-
આનંદ શુક્લ
મોંઘવારી વધારવામાં માહેર મનમોહન સરકાર
ભારતના નહીં, પરંતુ અમેરિકા અને અન્ય શક્તિશાળી દેશોના દબાણમાં તેમના હિતના
નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં રાંધણગેસમાં રેશનિંગ અને ડીઝલમાં પાંચ રૂપિયા
જેટલો કમરતોડ વધારો કરીને સરકારે આમ આદમીનો રોષ ભડકાવ્યો છે. પણ તેની સાથે જ
સરકારે વિદેશી મૂડી રોકાણ માટે દેશના દરવાજા મોકળા કર્યા છે. કેન્દ્ર સરકારે
રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ, ઊર્જા અને પ્રસારણ ક્ષેત્રમાં
પણ એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. રીટેલ, એવિએશન, ઊર્જા અને પ્રસારણ ક્ષેત્રમાં
ભારતની મનમોહન સરકાર દ્વારા વિદેશી મૂડી રોકાણને આપવામાં આવેલી મંજૂરી સામે દેશમાં
વિરોધનો વંટોળ ઉઠયો છે.
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રીટેલમાં એફડીઆઈને મુદ્દે કોંગ્રેસના વડપણવાળી
યુપીએ સરકારને ટેકો પાછો ખેંચ્યો છે. ભાજપ, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી અને બહુજન
સમાજ પાર્ટીએ પણ રીટેલમાં એફડીઆઈનો અલગ-અલગ સૂરોમાં વિરોધ કર્યો છે. યુપીએ સરકારના
સહયોગી પક્ષ ડીએમકેએ પણ 20મી સપ્ટેમ્બરના રોજ વિરોધ પક્ષો દ્વારા ડીઝલના ભાવવધારા
અને એફડીઆઈ મુદ્દે આપવામાં આવેલા બંધમાં સામેલ થવાની તૈયારી બતાવી છે. વડાપ્રધાન
મનમોહન સિંહના આર્થિક સુધારા સરકારની અંદર અને બહાર કોઈને પચી રહ્યા નથી. પરંતુ
મનમોહનસિંહની ટીકા કરનારા અમેરિકી અખબારોમાં એફડીઆઈને મંજૂરીના યુપીએ સરકારના
નિર્ણયની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના વડપણવાળી
યુપીએ સરકારના આ નિર્ણયથી ભારતના હિત જોખમાય તેવી પુરેપુરી શક્યતા છે અને તેનો
સીધો ફાયદો અમેરિકા જેવા વિદેશી દેશો ઉઠાવશે તે પણ તેટલું જ નક્કી છે.
સરકારે રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ વિદેશી
મૂડી રોકાણ માટે તર્ક આપ્યો છે કે આ કારોબારનો વિકાસ દર બેહદ ધીમો છે, માટે તેમાં
રોકાણથી આ બજારની મર્યાદા વધશે અને નવા રોજગારના અવસરો પણ પેદા થશે. ડોલરની
સરખામણીએ રૂપિયો મજબૂત થશે. સરકારનો તર્ક એ પણ છે કે વિદેશી વેપારીઓના આમા
હસ્તક્ષેપથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ જશે અને ખેડૂતોને પોતાના પાકની સારી કિંમતો
મળશે.
