લેબલ રીટેલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રીટેલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

એફડીઆઈથી રીટેલ ક્ષેત્રમાં મનમોહની સંકટના વાદળ!


-          આનંદ શુક્લ
મોંઘવારી વધારવામાં માહેર મનમોહન સરકાર ભારતના નહીં, પરંતુ અમેરિકા અને અન્ય શક્તિશાળી દેશોના દબાણમાં તેમના હિતના નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં રાંધણગેસમાં રેશનિંગ અને ડીઝલમાં પાંચ રૂપિયા જેટલો કમરતોડ વધારો કરીને સરકારે આમ આદમીનો રોષ ભડકાવ્યો છે. પણ તેની સાથે જ સરકારે વિદેશી મૂડી રોકાણ માટે દેશના દરવાજા મોકળા કર્યા છે. કેન્દ્ર સરકારે રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ, ઊર્જા અને પ્રસારણ ક્ષેત્રમાં પણ એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. રીટેલ, એવિએશન, ઊર્જા અને પ્રસારણ ક્ષેત્રમાં ભારતની મનમોહન સરકાર દ્વારા વિદેશી મૂડી રોકાણને આપવામાં આવેલી મંજૂરી સામે દેશમાં વિરોધનો વંટોળ ઉઠયો છે.

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રીટેલમાં એફડીઆઈને મુદ્દે કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને ટેકો પાછો ખેંચ્યો છે. ભાજપ, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પણ રીટેલમાં એફડીઆઈનો અલગ-અલગ સૂરોમાં વિરોધ કર્યો છે. યુપીએ સરકારના સહયોગી પક્ષ ડીએમકેએ પણ 20મી સપ્ટેમ્બરના રોજ વિરોધ પક્ષો દ્વારા ડીઝલના ભાવવધારા અને એફડીઆઈ મુદ્દે આપવામાં આવેલા બંધમાં સામેલ થવાની તૈયારી બતાવી છે. વડાપ્રધાન મનમોહન સિંહના આર્થિક સુધારા સરકારની અંદર અને બહાર કોઈને પચી રહ્યા નથી. પરંતુ મનમોહનસિંહની ટીકા કરનારા અમેરિકી અખબારોમાં એફડીઆઈને મંજૂરીના યુપીએ સરકારના નિર્ણયની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના આ નિર્ણયથી ભારતના હિત જોખમાય તેવી પુરેપુરી શક્યતા છે અને તેનો સીધો ફાયદો અમેરિકા જેવા વિદેશી દેશો ઉઠાવશે તે પણ તેટલું જ નક્કી છે.

સરકારે રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ માટે તર્ક આપ્યો છે કે આ કારોબારનો વિકાસ દર બેહદ ધીમો છે, માટે તેમાં રોકાણથી આ બજારની મર્યાદા વધશે અને નવા રોજગારના અવસરો પણ પેદા થશે. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત થશે. સરકારનો તર્ક એ પણ છે કે વિદેશી વેપારીઓના આમા હસ્તક્ષેપથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ જશે અને ખેડૂતોને પોતાના પાકની સારી કિંમતો મળશે.
ઉપભોક્તાઓને પણ વ્યાજબી ભાવથી સામાન ઉપલબ્ધ થશે. પરંતુ આ દલીલો માત્ર બહાના છે. દેશના કર્તાધર્તા, નીતિનિર્માતા, ભવિષ્યના નિયંતાઓ હાલ નફાખોરો, વચેટિયાઓ, દલાલો અને અમેરિકી મૂડીપતિઓના દબાણમાં છે. એફડીઆઈની નીતિ લાગુ કરવી આ દબાણનું પરિણામ માત્ર છે. વોલમાર્ટ જેવી કંપનીઓ પોતાના પક્ષમાં નીતિ બનાવવા માટે આક્રમક લોબિંગ કરી રહી છે. રીટેલ માટે વોલમાર્ટે અત્યાર સુધીમાં 650 કરોડ રૂપિયા લોબિંગ પેટે ખર્ચ કર્યા છે. એફડીઆઈ દેશના 4.40 કરોડ રીટેલ વેપારીઓ, 17 કરોડ ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રમાં રહેનારા 60 ટકા લોકોને તબાહ કરનારી નીતિ છે. માત્ર વિદેશી મૂડી ભંડાર વધારવા માટે વિદેશી કંપનીઓને પોતાને ત્યાં બોલાવી દેશને મહાન બનાવી શકાય નહીં. સરકાર દાવો કરે છે કે એફડીઆઈથી 30 ટકા લઘુ ઉદ્યોગોને ફાયદો થશે, એક કરોડ લોકોને રોજગાર મળશે, મોંઘવારી ઓછી થશે, ખેડૂતોને ફાયદો થશે, ખેડૂતો વચ્ચેથી વચેટિયાઓ ગાયબ થઈ જશે.

