લેબલ સદભાવના મિશન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સદભાવના મિશન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

ગોધરાકાંડનો દાયકો: દેશની પાર્ટીઓને રાજકીય લાભ, મોદી માટે વૈશ્વિક નુકશાન


decade of godhra carnage cm narendra modi gets more political gain and tolerate most of the political disadvantages

10 વર્ષનો સમય આજના ઝડપી યુગમાં ઘણા પરિવર્તનો વાળો હોય છે. ગુજરાતમાં 10 વર્ષ પહેલા ગોઝારો ગોધરાકાંડ સર્જાયો અને તેની આગમાં રાજ્યની સદભાવના સળગી. પરંતુ આજે ખરેખર જાણે કે ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોના અઘોષિત પસ્તાવા સ્વરૂપે ગુજરાતના એક દાયકાથી સત્તાસીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન હેઠળ 36 ઉપવાસો કર્યા. 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂટનનો ત્રીજો નિયમ ક્રિયાની પ્રતિક્રિયા સમજવાતા હતા અને 2012માં તેઓ સદભાવના મિશન ચલાવી રહ્યા છે. આ ઘણું મોટું પરિવર્તન છે. પરિવર્તન માત્ર નરેન્દ્ર મોદીમાં આવેલુ પરિવર્તન નથી, પરંતુ દેશની રાજનીતિમાં આવેલું અને રાજ્યની રાજનીતિમાં આવી રહેલું મોટું પરિવર્તન છે.

2002માં ગુજરાતમાં ભાજપ અને કેન્દ્રમાં વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકારો હતી. ગુજરાતની ગોઝારી ઘટનાઓ બાદ ભાજપે કડક હિંદુત્વના મુદ્દા ધીમે ધીમે છોડવાની શરૂઆત કરી અને પોતાના એજન્ડા વિકાસ અને વાજપેયીની આસપાસ સેટ કરીને ફીલગુડ તથા ઈન્ડિયા શાઈનિંગના કેમ્પેઈન કર્યા. ભાજપે 2002 પછીની ગુજરાતને બાદ કરતાં એકપણ ચૂંટણી કટ્ટર હિંદુત્વના મુદ્દાઓ પર લડી નથી. 2005 સુધીની ચૂંટણીઓમાં ગોધરાકાંડ અને તેના પછીની ગુજરાતની ઘટનાઓમાં હિંદુ હીરો બની ચુકેલા નરેન્દ્ર મોદીનો પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારે ભાજપને જીતવા માટેના વોટ અપાવ્યા નથી. તેને કારણે 2007 પછીની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને પ્રચારમાં એક યા બીજી રીતે દૂર રાખવામાં આવ્યા. જ્યારે બિહારની વિધાનસભાની ચૂંટણી ટાણે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પ્રચારથી દૂર રાખવા માટેના સ્પષ્ટ સંદેશ ભાજપ હાઈકમાન્ડને આપી દીધા. તેના કારણે નરેન્દ્ર મોદીની બિહારની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા ન હતા, તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએએ મોટી સફળતા મળી.

બિહારની ચૂંટણી વખતે પોતાની ઈમેજને લઈને ઉભા થયેલા વિવાદના સંકેતો નરેન્દ્ર મોદી સમજે નહીં તેવા નાસમજ નથી. ગુજરાતમાં સીએમ તરીકે ગોધરાકાંડ બાદની ઘટનાઓને કારણે મળેલી ઈમેજને કારણે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત અને સ્થિર થયા, તે ઈમેજ તેમના પીએમ બનવાની મહત્વકાંક્ષામાં મોટી અડચણ બની શકે છે. આનો અહેસાસ થયા બાદ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સભાનપણે પોતાનો ઈમેજ મેકઓવર કરવાના જુદાંજુદાં પ્રયત્નો આદર્યા. ગુજરાતમાં મુસ્લિમો સુખી હોવાનો સચ્ચર સમિતિનો રિપોર્ટ દેશભરમાં પ્રચારીત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સચ્ચર કમિટીનો ભાજપે શરૂઆતથી વિરોધ કર્યો હતો અને તેને દેશવિભાજનના ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.

2002માં કમનસીબ ઘટનાઓ બાદ ગૌરવ યાત્રા થકી પાંચ-પચ્ચીસ અને મિયાં મુશર્રફના જુમલાથી પોતાના આગવા હિંદુત્વથી મોદીત્વ સુધીનું રાજકારણ ખેલનારા નરેન્દ્ર મોદીને તેમની હિંદુ ઈમેજે પક્ષ અને સંઘ પરિવારમાં જબરદસ્ત રીતે મજબૂત બનાવી દીધા. મહત્વપૂર્ણ છે કે 2002ની રમખાણો બાદ ગોવા મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં જ્યારે મુખ્યમંત્રી મોદીએ પદ છોડવા માટે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેના વિરોધમાં ભાજપના નેતાઓ એકી અવાજે ઉભા થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી. તેના પરથી ક્યાસ લગાવાય રહ્યા હતા કે ગુજરાતની ઘટનાઓથી અટલ બિહારી વાજપેયી ખુશ ન હતા અને તેઓ નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવા ચાહતા હતા. ગોવા બેઠકમાં તેના માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામાનો પ્રસ્વાવ મૂકીને વાજપેયી જૂથનો ખેલ બગાડી નાખ્યો હતો. અડવાણીએ પોતાની આત્મકથા- માય કન્ટ્રી, માય લાઈફમાં કેટલેક ઠેકાણે મોદી ગુજરાત રમખાણો વખતે પુરજોર સમર્થન કર્યું હોવાની વાત છે. રાજકીય વર્તુળોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ગુજરાતની કમનસીબ ઘટનાઓ પછી પણ ચાલુ રખાવવામાં અડવાણીની મોટી અને પ્રભાવી ભૂમિકા હતી.

ગૌરવયાત્રાના પ્રચાર કાર્ય નીચે નરેન્દ્ર મોદી 2002ની ચૂંટણી તમામ પ્રકારના તેમના વિરોધી પ્રચાર છતાં ભવ્ય રીતે જીતી ગયા. પરંતુ ખરો રાજકીય ખેલ ત્યાર પછી જ શરૂ થયો. ગુજરાતમાં કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નરેન્દ્ર મોદીની સરકારમાં રહેલા મંત્રીઓને એક પછી એક સાઈડ લાઈન કરવાની શરૂઆત થઈ. તેને કારણે નરેન્દ્ર મોદીની સ્ટાઈલ ઓફ ફંક્શનિંગને કારણ બનાવીને અસંતોષનું વાતાવરણ પેદા થયું. તેને ગુજરાતના સંઘ પરિવારના જ કેટલાંક નેતાઓનો દોરીસંચાર હોવાનું પણ ચર્ચામાં આવ્યું. 2004 સુધીમાં તો નરેન્દ્ર મોદીની સામેનો વિરોધ ઘણો પ્રખર અને મુખર બન્યો. પરંતુ નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ ડગાવી શક્યા નહીં. કારણ કે નરેન્દ્ર મોદીની જનતામાં હિંદુ હીરોની ઈમેજે તેમને ગુજરાતના રાજકારણમાં મોટી રાજકીય તાકાત આપી. ગુજરાતને હિંદુત્વની લેબોરેટરીમાં ફેરવવામાં સફળ થયેલો સંઘ પરિવાર મોદીની હિંદુ ઈમેજ સામે વામણો સાબિત થયો. તેના કારણે એક પછી એક કેશુભાઈ જૂથના ગણાતા ભાજપના મંત્રીઓ અને નેતાઓને અવગણીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા ભાજપ હાઈકમાન્ડ અને સંઘ પરિવારના શીર્ષસ્થ નેતૃત્વની મજબૂરી બની ગઈ.

2007ની ચૂંટણી ટાણે પણ ઘણાં જ્ઞાતિ સંમેલનો થયા. નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ નેતાઓમાં મોટાભાગે પટેલ સમુદાયના નેતાઓનો સમાવેશ થતો હતો. તો સંઘ પરિવારના પટેલ નેતાઓ પણ મોદીથી ખાસા નારાજ હતા. તેને કારણે પટેલ સંમેલનો અને ઝડફિયા દ્વારા નવી મહાગુજરાત જનતા પાર્ટીએ મોદી વિરોધી મુહિમની રાજકીય ફ્રન્ટ ખોલી નાખી હતી. તેમ છતાં ગોધરાકાંડના અંડર કરંટ, મોદીની તે સમયની ભૂમિકામાં ઉછળેલી હિંદુ ઈમેજ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સંદર્ભે મોતના સોદાગર જેવો સોનિયા ગાંધીનો બફાટ ફરીથી મોદીને ચૂંટણી જીતવા માટેની સફળતા આપી ગયો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ભાજપ અને સંઘ પરિવારના અન્ય નેતાઓને વામણા સાબિત કરવામાં સફળ થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદેશ સ્તરના નેતાઓને એક પછી એક ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા અને ગુજરાતના નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા. મોદીએ ભાજપ અને સંઘ પરિવાર પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ ગુજરાતમાં સ્થાપી દીધું. આ બધી વાત એટલા માટે શક્ય બની કારણ કે મોદીની પ્રજામાં અંકિત થયેલી હિંદુ હીરોની ઈમેજે તેમને ખૂબ પ્રભાવી રાજકીય સ્થિરતા આપી.

પરંતુ નરેન્દ્ર મોદીની આ જ હિંદુ હીરોની ઈમેજ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકાથી હજી સુધી વંચિત રાખી રહી છે. નીતિશ કુમારનો મોદી માટેનો રાજકીય અણગમો તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ખુદ નાગપુરમાં નગરપાલિકામાં સત્તા પર કાબિજ થવા માટે ભાજપે મુસ્લિમ લીગનો ટેકો લીધો છે. નાગપુર ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીનું વતન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક છે. એટલે કે ભાજપ મુસ્લિમ લીગની મદદ લેવા માટે તૈયાર થાય છે, પરંતુ મોદીની મદદ લેવા માટે હવે 2005 જેવી ઉત્સુકતા દાખવતું નથી. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી અને મહારાષ્ટ્ર-મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર અભિયાનથી નરેન્દ્ર મોદી દૂર રહ્યા છે. જો કે તેના માટે જવાબદાર નરેન્દ્ર મોદીને ગણવામાં આવી રહ્યા છે અને તેમના ગડકરી અને યૂપી ચૂંટણી પ્રભારી સંજય જોશીના પાર્ટીમાં પુનર્પ્રવેશને કારણ ગણવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડવા માટે કોઈ ગંભીર પ્રયત્નો થયા હોય તેવું હજી સુધી બહાર આવ્યું નથી.

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા હોવાના નિવેદનો કરે છે. તેમનું નિવેદન છે કે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના છ ઉમેદવારોમાંના એક છે. તેના સ્પષ્ટ સંકેત છે કે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ 2009ની ચૂંટણી માટે ભાજપે પોતાના તરફથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, તેવી કોઈ વાત નરેન્દ્ર મોદી માટે 2014ની ચૂંટણીમાં થવાની નથી. ભાજપ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં 2014ની ચૂંટણી વખતે વડાપ્રધાન પદના 6 ઉમેદવારો હશે. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીની બની ગયેલી ઈમેજને કારણે બધાં તેમનામાં વડાપ્રધાન પદે પહોંચવાની ક્ષમતા જોઈ રહ્યા છે, પરંતુ પાર્ટીના કોઈ નેતા એવું નથી કહી રહ્યા કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે માત્ર નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. તેની પાછળ એનડીએનું રાજકારણ અને અન્ય ઘટકદળોના રાજકીય ગમા-અણગમાની મોટી ભૂમિકા રહેલી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં ગુલમર્ગ હત્યાકાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સદભાવના મિશનની શરૂઆત કરી હતી. તેઓ હવે ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત હિંદુત્વના રાજકારણ પરથી આગવા મોદીત્વના સેક્યુલર રાજકારણ પર સ્વિચ ઓવર કરવા માગતા હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2011થી અત્યાર સુધી માત્ર સદભાવનાના નામે સેક્યુલર રાજકીય દ્રષ્ટિકોણની વાત જ કરી છે. તેમણે ભારતમાં ક્રિકેટ મેચ જોવા આવનારા પાકિસ્તાનીઓને અજમેરના વિઝા આપવાની વાત પણ કરી. તેમણે કરાચીના મુસ્લિમ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ ઉત્સાહથી ફોટા પણ પડાવ્યા. ગોધરાકાંડ વખતે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે જવાબદાર લોકો અને તેમના આકાઓને નહીં બક્ષવાની વાત કરી હતી. પરંતુ સદભાવના મિશન અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા ઉપવાસના કાર્યક્રમના ભાષણમાં મોદીએ એકપણ વખત ગોધરાકાંડને યાદ કર્યો ન હતો. તેમણે ખૂબ સિફતપૂર્વક ગોધરાકાંડનો ઉલ્લેખ ટાળ્યો હતો. આ સદભાવના ઉપવાસ ગોધરાકાંડની 10મી વરસીના લગભગ સવા માસ પહેલા જ ગોધરામાં યોજાયા હતા.

આમ જોવો તો ગોધરાકાંડ અને તેના પછીના રમખાણોનો સૌથી વધારે રાજકીય ફાયદો મેળવનાર એક જ વ્યક્તિ છે અને તે હિંદુ હીરો બનેલા નરેન્દ્ર મોદી છે, કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશીના પાયા ત્યાર પછી વધારે મજબૂત થયા છે. તો આ ઘટનાઓનું સૌથી વધારે નુકસાન ભોગવનાર વ્યક્તિ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કારણ કે ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગે મુસ્લિમો છે. તેને કારણે દેશભરમાં તેમની મુસ્લિમ વિરોધી છબીને ઉપસાવામાં આવી છે. જેને કારણે તેઓ ગઠબંધનની મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં અસ્પૃશ્ય બની ગયા છે. જેને કારણે તેમનું તમામ ક્ષમતાઓ છતાં વડાપ્રધાન પદે પહોંચવું હાલ અઘરું લાગી રહ્યું છે.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સદભાવના મિશન એટલે મોદીનો ગુજરાતમાં પ્રિપોલ સર્વે


sadbhavna mission is modi's prepole servey in gujarat

ગુજરાતમાં સદભાવના મિશન થકી નરેન્દ્ર મોદી નવા રાજકીય પ્રયોગો કરી રહ્યા છે. આના દ્વારા પ્રજાનો મૂડ જાણવા માટે કોઈ પ્રિપોલ સર્વે થઈ રહ્યો હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મોદીના સદભાવના મિશનમાં વિરોધીઓને પડકાર ઝીલવા આહ્વવાન અને પોતાની રાષ્ટ્રીય છબી વધુ ચમકાવાની વ્યૂહરચના પણ સામેલ છે. મોદી દરેક સદભાવના કાર્યક્રમમાં તેમની સરકાર દ્વારા થયેલા વિકાસના કાર્યોને ખૂબ પબ્લિસિટી કરી રહ્યા છે. આને રાજકીય વિશ્લેષકો 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો જીતાડવાની મોદીની વ્યૂહરચના તરીકે જોઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી દેશના એવા રાજકારણી છે કે જેમને પસંદ કરો કે નાપસંદ, પણ તેમને અવગણી શકો નહીં. આઝાદ ભારતના પ્રવર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી એવું નામ છે કે તેમને દેશ-દુનિયાના સમાજ અને રાજકારણના ચોક્કસ વર્ગમાંથી નાપસંદગીનો સામનો કરવો પડે છે. પરંતુ તેમના તરફ સદભાવના દાખવનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. જો કે 17 સપ્ટેમ્બર, 2011થી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલું સદભાવના મિશન તેના આખરી તબક્કામાં છે. 55 કલાકના સદભાવના ઉપવાસ શરૂ કરીને મોદીએ અમદાવાદ ખાતે પોતાના રાજકારણને નવી દિશા આપવાનું નક્કી કર્યું. તેમ છતાં તેઓ આ સદભાવના ઉપવાસને રાજકીય પગલું ગણાવતા નથી. ગુજરાતભરના જિલ્લા મથકો પર મોદીના સદભાવના મિશન અંતર્ગત ઉપવાસના આખરી તબક્કામાં રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.

ગુલમર્ગ કાંડના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આ મામલો અમદાવાદની સ્થાનિક કોર્ટને સોંપી દીધો છે. જેને મોદીએ પોતાને મળેલી જીત ગણીને સદભાવના મિશનનું એલાન કર્યું. જો કે આ મામલે અર્થઘટનના અલગ અભિપ્રાયો પણ પ્રવર્તી રહ્યા છે. પરંતુ અહીં તેમણે પોતાના પરના રમખાણોના ડાઘ ધોઈને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃત થવાનો મોકો ઝડપી લીધો છે. સદભાવના ઉપવાસના પ્રથમ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે અડવાણી, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ સહીતના ભાજપના મોટા ગજાના નેતાઓ ગુજરાત આવ્યા અને તેમણે ગુજરાતમાં આવીને મોદીની કુશળ પ્રશાસક તરીકેની ક્ષમતાઓના વખાણ કર્યા. અડવાણીએ પોતાના બ્લોગમાં આડકતરી રીતે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ ગણાવ્યા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ સત્કર્મ ઉપવાસની શરૂઆત કરીને મોદીના સદભાવના મિશનનો રાજકીય જવાબ આપ્યો છે.

જાણકારોનું માનીએ તો નરેન્દ્ર મોદી જેવા ચાણક્ય બુદ્ધિવાળા રાજકારણીનું કોઈપણ પગલું ગણતરી વગરનું હોઈ શકે નહીં. વળી સદભાવના મિશનનું પાસું ફેંકીને મોદીએ એક જ તીરે અનેક નિશાન પાર પાડયા છે. ગુજરાત વિધાનસભાની ટર્મ 2012માં પૂર્ણ થઈ રહી છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં ચૂંટણીઓ આવશે. 2002માં ગોધરા વેવ અને 2007માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે સોનિયા ગાંધી દ્વારા મોદીને પરોક્ષ રીતે મોતના સોદાગર ગણાવતી ટીપ્પણીએ તેમની જીતમાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ 2012ની ચૂંટણી અગાઉની બંને ચૂંટણી કરતાં ઘણી અલગ હશે. આ ચૂંટણીમાં હાલ કોઈ સંવેદનશીલ અને ભાવનાશીલ મુદ્દાઓ અસ્તિત્વમાં નથી. પરંતુ હજી પણ 2002ના રમખાણોને ગુજરાત બહાર મુદ્દો બનાવીને રાજકારણ જરૂરથી ખેલાય છે, પરંતુ રાજ્યમાં આ સ્થિતિ શક્ય નથી. જો કે રાષ્ટ્રીય રાજકારણના અલગ ગણિત હોય છે. પરંતુ મોદીએ સદભાવના મિશનથી આવા લોકોને જવાબ આપવાની નીતિ અખત્યાર કરી હોય તેવું દેખીતી રીતે લાગે છે.

પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2012ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો જીતવા માંગે છે. આ સદભાવના મિશન મોદી દ્વારા સરકારી ખર્ચે ચાલી રહેલો પ્રિપોલ સર્વે જ છે. દરેક જિલ્લા મથકે સદભાવના ઉપવાસના કાર્યક્રમ દ્વારા દરેક મહાનગર અને જિલ્લામાં પ્રજાનો મૂડ પારખવાની મોદીને તક મળે છે. આની સાથે જિલ્લા મથકોમાં સંગઠનની તાકાત જાણવાનો સીધો અવસર પણ મળે છે.

જો કે રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે મોદી સદભાવના ઉપવાસથી પોતાને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વસ્વીકૃત નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તેમની ઘાટી બનેલી હિંદુત્વના પોસ્ટરબોયની છાપ ભૂંસીને વિકાસ પુરુષની છાપને સદભાવના પુરુષમાં બદલવા માટે કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે, પરંતુ તેઓ મતોનું ધ્રુવીકરણ ઉભું કરનારા નેતા પણ ગણવામાં આવે છે. તેને કારણે તેમને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નીતિશ કુમારના દબાણ હેઠળ પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. સદભાવના મિશનમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં મંચ પર દેખાડીને મોદી પોતે મુસ્લિમોમાં વિકાસને કારણે સ્વીકૃત થયા હોવાનો સંદેશ પણ આપવા માંગે છે.

સદભાવના મિશનના શરૂઆતના તબક્કામાં મુસ્લિમોને સદભાવના સ્થળ અને મંચ પર લાવવા માટે ભાજપે ખાસ જહેમત ઉઠાવી હતી. પરંતુ હવે છેલ્લા કેટલાંક સદભાવના ઉપવાસથી મોદીએ પોતાની રણનીતિ બદલી છે. રાજકીય વિશ્લેષકનું માનીએ તો તેની પાછળનું કારણ કોંગ્રેસ દ્વારા લઘુમતીઓને ઓબીસીના 27.5 ટકાના ક્વોટામાંથી 4.5 ટકાના સબક્વોટાની જાહેરાત કરવામાં આવી તે છે. તાજેતરની પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે ધાર્યા કરતા સારો દેખાવ કર્યો છે. આની સમીક્ષા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી છે. ત્યારે કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિ દરમિયાન કોંગ્રેસે જ તેમને મુદ્દો આપી દીધો છે.

કોંગ્રેસની ઓબીસી વોટબેંકમાં ગાબડા પાડવાની રણનીતિ પર મુખ્યમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. મોદી ખુદ ઓબીસી વર્ગમાંથી આવતા નેતા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે તેઓ ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓ માટેના સબક્વોટાનું સમર્થન પણ કરી શકશે નહીં અને તેનો વિરોધ પણ કરી શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ચૂંટણી અભિયાનના પ્રભારી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પણ ઓબીસી વર્ગમાંથી આવે છે. આવી સ્થિતિમાં મોદી ઓબીસી કાર્ડ ખેલીને કોંગ્રેસને ચિત્ત કરવા ઈચ્છતા હોય તે સ્વાભાવિક છે. વળી કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે લઘુમતીઓના સબક્વોટા 9 ટકા કરવાનું વચન પણ આપ્યું છે. કોંગ્રેસના મોવડી મંડળનો નિર્ણય ઉત્તર પ્રદેશના 19 ટકા મુસ્લિમ મતોને અંકે કરવા માટે લેવાયો છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ આ નિર્ણયની તરફેણ કરે, તો ઓબીસી નારાજ થાય તેમ છે. વળી તેઓ આ નિર્ણયનો વિરોધ કરે, તો મોવડી મંડળ અને મુસ્લિમો નારાજ થાય તેવી સ્થિતિ છે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસની લઘુમતી અનામત મુદ્દે કફોડી સ્થિતિનો લાભ લઈને ભાજપ રાજ્યભરમાં બક્ષીપંચને એકજૂટ કરવાની રણનીતિ પર કામે લાગી છે. તેના માટે ભાજપનું પ્રદેશ એકમ બક્ષીપંચના સંમેલનોની તૈયારી પણ કરી રહ્યું છે. વળી સંગઠનને મજબૂત કરવા માટે ફરી એક વખત ટિફિન બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. 11 ફેબ્રુઆરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવા માટે જિલ્લા, મહાનગર, તાલુકા કક્ષાએ ટિફિન બેઠકોનું આયોજન થવાનું છે. ભાજપનું સંગઠન 16થી 20 ફેબ્રુઆરીના ગાળામાં ઝોનલ બેઠકોનું પણ આયોજન કરી રહી છે. 4 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે જિલ્લાવાર યુવા સંમેલનો પણ યોજાશે.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીનું સદભાવના મિશન હકીકતમાં લોકો વચ્ચે સીધા પહોંચવાનું મિશન છે. તેના દ્વારા કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિને પણ આગળ વધારવામાં આવશે. આ સદભાવના મિશન મોદી વિરોધીઓને પડકારવાનું આહ્વવાન પણ છે. જાણકારોના મત પ્રમાણે, નરેન્દ્ર મોદીની પ્રજામાં પક્કડ માટે યુવા સંમેલનો, મહિલા સંમેલનો, ગરીબ મેળા, ટિફિન બેઠકો અને સામાજિક સંમેલનોનો ઘણો મોટો ફાળો છે અને મોદી આવી જ કોઈ રણનીતિથી રાજ્યના લોકોમાં ભાજપને 150 બેઠકો જીતાડવા માટે મોદી જીતોડ કોશિશ કરશે. આશા કરવામાં આવે છે કે મહિલા સંમેલનો અને ગરીબ કલ્યાણ મેળા જેવી જ સફળતા મોદીને તેમના સદભાવના મિશનમાં સાંપડશે.

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

મોદીને મુસ્લિમ ટોપી-કાફા પહેરાવા આવનારાઓ જવાબ આપે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણનો સૌથી મોટો હિંદુવાદી ચહેરો, ભારતીય રાજનીતિનો સૌથી વિવાદીત ચહેરો. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન અંતર્ગત દરેક જિલ્લા મથકે એક દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. તાજેતરમાં નવસારી ખાતેના તેમના સદભાવના ઉપવાસને પણ વિવાદમાં ઢસડવામાં આવી રહ્યો છે. નવસારીમાં એક મુસ્લિમ મૌલવીએ નરેન્દ્ર મોદીને કાફા (મુસ્લિમ સ્કાર્ફ) ઓઢાડવાની ચેષ્ટા કરી છે. નરેન્દ્ર મોદીએ કાફા લેવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલો મોકો નથી કે જ્યારે મુસ્લિમ ઓળખ સાથે વણાયેલા ચિન્હોને લઈને નરેન્દ્ર મોદી વિવાદમાં આવ્યા હોય. 17મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી અમદાવાદ ખાતેના 55 કલાકના સદભાવના ઉપવાસના બીજા દિવસે પણ આવી જ ઘટના બની હતી. ઈમામ શાહી સૈયદ નામના સૂફી સંતે સ્થાનિક મુસ્લિમ આગેવાન સાથે મોદીના મંચ પર આવીને તેમને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી હતી. જો કે તે વખતે પણ મોદીએ મુસ્લિમ ટોપી પહેરવાનો વિનમ્રતાથી ઈન્કાર કરી દીધો હતો. પરંતુ સૂફી સંતે પોતાના ગળામાં રહેલી શાલ કાઢીને મોદીને પહેરાવી હતી. ત્યાર બાદ એક ગુજરાતી અખબારે ઘટસ્ફોટ કર્યો કે મોદીને ઓઢાડવામાં આવેલી શાલ કબર પર ઓઢાડવાની ચાદર હતી!

ગુજરાતમાં છેલ્લા દશ વર્ષથી શાંતિનો માહોલ છે. હકીકત છે કે શાંતિ માટે સદભાવના એક મોટું કારણ હોય. ગુજરાતમાં વડોદરા અને અન્ય કેટલેક ઠેકાણે નાના છમકલાને બાદ કરતાં કોઈ મોટા કોમી રમખાણો 2002 બાદ થયા નથી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ચાર જેટલી ઓટોમોબાઈલ્સ કંપનીઓ આવી છે. ગુજરાતનો વિકાસ દર દેશના વિકાસ દર કરતાં ઘણો આગળ છે. દેશના કૃષિ વિકાસ દર કરતાં ગુજરાતનો વિકાસ દર પણ વધારે છે. ગુજરાતમાં ગરીબો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. આ બધી સિદ્ધિ છેલ્લા દશ વર્ષમાં પ્રાપ્ત થઈ છે. યોગાનુયોગ છેલ્લા દશ વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે આનો શ્રેય નરેન્દ્ર મોદીને મળે તે સ્વાભાવિક છે. પરંતુ મોદીની વહીવટી ક્ષમતા અને વિકાસ દ્રષ્ટિ સાથે ગુજરાતની પ્રજાની તાસિર કંઈક એવી છે કે તેઓ સતત આગળ વધતાં પ્રગતિના પંથે વિકાસની દોડ દોડી રહ્યાં છે. ભારતમાં સૌથી પહેલું ડ્રાઈવ ઈન સિનેમા 70ના દશકામાં ગુજરાતમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારના સર્વેક્ષણ પ્રમાણે, આખા દેશમાં સૌથી વધારે ફોર વ્હીલર ગુજરાતમાં હતા. ગુજરાતનો વિકાસ સદભાવના વગર શક્ય નથી. પરંતુ તેની સાથે હકીકત પણ એ છે કે 1969, 1985, 1992 અને 2002ના કોમી રમખાણોએ ગુજરાતની સદભાવનાને તોડી છે. રમખાણો માટે કોઈ એક કોમ પર દોષનો ટોપલો ઢોળી દેવો યોગ્ય નથી. રમખાણો માટે કોઈ કોમ વધારે કોઈ કોમ ઓછી જવાબદાર હોઈ શકે, પણ જવાબદાર તો બંને કોમો છે. દરેક રમખાણોમાં મુસ્લિમો તરફથી આક્રમક વ્યવહાર અને વર્તને ઘણો મોટો ભાગ ભજવ્યો છે. સદભાવના ખોરવાતા ગુજરાતના વિકાસને મોટો ધક્કો પણ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી સદભાવના મિશન કરીને ગુજરાતને રમખાણમુક્ત રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે, તે ઘણી પ્રશંસનીય બાબત છે.

પરંતુ સદભાવના મિશન દરમિયાન નરેન્દ્ર મોદીને બે મુસ્લિમ પ્રતિકો ભેટ આપવાની ચેષ્ટા ભારતમાં મુસ્લિમોના માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં આઝાદી પછી તુરંત મુસ્લિમ ટોપીઓ સાથેના હિંદુ નેતાઓ મુસ્લિમ સમુદાય જોતો આવ્યો છે. મુસ્લિમોના સરઘસો, પ્રસંગોમાં સામેલ થનારા મોટાભાગના હિંદુ નેતાઓ પોતાને સેક્યુલર ગણાવવા માટે મુસ્લિમ ટોપી પહેરતા અને કાફા ઓઢતા નજરે પડયા છે. જવાહરલાલ નેહરુથી માંડીને વાજપેયી અને અડવાણી સુધીના નેતાઓ મુસ્લિમોના દિલ જીતવા માટે આ કિમીયા અપનાવી ચુક્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનમાં હિંદુ નેતાઓ સેક્યુલર ગણાવા મુસ્લિમ ટોપી અને કાફા પહેરતા હોવાની સામાન્ય મુસ્લિમ ધારણા તોડી રહ્યાં છે. તેના કારણે દેશમાં મીડિયામાં કકળાટ થઈ રહ્યો છે કે આનાથી નરેન્દ્ર મોદી શું કહેવા માંગે છે? શું સાબિત કરવા માંગે છે?

પરંતુ અહીં પ્રશ્ન એ છે કે હિંદુ નેતાઓ સેક્યુલર દેખાવા માટે મુસ્લિમ ટોપી અને કાફા જેવા પ્રતિકોને પહેરવા કેમ જરૂરી છે? શું દેશમાં મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓ હિંદુ સમારંભોમાં અને પ્રસંગોમાં તિલક, ત્રિપુંડ, માળા જેવાં હિંદુ ધાર્મિક ચિન્હોને દેખાવ ખાતર પણ પહેરે છે?

દેશના ઉપરાષ્ટ્રપતિ પદે રહેલા એક મુસ્લિમ મહાનુભાવે પણ વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કર્યો હતો. તેમનું પણ આમ મુસ્લિમ માન્યતાની જેમ માનવું હતું કે વંદે માતરમ દેવી દુર્ગા માતા સ્વરૂપે ભારતની સ્તુતિ છે. આવી સ્તુતિ ઈસ્લામની વિરુદ્ધ છે. ત્યારે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી, કાફા જેવાં પ્રતિકો પહેરાવા આવનારા મૌલવીઓ અને મુસ્લિમોની વંદે માતરમ ગાવાની તૈયારી છે? દેશના મુસ્લિમ રાષ્ટ્રપતિએ જ્યારે શંકરાચાર્યના હાથે તિલક કરાવ્યું હતું, ત્યારે પણ કટ્ટર માનસિકતાના મુસ્લિમ માનસે રોષ વ્યક્ત કર્યો હતો.

શું તેઓ માથા પર હિંદુ વિધિ પ્રમાણેનું તિલક કરાવશે? હિંદુ ધર્મના ભાવનાથી અપતા પ્રતિકો સ્વીકારીને દેશમાં મુસ્લિમો પોતાની સદભાવના સ્વીકારશે? જો મુસ્લિમોના નેતાઓ અને મૌલવીઓએ દેશના આમ મુસ્લિમમાં આવી સદભાવનાનું સિંચન કર્યું હોત, તો ભારતના ભાગલા થયા ન હોત.

હિંદુ ધાર્મિક ચિન્હોની વાત જવા દો, શું દેશનો મુસ્લિમ સદભાવના ખાતર દેશમાં ગોહત્યા બંધ કરવાનું વચન કે ખાતરી આપવા માટે તૈયાર છે? મોદીના સદભાવના મિશનમાં મુસ્લિમ ટોપી અને કાફા પહેરાવનારા મૌલવીઓએ ગૌહત્યા નહીં કરવાની કોઈ ખાતરી નરેન્દ્ર મોદીને લેખિત કે અન્ય સ્વરૂપે આપી છે?

ગુજરાત અને દેશના ઘણાં ભાગોમાં કેટલાંક મુસ્લિમ સંગઠનો દ્વારા લવ જેહાદ ચાલી રહી છે. તેમાં મોટાભાગે મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ભોળવીને તેમની સાથે લગ્ન કરે છે. મુસ્લિમ લગ્ન નિયમો પ્રમાણે, મુસ્લિમ સાથે મુસ્લિમના જ લગ્ન જાયજ છે. તેથી લગ્નને જાયજ કરવા માટે હિંદુ યુવતીઓના ધર્માંતરણ પણ કરવામાં આવે છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવાન ભોળવીને ભગાડી ગયો છે. તેણે પોલીસ સામે રજૂ કરેલા દસ્તાવેજોમાં હિંદુ યુવતી દ્વારા ઈસ્લામ કબૂલ કરાયાની વાત કરવામાં આવી છે. જો કે યુવતી દ્વારા ઈસ્લામ કબૂલવાની તારીખ તેના ઘરેથી ભાગી જવાના દિવસની તારીખ છે. બંનેના નિકાહ ત્યાર બાદ થયા છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદા પ્રમાણે, કોઈને પણ ધર્માંતરણ માટે એક માસ પહેલા મંજૂરી લેવી પડે છે. ત્યારે મુસ્લિમ યુવાનો દ્વારા મુસ્લિમ સંગઠનો દ્વારા ચલાવાય રહેલી લવ જેહાદ અટકાવા માટે કોઈ ખાતરી સદભાવના મિશનમાં આપવામાં આવી છે?

ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો છે. તેવામાં દરેક તહેવારની જેમ આ વખતે પણ આતંકવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અક્ષરધામ ખાતે આતંકવાદી હુમલો અને અમદાવાદમાં 19 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા છે. આ આતંકવાદી ઘટનાઓમાં સ્થાનિક ટેકાની વાત પણ ઉછળી છે. ત્યારે કોઈ સ્થાનિક મુસ્લિમોએ એવી કોઈ સદભાવનાની ખાતરી આપી છે કે તેઓ રાજ્યમાં કોઈપણ પ્રકારની કટ્ટરવાદી મુસ્લિમ માનસિકતાને વિકસવા દેશે નહીં. તેઓ રાજ્યમાં કોઈપણ આતંકવાદી પ્રવૃતિને કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન આપશે નહીં.

શું નરેન્દ્ર મોદીને સદભાવના મિશનમાં ટોપી અને કાફા પહેરાવનારા મુસ્લિમોએ એવી કોઈ ખાતરી આપી છે કે તેઓ ધાર્મિક ઝનૂન ફેલાવવા આવનારા પરરાજ્યોના મુલ્લા-મૌલવીઓને પોતાને ત્યાં આવવા દેશે નહીં?

જો સદભાવના મિશનમાં સદભાવના સાચા અર્થમાં સ્થપાય તેમ મુસ્લિમો ઈચ્છતા હોય, તો તેમણે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી, કબરની ચાદર અથવા તો કાફા પહેરાવતા પહેલા પોતાના તરફથી સદભાવનાની નક્કર ખાતરી આપવી જોઈએ. આવી ખાતરી આપવાની જગ્યાએ નરેન્દ્ર મોદી મુસ્લિમ ટોપી પહેરે તો જ મુસ્લિમો પ્રત્યે સદભાવના ધરાવે છે, નરેન્દ્ર મોદી કાફા પહેરે તો જ સેક્યુલર છે, આ તર્ક કેટલો વ્યાજબી ઠરશે? સવાલ સેક્યુલર દેખાવાનો ન હોવો જોઈએ, સવાલ સેક્યુલર હોવાનો હોવો જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે દરેક ધર્મની બાબતમાં સમદ્રષ્ટિ ન દાખવી તેની ચર્ચા થવી જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે મુસ્લિમોને નીતિઓને કારણે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા તેની ચર્ચા થવી જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે મુસ્લિમોને તેમના ધર્મ પાળવામાં અડચણ ઉભી કરવામાં આવી તેની ચર્ચા થવી જોઈએ. જો આવી ચર્ચાના કોઈ મુદ્દા અસ્તિત્વમાં ન હોય, તો નરેન્દ્ર મોદીની પ્રખર હિંદુવાદી નેતા તરીકેની છાપને ડૂબાડવા માટે તેમને મુસ્લિમ ટોપી અને કાફા પહેરાવાની ચેષ્ટાનો અર્થ શું નીકળે? આ અર્થો સમજી ન શકે તેવા નરેન્દ્ર મોદી નાસમજ નથી!

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

‘વિકાસ પ્લસ હિંદુત્વ’નો એજન્ડા જ મોદીને વડાપ્રધાન બનાવશે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થશે, તો પાર્ટી આપમેળે જ ઘણી બાબતોમાં સ્પષ્ટ થઈ જશે. સદભાવના મિશનના અનુભવ પછી જોઈ શકાયું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટની છબીમાંથી છટકી શકે તેમ નથી. સદભાવના મિશન ઉપવાસના બીજા દિવસે એક સૂફી સંતે મંચ પર નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી. હકીકતમાં નરેન્દ્ર મોદી સામે ટોપી પહેરવી અને ટોપી ન પહેરવીના બંને વિકલ્પોમાં નુકસાન હતું. તેમની પાસે ઓછું નુકસાન થાય તેવો વિકલ્પ પસંદ કરવાની રાજકીય મજબૂરી હતી. નરેન્દ્ર મોદી કટ્ટરવાદી છબી ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા બાદ થોડા મહીનાઓમાં ગોધરાકાંડની 56 હિંદુઓને ટ્રેનમાં સળગાવી દેવાની ઘટના બની. ત્યાર બાદ ગુજરાતે 2002માં મોટા રમખાણોના તબક્કામાંથી પસાર થવું પડયું. જનઆક્રોશના પરિણામે ગુજરાતમાં મુસ્લિમોને સૌથી વધારે જાનમાલની હાનિ ઉઠાવવી પડી. સેક્યુલર અંતિમવાદીઓના તર્ક-કુતર્કોને પરિણામે નરેન્દ્ર મોદીની છબી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કટ્ટર હિંદુવાદી નેતા તરીકે ઉપસી આવી. તો ગુજરાતની જનતાએ તેમને તમામ પ્રચાર-દુષ્પ્રચાર છતાં હિંદુ હ્રદય સમ્રાટ બનાવી દીધા. હિંદુ હ્રદય સમ્રાટની ઈમેજના આધારે નરેન્દ્ર મોદી ડિસેમ્બર-2002માં વિધાનસભાની ચૂંટણી મીડિયામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ અને દુષ્પ્રચારના ચક્ર છતાં જીત્યા. જો કે નરેન્દ્ર મોદી જાણતા હતા કે તેમને હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની મળેલી લોકચાહનાને પરિણામે ઉપસેલી છબી વાઘની સવારી છે. તેમ છતાં તેવા સંજોગોમાં તેમના માટે સેક્યુલર દેખાવાનો વિકલ્પ આત્મઘાતી હતો. તેના કારણે તેમણે હિંદુ હ્રદય સમ્રાટની છબીને જાળવી રાખીને વિકાસપુરુષ અને સુશાસક તરીકેની છબી ઉપસાવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.

તેના માટે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદે 2002માં ચૂંટાયા બાદ ગુજરાતમાં વિકાસ કાર્યોને નવી ઊંચાઈ આપી. ગુજરાતમાં વિકાસ સહજ રીતે થાય છે, પણ તેની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં મોદી સફળ થયા. ઉદ્યોગોના મૂડી રોકાણમાં છત્તીસગઢ અને બિહાર જરાય પાછળ નથી. છતાં ગ્લેમરાઈઝ્ડ પ્રચારે ગુજરાતને વિકાસ રાજ્યની ઈમેજ આપી. આ એ ગુજરાત છે કે જ્યાં 1969માં આખા ભારતમાં સૌથી વધારે ફોર વ્હીલર્સ હતા. તેના કારણે ભારતનું સૌથી પહેલું ડ્રાઈવ ઈન થિયેટર ગુજરાતમાં બનાવાયું હતું. રાજ્યનું ઔદ્યોગિકરણ પણ તેજ ગતિથી થાય તેના માટે તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને રાજ્યમાં દેશી-વિદેશી રોકાણને આકર્ષવા માટે કોશિશ કરી. તેમના આ પ્રયાસોને ધારી સફળતા મળી. તેની સાથે નરેન્દ્ર મોદીના પ્રચાર તંત્રે તેમની હિંદુ હ્રદય સમ્રાટની છબીના સ્થાને વિકાસપુરુષ અને સફળ સુશાસકની છબીને ઉંચકવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. તેમા નરેન્દ્ર મોદી 2007 સુધીમાં સફળ પણ થયા. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દા પર વોટ માંગવા માટે ચૂંટણી જંગમાં ઉતર્યા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે મોતના સોદાગર જેવો શબ્દ વાપરીને જીતના પવનની દિશા મોદી તરફ ફેરવી દીધી. 2002થી 2007ની ટર્મ દરમિયાન મોદીને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબીથી જ પોતાના ઘોર રાજકીય વિરોધીઓને એક પછી એક માર્ગમાંથી હટાવવામાં સફળતા મળી હતી. એટલે કે 2007માં તેમને હિંદુ હ્રદય સમ્રાટની છબીની કોઈ જરૂરત ન હતી. તેમ છતાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને રમખાણોની પૃષ્ઠભૂમિમાં મોદી માટે વપરાયેલા મોતના સોદાગર જેવાં સોનિયા ગાંધીના શબ્દોએ ભાજપ અને મોદીને ફરીથી હિંદુત્વના મુદ્દે જ જીત અપાવી દીધી.

પરંતુ રાજનીતિ મહત્વકાંક્ષાઓનો ખેલ છે. મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે રાજકારણીઓ એક ઈમેજ તોડીને બીજી ઈમેજ બનાવતા હોય છે. નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જઈને વડાપ્રધાનના સર્વોચ્ચપદની ઉમેદવારી કરવામાં સૌથી મોટી અડચણ છે. આ વાત નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. તેથી તેમણે 2009ની ચૂંટણી સુધીમાં પોતાની વિકાસપુરુષ તરીકેની છબીને વધારે દ્રઢ બનાવીને રજૂ કરી. તેના પરિણામે 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી એલ. કે. અડવાણી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા હોવા છતાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકશે અંબાણી, અનિલ અંબાણી અને સુનિલ મિત્તલ જેવાં ઉદ્યોગપતિઓએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા. 2009ની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી સંદર્ભે ઉદ્યોગપતિઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ પર ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, 2009ની ચૂંટણીમાં વિકાસપુરુષ બનવા મથી રહેલા કટ્ટર હિંદુવાદી ઈમેજમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટે ઉદ્યોગપતિઓ દ્વારા પહેલી પસંદ બતાવવાની વાતથી મતદારોમાં ગુંચવાડો ઉભો થયો હતો. જેના પરિણામે ભાજપને કોંગ્રેસ સામે સારો દેખાવ કરવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે 2009ની ચૂંટણીમાં ભાજપને દેશભરમાં મુસ્લિમોના અંદાજે માત્ર સાત ટકા મત મળ્યા હતા.

હવે જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં કોંગ્રેસ વિરુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે, ત્યારે ફરીથી અડવાણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નવી રથયાત્રા દ્વારા ભાજપને સક્રિય કરી રહ્યાં છે. તેનો રાજકીય અર્થ એવો લગાવાતો હતો કે અડવાણી હજીપણ વડાપ્રધાનપદની રેસમાં છે. બરાબર તેવા જ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુલમર્ગ કાંડમાં એસઆઈટી અને એમએક્સક્યુરીના રિપોર્ટો અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયને નરેન્દ્ર મોદીએ રમખાણોમાં પોતાને ક્લિનચીટ મળી હોવાનું ગણાવીને રાજકીય દાવ ખેલી લીધો. તેમણે સદભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં મુસ્લિમો દ્વારા અલ્લાહ હો અકબરના સૂત્રો પોકારાયા. આ સેક્યુલારિઝ્મના તમામ પ્રયોગો નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ઉપસાવા અને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી દૂર કરવા માટે કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું પણ ખરું કે તેમના સદભાવના મિશનના ઉપવાસ દેશમાં વોટબેંકની રાજનીતિનો અંત અને વિકાસની રાજનીતિની શરૂઆત છે. પરંતુ ઈમામ શાહી સૈયદ દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવાની ઘટનાએ નરેન્દ્ર મોદીના સદભાવના મિશન પર પાણી ફેરવી નાખ્યું. દેશભરના મુસ્લિમ સમુદાયમાં એક સંદેશ ગયો કે મુસ્લિમ ટોપી પહેરવાનો ઈન્કાર કરીને નરેન્દ્ર મોદી પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી યથાવત રાખવાનું નક્કી કરી ચુક્યા છે. જો કે આ બાબત નરેન્દ્ર મોદીની રાજકીય મજબૂરી હતી કે તેઓ ગુજરાતમાં 2012ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુસ્લિમ ટોપી પહેરીને કોઈપણ પ્રકારના રાજકીય આપઘાતને આમંત્રણ આપે નહીં. પરંતુ ટોપીકાંડથી નરેન્દ્ર મોદીના 2014ના મિશન દિલ્હીને કમરતોડ ફટકો પડયો છે.

સપ્ટેમ્બર માસમાં આવેલા અમેરિકી કોંગ્રેસની એજન્સીના રિપોર્ટમાં કહેવાય છે કે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર ગણાવાયા છે. તેમાં 2014નો ચૂંટણી જંગ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ હશે, તેવી વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના શાસનની પણ પ્રશંસા કરવામાં આવી છે. સદભાવના મિશન દરમિયાન અડવાણી સહીતના ભાજપના મોટામોટા નેતાઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર બની શકે તેવી વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી છે. ભૂતકાળમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ પોતાની નિયુક્તિ બાદ થોડા સમયમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાની વાત કહી છે. ભાજપના અરુણ શૌરી, એમએનએસના રાજ ઠાકરે સહીત ચીન-જાપાન જેવાં દેશોના મતે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર હોવાની વાતો સામે આવી છે. પરંતુ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો પક્ષ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરતો નથી. આવી સંભવિત પરિસ્થિતિમાં જેડીયૂએ એનડીએથી છેડો ફાડવા સુધીના અર્થની વાત પણ કહી છે. આમ એનડીએમાં ભાજપ બાદ દ્વિતિય ક્રમના પક્ષ જનતાદળ-યૂનાઈટેડે નરેન્દ્ર મોદીને એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નાપસંદ કર્યા છે.

અત્રે નોંધનીય છે કે બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને તેમની કટ્ટર હિંદુવાદી નેતા તરીકેની છબીને કારણે નીતિશ કુમારના કહેવાથી ભાજપે પ્રચાર કાર્યથી દૂર રાખ્યા હતા. કારણ કે નીતશ કુમારની સેક્યુલર છબી છે અને તેમને બિહારમાં 16 ટકા મુસ્લિમ મતોની ફિકર સતાવતી હતી. એમએનએસના રાજ ઠાકરેને સદભાવના મિશનના મંચ પર નરેન્દ્ર મોદી સાથે જોઈને ભાજપના જૂના સહયોગી શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેના પેટમાં તેલ રેડાયું છે. તો એઆઈએ-ડીએમકેના જયલલિતાએ પણ નરેન્દ્ર મોદીને હાલ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેલગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ અને ખુદ અણ્ણા હજારેએ પણ નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની સંભવિત ઉમેદવારી સામે જાહેરમાં નાખુશી વ્યક્ત કરી છે.

ત્યારે હાલ ‘વિકાસ માઈનસ હિંદુત્વ’ની નીતિ પર બે લોકસભા ચૂંટણી લડીને હારેલું ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવે તો જ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે વડાપ્રધાન પદે પહોંચવાનો રસ્તો ખુલ્લો રહે તેમ છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા સર્જરી અને કેમોથેરપીની સારવાર પૂરી થઈ ચુકી છે કે જેથી ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની રાજનીતિ પર ચૂંટણી લડવા માટે તૈયાર થાય? આ સવાલનો હાલ તો કોઈ જવાબ મળે તેવી શક્યતા નથી. જો કે પોતાની રથયાત્રા માટે મંજૂરી લેવા નાગપુર સંઘમુખ્યાલય ગયેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એવા સંકેત આપ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. તેવા સંજોગોમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદ માટે અન્ય વિકલ્પો પર વિચાર થશે. તેમાં જો ભાજપ વિકાસ માઈનસ હિંદુત્વની રણનીતિ નીચે ચૂંટણીમાં ઉતરશે, તો નરેન્દ્ર મોદી તેમની કટ્ટર હિંદુવાદી નેતાની છબીને કારણે પાર્ટી માટે પ્રચારમાં તો કામમાં આવશે, પરંતુ ગઠબંધનના યુગમાં વડાપ્રધાન તરીકની ઉમેદવારીના કામમાં નહીં આવે.

બીજી શક્યતાનો વિચાર કરીએ તો ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગળ વધે, તો નરેન્દ્ર મોદી હાલ ભાજપ તરફથી સૌથી મોટા ‘ક્રાઉડ પુલિંગ કટ્ટર હિંદુવાદી નેતા’ તરીકે વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ બની શકે. જો કે આ પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર મોદીએ સંઘ, સંઘ પરિવાર અને ભાજપમાં રહેલા પોતાના નારાજ, નાખુશ અને અસંતુષ્ટ સાથીદારોને માનવવા પડશે. કોર્પોરેટ જગતની વડાપ્રધાન તરીકેની પહેલી પસંદ બની ચુકેલા નરેન્દ્ર મોદી ખૂબ મોટાપ્રમાણમાં પાર્ટી ફંડ એકઠું કરે છે. પાર્ટી, સંગઠનો ફંડથી ચાલતા હોય છે, ત્યારે આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી માટે પોતાનાથી અસંતુષ્ટ, નારાજ અને નાખુશ સાથીદારોને મનાવવું અઘરું નહીં રહે.

બુધવાર, 21 સપ્ટેમ્બર, 2011

સદભાવના મિશન: મોદીનો સેક્યુલારિઝમ સાથેનો પ્રયોગ!


-આનંદ શુક્લ

આમ તો નરેન્દ્ર મોદીએ જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી અને કઠલાલ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ પોતાના સેક્યુલારિઝમના પ્રયોગો ચાલુ કરી દીધા હતા. ભારતીય રાજનીતિની પહેલી જરૂરિયાત છે કે વ્યક્તિએ રાષ્ટ્રવ્યાપી માન્યતા પ્રાપ્ત કરવા માટે સેક્યુલર દેખાવું પડે છે અને સેક્યુલર દેખાવા માટે મુસ્લિમો પોતાની સાથે હોવાનું બતાવવું પડે છે. મુસ્લિમોને પોતાની સાથે હોવાનું દેખાડવા માટે રાજકારણીઓ જુદાંજુદાં પ્રકારે તુષ્ટિકરણનો સહારો લે છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં મુસ્લિમો ઉમેદવારોને ભાજપની ટિકિટ આપવામાં આવી. પરંતુ પરિણામ આવ્યું કે જૂનાગઢમાં ભાજપના તમામ મુસ્લિમો હારી ગયા. જો કે મુસ્લિમો પોતાની સાથે હોવાનું દેખાડવું રાષ્ટ્રીય સ્તરે એનડીએમાં સ્વીકૃતિ મેળવવા માટે નરેન્દ્ર મોદી માટે રાજકીય મજબૂરી સુધીનું કારણ બની ગયું હતું. કઠલાલની પેટાચૂંટણીમાં ભાજપને 65 ટકા મુસ્લિમોના મતો મળ્યા હોવાની જાહેરાત ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યાર બાદ યોજાયેલી છ શહેરોની મહાનગરપાલિકામાં મુસ્લિમોના ત્રીસ ટકા વોટ મળ્યા હોવાનો ભાજપે દાવો કર્યો હતો. તો ત્યાર બાદ પંચાયતી ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો ઉભાં રાખ્યા હતા અને તેમાંથી માત્ર 200 મુસ્લિમ ઉમેદવારો ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. જમાલપુર, કાળુપુર, દરિયાપુર, શાહપુર, ભરૂચ, જામનગર, સૂરતની મુસ્લિમ બહુલ વિસ્તારની વોટિંગ પેટર્ન જોવામાં આવે, તો ભાજપને તેમણે પસંદ કર્યા હોય તેમ લાગતું નથી. છતાં ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ગુજરાતના મુસ્લિમો તેમના તરફ વળી રહ્યાં છે અને માટે વિકાસ તરફ વળી રહ્યાં હોવાની જોરશોરથી જાહેરાતો કરવામાં આવી છે.

તાજેતરમાં અમદાવાદના ગુલમર્ગ સોસાયટી કાંડમાં સુપ્રીમ કોર્ટે મામલો અમદાવાદના મેજીસ્ટ્રેટને સોંપ્યો છે અને પોતે કોઈ ચુકાદો આપવાનું ટાળ્યું છે. નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી તાત્કાલિક રાહતને તેમના દ્વારા ક્લિન ચીટ તરીકે પ્રચારીત કરવામાં આવી છે. તો પહેલી સપ્ટેમ્બરે અમેરિકન કોંગ્રેસની એજન્સી દ્વારા નરેન્દ્ર મોદીના ગુજરાતમાં વિકાસોન્મુખ શાસનની પ્રશંસા કરીને તેમને 2014માં વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની દાવેદારી મજબૂત કરવામાં માટે જ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસનું રાજકીય પાસું ફેંક્યુ હતું. સદભાવના મિશનના તડક-ભડકવાળા આયોજનમાં મુસ્લિમોને ટોપીમાં સજ્જ કરીને મોટી સંખ્યામાં લાવવા માટે ભાજપના પ્રદેશ એકમે સૂચનાઓ આપી હતી. ભાજપના લઘુમતી સેલે મુસ્લિમોને ત્રણ દિવસના ઉપવાસ આયોજનમાં મુસ્લિમોને રાજ્યભરમાંથી સારી એવી સંખ્યામાં લાવ્યા હતા.

આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં જય શ્રીરામ અને અલ્લાહુ અકબરના સૂત્રો એકસાથે લાગ્યા. નરેન્દ્ર મોદીએ તેનાથી સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેમણે પણ હવે પોતાનો રાજકીય કાયાકલ્પ કરવા માટે કટ્ટર હિંદુવાદી નેતાની છાપ ધીમેધીમે છોડવાની તૈયારી કરી દીધી છે. જો કે નરેન્દ્ર મોદીના આવા પ્રયત્ની સફળતા તરફ આશંકા યથાવત છે અને ભાજપ-એનડીએના તડા વધારે ખુલી ગયા હોય તેવો માહોલ બન્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને ઉપવાસ મંચ પર આવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી એક સારા વડાપ્રધાન બની શકે છે. પરંતુ ભાજપના સૌથી જૂના સહયોગી શિવસેનાને નરેન્દ્ર મોદીના મંચ પર તેમને છોડી ગયેલા રાજ ઠાકરેની ઉપસ્થિતિ ખૂંચી છે. શિવસેના સુપ્રિમો બાલ ઠાકરેએ સેક્યુલારિઝ્મના પ્રયોગો કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રામસેવકોની યાદ અપાવતા કહ્યું છે કે ગોધરાકાંડમાં હિંદુ રામસેવકો માર્યા ગયા હતા, જેથી આક્રોશિત થઈને હિંદુઓ જાગી ઉઠયા હતા. હવે તેમને ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મ સદભાવનું ઝેર પીવડાવીને મારો નહીં.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન કટ્ટરવાદી હિંદુ નેતાની છબીને કારણે નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાન માટે ત્યાં આવવાની મનાઈ ફરમાવી હતી. પહેલા તો નરેન્દ્ર મોદીના સદભાવના મિશન સંદર્ભેના પ્રશ્નનો બે હાથ જોડીને ચાલ્યા જઈને સ્પષ્ટ સંદેશ આપ્યો. ત્યાર બાદ મોદીના ત્રણ દિવસના ઉપવાસ પૂરા થયા બાદ તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી જનતાદળ-યૂનાઈટેડ નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈપણ હિસાબે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં. બિહારમાં 18 ટકા મુસ્લિમો છે અને જનતાદળ-યૂનાઈટેડના નીતિશ કુમાર સેક્યુલર છબી ધરાવે છે. નીતિશ કુમારને બિહારની રાજનીતિ કટ્ટરવાદી હિંદુનેતાની છબીમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવાની પરવાનગી આપતી નથી. આમ એનડીએમાં ભાજપના સૌથી મોટા સાથીદળ જનતાદળ-યૂનાઈટેડના વલણની મોદીની વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ સંદર્ભે મોટી અસર પડશે. આ સિવાય નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેક ક્ષેત્રોમાં નંબર વન કર્યું છે. પરંતુ અટલ-અડવાણી બાદ ભાજપના દ્વિતિય પંક્તિના નેતાઓમાં નરેન્દ્ર મોદી હજીપણ આધિકારીક રીતે નંબર વન બની શક્યા નથી. તેના કારણે નરેન્દ્ર મોદી પોતાની હિંદુવાદી નેતાની છબીમાંથી છટકવા માટે વિકાસપુરુષની ઈમેજને હંમેશા આગળ કરતાં નજરે પડે છે અને હવે મુસ્લિમો સાથે હોવાનું દેખાડીને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃતિ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

એઆઈએ-ડીએમકેના સુપ્રીમો અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના બે પ્રતિનિધિઓ મોદીના સદભાવના ઉપવાસમાં ગયા. જયલલિતાએ મોદીના ઉપવાસને સદભાવનાનું પ્રતિક તો ગણાવ્યા, પરંતુ તેમણે અત્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાતના કોમી રમખાણોને પરિણામે ઓરિસ્સાના નવીન પટનાયક, આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડી ગયા હતા. જયલલિતા પણ પહેલા એનડીએ સાથે હતા. અત્યારે તેઓ મોદીના સદભાવના મિશનને ટેકો આપી રહ્યાં છે, પરંતુ એનડીએ સાથે નથી.

એટલું જ નહીં, ઉપવાસના પહેલા દિવસે નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરનારા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હવે પોતાની 11 ઓક્ટોબરથી પ્રસ્તાવિત ભ્રષ્ટાચાર વિરોધી રથયાત્રાને ગુજરાતના સ્થાને બિહારથી કાઢવાના છે. નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના દરેક જીલ્લામાં જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસ કરવાની જાહેરાત બાદ અડવાણી માટે ફરીથી ગુજરાતમાંથી રથ પર ચઢવું અઘરું બની ગયું હતું. હવે તેઓ જયપ્રકાશ નારાયણની જન્મજયંતીએ બિહારમાં લોકનાયકના જન્મસ્થળ સિતાબદિયારથી રથયાત્રા કાઢશે.

નરેન્દ્ર મોદીએ 55 કલાકના ઉપવાસના પારણાં બધાં ધર્મના સંતો-મહંતો અને ધર્મગુરુઓ દ્વારા કર્યા. પરંતુ ઉપવાસના બીજા દિવસે ઠાસરાના ઈમામ શાહી સૈયદે મંચ પર આવીને મોદીને આશિર્વાદ આપીને ટોપી પહેરાવાની કોશિશ કરી. પરંતુ અન્ય પંથ-સંપ્રદાયોની પાઘડીઓ પહેરનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમામની ટોપી પહેરવાનો સ્પષ્ટ ઈન્કાર કરીને તેમને શાલ ઓઢાડવા માટે કહ્યુ હતુ.

ઈમામે મોદીને શાલ ઓઢાડવાનું સ્વીકારી લીધું. પરંતુ બાદમાં તેમણે કહ્યુ કે મોદી દ્વારા તેમના દ્વારા લાવવામાં આવેલી ટોપીને પહેરવાનો ઈન્કાર હકીકતમાં તેમનું વ્યક્તિગત નહીં, પણ ઈસ્લામનું અપમાન છે. મોદીનો ઈમામની ટોપી પહેરવાના વિવાદે દેશના મુસ્લિમોમાં ખોટો સંદેશ પ્રસારીત કર્યો છે. નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને ટોપી વિવાદથી ખાસ્સું નુકસાન ગયું છે. ધાર્મિક રીતે સંવેદનશીલ મુસ્લિમ સમાજમાં ગોધરાકાંડ બાદના રમખાણો માટે દુષ્પ્રચારથી બદનામ મોદી વધારે બદનામ થયા છે.

તો બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના કલ્બે જાવેદે પણ મોદીના ઉપવાસને છેતરપિંડી ગણાવીને મુસ્લિમોને હાકલ કરી છે કે તેઓ મોદીના રાજકીય પતન માટે રોજા કરે અને દુઆઓ માંગે.

અમદાવાદની એક સમાજસેવી સંસ્થાએ નરેન્દ્ર મોદીના ઉપવાસ તેમની વ્યક્તિગત બાબત હોવાથી તેમાં થયેલો ખર્ચો મોદી પાસેથી વસૂલવામાં આવે, તેવી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.
સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસના ઘટનાક્રમને જોતાં લાગી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના નિર્ણય બાદ નરેન્દ્ર મોદી ચુપચાપ બેઠાં રહ્યાં હોત, તો તેમને વધારે ફાયદો થયો હોત. કારણ કે તેમના ઉપવાસો દરમિયાન તેમની સાથે જોડાયેલા વિવાદો વધારે તીવ્ર બન્યા છે.

હા, નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે સફળ શક્તિ પ્રદર્શન માની શકાય. પરંતુ આનો ફાયદો નરેન્દ્ર મોદીને ગુજરાતમાં જ થશે, દેશભરમાં તેમને સદભાવનાના ફળ ચાખવા મળશે નહીં. હાલના ઘટનાક્રમથી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દાવેદારીને એનડીએ અને ભાજપમાં ધક્કો જ લાગ્યો છે. પ્રવર્તમાન સંકેતોથી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીને ન તો સુપ્રીમ કોર્ટે ક્લિન ચીટ આપી છે અને ન તો તેમને સમગ્ર એનડીએનો ટેકો પ્રાપ્ત થયો છે.

નરેન્દ્ર મોદીના સેક્યુલારિઝ્મના પ્રયોગો સદભાવના મિશન થકી દેશમાં મહાત્મા ગાંધીના સમયથી ચાલી આવતી મુસ્લિમ તુષ્ટિકરણની પરંપરા આગળ વધી છે. મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતાના નામે મુસ્લિમોને વિશેષ દરજ્જો આપીને તુષ્ટિકરણ કર્યું, આઝાદ ભારતમાં ધર્મનિરપેક્ષતાના નામે લઘુમતી મુસ્લિમ સમાજનું કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું, હિંદુત્વ એ જ રાષ્ટ્રવાદ હોવાનું કહેનારા ભાજપે પણ સેક્યુલર દેખાવાની ચાહતમાં મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું, નરેન્દ્ર મોદીના સદભાવના મિશન દ્વારા પણ જાણે-અજાણે, પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મુસ્લિમ તુષ્ટિકરણની પરંપરા આગળ વધી રહી છે. કદાચ નરેન્દ્ર મોદી માટે મુસ્લિમ તુષ્ટિકરણનો અર્થ સદભાવના થતો હશે.