Wednesday, November 4, 2015

બિહારનો ચુકાદો : મોદીની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા કે લાલુ-નીતિશના રાજકીય અસ્તિત્વનો ફેંસલો?

- પ્રસન્ન શાસ્ત્રી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર ખાતેની સરકારનો સત્તર માસનો સમયગાળો પૂર્ણ થયો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે મોદીનો વિજયરથ રોક્યો.. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોદીની લોકપ્રિયતાની લહેર અને ભારતના રાજકારણની ફંટાઈ રહેલી દિશાના ભવિષ્યને નક્કી કરશે. 


બિહાર વિધાનસભાની ચૂંટણીને દેશની ચૂંટણી ગણાવીને લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમારે જાની દુશ્મની છોડીને દોસ્તીનું મહાગઠબંધન બનાવ્યું. તેમાં કોંગ્રેસે પણ સાથ પુરાવ્યો.. તો સામે છેડે ભાજપ સાથે રામવિલાસ પાસવાનની એલજેપી.. જિતનરામ માંઝીની હમ અને આરએલએસપીનું એનડીએ છે. 

બિહાર ભારતના સૌથી પછાત રાજ્યોમાંથી એક છે. અહીં ગરીબી અને પછાતપણાનું સૌથી મોટું કારણ જાતિવાદી રાજકારણ છે. બિહારની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને લહેર દાંવ પર છે. તો નીતિશ અને લાલુના રાજકીય ભવિષ્યમાં ઘણું બધું દાંવ પર લાગેલું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બંને ગઠબંધનોની આગામી રાજકારણની દિશાને નક્કી કરતો ચુકાદો આપશે. 



બિહારમાં પછાત જાતિઓની બહુમતી છે. પરંતુ રાજ્યના રાજકારણ.. સંસાધનો અને અર્થવ્યવસ્થામાં કેટલીક ચોક્કસ જાતિઓના એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. બિહારની સામંતવાદી વ્યવસ્થાને રાજકીય સ્તરે સૌથી પહેલીવાર લાલુપ્રસાદ યાદવે જનતાદળ હેઠળ રહીને પડકારી હતી. તેમણે મુખ્યપ્રધાન તરીકે સામાજિક પરિવર્તનનું એક નવું રાજકારણ શરૂ કર્યું અને પછાત વર્ગોનો રાજકીય અવાજ બુલંદ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ ચારાકાંડ સહીતના ભ્રષ્ટાચારના મુદ્દા અને વધેલી ગુનાખોરીએ લાલુ અને તેમના જેલગમન બાદ તેમના પત્ની રાબડી દેવીના રાજને જંગલરાજની ઉપમા મળી હતી. જો કે લાલુપ્રસાદ યાદવના રાજકીય મૂળ ભ્રષ્ટાચાર સામેના જેપી આંદોલનમાં છે. પરંતુ તેમને ચારા કાંડના મામલે કોર્ટે સજા ફટકારી છે અને હાલ તેઓ જામીન પર જેલમાંથી બહાર છે. 



જેપી આંદોલનથી લાલુપ્રસાદ યાદવના સાથીદાર રહેલા નીતિશ કુમાર તેમનાથી કંટાળીને પહેલા સમતા પાર્ટી અને બાદમાં જનતાદળ-યૂનાઈટેડ બનાવી છે. નીતિશ કુમારની પાર્ટી અટલ-અડવાણીના યુગની ભાજપ સાથે જોડાણ કરીને એનડીએ સાથે સત્તર વર્ષ સુધી રહી. પરંતુ ભાજપમાં મોદીયુગના ઉદય સાથે નીતિશ કુમારે જેડીયુનો ભાજપ સાથે સંબંધ વિચ્છેદ કર્યો હતો. બિહારમાં મોદીની લોકપ્રિયતાની લહેર પર આગળ વધી રહેલા વિજયરથને રોકવા માટે લગભગ દોઢ દાયકો એકબીજાના જાની રાજકીય દુશ્મન રહેલા નીતિશ અને લાલુ મહાગઠબંધનના મિત્ર બન્યા છે. 


નીતિશ કુમાર પણ દશ વર્ષથી બિહારના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કરી ચુકયા છે. જેમાં 2005થી 2013 સુધી જેડીયુ અને ભાજપે બિહારમાં વિકાસના મસમોટા દાવા સાથે રાજ કર્યું હતું. પરંતુ બાદમાં નીતિશની વ્હારે લાલુ અને કોંગ્રેસ આવ્યા.. નીતિશ કુમારે પણ દલિત અને મહાદલિત તથા અતિપછાતની રાજનીતિને આગળ વધારી છે. તેમણે સુશાસન બાબુ તરીકે બિહારની ખોરંભે પડેલી સંસ્થાઓને બહાલ કરીને સ્થિરતા પ્રદાન કરી છે. બિહારના ચૂંટણી પરિણામો રાજ્યમાં નીતિશ કુમારની લોકપ્રિયતાની પણ અગ્નિપરીક્ષા છે. 

No comments:

Post a Comment