Sunday, November 15, 2015

ISISની મધ્ય-પૂર્વ એશિયાથી વિસ્તરી રહેલી આતંકની જાળ, 11 દેશો બન્યા છે ખૂની ખેલનો ભોગ

આઈએસનો ચીફ બગદાદી...આતંકનો આકા હોવા છતાં પોતાને ખલીફા ગણાવે છે. આઈએસ દ્વારા અગિયાર દેશોને નિશાન બનાવાયા છે અને બગદાદીનું આતંકી સંગઠન આઈએસ વૈશ્વિક પડકાર છે. 

પેરિસમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓની જવાબદારી આઈએસઆઈએસએ લીધી છે. ઈરાક અને સીરિયાના કેટલાક ભાગ પર કબજો કરાયા બાદ આઈએસના ચીફ અબુ બકર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરીને સીરિયા અને ઈરાકના મોટા ભાગ પર પોતાની હકૂમત સ્થાપવાનો દાવો કર્યો છે.
પેરિસ પર તાજેતરમાં (13-11-2015) થયેલા હુમલાઓ સંકેત આપી રહ્યા છે કે આઈએસ યુરોપમાં પણ પોતાના પગ ફેલાવી રહ્યું છે. આ પહેલા પણ પેરિસમાં થયેલા હુમલામાં આઈએસનો હાથ હોવાનું સામે આવી ચુક્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ લગભગ અગિયા દેશોમાં આતંકવાદી હુમલા કર્યા છે. જેને કારણે આઈએસને હવે દુનિયાના દેશો વૈશ્વિક પડકાર માની રહ્યા છે.
આઈએસઆઈએસએ દુનિયાના અગિયાર દેશોને નિશાન બનાવ્યા છે. જેમાં સાઉદી અરેબિયા.. ફ્રાન્સ.. લીબિયા.. લેબનાન.. ઈજીપ્ત.. ટ્યૂનેશિયા.. યમન.. અફઘાનિસ્તાન.. તુર્કી.. કુવૈત અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
2015ના વર્ષની શરૂઆતમાં સાતમી જાન્યુઆરીએ ફ્રાન્સના કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દો પર હુમલો કરીને ચાર કાર્ટૂનિસ્ટો અને એક મુખ્ય સંપાદક સહીત વીસ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. બાંગ્લાદેશમાં એક પછી એક બ્લોગરોની હત્યામાં પણ આઈએસનો હાથ છે. ઈજીપ્તથી રશિયા જતી ફ્લાઈટને તોડી પાડવનાનો પણ આતંકી જૂથે દાવો કર્યો છે. જેમાં 224 પ્રવાસીઓના મૃત્યુ થયા છે.
રશિયા સીરિયામાં આઈએસ સામે હવાઈ હુમલા કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન સહીત મોટાભાગના દેશોમાંથી આઈએસ સાથે જોડાયેલા શકમંદ આતંકવાદીઓની ધરપકડ થઈ ચુકી છે. પાકિસ્તાનમાં પણ કરાચી ખાતે ખોજા યાત્રાળુઓની બસ પર હુમલો કરીને પચાસથી વધુ શિયાપંથી લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં આઈએસનો હાથ હોવાનું ચર્ચાયું હતું. આઈએસની વધતી સક્રિયતા અને વર્ચસ્વના સીધા સંકેત છે કે તેણે અલકાયદા અને અન્ય ઈસ્લામિક આતંકી જૂથોનું સ્થાન લેવાનું શરૂ કર્યું છે. 

No comments:

Post a Comment