-
આનંદ શુક્લ
દેશમાં આજે મોંઘવારી સસ્તી છે અને બાકીનું બધું મોંઘું છે. મોંઘવારીનું
વિષચક્ર દેશના આમ આદમી માટે મૃત્યુઘંટ વગાડી રહ્યું છે. ખોટી અર્થનીતિ અને આર્થિક
વિકાસમાં અસંતુલનને પરિણામે વિકાસના ઘણાં ફૂગ્ગા ફૂટી રહ્યા છે. જે વિકાસ દેશના
લોકોનું કલ્યાણ કરવામાં અસમર્થ હોય અને માત્ર કોર્પોરેટો અને સરકારની તિજોરીઓનો
ખ્યાલ રાખતો હોય, તો તેવા વિકાસની ખરેખર કોઈ જરૂરત હોતી નથી. દેશમાં આજે થયેલા
વિકાસમાં ગરીબો અને અમીરો વચ્ચે અસંતુલનની ખાઈ મસમોટી બની છે. અમીરો વધારે જલ્સા
કરી રહ્યા છે, જ્યારે ગરીબો વધારે દુભર જિંદગી જીવવા માટે સરકાર દ્વારા મજબૂર
બનાવાયા છે.
પેટ્રોલના ભાવવધારાનું દમનચક્ર ચલાવ્યા બાદ વડાપ્રધાન મનમોહન
સિંહની સરકારે દેશમાં એક જ ઝાટકે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને
રાંધણગેસમાં રેશનિંગ કર્યું. હવે વર્ષમાં માત્ર 6 ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે.
ત્યાર બાદ સિલિન્ડર લેવા જનારને 746 રૂપિયા જેટલી મોટી રકમ ચુકવવી પડશે. આ કેન્દ્ર
સરકાર આટલેથી જ અટકી નથી, જનતાવિરોધી નિર્ણયો લેવામાં મશહૂર મનમોહની અર્થનીતિને
પરિણામે રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેરક્ષેત્રની
કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પણ સરકારે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ ઘોષણા
કરી છે.
સરકારના આર્થિક સલાહકારો ઘણાં વખતથી કહેતા આવ્યા છે કે ગઠબંધન
અને ભ્રષ્ટાચાર દેશના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. ગઠબંધનને કારણે કડક આર્થિક
નિર્ણયો લેવાતા નહીં હોવાની વાત પણ મનમોહન સિંહ એકથી વધારે વખત કહી ચુક્યા છે. પરંતુ
એક ડોલરની કિંમત 40 રૂપિયાથી વધીને 58 રૂપિયાની આસપાસ સ્થિર થઈ છે. ત્યારે પ્રશ્ન
એ થાય કે વર્લ્ડક્લાસ ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહન સિંહે રૂપિયાના આટલા અવમૂલ્યન
વખતે કેમ કોઈ સાવધાની રાખી નહીં? અત્યારે દેશમાં વસ્તુઓની આયાત ખૂબ મોંઘી છે અને નિકાસ તેના
પ્રમાણમાં સસ્તી છે. સરકાર ચાહત તો આ સ્થિતિ ટાળી શકી હોત. મોંઘવારી વધારવાના
સ્થાને રૂપિયાને ગબડતો અટકાવી શકી હોત. રૂપિયો ગબડી રહ્યો છે, તે મોંઘવારીનું સૌથી
મોટું તાત્કાલિક કારણ છે.
રૂપિયો ગબડવા માટે માત્ર વૈશ્વિક બજારની પરિસ્થિતિ જ જવાબદાર
નથી, પરંતુ ભારતની ખોરંભે પડેલી અર્થનીતિ પણ કારણ છે. ભારતમાં ખાદ્યાન્નોની કિંમતો
ઉંચી છે, પરંતુ વિદેશ મોકલાતા ખાદ્યાન્નોની કિંમતમાં રૂપિયાના અવમૂલ્યનને કારણે
ખાસ કોઈ વધારો થઈ શક્યો નથી. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે
અને માંગનારને આટો છે!! વિદેશમાં ભારતથી જનારી તમામ વસ્તુઓમાં પરિસ્થિતિ લગભગ આવી જ છે.
પરંતુ બહારથી આવતી ચીજ-વસ્તુઓના ભાવ રૂપિયાના અવમૂલ્યનને કારણે ઘણાં ઉંચા હોય છે. ભારતમાં
મોટા ભાગની પેટ્રોલિયમ પેદાશો વિદેશ ખાસ કરીને ખાડી દેશોથી આયાત કરવામાં આવે છે.
પરંતુ સરકારે હજી સુધી રૂપિયાને ડોલરના મુકાબલે ઉપરની સપાટીએ સ્થિર કરવા માટે કોઈ
જવાબદાર પગલા ભર્યા નથી.
હાલ દેશનો વિકાસ દર 5.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવાય છે. બજેટ
અને વેપારનું નુકસાન તથા ફૂગાવાનો દર એકસાથે વધી રહ્યા છે. ત્યારે સરકાર જણાવી રહી
છે કે વધતી રાજકોષીય ખાદ્ય અને ઓઈલ કંપનીઓના વધતા નુકસાનને નિયંત્રણમાં લેવા માટે
ડીઝલમાં ભાવવધારો અને રાંધણગેસમાં રેશનિંગ જરૂરી છે. આંકડા તપાસવામાં આવે, તો આ એક
સરકારી જૂઠ્ઠાણું છે. સચ્ચાઈ એ છે કે આપણા જીડીપીના 6.9 ટકાના ઉંચા સ્તરે પણ
રાજકોષીય ખાદ્ય લગભગ 5.22 લાખ કરોડ રૂપિયા થશે. પરંતુ ગત નાણાંકીય વર્ષમાં જ તો આ
સરકારે કોર્પોરેટ ખેલાડીઓ અને ધનિકોને 5.28 લાખ કરોડ રૂપિયાની રાહતો આપી છે. આ
સરકાર આમ આદમીને રાહત આપવામાં ખાદ્ય અને નુકસાનની ગણતરી કરે છે, પરંતુ કોર્પોરેટો
અને ધનિકોને રાહતો આપવામાં સૌથી આગળ રહે છે.
યુપીએ-2ની
મનમોહનસિંહની સરકારનું કહેવું છેકે ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ
ભીમકાય ઓઈલ અને પ્રાકૃતિક ગેસ કંપની, ઓએનજીસીએ 2011-12 માટે 25,123 કરોડ રૂપિયાનો
શુદ્ધ નફો કર્યાનું એલાન કર્યું છે. આ પ્રકારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને
2011-12માં 4,265.27 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ ઘોષિત કર્યો હતો. હિંદુસ્તાન
પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પણ નફાની ઘોષણા કરી હતી. રસપ્રદ વાત એ છે કે ગત
નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીએ પોતાના શુદ્ધ નફામાં 312
ટકાનો વધારો દર્શાવ્યો હતો.
આ સાથે
રીટેલ ભારતમાં ઘણું મોટું કારોબારનું સેક્ટર છે. તેમાં ચાર કરોડથી વધારે નાના
કારોબારીઓ પોતાનું પેટિયું રળી રહ્યા છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી ચાર
કરોડથી વધારે નાના ભારતીય કારોબારીઓના કારોબાર પર જોખમ તોળાઈ રહ્યું છે. રીટેલમાં
51 ટકા એફડીઆઈને મંજૂરીથી બેરોજગારી અને ખાદ્યાન્નોમાં ધરખમ ભાવવધારાનું જોખમ પણ
લાંબાગાળે દર્શાવવામાં આવી રહ્યું છે. વોલ માર્ટ જેવા મોટા ખેલાડીઓ ભારતના રીટેલ
કારોબારને ગળી જવા માટે તૈયાર બેઠા છે. આજે રીટેલમાં એફડીઆઈ નહીં હોવાથી હજી પણ
ગામડાઓમાં અથવા નાના શહેરોમાં સસ્તા ભાવે ખાદ્યાન્નો અને અન્ય વસ્તુઓ મળવાની
સંભાવના બાકી રહેલી છે. પરંતુ રીટેલમાં એફડીઆઈ અને મોટા ખેલાડીઓના આવવાથી ભારતમાં
20 લાખથી ઉપરની વસ્તીવાળા 400 શહેરોમાં તેઓ નક્કી કરશે તેટલા મોંઘા ભાવે જ લોકોને
વસ્તુઓ મળશે, નફામાં નાના કારોબારીઓ ધંધો ગુમાવશે તે નક્કી છે.
મનમોહન
સરકારના તાજેતરના નિર્ણયોને ધરખમ આર્થિક સુધારા તરીકે ગણાવવામાં આવે છે. જેનાથી
દુનિયાની રેટિંગ એજન્સીઓમાં ભારતનું રેટિંગ વધવાની આશા દેખાડવામાં આવી રહી છે.
પરંતુ કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારનું દેશના આમ આદમીમાં રેટિંગ એક ઝાટકે ઘટી
ગયું છે. આ કથિત આર્થિક સુધારાથી આમ આદમીને ભારે પીડા પહોંચી રહી છે, ત્યારે તેને
સુધારા કરતા સજા કહેવા વધારે યોગ્ય લેખાશે. 1991-92માં ભારતે પકડેલી આર્થિક
ઉદારીકરણની રાહ ખરેખર દેશના લોકોને ઉંડી ખાઈમાં ધકેલનારી સાબિત થઈ રહી છે. આજે
દેશમાં વિકાસની પેટર્નને પણ તપાસવાનો સમય આવી ગયો છે. અમીરો વધારે અમીર અને ગરીબો
વધારે ગરીબ થઈ રહ્યા છે. રોટલો મોંઘો થઈ રહ્યો છે, બીમારી મોંઘી પડી રહી છે,
શિક્ષણ પહોંચ બહાર થઈ રહ્યું છે, સામાજિક સેવાઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
ત્યારે આમ આદમી પાસે મોઢું વકાસીને બેસવા સિવાય હવે કોઈ વિકલ્પ બચતો નથી. આ મનમોહનોમિક્સ
આમ આદમીની કરપીણ હત્યાનું મોટું કાવતરું છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો