Saturday, February 4, 2012

સદભાવના મિશન એટલે મોદીનો ગુજરાતમાં પ્રિપોલ સર્વે


sadbhavna mission is modi's prepole servey in gujarat

ગુજરાતમાં સદભાવના મિશન થકી નરેન્દ્ર મોદી નવા રાજકીય પ્રયોગો કરી રહ્યા છે. આના દ્વારા પ્રજાનો મૂડ જાણવા માટે કોઈ પ્રિપોલ સર્વે થઈ રહ્યો હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મોદીના સદભાવના મિશનમાં વિરોધીઓને પડકાર ઝીલવા આહ્વવાન અને પોતાની રાષ્ટ્રીય છબી વધુ ચમકાવાની વ્યૂહરચના પણ સામેલ છે. મોદી દરેક સદભાવના કાર્યક્રમમાં તેમની સરકાર દ્વારા થયેલા વિકાસના કાર્યોને ખૂબ પબ્લિસિટી કરી રહ્યા છે. આને રાજકીય વિશ્લેષકો 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો જીતાડવાની મોદીની વ્યૂહરચના તરીકે જોઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી દેશના એવા રાજકારણી છે કે જેમને પસંદ કરો કે નાપસંદ, પણ તેમને અવગણી શકો નહીં. આઝાદ ભારતના પ્રવર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી એવું નામ છે કે તેમને દેશ-દુનિયાના સમાજ અને રાજકારણના ચોક્કસ વર્ગમાંથી નાપસંદગીનો સામનો કરવો પડે છે. પરંતુ તેમના તરફ સદભાવના દાખવનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. જો કે 17 સપ્ટેમ્બર, 2011થી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલું સદભાવના મિશન તેના આખરી તબક્કામાં છે. 55 કલાકના સદભાવના ઉપવાસ શરૂ કરીને મોદીએ અમદાવાદ ખાતે પોતાના રાજકારણને નવી દિશા આપવાનું નક્કી કર્યું. તેમ છતાં તેઓ આ સદભાવના ઉપવાસને રાજકીય પગલું ગણાવતા નથી. ગુજરાતભરના જિલ્લા મથકો પર મોદીના સદભાવના મિશન અંતર્ગત ઉપવાસના આખરી તબક્કામાં રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.

ગુલમર્ગ કાંડના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આ મામલો અમદાવાદની સ્થાનિક કોર્ટને સોંપી દીધો છે. જેને મોદીએ પોતાને મળેલી જીત ગણીને સદભાવના મિશનનું એલાન કર્યું. જો કે આ મામલે અર્થઘટનના અલગ અભિપ્રાયો પણ પ્રવર્તી રહ્યા છે. પરંતુ અહીં તેમણે પોતાના પરના રમખાણોના ડાઘ ધોઈને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃત થવાનો મોકો ઝડપી લીધો છે. સદભાવના ઉપવાસના પ્રથમ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે અડવાણી, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ સહીતના ભાજપના મોટા ગજાના નેતાઓ ગુજરાત આવ્યા અને તેમણે ગુજરાતમાં આવીને મોદીની કુશળ પ્રશાસક તરીકેની ક્ષમતાઓના વખાણ કર્યા. અડવાણીએ પોતાના બ્લોગમાં આડકતરી રીતે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ ગણાવ્યા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ સત્કર્મ ઉપવાસની શરૂઆત કરીને મોદીના સદભાવના મિશનનો રાજકીય જવાબ આપ્યો છે.

જાણકારોનું માનીએ તો નરેન્દ્ર મોદી જેવા ચાણક્ય બુદ્ધિવાળા રાજકારણીનું કોઈપણ પગલું ગણતરી વગરનું હોઈ શકે નહીં. વળી સદભાવના મિશનનું પાસું ફેંકીને મોદીએ એક જ તીરે અનેક નિશાન પાર પાડયા છે. ગુજરાત વિધાનસભાની ટર્મ 2012માં પૂર્ણ થઈ રહી છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં ચૂંટણીઓ આવશે. 2002માં ગોધરા વેવ અને 2007માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે સોનિયા ગાંધી દ્વારા મોદીને પરોક્ષ રીતે મોતના સોદાગર ગણાવતી ટીપ્પણીએ તેમની જીતમાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ 2012ની ચૂંટણી અગાઉની બંને ચૂંટણી કરતાં ઘણી અલગ હશે. આ ચૂંટણીમાં હાલ કોઈ સંવેદનશીલ અને ભાવનાશીલ મુદ્દાઓ અસ્તિત્વમાં નથી. પરંતુ હજી પણ 2002ના રમખાણોને ગુજરાત બહાર મુદ્દો બનાવીને રાજકારણ જરૂરથી ખેલાય છે, પરંતુ રાજ્યમાં આ સ્થિતિ શક્ય નથી. જો કે રાષ્ટ્રીય રાજકારણના અલગ ગણિત હોય છે. પરંતુ મોદીએ સદભાવના મિશનથી આવા લોકોને જવાબ આપવાની નીતિ અખત્યાર કરી હોય તેવું દેખીતી રીતે લાગે છે.

પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2012ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો જીતવા માંગે છે. આ સદભાવના મિશન મોદી દ્વારા સરકારી ખર્ચે ચાલી રહેલો પ્રિપોલ સર્વે જ છે. દરેક જિલ્લા મથકે સદભાવના ઉપવાસના કાર્યક્રમ દ્વારા દરેક મહાનગર અને જિલ્લામાં પ્રજાનો મૂડ પારખવાની મોદીને તક મળે છે. આની સાથે જિલ્લા મથકોમાં સંગઠનની તાકાત જાણવાનો સીધો અવસર પણ મળે છે.

જો કે રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે મોદી સદભાવના ઉપવાસથી પોતાને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વસ્વીકૃત નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તેમની ઘાટી બનેલી હિંદુત્વના પોસ્ટરબોયની છાપ ભૂંસીને વિકાસ પુરુષની છાપને સદભાવના પુરુષમાં બદલવા માટે કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે, પરંતુ તેઓ મતોનું ધ્રુવીકરણ ઉભું કરનારા નેતા પણ ગણવામાં આવે છે. તેને કારણે તેમને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નીતિશ કુમારના દબાણ હેઠળ પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. સદભાવના મિશનમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં મંચ પર દેખાડીને મોદી પોતે મુસ્લિમોમાં વિકાસને કારણે સ્વીકૃત થયા હોવાનો સંદેશ પણ આપવા માંગે છે.

સદભાવના મિશનના શરૂઆતના તબક્કામાં મુસ્લિમોને સદભાવના સ્થળ અને મંચ પર લાવવા માટે ભાજપે ખાસ જહેમત ઉઠાવી હતી. પરંતુ હવે છેલ્લા કેટલાંક સદભાવના ઉપવાસથી મોદીએ પોતાની રણનીતિ બદલી છે. રાજકીય વિશ્લેષકનું માનીએ તો તેની પાછળનું કારણ કોંગ્રેસ દ્વારા લઘુમતીઓને ઓબીસીના 27.5 ટકાના ક્વોટામાંથી 4.5 ટકાના સબક્વોટાની જાહેરાત કરવામાં આવી તે છે. તાજેતરની પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે ધાર્યા કરતા સારો દેખાવ કર્યો છે. આની સમીક્ષા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી છે. ત્યારે કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિ દરમિયાન કોંગ્રેસે જ તેમને મુદ્દો આપી દીધો છે.

કોંગ્રેસની ઓબીસી વોટબેંકમાં ગાબડા પાડવાની રણનીતિ પર મુખ્યમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. મોદી ખુદ ઓબીસી વર્ગમાંથી આવતા નેતા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે તેઓ ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓ માટેના સબક્વોટાનું સમર્થન પણ કરી શકશે નહીં અને તેનો વિરોધ પણ કરી શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ચૂંટણી અભિયાનના પ્રભારી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પણ ઓબીસી વર્ગમાંથી આવે છે. આવી સ્થિતિમાં મોદી ઓબીસી કાર્ડ ખેલીને કોંગ્રેસને ચિત્ત કરવા ઈચ્છતા હોય તે સ્વાભાવિક છે. વળી કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે લઘુમતીઓના સબક્વોટા 9 ટકા કરવાનું વચન પણ આપ્યું છે. કોંગ્રેસના મોવડી મંડળનો નિર્ણય ઉત્તર પ્રદેશના 19 ટકા મુસ્લિમ મતોને અંકે કરવા માટે લેવાયો છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ આ નિર્ણયની તરફેણ કરે, તો ઓબીસી નારાજ થાય તેમ છે. વળી તેઓ આ નિર્ણયનો વિરોધ કરે, તો મોવડી મંડળ અને મુસ્લિમો નારાજ થાય તેવી સ્થિતિ છે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસની લઘુમતી અનામત મુદ્દે કફોડી સ્થિતિનો લાભ લઈને ભાજપ રાજ્યભરમાં બક્ષીપંચને એકજૂટ કરવાની રણનીતિ પર કામે લાગી છે. તેના માટે ભાજપનું પ્રદેશ એકમ બક્ષીપંચના સંમેલનોની તૈયારી પણ કરી રહ્યું છે. વળી સંગઠનને મજબૂત કરવા માટે ફરી એક વખત ટિફિન બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. 11 ફેબ્રુઆરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવા માટે જિલ્લા, મહાનગર, તાલુકા કક્ષાએ ટિફિન બેઠકોનું આયોજન થવાનું છે. ભાજપનું સંગઠન 16થી 20 ફેબ્રુઆરીના ગાળામાં ઝોનલ બેઠકોનું પણ આયોજન કરી રહી છે. 4 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે જિલ્લાવાર યુવા સંમેલનો પણ યોજાશે.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીનું સદભાવના મિશન હકીકતમાં લોકો વચ્ચે સીધા પહોંચવાનું મિશન છે. તેના દ્વારા કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિને પણ આગળ વધારવામાં આવશે. આ સદભાવના મિશન મોદી વિરોધીઓને પડકારવાનું આહ્વવાન પણ છે. જાણકારોના મત પ્રમાણે, નરેન્દ્ર મોદીની પ્રજામાં પક્કડ માટે યુવા સંમેલનો, મહિલા સંમેલનો, ગરીબ મેળા, ટિફિન બેઠકો અને સામાજિક સંમેલનોનો ઘણો મોટો ફાળો છે અને મોદી આવી જ કોઈ રણનીતિથી રાજ્યના લોકોમાં ભાજપને 150 બેઠકો જીતાડવા માટે મોદી જીતોડ કોશિશ કરશે. આશા કરવામાં આવે છે કે મહિલા સંમેલનો અને ગરીબ કલ્યાણ મેળા જેવી જ સફળતા મોદીને તેમના સદભાવના મિશનમાં સાંપડશે.

No comments:

Post a Comment