પરંતુ હકીકત એ છે કે વિદેશી મૂડી રોકાણના ફાયદા ગણાવતી સરકારે આ રોજગાર વિરોધી નિર્ણય વિદેશી કંપનીઓ, વિશ્વ વ્યાપાર સંગઠન અને જી-20 દેશોના જબરદસ્ત દબાણને કારણે લેવો પડયો છે. વોલમાર્ટ, કેયરફોર, મેટ્રો-એજી, ટેસ્કો અને જોઈન્ટ જેવી વિદેશી કંપનીઓના સૂરમાં સૂર ભારતીય કંપની ભારતી અને એરટેલે પણ મિલાવ્યો છે. સરકારને આ કારોબારીઓએ આગામી પાંચ વર્ષમાં 100 અબજ ડોલરના રોકાણનો ભરોસો આપ્યો છે.

પરંતુ તેમ છતા વિદેશી રોકાણથી ભારતમાં ઉભી થયેલી સમસ્યાઓ દૂર થઈ જશે તેમ માનવું ભૂલ ભરેલું રહેશે. વૈશ્વિક સ્તરે કૃષિક્ષેત્રે કેટલાંક નિર્ણયો ડંકેલ પ્રસ્તાવ થકી થયા, ડંકેલ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી કૃષિપ્રધાન દેશ તરીકેની ભારતની ઓળખ ભૂંસાવા લાગી. ડંકેલ પ્રસ્તાવના સ્વીકાર્યા પહેલા દેશમાં 80 ટકાથી વધારે લોકો ખેતી પર નભતા હતા. પરંતુ અત્યારે આ આંકડો 65 ટકાની આસપાસ સ્થિર થયો છે. ખેતપેદાશોમાં કમી અને ભાવ લેવામાં ખેડૂતોને માર પડી રહ્યો છે. તેને કારણે દેશમાં ખેડૂત આત્મહત્યાના માર્ગે આગળ વધી રહ્યો છે અને ખેતીનું ધનોતપનોત નીકળી રહ્યું છે. કૃષિક્ષેત્ર સંદર્ભેના વૈશ્વિક કરારો સ્વીકારતી વખતે અને તેને લાગુ કરતી વખતે તત્કાલિન નરસિંહરાવની સરકારે ભારતના કૃષિક્ષેત્રનો સારો વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ આજે ખેડૂતોને ઋણમુક્તિની રાહતના પેકેજો જાહેર કરવા પડે છે અને છતાં ખેડૂતોની આત્મહત્યા અટકતી નથી.


કહેવામાં આવી રહ્યું છે કે રીટેલમાં એફડીઆઈના નિર્ણયથી નાના કારોબારીઓને ભારે નુકસાન થશે અને તેમની આજીવિકા પર સંકટ આવી જશે. દેશમાં રીટેલ કારોબારથી લગભગ પાંચ કરોડ લોકો જોડાયેલા છે અને અપ્રત્યક્ષ રીતે 20 કરોડ લોકોનું તેનાથી જીવનયાપન થઈ રહ્યું છે.

સચ્ચાઈ એ છે કે ભારતમાં 51 ટકા લોકો સરકારી મદદ વગર સ્વરોજગારના સહારે જીવન વિતાવી રહ્યા છે અને લગભગ 30 ટકા લોકો મજૂરી જેવા નાના-મોટા કામ કરીને આજીવિકા કમાય છે. માત્ર 20 ટકા ભારતીય જ સુસ્થાપિત માળખાગત ઉદ્યમ અને નોકરી સાથે જોડાઈને સારી આજીવિકા કમાવવા માટે સમર્થ છે.

રીટેલ ક્ષેત્ર દેશમાં કૃષિ બાદ સરકારી મદદ વગર સૌથી વધારે રોજગારી પેદા કરતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં એફડીઆઈને મંજૂરીનો અર્થ થાય છે કે રોજગારી પેદા કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ દેશના લોકોના હાથમાંથી વિદેશીઓના હાથમાં જતું રહેશે. અત્યારના અંદાજ પ્રમાણે, આનાથી 1 કરોડ રોજગાર પેદા થવાની શક્યતા દર્શાવાય છે. પરંતુ રીટેલ ક્ષેત્રમાં પહેલેથી પાંચ કરોડ લોકો પ્રત્યક્ષ રોજગારી મેળવી જ રહ્યા છે. આનો સીધો અર્થ છે કે વિદેશી મૂડી રોકાણ બાદ માત્ર એક કરોડ રોજગારી ઉભી થવાની હોય, તો બાકીની ચાર કરોડ રોજગારીનો ઘટાડો થવાની પુરેપુરી શક્યતા છે.

ભારતમાં રીટેલ કારોબાર ત્યારે 450 અબજ ડોલરનો છે. જીડીપીમાં તેની ભાગીદારી લગભગ 14 ટકા છે. વર્ષ 2015 સુધીમાં તે 785 અબજ ડોલરનો થવાની આશા વ્યક્ત કરવામાં આવે છે. આ રીટેલ ક્ષેત્રમાં 95 ટકા હિસ્સેદારી નાના કારોબારી અને દુકાનદારોની છે અને બાકીના પાંચ ટકા સંગઠિત કારોબારના છે. પરંતુ વિદેશી મૂડી રોકાણથી 450 અબજ ડોલરનો હાલનો ધંધો ભારતમાં જ રહે તેવી કોઈ વ્યવસ્થા સરકારે કરી નથી. આ ધંધાની મલાઈ વિદેશી મૂડી રોકાણકારો પોતાના દેશ લઈ જશે અને તેની ભારતના વિકાસમાં કોઈપણ ભૂમિકા નહીં હોય. રીટેલ કારોબાર 20 ટકાના દરથી વધે છે, પરંતુ તેનાથી રોજગાર ઘણાં મોટા પ્રમાણમાં પેદા થઈ રહ્યા છે તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.


વળી રીટેલમાં એફડીઆઈમાં વોલમાર્ટ જેવી કંપનીઓ શરૂઆતના તબક્કામાં પોતાના ભાવ બજાર કરતા નીચા રાખે છે અને એક વખત તેમના બજારના પ્રતિસ્પર્ધીઓ ખતમ થઈ જાય છે, તો તેઓ તેના પર એકહથ્થુ નિયંત્રણો સ્થાપી દે છે. ત્યારે વિચારવાનું એ છે કે આવી સ્થિતિ ખેડૂતો, ગ્રાહકો માટે કેટલી આવકારદાયક રહેશે અને મોંઘવારી વધશે કે ઘટશે?

ભારતમાં સંગઠિત રીટેલ કારોબારમાં હાલ ફ્યૂચર ગ્રુપ, ટાટા સમૂહ, રહેજા સમૂહ, આરપીજી સમૂહ અને રિલાયન્સ જેવી દિગ્ગજ રીટેલ કંપનીઓ છે. આમા વિદેશી મૂડી રોકાણને મંજૂરી બાદ તેમનો સીધો મુકાબલો દુનિયાની નામી રીટેલ કંપનીઓ વોલમાર્ટ, કેરફોર, મેટ્રો એજી અને ટેસ્કો સાથે થશે. પરંતુ તેની સાથે વોલમાર્ટ જેવી કંપનીઓનો ધંધો કેટલાંક દેશોની કુલ જીડીપી જેટલો થાય છે. ત્યારે આવા મોટા ખેલાડીઓ દેશી રીટેલ કંપનીઓને ગળી જાય તેવી પુરેપુરી શક્યતા છે અને જો દેશી રીટેલ કંપનીની કોઈ વિસાત ન હોય તો નાના દુકાનદારો તો એમ જ નવરા થઈ જશે.

ભારતમાં કરિયાણાનો દુકાનદાર માત્ર ધંધાદારી તરીકે જ વર્તતો નથી, તેની સાથે સામાજિક સ્તરે લોકો થકી સંબંધો પણ પેદા થાય છે. આવા દુકાનદારો ગામડાંઓમાં અને થોડેઘણે અંશે શહેરોમાં ઘણાં પરિવારોની નજીક હોય છે. આજે દેશમાં રીટેલ ક્ષેત્રમાં એકહથ્થુતા નહીં હોવાને કારણે ક્યાંક સસ્તો માલ મળી જવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ વિદેશી મૂડી રોકાણ આવવાથી દેશમાં રીટેલ ક્ષેત્રમાંથી આવી સંભાવના હંમેશા માટે ચાલી જશે અને તે 70 કરોડથી વધારે ગરીબ ધરાવતા દેશ માટે મોટા પડકાર સમાન બાબત બની રહેશે.

રહી વાત વચેટિયાની તો દેશી વચેટિયા દૂર થઈ અને વિદેશી કંપનીઓ વતી કામ કરનારા દેશી-વિદેશી વચેટિયાઓ સ્થાનબદલી કરશે. તેનાથી વચેટિયાની સમસ્યા બદલાશે નહીં, પરંતુ તેના સ્વરૂપમાં વિદેશી કંપનીઓને અનુકૂળ પરિવર્તન આવશે. આ પરિવર્તન ખેડૂતોના હિતમાં નહીં હોય, પણ વિદેશી કંપનીઓના જ હિતમાં હશે, કારણ કે વિદેશી કંપનીઓ ભારતમાં ધંધો કરવા માટે આવી રહી છે, કોઈ સેવા માટે નહીં.

ભારત સરકારે નિર્ણય લેવો હતો, તો વાયદા બજાર સામે નિર્ણય લેવાની જરૂર હતી. ભારતના ખાદ્યાન્નોના ભાવ આ વાયદા બજારને કારણે જ ઉંચી સપાટીએ સ્થિર રહ્યા છે. શું સરકારને ખબર નથી કે વાયદા બજાર થકી માત્ર 25-30 મોટા વેપારીઓએ ખાદ્યાન્નોના ભાવ ઉંચી સપાટીએ સ્થિર રાખીને આમ આદમીને પીડા આપવાનું નક્કી કર્યું છે? જો સરકાર દેશી વેપારીઓ સામે પગલા લઈ શકતી નથી, તો વિદેશી કંપનીઓ જ્યારે આ પ્રકારની રીતિ-નીતિ અપનાવશે, ત્યારે સરકાર શું કરશે?

વળી દેશના જળ, જમીન અને જંગલો વિદેશીઓના હાથમાં જાય તેવી નીતિ બનાવવામાં આવશે, તો તેનાથી ઈસ્ટ ઈન્ડિયા કંપની થકી બ્રિટિશરોના શાસનનો ઈતિહાસ કોઈ અલગ સ્વરૂપ લઈને પુનરાવર્તન પામે તેવી સ્થિતિ પણ નકારી શકાય તેમ નથી. વિદેશી મૂડી રોકાણને દેશમાં મંજૂરી આપવાનો સીધો અર્થ એવો થાય છે કે દેશનું અર્થતંત્ર દેશી હાથમાંથી લઈને વિદેશીઓને સોંપી દેવું. આવી સ્થિતિમાં ભારતનું મહાશક્તિ બનવાનું સપનું પણ ચકનાચુર થઈ શકે છે, કારણ કે વિદેશી મૂડી રોકાણ એવા દેશોમાંથી થવાનું છે કે જેવો અત્યારે મહાશક્તિ છે જ અને કોઈ મહાશક્તિશાળી દેશ અન્ય કોઈ દેશને પોતાની સમકક્ષ આવવા દે નહીં તે પણ તેટલું જ સ્વાભાવિક છે.

રીટેલમાં એફડીઆઈની તરફેણ હંમેશા ભારતમાં સત્તામાં આવનાર પક્ષે કરી છે, જ્યારે તેનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. ભાજપ પણ અત્યારે રીટેલમાં એફડીઆઈનો વિરોધ કરી રહી છે, કારણ કે તે કેન્દ્રમાં સત્તાસ્થાને નથી. 2002માં અટલ બિહારી વાજપેયીની સરકારે પણ રીટેલમાં એફડીઆઈને પ્રસ્તિવાત કરી હતી, ત્યારે ડાબેરીઓ અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતા અને તેમણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના લોકસભાના મુખ્ય સંચેતકે ત્યારે સંસદમાં એફડીઆઈને રાષ્ટ્ર માટે ઘાતક ગણાવી હતી. 2004માં જ્યારે ભાજપ દેશમાં ફીલગુડ કરી રહ્યું હતું, ત્યારે ભાજપના વિઝન ડોક્યુમેન્ટમાં રીટેલમાં એફડીઆઈ હતી. ભાજપ સત્તા ગુમાવી બેઠો અને રીટેલમાં એફડીઆઈનો વિરોધી બની ગયો.

ત્યારે આ તપાસનો વિષય બને છે કે સત્તામાં આવનાર દરેક પક્ષ રીટેલમાં એફડીઆઈની તરફેણ શા માટે કરે છે? વળી લોકો માટે તપાસનો વિષય એ પણ બને છેકે સંસદ, વિપક્ષ, સાથીપક્ષોને પડકારીને મનમોહન સિંહમાં રીટેલમાં એફડીઆઈ લાગુ કરવાની હિંમત ક્યાંથી આવી? ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહે નાણાંમંત્રી તરીકે 1991-92માં દેશને દેવાળિયો બતાવીને વર્લ્ડબેંકની મલ્ટીનેશનલ્સોને ભારતમાં ઘૂસાડીને કથિત ઉદારીકરણ કર્યું હતું. વર્લ્ડબેંક સહીતની વૈશ્વિક આર્થિક સંસ્થાઓમાં કામ કરનારા અમેરિકા તરફી હોવાની ખ્યાતિ પ્રાપ્ત બ્યૂરોક્રેટ મનમોહન સિંહે સંસદમાં નોટ દેખાડીને અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરી અને હવે એમએનસી (મલ્ટી નેશનલ્સ કોર્પોરેટ)ના રીટેલ માફિયાઓને ભારત લૂંટવાનું લાઈસન્સ પણ આર્થિક સુધારાના નામે આપી રહ્યા છે.  

રવિવાર, 27 નવેમ્બર, 2011

25 કરોડ લોકોના રોજગાર પર સંકટની કાળીછાયા


-ક્રાંતિવિચાર

મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સરકારે 51 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપી દીધી છે. જ્યારે સિંગલ બ્રાન્ડ રીટેલમાં 100 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જી-20 દેશોના દબાણમાં લેવામાં આવ્યો છે. ભારતીય રીટેલ બજારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે જી-20 દેશો વડાપ્રધાન મનમોહન સિંહને બેઠકોમાં બોલાવી આનું દર વખતે દબાણ કરતાં હતા. જી-20 સમૂહના દેશોમાં રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ મૂડી રોકાણને ખુલ્લી છૂટ આપવાનો કરાર પહેલા જ થઈ રહ્યો છે. એટલે કે દેશની નીતિનું નિર્ધારણ જી-20 સમૂહની બેઠકમાં મનમોહન પર દબાણ કરીને લેવડાવી દેવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં તેની માત્ર કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી અપાવીને જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશિદે સંસદ બહાર કહ્યુ હતું કે રીટેલમાં એફડીઆઈનો મુદ્દો નીતિ વિષયક છે, તેની સંસદમાં ચર્ચાની જરૂર નથી. વળી જે રાજ્યો રીટેલમાં એફડીઆઈને મંજૂરી આપવા ન ચાહે તેઓ તેમ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ યુપીએ સરકારના ઘટક દળના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકારની અંદરથી નારાજગીના સૂર વ્યક્ત કર્યા. તેની સાથે ડાબેરી મોરચો, ભાજપ, બીએસપી અને અન્ય તમામ રાજકીય પક્ષોએ રીટેલમાં એફડીઆઈને મંજૂરી સામે વિરોધના સૂર વ્યક્ત કર્યા.

ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે વોલમાર્ટના સ્ટોર ભારતમાં ખુલશે, તો તેને તેઓ ખુદ આગ લગાડશે અને તેના માટે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે તેઓ જ્યાં સુધી સત્તા પર છે, ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં વિદેશી મલ્ટીબ્રાન્ડ રીટેલને ઘૂસવા દેશે નહીં. તેમણે રીટેલમાં વિદેશી રોકાણની છૂટને દેશને ગુલામ બનાવવાની સાજિશ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રીટેલમાં વિદેશી મૂડી રોકાણ રાહુલ ગાંધીના વિદેશી મિત્રોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જો કે માઝા મૂકતી મોંઘવારી કાબુમાં આવી જશે તેવા ઠાલા વાયદા કરતી સરકારને આશા છે કે રીટેલમાં એફડીઆઈની મંજૂરીથી મોંઘવારી છૂમંતર થઈ જશે.

જો કે વિશેષજ્ઞોનું એક જૂથ જણાવે છે કે દેશમાં સુપરમાર્કેટના કલ્ચરથી 1.2 કરોડ નાના દુકાનદારો, 4 કરોડ ફેરિયાઓ અને ઓછામાં ઓછા 20 કરોડ જેટલાં નાના ખેડૂતોની આજીવિકા જોખમમાં મૂકાશે. એટલે કે રીટેલમાં એફડીઆઈ અને સુપરમાર્કેટના આમંત્રણથી દેશના ઓછામાં ઓછા 25થી 26 કરોડ લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. આવી સ્થિતિમાં દેશનું શું દ્રશ્ય હશે, તેનો વિચાર કરીને જ કોઈને પણ કંપકપી થઈ જશે. ભારતીય રીટેલ વેપારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને મંજૂરી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલો નિર્ણય ગણાવવા વેપારી સરકારના એજન્ટ જેવાં મંત્રીઓ ઘણાં કથિત બૈદ્ધિક તર્કો આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી વધારે સુપરમાર્કેટ ધરાવતા અમેરિકાના ખેડૂતો લાભ મેળવવામાં પાછા કેમ પડે છે? અમેરિકાની સરકારે તેમને ભારે ભરખમ સબસિડી કેમ આપવી પડે છે? જ્યારે દુનિયાનું સૌથી મોટું રિટેલર જૂથ વોલમાર્ટ અમેરિકામાં જ છે, તો તેનાથી ત્યાંના ખેડૂતો ખુશહાલ બની જવા જોઈતા હતા. પરંતુ વાર્ષિક 21 લાખ કરોડનો ધંધો કરતી વોલમાર્ટ કંપનીના હોવા છતાં અમેરિકાના ખેડૂતોને ત્યાં સુખનો સૂરજ ઉગી શક્યો નથી. અમેરિકાની સરકારે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે 1995થી 2009ની વચ્ચે 12.5 લાખ કરોડ ડોલરની ભારે ભરખમ સબસિડી આપી છે. તેમ છતાં અમેરિકાનો ખેડૂત ખેતીવાડી છોડવા માટે મજબૂર બન્યો છે અને ગરીબી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે 28 કરોડની વસ્તીવાળા અમેરિકામાં ખેડૂતોની સંખ્યા 7 લાખથી પણ ઓછી થઈ ગઈ છે અને વર્ષ 2000 બાદની વસ્તીગણતરીમાં ખેડૂતોની અલગથી ગણતરી કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકા જ નહીં, દુનિયાના ઘણાં દેશોમાં મોટા રીટેલરોની ઓછી કિંમતોને કારણે ખેતી ખરાબ થઈ છે અને સાથે સ્થાનિક નાના રીટલરોનો કચ્ચરઘાણ નીકળ્યો છે. યૂરોપમાં મોટા રીટેલરોના બજારમાં છવાયા બાદ દર મિનિટે એક ખેડૂત ખેતીથી અળગો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, ફ્રાંસમાં 2009માં ખેડૂતોની આવક 39 ટકા ઘટી છે. આ પહેલા 2008માં ફ્રાંસમાં ખેડૂતોની આવકમાં 20 ટકાનો ઘટાડો થઈ ચુક્યો હતો. સ્કોટલેન્ડમાં મોટી સંખ્યામાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો પોતાનો ધંધો છોડી રહ્યા છે. આ બધાંનું કારણ સુપરમાર્કેટની ઓછી કિંમતોને ગણાવાય રહ્યું છે. ઉરુગ્વે, આર્જેન્ટિન અને કોલંબિયા જેવાં લેટિન અમેરિકી દેશોમાં પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ચલાવાય રહેલી સુપરમાર્કેટોથી ખેડૂતોની હાલત ખરાબ છે. આવી પરિસ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ભારતીય કૃષિની કાયાકલ્પ કરી નાખશે. પરંતુ આ વાત અહીંના ખેડૂતો અને નાના રીટેલરો સાથે જ છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર દેશ માટે વિશ્વાસઘાત છે.
ઉલ્લેખનીય છે કે ઉદારીકરણના તબક્કાની શરૂઆતથી દેશમાં ચાલેલી આર્થિક નીતિઓને કારણે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં ખેતી પર નભતી વસ્તી 80 ટકામાંથી ઘટીને 65 ટકાની આસપાસ પહોંચી ગઈ છે. કદાચ એક દશકા બાદ ભારતને કૃષિ પ્રધાન કહેવો કે નહીં તે પણ સવાલ ઉભો થશે. દેશમાં છેલ્લા દશ વર્ષમાં 12 લાખ જેટલાં ખેડૂતોએ ખેતીમાં ઉભી થતી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. આ સિલસિલો વત્તાઓછા પ્રમાણમાં ભારતના વિવિધ રાજ્યોમાં ચાલુ છે. ત્યારે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ ખેડૂતોની આત્મહત્યામાં વધારો નહીં કરે? પણ અમેરિકાના ઈશારે જી-20 દેશોના દબાણ નીચે નિર્ણયો કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ આ બાબતે વધારે વિચારતા હોય તેવું હજી સુધી લાગ્યું નથી. જો કે મમતા બેનર્જીના દબાણ નીચે યુપીએ સરકાર સંસદમાં રીટેલમાં એફડીઆઈનો મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઈ છે, તેટલો તેમનો પાડ માની શકાય.

કહેવામાં આવે છે કે સરકારે રીટેલ વેપારીઓના હિતને સંરક્ષણ આપવા માટે કેટલીક શરતો લગાવી છે. જેમકે કંપનીઓ મોટા શહેરોની આસપાસ જ કારોબાર કરશે અને 30 ટકા સામાન નાના ઉત્પાદકો પાસેથી ખરીદશે. પરંતુ અનુભવ એવો જ રહ્યો છે કે આ કંપનીઓને બોલાવતી વખતે કંઈક શરતો લગાવાય છે અને જ્યારે તેના વિસ્તરણ કરવાની વાત આવે છે, ત્યારે બીજી શરતો લગાવી દેવાય છે. પહેલા 30 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાની વાત થઈ રહી હતી. પરંતુ હવે આવી શરત લગાવવામાં આવી નથી.

સરકાર દાવો કરી રહી છે કે કંપનીઓ કૃષિ ઉત્પાદનોના સંસ્કરણ અને કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલાના માળખા પર મોટી રકમનું રોકાણ કરશે. બીજી તરફ સુપરમાર્કેટ તરફથી દાવો થઈ રહ્યો છે કે તેમને ત્યાં વચેટિયાં નહીં હોય, તેનાથી ખેડૂતોને વધારે ભાવ મળશે. પરંતુ હકીકતમાં તેનાથી ઉલ્ટું જ છે. સુપરમાર્કેટ ખુદ એક બહુ મોટા વચેટિયા કે દલાલની ભૂમિકામાં છે. તેઓ આ ધંધાની નાની માછલીઓને ગળી જાય છે. ધોતી-કુરતાવાળા પરંપરાગત શેઠિયાઓની જગ્યા સુપરમાર્કેટના ટાઈ-બેલ્ટવાળા દલાલો આવી જશે. તેમાંથી કેટલાંક મોટા વચેટિયા કમીશન પણ લેવા લાગ્યા છે. રિટેલરોના વચેટિયાઓના જૂથમાં ગુણવત્તા નિયંત્રક, સર્ટિફિકેશન એજન્સી, પેકેજિંગ ઉદ્યોગ, સંસ્કરણ ઉદ્યોગ અને હોલસેલ વિક્રેતાઓ સામેલ છે. આ નવા વચેટિયાઓને કારણે ખેડૂતોની આવક ઘટી જશે અને સુપરમાર્કેટનો નફો આસમાને પહોંચશે. તેના પરિણામે શક્યતા એવી છે કે ખેડૂતોનું નિકંદન નીકળશે અને તેમની આત્મહત્યાનો સિલસિલો થોભવાને સ્થાન વધશે. વળી મોંઘવારીથી ત્રસ્ત આમ આદમીને પણ કોઈ રાહત થશે નહીં, કારણ કે નફો સુપરમાર્કેટના ખિસ્સામાં જવાનો છે અને આમ આદમીને મોઢું વકાસીને જી-20 દેશો દ્વારા અમેરિકાની પ્રેરણાથી ભારતમાં લાગુ થનારી વ્યવસ્થાને જોયા સિવાય અને તેનો ભાગ બન્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં.

અમેરિકાના જુદાજુદા રાજ્યોમાં વોલમાર્ટના ફેલાવાને કારણે ગરીબી પર પડનારા અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ‘વોલમાર્ટ અને ગરીબી’ વિષય પર અમેરિકાની પેનસિલવેલનિયા યૂનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વિભાગના સ્ટીફન જે. ગોએત્જ અને હેમા સ્વામીનાથને 2004માં સંશોધન કર્યું છે. આ સંશોધન અભ્યાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે 1987માં જે અમેરિકી રાજ્યોમાં વોલમાર્ટના વધારે સ્ટોર હતા, ત્યાં 1999માં ગરીબીનો દર એ રાજ્યોની સરખામણીએ વધારે હતો, જ્યાં વોલમાર્ટના સ્ટોર ઓછા હતા. જે જિલ્લમાં 1987થી 1998ની વચ્ચે વોલમાર્ટના સ્ટોર ખુલ્યા છે, તે રાજ્યોમાં પણ ગરીબીનો દર વધારે રહ્યો હતો. અભ્યાસ પરથી એમ પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે આ ક્ષેત્રોમાં ગરીબી એ વખતે વધી, જ્યારે અમેરિકાના અન્ય ભાગોમાં ગરીબી ઘટી રહી હતી. વોલમાર્ટ જેવી વિદેશી રીટેલ કંપનીઓથી ભારતના રીટેલરોને પરસેવો છૂટી રહ્યો છે. કારણ કે વોલમાર્ટ સ્ટોર્સ કોર્પોરેશન દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની છે. તેનો વાર્ષિક કારોબાર 21 લાખ કરોડ રૂપિયા છે. તે દુનિયામાં ખાણીપીણીના સામાનનું સૌથી વધારે વેચાણ કરનારી કંપની છે. દુનિયાના 15થી વધારે દેશોમાં વોલમાર્ટના સાડા આઠ હજાર જેટલાં સ્ટોર્સ છે અને તેમાં લગભગ 21 લાખ લોકો કામ કરે છે. 2010માં વોલમાર્ટમાં 770 કરોડ લોકોએ ખરીદી કરી હતી, જ્યારે દુનિયાની કુલ વસ્તી 700 કરોડથી વધારે છે. વોલમાર્ટનો વાર્ષિક કારોબાર વિશ્વની 23મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર થવા જાય છે. મનમોહન સરકારની મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકાની એફડીઆઈથી ભારતમાં વોલમાર્ટ જેવાં ઘણાં વાવાઝોડાં આવે તેવી શક્યતા છે. તેમાં ભારતના ખેડૂતો અને રીટેલરોનું શું થશે તે સંદર્ભે ઈશ્વર જ માલિક છે હવે!

ખેતીની સાથે રોજગારની સ્થિતિ પણ ભયાનક રહી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્કોએ 11 હજાર અને સેન્સબરીએ 13 હજાર રોજગાર ઉભા કરવાનો વાયદો કર્યો હતો. બે વર્ષ બાદ ખબર પડી કે આ કંપનીઓએ કેટલાંક સો લોકોને રોજગાર આપ્યો છે. જ્યારે તેમના કારણે ઈંગ્લેન્ડમાં ઘણાં વધારે લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. વિશ્વના સૌથી વધારે ગરીબ ધરાવતાં ભારતમાં નાની ફેરી કરીને આજીવિકા કમાનારા 4 કરોડથી વધારે લોકો છે. તેમનું ભવિષ્ય આનાથી અંધકારમય બની જશે. દેશમાં કુલ 25 કરોડ લોકોના રોજગારને સુપરમાર્કેટોથી સીધી અસર પહોંચે તેવી સંભાવના રહેલી છે.
હકીકતમાં દેશમાં અત્યારે જરૂરત છે કે દેશભરમાં મંડીઓની સ્થાપનામાં સરકારી ખર્ચ વધારવામાં આવે, સરકારી ખરીદીના માધ્યમથી ખેડૂતોને બહેતર મૂલ્ય નિર્ધારણ કરવામાં આવે અને પાકના ભંડારણ અને વિતરણ માટે મજબૂત તંત્ર ઉભું કરવામાં આવે. પરંતુ અમેરિકા અને જી-20 દેશોની આંગળીએ નાચ નાચતા અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહના મનમોહનોમિક્સમાં આવી કોઈ જોગવાઈ હવે રહી નહીં હોય!