાં ચાલી રહેલી લહેરના પરિણામે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર ગાંધીનગરની ગાદીએ આવી.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ વોટના 42.51 ટકા મત મળ્યા અને 121 બેઠકો પર જીત મેળવી. જ્યારે કોંગ્રેસે 32.86 ટકા મત સાથે માત્ર 45 બેઠકો પર જીત મેળવી. ભાજપને કોંગ્રેસ કરતા 9.65 ટકા મત વધારે મળ્યા. જેનાથી સ્પષ્ટ બને છે કે 1990ની ચૂંટણીમાં જનતાદળ સાથે રહેલા ઘણાં વોટ કોંગ્રેસની વિરુદ્ધ ભાજપને મળ્યા હતા. જેના પરિણામે ભાજપ કોંગ્રેસ પર સરસાઈ મેળવવામાં કામિયાબ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હિંદુત્વના પ્રચંડ મોજા સાથે ગુજરાતની ગાદીએ આવેલી ભાજપની કેશુભાઈ પટેલની સરકારને બે વર્ષમાં ઘરભેગા થવું પડયું. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કરાવ્યો. શંકરસિંહ દ્વારા કેશુભાઈની સરકાર સામે કરવામાં આવેલા બળવાના પરિણામે કેશુભાઈને બે વર્ષમાં જ રાજીનામું આપવું પડયું. શંકરસિંહ વાઘેલાએ ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલી શોકોઝ નોટિસને અમદાવાદમાં જાહેરમાં ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી હતી.

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાની સરકારને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો. જો કે શંકરસિંહની રાજપા અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા 1998માં ફરીથી વિધાનસભા ચૂંટણી આવી.

(3)    1998માં શંકરસિંહ વાઘેલાના બળવા સામેના લોકોના રોષે ભાજપને જીત અપાવી:

ખજૂરાહો કાંડ બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા બળવાથી ગુજરાતની જનતામાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં લગભગ અઢી વર્ષ સુધી શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાની સરકાર સત્તા પર રહી. આ સમયગાળા દરમિયાન સંઘપરિવારના સંગઠનો પ્રત્યે શંકરસિંહ વાઘેલાએ દમનચક્ર ચલાવ્યું હતું. જેના પરિણામે સંઘપરિવારની કેડર વધારે આક્રમક બની હતી. તે સમયે સંઘપરિવારની આરએસએસ અને વીએચપી સહીતની સંસ્થાઓની ગુજરાતના ગામેગામ વ્યાપક પકડ હતી. જેના પરિણામે જનમતને શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ કરવામાં ભાજપને સફળતા મળી.

ગુજરાતની જનતામાં શંકરસિંહ વાઘેલા પર હિંદુત્વવાદી આંદોલનને કમજોર કરવાનો આરોપ લાગી રહ્યો હતો. રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શંકરસિંહ વાઘેલાને તે સમયે શંકરઉલ્લાહખાન તરીકે ચિતરવામાં આવ્યા હતા.

જેના પરિણામે 1998ની ચૂંટણીમાં 44.81 ટકા મતો સાથે ભાજપને 117 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 34.85 ટકા મતો સાથે માત્ર 53 બેઠકો મળી હતી. જો કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપાને 11.68 ટકા વોટ સાથે માત્ર 4 બેઠકો મળી હતી. જો કે માનવામાં આવે છે કે રાજપાએ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીના વોટ તોડયા હતા. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 9.96 ટકા મતોનું અંતર હતું. જો 1998માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને રાજપા સંયુક્ત રીતે લડયા હોત, તો પરિણામ ભાજપ માટે આટલા ગુલાબી રહ્યા ન હોત.

જો કે 1998ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના થોડા વખતમાં શંકરસિંહ વાઘેલાએ રાજપાનું કોંગ્રેસમાં વિધિવત વિલિનીકરણ કર્યું.

ઉલ્લેખનીય છે કે કેટલાંક સુધારવાદી પગલાઓ અને આમ આદમીને રાહત આપતા નિર્ણયો સંદર્ભે કેશુભાઈ પટેલ સરકારની પ્રારંભિક ગાળામાં પ્રશંસા થઈ હતી. જો કે 26 જાન્યુઆરી, 2002ના રોજ આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં રાહત અને પુનર્વસનના કામમાં મંથરતા અને ગડબડોની વાતોએ કેશુભાઈ પટેલ તરફ અણગમો શરૂ કર્યો હતો. મીડિયામાં ટીકાઓ આવવાની પણ શરૂ થઈ હતી. તેવામાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા નેતૃત્વ પરિવર્તન માટે ભાજપ હાઈકમાન્ડ અને સંઘના સર્વોચ્ચ નેતૃત્વને રજૂઆતો થવા લાગી હતી. જેના પરિણામે સંઘના દોરીસંચાર નીચે પ્રચારક એવા નરેન્દ્ર મોદીને એક્ટોબર-2001માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

(4)    2002ની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાવેવે મોદીને હિંદુહ્રદય સમ્રાટ બનાવી જ્વલંત જીત આપી:

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા જંકશન નજીક અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના ત્રણ કોચ સળગાવી દેવાની ઘટના બની. સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગેલી આગમાં અયોધ્યાથી આવી રહેલા 58 જેટલા કારસેવકો ભડથું થયા. જેના કારણે આખા ગુજરાતમાં રોષ વ્યાપી ગયો હતો. મુસ્લિમોના ટોળા દ્વારા આગચંપી થઈ હોવાના વહેતા થયેલા સમાચારો અને અફવા-અટકળો વચ્ચે રાજ્યની સ્થિતિ વિસ્ફોટક બની. ત્યાર પછીના ત્રણ દિવસ ગુજરાતના ઈતિહાસના કેટલાંક લોહિયાળ પૃષ્ઠોમાંના એક બની ગયા.

આ સમયગાળામાં મીડિયા ખાસ કરીને ન્યૂઝ ચેનલો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ ન્યૂઝ સ્ટોરીનો મારો ચલાવવામાં આવ્યો. તમામ ન્યૂઝ ચેનલોએ નરેન્દ્ર મોદીની અવાસ્તવિક ગણી શકાય તેવા તર્કોના આધારે ટીકાઓ કરી. જેને ગુજરાતની જનતાએ પક્ષપાતી ગણી. ગુજરાતમાં તે સમયે ન્યૂઝચેનલો અને મીડિયાના નકારાત્મક પ્રચાર વિરુદ્ધ પણ વાતાવરણ બની રહ્યું હતું. જેના પરિણામે ગુજરાતની જનતામાં નરેન્દ્ર મોદીની તારણહારની છબી ગાઢ બની રહી હતી.

ગુજરાતની ચૂંટણી વહેલી જાહેર કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ યાત્રા કાઢી હતી. તેને ગુજરાતની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તમામ અટકળબાજીઓ વચ્ચે 2002ની ચૂંટણીમાં તારણહારની છબી સાથે નરેન્દ્ર મોદીએ ભાજપને જ્વલંત જીત અપાવી.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.85 ટકા વોટ સાથે 127 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39.28 ટકા મત સાથે 51 બેઠકો મળી હતી. ભાજપને કોંગ્રેસ કરતા 10.57 ટકા મત વધુ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1990થી થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે સૌથી વધારે મતદાન 2002ની ચૂંટણીમાં થયું હતું. એટલે કે આ ચૂંટણીમાં 61.54 ટકાનું ભારે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છેકે 2004ની લોકસભાની ચૂંટણી સુધી જનતાના હીરો બનેલા નરેન્દ્ર મોદી તેમની તથાકથિત કાર્યશૈલીના કારણ સાથે પક્ષ અને સંઘપરિવારમાં અસંતુષ્ટો તરફથી ટીકાને પાત્ર બન્યા. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 12 અને ભાજપને 14 બેઠકો મળી હતી. જેના કારણે નરેન્દ્ર મોદીનું તેમના વિરોધીઓ પ્રત્યેનું વલણ ઘણું કઠોર બનવા લાગ્યું. પરિણામે ભાજપમાં જ નવી ભાંજગડના મંડાણ થયા. ગોરધન ઝડફિયા ભાજપમાંથી અલગ થયા અને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી. તો કેશુભાઈ પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતાઓની સમજાવટ બાદ 2007ની વિધાનસભા ચૂંટણી વખતે પોતાને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાવ્યા.