ઉપભોક્તાઓને પણ વ્યાજબી ભાવથી સામાન
ઉપલબ્ધ થશે. પરંતુ આ દલીલો માત્ર બહાના છે. દેશના કર્તાધર્તા, નીતિનિર્માતા,
ભવિષ્યના નિયંતાઓ હાલ નફાખોરો, વચેટિયાઓ, દલાલો અને અમેરિકી મૂડીપતિઓના દબાણમાં
છે. એફડીઆઈની નીતિ લાગુ કરવી આ દબાણનું પરિણામ માત્ર છે. વોલમાર્ટ જેવી કંપનીઓ
પોતાના પક્ષમાં નીતિ બનાવવા માટે આક્રમક લોબિંગ કરી રહી છે. રીટેલ માટે વોલમાર્ટે
અત્યાર સુધીમાં 650 કરોડ રૂપિયા લોબિંગ પેટે ખર્ચ કર્યા છે. એફડીઆઈ દેશના 4.40
કરોડ રીટેલ વેપારીઓ, 17 કરોડ ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રમાં રહેનારા 60 ટકા લોકોને
તબાહ કરનારી નીતિ છે. માત્ર વિદેશી મૂડી ભંડાર વધારવા માટે વિદેશી કંપનીઓને પોતાને
ત્યાં બોલાવી દેશને મહાન બનાવી શકાય નહીં. સરકાર દાવો કરે છે કે એફડીઆઈથી 30 ટકા
લઘુ ઉદ્યોગોને ફાયદો થશે, એક કરોડ લોકોને રોજગાર મળશે, મોંઘવારી ઓછી થશે, ખેડૂતોને
ફાયદો થશે, ખેડૂતો વચ્ચેથી વચેટિયાઓ ગાયબ થઈ જશે.
પરંતુ હકીકત એ છે કે વિદેશી મૂડી રોકાણના
ફાયદા ગણાવતી સરકારે આ રોજગાર વિરોધી નિર્ણય વિદેશી કંપનીઓ, વિશ્વ વ્યાપાર સંગઠન
અને જી-20 દેશોના જબરદસ્ત દબાણને કારણે લેવો પડયો છે. વોલમાર્ટ, કેયરફોર,
મેટ્રો-એજી, ટેસ્કો અને જોઈન્ટ જેવી વિદેશી કંપનીઓના સૂરમાં સૂર ભારતીય કંપની
ભારતી અને એરટેલે પણ મિલાવ્યો છે. સરકારને આ કારોબારીઓએ આગામી પાંચ વર્ષમાં 100
અબજ ડોલરના રોકાણનો ભરોસો આપ્યો છે.
પરંતુ તેમ છતા વિદેશી રોકાણથી ભારતમાં ઉભી
થયેલી સમસ્યાઓ દૂર થઈ જશે તેમ માનવું ભૂલ ભરેલું રહેશે. વૈશ્વિક સ્તરે
કૃષિક્ષેત્રે કેટલાંક નિર્ણયો ડંકેલ પ્રસ્તાવ થકી થયા, ડંકેલ પ્રસ્તાવ સ્વીકાર્યા
પછી કૃષિપ્રધાન દેશ તરીકેની ભારતની ઓળખ ભૂંસાવા લાગી. ડંકેલ પ્રસ્તાવના સ્વીકાર્યા
પહેલા દેશમાં 80 ટકાથી વધારે લોકો ખેતી પર નભતા હતા. પરંતુ અત્યારે આ આંકડો 65 ટકાની
આસપાસ સ્થિર થયો છે. ખેતપેદાશોમાં કમી અને ભાવ લેવામાં ખેડૂતોને માર પડી રહ્યો છે.
તેને કારણે દેશમાં ખેડૂત આત્મહત્યાના માર્ગે આગળ વધી રહ્યો છે અને ખેતીનું
ધનોતપનોત નીકળી રહ્યું છે. કૃષિક્ષેત્ર સંદર્ભેના વૈશ્વિક કરારો સ્વીકારતી વખતે
અને તેને લાગુ કરતી વખતે તત્કાલિન નરસિંહરાવની સરકારે ભારતના કૃષિક્ષેત્રનો સારો
વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ આજે ખેડૂતોને ઋણમુક્તિની રાહતના પેકેજો
જાહેર કરવા પડે છે અને છતાં ખેડૂતોની આત્મહત્યા અટકતી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે રીટેલમાં
એફડીઆઈના નિર્ણયથી નાના કારોબારીઓને ભારે નુકસાન થશે અને તેમની આજીવિકા પર સંકટ
આવી જશે. દેશમાં રીટેલ કારોબારથી લગભગ પાંચ કરોડ લોકો જોડાયેલા છે અને અપ્રત્યક્ષ
રીતે 20 કરોડ લોકોનું તેનાથી જીવનયાપન થઈ રહ્યું છે.
સચ્ચાઈ એ છે કે ભારતમાં 51 ટકા લોકો
સરકારી મદદ વગર સ્વરોજગારના સહારે જીવન વિતાવી રહ્યા છે અને લગભગ 30 ટકા લોકો
મજૂરી જેવા નાના-મોટા કામ કરીને આજીવિકા કમાય છે. માત્ર 20 ટકા ભારતીય જ સુસ્થાપિત
માળખાગત ઉદ્યમ અને નોકરી સાથે જોડાઈને સારી આજીવિકા કમાવવા માટે સમર્થ છે.
રીટેલ ક્ષેત્ર દેશમાં કૃષિ બાદ સરકારી મદદ
વગર સૌથી વધારે રોજગારી પેદા કરતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં એફડીઆઈને મંજૂરીનો
અર્થ થાય છે કે રોજગારી પેદા કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ દેશના લોકોના હાથમાંથી
વિદેશીઓના હાથમાં જતું રહેશે. અત્યારના અંદાજ પ્રમાણે, આનાથી 1 કરોડ રોજગાર પેદા
થવાની શક્યતા દર્શાવાય છે. પરંતુ રીટેલ ક્ષેત્રમાં પહેલેથી પાંચ કરોડ લોકો
પ્રત્યક્ષ રોજગારી મેળવી જ રહ્યા છે. આનો સીધો અર્થ છે કે વિદેશી મૂડી રોકાણ બાદ
માત્ર એક કરોડ રોજગારી ઉભી થવાની હોય, તો બાકીની ચાર કરોડ રોજગારીનો ઘટાડો થવાની
પુરેપુરી શક્યતા છે.
ભારતમાં રીટેલ કારોબાર ત્યારે 450 અબજ
ડોલરનો છે. જીડીપીમાં તેની ભાગીદારી લગભગ 14 ટકા છે. વર્ષ 2015 સુધીમાં તે 785 અબજ
ડોલરનો થવાની આશા વ્યક્ત કરવામાં આવે છે. આ રીટેલ ક્ષેત્રમાં 95 ટકા હિસ્સેદારી
નાના કારોબારી અને દુકાનદારોની છે અને બાકીના પાંચ ટકા સંગઠિત કારોબારના છે. પરંતુ
વિદેશી મૂડી રોકાણથી 450 અબજ ડોલરનો હાલનો ધંધો ભારતમાં જ રહે તેવી કોઈ વ્યવસ્થા
સરકારે કરી નથી. આ ધંધાની મલાઈ વિદેશી મૂડી રોકાણકારો પોતાના દેશ લઈ જશે અને તેની
ભારતના વિકાસમાં કોઈપણ ભૂમિકા નહીં હોય. રીટેલ કારોબાર 20 ટકાના દરથી વધે છે,
પરંતુ તેનાથી રોજગાર ઘણાં મોટા પ્રમાણમાં પેદા થઈ રહ્યા છે તેને નજરઅંદાજ કરી શકાય
તેમ નથી.
વળી રીટેલમાં એફડીઆઈમાં વોલમાર્ટ જેવી
કંપનીઓ શરૂઆતના તબક્કામાં પોતાના ભાવ બજાર કરતા નીચા રાખે છે અને એક વખત તેમના
બજારના પ્રતિસ્પર્ધીઓ ખતમ થઈ જાય છે, તો તેઓ તેના પર એકહથ્થુ નિયંત્રણો સ્થાપી દે
છે. ત્યારે વિચારવાનું એ છે કે આવી સ્થિતિ ખેડૂતો, ગ્રાહકો માટે કેટલી આવકારદાયક
રહેશે અને મોંઘવારી વધશે કે ઘટશે?
ભારતમાં સંગઠિત રીટેલ કારોબારમાં હાલ
ફ્યૂચર ગ્રુપ, ટાટા સમૂહ, રહેજા સમૂહ, આરપીજી સમૂહ અને રિલાયન્સ જેવી દિગ્ગજ રીટેલ
કંપનીઓ છે. આમા વિદેશી મૂડી રોકાણને મંજૂરી બાદ તેમનો સીધો મુકાબલો દુનિયાની નામી
રીટેલ કંપનીઓ વોલમાર્ટ, કેરફોર, મેટ્રો એજી અને ટેસ્કો સાથે થશે. પરંતુ તેની સાથે
વોલમાર્ટ જેવી કંપનીઓનો ધંધો કેટલાંક દેશોની કુલ જીડીપી જેટલો થાય છે. ત્યારે આવા
મોટા ખેલાડીઓ દેશી રીટેલ કંપનીઓને ગળી જાય તેવી પુરેપુરી શક્યતા છે અને જો દેશી
રીટેલ કંપનીની કોઈ વિસાત ન હોય તો નાના દુકાનદારો તો એમ જ નવરા થઈ જશે.
ભારતમાં કરિયાણાનો દુકાનદાર માત્ર
ધંધાદારી તરીકે જ વર્તતો નથી, તેની સાથે સામાજિક સ્તરે લોકો થકી સંબંધો પણ પેદા
થાય છે. આવા દુકાનદારો ગામડાંઓમાં અને થોડેઘણે અંશે શહેરોમાં ઘણાં પરિવારોની નજીક
હોય છે. આજે દેશમાં રીટેલ ક્ષેત્રમાં એકહથ્થુતા નહીં હોવાને કારણે ક્યાંક સસ્તો
માલ મળી જવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ વિદેશી મૂડી રોકાણ આવવાથી દેશમાં રીટેલ
ક્ષેત્રમાંથી આવી સંભાવના હંમેશા માટે ચાલી જશે અને તે 70 કરોડથી વધારે ગરીબ
ધરાવતા દેશ માટે મોટા પડકાર સમાન બાબત બની રહેશે.
રહી વાત વચેટિયાની તો દેશી વચેટિયા દૂર થઈ
અને વિદેશી કંપનીઓ વતી કામ કરનારા દેશી-વિદેશી વચેટિયાઓ સ્થાનબદલી કરશે. તેનાથી
વચેટિયાની સમસ્યા બદલાશે નહીં, પરંતુ તેના સ્વરૂપમાં વિદેશી કંપનીઓને અનુકૂળ
પરિવર્તન આવશે. આ પરિવર્તન ખેડૂતોના હિતમાં નહીં હોય, પણ વિદેશી કંપનીઓના જ હિતમાં
હશે, કારણ કે વિદેશી કંપનીઓ ભારતમાં ધંધો કરવા માટે આવી રહી છે, કોઈ સેવા માટે
નહીં.
ભારત સરકારે નિર્ણય લેવો હતો, તો વાયદા
બજાર સામે નિર્ણય લેવાની જરૂર હતી. ભારતના ખાદ્યાન્નોના ભાવ આ વાયદા બજારને કારણે
જ ઉંચી સપાટીએ સ્થિર રહ્યા છે. શું સરકારને ખબર નથી કે વાયદા બજાર થકી માત્ર 25-30
મોટા વેપારીઓએ ખાદ્યાન્નોના ભાવ ઉંચી સપાટીએ સ્થિર રાખીને આમ આદમીને પીડા આપવાનું
નક્કી કર્યું છે? જો સરકાર દેશી વેપારીઓ સામે પગલા લઈ શકતી નથી, તો વિદેશી કંપનીઓ
જ્યારે આ પ્રકારની રીતિ-નીતિ અપનાવશે, ત્યારે સરકાર શું કરશે?
વળી દેશના જળ, જમીન અને જંગલો વિદેશીઓના
હાથમાં જાય તેવી નીતિ બનાવવામાં આવશે, તો તેનાથી ઈસ્ટ ઈન્ડિયા કંપની થકી
બ્રિટિશરોના શાસનનો ઈતિહાસ કોઈ અલગ સ્વરૂપ લઈને પુનરાવર્તન પામે તેવી સ્થિતિ પણ
નકારી શકાય તેમ નથી. વિદેશી મૂડી રોકાણને દેશમાં મંજૂરી આપવાનો સીધો અર્થ એવો થાય
છે કે દેશનું અર્થતંત્ર દેશી હાથમાંથી લઈને વિદેશીઓને સોંપી દેવું. આવી સ્થિતિમાં
ભારતનું મહાશક્તિ બનવાનું સપનું પણ ચકનાચુર થઈ શકે છે, કારણ કે વિદેશી મૂડી રોકાણ
એવા દેશોમાંથી થવાનું છે કે જેવો અત્યારે મહાશક્તિ છે જ અને કોઈ મહાશક્તિશાળી દેશ
અન્ય કોઈ દેશને પોતાની સમકક્ષ આવવા દે નહીં તે પણ તેટલું જ સ્વાભાવિક છે.
રીટેલમાં એફડીઆઈની તરફેણ હંમેશા ભારતમાં
સત્તામાં આવનાર પક્ષે કરી છે, જ્યારે તેનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. ભાજપ પણ
અત્યારે રીટેલમાં એફડીઆઈનો વિરોધ કરી રહી છે, કારણ કે તે કેન્દ્રમાં સત્તાસ્થાને
નથી. 2002માં અટલ બિહારી વાજપેયીની સરકારે પણ રીટેલમાં એફડીઆઈને પ્રસ્તિવાત કરી
હતી, ત્યારે ડાબેરીઓ અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતા અને તેમણે આ પ્રસ્તાવનો વિરોધ
કર્યો હતો. કોંગ્રેસના લોકસભાના મુખ્ય સંચેતકે ત્યારે સંસદમાં એફડીઆઈને રાષ્ટ્ર
માટે ઘાતક ગણાવી હતી. 2004માં જ્યારે ભાજપ દેશમાં ફીલગુડ કરી રહ્યું હતું, ત્યારે
ભાજપના વિઝન ડોક્યુમેન્ટમાં રીટેલમાં એફડીઆઈ હતી. ભાજપ સત્તા ગુમાવી બેઠો અને
રીટેલમાં એફડીઆઈનો વિરોધી બની ગયો.
ત્યારે આ તપાસનો વિષય બને
છે કે સત્તામાં આવનાર દરેક પક્ષ રીટેલમાં એફડીઆઈની તરફેણ શા માટે કરે છે? વળી લોકો માટે
તપાસનો વિષય એ પણ બને છેકે સંસદ, વિપક્ષ, સાથીપક્ષોને પડકારીને મનમોહન સિંહમાં
રીટેલમાં એફડીઆઈ લાગુ કરવાની હિંમત ક્યાંથી આવી? ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહે
નાણાંમંત્રી તરીકે 1991-92માં દેશને દેવાળિયો બતાવીને વર્લ્ડબેંકની
મલ્ટીનેશનલ્સોને ભારતમાં ઘૂસાડીને કથિત ઉદારીકરણ કર્યું હતું. વર્લ્ડબેંક સહીતની
વૈશ્વિક આર્થિક સંસ્થાઓમાં કામ કરનારા અમેરિકા તરફી હોવાની ખ્યાતિ પ્રાપ્ત
બ્યૂરોક્રેટ મનમોહન સિંહે સંસદમાં નોટ દેખાડીને અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરી
અને હવે એમએનસી (મલ્ટી નેશનલ્સ કોર્પોરેટ)ના રીટેલ માફિયાઓને ભારત લૂંટવાનું
લાઈસન્સ પણ આર્થિક સુધારાના નામે આપી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો