લેબલ યુપીએ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ યુપીએ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

મનમોહન સિંઘમ બન્યા, પણ સરકારનું ભવિષ્ય અધ્ધરતાલ


-          આનંદ શુક્લ
મનમોહન સિંહ છેલ્લા આઠ વર્ષમાં પહેલી વખત ઈકોનોમિસ્ટ અને વડાપ્રધાન તરીકે વર્તતા નજરે પડયા છે. મનમોહનસિંહ માટે મૌનીમોહનસિંહ જેવા વિશેષણો એક કરતા વધારે વખત વપરાયા છે. પરંતુ પોતાના પહેલા અને બીજા કાર્યકાળ દરમિયાન રાતોરાત મનમોહન સિંઘમ બની ગયા છે. 1.86 લાખ કરોડના કોલ બ્લોક કૌભાંડમાં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજના મોટા માલવાળા નિવેદનથી વ્યથિત થયેલા વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પહેલી વખત પોતાનું મોઢું ખોલ્યું છે. એક અંગ્રેજી અખબારના સમાચાર પ્રમાણે, વડાપ્રધાને કોલ બ્લોક ફાળવણી મામલે સોનિયા ગાંધીના ખાસમખાસ પોલિટિકલ એડવાઈઝર અહેમદ પટેલને લપેટયા છે. અખબારના સમાચાર પ્રમાણે, મનમોહનસિંહે પોતાનું મૌન તોડીને સોનિયા ગાંધીને સ્પષ્ટ જમાવી દીધુ છે કે કોલ બ્લોકની ફાળવણીના નિર્ણય તેમના પોલિટિકલ સેક્રેટરી અહેમદ પટેલની ભલામણથી કર્યા હતા. આને મનમોહન સિંહનું અત્યાર સુધીનું સૌથી વધારે બોલ્ડ રાજકીય પગલું માનવામાં આવે છે.

બીજી તરફ 1991-92ના આર્થિક સુધારા વખતે નરસિંહરાવના નેતૃત્વમાં તત્કાલિન નાણાંમંત્રી મનમોહન સિંહે દેશને આર્થિક ઉદારીકરણની રાહ પર ચલાવનારી નીતિનો પાયો નાખ્યો હતો. જો કે નાણાંમંત્રી તરીકે મનમોહનસિંહે નરસિંહરાવના નેતૃત્વમાં જેટલા આર્થિક સુધારાના પગલા લીધા હતા, તેવા અને તેટલા પગલાં પોતાના વડાપ્રધાનકાળમાં લીધા નથી. જેને કારણે તેમના જ આર્થિક સલાહકારો કહી રહ્યા હતા કે દેશના વિકાસમાં ગઠબંધન અને ભ્રષ્ટાચાર મોટી અડચણો છે. પરંતુ જઈશું તો લડતા લડતા, તેવા નિર્ધાર સાથે વડાપ્રધાન મનમોહન સિંહે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ કોલગેટ કાંડની કાળી છાયા વચ્ચે આર્થિક સુધારાના નામે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસના સિલિન્ડરમાં રેશનિંગ કરીને રાહત ભાવે એક પરિવારને વર્ષ દરમિયાન માત્ર છ સિલિન્ડર આપવાનું ઠરાવ્યું. આ પગલું આમ આદમીને પસંદ પડયું નથી, કારણ કે તેનાથી દેશમાં મોંઘવારી વધવા લાગી છે. ડીઝલના ભાવવધારા સાથે જ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડાંમાં 10થી 15 ટકાનો ધરખમ વધારો કર્યો છે. જેની અસર જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ પર પણ પડવા લાગશે. ડીઝલના ભાવવધારાની સૌથી વધારે અસર સરકારને પણ થશે, કારણ કે દેશમાં સૌથી વધારે ડીઝલના વપરાશકાર ભારતીય સેના અને ભારતીય રેલવે છે. બની શકે કે આગામી બજેટમાં રેલવેના મુસાફર ભાડામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાવવધારો કરવામાં આવે.

વડાપ્રધાન મનમોહનસિંહ આટલેથી અટક્યા નથી, તેમણે રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગત ડીસેમ્બરમાં તેમની સરકારને તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીના દબાણમાં શરમજનક રીતે પાછો લેવો પડયો હતો. નિર્ણય પાછો ખેંચતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ રીટેલમાં એફડીઆઈના નિર્ણયને રદ્દ નહીં, પણ સ્થગિત કરી રહ્યા છે. તેમણે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને તેને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મમતા બેનર્જીએ આ નિર્ણય પર 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે આ નિર્ણય લેતી વખતે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે 72 કલાક બાદ ટેકો પાછો ખેંચવા સુધીના કડક નિર્ણયો થઈ શકે છે, તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે રેલવે મંત્રી મુકુલ રોયે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જાણ કરી હોવાનું આધિકારીક સૂત્રોનું માનવું છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પણ રીટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો છે. તેમણે પણ આનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપી દીધું છે. ભાજપ અને ડાબેરીઓ પહેલેથી જ રીટેલમાં 51 ટકા એફડીઆઈ સાથે સૌદ્ધાંતિક રીતે વિરુદ્ધમાં છે.

તેથી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સરકાર પાસે માત્ર બે વિકલ્પ છે- કાં તો સરકાર રીટેલમાં એફડીઆઈ અને ડીઝલમાં ભાવવધારાના નિર્ણયને પાછો ખેંચે અથવા તો ન્યૂક્લિયર ડીલની જીદ્દ વખતે વિશ્વાસ મત લેવાયો હતો તેમ ફરીથી સંસદમાં બહુમતી સાબિત કરે. તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ટેકો પાછો ખેંચે તો પ્રવર્તમાન યુપીએ સરકારને બહુમતી સાબિત કરવામાં તકલીફ પડે તેવી છે. આવી સ્થિતિમાં દેશમાં મધ્યસત્ર ચૂંટણીની શક્યતાઓ પણ જાણકારો નકારતા નથી. રાજકીય નિરીક્ષકોના મત પ્રમાણે, કોલગેટ કાંડમાં ફસાયેલી સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે નામોશી સાથે જવા કરતા ભાવવધારા અને રીટેલમાં એફડીઆઈ જેવા કથિત આર્થિક સુધારાના મુદ્દે શહીદ થવાનું પસંદ કરે તેવી શક્યતા વધારે છે. મનમોહન સરકારે આ સિવાય એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના હાલના નિર્ણયો અમેરિકાના દબાણમાં લેવાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરો પર છે.

યોજનાપંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ તાજેતરના આમ આદમીને મારી નાખનારા કથિત આર્થિક સુધારા સંદર્ભે કહ્યુ છે કે આ દેશની પ્રગતિ માટે જરૂરી હતા. અહીં પાયાનો સવાલ એ છે કે દેશનો આમ આદમી મરણ પથારીએ પડે, તો તેવી દેશની પ્રગતિને શું કરવાની? દેશની અર્થવ્યવસ્થામાં સતત ઉછાળો મારતું શેરબજાર અને સોનાબજાર છે, તો બીજી તરફ રૂપિયાનું સતત ધોવાણ અને સસ્તી થતી મોંઘવારી છે. ભારતની અર્થનીતિમાં કોઈ બીમારી છે, તો અહીં છે. પરંતુ તેની કોઈ સારવાર કરવામાં આવતી નથી. તાજેતરના કથિત આર્થિક સુધારાથી ફરી એકવાર શેરબજારમાં ઉછાળો આવ્યો અને રૂપિયામાં બે  પૈસા મજબૂત પણ બન્યો, પરંતુ મોંઘવારીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. ત્યારે ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહનસિંહના આર્થિક સુધારાનું મનમોહનોમિક્સ પણ શંકાના દાયરાથી પર નથી. માનવામાં આવે છે કે દેશમાં આર્થિક સુધારા કોર્પોરેટોને વધારે ફાયદો કરાવે તેવા સાબિત થાય છે, કારણ કે તેને આમ આદમીને ધ્યાનમાં રાખીને નહીં પણ રેટિંગ એજન્સીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

મનમોહનોમિક્સમાં માત્ર મોંઘવારી જ સસ્તી!


-          આનંદ શુક્લ
દેશમાં આજે મોંઘવારી સસ્તી છે અને બાકીનું બધું મોંઘું છે. મોંઘવારીનું વિષચક્ર દેશના આમ આદમી માટે મૃત્યુઘંટ વગાડી રહ્યું છે. ખોટી અર્થનીતિ અને આર્થિક વિકાસમાં અસંતુલનને પરિણામે વિકાસના ઘણાં ફૂગ્ગા ફૂટી રહ્યા છે. જે વિકાસ દેશના લોકોનું કલ્યાણ કરવામાં અસમર્થ હોય અને માત્ર કોર્પોરેટો અને સરકારની તિજોરીઓનો ખ્યાલ રાખતો હોય, તો તેવા વિકાસની ખરેખર કોઈ જરૂરત હોતી નથી. દેશમાં આજે થયેલા વિકાસમાં ગરીબો અને અમીરો વચ્ચે અસંતુલનની ખાઈ મસમોટી બની છે. અમીરો વધારે જલ્સા કરી રહ્યા છે, જ્યારે ગરીબો વધારે દુભર જિંદગી જીવવા માટે સરકાર દ્વારા મજબૂર બનાવાયા છે.

પેટ્રોલના ભાવવધારાનું દમનચક્ર ચલાવ્યા બાદ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે દેશમાં એક જ ઝાટકે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસમાં રેશનિંગ કર્યું. હવે વર્ષમાં માત્ર 6 ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે. ત્યાર બાદ સિલિન્ડર લેવા જનારને 746 રૂપિયા જેટલી મોટી રકમ ચુકવવી પડશે. આ કેન્દ્ર સરકાર આટલેથી જ અટકી નથી, જનતાવિરોધી નિર્ણયો લેવામાં મશહૂર મનમોહની અર્થનીતિને પરિણામે રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેરક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પણ સરકારે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ ઘોષણા કરી છે.

સરકારના આર્થિક સલાહકારો ઘણાં વખતથી કહેતા આવ્યા છે કે ગઠબંધન અને ભ્રષ્ટાચાર દેશના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. ગઠબંધનને કારણે કડક આર્થિક નિર્ણયો લેવાતા નહીં હોવાની વાત પણ મનમોહન સિંહ એકથી વધારે વખત કહી ચુક્યા છે. પરંતુ એક ડોલરની કિંમત 40 રૂપિયાથી વધીને 58 રૂપિયાની આસપાસ સ્થિર થઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વર્લ્ડક્લાસ ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહન સિંહે રૂપિયાના આટલા અવમૂલ્યન વખતે કેમ કોઈ સાવધાની રાખી નહીં? અત્યારે દેશમાં વસ્તુઓની આયાત ખૂબ મોંઘી છે અને નિકાસ તેના પ્રમાણમાં સસ્તી છે. સરકાર ચાહત તો આ સ્થિતિ ટાળી શકી હોત. મોંઘવારી વધારવાના સ્થાને રૂપિયાને ગબડતો અટકાવી શકી હોત. રૂપિયો ગબડી રહ્યો છે, તે મોંઘવારીનું સૌથી મોટું તાત્કાલિક કારણ છે.

રૂપિયો ગબડવા માટે માત્ર વૈશ્વિક બજારની પરિસ્થિતિ જ જવાબદાર નથી, પરંતુ ભારતની ખોરંભે પડેલી અર્થનીતિ પણ કારણ છે. ભારતમાં ખાદ્યાન્નોની કિંમતો ઉંચી છે, પરંતુ વિદેશ મોકલાતા ખાદ્યાન્નોની કિંમતમાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ખાસ કોઈ વધારો થઈ શક્યો નથી. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને માંગનારને આટો છે!! વિદેશમાં ભારતથી જનારી તમામ વસ્તુઓમાં પરિસ્થિતિ લગભગ આવી જ છે. પરંતુ બહારથી આવતી ચીજ-વસ્તુઓના ભાવ રૂપિયાના અવમૂલ્યનને કારણે ઘણાં ઉંચા હોય છે. ભારતમાં મોટા ભાગની પેટ્રોલિયમ પેદાશો વિદેશ ખાસ કરીને ખાડી દેશોથી આયાત કરવામાં આવે છે. પરંતુ સરકારે હજી સુધી રૂપિયાને ડોલરના મુકાબલે ઉપરની સપાટીએ સ્થિર કરવા માટે કોઈ જવાબદાર પગલા ભર્યા નથી.

હાલ દેશનો વિકાસ દર 5.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવાય છે. બજેટ અને વેપારનું નુકસાન તથા ફૂગાવાનો દર એકસાથે વધી રહ્યા છે. ત્યારે સરકાર જણાવી રહી છે કે વધતી રાજકોષીય ખાદ્ય અને ઓઈલ કંપનીઓના વધતા નુકસાનને નિયંત્રણમાં લેવા માટે ડીઝલમાં ભાવવધારો અને રાંધણગેસમાં રેશનિંગ જરૂરી છે. આંકડા તપાસવામાં આવે, તો આ એક સરકારી જૂઠ્ઠાણું છે. સચ્ચાઈ એ છે કે આપણા જીડીપીના 6.9 ટકાના ઉંચા સ્તરે પણ રાજકોષીય ખાદ્ય લગભગ 5.22 લાખ કરોડ રૂપિયા થશે. પરંતુ ગત નાણાંકીય વર્ષમાં જ તો આ સરકારે કોર્પોરેટ ખેલાડીઓ અને ધનિકોને 5.28 લાખ કરોડ રૂપિયાની રાહતો આપી છે. આ સરકાર આમ આદમીને રાહત આપવામાં ખાદ્ય અને નુકસાનની ગણતરી કરે છે, પરંતુ કોર્પોરેટો અને ધનિકોને રાહતો આપવામાં સૌથી આગળ રહે છે.

યુપીએ-2ની મનમોહનસિંહની સરકારનું કહેવું છેકે ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ ભીમકાય ઓઈલ અને પ્રાકૃતિક ગેસ કંપની, ઓએનજીસીએ 2011-12 માટે 25,123 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો કર્યાનું એલાન કર્યું છે. આ પ્રકારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 2011-12માં 4,265.27 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ ઘોષિત કર્યો હતો. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પણ નફાની ઘોષણા કરી હતી. રસપ્રદ વાત એ છે કે ગત નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીએ પોતાના શુદ્ધ નફામાં 312 ટકાનો વધારો દર્શાવ્યો હતો.

આ સાથે રીટેલ ભારતમાં ઘણું મોટું કારોબારનું સેક્ટર છે. તેમાં ચાર કરોડથી વધારે નાના કારોબારીઓ પોતાનું પેટિયું રળી રહ્યા છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી ચાર કરોડથી વધારે નાના ભારતીય કારોબારીઓના કારોબાર પર જોખમ તોળાઈ રહ્યું છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી બેરોજગારી અને ખાદ્યાન્નોમાં ધરખમ ભાવવધારાનું જોખમ પણ લાંબાગાળે દર્શાવવામાં આવી રહ્યું છે. વોલ માર્ટ જેવા મોટા ખેલાડીઓ ભારતના રીટેલ કારોબારને ગળી જવા માટે તૈયાર બેઠા છે. આજે રીટેલમાં એફડીઆઈ નહીં હોવાથી હજી પણ ગામડાઓમાં અથવા નાના શહેરોમાં સસ્તા ભાવે ખાદ્યાન્નો અને અન્ય વસ્તુઓ મળવાની સંભાવના બાકી રહેલી છે. પરંતુ રીટેલમાં એફડીઆઈ અને મોટા ખેલાડીઓના આવવાથી ભારતમાં 20 લાખથી ઉપરની વસ્તીવાળા 400 શહેરોમાં તેઓ નક્કી કરશે તેટલા મોંઘા ભાવે જ લોકોને વસ્તુઓ મળશે, નફામાં નાના કારોબારીઓ ધંધો ગુમાવશે તે નક્કી છે.

મનમોહન સરકારના તાજેતરના નિર્ણયોને ધરખમ આર્થિક સુધારા તરીકે ગણાવવામાં આવે છે. જેનાથી દુનિયાની રેટિંગ એજન્સીઓમાં ભારતનું રેટિંગ વધવાની આશા દેખાડવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારનું દેશના આમ આદમીમાં રેટિંગ એક ઝાટકે ઘટી ગયું છે. આ કથિત આર્થિક સુધારાથી આમ આદમીને ભારે પીડા પહોંચી રહી છે, ત્યારે તેને સુધારા કરતા સજા કહેવા વધારે યોગ્ય લેખાશે. 1991-92માં ભારતે પકડેલી આર્થિક ઉદારીકરણની રાહ ખરેખર દેશના લોકોને ઉંડી ખાઈમાં ધકેલનારી સાબિત થઈ રહી છે. આજે દેશમાં વિકાસની પેટર્નને પણ તપાસવાનો સમય આવી ગયો છે. અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. રોટલો મોંઘો થઈ રહ્યો છે, બીમારી મોંઘી પડી રહી છે, શિક્ષણ પહોંચ બહાર થઈ રહ્યું છે, સામાજિક સેવાઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આમ આદમી પાસે મોઢું વકાસીને બેસવા સિવાય હવે કોઈ વિકલ્પ બચતો નથી. આ મનમોહનોમિક્સ આમ આદમીની કરપીણ હત્યાનું મોટું કાવતરું છે!

ગુરુવાર, 31 મે, 2012

અડવાણીની હૈયાવરાળ: જનતા ભાજપથી નિરાશ!


-આનંદ શુક્લ
ભયાનક ભ્રષ્ટાચાર, વિદેશમાં અઢળક કાળું નાણું, આસમાને આંબતી મોંઘવારી, પેટ્રોલમાં જંગી ભાવવધારો, ડોલરની સામે રસાતળે જઈ રહેલો રૂપિયો- આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે લોકો સત્તારુઢ યુપીએ સરકાર પર રોષે ભરાયેલા હોય. પરંતુ તેની સાથે સાથે એક વાત સ્પષ્ટ છે કે તેઓ વિરોધ પક્ષના મોરચા એનડીએથી પણ નિરાશ છે. હાથમાંથી લપસી રહેલી પરિસ્થિતિઓ સામે વિરોધ કરવાના મામલામાં ભાજપ સહીતનું એનડીએ સરેઆમ નિષ્ફળ ગયું છે. તેનું કારણ મુખ્ય વિપક્ષ ભાજપની આંતરીક ભાંજગડ છે.
મુંબઈ ખાતે તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં તેની આંતરીક ભાંજગડ સંજય જોશીના રાજીનામાથી બહાર આવી. સંજય જોશીએ બેઠકના થોડા કલાક પહેલા રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું રાજીનામું પાર્ટીના લાંબાગાળાના હિતને કારણ બનાવીને આપી દીધું. સંજય જોશીના રાજીનામા બાદ ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતીના કાર્યક્રમમાંથી બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે આવ્યા. જો કે મોદીના આવ્યાના અડધો કલાકની અંદર પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કારોબારી બેઠક છોડી ગયા હતા.
ભાજપની કારોબારી બેઠક બાદ યોજાયેલી સભામાં પણ અડવાણી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ગેરહાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે અડવાણી ગડકરીની ભાજપના અધ્યક્ષ તરીકેની બીજી ટર્મથી નારાજ છે. તેમણે આ નારાજગીને એનડીએ દ્વારા ભારત બંધના એલાનના દિવસે જ બ્લોગ લખીને જાહેર કરી દીધી. અડવાણીએ સ્વીકાર્યું છે કે લોકો યુપીએ પર રોષે ભરાયેલા છે, તો એનડીએથી નિરાશ થયા છે. તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિને આત્મનિરીક્ષણ યોગ્ય ગણાવી છે. મુંબઈની ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ પાર્ટી સંગઠન સંદર્ભે વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો બ્લોગ પર આ પહેલો પ્રતિભાવ છે. આ પ્રતિભાવ ત્યારે આવ્યો છે કે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પેટ્રોલના જંગી ભાવવધારા સામે ભારત બંધ કરાવી રહ્યા હતા.
બ્લોગમાં અડવાણીએ ગડકરી દ્વારા લેવામાં આવેલા ત્રણ નિર્ણયો પર તેમનું નામ લીધા વગર આંગળી ચિંધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો, યૂપીના તત્કાલિન  મુખ્યપ્રધાન  માયાવતી દ્વારા હાંકી કઢાયેલા મંત્રી (બાબુસિંહ કુશવાહ)ને ભાજપમાં આવકારવાનો નિર્ણય, ઝારખંડ અને કર્ણાટકના મામલાને જે રીતે સંભાળવામાં  આવ્યા છે, તેના તરફ અડવાણીએ બ્લોગમાં આંગળી ચિંધી છે. તેમણે નિરીક્ષણ કર્યુ છે કે ભાજપમાં હાલના દિવસોમાં આંતરીક મૂડ ઉત્સાહજનક નથી.
તેમણે જાણીતા કટાર લેખક સ્વપન દાસગુપ્તાના લેખને ટાંકીને કહ્યુ છે કે જ્યારે હાલના દિવસોમાં મીડિયા યુપીએ સરકારને ગોટાળા માટે ઝાટકી રહ્યું છે, પરંતુ આ પ્રસંગે મીડિયા ભાજપની આગેવાની હેઠળના એનડીએના મુદ્દાઓ પર ઉભાં થઈ જવાના મામલે દિલગીરી વ્યક્ત કરી રહ્યું છે. અડવાણીએ ભૂતપૂર્વ પત્રકાર હોવાના નાતે મીડિયાના આ વલણને જનતાના અભિપ્રાયને પ્રતિબિંબિત કરનારું ગણાવ્યું. ભ્રષ્ટાચાર અને વિદેશમાં કાળા નાણાંના મામલે અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનોને પરિણામે દેશ આંદોલિત થયો હતો. પરંતુ મુખ્ય વિપક્ષ ભાજપની આગેવાની હેઠળનું એનડીએ યુપીએ સરકારના આટલા ગોટાળા  અને ભ્રષ્ટાચાર છતાં જનતાને પોતાના નેતૃત્વમાં આંદોલન માટે પ્રેરીત કરી શકી નથી. તેની પાછળનું કારણ રાજકીય વિશ્લેષકો પ્રમાણે, દેશમાં મુખ્ય વિપક્ષ અત્યારે કેગ છે અને કેગ જ સરકારને ભારે પડી રહ્યું છે, જ્યારે ભાજપ મુખ્ય વિપક્ષ બનીને મિત્ર વિપક્ષ બની ગયો હોવાથી જનતાના મુદ્દાઓ પ્રત્યે રાજકીય સંવેદનશીલતા ઘટી છે.
ભાજપમાં આંતરીક વર્તુળોમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પ્રવર્તમાન સમયમાં મધ્યસત્ર ચૂંટણી આવી પડે, તો ભાજપને યુપીએ સામેના જનાક્રોશનો લાભ મળે. તેને કારણે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની દોડ પણ તેજ બની છે. રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન પદના ભાજપના ચાર-પાંચ ઉમેદવારોમાંના એક ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને મ્હાત આપીને પોતાની પહેલી જીત નોંધાવી દીધી છે. જો કે મોદી સામે ભાજપમાં અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓનો અણગમો વધ્યો હોવાની વાત હવે કોઈનાથી છુપાયેલી રહી નથી.
બીજી તરફ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અપનાવામાં આવેલા આક્રમક વલણથી મોદી માટે પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નથી. આમ પણ છેલ્લા એક દશકાથી ગુજરાતમાં સત્તા પર રહેલા મોદી અપાર લોકપ્રિયતા છતાં એન્ટિ-ઈન્કમ્બન્સીનો સામનો આ વિધાનસભા ચૂંટણીમાં કરશે તે નક્કી છે. જો કે જોવાનું એ રહે છે કે તેમાં વધારો કરવામાં કેશુભાઈ પટેલ સહીતના મોદી વિરોધીઓ કેટલા સફળ થશે?
તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ગુલાબચંદ કટારિયાની મેવાડ પ્રદેશમાં યોજાનારી યાત્રાનો પુરજોર વિરોધ કર્યો. તેમણે ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ધમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ખંડૂરી-નિશંક, હિમાચલ પ્રદેશમાં પ્રેમકુમાર ધૂમલ-શાંતા કુમાર, કર્ણાટકમાં સદાનંદ ગૌડા-યેદિયુરપ્પા, ઝારખંડમાં અર્જૂન મુંડા-યશવંત સિંહા વચ્ચેના ખટરાગ દેશની સામે છે. જ્યારે છત્તીસગઢમાં રમણ સિંહ સામે પણ દબાતા સૂરે તકલીફો સામે આવી રહી છે.
આ સિવાય એનડીએ સાચવવાની  જવાબદારી પણ ગઠબંધનના મોટા પક્ષ હોવાના નાતે ભાજપની બની જાય છે. ત્યારે એનડીએના બીજા સૌથી મોટા રાજકીય પક્ષ જનતાદળ-યૂનાઈટેડના વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારે ધમકી આપી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે, તો જેડીયૂ એનડીએમાંથી અલગ થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે દેશની લોકસભાની 543 બેઠકોમાંથી દેશની મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ  કોંગ્રેસ અને ભાજપ પાસે કુલ 322 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 206 બેઠકો મળી છે અને ભાજપને 116 બેઠકો  મળી છે. એટલે કે ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોને 221 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી મોહભંગ થયેલી જનતા ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ હશે ત્યાં તેને  પસંદગી આપે તેવી સંભાવના રહેલી છે. તેવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની દેખાયેલી નિક્રિયતાને કારણે પ્રાદેશિક પક્ષોને વધારે ફાયદો થવાની ભીતિ પણ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં 2014ની ચૂંટણીમાં એનડીએના સત્તા પર પહોંચવાના સપનાં પર ગ્રહણ પણ લાગી શકે છે! આ પરિસ્થિતિને જોતા અડવાણીની એનડીએના ભારત બંધના એલાનના દિવસે બ્લોગ પર ઠાલવવામાં આવેલી હૈયાવરાળમાં ખરેખર વજૂદ છે.
અડવાણીએ  બ્લોગમાં કહ્યુ છે કે 1984માં ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ અત્યારે  લોકસભામાં ભાજપની સારી બેઠકો છે તથા નવ રાજ્યોમાં સરકાર છે અને સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નેતૃત્વમાં બંને ગૃહોમાં ભાજપનો દેખાવ સારો છે. જો કે તેમણે એમ પણ ઉમેર્યુ છે કે આ કરવામાં આવેલી ભૂલોના નુકસાનની ભરપાઈ નથી.

શનિવાર, 28 મે, 2011

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)