લેબલ ગાંધીજી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગાંધીજી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 23 જુલાઈ, 2012

દ્વિરાષ્ટ્રવાદને ખોટો ઠેરવવા ભારતે હિંદુ ઓળખ ધારણ કરવી પડશે


પાકિસ્તાન ઈસ્લામના પાયા પર રચાયું છે. પાકિસ્તાન હિંદુ વિરોધના આધાર પર રચાયું છે. પાકિસ્તાન સહસ્ત્રાબ્દિઓથી અસ્તિત્વ ધરાવતા ભારત નામના રાષ્ટ્રના વિરોધના આધારે બન્યું છે. તેના કારણે પાકિસ્તાને પાછળથી બનાવેલી પોતાની રાજધાનીને ઈસ્લામાબાદ નામ આપ્યું છે. પરંતુ અખંડ ભારતના ભાગલા થકી પાકિસ્તાનના કપાયા બાદ બાકી રહેલા ખંડિત ભારતમાં હિંદુઓના નામે કોઈ વસ્તુ સરકારી રાહે થઈ નથી. ભારતના અસ્તિત્વના મૂળમાં હિંદુ તરીકે ઓળખાતી મહાજાતિની સનાતની વિચારધારા છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. ભારતનો આત્મા અને ઓળખ હિંદુઓની જીવનપદ્ધતિ છે. પરંતુ ભારતને હિંદુ ઓળખ હજી સુધી મળી શકી નથી. ભારતને હિંદુ ઓળખ નહીં મળવા માટે સૌથી વધારે જવાબદાર હોય, તો તે છે તથાકથિત સેક્યુલારિઝમના નામે વિભાજન કાળથી ભારતમાં વસી ગયેલા મુસ્લિમોની ખુશામતની નીતિ, મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ, મુસ્લિમોથી ભયભીત થઈને હથિયાર હેઠાં મૂકી દેવાની સરકારી નીતિ.

ભારતે સેક્યુલર બંધારણીય કલેવરમાં જે પણ કંઈ મેળવ્યું છે, તે ઘણું ઓછું છે. ભારતે હિંદુ ઓળખ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હોત, તો દેશે આત્મવિશ્વાસ સાથે ઘણી વધારે સિદ્ધિઓ હાંસલ કરી હોત. ઈતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ દ્વિરાષ્ટ્રવાદના મહંમદ અલી ઝીણાના વિચાર સાથે દ્રઢતાથી અસહમતિ દર્શાવી હતી. દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના ઈન્કાર સ્વરૂપે સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઈચ્છા છતાં ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ખંડિત ભારત તથા પાકિસ્તાનમાં હિંદુ-મુસ્લિમ વસ્તીઓની તબાદલા-એ-આબાદીની વાતનો અસ્વીકાર કર્યો હતો. જો કે ભારતમાં રહેનારો મુસ્લિમ પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મનું અભિન્ન અંગ ગણે તેવી માનસિકતા દેશમાં 1857ની પ્રથમ ક્રાંતિ પહેલા શરૂ થયેલા અરબસ્તાની વહાબી આંદોલનને કારણે શક્ય બની શકી નથી. વહાબી અને તેના જેવાં કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણ આંદોલનોએ દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમ લીગી માનસિકતાને ખિલવા માટે ખુલ્લુ આકાશ પુરું પાડયું છે. મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ અલગ હોવા માત્રથી તેમને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણી ન શકાય તે વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ જ અલગ નથી, તેમણે વહાબી આંદોલન થકી પોતાની જીવનશૈલીને પણ હિંદુઓથી અલગ કરવા માટે ભરચક પ્રયત્નો કર્યા છે. જેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે.

આમ પણ આક્રમણોના રસ્તે ભારતમાં પગ જમાવવામાં કામિયાબ થયેલા ઈસ્લામના અનુયાયીઓમાં ભરપૂર હિંદુ વિરોધ તો હતો. જેના કારણે દેશમાં ઘણી મોટી સંખ્યામાં હિંદુઓની કતલ કરવી મુસ્લિમ બાદશાહોનું ધાર્મિક કૃત્ય હતુ. હિંદુઓના ધર્માંતરણ મુસ્લિમ બાદશાહોની શાન ગણાતા. પરંતુ ભક્તિ આંદોલન અને સૂફીઓના વધતા પ્રભાવ હેઠળ હિંદુ-મુસ્લિમો ખરેખર એકમેકમાં ભળીને ભારતના હિંદુ પ્રવાહમાં સામેલ થઈ રહ્યા હતા. પરંતુ આ વાત અરબસ્તાન તરફ મોઢું રાખીને વટલાયેલા હિંદુઓને કટ્ટર મુસ્લિમ બનાવવાની મનસા સેવનારા મુલ્લા-મૌલવીઓને ખૂબ ખૂંચી હતી. તેથી ધાર્મિકતાના રંગમાં આ મૌલવીઓ અને મુલ્લાઓએ અરબસ્તાનના વહાબી આંદોલનને ભારતમાં ઈસ્લામના નવજાગરણ હેતુથી આણ્યું. જેના કારણે ભારતના મુસ્લિમોમાં કટ્ટરતાએ પગદંડો જમાવવા માંડ્યો.

વહાબી આંદોલન સિવાય પણ અન્ય કેટલાંક કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો ભારતના જુદાંજુદાં વિસ્તારોમાં ચાલ્યા. જેનો હેતુ ભારતમાં મુસ્લિમના નામે અલગ અને કટ્ટર ધાર્મિક ઓળખ ઉભી કરીને હિંદુ સંસ્કૃતિ અને ધર્મમાં ભળવાને કારણે ઓછા થતા ઈસ્લામના પ્રવાહને નવજાગૃત કરવાનો હતો. કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો થકી ભારતમાં મુસ્લિમો પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણવા લાગ્યા. જેના ભાગરૂપે મુસ્લિમોએ ટૂંકો લેંઘો અને કમીઝનો પહેરવેશ અપનાવ્યો, જ્યારે હિંદુઓ ધોતી અને ઝભ્ભો પહેરતા. હિંદુઓ હિંદી સહીતની પ્રાદેશિક ભાષા બોલતા, પરંતુ મુસ્લિમોએ ઉર્દૂને પોતાની બોલચાલની ભાષા બનાવવાનો પ્રયત્ન કર્યો. હિંદુસ્થાનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરી છાવણીઓમાં પેદા થયેલી ઉર્દૂ ભાષા મુસ્લિમોની ભાષા તરીકે ઓળખાવાની શરૂઆત થઈ. મુસ્લિમોએ હિંદુ સંસ્કૃતિ અને ધર્મની નાની-મોટી વાતોનો પોતાના નવજાગરણ આંદોલનમાં વિરોધ કરવાનું શરૂ કર્યું. ભાષા, પહેરવેશ, ખાનપાન, રહેણી-કરણીથી માંડીને તમામ નાની-મોટી વાતોમાં હિંદુઓથી અલગ દેખાવાની કોશિશ શરૂ કરી. મુસ્લિમ કટ્ટરપંથીઓને ઈસ્લામના અનુયાયીઓ પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવનાને દ્રઢીભૂત કરવામાં સફળતા, સિંધ, સરહદ પ્રાંત, પાકિસ્તાન, ઉત્તર ભારત અને બંગાળમાં મોટા પ્રમાણમાં મળી.

એક રાષ્ટ્ર તરીકે અસંખ્ય આક્રમણો છતાં અકબંધ રહેલું ભારત કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણના વહાબી જેવા આંદોલનોના તબક્કામાં જ દ્વિરાષ્ટ્રમાં રૂપાંતરીત થવા લાગ્યું હતું. આ દેશને એક રાષ્ટ્ર તરીકે ગણવો ભારતમાતા તરફની આપણી હિંદુ લાગણીનું કારણ છે. પરંતુ જ્યારે આપણે દેશને એક રાષ્ટ્ર તરીકે ગણતા હોઈએ અને તેવા વખતે દેશની બીજી મોટી વસ્તી મુસ્લિમો પોતાને અલગ રાષ્ટ્ર ગણતા હોય તો તેનું પરિણામ વિભાજન જ આવે. જે આપણે 1947માં દશ લાખ હિંદુઓની કત્લેઆમ સાથે જોઈ ચુક્યા છીએ. આઝાદી બાદ પણ ભારતમાં મુસ્લિમોમાં પોતે હિંદુઓથી અલગ રાષ્ટ્ર હોવાની ભાવના ગઈ નથી. ઉલ્ટાનું દેશના શાસકોની હિંદુ વિરોધી માનસિકતાથી ચાલેલી મુસ્લિમ ખુશામત અને તુષ્ટિકરણની સેક્યુલારિઝમની નીતિઓને કારણે મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવના વધારે દ્રઢ બની છે. જેના પરિણામે દેશના ઘણાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભારતથી અલગપણાની ભાવના સ્પષ્ટ દેખાય છે. જમ્મુ-કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યાં 70 હજાર સૈનિકોના બલિદાન છતાં આજે પણ મુસ્લિમ આતંકવાદ અને અલગતાવાદે પગ જમાવેલો છે. કાશ્મીર ખીણમાં 97 ટકા મુસ્લિમ વસ્તી છે, જેના પરિણામે ત્યાં ખતરનાક રીતે આતંકવાદી પ્રવૃતિઓ ચાલી રહી છે.

આ સિવાય ભારતમાં ચાલતી ઈસ્લામિક આતંકવાદી પ્રવૃતિઓને દેશના અન્ય મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી ટેકો મળતો હોવાની વાત ગુપ્તચર સંસ્થાઓએ અલગ-અલગ સ્તરે કરી છે. સેક્યુલરવાદીઓની દલીલ છે કે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશ બનવાને કારણે ઝીણાની દ્વિરાષ્ટ્રવાદની થિયરી ખોટી પડી છે. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો બંને ધર્મના નામે 1947થી 1971 સુધી એક રહ્યા તે હકીકત સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. જો પાકિસ્તાનના શાસકોએ બાંગ્લાદેશ પ્રત્યે સ્નેહાળ અભિગમ અપનાવ્યો હોત, તો આજે પણ બંને એક હોત તે વાતનો પણ ઈન્કાર કરી શકાય તેમ નથી. ભાગલાના 65 વર્ષ બાદ પણ 1971 બાદનું પાકિસ્તાન અનેક ગૃહયુદ્ધો અને કપરી પરિસ્થિતિ છતાં ભારત સામે તો એકજૂટ થઈને ઉભું છે. 1971 બાદ બાંગ્લાદેશનું હજી સુધી વિભાજન થયું નથી. શું પાકિસ્તાન અને બાંગ્લાદેશની એકજૂટતાના પાયામાં ઈસ્લામ નથી? શું ઈસ્લામ સામે પાકિસ્તાન અને બાંગ્લાદેશની હાલની તમામ પ્રાદેશિકતાઓ નિષ્પ્રભાવી નથી? શું આ અખંડ ભારતમાં રહેલા મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાની સાબિતી નથી?

પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજા સાથે જમીનથી જોડાયેલા હોત, તો તેઓ અલગ થયા ન હોત અથવા ભારત 1971ના યુદ્ધની જેમ તેમને અલગ કરી શક્યું ન હોત. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમો પોતે હિંદુઓ કરતા અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાને કારણે બંને દેશોના અસ્તિત્વ ટકાવી રાખીને જીવી રહ્યા છે. ખંડિત ભારત તરફથી ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના મહાસંઘ અથવા ભાગલા ખતમ થઈ જવાની દલીલો અલગ-અલગ સ્તરે જુદીજુદી સંસ્થાઓ અને લોકોએ કરી છે. પરંતુ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં આવી કોઈ દલીલબાજી કે નિવેદનબાજી કરવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ શક્યતા નથી. તેનું કારણ છે કે તેઓ પોતાને હિંદુઓથી અલગ રાષ્ટ્ર માને છે. કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુનો ઈન્કાર કરવાથી જમીન પરની હકીકતો બદલાઈ જતી નથી. કોઈને જમીની હકીકતને નજરઅંદાજ કરવાથી તેવી બાબતોના અસ્તિત્વ ખતમ થઈ શકતા નથી.

ભારતની અત્યાર સુધીની અખંડિતતા માટે તેની વિવિધતા અને સેક્યુલર કલેવરને જવાબદાર માનીને તેમને જશ આપવામાં આવે છે. પરંતુ તમે કલ્પના કરો કે ભારતમાં જમ્મુ-કાશ્મીરની જેમ મુસ્લિમ પ્રભાવવાળા અને મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ જેવા ખ્રિસ્તી પ્રભાવવાળા રાજ્યોની સંખ્યા વધારે હોય, તો તેવા સંજોગોમાં ભારત આઝાદીના 65 વર્ષ સુધી અખંડ રહી શકત. ભારતમાં હિંદુ બહુમતીમાં છે, તેવા એકપણ વિસ્તારમાં અલગતાવાદી અથવા આતંકવાદી આંદોલનો-પ્રવૃતિઓ થઈ નથી. આ દેશના એકપણ હિંદુ સંગઠન કે વ્યક્તિએ પોતે હિંદુ હોવાની ઓળખને આગળ કરીને ભારત વિરુદ્ધ કોઈ અલગતાવાદી કે આતંકવાદી આંદોલન કર્યા નથી. ભારતની 65 વર્ષની અખંડિતાનું કારણ દેશમાં હિંદુઓની બહુમતીનો પ્રભાવ હોવાનું છે. દેશ સેક્યુલર સરકાર ધરાવે છે, પરંતુ હિંદુ ઓળખ વગરનો સેક્યુલર સમાજ અસ્તિત્વમાં આવશે તે દિવસે ભારતની એકતા અને અખંડિતા પર મોટું જોખમ હશે. ભારતને પોતાનું માનવાનો ભાવ હિંદુ હોવાને કારણે વ્યક્તિમાં સ્વાભાવિકપણે પેદા થાય છે. જેનું ઉદાહરણ દેશવિરોધી પ્રવૃતિઓ અને આતંકવાદમાં બિનહિંદુઓની બહુલતા છે. (નોંધ:માઓવાદ અને નક્સલવાદ દેશવિરોધી આંદોલન છે, પરંતુ અલગતાવાદી આંદોલન નથી. તેમને ભારતથી અલગ દેશ બનાવવો નથી, પરંતુ ભારતની સત્તા કબજે કરવી છે. તેમનો વિરોધ શાસન અને શાસકો સામે છે. નક્સલવાદી અને માઓવાદી પ્રવૃતિમાં હિંદુ લોકોની બહુલતા છે. પરંતુ તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નથી. જેથી આને કારણ બનાવીને કુતર્કો કરતા પહેલા પોતાને બૌદ્ધિક કહેનારાઓએ વિચારવું જ રહ્યું.)

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંયુક્ત ઐતિહાસિક ઘટનાક્રમના તથ્યો પરથી સ્પષ્ટ છે કે હિંદુઓ દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા નહીં હોવા છતાં ઈસ્લામના આધારે દેશનું વિભાજન થયું. મુસ્લિમો દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા હોવાને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ભારતના વિરોધમાં આજે પણ અસ્તિત્વમાં છે. ભારત હિંદુ બહુમતીના પ્રભાવમાં હોવાને કારણે આઝાદીના 65 વર્ષે હજી પણ અખંડિત રહ્યું છે. દેશમાં બિનહિંદુઓની બહુમતીવાળા ક્ષેત્રોમાં અલગતાવાદ, આતંકવાદ અને દેશદ્રોહી પ્રવૃતિ વધારે પ્રમાણમાં થઈ રહી છે. આથી પાકિસ્તાનનું વિભાજન દ્વિરાષ્ટ્રવાદની થિયરીની નિષ્ફળતા ગણાવી દેવી તથ્યો સામે આંખ આડા કાન કરવાની વાત બની રહેશે. એટલે કે દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમોને પોતે અલગ રાષ્ટ્ર હોવાની ઝીણાની થિયરી પાકિસ્તાનના વિભાજન છતાં પણ નિષ્ફળ ગઈ નથી. તેને નિષ્ફળ બનાવવા માટે ભારતે મુસ્લિમ ખુશામતખોરીવાળું સેક્યુલર કલેવર છોડીને હિંદુ ઓળખને ધારણ કરવી પડશે. ભારતને વિકૃત મુસ્લિમોની ખુશામત અને તુષ્ટિકરણ કરનારા સેક્યુલરવાદે બેહદ નુકસાન કર્યું છે.

રવિવાર, 15 જુલાઈ, 2012

નરેન્દ્ર મોદી: નેતા કે અભિનેતા?



- આનંદ શુક્લ

ભારતીય રાજકારણમાં ગાંધીજી સાદગી અને સરળતાનું પ્રતીક છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભવ્યતા અને પરમ વૈભવના સિમ્બોલ બની ગયા છે. કેટલાક ટીકાકારો મોદીની તેમની વૈભવી જીવનશૈલી અને જાતભાતના ડ્રેસ પહેરવાની બાબતની ખૂબ ટીકા કરે છે. તેમના માનવા પ્રમાણે, ભારતીય રાજકારણમાં અભિનેતામાંથી નેતા બનનારાની સંખ્યા ઘણી છે, પરંતુ નેતામાંથી અભિનેતા બનનારા પહેલા રાજકારણી નરેન્દ્ર મોદી છે.

જો કે મીડિયામાં નરેન્દ્ર મોદીની કપડાની પસંદગી સંદર્ભે જાતજાતની ન્યૂઝ સ્ટોરી આવતી રહે છે. ક્યારેક તેમના ઝભ્ભાના કલર પર, ક્યારેક અડધી બાંયના ઝભ્ભાની સ્ટાઈલ પર તો ક્યારેક કોઈક ખાસ પ્રસંગે તેમના દ્વારા પહેરાયેલા ડ્રેસની ચર્ચા થતી રહે છે. આ ચર્ચાનો હેતુ શું હશે, તેની હજી સુધી આધિકારીક ખબર પડી નથી. પરંતુ એક મત એવો છે કે નરેન્દ્ર મોદી દેશ-દુનિયાના બહુચર્ચિત અને વિવાદીત વ્યક્તિઓમાંના એક છે. જેને કારણે તેમના વિશેની કોઈપણ માહિતીને વધારે રીડરશીપ કે વ્યૂઅરશીપ મળે છે. જેને કારણે તેમના વિશેની નાનામાં નાની માહિતી મીડિયામાં ખૂબ મહત્વ સાથે બતાવવામાં આવે છે.

આપણું ગુજરાત, આગવું ગુજરાતના સૂત્ર સાથે સત્તાના સૂત્રો હસ્તગત કરનારા નરેન્દ્ર મોદીએ પોતાની તમામ સ્ટાઈલ આગવી બનાવી છે. મોદી પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યોથી તો ચર્ચામાં છે જ, પરંતુ તેની સાથે તેઓ જુદાજુદા પ્રસંગે જુદાજુદા ડ્રેસ પહેરીને પણ સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ સ્ટોરીઓની શોધમાં ભટકતું મીડિયા પણ મોદીના ધ્યાન આકર્ષણનો ભોગ બનતું હોય તેવું લાગે છે.

2002માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશની કાળી ટોપી પહેરીને આવ્યા હતા. તે વખતે તેમણે સંઘટોપી સાથે જ તિરંગાને સલામી પણ આપી હતી. 2002ની ઘટનાઓ બાદ પોતે સંઘના સ્વયંસેવક અને પ્રચારક હોવાના સ્પષ્ટ સંકેત તેમણે સંઘટોપી પહેરીને ધ્વજવંદન કરીને આપ્યા હતા.

આ સિવાય નવરાત્રિના ઉત્સવ પ્રસંગે તેમણે ધોતી પહેરીને માતાજીની પૂજા કરી હતી. તો રિવરફ્રન્ટ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ટ્રેકશૂટ, વાઈબ્રન્ટ ગુજરાતમાં ત્રણ દિવસ અલગ-અલગ શૂટ પહેર્યા, ઉત્તરાયણમાં ટીશર્ટ પહેરીને પોતાના અલગ મૂડ દર્શાવ્યા હતા.

કિસાનમેળામાં કિસાન ડ્રેસ પહેરીને ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે આઝાદ હિંદ ફોજની સ્થાપના વખતે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જેમ નરેન્દ્ર મોદીએ ટોપી પણ પહેરી હતી. સ્વામી વિવેકાનંદ જન્મજયંતી વખતના કાર્યક્રમમાં મોદીએ કેસરી ઝભ્ભો પહેરીને પોતે જ હિંદુત્વના ધ્વજારોહક હોવાના સંકેત આપ્યા હતા.

મોદી દ્વારા જુદાંજુદાં પ્રસંગે વસ્ત્ર પરિધાનો દ્વારા ચોક્કસ બાબતો પ્રત્યાપિત કરવાની વાતને ઘણાં નાટક અને ભવાઈ ગણાવીને ટીકા કરે છે. જો કે આ ટીકા સાથે સહમત ન થઈએ તો એટલું ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીની જીવનશૈલી અને વસ્ત્રપરિધાનની આદતો ખૂબ જ વૈભવી છે. જેને કોઈપણ સંજોગોમાં સાદી ગણી શકાય તેમ નથી.

ભારતમાં આઝાદીની લડાઈ વખતે અને ત્યાર પછી ઘણાં સમય સુધી નેતાઓની જીવનશૈલી ઘણી સાદી અને વસ્ત્રપરિધાન પણ સાદા જ રહ્યા છે. આઝાદીની લડાઈ સમયના સર્વોચ્ચ નેતાઓમાંના એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરીએ તો તેઓ ચરખા પર જાતે વણેલી એકમાત્ર પોતડી પહેરતા. તેમણે ભારતના દરિદ્રનારાયણોને જોઈને પોતાના વધારાના વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. ગાંધીજીની પોતડી તેમની સાદગીનું સૌથી મોટું પ્રતીક હતી. મહાત્મા ગાંધી ભારતના અંગ્રેજ વાઈસરોય અને ઈગ્લેન્ડના રાણીને મળતી વખતે પણ પોતડીમાં જ પહોંચ્યા હતા. છતાં મહાત્માની મહાનતાનો તેમના વિરોધીઓ પણ ઈન્કાર કરી શક્યા ન હતા.

આઝાદીની લડાઈ વખતે ગાંધીજીની સાદગીથી પ્રેરીત થઈને અનેક નેતાઓએ જાતે વણેલી ખાદીના કપડા પહેરવાના શરૂ કર્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગર્ભશ્રીમંત પરિવારનું સંતાન હતા. પરંતુ તેમના વસ્ત્રો પણ મોટાભાગે સફેદ રંગના રહેતા અને તેમાં ગુલાબનું ફૂલ નાખેલું જોવા મળતું હતું. હાલના વડાપ્રધાન મનમોહન સિંહ પણ વાદળી રંગની પાઘડી શીખ હોવાને કારણે પહેરે છે. મોટેભાગે સાદા લેંઘાઝભ્ભામાં જોવા મળે છે. વિદેશયાત્રાઓ અને અન્ય પ્રસંગો પાત ઈન્ડિયન શૂટ પહેરે છે. પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

ભારતમાં જ્યારે 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે, ત્યારે તેમની ચિંતા કરવાને સ્થાને નીતનવા વસ્ત્રપરિધાનો કરવા અને વૈભવી જીવનશૈલી પ્રમાણે જીવન જીવવું ગરીબો પ્રત્યે ક્રૂરતા છે. પરંતુ ગાંધીજી તો હવે દુનિયામાં રહ્યા નથી અને ગાંધી વિચાર પુસ્તકોમાં બંધ પડેલા છે. ગુજરાતમાં પણ ગરીબ મેળા કરવા પડે તેટલા ગરીબો છે.

ટીકાકારો પ્રમાણે, નેતામાંથી અભિનેતા બનેલા નરેન્દ્ર મોદીના અભિનય અને બેવડા ચાલચરિત્રનું એક ઉદાહરણ ટાંકવુ ચુકાય તેમ નથી. એક બાજુ ચીન સાથે વેપાર વધારવામાં પડેલા નરેન્દ્ર મોદી કહે છે કે ચીનને ગુજરાતી શીખવું પડશે અને બીજી બાજુ સ્કોપની જાહેરાતમાં પોતાના ફોટોગ્રાફ સાથે ગુજરાતના યુવાનોને સંદેશ આપી રહ્યા છે કે અંગ્રેજી શીખો નહીં તો પછાત રહેશો.

ગાંધીજીના હિંદ સ્વરાજ પુસ્તકના સંસ્કરણના ભારતીય વિચારમંચના કાર્યક્રમમાં મોદી દાવો કરે છે કે તેમણે ગુજરાતમાં ગાંધીજીના સ્વપ્નને સાકાર કર્યું છે અને બીજી તરફ ગરીબ આમ આદમીને રાહત આપવાની જગ્યાએ ટાટા-અદાણી જેવા ઉદ્યોગપતિઓને રાહત આપે છે.

એટલે કે નરેન્દ્ર મોદી વિવિધ પ્રસંગે સુંદર વેશભૂષા સાથે સરસ અભિનય કરી શકતા હોવાની છાપ પણ લોકોમાં ઉપસી રહી છે. ગુજરાતમાં ગાંધીજી અને રવિશંકર મહારાજની સાદગી અને ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી ખૂબ મશહૂર છે. પરંતુ વિધિની વક્રતા એ છે કે ફેશન ડિઝાઈનરે તૈયાર કરેલા રંગબેરંગી અતિકિંમતી વસ્ત્રો પહેરીને નરેન્દ્ર મોદી રાજ્યનું ખાતમૂહર્ત કરનારા રવિશંકર મહારાજની સાદાઈ પર બોલે છે.

મોદી વિશાળ સરકારી કાફલા સાથે આવીને મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી પર પણ બોલે છે. તો પરમ વૈભવી જીવનશૈલી જીવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગરીબોના દુ:ખે દુ:ખી થનારા ગાંધીજી વિશે પણ ભાષણ કરે છે!

બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને થોડા સમયથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી તો 2002થી જ ગુજરાતમાં અપાર લોકપ્રિયતા થકી બ્રાન્ડ બન્યા છે. હવે ચર્ચા છે કે ભાજપ પણ તેમને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ત્યારે જીવનમાં સાદગીના સ્થાને પરમ વૈભવ અને સરળતાની સામે ભવ્યતાને મહત્વ આપનારા નરેન્દ્ર મોદી દેશના ઉદ્યોગપતિઓનું દર્દ તો સમજે છે, પરંતુ કરોડો ગરીબોનું દર્દ સમજશે?

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

ભારતના રાજકારણની દુર્દશા ‘કોંગ્રેસ મૉડલ’ની દેણ


-ક્રાંતિવિચાર

ભારતીય રાજકારણમાં ઘણી બદીઓ અને નબળાઈઓની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે થતી ચર્ચામાં પણ રાજકીય કલેવરને બદલવા સુધીના તર્કો આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી સુધારાની વાતો પણ જોરશોરથી થઈ રહી છે. આઝાદ ભારતની રાજનીતિક સંસ્કૃતિ ઘણો મોટો અભ્યાસનો વિષય રહી છે. આઝાદી પહેલા 1885માં અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ ભારતની રાજનીતિનું મોડલ હતી અને આઝાદી પછી પણ સૌથી વધારે વર્ષ સત્તાનો ભોગવટો કરવાને કારણે દેશના રાજકીય મોડલ તરીકે ચાલુ રહી. 1885માં અંગ્રેજ દ્વારા થયેલી કોંગ્રેસની સ્થાપના શું દેશને આઝાદ કરાવવા માટે થઈ હતી કે અંગ્રેજોની સત્તા ટકાવી રાખવા માટે થઈ હતી? આની બિટવિન ધ લાઈન્સ વાચક ખુદ સમજી શકે છે. (ઘોષિત એજન્ડા સિવાયના અઘોષિત એજન્ડાઓ હોવા રાજનીતિમાં હંમેશાથી સામાન્ય વાત રહી છે) 1885થી 1920 સુધી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતની સામે કરેલા આંદોલનોની યાદી આજના કોંગ્રેસીઓ મહેરબાની કરીને આપે તો ખબર પડે કે તેમણે આંદોલનના નામે પત્રાચાર સિવાય કશું જ કર્યું ન હતું.

1920 બાદ દેશમાં ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલન થયા, પરંતુ કોંગ્રેસના બધાં આંદોલન અહિંસક રહ્યા. તેની પાછળનો તર્ક ગાંધીજીની અહિંસામાં આસ્થા હોઈ શકે. પરંતુ એક નીતિ સ્પષ્ટ રહી કે ગાંધીજીના નેતૃત્વમાં બનેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતનો એક ચોક્કસ મર્યાદામાં રહીને વિરોધ કર્યો હતો, આજના કેટલાંક ટીકાકારો કહે છે કે માત્ર વિરોધનો દેખાવ કર્યો હતો. ભારતમાં અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવામાં દેશ-વિદેશમાં ભારતીય યુવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનો અને સુભાષચંદ્ર બોઝ દ્વારા દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્ય સામે જર્મન-જાપાનીઓ સાથે હાથ મિલાવવાની નીતિ વધારે કારણભૂત હતી. ગદ્દર આંદોલનથી લઈને મુંબઈમાં થયેલા નૌસૈનિક વિદ્રોહની તવારીખ ગાંધી અને તેમની આગવી કોંગ્રેસના આંધળા ભક્તોએ જોઈ લેવી. તેના સંદર્ભે અંગ્રેજી હકૂમત દ્વારા કરવામાં આવેલી નોંધો અને ફૂટનોટો અભિલેખાગારમાંથી તપાસી લેવી.

ગાંધીજીની કોંગ્રેસ આગવી એટલા માટે બની ગઈ હતી કે સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. પણ ગાંધીજીની નામરજીને કારણે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ટકી શક્યા નહીં અને તેમને હારીને રાજીનામું આપવું પડયું. ત્યાર બાદ તેમને વિદેશની ધરતી પર આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને લશ્કરી રાહે દેશને આઝાદ કરવાનો રસ્તો લેવો પડયો હતો. ગાંધીજીની હત્યા બાદ કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારની આગવી કોંગ્રેસ બની ગઈ. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહે છે, તે કોંગ્રેસમાં અમુક અપવાદોને બાદ કરતાં આખરી સિદ્ધાંત બની રહેતો. વડાપ્રધાન નરસિંહ રાવના વખતમાં કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ સોનિયા ગાંધીને થોડા સાઈડ લાઈન કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ તેમ છતાં તેમને કોંગ્રેસીઓએ તેમના કાર્યાલયમાંથી ધોતી-બંડીમાં ટિંગાટોળી કરીને બહાર કાઢયા હતા.

ખેર આવી અંગ્રેજ દ્વારા સ્થપાયેલી પહેલા ગાંધીજીની અને પછી નહેરુ-ગાંધી પરિવારની આગવી બની ગયેલી કોંગ્રેસ પાર્ટી સિવાય છેલ્લા 112 વર્ષથી હિંદુસ્તાન પાસે રાજકીય પક્ષનું કોઈ મોડલ જ નથી. ભારતીય રાજનીતિમાં હંમેશા કોંગ્રેસ મોડલ હાવી રહ્યું છે. સ્વાતંત્ર્યવીર સાવરકરે દેશને બચાવવા માટે રાજનીતિનું કોંગ્રેસ મોડલ ખતમ કરવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરને કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક ગોલવલકરને સાવરકરે ભારતીય જનસંઘની સ્થાપના કરવાને સ્થાને હિંદુ મહાસભા લઈ લેવાની વાત કરી હતી. પરંતુ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ભારતીય જનસંઘ અને પછી 1979માં બનેલી ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું ગાણું ગાતી રહી. પરંતુ આજે સ્થિતિ જોવો તો કોંગ્રેસનું રાજકીય મોડલ વધારે મજબૂત બન્યું છે અને દેશના સૌથી મોટા વિપક્ષ ભાજપ પર પણ પડી છે. થોડાઘણાં અંશે કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને પ્રાદેશિક પક્ષો પર પણ તેની અસર પડી છે.

ભારતના સમાજવાદી, કમ્યુનિસ્ટ અને હિંદુત્વવાદી નેતાઓના રાજકીય કુળ કોઈને કોઈ રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. આઝાદી પહેલા અને પછી કોંગ્રેસમાંથી પક્ષો બનવાનો કાળક્રમ ચાલુ જ રહ્યો છે. હજીપણ તે ચાલુ છે. સૌથી મોટા વિપક્ષ ભાજપમાં પણ કોંગ્રેસી કુળના વ્યક્તિઓનો પગપેસારો સારા પ્રમાણમાં થયો છે. જો કે અપવાદમાં શિવસેના અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે. પરંતુ તેમનો ગજ રાષ્ટ્રીય સ્તરે વાગતો નથી, તેઓ સીમિત ક્ષેત્રની પાર્ટીઓ છે. કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિક પરંપરા રહી છે કે હંમેશા સત્તાની સાથે રહેવું અને સત્તાના વિરોધમાં રહેવું પડે તો તેવા સમયે સીમિત વિરોધ કરવો. કોંગ્રેસમાં આંતરીક લોકશાહી બિલકુલ ખતમ છે. નહેરુથી રાજીવ ગાંધી સુધી નિર્ણયોમાં આંતરીક લોકશાહીને ધ્યાને લેવાતી ન હતી. સોનિયા ગાંધીમાં પણ આ પરંપરા પ્રત્યક્ષ રીતે ચાલુ છે. રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં ચૂંટણીઓ કરાવીને આંતરીક લોકશાહી હોવાનો દેખાડો કર્યો છે. પરંતુ રાજકારણના જાણકારો કોંગ્રેસમાં આંતરીક લોકશાહી હોવાની વાતથી સહમત નથી.

આ સિવાય કોંગ્રેસના આંદોલનો આઝાદી પહેલા પણ મૂડીવાદી અને સામંતી લોકોના કબજામાં રહ્યા હતા. આઝાદી બાદ પણ કોંગ્રેસના ફંડમાં મૂડીવાદીઓનો ઘણો મોટો ફાળો છે. જેના કારણે કોંગ્રેસના શાસકોએ દેશ માટેના હિત માટે નીતિ ઘડવાને બદલે તેમના દાનદાતા મૂડીવાદીઓને ફાયદો કરાવતી અર્થનીતિ બનાવતા રહ્યા. પ્રજાનો અનુભવ છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે, દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી છે. કોંગ્રેસ અથવા તેના વડપણવાળી સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચારની કલંકિત પરંપરા છે. જેને જીપકાંડથી લઈને 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કાંડ સુધીનો વારસો મળ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના રંગઢંગને અન્ય રાજકીય પક્ષોએ પણ વત્તાઓછા પ્રમાણમાં સ્વીકાર્યો છે. જો કે આવા પક્ષોની કોંગ્રેસ પર કોઈ અસર થઈ નથી. કોંગ્રેસ પાર્ટીના ઝંડામાં લીલો રંગ છે, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો છે. શિવસેના જેવી કેટલીક પાર્ટીઓને બાદ કરતાં દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓના ઝંડામાં લીલો રંગ છે. લીલા રંગનો સવાલ નથી, સવાલ છે કે તેઓ લીલા રંગને ચોક્કસ સંપ્રદાય સાથે જોડીને પોતાની પાર્ટીના ઝંડામાં સમાવી રહ્યા છે. કોંગ્રેસના રાજકીય મોડેલે દેશમાં બહુમતીને ભાંડવાની અને લઘુમતી ખાસ કરીને મુસ્લિમોને ગળે લગાડવાની નીતિ અપનાવી. દેશની વસ્તીના 83 ટકા હિંદુઓને જાતિઓમાં વહેંચીને ક્યારેય એક થવા દીધા નહીં, પરંતુ મુસ્લિમ વોટબેંકને ફાલવા દીધી. વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.

ભારતની આર્થિક નીતિ હંમેશા મૂડીવાદી રહી છે અને તેનાથી અમીર-ગરીબની ખાઈ સતત વધી રહી છે. ઉદારીકરણને એવી રીતે અપનાવ્યું છે કે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ બેવડી થઈ ગઈ છે. ગરીબોના કલ્યાણની વાત કોંગ્રેસ સહીતના તમામ પક્ષો કરે છે, પરંતુ ગરીબોનું કલ્યાણ ગરીબી હટાવોના નારાથી આજ સુધી થઈ શક્યું નથી. ગરીબો પણ દેશમાં સતત વધી રહ્યા છે. તેનો અર્થ છે કે ગરીબી પણ વધી રહી છે.

દેશમાં ચાલી રહેલા આતંકવાદને નાથવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે. તેનું કારણ છે કે આતંકવાદના મુદ્દે પણ મુસ્લિમ મતોનું રાજકારણ કોંગ્રેસ સહીતના પક્ષો પર હંમેશા હાવી રહે છે. તેને કારણે આતંકવાદને નાબૂદ કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બની શકી નથી. વિકટ પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસની દરેક વાત એક યા બીજી રીતે અન્ય રાજકીય પક્ષો પણ આગળ વધારી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પક્ષમાં એસસી, એસટી, લઘુમતી, મહિલા વગેરે સેલ બનાવ્યા તો તેનું પણ તમામ પક્ષોએ અનુકરણ કર્યું છે. (અપવાદો ઘણા થોડા છે અને તે નિષ્પ્રભાવી છે) એક સમયે પોતાની સભામાંથી મુસ્લિમોને ઉઠીને જતા રહેવાનું કહેનાર દેશનો મુખ્ય વિપક્ષ પણ લઘુમતી સેલ બનાવી રહ્યો છે. સેક્યુલર દેખાવાની રાજકીય સંસ્કૃતિ પણ કોંગ્રેસના રાજકીય મોડલની દેણ છે. તેનો અત્યારનો સૌથી મોટો પુરાવો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

હાર્ડલાઈન હિંદુત્વના પોસ્ટરબોય ગણાતા નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનથી સેક્યુલર ચહેરો ઓઢવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેઓ ટોપી અને દાઢીવાળા સાથે સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. એક સમયે તેમની સભામાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર સંભળાતા હતા, આજે સદભાવના ઉપવાસની શરૂઆત અલ્લાહ હો અકબરના નારાથી થાય છે. મુસ્લિમ ટોપીઓ અને લીલી પાઘડી પહેરવાના કોંગ્રેસી કલ્ચરને ભાજપના અટલ બિહારી વાજપેયી અને અડવાણીએ ઘણાં વખત પહેલેથી અપનાવી લીધું હતું. કદાચ નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ આ કડીમાં નવું આયામ ઉમેરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

ભારતમાં કોંગ્રેસની સત્તાનો વિકલ્પ થોડા સમય માટે મળી શક્યો છે. પરંતુ કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ હજી સુધી ભારતને મળી શક્યો નથી. દેશના રાજકારણમાં કોંગ્રેસી મોડલના ઉત્પાતને કારણે જ ભારતમાં કટોકટી અને અન્ય રાજકીય બ્લંડરો સર્જાયા છે. જો આ કોંગ્રેસી મોડલનો ભારત વિકલ્પ નહીં શોધી શકે તો ફરીથી એક વખત ભારત પોતાના 65 વર્ષ જૂના ઈતિહાસના કાળને દોહરાવશે. ઉલ્લેખનીય છે કે ભારતના વિભાજન વખતે પણ કોંગ્રેસનું રાજકીય મોડલ સૌથી વધારે પ્રભાવી હતું અને તેણે મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયા ટેકવીને વિભાજન અને હિંદુઓની કત્લેઆમ ડાયરેક્ટ એક્શનના નામે મુંગે મોઢે ભૂખ્યા પેટે સહન કરી હતી. ભારતને પોતાની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક સમસ્યાઓથી છૂટકારો મેળવવો હશે તો કોંગ્રેસના રાજકીય મોડલને સમાપ્ત કરવું પડશે.

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

હિંસા-અહિંસાના ભેદ અને જનહિતને સમજવા જરૂરી


-આનંદ શુક્લ

ભારતમાં ઘણી જગ્યાએ મહાભારત એક સાથે નહીં વાંચવાનો રીવાજ છે. માનવામાં આવે છે કે મહાભારત એક સામટું વાંચી લેવાથી મહાભારત જેવી પરિસ્થિતિમાંથી વાંચનારા વ્યક્તિએ પસાર થવું પડે છે. મહાભારત એકસાથે વાંચવા સંદર્ભે આ અંધશ્રદ્ધા ભારતીય માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સમાજ દ્વાપર યુગમાં થયેલા ધર્મની સ્થાપના માટેના મહાભારતના યુદ્ધથી હજીપણ ડરી રહી છે. કુરુક્ષેત્રમાં લડાયેલા મહાભારત બાદ ભારત હવે નવા મહાભારત માટે તૈયાર નથી, મહાભારતમાંથી બચવા માંગે છે. ભારતમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, કટ્ટરતાવાદ અને ન જાણે કેટ-કેટલી સમસ્યાઓ છે. અધર્મ દેશમાં ચારેતરફ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દેશમાં મહાભારત થવું જ જોઈએ. પરંતુ તેના માટે કોઈ તૈયાર નથી, બધાં મહાભારતથી ડરી રહ્યાં છે. મહાભારત ભારતની આજની પરિસ્થિતિમાં કેટલું પ્રાસંગિક છે, તે શોધવાનો અને ચર્ચા કરવાનો હિંમતભર્યો પ્રયાસ કરવાનો અત્યારે વખતે છે. મહાભારતથી ભાગવામાં આવશે, તો જીવનનો આધાર ધર્મ ક્યારેય સંસ્થાપિત થઈ શકશે નહીં.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યારે પાંડવો અને કૌરવોની સેના એકબીજા સામે મોરચો માંડીને ઉભી હતી. ત્યારે અર્જૂને બંને સેનાની વચ્ચે શ્રીકૃષ્ણને રથ લેવાનું કહ્યું. અર્જૂને કૌરવ સેનામાં સ્વજનો અને ગુરુજનો જોયા. અર્જૂનના ગાત્રો શિથિલ થઈ ગયા. ગાંડિવ તેના હાથમાં સરવા લાગ્યું. અર્જૂનને ઘોર પરિતાપ થયો. અર્જૂને ગાંડિવ હાથમાંથી છોડી દીધું અને કૃષ્ણને કહ્યું કે સ્વજનોના રક્તથી ખરડાયેલું રાજ્ય તેને ખપશે નહીં. આમ કરવાના બદલે તે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને આપદ ધર્મ સમજાવા માટે રણભૂમિની વચ્ચોવચ શ્રીમદ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણે અર્જૂનને કહ્યું કે યુદ્ધ કર, નપુંસક ન બન, તારા ક્ષાત્રધર્મનું પાલન કર. ગાંડિવ ઉઠાવ અને યુદ્ધ કર. શ્રીમદ ભગવત ગીતા અર્જૂનને યુદ્ધ માટે પ્રેરીત કરવા માટે ઉદબોધવામાં આવી હતી. પરંતુ આ ભગવત ગીતા ભારતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો પ્રેરણાસ્ત્રોત હતી. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમના જીવનમાં ડગલેને પગલે આવેલી મુસીબતોનો ઉકેલ તેમને ગીતામાંથી મળે છે. આમ ગીતા મહાભારતની પ્રેરણા પણ બની શકે છે અને મહાત્મા ગાંધીની પ્રેરણા પણ બની શકે છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય કે યુદ્ધ-હિંસા માટે અર્જૂનને પ્રેરીત કરનારી ગીતા અને ગાંધીજીમાં કોઈ વિરોધનું તત્વ છે?

લોકો કોઈપણ દેશહિત, રાષ્ટ્રહિત અને સમાજહિતની વાતમાં ગાંધીજીની અહિંસાની વાતને વિકૃત રીતે આગળ કરીને સમગ્ર મામલાને બગાડી રહ્યાં છે. પરંતુ ગાંધીજીની અહિંસાને વિકૃત કરનારા તેમના હિંસક અનુયાયીઓને ખબર હોવી જોઈએ કે ગાંધીજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. મૃત્યુની ક્ષણે પણ હે રામ કહીને તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. ગાંધીજી અને કરોડો ભારતીયોના આરાધ્ય ભગવાન શ્રીરામે ધનુષ્ય ધારણ કરી રાખ્યું છે. તેમણે શરભંગના આશ્રમમાં પ્રતિજ્ઞા પણ કરી હતી કે નિસચર હીન કરો મહી, ભુજ ઉઠાયે પ્રણ કીન. એટલે કે સમગ્ર સૃષ્ટિને નિશાચરોવિહીન કરી દઈશ. (ભોપાલથી 10 કિલોમીટર દૂર રાક્ષસહાંડા કરીને જગ્યા છે. આ સ્થાન પર ઋષિઓના હાડકાંના ઢગલા જોઈને ભગવાન શ્રીરામે ભારતમાતાની ચરણરજ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આખી પૃથ્વીને રાક્ષસવિહોણી કરી દઈશ.) 1962માં ચીન સામેના યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતીયોને લાગી રહ્યું છે કે હિંસા અને અહિંસાને સમજવામાં ભારે ભૂલ થઈ છે. કૃષ્ણ પણ અહિંસાને પરમ ધર્મ માનતા હતા. તેમાં કોઈ શંકાને કારણ નથી, કારણ કે તેમણે મહાભારતને રોકવા માટે દૂર્યોધન સાથે શાંતિવાર્તા કરી હતી. પરંતુ જ્યારે આક્રમણખોરો શસ્ત્રો સાથે આપણી પર હુમલો કરે અને તે સમયે આપણે બળપૂર્વક શસ્ત્રથી આત્મરક્ષણ કરીએ તો શું તેને હિંસા કહી શકાય? બળપ્રયોગથી આત્મરક્ષણ અને હિંસામાં કોઈ અંતર છે કે નહીં?

આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે બળપ્રયોગ કરવો હિંસા કેવી રીતે છે? આ ઉદ્દાત હેતુ માટે બળપ્રયોગ કરવાની મનાઈ કરનારા પેઢીને નપુંસક બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં પ્રચલિત થયું છે કે હિંસા પાપ છે. પરંતુ આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે થનારો બળપ્રયોગ અને તેનાથી થનારી હિંસા કેવી રીતે કોઈ પાપ થાય છે? મચ્છર મારીશું તો પણ હિંસા થઈ જશે, માટે મચ્છર પણ ન મારવા જોઈએ! ત્યારે પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ કે કૃષ્ણ અને ગાંધી, ગાંધી અને ગીતામાં એકબીજા માટે કોઈ વિરોધ છે? જો તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો પ્રસંગ આવે, તો શું એકનો તિરસ્કાર કરવો પડશે? કૃષ્ણની નીતિ અને ગાંધીની નીતિમાં ક્યાંક સામંજસ્ય છે કે નહીં? આપણે શોધી શકીએ કે ન શોધી શકીએ, પણ હકીકત છે કે તે બંનેમાં સામંજસ્ય તો છે. જો આમ ન હોત, તો ગાંધીજી ગીતા કેમ વાંચત, દરરોજ તેનું પઠન શા માટે કરત!

ભારતીય સંસદમાં નોબલ પુરષ્કાર વિજેતા વિખ્યાત અર્થશાસ્ત્રી અમાર્ત્ય સેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “કૃષ્ણની ધર્મસ્થાપનાની નીતિમાં જો આપણે જોઈશું તો વિનાશ છે. જો કૃષ્ણના ઢંગથી ધર્મની સ્થાપના કરવામાં આવશે તો ઘણાં લોકો માર્યા જશે. માટે હું કૃષ્ણના પક્ષમાં નથી.” પરંતુ કૃષ્ણના પક્ષમાં ન રહીને અમાર્ત્ય સેન મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરી રહ્યાં છે. ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ જો જીવનો વધ કરવો પડે, તો તેના માટે પણ તૈયાર છે. કારણ કે ધર્મ જ જીવનને ધારણ કરે છે. જો જીવોને બચાવવા, મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરવામાં આવે અને અધર્મની સ્થાપના થઈ જશે તો તેના પછી જીવ, કોઈ જીવન, કોઈ મનુષ્ય કેવી રીતે બચી શકશે? માટે અમાર્ત્ય સેનની કૃષ્ણની ધર્મ સ્થાપનાની નીતિ સાથે અસંમત થવાની વાતથી સંમત થઈ શકાય તેમ નથી.

સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંહે 11 સપ્ટેમ્બરના પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારતની છબી ચારે બાજૂ એક દબ્બુ, એક ભીરુ, એક દુર્બળ અને ડરપોક રાષ્ટ્રની છે. માટે ન તો અપરાધીઓને ભારતની સરકારનો, ભારતનો ભય છે અને ન આપણા શત્રુઓને પણ આવો ભય નથી. આપણા શત્રુઓ, જેને તમે આતંકવાદી કહો કે બીજું કંઈપણ તેઓ પણ નિરંતર શક્તિશાળી થઈ રહ્યાં છે. ચીનને ભારતનો કોઈ ભય નથી, તે પોતે ઈચ્છશે તેમ જ કરશે. પાકિસ્તાનને પણ કોઈ ડર નથી. કેવી વિડંબણા છે કે શારદા, ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરનારો સમાજ શક્તિહીન બને!!

અર્જૂન દ્વારા મહાભારતના ઈન્કારને જરા વિનોબાની દ્રષ્ટિથી જોઈએ. આચાર્ય વિનોબાના મતે જ્યારે અર્જૂન કહી રહ્યો છે કે તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. ત્યારે તે અહિંસાની વાત કરી રહ્યો નથી. અર્જૂન મહાભારતના ઈન્કાર વખતે અહિંસાથી પ્રેરીત નથી. અર્જૂન તે વખતે સ્વજનો પ્રત્યે આસક્ત છે અને તેના કારણે મહાભારતનું યુદ્ધ લડવાનો ઈન્કાર કરી રહ્યો છે. અર્જૂનના યુદ્ધ ઈન્કારનું કારણ સ્વજનાસક્તિ છે. વિનોબા કહે છે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, તેને આપણે સિદ્ધાંતોના ખૂબ સરસ આવરણથી ઢાંકી દઈએ છીએ. જોગિન્દર સિંહ પોતાનો ઉપરોક્ત લેખમાં પુછે છે કે ક્યાં લોકો છે કે જે ભારતના દુશ્મન એવા આતંકવાદીઓને બચાવવા માંગે છે? ત્યારે વિચારવું પડે કે કોણ સ્વજન છે અને કોણ દુર્જન છે.

કેરળની વિધાનસભામાં આતંકવાદી વિસ્ફોટમાં સામેલ મદનીની તરફેણમાં પ્રસ્તાવ પારીત થયો, તેને બચાવવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભાએ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા વિરુદ્ધ પ્રસ્તાવ પારીત કર્યો. કાશ્મીર વિધાનસભામાં સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની સજા રોકવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પરંતુ હંગામાને કારણે તે પસાર થઈ શક્યો નહીં. પંજાબ વિધાનસભામાં પણ 1993ના વિસ્ફોટોના ગુનેગાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસી રોકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આપણી સામેના આ ઉદાહરણો પરથી વિચાર કરવો જોઈએ કે ફાંસી પામેલા લોકો કોણ છે, તે કોના સ્વજન છે અને તેમને બચાવવા માટે ક્યાં લોકો આગળ આવ્યા છે? આ ફાંસી પામેલા લોકોને કોણ સ્વજન માને છે? આ ફાંસી પામેલા લોકોને સ્વજન માનનારાનો આ દેશ હોઈ જ ન શકે. આ દેશના લોકો ફાંસી પામનારા ઉપરોક્ત આરોપીઓના સ્વજન નથી. આપણે જોવું પડશે કે જે લોકો આપણા જનપ્રતિનિધિ બનીને કામ કરી રહ્યાં છે, તેઓ શું કરી રહ્યા છે?

સાંસદ અને ધારાસભ્યો પ્રતિનિધિ શબ્દનો દુરુપયોગ કરી રહ્યાં છે. આખરે સ્વામી વિવેકાનંદને ભારતના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોણે વિદેશ મોકલ્યા હતા? ગાંધીજીને કોણે ચૂંટયા હતા? રવિન્દ્રનાથ ઠાકુર કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા ન હતા, તો શું તેઓ આપણા પ્રતિનિધિ નથી? પ્રશ્ન ઉઠે છે કે આપણે આપણા પ્રતિનિધિ કોને કહેવા? માત્ર એક વખત વોટ મેળવીને કોઈપણ રીતે ચૂંટાઈને સંસદ કે ધારાસભામાં બેસી ગયા એટલે શું તેઓ લોકોના પ્રતિનિધિ બની ગયા? આપણું પ્રતિનિધિત્વ એ કરી શકે કે જે આપણી ભાવનાઓ સાથે સામંજસ્યતા ધરાવે છે. આ દેશની ભાવના સાથે સામંજસ્ય ધરાવતા વાલ્મિકીને તો કોઈ ચૂંટણીમાં જીત્યા ન હતા. છતાં તેઓ આપણા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ બનવા માટે વ્યાસને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની જરૂર પડી નથી. રામ, કૃષ્ણ, વિવેકાનંદ જેવાં આ દેશની ભાવના સાથે સામંજસ્યતા ધરાવતા લોકો જ આ દેશના પ્રતિનિધિ છે. આવી ભાવના ધરાવતા લોકો આગળ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિનિધિ થવાનો અર્થ છે કે આ દેશના હિતમાં, આ દેશના લોકોના હિતમાં, જે કામ કરે અને જ્યાં સુધી કરે ત્યાં સુધી તેઓ આપણા પ્રતિનિધિ છે. જ્યારે પ્રતિનિધિ આપણી અને આપણાં લોકોની ભાવના પ્રમાણે કામ ન કરે, તે ક્ષણથી જ તે આપણું અને આપણા લોકોનું પ્રતિનિધિત્વ ગુમાવે છે.

ત્યારે આપણી સામે ઉભી થયેલી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે કે કોણ આપણા પ્રતિનિધિ છે અને કોણ નથી, કઈ બાબત હિંસા છે અને કઈ અહિંસા છે, શું કોમવાદ છે અને શું સેક્યુલરવાદ છે, આપણે આ તમામ બાબતો પર પુનર્વિચાર કરવો પડશે. આ બધી બાબતોને કોઈ સ્થાપિત હિતો માટે વિકૃત કરવામાં આવી હશે, તો આને વિકૃત કરનાર બાબતોને આવી અવધારણાથી અલગ કરવી પડશે. આપણને જે પરિભાષાઓ આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરીને માત્ર તેના રસ્તા પર ચાલવાનું નથી, કારણ કે તે આપણા હિતમાં નથી, તે આપણા સમાજના હિતમાં નથી, તે આપણા રાષ્ટ્રના હિતમાં નથી, તે આપણા દેશના હિતમાં નથી.

(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે નાગપુરના રેશિમ બાગમાં આયોજીત સમારંભમાં નરેન્દ્ર કોહલી દ્વારા થયેલા ઉદબોધન પરથી)

શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011

ભ્રષ્ટતંત્રને લોકતંત્રમાં ફેરવવાનો જનમાર્ગ


-આનંદ શુક્લ

ભારતમાં લોકતંત્ર ક્યાં છે? અહીં તો પાર્ટીનું, પાર્ટી દ્વારા અને સત્તા માટે ચાલતુ પાર્ટીતંત્ર જ અસ્તિત્વમાં છે. ભારતની સંસદીય લોકશાહી હકીકતમાં સંસદીય પાર્ટીશાહી છે. લોકશાહીમાં લોકો, લોકોની લાગણી અને લોકોની માગણી બધું જ અદ્રશ્ય છે. દેશની સંસદમાં પાર્ટીઓ પોતાને ફાવે તે રીતે, પોતાને ફાવે તેવી વ્યવસ્થા ઉભી કરીને દેશનું શોષણ અને દોહન કરે છે. તેના પુરાવા તરીકે ઘણી વસ્તુઓ મળી શકે તેમ છે. ભારતમાં 78 કરોડ લોકો ગરીબોની શ્રેણીમાં આવે છે. તેમ છતાં દેશની સંસદે ગરીબોને કેટલું પ્રતિનિધિત્વ આપ્યું છે, તેની જાણકારી દેશના સાંસદોએ જાહેર કરેલી સંપત્તિ પરથી મળી શકે તેમ છે. દેશની સંસદ અને વિધાનસભા કરોડપતિઓ અને અબજોપતિઓના હાથમાં છે. દેશની સંસદમાં 150થી વધારે સાંસદો ગુનેગારની શ્રેણીમાં આવે છે. છેલ્લા એક વર્ષમાં લોકોની સામે આવેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાના મામલા જણાવે છે કે દેશની પાર્ટીશાહીએ આપણને લૂંટવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ આયોજન, નોઈડા જમીન અધિગ્રહણ, આદર્શ હાઉસિંગ સોસાયટી, કર્ણાટક ખનન અને જમીન કૌભાંડ. આ તો ખાલી લોકો સામે ખુલ્લા પડી ગયેલા ગોટાળાનું નાનું લિસ્ટ છે. કહેવામાં આવે છે કે દેશની જનતાના સાડા સાત લાખ કરોડ રૂપિયા ભ્રષ્ટ નેતાઓ ચાઉ કરી ગયા છે. આટલો ભ્રષ્ટાચાર થાય, ત્યારે તેને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં? પણ જ્યારે વાડ જ ચિંભડા ગળતી હોય, ત્યારે કોઈ વ્યવસ્થા કામ આવે કે કેમ?

અન્ના હજારે જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર પર 60-65 ટકા રોક લાગવાની આશા સેવી રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે ભ્રષ્ટ પાર્ટીશાહી એવી કોઈ વ્યવસ્થા બનાવવા દેશે કે જે તેમના દ્વારા થતાં ભ્રષ્ટાચારમાં કોઈ બ્રેક મારી શકે? વળી જનલોકપાલની નિમણૂક અને પસંદગી પાર્ટીશાહીની દેખરેખ નીચે જ થવાની છે. ત્યારે જનલોકપાલ ભ્રષ્ટ નહીં હોય તેવું કોઈ ખાતરીપૂર્વક કહી શકે તેમ નથી. હાલમાં કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન કર્યું છે કે આજે દરેક ભારતીય ભ્રષ્ટાચારથી પરેશાન છે, પરંતુ માત્ર એક કાયદાથી ભ્રષ્ટાચાર દૂર થશે નહીં. આ બુરાઈના ખાત્મા માટે કાયદો અને મજબૂત સરકારી ઈચ્છાશક્તિની જરૂરત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એવી ધારણા છે કે જનલોકપાલ બિલ પાસ થઈ જવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, પરંતુ મને તેમા ગંભીર શંકા છે. જો લોકપાલ ભ્રષ્ટ થઈ ગયો તો પછી શું થશે, માટે આપણે શા માટે લોકપાલને ચૂંટણી પંચની જેમ મજબૂત બંધારણીય સંસ્થા ન બનાવીએ? તેમણે અન્ના પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું કે વ્યક્તિઓના રૂપમાં લોકોએ દેશને મહાન યોગદાન આપ્યું છે. તેમણે દેશની આઝાદી અને વિકાસ માટે લોકોને એકજૂટ કર્યા. પરંતુ વ્યક્તિગત ફરમાન કેટલું પણ નેક ઈરાદાથી કેમ ન થાય, લોકતાંત્રિક પ્રક્રિયાને કમજોર કરે છે. ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન પણ વિચારવા યોગ્ય તો છે જ? જો કે ભારતનું લોકતંત્ર ભ્રષ્ટતંત્રના કબજામાં છે. ત્યારે સવાલ એ પણ છે કે ભારતના લોકતંત્રને ભ્રષ્ટતંત્રમાંથી બચાવીને કેવી રીતે મુક્ત કરવું?

સંસદીય લોકશાહીની મર્યાદા સંદર્ભે ગાંધીજી અને આંબેડકરના વિચારો

ભારતે આઝાદી વખતે જવાહરલાલ નેહરુની આગેવાનીમાં સંસદીય લોકશાહી પ્રણાલી અંગિકાર કરી હતી. પરંતુ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સંસદીય લોકશાહી પ્રણાલીની તરફેણમાં ન હતા. મહાત્મા ગાંધીએ તેમના જગવિખ્યાત પુસ્તક હિંદ સ્વરાજમાં 1909માં બ્રિટનની સંસદીય લોકશાહી અને સંસદ પર સ્પષ્ટ અને ધારદાર ટિપ્પણી કરી હતી. મહાત્મા ગાંધીએ બ્રિટનની સંસદને વેશ્યા (અનૈતિક) અને વાંઝણી (અરચનાત્મક) કહી હતી. તેમણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં આજે (1909) જે પરિસ્થિતિ છે, તે ખરેખર દયનીય છે. ઈંગ્લેન્ડની સંસદે આજ સુધી પોતાની મેળે એકપણ સારું કામ કર્યું નથી. જો તેના પર કોઈ જોર-દબાણ કરનારું ન હોય, તો તે કંઈપણ ન કરે તેવી તેની કુદરતી સ્થિતિ છે. અને તે એ અર્થમાં એક વેશ્યા સમાન છે કે જે મંત્રીમંડળ તેના પર કાબિજ રહે છે, તેની પાસે રહે છે. સંસદ સભ્ય બનાવટી અને સ્વાર્થી મળે છે. બધાં પોતાનો મતલબ સાધવાનું વિચારે છે કોઈ લોકોનું ભલાઈ માટે વિચારતુ નથી. માત્ર ડરને કારણે જ સંસદ કંઈક કામ કરે છે. જે કામ આજે કરે છે, તે કાલે તેને રદ્દ કરવું પડે છે. જેટલો સમય અને પૈસા સંસદ ખર્ચ કરે છે, જો તેટલો સમય અને પૈસા સારા લોકોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. બ્રિટિશ સંસદ માત્ર પ્રજાનું રમકડું છે અને આ રમકડું પ્રજાને ભારે ખર્ચામાં નાખે છે. શું 1909માં બ્રિટનની પાર્લામેન્ટ માટે કહેલી ગાંધીજીની વાતો આજે ભારતની સંસદ માટે સાચી નથી?

આંબેડકરની સ્પષ્ટ માન્યતા હતી કે સંસદીય લોકતંત્ર જનતાની મૂળ સમસ્યાઓનું સમાધાન કરી શકતું નથી. 1943માં ઈન્ડિયન ફેડરેશનના કાર્યકર્તાઓની એક શિબિરમાં ભાષણ કરતાં તેમણે કહ્યું હતું કે દરેક દેશમાં સંસદીય લોકશાહી પ્રત્યે ઘણો અસંતોષ છે. ભારતમાં આ પ્રશ્ન પર વિચાર કરવાની ઘણી જરૂરત છે. ભારત સંસદીય લોકશાહી પ્રાપ્ત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. એ વાતની જરૂરત છે કે કોઈ યથેષ્ઠ સાહસ સાથે ભારતવાસીઓને કહે કે- સંસદીય લોકતંત્રથી સાવધાન. આ એટલું સારું ઉત્પાદ નથી કે જેટલું દેખાતું હતું. તેમણે આ ભાષણમાં કહ્યું હતું કે સંસદીય લોકશાહી ક્યારેય જનતાની સરકાર રહી નથી, ન તો જનતા દ્વારા ચાલનારી સરકાર રહી. ક્યારેય એવી સરકાર પણ રહી નથી, જે જનતા માટે હોય. આંબેડકરે સંસદીય લોકશાહીની વ્યાખ્યા કરતાં લખ્યુ છે કે સંસદીય લોકશાહી શાસનનું એવું સ્વરૂપ છે જેમાં જનતાનું કામ પોતાના માલિકો માટે વોટ આપવો અને તેમને શાસન કરવા માટે છોડી દેવા થાય છે.

ગાંધીજી અને આંબેડકર બંને સંસદીય લોકશાહી માટેના પોતાના મંતવ્યો પર સાચા પુરવાર થઈ રહ્યા છે. ભારતમાં દર પાંચ વર્ષે જનતાને માત્ર વોટ આપવાનો અધિકાર મળે છે અને પાંચ વર્ષ માટે જનપ્રતિનિધિઓને રાજ કરવાનો અધિકાર મળે છે. પાંચ વર્ષ સુધી સત્તા પરિવર્તન માટે આંદોલનો સિવાય અન્ય કોઈ રસ્તો ભારતીય સંસદીય લોકશાહીમાં ખુલ્લો રાખવામાં આવ્યો નથી. 1977માં જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં થયેલા આંદોલનોના પરિણામે કટોકટી બાદ શક્તિશાળી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસે સત્તામાંથી દૂર થવું પડયું. 1989માં બોફોર્સ મુદ્દે વી.પી.સિંહ દ્વારા બિનકોંગ્રેસી રાષ્ટ્રીય મોરચા થકી સત્તા પરિવર્તન થયું. ત્યાર બાદ 1996થી 2004 સુધી બિનકોંગ્રેસી સરકારો સત્તામાં રહી. પણ આ સમયગાળામાં પ્રજાએ અનુભૂતિ કરી લીધી કે કોંગ્રેસી રાજકારણી હોય કે બિનકોંગ્રેસી રાજકારણી તેમની માનસિકતા અને સત્તાની હિતસાધનામાં કોઈ તફાવત હોતો નથી. પ્રજાને રાજકારણીઓથી થયેલા મોહભંગને કારણે દેશમાં એક નિરાશાની સ્થિતિ પ્રવર્તી રહી છે. દેશમાં મોંઘવારીનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, આતંકવાદનો મુદ્દો હોય, નક્સલવાદનો મુદ્દો હોય પણ વિરોધ પક્ષ અને સત્તાપક્ષ વચ્ચે જાણે કે કોઈ સમજૂતી થઈ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દેખાડા માટે પ્રતીકાત્મક ધરણાં અને રેલીઓથી પ્રજા કંટાળી ગઈ છે. તેવા સમયે દેશના રાજકારણમાં ઉભા થયેલા મહાશૂન્યને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ આંદોલને ભરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે આ મહાશૂન્ય લગભગ ભરાઈ ગયું છે. વિપક્ષો-ભાજપ અને ડાબેરી બંને અન્નાની પડખે ગમા-અણગમા સાથે ઉભા રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે ભારતની સંસદીય લોકશાહી લોકતંત્રની પૂર્ણતા સ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે? શું ભારતમાં જનભાવનાને પ્રતિબિંબિત કરતું લોકતંત્ર સ્થાપિત કરી શકાય? તેના માટે સંસદીય લોકશાહીમાં કોઈ વ્યવસ્થા ઉભી કરીને પ્રયોગ કરી શકાય?

લોકતંત્રને ભ્રષ્ટતંત્રમાંથી મુક્ત કરવાનો જનમાર્ગ

લોકોની લાગણી વિરુદ્ધ વર્તન કરતાં જનપ્રતિનિધિઓને પક્ષપલટા, ભ્રષ્ટાચાર, દાદાગીરી કરતાં રોકવા માટે જનભાગીદારી વધારવાનો એક પ્રયોગ ભારતની લોકશાહીમાં થવો જોઈએ. આ પ્રયોગ માટે જનતાને વધારે શિક્ષિત અને જાગરૂક કરવાની સાથેસાથે તેને નવા અધિકારો આપીને જનપ્રતિનિધિઓ પર લગામ નાખવી જોઈએ. તેના માટે સાત પ્રકારની જોગવાઈઓને તબક્કાવાર અમલમાં લાવી શકાય-(1) પક્ષોમાં આંતરીક લોકતંત્રની સ્થાપના (2) ચૂંટણી ફંડના ધારાધોરણો નક્કી કરવા (3) રાઈટ ટુ રિજેક્ટ (4) રાઈટ ટુ રિકોલ (5) વ્હિપ નહીં, અંતરાત્મા અને જનભાવનાને આધારે નિર્ણય (6) રેફરન્ડમ કે જનમત લેવાનો વિકલ્પ ખુલ્લો રાખવો (7) રાષ્ટ્રીય સરકારની જોગવાઈ કરવી

આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશના તમામ પક્ષોમાં વત્તાઓછા પ્રમાણમાં વંશવાદ, આઈડિયોલોજીકલ જોહૂકમી, સત્તા-સ્વાર્થ સાધના, તકવાદ, સિદ્ધાંતવિહીનતા વગેરે અનિષ્ટો જોવા મળી રહ્યાં છે. રાજકીય પક્ષોમાં યોગ્યાતા નહીં, ચમચાગીરીથી આગળ વધી શકાય છે, તેવી એક આમ ધારણા રહેલી છે. પક્ષોને અમુક પરિવારો, જૂથ કે લોકો પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે ચલાવે છે. ભાજપની સામે તાજેતરમાં પક્ષમાં પાછા ફરેલા ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે આવા આરોપો મૂક્યા હતા. કોંગ્રેસ પાર્ટી ગાંધી-નેહરુ પરિવારની છત્રછાયામાં ચાલે છે. સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહના પરિવારની જાગીર છે. શિવસેનાને બાલ ઠાકરે રિમોટ કંટ્રોલથી ચલાવે છે. ડીએમકેને કરુણાનિધિ વર્ષોથી પારિવારીક જાગીરની જેમ ચલાવે છે. તેલગુદેશમ પાર્ટી પણ ચંદ્રાબાબુ નાયડુને સસરાની વારસાઈમાં મળી છે. ત્યારે આ તમામ પક્ષોમાં ટિકિટ વહેંચણી અને પદો પરની નિમણૂકમાં કોઈપણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર દેખાતું નથી. તેમાં લોકતંત્રનો અભાવ હંમેશા વર્તાય છે. પરંતુ ભારતના લોકોની સામંતી માનસિકતાને કારણે પાર્ટીના આંતરીક લોકતંત્ર માટે પાર્ટીમાંથી કોઈ અવાજ ઉભો થતો નથી. તો ચૂંટણી પંચે રાજકીય પક્ષોના આંતરીક લોકતંત્ર માટે ચોક્કસ નીતિ-નિયમોની આચારસંહીતા પણ બનાવવી જોઈએ. કારણ કે સંસદીય લોકતંત્રમાં લોકોમાંથી પાર્ટી અને પાર્ટીમાંથી સત્તાપક્ષ અને વિપક્ષ બંને આવે છે. લોકોની ભાવના તંત્રમાં ત્યારે જ પ્રતિબિંબિત થાય કે જ્યારે રાજકીય પક્ષોમાં આંતરીક લોકશાહીની શરૂઆત થાય.

આ સિવાય ચૂંટણી ફંડોમાં ઘણાં કાળા નાણાંનો ઉપયોગ થતો હોવાની વાત કોઈનાથી છુપી નથી. રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચાના ખોટા હિસાબ આપતા હોવાની અથવા ઉમેદવારો પણ આ સંદર્ભે ખોટી માહિતી આપતા હોવાની બાબત ચર્ચામાં છે. વળી ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની જે મર્યાદા છે, તે મર્યાદામાં ચૂંટણી ખર્ચ આટોપવો અઘરો છે. ત્યારે ચૂંટણી ફંડની એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે જેમાં પક્ષો અને ઉમેદવારો ખોટું બોલવા પ્રેરાય નહીં અને સાચી માહિતી આપે. વળી બ્લેક મનીના ઉપયોગને સદંતર ટાળવા માટે ચૂંટણી ફંડ અથવા અન્ય વૈકલ્પિક યોજના વિચારી શકાય.

રાજકારણના અપરાધીકરણ અને તમામ રાજકારણીઓના એકસરખા અનુભવને કારણે જનતાને ચૂંટણીમાં ઉભા રહેનારા કોઈપણ ઉમેદવારને ચૂંટવામાં રસ હોતો નથી. તેના કારણે તેઓ મતદાન કરવા જતાં નથી. જે લોકો જાય છે, તેમની પાસે ચૂંટણીમાં ઉભા રહેલા એક ઉમેદવારને ચૂંટવાનો વિકલ્પ હોય છે. ત્યારે ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોને નાપસંદ કરવાનો અધિકાર રાઈટ ટુ રિજેક્ટની જોગવાઈથી આપવો જોઈએ. તેના કારણે મતદાનની ટકાવારી જે 50-70ની વચ્ચે રહે છે, તે વધારવામાં સફળતા મળશે. અત્યારે મતદાનની ટકાવારી ચૂંટણીઓમાં ઓછી રહે છે, ચૂંટણી મેદાનમાં ઘણાં બધાં ઉમેદવારો હોય છે. માટે જે ચૂંટાયેલો ઉમેદવાર હોય છે, તે 50-70 ટકા મતદાનમાંથી કુલ 30-40 ટકા મતદારોનો ટેકો મેળવી શકે છે. ત્યારે સવાલ એ છે કે આવા જનપ્રતિનિધિઓ કેવી રીતે જનતાના પ્રતિનિધિ ગણી શકાય?

આ સિવાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વહિત, સત્તાપ્રાપ્તિ અને સ્વાર્થને વશ થઈને સિદ્ધાંતોને છોડીને જનતાની ભાવનાને અવગણીને પક્ષપલટા કરે છે. ત્યારે એવી જોગવાઈ હોવી જોઈએ કે પક્ષપલટા તદ્દન અટકી જાય. અત્યારે પક્ષના એક તૃતિયાંશ સભ્યો સંમત હોય તો પક્ષપલટો કરે છે. પરંતુ જ્યારે સિદ્ધાંત અને વિચારધારા સિવાયના મુદ્દા પર પક્ષપલટો થતો હોય, ત્યારે જનપ્રતિનિધિનું સંસદ સભ્યપદ રદ્દ થાય અને તેને ફરીથી ચૂંટણીમાં ઉતારવા જેવી કડક જોગવાઈ કરવી જોઈએ. આના માટે જનતાને રાઈટ ટુ રિકોલનો અધિકાર પણ આપવો જોઈએ.
આ સિવાય સંસદ અને ધારાસભામાં પૂર્ણ લોકતંત્ર હોવું જોઈએ. ઉમેદવારોને કોઈપણ મુદ્દે સંસદ અને ધારાસભામાં મતદાન કરવા માટે પાર્ટી વ્હિપ આપવામાં આવે છે. જો સાંસદ કે ધારાસભ્ય પાર્ટી વ્હિપ પ્રમાણે વર્તે નહીં, તો તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થાય છે. જેના કારણે જનપ્રતિનિધિઓ અંતરાત્મા, જનતાના અવાજ અને સિદ્ધાંતને અવગણીને પણ ઘણીવાર પાર્ટીના વ્હિપ પ્રમાણે મતદાન કરતો હોય છે. લોકશાહી માટે આ એક ઘણી વિકટ વ્યવસ્થા છે. ત્યારે પૂર્ણ લોકશાહી માટે સંસદ અને ધારાસભામાં જનપ્રતિનિધિને જનતાની લાગણી પ્રમાણે અંતરાત્મા મુજબ પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે મત વ્યક્ત કરવાનો અધિકાર મળવો જોઈએ.

ભારતમાં રાષ્ટ્રીય નીતિ અને રાજનીતિ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદ રેખા નથી. જેના કારણે રાષ્ટ્રનીતિ પર રાજનીતિ થાય છે અને દેશના રાષ્ટ્ર હિતને ઘેરુ નુકસાન થાય છે. ભારતમાં રાષ્ટ્રીય મુદ્દાઓ સંદર્ભે ઘોર અસ્પષ્ટતાઓ અને અસમંજસતાઓ પ્રવર્તી રહી છે. આવી બાબતોમાં પાકિસ્તાન, ચીન, અમેરિકા, રશિયા સંદર્ભેની નીતિમાં અસ્પષ્ટતાઓ, પરમાણુ નીતિઓમાં મતભેદ, કાશ્મીર મુદ્દા પર નીતિભેદ, આતંકવાદ પર મતભેદ, નક્સલવાદ, કોમવાદ, જાતિવાદના મુદ્દાઓ ચોક્કસ નીતિનો અભાવ જોવા મળે છે. ત્યારે આ પ્રકારના મુદ્દાઓ કે જેના પર તમામ પક્ષો સંમત ન થઈ શકતા હોય અથવા જે લોકોની લાગણી વિરુદ્ધના લાગતા હોય, તેમાં સરકાર અને તંત્રએ જનતાનો સીધો મત જાણવા માટે જનમત લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેના દ્વારા જનતાની રાષ્ટ્રીય મુદ્દાઓમાં સીધી ભાગીદારી થશે અને પક્ષોને સત્તાસાધના માટે રાજનીતિ કરવાનો મોકો મળશે નહીં.

આટલા મોટા દેશમાં સતત ચૂંટણીઓ અને જનમત લેવાની વાત ઘણી કપરી, ખર્ચાળ અને ક્યારેક અવ્યવહારીક થઈ જાય છે. ત્યારે તેવી સ્થિતિમાં તમામ પક્ષો દ્વારા રાષ્ટ્રીય સરકારના વિકલ્પને ખુલ્લો રાખવો જોઈએ. રાષ્ટ્રીય સરકારોનો પ્રયોગ ઈઝરાયેલ અને અન્ય ઘણાં પશ્ચિમી દેશોમાં સફળતાથી થયો છે. ભારતની આઝાદીથી 1952માં પ્રથમ ચૂંટણી થઈ ત્યારે પંડિત જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રીય સરકાર સ્થાપીને દેશનો વહીવટ ચલાવ્યો હતો. તે વખતની રાષ્ટ્રીય સરકારને હજીપણ ઘણાં જાણકારો અને વડીલબંધુઓ શ્રેષ્ઠ સરકાર ગણાવે છે.

ત્યારે લોકશાહી એટલે લોકને તેમની ભાવના પ્રમાણે, તેમના દ્વારા અને તેમના માટે ચાલતા તંત્રની અભિવ્યક્તિ છે. આવું તંત્ર ત્યારે જ સંભવી શકે કે જ્યારે લોકોની સંસદીય લોકશાહી પ્રણાલીમાં ભાગીદારી વધારવામાં આવે. આવી ભાગીદારી વધારવા માટે ઉપરના તમામ પ્રયોગો એકસાથે અમલમાં લાવવાની જરૂરત નથી. પણ તેમના પ્રયોગાત્મક અમલ માટેની દિશામાં તબક્કાવાર વિચારવું જોઈએ. જે દેશના રાજકીય આરોગ્ય અને સંસદીય લોકશાહીને સફળ બનાવવા માટે બેહદ જરૂરી છે. ભ્રષ્ટાચાર એ વ્યસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે, તે કોઈ એક જનલોકપાલના આવી જવાથી ખતમ થવાનો નથી. તેમાં વ્યવસ્થા પરિવર્તન અથવા સુધારાને ઘણો બધો અવકાશ છે.

આંબેડકરની ધારણા હતી કે લોકપ્રિય સરકારના તામજામ વગર સંસદીય લોકશાહી વાસ્તવમાં આનુવંશિક શાસકવર્ગ દ્વારા આનુવંશિક પ્રજા વર્ગ પર હકૂમત છે. આ સ્થિતિ વર્ણવ્યવસ્થાથી ઘણી મળતી છે. ઉપરથી લાગે છે કે કોઈપણ વ્યક્તિ ચૂંટાઈ શકે છે, મંત્રી થઈ શકે છે, શાસન કરી શકે છે. વાસ્તવમાં શાસક વર્ગ એક પ્રકારે વર્ણ બની જાય છે. તેમાંથી જ થોડા ઉલટફેરની સાથે શાસકો ચૂંટાય છે. જે પ્રજા વર્ગ છે, તે સદા શાસિત બની રહે છે. આવી વ્યવસ્થા લોકતંત્રને ભ્રષ્ટતંત્ર બનાવે છે અને તેનાથી ભ્રષ્ટાચાર માઝા મૂકે છે. ત્યારે આવી વ્યવસ્થાને બદલવા માટે આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો વ્યવસ્થા પરિવર્તન કરવું અને કાં તો વ્યવસ્થામાં તસવીર ધડમૂળથી બદલાય તેવા સુધારા અને ફેરફાર કરવા. જો કે દરેક સફળ તંત્ર, વ્યવસ્થાની સફળતા તેને અમલી બનાવનારા લોકો પર નિર્ભર કરે છે. જો કે સારી વ્યવસ્થા લોકોથી ખરાબ અને ખરાબ વ્યવસ્થા લોકોથી જ સારી થતી હોય છે. ત્યારે લોકોએ આના માટે દ્રઢ શરૂઆત કરવી જોઈએ. આખરે વ્યવસ્થા તેમના માટે છે.

શનિવાર, 9 જુલાઈ, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.

શુક્રવાર, 27 મે, 2011

ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડી અંગ્રેજી શાસનને હચમચાવ્યું!


એક દુબળા-પાતળા સાધુ સરીખા મહાત્મા ગાંધીએ પોતાના સત્યાગ્રહના શસ્ત્રથી દુનિયાના તત્કાલિન સૌથી શક્તિશાળી અંગ્રેજી સલ્તનતના પાયા એક મુઠ્ઠી મીઠું ઉચકીને હચમચાવી નાખ્યા હતા. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રાએ સમગ્ર ચળવળને મોટા નેતાઓની પકડમાંથી મુક્ત કરીને જન-જન સુધી પહોંચાડી દીધી હતી.

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. બ્રિટિશ હુકૂમત માટે આ એક પહેલી હતી કે આ યાત્રા જેનો અંત મીઠું બનાવવાથી થવાનો હતો, તે કેવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પ્રભાવિત કરી શકે છે.

પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી દ્વારા દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવાયું તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે પણ ટક્કર લઈ શકે છે.

6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું હતું. સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. પરંતુ આ આંદોલન નેતાઓના હાથમાં રહ્યું જ ન હતું. આ એક જનઆંદોલન બની ચુક્યું હતું. મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.1919માં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ચૌરાચૌરીના કાંડ બાદ આંદોલનને અધવચ્ચે જ પડતું મુકવામાં આવ્યું હતું. ગાંધીજીનો મત હતો કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેઓ તત્કાલિન ભારતની સમસ્યાઓના સમાધાન માટે અહિંસક રસ્તા પર લોકોને લઈ જવા માંગતા હતા. તેમનું દ્રઢપણે માનવું હતું કે દુનિયાની સૌથી મોટી શક્તિ સામે ભારતીયો આત્મવિશ્વાસ સાથે અહિંસક રસ્તે આગળ વધીને આંદોલન કરશે, તો તેનાથી છૂટકારો મેળવી શકાશે.

જો કે અસહયોગ આંદોલનના સમાપ્ત થયા બાદ મહાત્મા ગાંધીએ પોતાને સમાજ સુધારાના કાર્યો સુધી સીમિત રાખ્યા હતા. 1928માં તેમણે ફરીથી રાજકારણામં પ્રવેશ કરવાનું વિચાર્યું. તે વર્ષે શ્વેત સભ્યોવાળા સાઈમન કમિશનને ઉપનિવેશની પરિસ્થિતિઓની તપાસ માટે ઈંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું હતું. સાઈમન કમિશન વિરુદ્ધ અખિલ ભારતીય અભિયાનો ચલાવાય રહ્યાં હતા. ગાંધીજીએ સાઈમન કમિશન વિરોધી આંદોલનોમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમણે પોતાના આશિર્વાદ આવા આંદોલનનો આપ્યા હતા. તે વર્ષે ગુજરાતના બારડોલી ખાતે સરદાર પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ સંદર્ભે પણ ગાંધીજીએ આવી જ નીતિ અપનાવી હતી.

1929માં ડિસેમ્બરના અંતમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોર શહેરમાં થયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નેહરુને અધ્યક્ષ તરીકે પસંદ કરીને કોંગ્રેસની કમાન યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને પૂર્ણ સ્વરાજની ઉદઘોષણા કરવામાં આવી હતી. તેના કારણે દેશમાં તત્કાલિન રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો હતો.

26 ફેબ્રુઆરી, 1930ના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશભક્તિના ગીતો ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તેમણે કહ્યું હતું કે આમા ભાગ લેનારા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરે કે અન્ય લોકોની જેમ ભારતીય લોકોને પણ સ્વતંત્રતા અને પોતાના કઠિન પરિશ્રમના ફળનો આનંદ લેવાનો અહરણીય અધિકાર છે અને જો કોઈપણ સરકાર લોકોને આવા અધિકારોથી વંચિત રાખે છે અથવા તેનું દમન કરે છે, તો લોકોને તેને બદલવાનો અથવા સમાપ્ત કરવાનો પણ અધિકાર છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ મહાત્મા ગાંધીએ ઘોષણા કરી કે તેઓ બ્રિટિશ ભારતના સર્વાધિક ધૃણિત કાયદામાંથી એક એવા મીઠાંના ઉત્પાદન અને વેચાણ પર રાજ્યના એકાધિકાર આપનારા કાયદાને તોડવા માટે એક યાત્રાનું નેતૃત્વ કરશે. મીઠાં પર કર અને એકાધિકાર સામે યાત્રાનો જે મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો હતો તે તેમની કુશળ સમજદારીનું અન્ય એક ઉદાહરણ હતું. પ્રત્યેક ભારતીય ઘરમાં મીઠાંનો ઉપયોગ અપરિહાર્ય હતો. પરંતુ બ્રિટિશ સત્તાધીશોએ લોકોને ઘરેલુ ઉપયોગ માટે પણ મીઠું બનાવતા રોક્યા હતા અને તેમને દુકાનોમાંથી ઉંચી કિંમતે મીઠું ખરીદવા પર બાધ્ય કર્યા હતા. મીઠાં પર રાજ્યનો એકાધિકાર ઘણો જ અલોકપ્રિય હતો. તેને નિશાન બનાવીને ગાંધીજીએ અંગ્રેજી શાસન વિરુદ્ધ વ્યાપક અસંતોષને સંગઠિત કરવાનો વિચાર કર્યો હતો.

મોટાભાગના ભારતીયો ગાંધીજીના આ આંદોલનના ગૂઢાર્થો સમજી ગયા હતા, પરંતુ અંગ્રેજી હુકૂમત ઉંઘતી ઝડપાય હતી. જો કે ગાંધીજીએ પોતાની દાંડી યાત્રાની માહિતી યાત્રા પહેલા વાઈસરોઈ લોર્ડ ઈરવિનને આપી દીધી હતી. પરંતુ ઈરવિન તેમની કાર્યવાહીનું મહત્વ સમજી શક્યો ન હતો.

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સમુદ્ર તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. ત્રણ સપ્તાહ બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા. ત્યાં તેમણે મુઠ્ઠીભર મીઠું બનાવીને સ્વયંને કાયદાની નજરમાં અપરાધી બનાવી દીધા. તે વખતે દેશના અન્ય ભોગામાં સમાંતર નમક સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. નમક સત્યાગ્રહ સંદર્ભે અંગ્રેજોએ લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરી હતી. ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વસના નામના ગામમાં ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂઠ થવું પડશે. આ સ્વરાજની સીડીઓ છે. ફ્પુલિસના જાસૂસોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગાંધીજીની સભાઓમાં તમામ જાતિઓના સ્ત્રી-પુરુષો સામેલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું હતું કે હજારો સ્વયંસેવકો રાષ્ટ્રવાદી ઉદેશ્યથી સામે આવી રહ્યાં છે. તેમાંથી ઘણાં બધાં એવાં સરકારી અધિકારીઓ હતા કે જેમણે ઉપનિવેશિક શાસનમાં પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા હતા.

અમેરિકાના ટાઈમ મેગેઝીનને ગાંધીજીની કદકાઠીથી હસવું આવતું હતું. ટાઈમ મેગેઝીને ગાંધીજીના સૂકલકડી શરીર અને કરોળિયા જેવા પગની ખૂબ મજાક ઉડાડી હતી. આ યાત્રા સંદર્ભે પોતાના પહેલા અહેવાલમાં ટાઈમે દાંડી યાત્રાના તેના મંઝિલ સુધી પહોંચવા પર ઘેરી શંકા વ્યક્ત કરી હતી. તેનો દાવો હતો કે બજા દિવેસ પગપાળા ચાલ્યા બાદ ગાંધીજી જમીન પર ફસડાઈ પડશે. મેગેઝીનને વિશ્વાસ ન હતો કે આ મરિયલ દેખાતા સાધુના શરીરમાં વધુ શક્તિ બચી છે. પરંતુ એક જ રાતમાં મેગેઝીનને પોતાનો વિચાર બદલવો પડયો હતો. ટાઈમે લખ્યું છે કે આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે અને તેણે અંગ્રેજી શાસકોને બેચેન કરી દીધા છે. તેઓ પણ ગાંધીજીને એવા સાધુ અને જનનેતા કહીને સલામી આપવા લાગ્યા હતા.

દાંડી યાત્રાની ત્રણ ઉપલબ્ધિઓ છે. આ યાત્રાથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા. આ યાત્રાને યૂરોપ અને અમેરિકી પ્રેસમાં મોટું કવરેજ મળ્યું હતું. બીજું, રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્રીજું, સૌથી મહત્વનું કારણ એ હતું કે નમક સત્યાગ્રહથી અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં અને તેમણે ભારતીયોને પણ સત્તામાં ભાગ આપવો પડશે.

આમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સફળતા-અસફળતાના દાવા-પ્રતિદાવાઓ તથા વિવાદો છતાં આઝાદીની લડતમાં જનતાને જોડવા માટે 6 એપ્રિલ, 1930ની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહને યાદ રાખવામાં આવશે.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે દાંડી યાત્રા ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ હતો? એક મુઠ્ઠી મીઠું ઉંચકીને સૂકલડી દેખાતા અંદરથી મજબૂત મહાત્મા ગાંધીના અંગ્રેજી સત્તાને પડકારથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા? તમારા મતે જનતાની આકાંક્ષા અને ઈચ્છાઓ પૂરી ન કરતી સરકારને બદલવાનો અથવા તેને દૂર કરવાનો પૂરો અધિકાર જનતાને હોવાનો ગાંધીજીના મત સાથે તમે સંમત છો?

ગાંધી સ્મરણ: બાપુથી મોટો હિંદુ કોણ?

રેંટિયા બારસના અવસરે ગાંધી સ્મરણ કરી લઈએ. ગાંધીની જન્મતિથિ પર મહાત્માના વ્યક્તિત્વ પર એક નજર માંડવી ઘટે. કારણ કે આજકાલ અયોધ્યાના ચુકાદા બાદ ફરી એક વખત રામ, રામમંદિર અને રામરાજ્ય પર ચર્ચાઓ થવા માંડી છે. અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપનાંને પૂર્ણ કરનારી તક દેખાય છે, તો અડવાણીને તેમની રથયાત્રા પર ખુદને નિર્દોષ ગણવાનું કારણ મળી ગયું છે. કટિયાર વડાપ્રધાન સમક્ષ સંસદમાં રામમંદિર નિર્માણ અર્થે વિધેયક લાવવાની માગણી કરી રહ્યાં છે. લોકોના હ્રદયમાં આસ્થારૂપ રામ હવે રાજકારણમાં ચર્ચામાં છે, રામમંદિર ચર્ચામાં છે, રામરાજ્ય હવે ચર્ચામાં છે.

પરંતુ રામ અને રામરાજ્યને ગાંધીની નજરે જોવાની જરૂર છે. જે માણસે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડયો નથી. તે માણસની કલ્પનાઓ સાકાર કરવાની તક 63 વર્ષથી મળી છે, પણ હજી સુધી આ તકને કોઈએ પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું નથી. 63 વર્ષ બાદ હવે કોઈ કહી શકે તેમ નથી કે માત્ર અમુક જ પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તાસ્થાને હતી કે છે. પ્રજાએ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને કેન્દ્રમાં અને રાજ્યોમાં તક આપી છે. ગુજરાતમાં જ વાત કરીએ તો કોંગ્રેસ 1989થી વિપક્ષમાં છે. છતાં કોઈ રામરાજ્ય સ્થપાયું હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેની ઘણી દુખતી રગો છે, તેના પણ અત્યારે હાથ મુકવો નથી.

પણ વાત કરવી છે, ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતાં એક હિંદુની. ગાંધીનું વ્યક્તિત્વ નખશીખ હિંદુ હોવા સંદર્ભે ભાગલાવાદી ઝીણાને ક્યારેય શંકા ન હતી. ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિંદુપણાંને ઝીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું. તેમ છતાં ગાંધીએ પોતાના હિંદુપણાંને છોડયું ન હતું. આ હિંદુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું. પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી. તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું. દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા. તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરીને જીવનનો ઉતરાર્ધ કાઢવાનું નક્કી કર્યું. આ સંતવૃતિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો. ગાંધીજીએ પોતાના જીવનકાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું. પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો, તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો. પોતાના જીવનમાં સાદગીને અપનાવી તે પણ તેમની હિંદુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃતિનું જ પરિણામ હતી.

ગાંધીજીનું કોઈ પણ કાર્ય, કોઈપણ સિંદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિંદુપણું છલકતું દેખાય. આ હિંદુપણાંને કોઈ કોમવાદ કે કટ્ટરતાની ગાળ આપી શકે તેમ ન નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહીંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે. સત્યને હિંદુ ધર્મે શિવનું સ્વરૂપ ગણ્યું છે. જ્યારે અહીંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહીંસા પરમો ધર્મના અર્થમાં વ્યાખ્યાયિત કર્યો છે. ગાંધીજી સત્યનો આગ્રહ રાખતાં પણ તેના માટે કોઈ હિંસાનો સહારો લેવાની સખત વિરુદ્ધ હતા.

ગાંધીજી અભય, અસ્તેય અને બ્રહ્મચર્યને પણ એટલું જ મહત્વ આપતાં હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ...નરસિંહ મહેતાના આ ભજન પ્રમાણેનું જીવન ગાંધીજી મરણ સુધી જીવી ગયા. ગાંધીજીએ પોતાના જીવનમાં વિનયને પણ સૌથી વધારે સ્થાન આપ્યું. અંગ્રેજી સરકારનો વિરોધ કરવા માટે કાનૂનભંગની ચળવળ ચલાવી પણ તે પણ સવિનય સાથે. એટલે તો તેને નામ મળ્યું સવિનય કાનૂન ભંગની ચળવળ. તેમણે મીઠાંના કાયદાને તોડવા માટે દાંડીયાત્રા કરી અને યાત્રા કોઈ તીર્થસ્થાનની થાય. ગાંધીએ મીઠાના કાળા કાયદાને તોડવા માટે દાંડીની યાત્રા કરી હતી. જેની આજે પણ સો વર્ષ પછી તેની નકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સવાલ એ છે કે ભૂતકાળની યાત્રાની નકલ કરવાથી શું મળશે? તેના માટે તો વર્તમાનની કોઈ સમસ્યાને દાંડીયાત્રાની પ્રેરણાથી ઉકેલવામાં આવશે, તો દાંડીયાત્રાની યાદ તાજી થશે.

