Saturday, February 4, 2012

કોંગ્રેસનો વિકલ્પ ઉભો થાય છે, પણ કોંગ્રેસ મોડલનો વિકલ્પ નથી!


there is option of congress in power but opposition fail to give option in political moldel

અજબ ભારતીય રાજકારણની ગજબની કહાની છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને રાજકારણની દુર્દશા માટે બિનકોંગ્રેસી પક્ષો જવાબદાર ઠેરવે છે. થોડો સમય માટે બિનકોંગ્રેસી દળો સત્તામાં કોંગ્રેસનો વિકલ્પ પણ બને છે. પરંતુ આવા બિનકોંગ્રેસી દળો કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ પુરો પાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ ભારતની આઝાદી પહેલા સૌથી પ્રભાવી રાજકીય પક્ષ તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને આઝાદી બાદ પણ દેશની સત્તાનો ભોગવટો સૌથી વધારે સમય સુધી કર્યો છે. હાલ પણ યુપીએ-2 સરકારનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. 127 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના રાજકીય મોડલનો ભારતમાં હજી સુધી કોઈ જવાબ ઉભો થઈ શક્યો નથી. કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવી હંમેશા લોઢાના ચણા ચાવવાનો ખેલ હોય છે. જાણકારો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા દેશમાં ઘણાં ઉંડે સુધી પહોંચ્યા હોવાનું ગણાવે છે. આ વાત આંશિક રીતે સાચી છે. પરંતુ ભારતીય રાજકારણની તાસિર તપાસમાં આવે તો ભારતમાં લગભગ એક સદીથી વધારે સમયથી કોંગ્રેસના રૂપમાં રાજકીય પાર્ટીનું એક જ મોડલ સાતત્યપૂર્ણ રીતે અસ્તિત્વમાં છે.

1885માં અંગ્રેજ એ.ઓ.હ્યૂમે કોંગ્રેસની સ્થાપના કરી. ત્યારથી કોંગ્રેસ પાર્ટી ભારતના રાજકારણના એક ધ્રુવ તરીકે ઉભરી હતી. આમ તો કોંગ્રેસે 1885થી 1905 સુધી અંગ્રેજી હકૂમત સાથે મહદ અંશે પત્રાચાર કરવાનું કામ કર્યું હતું. લોકમાન્ય તિલકના કોંગ્રેસમાં પ્રભાવી બન્યા બાદ સ્વતંત્રતા આંદોલન સંદર્ભે કોંગ્રેસમાં ઉગ્રતા આવી હતી. તેમ છતાં તેમા ગરમ દળ અને નરમ દળનું અસ્તિત્વ હતું. પરંતુ એક હકીકત એ છે કે અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમત સામે ભારતીયોને લડવા માટે એક રાજકીય મોડલ થકી પ્લેટફોર્મ પુરું પાડયું હતું. મુસ્લિમ લીગના મહોમ્મદ અલી ઝીણા 1937 સુધી કોંગ્રેસી અને સેક્યુલર નેતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર કોંગ્રેસી અગ્રણી હતા. હિંદુ મહાસભાના મદન મોહન માલવિયા સરીખા નેતાઓ પણ કોંગ્રેસમાં સક્રિય હતા. આર્યસમાજમાં સક્રિય લાલા લાજપતરાયની ગણના પણ દિગ્ગજ કોંગ્રેસી નેતામાં થતી હતી. આઝાદ હિંદ ફોજ બનાવીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડત કરનારા સુભાષચંદ્ર બોઝ 1937માં કોંગ્રેસ પ્રમુખ હતા. સમાજવાદી નેતા આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ સુદ્ધા કોંગ્રેસમાં ગાંધીજી સાથે કામ કરી ચુક્યા છે.

મુસ્લિમ લીગ 1906માં સ્થપાઈ અને હિંદુ મહાસભા 1905માં સ્થપાઈ. ત્રીસના દશકામાં કમ્યુનિસ્ટ પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. 1947 પહેલા સમાજવાદી નેતાઓ કોંગ્રેસમાંથી અલગ થયા. ક્યારેક પોતાને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવનારી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરનારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ 1941ના વર્ષમાં કોંગ્રેસી નેતા રહી ચુક્યા છે. આ સિવાય સંઘના સંસ્થાપક ખુદ કોંગ્રેસી નેતા રહ્યા છે. એટલે કે કોંગ્રેસ એક એવું વટવૃક્ષ છે કે જેની એક-એક વડવાઈ તેને થડ જેટલી મોટી બની છે. આઝાદી બાદ મુસ્લિમ લીગી મોડલ પાકિસ્તાનમાં નિષ્ફળ ગયું, પરંતુ કોંગ્રેસનું મોડલ ભારતમાં સફળ બન્યું.

આઝાદી બાદ પણ કોંગ્રેસમાંથી પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે નેતાઓ દ્વારા અલગ ચોકો રચવાની પ્રક્રિયા ચાલુ જ રહી. કોંગ્રેસને સૌથી પહેલા સત્તાની બહાર કરવાનો શ્રેય જયપ્રકાશ નારાયણને મળે છે. કટોકટી બાદ મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી. જો કે તે કોંગ્રેસની જેમ સત્તાનો સ્થિર વિકલ્પ બની શકી ન હતી અને માત્ર અઢી વર્ષના ગાળામાં જ સત્તામાંથી દૂર થઈ હતી. આમ જોવો તો મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણના મૂળિયા પણ કોંગ્રેસી જ હતા. ત્યાર બાદ 1989માં વી.પી.સિંહના વડપણ નીચે બિનકોંગ્રેસી પક્ષોએ ભેગા મળીને કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે આંદોલન કર્યું. પરંતુ હકીકત એ છે કે વી. પી. સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજીવ ગાંધી સાથે મતભેદોને કારણે કોંગ્રેસમાંથી અલગ પડયા હતા. પરંતુ વી. પી. સિંહ પણ સત્તામાં લાંબો સમય ટકી શક્યા નહીં. ચંદ્રશેખરને વડાપ્રધાન બનાવી કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો, પરંતુ રાજીવ ગાંધીના જાસૂસી પ્રકરણે આ સરકારને ઘર ભેગી કરી. ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસી સરકાર સત્તામાં આવી. જો કે તે લઘુમતી સરકાર હતી, પરંતુ તેણે ઘણા ગોટાળા અને બ્લંડરો છતાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાજપની 13 દિવસની સરકાર સત્તામાં આવી. ત્યાર બાદ દેવેગૌડા અને ઈન્દર કુમાર ગુજરાલની કમજોર કોંગ્રેસના ટેકાવાળી સરકારોએ દેશને રાજકીય અસ્થિરતાના તબક્કામાં નાખી દીધી. 1998માં વાજપેયીના વડપણ નીચે એનડીએની સરકાર સત્તામાં આવી અને સત્તામાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પુરો કરનારી તે પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી. પરંતુ 2004થી કોંગ્રેસના વડપણવાળા યુપીએ ગઠબંધનની સરકાર સત્તામાં છે.

ભાજપ ભારતીય રાજકારણનો બીજો ધ્રુવ ગણાય છે. પરંતુ ભાજપના કોંગ્રેસીકરણની વાતો પણ જોરશોરથી ઉઠી રહી છે. કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારનો એકહથ્થુ પ્રભાવ એકાદ અપવાદને બાદ કરતાં જળવાઈ રહ્યો છે. તો તેવી રીતે ભારતના ભાજપ, શિવસેના, સમાજવાદી પાર્ટી, અકાલી દળ, તેલગુદેશમ પાર્ટી, ડીએમકે, એઆઈએ-ડીએમકે, બીજુ જનતાદળ સહીતને પક્ષોમાં વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદ ચરમ પર છે. વંશવાદની નકલ કરવામાં કેટલીક હદે કમ્યુનિસ્ટ પક્ષોને બાદ કરતા દેશના તમામ પક્ષો વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદની રાહ પર જ આગળ વધી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક લોકશાહી ગાંધીજીના વખતથી અસ્તિત્વમાં નથી. કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના સમર્થકોના વિરોધને કારણે પાર્ટી છોડવી પડી અને હિંસક માર્ગે આઝાદી મેળવવાનો આઝાદ હિંદ ફોજનો રસ્તે અખત્યાર કરવો પડયો હતો. દેશની આઝાદી પછી કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારના સભ્યોનો બોલ કોંગ્રેસ પાર્ટીમાં કાયદો બની ગયો છે. તેવી જ રીતે દેશના બિનકોંગ્રેસી દળોમાં પણ આંતરીક લોકશાહીની અછત વર્તાય રહી છે. હાઈકમાન્ડના નામે પાંચ-સાત ચૂંટણી મેનેજરો પાર્ટીના નિર્ણય કરે છે. ભાજપ પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી બની ગઈ હોવાની વાત પણ ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે કરી હતી. વળી કમ્યુનિસ્ટ વિચારધારા લોકશાહીને માનતી નથી. તેથી કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરીક લોકશાહીનું સપનું જોવું પણ એક જોક સમાન છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીઓ પોતાને ત્યાં આંતરીક લોકશાહી હોવાના દાવા કરે છે.

