મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2012

ન્યાયની એરણે ન્યાયતંત્ર: હુલ્લડોના આરોપીઓ પ્રત્યે સંવેદનશીલ દ્રષ્ટિકોણ જરૂરી


-          ક્રાંતિવિચાર
ન્યાય થવો અને ન્યાય થયો હોય તેમ લાગવું બેહદ જરૂરી છે. પરંતુ સાથેસાથે ન્યાય થયો હોય તેમ લગાડવા માટે નબળા પુરાવાને આધારે નિર્દોષ હોવાની શક્યતા ધરાવતા લોકોને એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા ફીટ કરી દેવા પણ અન્યાય છે. કોર્ટે પોતાની પાસે ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓના આધારે ન્યાય તોળે છે. પરંતુ ત્યારે તપાસ પ્રક્રિયામાં રહેલી ખામીઓને કારણે સાક્ષીઓ અને પુરાવા ખોટી રીતે ઉભા કરી શકાતા હોવાની વાતને બિલકુલ નજરઅંદાજ કરવામાં આવતી હોય તેવું પણ લાગે છે.

ગુનો થયો, તો સજા થવી જરૂરી છે. પરંતુ કોર્ટે આનાથી આગળ વધીને જે-તે ગુનો કેમ થયો તેના કારણો પર પણ વિચાર કરવો પડશે. ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્યની સમસ્યા બેહદ પુરાણી છે. લગભગ ત્યારની જ્યારથી ભારતમાં ઈસ્લામનું આક્રમણો દ્વારા આગમન થયું. ભારતમાં હિંદુ-મુસ્લિમ વૈમનસ્યની સમસ્યાના પગલે આઝાદી પહેલા અને આઝાદી પછી ઠેરઠેર હુલ્લડો અને મારકાપ થઈ છે. ભાગલા વખતે કુલ 10 લાખ લોકો કોમી હુતાસણમાં માર્યા ગયા હતા.

કહેવામાં આવે છે કે આઝાદ ભારતમાં 70ના દાયકામાં મધ્ય પ્રદેશના જબલપુર ખાતે પહેલા કોમી તોફાનો થયા હતા. ત્યાર પછી ભારતમાં કોમી અથડામણની અસંખ્ય ઘટનાઓ બની છે. દેશના સત્તાકારણમાં જબલપુરના હુલ્લડો બાદ હુલ્લડોથી રાજકીય લાભ ખાંટી શકતો હોવાની વાત રાજકારણીઓના માનસપટલ પર ધીમેધીમે સ્પષ્ટ થવા લાગી. હુલ્લડોની રાજનીતિથી દેશનું ખુરશીકારણ વધારે મજબૂતી પામવા લાગ્યું. હુલ્લડો કરાવવામાં રાજકીય ઉદેશ્યો પણ ભળવા લાગ્યા.

પરંતુ આના સંદર્ભે કોઈ ચોક્કસ નીતિ અને કાયદા બન્યા નથી. કોમી હુલ્લડો અને કોમી તંગદિલીમાં નીપજેલા ગુનાઓ ઈન્ડિયન પીનલ કોડની સામાન્ય કલમો અને વિવિધ ગુનાખોરીના સામાન્ય કાયદાઓ નીચે સજા માટે જોવામાં આવ્યા. પરંતુ અત્રે પ્રશ્ન છે કે કોમી રમખાણોમાં સામેલ લોકોનો ઈતિહાસ તપાસવામાં આવે, તો તેઓ સામાન્ય રીતે ગુનાખોરીમાં સંડોવાયેલા લોકો જેવા હોતા નથી. વળી કોમી રમખાણો દરમિયાન વૈમનસ્યને કારણે નીપજેલા ગુનાઓ સામાન્ય અપરાધ જેવા હોતા નથી. ત્યારે શું આવા ગુનાઓ માટે તપાસ અને સજા માટે અલગ પ્રકારના કાયદા ન હોવા જોઈએ?

કોમી રમખાણોમાં સંડોવાયેલા એવા વ્યક્તિઓ કે જેમની માનસિકતા ગુનાખોરીની નથી, પરંતુ તેઓ કોમી ઉશ્કેરાટને કારણે કોઈ ગુનો કરે છે, તો તેમના માટે કાયદામાં અલગ જોગવાઈ અને કોર્ટો દ્વારા તેમને જોવાની અલગ નરમાશની દ્રષ્ટિ ન હોવી જોઈએ?

ભારતમાં જબલપુર બાદ અમદાવાદ, મેરઠ, ભાગલપુર, દિલ્હી, મુંબઈ અને છેલ્લો ગુજરાતના રમખાણો થયા છે. પરંતુ ગુજરાતના 2002ના રમખાણો સિવાય અન્ય કોઈ ઠેકાણે કોમી હુલ્લડોને અત્યારની જેમ જોવામાં આવ્યા નથી. તેનું સ્પષ્ટ કારણ છે કે 2002 સિવાયના રમખાણોમાં મોટાભાગે કોંગ્રેસી સરકારનું રાજ્ય અને કેન્દ્રમાં શાસન રહેલું હતું. આ કોંગ્રેસના શાસનની નિષ્ફળતા હતી. પરંતુ હુલ્લડોની કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી રાજનીતિમાં તેનો વિરોધ પક્ષ ભાજપ પણ પાવરધો બનતો ચાલ્યો. ગુજરાતમાં થયેલા રમખાણોમાંથી સૌથી વધારે તાત્કાલિક રાજકીય ફાયદો કોઈને થયો હોય, તો તે ભાજપને થયો હતો. તેથી ભાજપની હિંદુત્વની કહેવાતી વિચારધારાને સત્તામાં પહોંચતી રોકવા અથવા સત્તામાંથી બેદખલ કરવા માટે મીડિયા ટ્રાયલો અને એક્ટિવિસ્ટો દ્વારા તંત્રને ધર્મનિરપેક્ષતાના નામે કામે લગાડવામાં આવ્યું. આ કામ કોંગ્રેસના શાસન હેઠળની કેન્દ્ર સરકારના કાર્યકાળમાં પુરજોરથી ચાલ્યું.

માટે અત્યારે ગુજરાત રમખાણોમાં થઈ રહેલો ન્યાય હકીકતમાં કોર્ટોનો ચુકાદો હોવા છતા પણ એક વિચારધારાને મજબૂત થઈને કેન્દ્રમાં સત્તાસ્થાને પહોંચતી અટકાવવા માટે કોંગ્રેસના રણનીતિકારો દ્વારા તંત્રનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું સ્પીડ બ્રેકર સાબિત થયા છે. અત્યાર સુધીનો ઈતિહાસ રહ્યો છે કે ટોળા દ્વારા આચરવામાં આવેલા ગુનાઓ સંદર્ભે કોઈ ચોક્કસ વ્યક્તિઓને સજા આપવામાં આવી નથી. તાર્કિક રીતે એક પ્રશ્ન અવશ્ય થાય કે 10થી 15 હજારના વિશાળ ટોળા દ્વારા આચરવામાં આવેલા ગુનામાં માત્ર થોડાંક લોકોને પકડીને તેમાથી થોડાકને સજા આપવી ક્યો ન્યાય છે? આમા શક્યતા રહેલી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક કારણોથી ઘણાં લોકોના નામ તપાસ દરમિયાન લખાવવામાં આવતા હોય છે, તેમની સામે પુરાવા અને સાક્ષીઓ ઉભા કરવામાં આવતા હોય છે, તેમને ચોક્કસ રીતે ફ્રેમ પણ કરવામાં આવતા હોય છે. જ્યારે કોઈ વિચારધારાને આગળ વધવા નહીં દેવાનો સવાલ હોય છે, ત્યારે આવા કામ માટે સામાપક્ષનું રાજકીય અને આર્થિક પીઠબળ પણ સાંપડતું હોય છે.

ગુજરાતના રમખાણોમાં ઝડપાયેલા મોટાભાગના લોકો આવા પ્રકારથી ફ્રેમ થયા હોવાની મોટી શક્યતા રહેલી છે. પરંતુ તેના માટે તપાસ પ્રક્રિયામાં કોઈ વિશેષ જોગવાઈ થઈ હોય તેવું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી. બીજી તરફ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં 3 લાખ કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરવાના અને અત્યાર સુધીમાં ઘાટીમાં 70 હજારથી વધારે હિંદુઓની હત્યા કરનારા લોકોને હજી સુધી આકરી સજા કરવામાં આવી નથી. આના માટે કોઈ મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવી નથી અને કોઈપણ કહેવાતા ધર્મનિરપેક્ષ એક્ટિવિસ્ટોએ જમ્મુ-કાશ્મીરના કોમવાદી આતંકવાદ ચલાવનારાઓને સજા આપવા માટે કોઈ પ્રયત્ન હજી સુધી કર્યો નથી.

