Friday, February 17, 2012

ભાજપ-શિવસેનાના જોડાણ માટે મહારાષ્ટ્રમાં ફરી આશાનું કિરણ


bjp-shivsena has hpe for 2014 assembly election

મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા બીએમસી સહીતની 10 મહાનગરપાલિકા અને 27 જિલ્લાપરીષદોના ચૂંટણી પરિણામો અને વલણો ભાજપ-શિવસેના ગઠબંધન માટે ફીલગુડ કરાવનારા સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસ-એનસીપી ગઠબંધનનો 2014ના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલમાં ભાજપ-શિવસેના-આરપીઆઈ ગઠબંધન સામે હાર થઈ છે. જો કે હાલ રાજ ઠાકરે ન તો કિંગ બન્યા છે અને ન તો કિંગ મેકર બન્યા છે.


આ ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શિવસેના પ્રમુખ બાલ ઠાકરે સામે કેટલીક કઠોર ટીપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મોટી જીત મેળવશે અને બાલ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં અપ્રાસંગિક થઈ જશે.

પરંતુ મતદાતાઓની ગત ન્યારી હોય છે, મતદાતાએ શુક્રવારે આપેલા ચુકાદા બાદ મહારાષ્ટ્રની રાજનીતિ નવી દિશા તરફ જઈ રહી છે. બાલ ઠાકરે ઢળતી ઉંમરે છે, પરંતુ તેઓ હજી પણ રાજ્યના મતદાતાઓ માટે શિવસેના થકી પ્રાસંગિક છે. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ ઠાકરેના નેતૃત્વમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી છે. રાજ ઠાકરેએ શિવસેનાની મતબેંકો અને કિલ્લાઓમાં સેંઘ મારવામાં 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ સફળતા મેળવી હતી અને અત્યારે પણ સારા પ્રમાણમાં સફળ થયા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજનીતિ દ્વિધ્રુવીય રહી છે. જેમાં એક ધ્રુવ કોંગ્રેસ-એનસીપી અને બીજો ધ્રુવ ભાજપ-શિવસેના રહ્યા છે. 17 વર્ષથી રાજ્યની સત્તામાંથી દૂર રહેલી ભાજપ-શિવસેનાની ધરી માટે આ વખતે આશાના કિરણો ફૂટયા છે. રાજ્યની 10માંથી 8 મહાનગરપાલિકામાં ભગવા જોડાણ સૌથી આગળ રહ્યું છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનું રાજકારણ દ્વિધ્રુવીયની જગ્યાએ ત્રિકોણીય બની જશે, તેવા પણ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આમ તો બૃહદમુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ-શિવસેનાને સૌથી વધારે બેઠકો મળી છે, પરંતુ તેને બહુમતી માટે હજી 8 કોર્પોરેટરોનો જુગાડ કરવો પડશે. જ્યારે કોંગ્રેસ-એનસીપીના જોડાણને 66 બેઠકો મળી છે. જો કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ શિવસેનાના ગઢ દાદર અને માહિમના કાંગરા ખેરવીને 28 બેઠકો પર જીત હાંસલ કરી છે. મુંબઈના 34 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો એમએનએસના છે. જો એક ધારાસભ્ય નીચે 6 કોર્પોરેટરોની ગણતરી કરવામાં આવે તો એમએનએસના 36 કોર્પોરેટરો જીતવા જોઈએ. તેમ છતાં પણ શિવસેનાના ગઢના કાંગરા ખેરવવાનો સંતોષ રાજ ઠાકરેને થઈ રહ્યો છે.

ઠાણેમાં પણ ભાજપ-શિવસેના ગઠબંધન કોંગ્રેસ-એનસીપીથી આગળ છે. અહીં એમએનએસનો દેખાવ સારો થયો નથી. જેના કારણે રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે ઠાણેમાં એમએનએસનો દેખાવ ખરાબ રહ્યો છે અને અહીં પાર્ટીમાં ફેરફારો થશે. જો કે એનસીપીએ શિવસેનાને ઠાણેમાં સારું એવું નુકસાન કર્યું છે. પરંતુ તેમ છતાં ભગવા ગઠબંધન ઠાણેમાં પણ સત્તા કબજે કરી શકે તેવા સ્પષ્ટ સમીકરણો બન્યા છે.

