Wednesday, November 4, 2015

પાટલિપુત્રનું પાણિપત: બિહારમાં ભાજપની જીત લાલુ-નીતિશનો રાજકીય અંત, ભાજપની હાર મોદીના વળતા પાણી

- પ્રસન્ન શાસ્ત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એકબીજાના કટ્ટર રાજકીય વિરોધી ગણાય છે. બંને વચ્ચેની રાજકીય દુશ્મની બંનેની જનતામાં લોકપ્રિયતા સાબિત કરવાનો જંગ લોકસભાની ચૂંટણીથી બની રહ્યો છે. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોદી અને નીતિશના રાજકીય જંગનો ચુકાદો સંભળાવશે.
બિહારનો ચૂંટણી જંગ જીતવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. ભારતના રાજકીય ઈતિહાસમાં કદાચ પહેલા પ્રસંગ છે કે જ્યારે કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાને ચાલીસથી વધારે ચૂંટણી સભાઓને સંબોધિત કરી હોય. પરંતુ આ રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે થયો છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બિહારનો ચૂંટણી જંગ વડાપ્રધાન મોદી માટે કેટલો વધારે મહત્વનો છે. વડાપ્રધાન મોદીની આખી કેબિનેટ... ભાજપના પચાસ જેટલાં સાંસદો અને આરએસએસના હજારો કાર્યકર્તાઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાતદિવસ એક કરીને એનડીએની જીત માટે સંપૂર્ણપણે સક્રિય રહ્યા છે. મોદીએ બિહારની ચૂંટણીને પોતાના માટેનો પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો. સૌને ચોક્કસ સવાલ થતો હશે કે આખરે બિહારની ચૂંટણી મોદી માટે આટલી મહત્વપૂર્ણ શા માટે છે? બિહારની ચૂંટણી માત્ર મોદી માટે જ નહીં.. પણ લાલુ તથા નીતિશ માટે પણ અસ્તિત્વની લડાઈ છે.

બિહારમાં ભાજપની જીતનો અર્થ- 



જો બિહારની ચૂંટણીમાં લાલુ અને નીતિશના ગઠબંધનની હાર થશે તો તેનાથી સામાજિક પરિવર્તનના દાવાવાળા તેમના રાજકીય આંદોલનને મોટો ફટકો પડશે અને આ પ્રક્રિયામાં તેઓ પોતાની ઉપયોગિતા ગુમાવી દેશે. સેક્યુલર રાજનીતિના નામે મોદીને ઘેરવાનો ચક્રવ્યૂહ પણ લાલુ-નીતિશની હારથી ધ્વસ્ત થશે. આ સાથે લાલુ અને નીતિશના રાજકીય પક્ષોના અસ્તિત્વની પણ ભવિષ્યમાં કોઈ ગેરેન્ટી રહેશે નહીં. તેના કારણે તેઓ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના બિનભાજપી પક્ષો માટે ચૂંટણી સમીકરણોમાં મહત્વ ગુમાવી દેશે.
બિહારમાં ભાજપની જીતનો અર્થ થશે મોદીની સત્તાને પક્ષમાં કોઈ પડકારી નહીં શકે અને તેમના માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવાની સૌથી મોટી રાજકીય પરીક્ષા એકદમ આસાન બની જશે. વ્યક્તિગત રીતે મોદી સામે ભાજપની અંદર રહેલા તેમના વિરોધીઓનો ખતરો સમાપ્ત થઈ જશે. મોદી કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ વગર પોતાના એજન્ડા પર વધુ અસરકારક રીતે આગળ વધી શકશે અને ભાજપમાંથી કોઈ વિરોધના સૂર ઉભા થઈ શકશે નહીં. ભાજપની ભગવા નીતિ પર મોદી એન્ગલ પ્રભાવી બની જશે. સંઘ પરિવારમાં પણ નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવશે. બિહારમાં ભાજપની જીત મોદીની જીત ગણાશે અને આરએસએસના સર્વોચ્ચ નેતૃત્વને પણ વડાપ્રધાનની લોકપ્રિયતા સામે ગુજરાતની જેમ જ વામણા બનીને ઉભા રહેવું પડશે.