કોંગ્રેસ પાર્ટી પર આઝાદીની લડતના સમયથી તે મૂડીપતિઓની પાર્ટી હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આઝાદી બાદ પણ કોંગ્રેસ પર મૂડીપતિઓના હિતસાધવાનો આરોપ મૂકાતો આવ્યો છે. કોંગ્રેસની જાણે-અજાણે નકલ કરીને તેના રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપના નેતાઓ પણ મૂડીપતિઓને સાધવામાં લાગેલા રહે છે. અન્ય રાજકીય પક્ષોને પણ ફંડફાળો અમુક અપવાદને બાદ કરતા મૂડીપતિઓ તરફથી જ મળે છે. તેને કારણે દેશની આર્થિક નીતિ આવા મૂડીપતિઓની હિતસાધક બને તેમાં નવાઈ પામાવા જેવું નથી. આને કારણે મૂડીપતિ વધારે ધનવાન બને છે અને આમ આદમી બેહાલ બને છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર નામની આડઅસરથી કોંગ્રેસી અને બિનકોંગ્રેસી એમ બંને પ્રકારની સરકારો અછૂતી નથી.

કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમુદાય તરફ વિશેષ દ્રષ્ટિકોણ આઝાદી પહેલાથી અપનાવામાં આવ્યો છે. ઉર્દૂ અને વંદેમાતરમ સહીતના મુદ્દાઓ પર મુસ્લિમોની આળપંપાળ કરતી નીતિઓ આઝાદી બાદ લઘુમતીવાદને પ્રોત્સાહન આપનારી નીતિઓ બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની પાર્ટીના ઝંડામાં મુસ્લિમ સમુદાયના પ્રતીક સમાન લીલો રંગ રાખ્યો, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો. આ પ્રકારના ફેરફાર અકાલીદળ અને શિવસેના જેવી પાર્ટીઓને બાદ કરતા મોટાભાગની પાર્ટીઓએ કર્યા. કારણ કે અહીં સવાલ મુસ્લિમ વોટબેંકનો હતો. કોંગ્રેસે પોતાને ત્યાં એસસી, એસટી, મહિલા અને લઘુમતી સેલ ચાલુ કર્યા. તો અન્ય પાર્ટીઓએ પણ તેનું આંધળુ અનુકરણ કરીને પોતાને ત્યાં આવી જ વ્યવસ્થા ઉભી કરી.

વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.
કોંગ્રેસે આદિવાસી, દલિતોની વોટબેંક દ્વારા સત્તાની સાધના દસકાઓ સુધી કરી. આદિવાસી અને દલિતો માટે સારું કામ કરવું ઘણું સારું છે. પરંતુ તેમને વોટબેંક તરીકે જોઈને તેમના કલ્યાણ માટે કંઈક કરવાનો દેખાડો કરવો અલગ વસ્તુ છે. પરંતુ આ કામ કોંગ્રેસ સિવાયના પક્ષોએ પણ ચાલુ રાખ્યું. આજે દેશમાં દલિતો અને આદિવાસીઓ પાછળ વાપરવામાં આવેલા નાણાં અને ઉભી કરવામાં આવેલી લાભકારક જોગવાઈઓની સરખામણીએ તેમના સશક્તિકરણના મળેલા પરિણામો જોવા જોઈએ.

આ સિવાય ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગરીબી હટાવોના નારા નીચે લોકોને લોભાવ્યા હતા. પરંતુ 80ના દાયકાથી ગરીબી હટાવોની વાત સૂત્રોમાં જ રહી છે, હવે તો એવો સમય છે કે સત્તામાં આવનારી દરેક સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટે તેવી નીતિઓ અપનાવી રહ્યા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ત્યારે ગરીબ આમ આદમી લાચારી સાથે જીવન સંઘર્ષમાં પાછો પડી રહ્યો છે. ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કોંગ્રેસની જેમ દરેક પક્ષો કરે છે, પરંતુ તેને દૂર કોઈ કરતું નથી.

ભારતના રાજકારણમાં સેક્યુલર ચહેરો દેખાડવાનો ટ્રેન્ડ પણ કોંગ્રેસના રાજકીય મોડલે ચાલુ કર્યો. ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાની વાત હોય, નહેરુની સમાજવાદની વાત હોય, ઈન્દિરા ગાંધીની સેક્યુલારિઝમની વાત હોય, મનમોહન સિંહની દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવાની વાત હોય, દરેક નેતા લઘુમતીઓની આળપંપાળ કરીને પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવામાં લાગેલો છે. મુસ્લિમ તુષ્ટિકરણને નારો બનાવીને ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતાઓ વાજપેયી અને અડવાણીએ પણ સેક્યુલર છબી ચમકાવા માટે આ જ કોંગ્રેસી નીતિનો સહારો લીધો. વાજપેયીએ લીલી પાઘડીઓ પહેરી, મુસ્લિમ ટોપી ઓઢી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાના વચનો આપ્યા, હજ સબસિડીમાં સામેથી વધારે કરી આપ્યો. તો અડવાણી પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા. પ્રખર હિંદુત્વવાદી ચહેરો ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

No comments:

Post a Comment