ગાંધીજીએ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. તેમણે તેમની કલ્પનાના રામરાજ્યમાં કોઈ વ્યક્તિ દુખી ન હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે, કોઈ વ્યક્તિ સમસ્યાઓથી ગ્રસિત ન હોય, તેવી કલ્પના કરી હતી. શું રામમંદિરનું નિર્માણ થઈ જવા માત્રથી ગાંધીની કલ્પનાનું રામરાજ્ય સ્થપાય જવાનું છે? જો માત્ર રામમંદિર નિર્માણ ગાંધીના સપનાનું રામરાજ્ય સાકાર કરવાની તક હશે, તો અત્યારે તો લાગે છે કે આ તક આપણે 1984, 1992 અને 2002માં ચુકી ગયા છીએ.

જ્યારે 15મી ઓગસ્ટે, 1947એ આઝાદી મળી અને દિલ્હીમાં સરકારના ગઠન કવાયત અને સત્તાની ભાગબટાઈ થઈ રહી હતી. ત્યારે આ મહત્મા નિર્દોષ લોકોના જીવ બચાવા માટે નોઆખલીમાં ઉપવાસ કરી રહ્યો હતો. ગાંધીએ વિરોધનું જે શસ્ત્ર અપનાવ્યું હતું તેમાં એક ઉપવાસ પણ હતો. ઉપવાસનું પણ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. પણ આજના નેતાઓ તો ઉપવાસના નામે નાટક કરે છે. ઉપવાસ પર ઉતરેલા નેતાઓ પોતાની આજુબાજુ તામજામ કરીને એસી સાથે માંડ એક દિવસના ઉપવાસ કરી શકે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિથી તરબતર ગાંધીજીએ આવા ઉપવાસો જીવનના અંતકાળ સુધી ચાલુ રાખ્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેએ ગાંધીજીને ત્રણ ગોળીઓ ધરબી દીધી તે સ્થળ પ્રાર્થનાસભાનું હતું. ગાંધીજી રોજ સાંજે પાંચ કલાકે લોકોને સંબોધતાં તેના માટે જે સ્વયં આયોજન થઈ જતું તે કોઈ જાહેરસભા ન હતી રહેતી પણ તે પ્રાર્થનાસભા રહેતી. ગાંધીજી તેમની હત્યાના દિવસ સિવાય ક્યારેય પ્રાર્થનાસભામાં મોડા પડયા ન હતા. ગાંધીજી પોતાની પ્રાર્થના સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવડાવતા. તે કોઈ માત્ર ભક્તિથી પ્રેરિત નહીં હોય. તેનો હેતુ પ્રભુ શ્રીરામના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારી તેનું અનુસરણ થાય અને મન સદા રામમાં રમણ કરે, તેવો તેમનો હેતુ હશે. ભગવાન રામમાં રમણ કરનારા મહાત્મા ગાંધીના મન એટલું બધું રામમય હતું કે તેમણે નથુરામ ગોડસેની ગોળીઓ ખાધા પછી પણ ‘હે રામ’ કહ્યું હતું. જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન મહાત્મા ગાંધી શ્રીમદ્ ભગવત ગીતામાંથી શોધતા હતા. તેમણે કહ્યું પણ હતું કે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ ગીતામાંથી મળી રહે છે. આજનો ક્યો રાજકારણી ગાંધીની જેમ ગીતાને વાંચતો હશે.

પોતાને હિંદુત્વના ઝંડાદારો, હિંદુ હ્રદયસમ્રાટો ગણાવતા અને ગણાતાં લોકોમાંથી કેટલાં લોકોના વ્યક્તિમાં ગાંધીજી જેટલું હિંદુપણું વહેતુ દેખાય છે? વળી ગાંધીવાદની વાતો કરનારા ગાંધીવાદી લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંધીજીના વ્યક્તિત્વમાંથી હિંદુપણાંને કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ બચતું નથી. આ ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના વર્ગમાં સંબોધન માટે જવાનો પણ કોઈ છોછ ન હતો. તેમણે વર્ધામાં આરએસએસના વર્ગની મુલાકાત પણ લીધી હતી. ગાંધીજીની હત્યા વખતે આરએસએસ પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે ત્યાર બાદ આરએસએસને દોષમુક્ત કરવામાં આવ્યું હતું. પણ આજે આરએસએસના પ્રાત: સ્મરણ શ્લોકમાં મહાત્મા ગાંધીને દેવ કહીને તેમનું સ્મરણ કરવામાં આવે છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ગાંધીના સ્મરણથી તેમના અનુસરણ સુધી આગળ તો વધવું પડશે ને?

ભારતમાં રામરાજ્યની સ્થાપના માટે ગાંધીને કોઈ વાદ કે કોઈ મુદ્દામાં જકડવાનું બંધ કરીને તેમના આચાર-વિચારને, તેમના જીવન સંદેશનું અનુસરણ કરવું વધારે જરૂરી છે. આપણે ગાંધીના હિંદુપણાને તેમના સર્વધર્મ સમભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, અભયથી કેવી રીતે અલગ કરીને જોઈ શકીશું? અને આવા જીવનમૂલ્યોની ગેરહાજરી ખરેખર હિંદુપણું છે, તે ખરેખર હિંદુત્વ છે?

વાચક મિત્રો આ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છો...આપના અભિપ્રાયો આવકાર્ય છે.

ગાંધીની આંધી સમજો, તોફાનોમાંથી પાર પડશો!

મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ કે જેનું જીવન જ સંદેશ છે. પરંતુ આ સંદેશને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. બાપુએ બતાવેલો સત્યાગ્રહના રસ્તે ચાલવા માટે આપણે તૈયાર છીએ? સત્યાગ્રહ માટે દ્રઢનિશ્ચયી છીએ? બાપુએ એક વાત શિખવાડી છે કે સત્યાગ્રહ કરવાનો પણ તે અહિંસકપણે કરવાનો. જ્યારે સત્યાગ્રહ કરીએ ત્યારે હિંસાને કેવી રીતે સ્થાન આપી શકાય?

વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.

ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.
વિશ્વમાં બે વિશ્વ યુદ્ધો થયા છે. ભીષણ વિશ્વ યુદ્ધો બાદ કહેવાતું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ હવે નજીકમાં જ છે. પરંતુ હજી સુધી ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તેવી કોઈ ઠોસ શક્યતાઓ બની નથી. તેની સામે વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો યુદ્ધોને ટાળવા અને શાંતિની સ્થાપના માટે પ્રયત્નશીલ છે. આવા લોકોના પથદર્શક તરીકે ગાંધીજીના વિચારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામાના પ્રેરક પુરુષોમાંના એક છે.

જો કે ગાંધીજીના સત્યાગ્રહને ખોટી રીતે સમજવામાં આવ્યો છે, તેવી જ રીતે તેમની અહિંસાને પણ ખોટી રીતે સમજવામાં આવી છે. કમજોર નબળાં માણસની અહિંસા અને સબળા, શક્તિશાળી વ્યક્તિની અહિંસામાં ઘણું અંતર છે. કમજોર અને નબળાં માણસ માટે અહિંસા એક મજબૂરી છે. જ્યારે શક્તિશાળી અને સબળા લોકો અહિંસાને ધારણ કરે છે, ત્યારે તે તેમનું વ્રત છે. ગાંધીજીએ જ્યારે અહિંસા ધારણ કરી હતી, ત્યારે તેઓ ભારતની અંદર તે ઈચ્છત તેવું આંદોલન કરી શકત. લોકો તેમના કહેવા પર કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે પણ તૈયાર હતા. વળી 1857માં પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ દ્વારા ભારતીય ક્રાંતિકારીઓ સાબિત કરી ચુક્યા હતા કે તેઓ અંગ્રેજોના શાસનને પડકારી શકે છે. પરંતુ ગાંધીજીએ તે રસ્તો પસંદ ન કર્યો.

ગાંધીજીએ સત્યાગ્રહનો રસ્તો પસંદ કર્યો પણ તે રસ્તો અહિંસાના માર્ગ પર આગળ વધ્યો. આ જે અહિંસા હતી, તે એક સબળ રાષ્ટ્રની અહિંસા હતી. આ અહિંસાએ આપદ્જનોની હિંસાથી દેશને બચાવ્યો છે. ત્યારે ભારતમાં 1920 બાદ મહદઅંશે ભારતીય સ્વતંત્રતા આંદોલન અહિંસક રીતે ગાંધીજીના માર્ગદર્શન નીચે ચાલ્યું હતું. તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. પરંતુ ગાંધીજીનો અહિંસાનો રસ્તો નબળાં વ્યક્તિત્વની અહિંસા ન હતી, તેમના અહિંસક વિરોધમાં સત્યાગ્રહ હતો. થોપી દેવાયેલી ખોટી વ્યવસ્થાનો વિરોધ ગાંધીની અહિંસામાં હતો. એટલે આ અહિંસા કમજોર હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

પરંતુ અત્યારે આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને અન્ય અસંતુષ્ટ તથા નારાજ લોકો દેશમાં કોઈ તેમના અનુકૂળ પરિવર્તન માટે હિંસાનો વત્તા-ઓછાં પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેમની હિંસાનો ભોગ તેઓ જેમના માટે નવા અનુકૂળ પરિવર્તનો કરવા માંગે છે, તેવા જ લોકો તેનો ભોગ પણ બની રહ્યાં છે. ત્યારે આ હિંસાના ગર્ભમાં કોઈપણ પ્રકારનું સુખ છુપાયેલું ન હોઈ શકે. આ હિંસામાં માત્ર બરબાદી જ છુપાયેલી છે. દરેક ક્રાંતિ હિંસાથી જ થાય, તેવી કોઈ વાસ્તવિકતા નથી. ક્રાંતિ હિંસા વગર પણ થઈ શકે છે. ક્રાંતિ શાંતિ માટે હોવી જોઈએ. ક્રાંતિ સુખ-સમૃદ્ધિ માટે હોવી જોઈએ. ક્રાંતિનો રસ્તો શાંતિમાંથી પણ પસાર થઈ શકે છે.

મનુષ્યત્વની અપરિપક્વતા હિંસાને જન્મ આપે છે. જો પરિપક્વતા ક્રાંતિનું કારણ બને તો તે અવશ્ય બુદ્ધના રસ્તે ચાલશે, મહાવીરના રસ્તે ચાલશે, ગાંધીના રસ્તે ચાલશે. ગાંધીનો રસ્તો ભારતીયોને પરિપક્વતા તરફ લઈ જવાનો હાલમાં ઉપલબ્ધ એકમાત્ર રસ્તો છે. મુનષ્યત્વની પરિપક્વતાના પરિપાકરૂપ ગાંધીના અહિંસક સત્યાગ્રહોએ આ દેશને નવો રાહ ચિંધ્યો છે. પરંતુ આ દેશમાં ત્યારે ત્યારે હિંસા થઈ છે કે જ્યારે આ દેશની પરિપક્વતાએ ગાંધીના અહિંસક સત્યાગ્રહનો આગ્રહ છોડી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ જાહેર કર્યો છે. ત્યારે એક વાત સમજવી પડશે કે ગાંધીનો સંદેશ સત્યાગ્રહ છોડવાનો નથી. સત્યાગ્રહ માટે હિંસાને છોડવાનો છે, અહિંસક સત્યાગ્રહ કરવાનો છે.

ભારત હાલ પણ ઘણાં બધાં સામાજીક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતને આવા હજી પણ ઘણાં પરિવર્તનોની જરૂર છે. તેના માટે સત્યાગ્રહી નેતૃત્વની જરૂર છે. જો કે ગાંધીજીના સત્યાગ્રહી નેતૃત્વનો હાલના નેતાગણમાં કોઈ અંશ દેખાતો નથી અને જ્યારે આવા નેતાઓ ગાંધીજીના સિંદ્ધાંતની વાતો કરતાં હોય છે, ત્યારે તેઓ અત્યંત હાસ્યાસ્પદ લાગે છે.

આવા હાસ્યાસ્પદ કાર્ટૂનછાપોથી બચીને ગાંધીજીને દિલથી સમજીશું તો ભારતની કોઈપણ સમસ્યા સંદર્ભેની પ્રતિક્રિયા એક પરિપક્વ રાષ્ટ્રની પ્રતિક્રિયા હશે. હાલમાં અયોધ્યા વિવાદના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ આવા જ કેટલાંક નેતાઓએ રાજકારણ ગરમ કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્રજા હજી સુધી તો પરિપક્વતાનો પરિચય આપી રહી છે. ખરેખર ગાંધી જયંતિના દિવસે ગાંધીના સંદેશને વાસ્તવિકરૂપ આપ્યું હોય, તો આ ભારતવાસીઓ જ આપ્યું છે. તેમણે સાબિત કર્યું છે કે તેમની સમસ્યા ઉકેલવા કરતાં તેમાં વધારો કરનારા કાર્ટૂનછાપ નેતાઓની હવે તેમને જરૂર નથી.

વાચકમિત્રો ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ અને તેમના સિદ્ધાંતો હજી પણ આપણું માર્ગદર્શન કરી શકશે, તેવું આપને લાગે છે. તમે શું માનો છો? આપ આપનો અભિપ્રાય નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને મોકલી શકો છો......