ભાજપની હારની સંભવિત અસરો- 



પરંતુ ભાજપ બિહારમાં હારશે તો સૌથી વધારે મુશ્કેલી જેમના નામે વિધાનસભાની ચૂંટણી લડાઈ તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સર્જાશે. ભાજપની અંદર મોદી વિરોધી સૂર વધુ મુખર બનશે. વડાપ્રધાન મોદીના નિર્ણયો સાથેની અસંમતિઓ પણ ખુલ્લેઆમ પ્રદર્શિત થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ બનશે. ભાજપના મોદીકરણથી દુખી એવા વરિષ્ઠ નેતાઓ સાથે મળીને પ્રતિરોધની જમીન તૈયાર કરે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી. વખતોવખત અડવાણી.. શાંતાકુમાર.. શત્રુઘ્નસિંહા.. અરુણ શૌરી.. યશવંતસિંહા.. મુરલી મનોહર જોશી.. સહીતના ઘણાં નેતાઓ પરોક્ષપણે મોદી નીતિ સામે પોતાનો અણગમો વ્યક્ત કરી ચુક્યા છે. આ સંખ્યામાં વધારો થઈ શકે છે. બિહારમાં ભાજપની હાર એનડીએના સમીકરણોમાં પણ અસંતુલનો પેદા કરી શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને પંજાબમાં શિરોમણી અકાલી દળ ભાજપથી નાખુશ છે. બંનેની નારાજગી વખતોવખત સપાટી પર આવતી રહી છે. આવા સંજોગોમાં બિહારમાં ભાજપની હાર થાય તો તેનો પહેલો રાજકીય ફટાકડો મહારાષ્ટ્રમાં શિવસેના અને ત્યાર બાદ પંજાબમાં શિરોમણી અકાલીદળ ફોડે તેવી શક્યતાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી. 


ભાજપની હારની સંભવિત અસરો - 



બિહારમાં લાલુ-નીતિશનું મહાગઠબંધન જીતી જશે.. તો તેનો અર્થ થશે કે સીધી મોદીની લહેર સમાપ્ત થઈ ચુકી છે. મોદીની સરકારને સત્તર માસ બાદ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે વાયદા અને વાતોથી આગળ વધીને પરિણામલક્ષી વાસ્તવિક કામ આપવું પડશે. વડાપ્રધાન મોદીના વિશ્વવિહારની સાથે રાષ્ટ્રવિહાર પણ જરૂરી બનશે. મોદીએ પોતાની લોકપ્રિયતા અને લોકસંપર્ક જાળવવા માટે ચૂંટણી સિવાયનું દેશવ્યાપી સંપર્ક અભિયાન કરવું પડશે. સંસદમાં લાલુ-નીતિશની જીત બાદ વિપક્ષી દળો ગેલમાં આવીને સરકારને ઘેરવા માટે વધુ આક્રમક વલણ અખત્યાર કરશે. કથિતપણે વધતી અસહિષ્ણુતા અને લલિતગેટ સહીતના મુદ્દે મોદી સરકારને સંસદમાં વધુ તીખા રાજકીય હુમલા સહન કરવા પડશે.
બિહારમાં લાલુ-નીતિશની જીતનો અર્થ થશે કે ભાજપની ભગવા નીતિ અને તેનો મોદી એન્ગલ નરમ બનવવો પડશે. યુપીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વધુ આક્રમક રણનીતિ દ્વારા લોકસભા જેવી જીત મેળવવા તનતોડ મહેનત કરવી પડશે. તેની સાથે સેક્યુલારિજમના નામે લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ કેટલાંક સ્તરે લાલુ-નીતિશની બિહારમાં જીતથી સપાટી પર આવી જશે. તેના માટે મોદી સરકારે પણ કેટલીક સમજૂતીઓ કરવી પડશે. અનામતની રાજનીતિ વધુ વકરશે અને લાલુ-નીતિશનું મહાગઠબંધન સરકાર સામે નવો પડકાર સર્જી શકશે.
મોદીને લોકસભા અને રાજ્યસભામાં મહત્વના બિલો મામલે મનસ્વી વલણથી દૂર રહેવાની ફરજ પડશે. દિલ્હી વિધાનસભાની હાર બાદ જેવી રીતે જમીન સંપાદન બિલ મામલે પારોઠમાં પગલા ભરવા પડયા તેવી સ્થિતિ અન્ય આર્થિક સુધારાના એજન્ડા પર ઉભી થશે. જેના કારણે વર્લ્ડ બેન્ક.. અમેરિકા.. રેટિંગ એજન્સીઓ ઈચ્છે છે તેવા આર્થિક સુધારા વડાપ્રધાન મોદીને કરવા હશે તો તેઓ લાલુ-નીતિશની બિહારમાં જીત બાદ કરી શકશે નહીં. બિહાર જેવા જ મોદી વિરોધી મોરચા માટે બિનભાજપી પક્ષો રાષ્ટ્રીય સ્તરે પણ કોશિશો કરે તેવી શક્યતાઓ પણ મહાગઠબંધનની જીત બાદ પ્રબળ બની જશે.
બિહાર હાલ સ્પષ્ટપણે બે મોરચામાં વહેંચાઈ ચુક્યું છે. પાંચ તબક્કામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દરેક તબક્કા બાદ બંને તરફથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આઠમી નવેમ્બરે બિહારની જનતાનો ચુકાદો માત્ર લાલુ અને નીતિશના રાજકીય ભવિષ્ય માટે જ નહીં.. પણ આ પરિણામ ભારતના ભવિષ્યની રાજનીતિની દિશા નક્કી કરનાર બની રહેશે.

No comments:

Post a Comment