જો કે પુણે મહાનગરપાલિકામાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન ફરી સત્તા કબજે કરતું દેખાય રહ્યું છે. અહીં એમએનએસનો દેખાવ પણ ઘણો સારો રહ્યો છે. પુણેમાં એમએનએસને 27 અને નાસિકમાં 36 બેઠકો મળી છે. નાસિકમાં એમએનએસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ ઠાકરેએ પુણે અને નાસિકમાં પાર્ટીને સારા મત આપવા બદલ અહીંની જનતાનો આભાર માન્યો છે. જો કે પિંપરી-ચિંચવડમાં એનસીપી 68 બેઠકો સાથે પોતાના દમ પર મહાનગરપાલિકામાં કાબિજ થઈ ગઈ છે.

કોંગ્રેસ માટે આઘાતજનક ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસી નેતા નારાયણ રાણે પાર્ટી પર જ વરસી પડયા છે, તેમણે હાર માટે કોંગ્રેસી નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે કોંગ્રેસી નેતા સંજય નિરુપમ પ્રમાણે એનસીપીને આપેલી 5 બેઠકો પર ગઠબંધન હાર્યું છે. તો રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે શિવસેના ગઠબંધનને ભાજપ અને આરપીઆઈ સાથેના જોડાણને કારણે બેઠકો મળી છે.

હાલ આવેલા ચૂંટણી પરિણામો 2014ની વિધાનસભાની સેમીફાઈનલ બાદ રાજ્યની દ્વિધ્રુવીય રાજનીતિ ત્રિકોણીય થવા તરફ સ્પષ્ટ સંકેત કરી રહી છે. રાજ ઠાકરેએ કહ્યુ છે કે તેઓ મહારાષ્ટ્રમાં અન્ય ક્ષેત્રોમાં પાર્ટીનો વિસ્તાર કરશે. પરંતુ તેનાથી સ્વાભાવિક પણે શિવસેનાને થતું નુકસાન તેને કેટલું થાય છે, તેના પર પણ રાજકીય સમીકરણોનો મોટો આધાર રહેશે.

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન શિવસેનામાંથી અલગ પડેલા રાજ ઠાકરેની એમએનએસે 21 ટકા મતો મેળવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેએ 45 બેઠકો પર ભાજપ-શિવસેના ગઠબંધનને ભારે નુકસાન પહોંચાડયું છે. ત્યારે 2014ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રના રાજકારણમાં “રાજ ફેક્ટર” ઘણું મોટું અને મહત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવાર એલાન કરી ચુક્યા છે કે હવે તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં, બીજી તફ બાલ ઠાકરે ઢળતી ઉંમરને કારણે રાજકીય રીતે સક્રિય રહી શકતા નથી અને તેનો લાભ રાજ ઠાકરેને મરાઠી માનૂષની રાજનીતિ કરવામાં મળી રહ્યો છે. ત્યારે તેમનો રાજકીય વારસો સંભાળનારાઓ માટે પણ આ ચૂંટણી સેમીફાઈનલ છે.

ઉલ્લેખનીય છેકે મહાનગરપાલિકાના પરિણામો પહેલા બાલ ઠાકરેએ ઉદ્ધવ અને રાજ ઠાકરેના એક થવા સંદર્ભેનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તેમના મતે બંનેને એક થઈ જવું જોઈએ. ત્યારે રાજ ઠાકરેએ ઉદ્ધવ સાથેના મતભેદો કાયમ રાખતા પ્રતિક્રિયા આપી હતી કે તેઓ કાકા બાલ ઠાકરે માટે 100 પગલા ચાલવા માટે તૈયાર છે, પરંતુ ઉદ્ધવ માટે તેઓ આમ કરશે નહીં. તેથી મહારાષ્ટ્રની રાજનીતિમાં બાલ ઠાકરેના વારસોના એક થવાની સંભાવના ઘણી પાંખી છે. પરંતુ ભવિષ્યમાં તેમની વચ્ચે કોઈ સંબંધો ઉભા થઈ શકે છે.

No comments:

Post a Comment