Sunday, November 15, 2015

સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવનારા બનાવનારા ત્રણ ખેલાડી – અમેરિકા, ઈરાન અને રશિયા!

સીરિયાના ગૃહયુદ્ધમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ છે. જેમાં સૌથી મોટું ખેલાડી અમેરિકા છે. તેની સાથે ઈરાન અને રશિયા પણ અન્ય મહત્વના સૂત્રધાર છે. સીરિયામાં આ ત્રણેય દેશના હિતો એકબીજા સાથે હરિફાઈ કરી રહ્યા છે અને એકમાત્ર લક્ષ્ય તેમને જોડે તેવી શક્યતા છે. જેમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખાતમો અમેરિકા, ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્ય છે.
અમેરિકાનું લક્ષ્ય સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસદને પદભ્રષ્ટ કરવાનું છે. તેના માટે અમેરિકા ચોક્કસ સીરિયન બળાવખોર જૂથોનું સમર્થન કરી રહ્યું છે. આ સિવાય અમેરિકા અન્ય ત્રણ લક્ષ્યો પણ ધરાવે છે. જેમાં ઈરાકને સૈન્ય સહયોગ આપવાનું લક્ષ્ય ઈરાન સાથે મેળ ખાય છે. તો ઈઝરાયલ સાથે મિત્રતા જાળવી રાખવાનું હિત રશિયા સાથે મેળ ખાય છે. જો કે તેના માટે અમેરિકાએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા માટે પણ લડાઈ લડવી પડે છે. તે અમેરિકા.. ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્યાંક છે.
સીરિયામાં ઈરાનના પણ મોટા હિતો સંકળાયેલા છે. ઈરાનના ચાર સ્વતંત્ર રાષ્ટ્રીય હિતો છે. જેમાં સૌથી પહેલું લેબનાનના બળાવખારો જૂથ હિઝબુલ્લાહનું સમર્થન કરવાનું છે. બીજું હિત ઈરાનનું પ્રાદેશિક વર્ચસ્વ વધારવાનું છે. તેના માટે તે સાઉદી અરેબિયાના પ્રાદેશિક વર્ચસ્વને પડકારવા ઈચ્છે છે. તેની સાથે ઈઝરાયલ સાથે આમનો-સામનો કરવાનું પણ તેનું ચોથું રાષ્ટ્રીય હિત છે. ઈરાનના રશિયા સાથે મેળ ખાતા હિતોમાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસાદને સૈન્ય અને રાજદ્વારી સમર્થન પુરું પાડવાનું લક્ષ્ય છે. બીજું ઈરાન અને રશિયા બંને સીરિયા ખાતે અમેરિકાની નીતિનો સામનો કરવા ઈચ્છે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મેળ ખાતું માત્ર એક જ લક્ષ્ય છે અને તે છે ઈરાકને અરાજકતામાંથી બહાર લાવવા માટે ઈરાકની સરકારને લશ્કરી સહયોગ પુરો પાડવાનું છે.
30 સપ્ટેમ્બરથી રશિયાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા છે. જેમાં રશિયાના બે સ્વતંત્ર હિતો છે. એક રશિયા પોતાની મહાસત્તા તરીકેની પ્રતિષ્ઠાની પુનર્સ્થાપના કરવા ઈચ્છે છે અને તેની સાથે ભૌગોલિક રીતે રશિયાની નજીકના મધ્ય-પૂર્વ એશિયા પર પ્રાદેશિક પ્રભાવ જમાવવાની પણ મોસ્કો ઈચ્છા ધરાવે છે. આ સાથે અમેરિકા અને રશિયાનું સમાન લક્ષ્ય ઈઝરાયલ સાથેની મિત્રતા જાળવવાનું પણ છે.
અમેરિકા, રશિયા અને ઈરાન ત્રણેયને સુન્ની આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટથી જોખમ છે. તેથી ત્રણેયનું સમાન લક્ષ્ય સીરિયા અને ઈરાકમાંથી આતંકવાદી જૂથ આઈએસનો પ્રભાવ ખતમ કરવાનું છે. આ ત્રણેય દેશોના સમાન અને સ્પર્ધાત્મક હિતોના ટકરાવે સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવી દીધો છે.

No comments:

Post a Comment