Sunday, November 15, 2015

સીરિયાનું ગૃહયુદ્ધ મહાસત્તાનો જંગ કે ઈસ્લામિક શિયા-સુન્ની મતભેદોની સૌથી મોટી યુદ્ધભૂમિ?

ઈરાક અને સીરિયામાં વધી રહેલા આતંકવાદી જૂથ આઈએસના વર્ચસ્વ અને સીરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિએ મિડલ-ઈસ્ટની સ્થિતિને વધુ ગંભીર અને જટિલ બનાવી દીધી છે. સીરિયાની સમસ્યા દેખાય છે.. તેટલી સરળ નથી. તેમાં અમેરિકા અને રશિયા સહીતની મહાસત્તાઓથી માંડીને ઈસ્લામિક જગતના આંતરીક મતભેદોની પણ મોટી ભૂમિકા છે.
સિરીયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધના પાંચમા વર્ષે રશિયા દ્વારા 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા હવાઈ હુમલાથી નવો તબક્કો શરૂ થયો છે. સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની સરકારને બચાવવા માટે રશિયાના હવાઈ હુમલા ઘણાં મદદગાર સાબિત થઈ રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ પોતાની સૈન્ય હાજરી વધારવાની શરૂઆત કરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન અસદની સ્થિતિ મજબૂત કરીને ગૃહયુદ્ધના અંત બાદ અમેરિકા સાથેની રાજદ્વારી વાટાઘાટોમાં મહાસત્તા તરીકેનો પ્રભાવ જાળવી રાખવાની મનસા ધરાવે છે. પરંતુ ધ એટલાન્ટિક્સના નવા પ્રોજેક્ટ હેઠળ ડેવિડ ઈગ્નાસિયસે અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સીરિયાની શિયાપંથી સરકાર અને ઈરાન સાથેની રશિયાની ભાગાદીરીથી સીરિયા યુદ્ધ માટે કારણભૂત ઈસ્લામિક વિશ્વમાં ચાલતા શિયા-સુન્ની મતભેદ વધુ ઘાતક બનશે.
તાજેતરના સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત 20111માં અસદની સરકાર સામેના શાંતિપૂર્ણ દેખાવોથી થઈ હતી. ત્યાર બાદ અહીં હિંસક બળવાખોરી શરૂ થઈ હતી. સીરિયાનું ગૃહયુદ્ધ આંશિકપણે સરકાર વિરુદ્ધ લોકોનો જંગ છે.. આંશિકપણે અસદના લઘુમતી સમુદાય અલાવાઈટ્સ સામેનું ધર્મયુદ્ધ છે.. જેમાં ઈરાન અને લેબનાનના હિઝબુલ્લાહનો અસદને સાથ મળી રહ્યો છે. જો કે સીરિયાનું ગૃહયુદ્ધ રશિયા અને ઈરાનનું અમેરિકા તથા તેના મિત્રદેશો સામેનું પ્રોક્સી વૉર પણ છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં લગભગ બે લાખ ત્રીસ હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આઈએસના વધતા પ્રભાવ વચ્ચે સીરિયાની અડધોઅડધ વસ્તી નિરાશ્રિત બનીને દુનિયાના દેશોમાં આશ્રય શોધી રહ્યા છે.
સીરિયામાં અસદના સત્તાવાર જોડાણને રશિયા અને ઈરાન તરફથી ટેકો મળી રહ્યો છે.. તો અમેરિકા અને મિત્રદેશો સાઉદી અરબિયાના સાથી ખાડીદેશો સાથે મળીને અસદ સામેના બંડખોરોને મદદ કરી રહ્યા છે. જો કે આ બધાં દેશોનો એકમાત્ર સમાન શત્રુ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ છે. જો કે પરસ્પર એકબીજાના હિતોનો વેધ સીરિયાના તમામ જૂથોને ઈસ્લામિક સ્ટેટ કરતા વધુ એકબીજા સાથે લડાવી રહ્યો છે.
2013થી ગણતરી કરવામાં આવે તો સીરિયામાં તેર જેટલા મોટા બળવાખોર જૂથો યુદ્ધ લડી રહ્યા છે. અમેરિકાની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીએ નાનાથી માંડીને મોટા બંડખોર જૂથોની ગણતરી કરીને સીરિયામાં કુલ 1200 જૂથો લડી રહ્યા હોવાનું જણાવ્યું છે. અમેરિકાની આગેવાનીમાં નવ દેશોની ગઠબંધન સેના સીરિયામાં હવાઈ હુમલા કરી રહી છે. જો કે કેનેડાના નવા વડાપ્રધાને સીરિયાના સૈન્ય અભિયાનથી અલગ થવાની વાત કરી છે. રશિયાએ ઈરાન અને હિઝબુલ્લાહના લડાકુઓ સાથે મળીને સીરિયામાં આઈએસ અને અન્ય બંડખોર જૂથો વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ સિવાય દુનિયાના ડઝનબંધ દેશોના લોકો આઈએસ અને સીરિયાના અલગ-અલગ બંડખોર જૂથોમાં સામેલ થવા માટે આવતા રહે છે.
સીરિયાના ગૃહયુદ્ધને મુખ્યત્વે ચાર મુખ્ય શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. જેમાં પહેલા મોડરેટમાંથી જેહાદી બનેલા બંડખોરો.. અસદની સેનાઓ અને તેમના ટેકેદારોના વફાદારો.. ઉત્તર-પૂર્વ સીરિયામાં સ્વાયત્તતા મેળવી ચુકેલા કુર્દીશ.. આ કુર્દીશ જૂથો હાલ અસદને દૂર કરવા ઈચ્છતા નથી. કુર્દીશ જૂથો આઈએસ સામે લડી રહ્યા છે. જ્યારે ચોથી શ્રેણીમાં વિદેશી શક્તિઓનો સમાવેશ થાય છે.
સીરિયાના ગૃહયુદ્ધમાં અસદની સરકારને રશિયા, ઈરાન અને હિઝબુલ્લાનો ટેકો મળ્યો છે. તો અસદ સામે લડી રહેલા બંડખોર જૂથોને અમેરિકાની ગઠબંધન સેના.. તુર્કી અને સાઉદી અરેબિયાના દોરીસંચારવાળી ખાડી દેશોની સેનાનો સાથ મળ્યો છે. 
સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ઈસ્લામિક જગતના ધાર્મિક મતભેદોની ભૂમિકા ઘણી મોટી છે. જેમાં શિયાપંથી ઈરાન, અસદના અલાવાઈટ્સ સમુદાય અને હિઝબુલ્લા એક તરફ છે.. તો બીજી તરફ ખાડીદેશો, અસદ વિરોધી બંડખોરો અને સુન્ની આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો સમાવેશ થાય છે. જો કે અસદ સામેના બંડખોર જૂથો અને આઈએસઆઈએસ એકબીજાના કટ્ટર દુશ્મનો તરીકે લડી રહ્યા છે. 
સીરિયાના ગૃહ યુદ્ધમાં અમેરિકા અને રશિયા વચ્ચે મહાસત્તા તરીકે મિડલ-ઈસ્ટમાં વર્ચસ્વના જંગ માટે પ્રોક્સી વૉર લડાતું હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં અમેરિકા અને ખાડી દેશો સાથે યુરોપીયન દેશોની ગઠબંધન સેના છે. તો સામેની બાજું હિઝબુલ્લાહ અને ઈરાનને રશિયાનો ટેકો મળ્યો છે. 
સીરિયામાં લડી રહેલા તમામ દેશો આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમાં રશિયા અને ઈરાન જેવા દેશો સીરિયામાં અસદની સત્તા રહે તેવો દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યારે અમેરિકા અને ખાડી દેશો ઈસ્લામિક સ્ટેટ સામે લડવાના નામે અસદ પદભ્રષ્ટ થાય તેવો અભિપ્રાય ધરાવે છે. 
કુલ મળીને રશિયાએ અસદના ટેકેદારોની તરફદારી સાથે સીરિયાના ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો છે. તો અમેરિકાએ અસદ વિરુદ્ધ બળવો કરનારા જૂથો તરફથી સીરિયામાં ઝંપલાવ્યું છે. તેના માટે અમેરિકા દ્વારા બળવાખોરોના ચોક્કસ જૂથોને તાલીમ અને શસ્ત્રો આપવામાં આવે છે. અમેરિકાના અસદને પદભ્રષ્ટ કરવાના લક્ષ્યાંકમાં વિરોધાભાસ પણ ઉભરી આવ્યો છે. સીરિયામાં આઈએસ સૌથી મજબૂત અસદ વિરોધી આતંકી જૂથ છે. પરંતુ અમેરિકા આઈએસને ખતમ કરીને તેના સિવાયના બંડખોરોને અસદના સ્થાને સત્તા પર બેસાડવા ઈચ્છે છે. એટલે કે દુશ્મનનો દુશ્મન સીરિયાની લડાઈમાં અમેરિકાનો મિત્ર નથી. પરંતુ અસદના કેટલાંક ચોક્કસ દુશ્મન બળવાખોર જૂથને અમેરિકા મિત્ર બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
જ્યારે સીરિયા સંકટમાં રશિયાએ ખૂબ ઓછી સંવેદનશીલતા દાખવીને બળવાખોર જૂથોમાં કોઈ ભેદ નહીં કરવાનો દ્રષ્ટિકોણ અપનાવીને તમામ અસદ વિરોધી જૂથોને એક જ કાટલે તોળવાનું પોતાની લશ્કરી કાર્યવાહીમાં શરૂ કર્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ઓક્ટોબર માસમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આપેલા નિવેદનનો પડઘો સીરિયામાં રશિયાની કાર્યવાહીમાં દેખાઈ રહ્યો છે. સર્ગેઈ લાવરોવે કહ્યુ હતુ કે જો આતંકવાદી લાગે તો આતંકવાદીની જેમ વર્તો અને આતંકવાદીની જેમ લડો.. તે આતંકવાદીઓ છે.. 
બરાબર ? 

No comments:

Post a Comment