(5)    2007માં સોનિયા ગાંધીની મોદી માટેની મોત કા સોદાગરની ટીપ્પણીએ જીતનું શઢ મોદી તરફ ફેરવ્યું:

2002થી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં તારણહારની છબી સાથે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા. પરંતુ તેમની કડક કાર્યશૈલીના પરિણામે કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નેતાઓની પાંખો કપાવા લાગી. જેના પરિણામે પક્ષમાં તેમની સામેના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગોરધન ઝડફિયાએ 2005માં કેબિનેટ વિસ્તરણ વખતે કેશુભાઈ પટેલ સાથે ચર્ચાવિચારણા થઈ ન હોવાથી મંત્રીપદ સ્વીકારવાનો જાહેરમાં ઈન્કાર કરીને નરેન્દ્ર મોદીને અપમાનિત અવસ્થામાં મૂકી દીધા હતા. ઝડફિયાએ ભાજપથી અલગ થઈને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી. કાશીરામ રાણા, સુરેશ મહેતા અને કેશુભાઈ પટેલ પણ મોદી વિરોધને હવા આપી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. મોદી વિરુદ્ધ થયેલા પટેલ જ્ઞાતિના સંમલનોથી બહુ મોટી અસર થાય તેવી ગણતરી ચાલી રહી હતી.

જોકે પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના મુદ્દે મોદીનું નામ લીધા વગર તેમને મોત કા સોદાગર ગણાવ્યા. ગુજરાતની જનતામાં મોદી પ્રત્યે સહાનુભૂતિની લહેર દોડી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સહાનુભૂતિની લહેરને વધારે ઉગ્ર બનાવવા ઝડપી અને અસરકારક પ્રચાર કર્યો.
 
જેના પરિણામે 2007માં ભાજપને 49.12 ટકા મત સાથે 117 બેઠકો મળી. કોંગ્રેસને 38 ટકા મત સાથે 59 બેઠકો મળી છે. ભાજપને કોંગ્રેસ કરતા 11.12 ટકા મત વધારે મળ્યા હતા. જો કે 33 બેઠકો એવી છે કે જેના પર ભાજપને 5 હજાર વોટ કરતા ઓછા મતથી જીત મળી હોય.

(6)    પ્રવર્તમાન પરિસ્થિતિ:

ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના બગાવતી તેવરથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ભૂકંપની હલચલ શરૂ થઈ છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ મહાગુજરાત જનતા પાર્ટી સાથે મળીને અથવા નવો પક્ષ રચીને ગુજરાતની જનતાને મોદી અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો વિકલ્પ આપવા ઈચ્છી રહ્યા છે. 24મી જુલાઈએ સૂરત ખાતેના સંમેલનમાં કેશુભાઈ પટેલ પોતાના જન્મદિવસે ત્રીજા મોરચાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણે અને ગોરધન ઝડફિયાના મોદી વિરોધી સૂર તીખા થઈ રહ્યા છે. કેશુભાઈ પટેલે પહેલા રાજ્યના પટેલો દસ વર્ષથી ભયભીત હોવાની વાત કરી. તેના થોડા સમય બાદ ગુજરાતમાં તમામ જ્ઞાતિના લોકો ભયભીત હોવાનું નિવેદન પણ તેમણે કર્યું. પટેલ જ્ઞાતિના સંમેલનોમાં કેશુભાઈએ મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. છેલ્લે દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી હતી. તેમણે સાથે ઉમેર્યુ હતુ કે જો હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન નહીં કરે, તો જનતા પરિવર્તનનો માર્ગ પકડશે.

કેશુભાઈ પટેલ 6 મહાનગર સહીત ગુજરાતમાં કુલ આઠ સંમેલનો કરવાના છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

રાજકીય વિશ્લેષકોના માનવામાં પ્રમાણે, ગુજરાતની રાજનીતિમાં ત્રીજા મોરચાનું કોઈ વજન પડયું નથી. ચિમનભાઈ પટેલે 1975માં રચેલા કિસાનમજદૂર લોકપક્ષને 12 બેઠકો મળી હતી. રતુભાઈ દેસાઈની રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી શકી ન હતી. છેલ્લે શંકરસિંહ વાઘેલાની રાજપાને પણ 1998માં માત્ર 4 બેઠકો મળી હતી. એટલે કે ગુજરાતમાં ત્રીજા મોરચાની જીતને કોઈ અવકાશ નથી.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કેશુભાઈનો ત્રીજો મોરચો પોતાની જીત માટે નહીં પરંતુ મોદીના નેતૃત્વવાળા ભાજપને હરાવવા માટે છે. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરેરાશ 10 ટકાનો તફાવત રહ્યો છે. ત્યારે તેવા સમયે કેશુભાઈ પટેલનો મોરચો 4થી 5 ટકા ભાજપના વોટ કાપવામાં કામિયાબ થઈ જાય તો ભાજપને 25થી 30 બેઠકો ગુમાવવાનો વારો આવે. તેવા સંજોગોમાં નવા સત્તા સમીકરણોને ગુજરાતમાં અવકાશ મળશે. 

No comments:

Post a Comment