દેશમાં અત્યાર સુધી ઘણાં આતંકવાદી હુમલા થયા છે. પરંતુ આ આતંકવાદી હુમલામાં ઝડપાયેલા લોકોને માનવાધિકારના નામે ઢીલું વલણ દાખવીને મુક્ત કરવા માટે ન્યાયતંત્રે મજબૂર થવું પડયું છે. આમાના જવાબદાર એવા ઘણાં ઓછા લોકોને કોર્ટ સુધી ઘસડી શકાયા છે. તેમાંથી બહુ થોડા લોકોને સજા મળી છે. તેમની સજા નરોડા પાટિયા કેસમાં સજા પામેલા 32 આરોપીઓ જેવી આકરી નથી. વળી સંસદ પર હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલો અફઝલ ગુરુ જેને વર્ષોથી જેલમાં મટન-બિરયાની ખવડાવામાં આવે છે, તેને પણ હજી સુધી ફાંસી આપી શકાય નથી. જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા અફઝલની ફાંસીથી અસરગ્રસ્ત બને તેવી ત્યાંની સરકારને અને કેન્દ્ર સરકારને ભીતિ છે. આ સિવાય મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને સુપ્રીમ કોર્ટે પણ ફાંસીની સજા આપવા કહ્યું છે. પરંતુ તેને ફાંસી ક્યારે આપવામાં આવશે, તે નક્કી થઈ શક્યું નથી.

1984માં દિલ્હીમાં ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરતા ફાટી નીકળેલા રમખાણોમાં 4 હજારથી વધારે લોકોની નિર્મમતાથી હત્યાઓ થઈ. પરંતુ આજ સુધી તેના માટે જવાબદાર કોંગ્રેસના કોઈ મોટા નેતાઓને સજા થઈ શકી નથી. સીબીઆઈની આ કેસોમાં તપાસની ખૂબ મોટા પ્રમાણમાં ટીકા કરવામાં આવી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવના શાસનકાળમાં થયેલા ભાગલપુર રમખાણોમાં પણ નરોડા પાટિયા જેવી કડક સજાઓ કરવામાં આવી નથી. આ સિવાય 1969માં અમદાવાદમાં કોંગ્રેસના હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રીકાળમાં થયેલા રમખાણોમાં કોઈને સજા આપવામાં આવી ન હતી. 1969ના રમખાણોનો ભારતના મોટા રમખાણોમાં સમાવેશ થાય છે, તેમાં અંદાજે હજાર લોકો એકલા અમદાવાદમાં જ માર્યા ગયા હતા.

ભારતની કોઈપણ સરકારે કોમી હુલ્લડોને જોવાનો પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે, કારણ કે કોમી હુતાસણો સામાન્ય ગુનાખોરીની કેટેગરીમાં આવતા અપરાધો નથી. આ ગુના માટે અલગ મેન્યુઅલ, તપાસ પ્રક્રિયા, અલગ જ્યુડિશ્યલ પ્રોસિજર અને અલગ સજાનું માળખું તૈયાર કરવું પડશે. જો આતંકવાદીઓ પ્રત્યે માનવાધિકારના નામે નરમ વલણ અપનાવવામાં આવતું હોય, તો કોમી રમખાણોમાં કોમી ઉન્માદનો ભોગ બનેલા વ્યક્તિ પ્રત્યે કોર્ટે શા માટે નરમ વલણ ન અપનાવવું જોઈએ? ગુનાની પાછળ સજા આપતી વખતે હંમેશા વ્યક્તિનો ઈરાદો મહત્વનો ભાગ ભજવતો હોય છે, પણ ઉન્માદમાં આવીને મારકાટ પર ઉતરી આવેલા ગુનાખોરીની પૃષ્ઠભૂમિ નહીં ધરાવતા વ્યક્તિના ઈરાદા પ્રોફેશનલ ગુંડા કે આતંકવાદી જેટલા પૂર્વનિયોજિત અને ખતરનાક હોતા નથી. ત્યારે તેમને આતંકવાદી અથવા પ્રોફેશનલ ગુંડાની જેમ સજા શા માટે આપવામાં આવે છે?

કોઈ કોમનો અણગમો દૂર કરવા માટે આકરી સજાનો અભિગમ ન્યાયતંત્ર માટે પણ ખતરનાક છે, કારણ કે આનાથી જ્યારે અન્ય કોમ દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહીમાં જો આવો ન્યાય નહીં તોળાય તો સ્થિતિ વધારે ભયજનક બનશે. ન્યાય થવો, ન્યાય થયો હોય તેવું લાગવું સાથે સંતુલિત ન્યાય થયો હોવાનું તમામ પક્ષોને લાગે તે પણ એટલું જ જરૂરી છે. ન્યાય કરતી વખતે પલ્લુ કોઈ ચોક્કસ તરફ વધારે પડતું નમી જવું પણ ન્યાય માટે ખતરનાક બાબત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો