-
આનંદ
શુક્લ
ભારતના ગૃહમંત્રી બન્યા
પછી સુશિલકુમાર શિંદે મજાક કરી રહ્યા છે અને આ મજાક કરી રહ્યા છે, જનતાની! પુણેમાં
આયોજિત એક સમારંભમાં તેમણે કહ્યુ કે જેવી રીતે લોકો બોફોર્સ કાંડ ભૂલી ગયા તેવી
રીતે કોલસા કાંડ પણ ભૂલી જશે. આ ટીપ્પણી પછી વિવાદ ઉઠતા શિંદેએ કહ્યુ કે તેઓ તો
મજાક કરી રહ્યા હતા. ભારતના ગૃહમંત્રી જ્યારે 1.86 લાખ કરોડના કોલસા કાંડ સંદર્ભે
જનતાની મજાક કરે, ત્યારે મામલો ઘણો ગંભીર બને છે. કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષોનું
માનવું છે કે જનતાની યાદશક્તિ બેહદ નબળી અને ટૂંકી હોય છે. તેને કારણે જ તેઓ જનતા
સાથે આવી મજાક કરતા હોય છે.
પરંતુ સુશિલકુમાર
શિંદેને યાદ હોવું જોઈએ કે બોફોર્સ કાંડમાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ
ઉછળ્યા પછીની ઘણી ચૂંટણીઓમાં કોંગ્રેસને કેન્દ્રમાં સત્તા માટે તરસવું પડયું છે. જ્યારે
જનતાએ કોંગ્રેસના બદલે જેમને સત્તા આપી, તેઓ પણ મર્યાદા બહાર જતા રહ્યા, ત્યારે
તેમણે વિકલ્પના અભાવમાં કોંગ્રેસને નહીં, પણ કોંગ્રેસના વડપણવાળા મોરચાને સત્તા
સોંપી છે. આ વાત પણ કોંગ્રેસના મજાકિયા નેતાઓએ ભૂલવી જોઈએ નહીં.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ
અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનના સમયમાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી
સંભાળનારા શિંદેની આવી ટીપ્પણી ખરેખર બેજવાબદાર છે. તેનાથી સવાલ ઉભો થાય છે કે શું
તેઓ ભ્રષ્ટાચાર અને ગોટાળાને મહત્વ આપી રહ્યા નથી અથવા તો તેને યોગ્ય ઠેરવી રહ્યા
છે? તેમણે ઉપરોક્ત ટીપ્પણી મરાઠીના ચર્ચિત કવિ નારાયણ સુર્વેની સ્મૃતિમાં આયોજિત
સમારંભમાં કરી, જેમનું આખું સાહિત્ય શહેરી કામદારોના કઠિન જીવન સંઘર્ષ પર કેન્દ્રીત
હતું. ત્યારે પ્રશ્ન એ છે કે શિંદેને સમારંભની ગંભીરતાનો અહેસાસ પણ ન હતો?
ધ્યાન આપવાની વાત એ છે
કે કોલસા કાંડને હસવામાં ઉડાડી દેવાનું નિવેદન લોકસભાના નેતા અને ગૃહમંત્રી
સુશિલકુમાર શિંદેએ ત્યારે આપ્યું છે કે જ્યારે ઈન્ટર મિનિસ્ટ્રરિયલ ગ્રુપે ચાર
કોલસાની ખાણની ફાળવણી રદ્દ કરવાની ભલામણ કરી છે અને આગામી સમયમાં વધુ 6 કોલસા ખાણો
પર પોતાનો અભિપ્રાય આપશે. સુશિલકુમાર શિંદે દ્વારા બેજવાબદારીપૂર્ણ નિવેદન આપવાનો
આ પહેલો મોકો નથી. ગૃહમંત્રી બન્યાના થોડા સમયમાં આસામ હિંસા પરની એક ચર્ચા
દરમિયાન રાજ્યસભામાં અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને પણ તેમની
ફિલ્મી પૃષ્ઠભૂમિને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે જયા બચ્ચનને કહ્યુ કે આસામ હિંસા
ગંભીર મામલો છે, આ કોઈ ફિલ્મી વાત નથી. જો કે ત્યાર બાદ શિંદેને જયા બચ્ચનના વિરોધ
બાદ ગૃહમાં માફી પણ માંગવી પડી હતી. પદ અને મર્યાદાને ધ્યાનમાં રાખીએ તો એક વરિષ્ઠ
મંત્રી પાસેથી આવા આચરણની બિલકુલ અપેક્ષા રાખવામાં આવતી નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો