-
આનંદ
શુક્લ
મનમોહન સિંહ છેલ્લા આઠ વર્ષમાં પહેલી વખત ઈકોનોમિસ્ટ અને વડાપ્રધાન તરીકે
વર્તતા નજરે પડયા છે. મનમોહનસિંહ માટે મૌનીમોહનસિંહ જેવા વિશેષણો એક કરતા વધારે
વખત વપરાયા છે. પરંતુ પોતાના પહેલા અને બીજા કાર્યકાળ દરમિયાન રાતોરાત મનમોહન
સિંઘમ બની ગયા છે. 1.86 લાખ કરોડના કોલ બ્લોક કૌભાંડમાં લોકસભામાં વિપક્ષના નેતા
સુષ્મા સ્વરાજના “મોટા માલ”વાળા નિવેદનથી વ્યથિત
થયેલા વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પહેલી વખત
પોતાનું મોઢું ખોલ્યું છે. એક અંગ્રેજી અખબારના સમાચાર પ્રમાણે, વડાપ્રધાને કોલ
બ્લોક ફાળવણી મામલે સોનિયા ગાંધીના ખાસમખાસ પોલિટિકલ એડવાઈઝર અહેમદ પટેલને લપેટયા
છે. અખબારના સમાચાર પ્રમાણે, મનમોહનસિંહે પોતાનું મૌન તોડીને સોનિયા ગાંધીને
સ્પષ્ટ જમાવી દીધુ છે કે કોલ બ્લોકની ફાળવણીના નિર્ણય તેમના પોલિટિકલ સેક્રેટરી
અહેમદ પટેલની ભલામણથી કર્યા હતા. આને મનમોહન સિંહનું અત્યાર સુધીનું સૌથી વધારે “બોલ્ડ” રાજકીય પગલું
માનવામાં આવે છે.
બીજી
તરફ 1991-92ના આર્થિક સુધારા વખતે નરસિંહરાવના નેતૃત્વમાં તત્કાલિન નાણાંમંત્રી મનમોહન
સિંહે દેશને આર્થિક ઉદારીકરણની રાહ પર ચલાવનારી નીતિનો પાયો નાખ્યો હતો. જો કે
નાણાંમંત્રી તરીકે મનમોહનસિંહે નરસિંહરાવના નેતૃત્વમાં જેટલા આર્થિક સુધારાના પગલા
લીધા હતા, તેવા અને તેટલા પગલાં પોતાના વડાપ્રધાનકાળમાં લીધા નથી. જેને કારણે
તેમના જ આર્થિક સલાહકારો કહી રહ્યા હતા કે દેશના વિકાસમાં ગઠબંધન અને ભ્રષ્ટાચાર
મોટી અડચણો છે. પરંતુ જઈશું તો લડતા લડતા, તેવા નિર્ધાર સાથે વડાપ્રધાન મનમોહન
સિંહે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ કોલગેટ કાંડની કાળી છાયા વચ્ચે આર્થિક
સુધારાના નામે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસના
સિલિન્ડરમાં રેશનિંગ કરીને રાહત ભાવે એક પરિવારને વર્ષ દરમિયાન માત્ર છ સિલિન્ડર
આપવાનું ઠરાવ્યું. આ પગલું આમ આદમીને પસંદ પડયું નથી, કારણ કે તેનાથી દેશમાં
મોંઘવારી વધવા લાગી છે. ડીઝલના ભાવવધારા સાથે જ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડાંમાં
10થી 15 ટકાનો ધરખમ વધારો કર્યો છે. જેની અસર જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ પર પણ
પડવા લાગશે. ડીઝલના ભાવવધારાની સૌથી વધારે અસર સરકારને પણ થશે, કારણ કે દેશમાં
સૌથી વધારે ડીઝલના વપરાશકાર ભારતીય સેના અને ભારતીય રેલવે છે. બની શકે કે આગામી
બજેટમાં રેલવેના મુસાફર ભાડામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાવવધારો કરવામાં આવે.
વડાપ્રધાન
મનમોહનસિંહ આટલેથી અટક્યા નથી, તેમણે રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી
છે. આ નિર્ણય ગત ડીસેમ્બરમાં તેમની સરકારને તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીના
દબાણમાં શરમજનક રીતે પાછો લેવો પડયો હતો. નિર્ણય પાછો ખેંચતી વખતે કેન્દ્ર સરકારે
કહ્યું હતું કે તેઓ રીટેલમાં એફડીઆઈના નિર્ણયને રદ્દ નહીં, પણ સ્થગિત કરી રહ્યા
છે. તેમણે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને તેને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પરંતુ મમતા બેનર્જીએ આ નિર્ણય પર 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે
આ નિર્ણય લેતી વખતે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે 72 કલાક બાદ ટેકો
પાછો ખેંચવા સુધીના કડક નિર્ણયો થઈ શકે છે, તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે
રેલવે મંત્રી મુકુલ રોયે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જાણ કરી
હોવાનું આધિકારીક સૂત્રોનું માનવું છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો
મુલાયમસિંહ યાદવે પણ રીટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો છે. તેમણે પણ આનો વિરોધ
કરવાનું નક્કી કર્યું છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ 10 ઓક્ટોબર
સુધીનું અલ્ટીમેટમ આપી દીધું છે. ભાજપ અને ડાબેરીઓ પહેલેથી જ રીટેલમાં 51 ટકા
એફડીઆઈ સાથે સૌદ્ધાંતિક રીતે વિરુદ્ધમાં છે.
તેથી
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સરકાર પાસે માત્ર બે વિકલ્પ છે- કાં તો સરકાર રીટેલમાં
એફડીઆઈ અને ડીઝલમાં ભાવવધારાના નિર્ણયને પાછો ખેંચે અથવા તો ન્યૂક્લિયર ડીલની
જીદ્દ વખતે વિશ્વાસ મત લેવાયો હતો તેમ ફરીથી સંસદમાં બહુમતી સાબિત કરે. તૃણમૂલ
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ટેકો પાછો ખેંચે તો પ્રવર્તમાન
યુપીએ સરકારને બહુમતી સાબિત કરવામાં તકલીફ પડે તેવી છે. આવી સ્થિતિમાં દેશમાં
મધ્યસત્ર ચૂંટણીની શક્યતાઓ પણ જાણકારો નકારતા નથી. રાજકીય નિરીક્ષકોના મત પ્રમાણે,
કોલગેટ કાંડમાં ફસાયેલી સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે નામોશી સાથે જવા કરતા ભાવવધારા
અને રીટેલમાં એફડીઆઈ જેવા કથિત આર્થિક સુધારાના મુદ્દે શહીદ થવાનું પસંદ કરે તેવી
શક્યતા વધારે છે. મનમોહન સરકારે આ સિવાય એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેર
ક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના
હાલના નિર્ણયો અમેરિકાના દબાણમાં લેવાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરો પર
છે.
યોજનાપંચના
ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ તાજેતરના આમ આદમીને મારી નાખનારા કથિત આર્થિક
સુધારા સંદર્ભે કહ્યુ છે કે આ દેશની પ્રગતિ માટે જરૂરી હતા. અહીં પાયાનો સવાલ એ છે
કે દેશનો આમ આદમી મરણ પથારીએ પડે, તો તેવી દેશની પ્રગતિને શું કરવાની? દેશની
અર્થવ્યવસ્થામાં સતત ઉછાળો મારતું શેરબજાર અને સોનાબજાર છે, તો બીજી તરફ રૂપિયાનું
સતત ધોવાણ અને સસ્તી થતી મોંઘવારી છે. ભારતની અર્થનીતિમાં કોઈ બીમારી છે, તો અહીં
છે. પરંતુ તેની કોઈ સારવાર કરવામાં આવતી નથી. તાજેતરના કથિત આર્થિક સુધારાથી ફરી
એકવાર શેરબજારમાં ઉછાળો આવ્યો અને રૂપિયામાં બે
પૈસા મજબૂત પણ બન્યો, પરંતુ મોંઘવારીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. ત્યારે
ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહનસિંહના આર્થિક સુધારાનું મનમોહનોમિક્સ પણ શંકાના
દાયરાથી પર નથી. માનવામાં આવે છે કે દેશમાં આર્થિક સુધારા કોર્પોરેટોને વધારે
ફાયદો કરાવે તેવા સાબિત થાય છે, કારણ કે તેને આમ આદમીને ધ્યાનમાં રાખીને નહીં પણ
રેટિંગ એજન્સીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો